વિશ્વના પ્રેરક પ્રસંગો – સંકલિત

[1] મને બરોબર યાદ છે કે હું નાનો હતો ત્યારે એકવાર હું આખી રાત કુરાન પઢતો બેઠો હતો. તે વખતે મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા મોટેથી ઘોરતા હતા. મેં મારા અબ્બાજાનને જોઈને કહ્યું : ‘બાબા, જુઓને, આ લોકો કેવા છે ? ખુદાને નમાજ પઢવી તો બાજુએ રહી, પણ કોઈ માથુંયે ઊંચું કરતું નથી !’

આ સાંભળીને પિતાજી બોલ્યા : ‘બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો ઘણું સારું થાત, જેથી તું પારકાની નિંદા તો ન કરત !’ – શેખ સાદી

[2] આફ્રિકાના જંગલોમાં દીન:દુખિયાની સેવા કાજે જિંદગી ગુજારનાર આલ્બર્ટ શ્વાઈત્ઝરની હોસ્પિટલની મુલાકાતે આફ્રિકન સંસ્થાનના યુરોપીયન ગવર્નર જનરલ એકવાર આવવાના હતા. તે વખતે એક સાથીએ હિંમત કરીને કહ્યું : ‘ડૉકટર સાહેબ, આપ કાળી નેક ટાઈ પહેરો છો તે સાવ હવે જરી ગઈ છે હો.’
‘હા’ ડૉક્ટર બોલ્યા, ‘પણ તેનું કારણ મને સમજાતું નથી. એને લીધાને તો માંડ અઢાર વર્ષ થયાં હશે. અને તે હું તો મરણ પરણનો કોઈ અવસર હોય ત્યારે જ ડોકમાં ઘાલું છું.’
‘શું !?! અઢાર વર્ષથી….?’ સાથીએ આભા બનીને સવાલ કર્યો, ‘તે શું તમારી પાસે બીજી નેક ટાઈ પણ નથી ?’
‘એ તો હું એટલો ભાગ્યશાળી નથી.’ ડૉક્ટરે સમજાવતાં કહ્યું, ‘મારા પિતા પાસે બે નેક ટાઈ હતી, અને મને બરાબર સાંભરે છે કે – બેમાંથી કઈ સારી લાગે છે તેની ચર્ચા અમારા ઘરમાં કાયમ ચાલતી !’

[3] ભગવાન બુદ્ધ નગરમાં આવ્યાનું જાણીને વૈશાલીનો નગરપતિ નગર બહારના ઉદ્યાન ભણી એમનાં દર્શને ગયો. પણ ભગવાન તો ઉદ્યાનમાં નહીં પણ ઉદ્યાનના એક ખૂણે, આખા શરીરે વ્રણથી પીડાતા પડેલા એક કણસતા રોગીના ઘા સાફ કરતા હતા. આથી આશ્ચર્યચકિત થયેલા નગરપતિએ પૂછ્યું : ‘ભગવાન ! આજ શું આપ પ્રવચન કરવાના નથી ?’ તથાગતે કહ્યું : ‘આ જ તો મારું મોટામાં મોટું પ્રવચન છે. દુ:ખી, રોગી અને પીડિતની સેવા કરતાં મોટો બીજો કયો ધર્મ હોઈ શકે ?’

[4] સેવાગ્રામમાં એક દિવસ સેવાદળના સ્વયંસેવકો ગાંધીજીને મળવા આવ્યા. ડ્રિલ અને કવાયતની તેમની સુંદર તૈયારી ગાંધીજીને દેખાડીને તેમના આશીર્વાદ લેવા હતા. ગાંધીજીએ કવાયત વગેરે જોઈ પોતાનો સંતોષ વ્યક્ત કર્યો. સંચાલકે બે શબ્દ કહેવાની ગાંધીજીને પ્રાથના કરી. સ્વયંસેવકો દૂર કતારમાં બેઠા હતા. ગાંધીજીએ કહ્યું : ‘મારા બે શબ્દ સાંભળવા હોય તો નજીક આવો.’

સૂચના સાંભળતાં જ બધા સ્વયંસેવકોનું ટોળું હૂડડડ કરતું ઊભું થયું અને ગાંધીજીની નજીક આવીને વ્યવસ્થિત રીતે ઊભું રહ્યું.

ગાંધીજીએ કહ્યું તમે લોકો તાલીમબદ્ધ છો. કતારમાં કેમ ચાલવું, કેમ દોડવું, એનો સુંદર પ્રયોગ હમણાં જ તમે દેખાડ્યો હતો. તમે લોકો જ્યાં બેઠા હતા ત્યાંથી મારી પાસે આવવામાં એ જ વિદ્યા કામે લગાડી હોત તો મને ખૂબ આનંદ થાત. કતારમાં રહીને ઊભા થઈ ઝડપથી ચાલતા મારી નજીક આવી અર્ધાવર્તુળમાં આગળના લોકો બેસી ગયા હોત અને પાછળવાળા ઊભા રહ્યા હોત, તો તમારી કવાયત કામમાં આવી હોત. કવાયત માત્ર દેખાડવા માટે નથી, રોજબરોજના જીવનને વ્યવસ્થિત કરવા માટે હોય છે. – કાકા કાલેલકર

