ગૂગલ ન્યૂઝ : ભારતનું ગૌરવ – ડૉ. હરેશ અને યોગેશ કામદાર

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર. – પુન: પ્રકાશિત]

1970 ના દાયકાના ઉત્તરાર્ધમાં બૅંગલોરનો એક બાળક કૃષ્ણ-ભરત મુગ્ધ બની તેના દાદાને જુદાં-જુદાં છાપાં વાંચતાં જોતો. કન્નડ અને અંગ્રેજી ભાષાનાં અલગ-અલગ સમાચારપત્રો અને સામાયિકો તો ખરાં, ઉપરાંત અમેરિકાનું “ટાઈમ” સાપ્તાહિક પણ દાદાજીનું માનીતું. આટલું હજી ઓછું હોય તેમ દાદાજી દરરોજ બી.બી.સી.ના અને ટેલિવિઝનના સમાચારો પણ અચૂક સાંભળતા. દાદાજીની સાથે કૃષ્ણ-ભરત પણ સમાચારોમાં રસ લેતો થયો. બાળવયમાં સમજ ઓછી હોય પણ એક વાત તો તેના ધ્યાનમાં આવી : એક જ સમાચારને અલગ-અલગ સ્ત્રોત જુદી રીતે અને નોખા પરિપેક્ષ્યમાં રજૂ કરતા. એક સમાચારપત્ર માટે જે ખબર અતિ મહત્વની હોય તેની બીજાએ માત્ર નગણ્ય નોંધ લીધી હોય. નાના બાળકે એક મહત્વનું તારણ કાઢ્યું – જો કોઈ પરિસ્થિતિને સારી રીતે સમજવી હોય તો તેને જુદા-જુદા દષ્ટિકોણથી જોયા બાદ જ તેના વિશે મત બાંધવો જોઈએ.

બીજી તરફ કૃષ્ણ-ભરતનું શિક્ષણ પણ આગળ વધતું ગયું. ભણવામાં હોંશિયાર. ભારતમાં એન્જિનિયરિંગ કરી અમેરિકાની સુપ્રસિદ્ધ જ્યોર્જિયા ટેક યુનિવર્સિટીમાંથી સન 1996 માં કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં પી.એચ.ડી કર્યું. થોડો વખત ડિજિટલ ઈક્વિપમેન્ટ જેવી વિખ્યાત કંપનીમાં નોકરી કરી. વર્લ્ડ વાઈડ વેબ પર ઉપલબ્ધ અખૂટ માહિતીમાંથી જોઈતી માહિતી શોધી કાઢવાનું કામ અલ્ટાવિસ્ટા નામનું સર્ચ-એન્જિન કેવી રીતે કરે છે તે વિશે સંશોધન કરવાની જવાબદારી તેને સોંપાઈ. આ નોકરી દરમિયાન તેની મુલાકાત થઈ તેની જ વયના બે યુવાનો સાથે. તે હતા લૅરી પેજ અને સર્જી બ્રિન – ગુગલ સર્ચ એન્જિનના સ્થાપકો. પેજ અને બ્રિનને કૃષ્ણ-ભરતના વિષયમાં રસ પડ્યો અને તેને બોલાવી લીધો ગૂગલમાં. ગૂગલ એ વખતે નવી નવી જ કંપની હતી. કૃષ્ણ-ભરતને અખત્યાર સોંપાયો ગૂગલ રિસર્ચ ગ્રુપનો – નવી નવી તકનિકો પર સંશોધન કરવાનું મુખ્ય કામ. ટેકનોલોજીમાં સુધારા-વધારા કરી ભવિષ્યના ઉપયોગ માટે કેમ આગળ વધી શકાય તેના પ્રયોગો અને અખતરા કરતા રહેવાનું. ટેકનોલોજી સફળ નીવડે કે નિષ્ફળ, પૈસા પેદા કરી શકે કે નહીં તેની જરા પણ દરકાર કરવાની નહીં. સફળતા મળે કે ધનપ્રાપ્તિનો યોગ જણાય તો પણ ઠીક અને આમ ન થાય તો પણ કોઈ વાંધો નહીં. આવું હતું કૃષ્ણ-ભરતનું ગૂગલનું કાર્ય-ક્ષેત્ર.

