મારી ગોદડીને હૂંફના ટાંકા – રીના મહેતા

આ ટાઢી-ટબૂકલાં જેવી વાદળ છાઈ બપોરે સૌથી ગમતી વાત કઈ ? ગોદડામાં ગોટમોટ ઢબુરાઈ જવું તે. બે-ત્રણ દિવસથી ખૂબ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. પાછળ દૂર દૂર સુધી ખુલ્લું મેદાન છે, તેથી અહીં શિયાળાની અનુભૂતિ સઘન છે.

મને જાડા, શરીરથી અધ્ધર રહેતાં ગોદડાં પહેલેથી જ ન ગમે. વર્ષોથી હું જૂનાં સુતરાઉ લૂગડામાંથી હાથે સીવેલી ગોદડી જ ઓઢું. પરણીને આ ઘેર આવી ત્યારે અહીં આવી એક્કે ગોદડી નહિ. હા, હૂંફાળો, સુંવાળો, નવા જ પ્રકારનો અમેરિકાનો ધાબળો ખરો. તેની ઉપર સૂર્ય, પક્ષી વગેરેનું આકર્ષક ચિત્ર પણ ખરું. થોડક વખત એ ઓઢવાનો રોમાંચ પણ માણ્યો. પણ જેવો શિયાળો ગયો કે એ ય ગડી કરી મૂકી દેવાયો. પછી બા આપમેળે જ સમજી ગઈ હશે તે એણે એની ગોદડી સીવવાની સર્વ કળા વાપરીને એક અદ્દભુત ગોદડી બનાવી. આ ગોદડીમાં એક્કેય જાડું કપડું ન લેતાં જૂની રેશમી – ગરમ શાલો જ વાપરી. વળી, તેની ઉપર દાદાનું એમના લગ્ન સમયનું કસબી કોરવાળું કિરમજી રંગનું રેશમી અબોટિયું લઈ ખોળ ચઢાવી. હજી પૂરા ટાંકા દેવાય એ પહેલા જ હું ‘ટાંકા ઘેર મારીશ’ કહી એ લઈ આવી. એની રેશમ જેવી સુંવાળપ એટલી લોભામણી કે ટાંકા દીધાં વિના જ એને ઓઢી લીધી. પણ પેલું દાયકાઓ જૂનું જર્જરિત અબોટિયું થોડા જ વખતમાં સાવ જર્જરિત થઈ ફાટવા લાગ્યું. મેં ગોદડી પર બીજી ખોળ કરી. આઠ વર્ષમાં તો એ ગોદડી પર ખબર નહિ કેટલી ખોળ ચઢાવી ? પણ આશ્ચર્યની વાત તો એ હતી કે આટલી ખોળો ચઢી છતાં ગોદડી એવી ને એવી હલકીને સુંવાળી રહી !

ગોદડી બનાવવાનો રિવાજ અમારે ત્યાં પરંપરાગત છે. અમારા ચંદનબાએ આખી જિંદગીમાં કેટલી ગોદડી બનાવી હશે ! જ્યારે નવરાં પડે ત્યારે કંઈક સીવતા જ હોય ! તેઓ અને બાપુ ઘરમાં બે જ જણ તોયે આખો ડામચિયો ભરેલો ! એમાંયે વધારે તો દાદીએ સીવેલી ગોદડીઓ જ. દાદી અડોશ-પડોશમાં કે સગાવહાલાંનેય ગોદડી સીવી આપે. એ ઘર ખાલી થયું ત્યારે જ મેં સીસમના લાકડાનો ખાલીખમ ડામચિયો જોયો. રૂવાળી રજાઈઓ ને ગાદલાં તો અમે સુરત લઈ આવ્યાં પણ દાદીએ સીવેલી ગોદડીઓ વહેંચી દીધી ને ખાલી ડામચિયો ય વેચી દીધો.

