- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કલ્પના – સુધીર દલાલ

ગાંડાતૂર પાણીને બંધ બાંધી રોકવાથી શાંત સરોવર થાય છે; તેમ ક્યારેક શાંત જળપ્રવાહ અટકાવતાં પાણી ગાંડાતૂર પણ બને છે. શાંત અને સરળ ચાલી આવતું એનું જીવન અચાનક અટકી ગયું; અટકીને વેરણછેરણ થઈ ગયું. દિવ્યા બીજી સુવાવડમાં પરલોક ચાલી ગઈ. પાછળ રહ્યો એ અને એની દિકરી કલ્પના.

દિવ્યા પાછળ એ ધ્રુસકે ધ્રુસકે રડ્યો, પણ રડ્યે માણસ પાછું આવ્યું છે? એમના પરિણીત જીવનની અનેક સુખી ક્ષણો આંખ આગળ ખડી થતાં એની આંખમાં આંસુ આવી ગયા. દુ:ખનું બધું દર્દ વહેનારા આંસુઓ પણ ક્યાં દર્દીના જીવન જેવા ખારા નથી હોતા! આડોશીપાડોશી, સગાંવહાલાં, ઓળખીતાં-પાળખીતાંની ભીડમાં એને હૈયું ઠાલવવાની પણ મોકળાશ ન મળી. આશ્વાસનના અને દિલસોજીના શબ્દોથી ના એ રડી શક્યો કે ના સાંત્વન મેળવી શક્યો. સગાંવહાલાંઓ બે દિવસ રહીને ગયાં. ‘આટલી નાની ઉંમરે બિચારાને માથે આભ તૂટી પડ્યું’ – કહેતાં સંબંધીઓ બેસવા આવતા ઓછા થઈ ગયા. પંદરેક દિવસ પછી એણે એનાં માસીબાને પણ કહ્યું, ‘માસીબા, હવે તમે ક્યાં સુધી આમ કલ્પનાને સાચવશો? આખરેય એને તો મારે જ ઉછેરવાની છે ને! ધીમે ધીમે ટેવાઈ જશે. આજે બાઈને બોલાવી છે. કચરાપાણી કરશે અને હું ઑફિસે હોઉ ત્યારે કલ્પનાને સાચવશે. બાકી સાંજસવાર તો હું ઘેર જ છું ને! બિચારા માસાય કેટલા દિવસ હાથે રાંધી ખાય? તમે ખુશીથી જાવ.’

‘તે તું એમની શીદને ચિંતા કરે છે ?’ માસીબાએ કહ્યુ. ‘રાંધશે ને ખાશે. અઠવાડિયું-દસ દિવસ વધારે રહી જરા બધું થાળે પાડીને જઉ તો તનેય ફાવે. દાણાદૂણી, મસાલાબસાલા બધુંય જરા ઠીકઠાક કરવું પડે ને ! નોકર માણસને શી ગમ પડે ! તુંય કેવો ચીમળાઈ ગયો છે ? જરા શાંતિ થવા દે, પછી ઘર તો છે જ ને !’

‘ના, ના, માસીબા. મને તો કંઈ નથી થયું. તમે તમારે નિશ્વિંત મને જાઓ. મારી શી ફિકર કરવાની હોય ? અને કલ્પનાને તો હું છું, પછી શો વાંધો છે? અને એવું કામકાજ પડ્યે તમને કાગળ લખીને ક્યાં નથી તેડાવાતાં?’

અને એમ રકઝકને અંતે માસીબા બીજે દિવસે સવારે ટ્રેનમાં એમને ગામ ગયાં. પાછી ઘરમાં કારમી શાંતિ છવાઈ ગઈ. માસીબાને સ્ટેશને મૂકી આવી એણે ચા કરી, કલ્પનાનું દૂધ ગરમ કર્યું અને કલ્પનાના ખાટલા આગળ આવી હાથમાં ચાનો કપ લઈ બેઠો. કલ્પનાની મિંચાયેલી નાની નાની આંખો, મોઢા પર વીખરાયેલા વાળ અને મા બહારગામ ગઈ છે તે આવશે એવી આશા હોય એટલે કે ગમે તેમ પણ હોઠ પર ફરકતું સ્મિત જોઈ એનું હૃદય ચિરાઈ ગયું. પ્રભુ આટલો ક્રૂર હશે! કંઈ નહીં તો આ બાળકીની તો દયા ખાવી હતી! હમણા કલ્પના ઊઠશે, એના વાળ ઓળાવવાના, એને નવડાવવાની, જમાડવાની….. અને પેલી બાઈ તો ગઈ કાલેય ન આવી અને આજેય ન આવી. રસોઈયો તો આવી ગયો હતો. આ બધું કેમ કરી એ ચલાવશે ? આ તૂટેલોફૂટેલો ગૃહસંસાર !