ગૂગલમાં વળી બીજી એક અદ્દભુત સગવડ. કંપનીના દરેક કર્મચારીને પોતાના નોકરીના કલાકોમાંનો 20 ટકા સમય પોતાને મનગમતી પ્રવૃત્તિ પાછળ ખર્ચવાનો. કંપની કે પોતાનો ઉપરી આ બાબતમાં કોઈ પ્રકારની દખલ ન કરે. પોતાને અનુકૂળ અને પોતાની રુચિ મુજબનું કામ નોકરીના આ 20 ટકા સમયમાં દરેક કર્મચારી કરી શકે. ગૂગલના યુવાન સ્થાપકોની એક દઢ માન્યતા એ હતી કે આવું સ્વાતંત્ર્ય નવા વિચારોની મહામૂલી ખાણ નીવડશે. નોકરીના કલાકોના 20 ટકા એટલે અઠવાડિયે એક દિવસ – કોઈ પણ પ્રકારની રોક-ટોક વગર પોતાને ગમતા કામ પાછળ ગાળવાનો. કવિની ભાષામાં કહીએ તો સપનાનાં વાવેતરનો કાળ. ગૂગલની ટેકનોલૉજીમાંની ઘણી આવા પ્રયોગોમાંથી જન્મી છે. સંશોધક પોતાને મનગમતા કાર્યની જાણકારી પોતાના સહકર્મીઓને ઈલેકટ્રોનિક બુલેટિન બોર્ડ પર આપે અને સાથીઓ પોતાનાં પ્રતિભાવો, ટીકા-ટિપ્પણ જણાવે. અભિપ્રાયોના આવા આદાન-પ્રદાનને કારણે નવી દિશાઓ ખૂલતી જાય. હકારાત્મક પ્રતિભાવ એટલે બીજાઓને નવો વિચાર પસંદ પડ્યો છે અને સહિયારી રીતે તેને આગળ વધારી શકાય છે તેવી લીલી ઝંડી. ગૂગલ આ રીતે નવી નવી ટેકનોલૉજી વિકસાવતું ગયું.

કૃષ્ણ-ભરત જ્યારે પોતાની પી.એચ.ડી માટે સંશોધન કરતો હતો ત્યારે તેણે એક નવીન પ્રકારના ઈલેકટ્રોનિક સમાચાર – પત્રની કલ્પના કરેલી. વર્લ્ડ વાઈડ વેબ પર કોઈ એક ચોક્કસ બાબતને લગતા જે-જે સમાચાર હોય તે બધાને એકસાથે લાવી એક જ થાળીમાં પીરસવા મળે તો ? આવો સંચય વાસી પણ ન હોવો જોઈએ. એટલે તાજેતાજા સમાચાર વિષયવાર અને વિગતવાર ગોઠવી વાચકની રુચિ અનુરૂપ આપી શકાય તો ? ગૂગલમાં નોકરી લીધી ત્યારે પણ આ વિચાર તેના મગજમાં અવાર-નવાર ઝબકતો રહેતો. અને તેમાં આવ્યો 11 સપ્ટેમ્બર 2001 નો ગમખ્વાર દિવસ. કૃષ્ણ-ભરત તે દિવસે ન્યુ ઓર્લિયન્સ શહેરમાં એક મહત્વની બેઠક માટે ગયેલો. પોતાની હોટેલની રૂમમાં ટેલિવિઝન પર આતંકવાદી હુમલાઓના સમાચાર જોયા. ટેલિવિઝનની એક પછી એક ચેનલ ફેરવતો ગયો, વધુ ને વધુ માહિતી માટે અને આ ગોઝારી ઘટનાએ એક ચિનગારીનું કામ કર્યું.

બાળપણમાં દાદાજી સાથે માણેલા દિવસોનું સુખદ સ્મરણ; વાંચવાની જે લત દાદાજીએ લગાડી હતી તે; જ્યોર્જિયા ટેકમાં કૉમ્પ્યુટર વિજ્ઞાનનો ઉચ્ચ અભ્યાસ; ત્યાં વિચારેલા નવા પ્રકારના સમાચાર-પત્રનું આલેખન; ગૂગલમાં નોકરી દરમ્યાન મનગમતું કામ કરવા મળેલ 20 ટકાનો સમય અને 11 મી સપ્ટેમબરનાં દશ્યો. આ બધાં પરિબળો એકસાથે કામે લાગ્યાં. કૃષ્ણ-ભરતે શરૂ કર્યું કામ એવી ટેકનોલૉજી પર કે જેના દ્વારા એક જ વિષયને લગતા સમાચાર જુદા-જુદા સ્ત્રોતમાંથી ભેગા કરાય અને એકસાથે રજૂ કરાય. એક જ વિષયને કેટલા અલગ-અલગ દષ્ટિકોણથી જોઈ શકાય તેનો તરત અહેસાસ મળે. કૃષ્ણ-ભરતે પોતાના ગણિતશાસ્ત્રના ઉચ્ચજ્ઞાનનો ઉપયોગ કરી સમાચારોને કેવી રીતે વિભાગવાર વહેંચવા, અગ્રતાક્રમાનુસાર ગોઠવવા, નવા સમાચારોને પ્રાધાન્ય મળવું જોઈએ વગેરે મુદ્દાઓને સાંકળી લે તેવી વ્યવસ્થા ઊભી કરી. એક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ આ કામ કરવા સક્ષમ નથી એટલે આ બધું કામ અવિરતપણે કૉમ્પ્યુટર્સ કરતાં જાય તો જ શક્ય બને. આવું માળખું તૈયાર થયું એટલે તેમાં વધુ ને વધુ સૂક્ષ્મ પરિમાણો ઉમેરાતાં ગયાં. મહત્વના સ્ત્રોત (જેવા કે ન્યુયોર્ક ટાઈમ્સ, બી.બી.સી, ગાર્ડિયન) ના સમાચારનો અગ્રતાક્રમ ઊંચો હોય તે સ્વાભાવિક છે સાથે સાથે નાના સ્ત્રોતને પણ અવગણવા ન જોઈએ. તાજા સમાચાર ઉપરની પાયરીએ રાખવા પડે. સાથે ફોટાઓ પણ સાંકળી લેવા જોઈએ. સમાચારો વણથંભ્યા ઘડાતા રહે એટલે તેને અનુરૂપ કૉમ્પ્યુટર્સ પણ સતત સંકલન કરતાં રહેવાં જોઈએ.