પણ તો શું થયું ? સુરત આવ્યાં ને થોડાં જ દિવસમાં તેમણે સોય-દોરો હાથ ઝાલ્યો. બા કદીક ગોદડી સીવતી ખરી પણ દાદી તો રોજ નમતે પહોરે હું ઑફિસથી આવું ત્યારે મોતિયાવાળી આંખે ચશ્માં ચઢાવી સીવવાનો પથારો પાથરી કોઈ પણ ખંડમાં મગ્ન બેઠાં હોય. જાણે મારા આવવાની જ રાહ જોતાં બેઠાં હોય એમ ચપ્પ દઈ મારી તરફ લાંબી-મોટી સોય અને પતંગનો ધોયેલો, જાડો દોરો ધરી કહે, ‘લે ને બુન ! આ પરોવી આલ ને…’ થોડી વાર રહીને પાછી એમની પાસેથી પસાર થાઉં કે ફરી સોય-દોરો ધરે. કદીક જાણે મને એટલો સોય-દોરો પરોવવાનોય સમય ન હોય એમ હું સહેજ કંટાળાથી કહું : ‘આ શું આખો દિવસ સીવ-સીવ કર્યા કરો છો ?’ ત્યારે એ જાડાં અવાજે હસતાં, લાંબે રાગે કાંઈક જવાબ આપવા માંડે તે પહેલા તો હું ખંડ વળોટી ગઈ હોઉં. મને એ પણ યાદ ન આવે કે એમણે ડામચિયા ઉપર ગોઠવેલાં ગોદડીઓના પોચા ડુંગર પર ચઢવાની – કૂદવાની કેટલી મજા મેં માણી હતી. એ ડામચિયા પાછળની જરીક અમથી જગ્યામાં અંધારું રહેતું. હું ત્યાં ઘણીવાર સંતાઈ જતી.

સુરત આવ્યા પછી વરસ પણ ન થયું અને દાદી દાદર પરથી પડી ગયાં. સાવ પથારીવશ થઈ ગયાં, પણ પછી સ્વબળે લાકડીના ટેકે ચાલતાં થયાં. જરા ઠીક લાગ્યું કે ફરી એમના હાથમાં સોયદોરો ! હવે શું સીવે ? પોતાના ઓશીકાનું કવર, સાલ્લા ને થીંગડા, કબજાને બટન વગેરે…. કેમકે હવે કદી તેમનાથી જમીન ઉપર તો બેસાવાનું જ નહોતું. બેસ્યા વિના ગોદડી પાથરીને કઈ રીતે સીવે ? હવે ઉપરને બદલે નીચેના મોટામસ રૂમમાં સાવ એકલાં, લાકડાની ખુરશી કે પલંગ પર બેઠાંબેઠાં કદીક શિક્ષાપત્રી વાંચે, કદીક માળા કરતાં હોઠ ફફડાવે, કદીક પોતાની જમવાની થાળી ભગવાનની છબીને ધરી આરતી ગાય, તો કદીક સીવે. ઘણીવાર દોરાની રીલ કે ગૂંચળું નીચે પડી જાય તે લેવા વાંકા વળી હાથ લંબાવે. તેમનો હાથ નીચે રીલ સુધી પહોંચે નહિ. લાચાર લટક્યાં કરે. એવામાં મારાં કે કોઈનાં પગલાં સંભળાય કે ચપ દઈને કહે, ‘જો તો દોરો ક્યાં દડી ગયો છે ?’

તેમણે સીવેલી કેટલીય નાની ગોદડીઓમાં હું સૂતી હોઈશ. કેટલીય મોટી ગોદડીઓ મેં ઓઢી હશે. છેવટે આ ક્રમ મારી દીકરી સુધીયે ચાલ્યો. દ્વિજા આવવાની હતી એ પહેલા મેં અને બાએ હરખભેર ઘણી ગોદડીઓ સીવી હતી. અમે ઉપર અને તેઓ નીચે એકલાં હોય. હું નીચે જાઉં કે અચૂક ખબર-અંતર પૂછે. એક દહાડો કહે, ‘લે, આ દોરો પરોવીને આપને ?’ રાતની બત્તીના અજવાળામાં મેં પૂછ્યું : ‘હવે શું સીવવું છે ?’ તો મલકાતા મોઢે કહે : ‘ગોદડી.’
મેં કહ્યું : ‘અમે સીવી છે. ના સીવતા.’

