પંડની પેટીમાં પારસ – બકુલ રાવલ

[‘એક ટહુકાનું આભ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી બકુલભાઈનો(મુંબઈ)  ખૂબ આભાર. ]

કહેવાય છે કે પારસમણિનો સ્પર્શ થાય તો લોખંડ પણ સુવર્ણ બની જાય છે. કવિએ આ વાતને વણી લેતાં ગાયું છે : ‘પંડની પેટીમાં પારસ છે પડ્યો.’

આ કાયારૂપી પેટીમાં પારસમણિ પડ્યો છે પણ જેને તેની જાણ નથી તે તેનો પ્રયોગ કરી શકતો નથી. આવા અજ્ઞાનીઓ પેલા માયાના આવરણને લીધે પારસમણિને પારખી શકતા નથી. આવું આવરણ કોઈ વિભૂતિ જ દૂર કરી શકે છે. એવા નરોત્તમનો સ્પર્શ પારસમણિ બનાવી શકે છે, પણ એવી પ્રતિભાનો અભાવ મહેસૂસ થવો જોઈએ. એક વેળા એની ગેરહાજરી આપણા અંતરની વ્યથા બને પછી તો સતત એની હાજરીની જ અપેક્ષા રહે છે. આદિલ મનસૂરીએ એક શેરમાં આવા જ કોઈ અભાવને વણી લઈને લખ્યું છે :

બાકી તો શું નથી દુનિયામાં ?
ચોતરફ બસ અભાવ છે તારો.

એ અભાવનો પડદો હટી જાય છે કે તરત સુંદરતાનો પારસમણિ ઝળહળી ઊઠે છે અને સર્વત્ર પ્રેમનું વિશ્વ ઝળાંહળાં થઈ જાય છે. શાયર નસીમ સાહેબનો એક શેર યાદ આવે છે.

એમનું સૌંદર્યદર્શન થાય છે ત્યારે જ તો –
માનવીની આંખ જ્યારે પ્રેમથી ભીંજાય છે.

ભીતરનો પારસમણિ જ્યારે પ્રગટે છે ત્યારે આપમેળે રસ્તાઓ, મંજિલો બની જતા હોય છે. શાયર જેહરા નિગાહ કંઈક આવા જ વિચારને વ્યક્ત કરતાં લખે છે.

હમ જો પહુંચે તો રહગુજર હી નથી,
તુમ જો આયે તો મંજિલેં લાયે.

અર્જુનની ભીતર પારસમણિ ન હતો એવું કોણ કહી શકશે ? પણ એ મણિ પર પેલા વિષાદયોગનું આવરણ આવી ગયું હતું અને તેથી જ તેણે કુરુક્ષેત્રના યુદ્ધમાંથી પીછેહઠ કરવાની કાયરતા દર્શાવી હતી પણ તેની આ બુઝદિલીને ભગવાન કૃષ્ણે કેવી સિફતથી દૂર કરીને કહી દીધું હતું કે ‘હે અર્જુન, ઊઠ અને યુદ્ધ માટે કટિબદ્ધ થા.’

એક કથા યાદ આવે છે. એક ગુરુ હતા. તેમનો એક ચેલો ખૂબ જિજ્ઞાસુ હતો. ગુરુની પ્રત્યેક પ્રવૃત્તિનું તે બારીકીથી નિરીક્ષણ કરતો હતો. આ ગુરુ પાસે એક દાબડી હતી જેને એક પળ માટે પણ ગુરુજી પોતાથી અલગ ન કરતા. ચેલાને આનું ભારે કુતૂહલ હતું. એક દિવસ ગુરુ જ્યારે પ્રસન્ન મુદ્રામાં હતા ત્યારે ચેલાએ પૂછી લીધું : ‘ગુરુજી, આપની પાસે જે લોખંડની દાબડી છે એને કદી અળગી કેમ કરત નથી ? એમાં એવી તે કઈ મૂલ્યવાન ચીજ છે ?’
‘શિષ્ય, એમાં પારસમણિ છે.’
‘પણ, ગુરુજી, મેં સાંભળ્યું છે કે પારસમણિ જો લોખંડને સ્પર્શે તો લોખંડ સોનુ થઈ જાય. તો પછી આ દાબડી કેમ સોનાની નથી થઈ ?’