પંદર દિવસથી ખાળેલાં આંસુઓ એકસાથે ઊભરાઈ આવ્યાં. એ ખુબ રડ્યો. ડૂસકાં ખાતાં ખાતાં એ ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. રખે કલ્પના જાગી જાય! બીજા ખંડની બારી પાસે ઊભો. બહાર સૂર્યનાં કિરણો સૂર્યમુખી પર પડતાં હતાં. હજુ મહિના પહેલા જ સૂર્યમુખીને પાણી પાતી દિવ્યાની છબિ એની આંખ આગળ ખડી થઈ ગઈ.

ચાનો કપ બાજુએ મૂકી બાગમાં હીંચકે જઈ એ બેઠો. પરણતા પહેલાંના દિવસોની યાદ એને આવી ગઈ. કૉલેજનું દિવ્યાનું છેલ્લું વર્ષ, સાડાબારની રિસેસ, કૉલેજના ઝાંપે મુલાકાત, થોડી મીઠી ગુફતેગો-કૉલેજની, કુટુંબની, સિનેમાની, જીવનની, જીવનનાં સ્વપ્નોની. ટન, ટન, ટન, ટન, રિસેસ પૂરી; કૉલેજેની, દિવ્યાની, ઑફિસની, પોતાની. હવે કાલે આ જ સમયે. આવજે, આવજો; વિરહ, વિરહ. કલ્પનાના રડવાના અવાજે એ વિચારતંદ્રામાંથી જાગી ગયો. ચા જલદી ગટગટાવી સીધો અંદર દોડ્યો. કલ્પના ઊઠી હતી.

‘ચાલ, રડવાનું બંધ કર. ઊઠી જા. જો, સવાર પડી ગઈ છે.’ પુરુષની સ્વાભાવિક કઠોરતા એની જીભ પર આવી ગઈ. પણ તરત જ એને દિવ્યા યાદ આવી ગઈ. કલ્પનાને એ કેવી રીતે ઉઠાડતી! હેતથી, પ્યારથી, મીઠાશથી. કલ્પનાના નાનકડા ખાટલા પર એ બેઠો. થોડી વાર પંપાળતા રડવાનું બંધ થયું. ‘ચાલ, જો બેટા, જો તું તારી મેળે મોઢું ધોઈ લે છે કે ધોવડાવું? આજે હું ધોવડાવી આપું ?’ એણે બને એટલી કુમાશથી પુછ્યું :
‘નહીં, મારે તો મમ્મી જોઈએ. મમ્મી ધોવડાવે. મમ્મી આવી ?’
‘કાલે આવશે હોં! સવારે વહેલી ઊઠજે; ચાલ હવે મોઢું ધોઈ કાઢ.’
‘તમે તો રોજ કાલ કાલ કરો છો. પપ્પા, મમ્મી શેમાં આવશે? મોટરમાં કે ઘોડાગાડીમાં?’
‘હવે આજે તો નથી આવવાની ને ! કાલની વાત કાલે. ચાલ ઊઠ, માટે મોડું થાય છે!’ સહેજ કડક થતાં એણે કહ્યું. એને લાગ્યું કે આમ તો બાળકની પ્રશ્નોત્તરી અટકે જ નહીં. જૂઠાણું ચલાવતાંય એને હવે સંકોચ થતો હતો. ક્યાં સુધી આમ એ જવાબો ઉડાવી દેશે ?