આ વાત હું તો ભૂલી ગઈ. પણ, બે દિવસ રહીને એમણે હું નીચે ગઈ કે ધ્રૂજતા હરખાતા હાથે મારા હાથમાં બે નાની નાની ગોદડીઓ મૂકી. મારી અંદર એકદમ હૂંફનો ડૂમો ભરાઈ ગયો. જાતે માંડ ઊભા થતાં, સંડાસ જતાં કે નહાઈ શકતા એવાં એમની પલંગની થોડાક ફૂટની લંબચોરસ જગ્યામાં જ બધી દુનિયા હતી. ગોદડી સીવવા માટે એમણે અમારી પાસે કંઈ કપડુંયે માગ્યું નહોતું. પોતાના ઓશીકાના જૂના કવર વગેરે ધોવડાવી એને ધ્રૂજતે હાથે – ઝાંખી આંખે વાંકા-ચૂંકા ટાંકા દઈ બે ગોદડી તૈયાર કરી હતી. આ બે દિવસ એમણે એમની શિક્ષાપત્રીએ વાંચી નહીં હોય. બાએ હસતાં હસતાં કહ્યું : ‘ઘણી ગોદડીઓ છે, શું કામ સીવી ?’ ફરીએ જ જાડું હાસ્ય. અમે સીવેલી નવજાત શિશુ માટેની સુઘડ ગોદડીઓ આગળ આ લીલાં, જાડાં કપડાંવાળી ગોદડીઓ તેમની અતિપ્રિય છીંકણીની ગંધથી આવરાયેલી હતી. વળી તૈયાર, આકર્ષક સ્પનની ગોદડીઓય હતી. છતાં ક્યાંય સુધી મેં પેલી લીલી ગોદડીઓ પર દ્વિજાને સુવડાવી. પછી જૂની થયે એની ઉપર ખોળ પણ ચઢાવી અને ‘દાદીએ સીવેલી ગોદડી’ ની તેની ઓળખ પણ ઢંકાઈ ગઈ. જેમ હું મોટી થઈ ને એમની સીવેલી નાની ગોદડીની બહાર ચાલી ગઈ એમ એ ગોદડીની બહાર દ્વિજા પણ ઘૂંટણિયા કાઢી ચાલી ગઈ. પછી ગોદડીયે કોઈને આપી દીધી.

આ બધું યાદ કરતી હતી ત્યાં જોયું કે બાએ મને લગ્ન પછી આપેલી પેલી પોચી ગોદડી ઉપર દાદીનાં જ લૂગડાંની ખોળ છે. દાદી મરણ પામ્યાં પછી થોડાં જ વખત બાદ બાએ એમનું આ સારું લૂગડું આપ્યું, તેની મેં ખોળ કરી હતી. એ ઓઢીને પહેલી વાર સૂતી ત્યારે જાણે દાદીના ખોળાનો ભાસ થયો. પરોવી આલ ને ! આ ખોળ ફાટી જશે એટલે એની ઉપર નવી ખોળ કરીશ. પછી અંદર દાદીના લૂગડાંની યાદ પણ ઢંકાઈ જશે. બાળપણમાં ઘણીવાર ગોદડીનાં પોલાં થયેલાં ટાંકા કે ફાટેલી ખોળમાં અંદર કપડું ખેંચી જોતી કે આમાં કયું લૂગડું કે કયું કપડું છે. ત્યારે ઘણીવાર પારવાર આશ્ચર્ય થતું કે અરે ! આમાં તો આ લૂગડું છે ! આ માં તો આ કપડું છે ! આના પહેલાં આ ખોળ હતી ?