[5] મસ્તરામ, એકાંત સેવી અવધૂત પાસે જઈને રાજાએ માંગણી કરી કે, ‘આપ સમર્થ અને ચમત્કારી સંત છો. આપની પાસેથી મારે સ્વર્ગ અને નર્કના દરવાજાઓનું દર્શન કરવું છે.’
અવધૂતે આજીજીનો જવાબ વાળ્યો નહીં અને ચૂપચાપ બેસી રહ્યા.
આવી ઉપેક્ષાથી ગુસ્સે ભરાયેલો રાજા તેમની સામે આવીને ઊભો અને મોટેથી કહેવા લાગ્યો કે, ‘તમે ખરેખર સંત હો તો મને સ્વર્ગ અને નર્કના દરવાજાનાં દર્શન કરાવો.
અવધૂતે તુચ્છકારથી તેની સામે જોયું અને કહ્યું : ‘તું કોણ છો અને શા માટે આવ્યો છો ?’
રાજાએ માંડમાંડ ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને કહે : ‘હું આ પ્રદેશનો રાજા છું.’
અવધૂતે હાંસી ઉડાવી. ‘તું રાજા છે ? તારા દીદાર તો કોઈ ભિખારી જેવા જણાય છે ! તારા જેવા રાજા હોય તો લોકોની હાલત ક્યાંથી સારી થઈ શકે ?’

રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે તલવારની મૂઠ ઉપર હાથ મૂક્યો. અવધૂત હસવા લાગ્યા : ‘તારી પાસે તલવાર પણ છે ? આવા કટાયેલા હાથાથી તું લોકોને ડરાવતો રહે છે ?’ રાજાએ મ્યાનમાંથી ચમકતી તલવાર કાઢીને ઉગામી. સહેજ પણ થડકાર અનુભવ્યા વગર અવધૂત કહે : ‘રાજા, જુઓ આ નર્કનાં દ્વાર ખુલવા લાગ્યા !’ સંતના ઉપદેશથી અને તેનો આશય સમજાઈ ગયાથી રાજાએ તરત તલવાર ફેંકી દીધી અને સંતનાં ચરણ પકડી લીધા. ‘જુઓ રાજા ! હવે સ્વર્ગનાં દ્વાર ઉઘડી રહ્યાં છે !’ રાજા સમજ્યો. સ્વર્ગ અને નર્ક બંને આપણી કરણી અને મનોવૃત્તિનાં સ્વરૂપ છે. – નગીનદાસ સંઘવી.

[6] નાના એવા શહેરના મુખ્ય રસ્તા પરથી બેફામ ઝડપે પસાર થતી એક અમીરની મોટરગાડીને પાછળથી એને આંબી ગયેલા મોટર સાયકલ-સવાર પોલીસે ઊભી રખાવી. હાંકનાર સન્નારીના નામઠામ એણે પોતાની ડાયરીમાં નોંધવા માંડ્યા એટલે બાનુ જરા ગરમ થઈને બોલ્યાં : ‘તમે વધારે કંઈ લખો એ પહેલાં એટલું જાણી લેજો કે આ ગામના નગરપતિ મારા મિત્ર છે.’

એક પણ શબ્દ બોલ્યા વિના પોલીસે નોંધ ટપકાવવાની ચાલુ રાખી. ‘અહીંના પોલીસ ઉપરી પણ મને સારી રીતે ઓળખે છે.’ સન્નારીએ આગળ ચલાવ્યું. એમના મિજાજનો પારો ચડતો જતો હતો. તે છતાં પોલીસે તો ડાયરીમાં લખવાનું ચાલુ રાખ્યું. ‘ભલા આદમી હું તમારા મેજીસ્ટ્રેટને અને અહીંના ધારાસભ્યને પણ સારી રીતે ઓળખું છું.’

નોંઘ પૂરી કરી ડાયરી બંધ કરતા પોલીસે અંતે મધુરતાથી પૂછ્યું, ‘હવે કહો જોઈએ તમે કાનજી રવજીને પણ ઓળખો છો ?’
‘ના !’ બાનુએ કબૂલ કરતાં અચરજ બતાવ્યું. ‘ત્યારે ખરી જરૂર તમારે એની ઓળખાણની હતી.’
પોતાની મોટરસાયકલ પર ચડતાં તેણે કહ્યું અને ઉમેર્યું, ‘હું કાનજી રવજી છું.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજાણ્યા સાથે વાતચીત – રજનીકાંત પટેલ
મન ! તોહે કેહિ વિધ કર સમજાઉં ? – પુષ્કર ગોકાણી Next »   

12 પ્રતિભાવો : વિશ્વના પ્રેરક પ્રસંગો – સંકલિત

 1. Kaushik Joshi says:

  ખુબ જ સુદર . આવા વધુ લેખ વાલા પુસ્તક ના નામ આપ્શો.
  joshikj52@yahoomail.com

 2. Hiral says:

  Excellent!!!!

 3. Ritesh says:

  ખરેખર ખુબ જ સરસ લેખ છે…….આવા વધારે લેખ આપશો….

 4. keyur vyas says:

  સરસ,last one is really very nice.

 5. preeti hitesh tailor says:

  જીંદગીને જીવવાની અને જીતવાની જડીબુટ્ટીઓ આવા પ્રેરક પ્રસંગોમાં સંતાયેલી હોય છે.

 6. hitu pandya says:

  સરસ

 7. સુંદર કથાઓ છે.

 8. hardik says:

  your choise is impressive

 9. Julian says:

  ખુબ જ સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.