ગણિતશાસ્ત્ર અને કૉમ્પ્યુટર વિજ્ઞાનનાં જટિલ પાસાંઓનો ઉપયોગ કરી સન 2002 ની શરૂઆતમાં પોતાના ઓનલાઈન ઈલેક્ટ્રોનિક સમાચાર-પત્રનું ડમી તૈયાર કર્યું. ગૂગલના સંસ્થાપકોએ આ પ્રોજેક્ટમાં તીવ્ર રસ દાખવ્યો અને કૃષ્ણ-ભરતના શોખનું આ રમકડું ગૂગલનો મહત્વનો પ્રોજેક્ટ બની ગયું. ગૂગલના બીજા સાથીઓ આ કામમાં જોડાયા. જોઈએ તે મદદ હાજર કરાઈ અને આમાંથી ઉદ્દભવ્યું એક અવનવું સમાચારપત્ર “ગૂગલ ન્યૂઝ”.

આ ઈલેક્ટ્રોનિક સમાચારપત્ર વિશ્વના દરેક નાગરિક માટે તદ્દન મફતમાં ઉપલબ્ધ કરાયું છે. “ગૂગલ ન્યૂઝ” એટલે અદ્યતન કૉમ્પ્યુટરોનું એક એવું જાળું જેનાં સોફટવેર વર્લ્ડ વાઈડ વેબ પર વણથંભી રીતે સમાચારો શોધતાં રહે, એક ચોક્કસ વિષયને લગતા સમાચારો એકસાથે સંકલન થઈ રજૂ થાય. જુદા-જુદા સ્ત્રોતોના સમાચારોનાં મથાળાં વાચકને મળે અને જે મથાળામાં રસ પડે તેના પર કિલક કરતાં તે સ્ત્રોત પર વાચકને પહોંચાડી દે જેથી વિગતવાર માહિતી મેળવી શકે. …પણ આટલું પૂરતું નહોતું. કૃષ્ણ-ભરતને તો જોઈતું હતું વાચક પોતે પસંદ કરી શકે તેવા સમાચારો ધરાવતું છાપું. એટલે એક નવી તકનિક વિકસાવાઈ. દરેક વાચક પોતાને ગમતા વિષયો પસંદ કરી દરેક વિષય પર કેટલાં મથાળાં જોવા ઈચ્છે છે તે પણ નક્કી કરી શકે. વિષયોનું વૈવિધ્ય પણ ગજબનું : વિશ્વ સમાચાર, કોઈ ચોક્કસ દેશને લગતા સમાચાર, વિજ્ઞાન-ટેકનોલૉજી, સ્વાસ્થ્ય, રમત-ગમત, મનોરંજન, વેપાર-વાણિજ્ય, કળા-સંસ્કૃતિ, વગેરે, વગેરે. મથાળાંની સાથે ફોટાઓ જોઈએ છે કે નહીં તે પણ પસંદગી વાચકની જ. કયા વિષયના સમાચાર ઉપર હોવા જોઈએ અને કયો વિષય અગ્રતાક્રમમાં પાછળ હશે તે પણ દરેક વાચક પોતાની મરજી મુજબ નક્કી કરે. “ગૂગલ ન્યૂઝ” દરેક વાચકને તેની પોતાની ફરમાઈશ મુજબનું સમાચાર-પત્ર આપે. સમાચારો પ્રતિક્ષણ વ્યવસ્થિત ગોઠવાતા રહે. અત્યારે વિશ્વભરના 4500થી વધુ સ્ત્રોતોના સમાચારોનું સંકલન “ગૂગલ ન્યૂઝ” પોતાના વાચકને પીરસે છે – તદ્દન મફતમાં. સજાવટ એટલી આકર્ષક અને ગોઠવણ એટલી તો વ્યવસ્થિત કે વાચક પોતાના મનપસંદ સમાચારો માણતો જ રહે.