કલ્પના ઊઠી. એના નાનકડા ગોરા મોઢા ઉપર શંકાની કંઈક છાયા હતી; પણ હજુ એને સમજણ નહોતી. થોડા દિવસ પર ઘરની સામે એક કાગડો મરી ગયો હતો, એ જોઈ એણે પૂછેલું, ‘મમ્મી, આ કાગડો કેમ જમીન પર પડ્યો છે?” જો, કેટલા બધા કાગડા એને ચાંચ મારે છે!’
‘એ તો મરી ગયો છે. હમણાં ભંગી આવીને લઈ જશે.’
કલ્પનાને ખાસ સમજ ન પડી. મોઢા પર આશ્ચર્ય અને શંકાના ભાવો રમી ગયા; પણ મૃત્યુની ગંભીરતા મોટાએ સમજે એમ એ પણ સમજી ગઈ હોય એમ એણે પ્રશ્નો પૂછવાના બંધ કર્યા અને કાગડાની જમાતને ઉડાવવા “હત્, હત્” કરતી દોડી.
આજેય એના મોઢા પર એવા જ કંઈક ભાવો રમતા હતા. ઓરડાની બહાર આવી પાછી એ કૉચ પર સૂઈ ગઈ.
‘ચાલ ઊઠ, મોઢું ક્યારે ધોઈશ ? દૂધ ક્યારે પીશ ? આમ પડ્યા રહે કેમ પત્તો લાગશે ?’
‘પપ્પા, તમે ધોવડાવો ને.’
‘સારું સારું. ઊઠ જલદી. અહીં આવ મોઢું ધોવડાવી દઉં. આવડી મોટી થઈને મોઢું ધોતાં નથી આવડતું ?’ પણ કલ્પના ઊઠી નહીં. એણે પાસે આવી હાથ ખેંચ્યો. એનો પિત્તો ગયો.
‘ઊઠે છે કે નહીં ? કે પછી બાથરૂમમાં પૂરી દઉં ? ચાલ, ઊઠ, ઊઠ…’ જોસથી એણે કલ્પનાનો હાથ ખેંચ્યો. પાછું કલ્પનાનું રડવાનું શરૂ થયું. કેટલીય વારે એ શાંત પડી; ધમકીની બીકે મોઢું તો ધોવડાવ્યું, પણ દૂધ પીતાં ફૂલવાળા પ્યાલામાં જ પીઉ એવું જુદ્ધ મચાવ્યું.

‘ના પીવું હોય તો ના પી. મારી ગરજે પીએ છે ? પીવું છે કે નહીં ? પી લે !’
છેવટે ફૂલવાળો પ્યાલો આપ્યો ત્યારે જ કલ્પનાએ દૂધ પીધું. દિવ્યા પણ એને હંમેશા ફૂલવાળો પ્યાલો આપતી. કલ્પનાને પંપાળી-પંપાળીને એ દૂધ પિવડાવતી. થોડી વાર ખોળામાં સુવાડતી. વળી પાછી બેઠી કરી ચકલી કે કાબરની વાત કહી દૂધના ઘૂંટડા ગળાવતી. ત્યારેય એ એક વાર તાડૂકી ઊઠેલો, ‘આ બધાં લાડ શાં ? પીવું હોય તો પીએ. નહીં તો સૂઈ જાય; ભૂખ લાગશે એટલે ઘણીય માગશે.’
‘હોય…. છોકરાં છે. હું ને તમે ઓછા જીદ કરવાનાં છીએ ? તમારા હાથમાં છોકરું સોંપ્યું હોય તો અડધું કરી નાખો. ખરું ને, બહેન!’ કહી દિવ્યાએ કલ્પનાને બચી કરી લીધી. ‘અને તમેય વળી તે દિવસે કલ્પના માંદી હતી ત્યારે ક્યાં મોટર નહોતા લઈ આવ્યા? ત્યારે કલ્પનાએ જીદ નહોતી કરી?’

વિધિનીય કેવી વિચિત્રતા! એને જ ભગવાને છોકરી ઉછેરવાની સોંપી. કલ્પનાને પાસે ખેંચી લઈ કપાળ પરથી વાળ ખસેડ્યા અને પૂછ્યું, ‘તારે નાનકડી સાઈકલ જોઈએ છે? આજે સાંજે ઑફિસેથી પાછા આવતાં લેતો આવીશ. પણ પછી ડાહ્યા થઈ જવાનું.’
‘સાઈકલ જોઈ મમ્મી શું કહેશે?’
પાછી મમ્મી !