આપણે પણ એક પછી એક પડ-ખોળ ચઢાવી દીધેલી ગોદડી જેવા નથી હોતા ? ક્યારેક પોલા ટાંકાની અંદર ડોકિયું કરીએ તો આશ્ચર્ય કે દુ:ખ કંઈ પણ થાય કે આ હતું ? આ હતું ? ક્યારેક એ જોવાની હિંમત નથી ચાલતી તો પોલો ટાંકો સોય-દોરો લઈ સીવી નાંખીએ છીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હૈદ્રાબાદી બિરિયાની – નીલા કડકિયા
બે ગઝલો – કવિ રાવલ Next »   

23 પ્રતિભાવો : મારી ગોદડીને હૂંફના ટાંકા – રીના મહેતા

 1. Vikram Bhatt says:

  Very touchy.

 2. Manisha says:

  ગમ્યુ. મને પણ બા યાદ આવ્યા…. હાથમા સોયદોરો લઈ ને…. ઉબરા પાસે બેસતા ને ગોદડિ સિવતા……

 3. Hiral says:

  Rinabehen tame radavya vagar rehta nathi!
  mane tamari irshya aave che tamara pase dadi ni ketli yado che kash mane pan mara dada dadi no prem madyo hot!

 4. Lata Hirani says:

  આટલો સરસ નિબઁધ !! … હૈયુઁ એ ગોદડી જેવુઁ સુઁવાળુ અને મુલાયમ થઇ ગયુઁ. રીનાબેન, અભિનઁદન …

 5. Yogi Patel says:

  ખૂબ સુદર . હદયસ્પર્શી નિબંધ.

 6. preeti hitesh tailor says:

  રીનાબેન, તમારા દાદીને આટલી સુંદર ભાવાંજલિ આપવા બદલ અભિનંદન!!
  સ્મરણોનાં સથવારે અમે પણ ચાલી પડ્યાં,
  સ્મૃતિની એ ગલીઓમાં અમારા નેત્રો પણ ચૂઇ પડ્યાં!!

 7. sujata says:

  lekh vaanchi ne evu laagyu daadi na khodaa ma kyaank lapai jaoon……..75varse pan emne me soy ma doro parovta joya chhey…..sambandh hoonfada hata have yaad pan etlij ……..keep it up Rina…………

 8. Ritesh says:

  ખુબ જ સુંદર…..

 9. Urvin Shah says:

  બહુજ ગમ્યુ આભાર

 10. ખરેખર આપણે પણ ઘણી બધી ખોળ-ગડી ચઢાવતા જઈએ છીએ…

  કદાચ સમય સમયનું કામ કરે છે…કે પછી આપણે જ બેદરકારી માં રહી ને આ બધી ખોળો ને ચઢવા દઈએ છીએ??? ??? ???

 11. Dr. Devarshi Mehta says:

  મને પણ મારી બા યાદ્ આવિ ગઇ,ખુબ સરસ ગોદડી બનાવતા હતા.

 12. baboochak says:

  આખરે તમે રડાવી જ મુક્યો. ગોદડી ની હુંફ હજુ પણ અનુભવી શકું છું.

 13. Dhaval Shah says:

  Too good and touchy.

 14. bijal bhatt says:

  આજે ઘણા દિવસે કોઈ આર્ટિકલ વાંચીને આંખ ભિની થઈ .. ખુબ મન ભરીને રડી લીધું .. આજ તો છે આપણો સાંસ્કૃતિક વારસો જેની સમગ્ર વિશ્વ ઈર્ષા કરે છે… પેઢી દર પેઢી મળતો એ સ્નેહ અને વાત્સલ્યનો ખજાનો .. એ દીવ્યાતીત પ્રેમ અને હુંફ અવર્ણનિય છે…
  thanks ho !!!!

 15. […] પર માણ્યા છે, જેવા કે ‘સ સગડીનો સ’, ‘મારી ગોદડીને હૂંફના ટાંકા’, ‘તાળું અને ચાવી’, ‘વાત્સલ્યના […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.