- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અજાણ્યા સાથે વાતચીત – રજનીકાંત પટેલ

અજાણ્યા સ્થળે અજાણ્યા માનવીની વચ્ચે આવી પડવાના બનાવો દરેકના જીવનમાં બને છે. તમે લગ્ન સમારંભમાં ગયા છો. તમને ઓળખતા યજમાને રોકવા માટે આગ્રહ કર્યો. તમે રોકાયા. બે-ત્રણ કલાક પસાર કરવાના છે. આસપાસ નજર કરી તો ખબર પડી કે ઘણા ખરા અજાણ્યા છે. આવો અનુભવ ઘણાને પ્રવાસ દરમિયાન પણ થાય છે. આવી પરિસ્થિતિમાં વાતચીતની કલા જાણનાર સૌથી વધારે સુખી જણાય છે. તેના માટે અજાણ્યાની મૈત્રીનું આહવાન છે, કેમકે વાતચીતની કલા દ્વારા તે તેમના હૃદય સુધી પહોંચવા તત્પર છે. આ તક તમે પણ ઝડપી શકો તેમ છે. સહેજ વધારે સભાન બની, નિર્ણય જરા વધારે દઢ કરી આગળ વધો.

અજાણ્યા સાથે વાતચીત શરૂ કરવામાં સહેજ સંકોચ થાય, વિલંબ થાય તે સ્વાભાવિક છે. પણ તેથી અજાણ્યા સાથે વાતચીત કરી શકાય નહીં. એવો ભય રાખવાનું કોઈ કારણ નથી. વાતચીતની કલા પ્રાપ્ત કરવાના માર્ગોની સૈદ્ધાંતિક ચર્ચા શરૂ કરવાને બદલે અજાણ્યાથી મૂંઝાતા એક ભાઈની અનુભવ કથા વધારે મદદરૂપ નીવડે તેવી છે. વાતચીતની કળામાં નિષ્ણાત એવા પ્રિયકાંતભાઈએ આ ભાઈને વાતચીતની કલાનું રહસ્ય બતાવ્યું તે એમના શબ્દોમાં જાણવા જેવું છે.
“મારા જીવનની ઘણી ઉમદા તકો મેં અજાણ્યા સાથે વાતચીત કરવાના ભયને લીધે ગુમાવેલી છે. હું નજીકના સગા સાથે કામપૂરતી વાત કરતો. મને કાયમ એમ લાગ્યા કરતું કે બીજા સાથે વાતચીત કરવામાં કંઈ સાર નથી.

બીજા સાથે વાતચીત કરવામાં મને તકલીફ શાથી પડે છે તેનાં કારણોથી હું તદ્દન અજાણ નહોતો મને એવી બીક લાગતી કે અજાણ્યા સાથે વાતચીત શરૂ કરીએ અને તે અપમાન કરે તો ? મશ્કરી કરો તો ? મારી વાતને બાલિશ ગણી કાઢે તો ? મારી બીક જિંદગીપર્યંત ચાલુ રહી હોત. સદ્દભાગ્યે મને માઉન્ટ આબુ પર પ્રિયકાન્તનો પરિચય થઈ ગયો. હું થોડા દિવસ માટે આબુ પર આરામ કરવા ગયો હતો. પુસ્તકો સાથે લીધાં હતાં. બપોરે પુસ્તકો વાંચતો અને સાંજના ફરવા નીકળી પડતો. મેં પ્રિયકાન્તભાઈને પહેલાં ‘સનસેટ પોઈન્ટ’ પર જોયા. તે દેખાવડા નહોતા. ચહેરો સૌમ્ય હતો. પ્રથમદષ્ટિએ જોતાં તેમનામાં ખાસ કંઈ આકર્ષણ જણાતું નહોતું. છતાં ઘણા અજાણ્યા લોકો તેમના મિત્ર બની જતા. તે કોઈ પણ જાતના સંકોચ વગર નિખાલસ દિલે અજાણ્યા સાથે વાતચીત શરૂ કરતા અને અંતે મિત્ર બની જતા.