દૂધ પીધા પછી કલ્પના બહાર રમવા ચાલી ગઈ. એ એના ઑફિસના કામે જોડાયો. પણ એનું ચિત્ત કામ યર ચોંટ્યું નહીં. બપોરે કલ્પનાને કોણ રાખશે? બાઈ આવી નહોતી. રસોઈયો રાંધીને દસ વાગ્યે જતો રહે. પડોશીના ઘેર મૂકું તો? એમનાં છોકરાંઓ ભેગી રમશે. પણ ત્યાં વળી એને યાદ આવ્યું કે દિવ્યાને પડોશીનાં તોફાની છોકરાંઓ ગમતાં નહોતાં. કહેતી, ‘એ છોકરાં તો આખા ગામનો ઉતાર છે!’ એને નિશાળે મૂકે તો ? ઑફિસે જતાં મૂકતા જવાય અને આવતાં લેતા અવાય. એને એ વિચાર ગમ્યો. દિવ્યા પણ એમ જ કહેતી હતી. બારી આગળ જઈ કલ્પનાને એણે બૂમ પાડી. આખા શરીરે માટીથી ખરડાયેલી કલ્પના અંદર આવી. આખા ઘરમાં પગલાં પગલાં થઈ ગયાં. એનો મિજાજ ગયો. ‘શું કરતી હતી બહાર ? આખું શરીર ક્યાં ખરડ્યું ? કાદવમાં રમવાનું શું દાટ્યું’તું ?’
કલ્પનાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ખાટલામાં ઊંધુ માથું નાખી એ રડવા માંડી.
‘છોકરી બહુ જીદ્દી છે. કંઈ જ કહેવાય નહીં. ચાલ હવે ખાટલો ના બગાડ. કંઈ કહેવાતું નથી. હાથમોઢું ધોઈ નાખ. રહેવા દે, તને હું નવડાવી દઉં.’ કલ્પનાને બાવડાથી પકડી એણે ઢસડી. પાણી કાઢ્યું, નવડાવવા બેઠો.
‘હવે શું રડવાનું છે?’
કલ્પનાના ડૂસકાં ચાલુ જ હતા. નવડાવીને જમાડી. એટલામાં એને યાદ આવ્યું કે નિશાળનું પૂછવા કલ્પનાને અંદર બોલાવી હતી. એણે કલ્પના સામે જોયું. એનું દયામણું મોઢું જોઈ એને દયા આવી. પોતાની જાત પર ચીડ ચઢી. નમાયી છોકરીને પોતે શું કામ વઢે છે? દિવ્યા જેટલો પ્રેમ એ કેમ નથી કરી શકતો? પુરુષની આ મર્યાદા ? સ્વાભાવિક કર્કશતાની !

બાઈ આવી નહીં. એટલે ઓફિસે જવાનું એણે માંડી વાળ્યું. બપોરે કલ્પના ઊંઘી ગઈ ત્યારે એને જરાક શાંતિ વળી. સાંજે કલ્પનાએ બાગમાં માટીનું દેરું બનાવ્યું. ઉપર ધજા રોપી. આજુબાજુ ઝાડ વાવ્યાં. ‘પપ્પા, આપણે આમાં રહેવા આવીશું ? અને મમ્મી ?’ અને પછી એકાએક જ એણે પૂછ્યું: ‘પપ્પા, તમને મમ્મી ગમે છે ? મને તો બહુ જ ગમે. તમને કેમ ગમે ?’

વિચિત્ર સવાલ. એનો શો જવાબ ? રૂપાળી હતી તેથી ? પરણ્યા હતાં તેથી ? કે પછી ગમતી હતી એટલે ગમતી હતી ? પ્રણય, હેત, માયા… અને એ બધું સમજાવવાનું મૂકીને એણે મૂર્ખાઈભર્યો જવાબ આપ્યો, અપાઈ ગયો : ‘મમ્મી સારી હતી એટલે.. આપણું કેટલું બધું ધ્યાન રાખતી હતી! તને ઊંઘાડવા વાર્તા કહેતી, તને નવડાવતી, ખવડાવતી, આપણા માટે રાંધતી. હું ઑફિસે જઉ ત્યારે મારા બૂટમોજાં તૈયાર કરી આપતી.’
રાત્રે વાળુ કરી કલ્પનાને પથારીમાં સુવાડી જોડેની રૂમમાં એ છાપું વાંચતો બેઠો. થોડી વારમાં કલ્પના બોલી, ‘પપ્પા, ઊંઘ નથી આવતી.’
‘આંખ બંધ કરી સૂઈ જા, આવી જશે.” પાછી થોડી વારમાં, પપ્પા ઊંઘ નથી આવતી.’
“આખો દિવસ રખડે પછી શેની ઊંઘ આવે ? વધારેપડતી થાકી જાય છે.” છાપું અધૂરું જ રહ્યું. કલ્પનાના ખાટલા પાસે આવી એ બેઠો. એના માથા પર હાથ ફેરવ્યો. ઘડીક વારમાં એ ઘસઘસાટ ઊંઘી ગઈ. રાતમાં ક્યારેક ક્યારેક બબડી ઊઠી : ‘મમ્મી, મમ્મી.’