ગુરુએ ચેલાની શંકા દૂર કરવા દાબડી ખોલી. તેમાંથી એક નાનકડી પોટલી કાઢી. પોટલી પરના વસ્ત્રને દૂર કર્યું અને પછી લોખંડની દાબડીને પારસમણિનો સ્પર્શ કરાવ્યો. દાબડી સોનાની થઈ ગઈ. ગુરુએ કહ્યું : ‘વત્સ, જ્યાં સુધી પારસમણિ પર પેલા વસ્ત્રનું આવરણ હતું ત્યાં સુધી પારસમણિ પોતાની શક્તિનો પરચો ન આપી શકે, પણ જેવું આવરણ દૂર થયું કે તરત દાબડી સુવર્ણની બની ગઈ. હે વત્સ, આ મર્મને તું પામી શક્યો ?’
‘ગુરુજી, આખરે હું આપનો શિષ્ય છું હું સમજી ગયો કે દેહરૂપી દાબડીમાં પેલો આત્મારૂપી પારસમણિ પડ્યો જ છે. પણ અહમ, અજ્ઞાન કે મોહમાયાનું આવરણ અંતરના પારસમણિને પોતાનું તેજ પાથરવાનો અવકાશ આપતું નથી.

કથા અહીં પૂરી થાય છે પણ એનું રહસ્ય પામી શકાય છે. અંતરાયો કે આવરણો દૂર થાય કે તરત પેલી ભીતરી શક્તિ પોતાનું દર્શન કરાવ્યા વગર રહેતી નથી. પવનને ક્યાં કોઈ અવરોધ નડે છે ? ભગવતીકુમાર શર્માનો શેર છે :

મંદિરની હો ધજા કે કોઈ પીરનું નિશાન,
ક્યાં અંતરાય હોય છે વહેતા સમીરને ?

પંડની પેટીમાં પડ્યો પારસ એટલે શ્રદ્ધા કે પુરુષાર્થનો મણિ જેમાં પ્રારબ્ધને પણ પલટાવી શકવાની શક્તિ રહી છે. હસ્તરેખા કે જન્મપત્રિકાના ગ્રહોમાં સફળતાનો પારસમણિ રહ્યો નથી હોતો. બરકત વીરાણી ‘બેફામ’ નો શેર છે જેમાં આવા જ વિચારને વણી લેવાયો છે.

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી.
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

પારસમણિ જેમની જિંદગીમાં સચવાયો છે તેમના જીવનમાં સતત શ્રાવણ વરસતો હોય છે, વૈશાખ દૂર હોય છે. ગની દહીંવાલાનો શેર છે :
ધરા પર જિંદગીની જે ઘડી વૈશાખ વરતાયો,
અમે શ્રાવણની વર્ષા જેમ આંખો તરબતર રાખી.

જેની આંખો સતત તરબતર, શ્રાવણી વર્ષાની જેમ તરબતર રહેતી હોય છે તેની પેટીનો પારસમણિ પણ સતત સફળતાની હેલી જ વરસાવતો રહે છે અને માનવતાની મશાલનું અજવાળું પાથરતો રહે છે. પારસમણિ પોથી પંડિતો પાસે હોતો નથી કેમ કે પોથી પંડિતો વિદ્વતાના ભાર તળે દબાઈને માણસ મટી જતા હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – કવિ રાવલ
ખળભળ – કીર્તિકાન્ત પુરોહિત Next »   

8 પ્રતિભાવો : પંડની પેટીમાં પારસ – બકુલ રાવલ

  1. meera says:

    Its a superb article with a beautiful moral and preaching. I dnt know the reason but while reading the article a drop of tear rolled down from my eye. this article really touched my heart.thnx 4 such an article 4 specially 2 todays generation.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.