બે-ત્રણ દિવસમાં મેં તેમને ચાર-પાંચ સ્થળે જોયા. ક્યાંય તેમના માટે કોઈ અજાણ્યા નહોતા. મને થયું કે આ ભાઈ સાથે મારો મેળાપ થાય તો મારી મૂંઝવણ અંગે માર્ગદર્શન મળી શકે. એક સંધ્યાએ તે મને નખી પર આવેલા બગીચામાં મળી ગયા. હું બગીચાના બાંકડા પર બેઠો હતો. મારી તરફ સ્મિત કરી તેમણે કહ્યું : ‘હું તમારી સાથે બાંકડા પર બેસી શકું ?’ માત્ર દસ મિનિટમાં પ્રિયકાન્તભાઈએ મને એવો પરિચિત બનાવી દીધો કે સહેજ પણ મૂંઝવણ વગર હું તેમને એક પછી એક પ્રશ્નો પૂછવા લાગ્યો. ‘તમે અજાણ્યા સાથે આટલી સહેલાઈથી વાતચીત શી રીતે કરી શકો છો ?’ તમને મશ્કરીની બીક લાગતી નથી ? અપમાન થવાની બીક લાગતી નથી ?’

મારા પ્રશ્નોના જવાબ આપતાં પ્રિયકાન્તભાઈ બોલ્યા : ‘જુઓ મધુભાઈ, એક બાબત યાદ રાખો કે જ્યાં સુધી આપણે બીજા સાથે સંબંધ બાંધીએ નહીં ત્યાં સુધી બધાં અજાણ્યાં જ હોય છે. તમે અત્યારે જે મિત્રોને જાણીતા કહો છો તે એક વખત તો અજાણ્યા જ હતા ને ? વાતચીત દ્વારા તમે એમના દિલ અને દિમાગ સુધી પહોંચ્યા ન હોત તો જિંદગીભર તેઓ અજાણ્યા રહેત. બીજા લોકો અજાણ્યા હોય ત્યારે વાતચીત ખાસ જરૂરી છે.’

‘અજાણ્યા અપમાન કરે તો એવો તમારો મત અનુભવના અભાવે બંધાયેલો છે. ખરેખર તો અજાણ્યા લોકો સારો વર્તાવ કરે છે, આપણાં સ્વાર્થ કે હિત જેમની સાથે વધારે જોડાયેલાં હોય તેવા નજીકના સગા સાથે ઝઘડા થાય તે વધારે સંભવિત છે. અજાણ્યા સાથે સંઘર્ષની શક્યતાઓ ઘણી ઓછી છે. માણસ ગમે તેવો અજાણ્યો હોય પણ તમે તેને રસ હોય તેવી વાત કરો તો એ વાતચીત માટે તૈયાર થાય છે. એને રસ હોય એવી તમે બુદ્ધિપૂર્વકની બે-ત્રણ વાતો કરો, પછી એ વકતા અને તમે શ્રોતા.’ પ્રિયકાંતભાઈએ નખીમાં સરકતી હોડી પર નજર ફેરવી વાતો આગળ લંબાવી : ‘હું બહેનો સાથે સહજ રીતે વાતો કરું છું તે જોઈ ઘણાને નવાઈ લાગે છે. સ્ત્રી સાથે વાતચીત કરતાં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સ્ત્રીમાં તે માત્ર ‘સ્ત્રી’ છે માટે તમે રસ લો છો એવો ભાવ પેદા ન કરવો. સ્ત્રીની જાતિને પ્રાધાન્ય આપીને વાતચીત કરવાને બદલે તેના ‘વ્યક્તિત્વ’ ને લક્ષમાં રાખી વાતચીત કરનાર તેની નજીક જવામાં વધારે સફળ થાય છે. ગાઢ મિત્ર કે પ્રેમી માટે આ વાત વધારે સાચી મનાય છે. પણ અજાણી નારી સાથે વાતચીત કરનાર માટે એ એટલી જ સાચી છે.’