સવારે પાંચ વાગ્યે એ ઊઠી ગયો. દાતણશૌચ પતાવી ઘર બહાર ફરવા નીકળી પડ્યો. ગઈ કાલ પર વિચાર કરતો ક્યાંય સુધી એ ચાલતો રહ્યો. કલ્પનાને ઉછેરવી મુશ્કેલ હતી. સ્ત્રીનું એ કામ હતું. પુરુષથી અશક્ય. એ ફરી પરણે તો? બીજી મમ્મી કલ્પના સ્વીકારે ? અપનાવે ? નવી મા કલ્પનાને સ્વીકારે ? અપનાવે ? છી, છી; દિવ્યાના મરણ પછી માત્ર પંદર જ દિવસમાં ફરી પરણવાનો વિચાર ? સમાજ પણ શું કહે? સમાજ સમજે ? એના મગજમાં તુમુલ ઘમસાણ મચી રહ્યું. વિચારતાં વિચારતાં જ એ ઘેર પાછો ફર્યો. કલ્પના ઓટલે બેઠી હતી.
‘મમ્મી આવી ?’
‘ના.’ કલ્પનાએ આગળ પૂછ્યું નહીં.
મનમાં પેલો પ્રશ્ન ઘૂમ્યા કરતો હતો. કલ્પના ખાતર ફરી પરણવું ? કલ્પના માટે શું ઉચિત હતું ? પોતે – પુરુષ કલ્પનાને ઉછેરે એ કે કોઈ સ્ત્રી ? એ જાણતો હતો કે કલ્પનાના ઉછેર પાછળ પોતે પૂરું ધ્યાન આપી શકવાનો નથી. કલ્પનાના ઉછેર માટે જોઈતો ત્યાગ કરવાની એની પૂરેપૂરી શક્તિ નહોતી. દિવ્યાની કોમળતા, મૃદુતા, બાલમાનસની સમજ એનામાં નહોતી. ફરી પરણવું?

ચા પીતાં, નાહતાં, કપડા બદલતાં, એના મગજમાં સતત વિચારો ચાલ્યા કર્યા. દસના ટકોરા પડ્યા ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે જમવાનું મોડું થઈ ગયું હતું. ઓફિસે સમયસર નહીં પહોચાય. કલ્પના અને એ સામસામાં જમવા બેઠાં.
‘પપ્પા, મમ્મી ક્યારે આવશે ?’ કલ્પનાના ચહેરા પર હવે શંકાની રેખાઓ દેખાવા માંડી હતી. રડું રડું થતા મોઢાનું નૂર ઊડી ગયું હતું. છેવટે એકદમ નિશ્વિત કરી એણે બને એટલી નરમાશથી પૂછ્યું, ‘કલ્પના, તને બીજી મમ્મી આવે તો ગમે ? સરસ, પેલી મમ્મી જેવી જ !’ કઈ રીતે એને સમજાવવી?

કલ્પના કંઈ જ બોલી નહીં. થોડી વાર મૂંગી મૂંગી ભાણા સામે જોતી બેસી રહી. રડી પણ નહીં. પછી ઊઠીને દીવાનખાના ભણી દોડી ગઈ. માંડ માંડ એણે કોળિયા ઉતાર્યા. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. ભાત છાંડી એ ઊભો થઈ ગયો. હાથ ધોઈ કલ્પના શું કરે છે એ જોવા એ દીવાનખાનામાં ગયો. કલ્પના ખુરશી આગળ ઑફિસે પહેરી જવાના બૂટ ગોઠવતી હતી. પાસે મોજાંની જોડ પડી હતી. ખુરશી પર બેસી એણે મોજાં પહેર્યા. બૂટ ચઢાવ્યા. કલ્પના સામે બેસી એની નાનકડી હથેળીમાં દાઢી ટેકવી અનિમેષ નયને એની સામે તાકી રહી હતી. જાણે દિવ્યાની નાની પ્રતિકૃતિ! ‘આમ આવ’ કહી એણે કલ્પનાને પાસે ખેંચી છાતીસરસી ચાંપી દીધી. કપાળે બચી કરી અને ઓફિસે જવા નીકળી પડ્યો. ત્યારે એનું મન હળવું થઈ ગયું હતું.