તે સંધ્યાએ મેં વાતચીતની કલા અંગે પ્રિયકાન્તભાઈ સાથે ઘણી વાતો કરી. મને એમની છેલ્લી વાત ગમી ગઈ. બાંકડા પરથી ઊઠી બગીચાના દરવાજામાંથી પસાર થતાં તે બોલ્યા : ‘વાતચીતની કળા સાધનારે એ યાદ રાખવું જરૂરી છે કે મૌનને સમજ્યા વગર સાચી વાતચીતની કલા પ્રાપ્ત કરી શકાતી નથી. આસપાસના લોકોની વાતચીત જેમ આપણને કંઈક કહી જાય છે, કોઈ લાગણીનો અનુભવ કરાવી જાય છે, તેમ તેમનું મૌન પણ ઘણું કહી જાય છે. સામી વ્યક્તિના મૌનને માન આપ્યા વગર, સમજ્યા વગર કદી તોડવાનો પ્રયાસ કરવો નહીં.’

મેં પ્રિયકાન્તભાઈને ફરી જોયા નથી. તેમની સાથેની એ સંધ્યાની સ્મૃતિ મારી સાથે છે. તેમના છૂટા પડતી વખતે બોલાયેલા શબ્દોનો સાર હંમેશા મારી સાથે રહેશે : ‘સામી વ્યક્તિના મૌનને માન આપ્યા વગર વાતચીતની સાચી કલા કદી પ્રાપ્ત થતી નથી.’ અજાણ્યા સાથેની વાતચીતને યોગ્ય દષ્ટિએ લેવામાં ન આવે તો કંટાળો આવે. જે વાતચીતનું પરિણામ કંટાળો આવે તે મૈત્રીનો પાયો બની શકે નહીં. કંટાળા વગર વાતચીત કેમ થઈ શકે તે અંગે ફ્રાન્સિસ એલીન પાસેથી શીખવા જેવું છે. એલીન નટી હતી. તેનું બહુમાન કરવા સમારંભ ગોઠવાયો હતો. તે એક પછી એક વ્યક્તિને મળતી. તેમની સાથે થોડીવાર ઊભી રહેતી, વાતચીતમાં ચોક્કસ થઈ જતી, દરેક સાથે જુદા જુદા વિષયની વાતચીત થતી. ધીમે ધીમે આગળ વધતાં તે જાણીતા લેખક અને પત્રકાર વાન્સ પેકોર્ડ પાસે આવી. માત્ર થોડીક ક્ષણોમાં તે પત્રકારત્વ લેખન વગેરે વિષયો પર વાતચીત કરવા લાગી. વાન્સ પેકાર્ડે કેટલાક વખતથી એલીનને જોઈ રહ્યા હતા. તેમણે ધીમેથી પૂછ્યું : ‘આટલા બધા અજાણ્યા માણસો સાથે વાતચીત કરતાં તમને કંટાળો આવતો હશે ?’

એલીને આશ્ચર્ય સાથે કહ્યું, ‘કંટાળો જરાય નહીં. મને લોકો સાથે વાતચીત કરવામાં બહુ મઝા પડે છે. મારા માટે વાતચીત ઉત્તેજના અને સાહસનું કાર્ય છે.’ બહુ ઓછી વ્યક્તિઓ વાતચીતમાં રહેલ ઉત્તેજના અને સાહસના તત્વને સમજે છે. જે વાતચીતની કળાને આ દષ્ટિબિંદુથી જુએ છે તેના માટે જીવનરસનો મહાસાગર બની જાય છે. બધા અજાણ્યા માણસો મૈત્રીનો કિનારો બની જાય છે. આપણી આસપાસના હજારો લોકો જીવતી કથા છે. તેમના જીવનમાં એવા બનાવો બન્યા હોય છે. તેમનામાં એવી કોઈ ખાસિયત હોય છે કે જેમાં રસ પડે.

અજાણ્યા સાથે વાતચીત કરવાના પ્રસંગને જ્ઞાન સંપન્ન કરવાની પ્રવૃત્તિ ગણવામાં આવે તો ઘણી ખરી વાતચીત મૂલ્યવાન બની જાય. આપણી આસપાસ વિવિધ ધંધાના અને અનેક શોધ ધરાવનાર લોકો વસે છે. તેમનું જ્ઞાન આપણું બનાવી શકાય. માત્ર રસ લઈને વાતચીત શરૂ કરવાની અને તેને યોગ્ય દિશામાં વાળવાની જરૂર છે. તે કળા સાધ્ય થાય તો પછી વૈવિધ્યની કોઈ ખોટ નથી.