“ગૂગલ ન્યૂઝ” ઝંઝાવાતની જેમ વિશ્વભરમાં ફેલાઈ ગયા. આટલી ગજબની સફળતા ઈન્ટરનેટના ઈતિહાસમાં બહુ ઓછી નોંધાઈ છે. કૃષ્ણ-ભરતની બઢતી થઈ ગૂગલની રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ ઑફિસના મુખ્યાધિકારી તરીકે – ભારતમાં. ગૂગલની નવી ટેકનોલોજીમાંની ઘણી ભારતમાં રચાઈ છે. “ગૂગલ ન્યૂઝ” ની સફળતા જોઈ ગૂગલના બીજા સંશોધકોને થયું આમાં હજુ નવા અખતરા કરીએ તો ? તેમાંથી જન્મે છે “ગૂગલ એલર્ટ”. વાચક પોતાની રુચિ જણાવે તો તે વિષયને લગતા નવા સમાચારો જેમ જેમ ઉદ્દભવતા જાય તેમ તેમ વાચકને ઈ-મેલ દ્વારા તેની જાણ ગૂગલ દ્વારા કરાતી રહે. આ સગવડ પણ તદ્દન મફતમાં. આજે કરોડો લોકો “ગૂગલ ન્યૂઝ” અને “ગૂગલ એલર્ટ” ના સભ્ય છે. સભ્યપદ માટે કોઈ પ્રકારની ફી નથી કે નથી કોઈ જાતની ખરીદી કરવાની.

આજે કોઈ પણ ખર્ચ વિના વિશ્વની દરેક વ્યક્તિ પોતાની પસંદને અનુરૂપ તાજેતાજા સમાચારો અવિરત રીતે મળતાં રહે તેવી સમર્થ બની હોય તો તેના પાયામાં છે એક વ્યક્તિનું વિસ્મયભર્યું બાળપણ. આજે કૃષ્ણ-ભરતની ઉંમર છે 39 વર્ષ. અને તેઓ ગૂગલના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ છે.

(“ગૂગલ ન્યૂઝ” ની વેબસાઈટ છે : http://news.google.com આ વેબસાઈટ પર જઈ પોતાનું નામ નોંધાવી પોતાનું મનપસંદ સમાચારપત્ર મેળવી શકાય છે.  “ગૂગલ રિચર્ચ સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ” વિભાગમાં આપેલી આ વિગત આપ જોઈ શકો છો :http://research.google.com/people/krishna/index.html )

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિશેષ નોંધ – તંત્રી
ફૂલ દીધાનું યાદ – વિઠ્ઠલ પંડ્યા Next »   

19 પ્રતિભાવો : ગૂગલ ન્યૂઝ : ભારતનું ગૌરવ – ડૉ. હરેશ અને યોગેશ કામદાર

 1. Janakbhai says:

  Salute to Krushna & Bharat. Both can be an inspiration to youth.
  Janakbhai

 2. dhiraj thakkar says:

  very good and information article

  proud to be an Indian.

 3. Vraj Dave says:

  ગુગલની પ્રગતિમાં એક હિન્દુસ્તાની પણ જોડાયા છે તે ખુબ ખુશીની વાત છે.
  અભિનંદન

  વ્રજ દવે

 4. કલ્પેશ says:

  આપણે બધા આ વાત માટે વાહ-વાહ કરીએ એ સારુ છે.

  પણ એમ કેમ નથી થતુ કે આપણા દેશમા રહીને અને કામ કરીને કોઇ આ પ્રકારનુ કાર્ય કરે?

  એ વાતમા કોઇ શક નથી કે બુદ્ધિજીવી લોકો બહાર જઇને ઘણુ કરી શકે છે. પણ એમની સફળતા પાછળ એ પોતે જવાબદાર છે. ભારતની બહાર જઇને કોઇ સારુ કરે અને આપણે એની સફળતા માટે માન લઇએ (એમ કહીને કે એ ભારતીય અથવા ગુજરાતી છે) એ વ્યાજબી નથી.

  e.g. Sunita Williams, Indra Nooyi
  I mean – if you look at the news/articles – it says an Indian american appointed to be the first IT officer for white house, an Indian kid wins the spelling contest, an Indian American goes to the space, an Indian American in the US treasury office.

  આ બધ લખીને આપણે શુ દેખાડવા માંગીએ છીએ? અને આ બધા લોકોની સફળતામા આપણો કયો હાથ છે?

  વાત કદાચ એ જ કે યોગ્ય લોકો માટે આ દેશમા જગા નથી એટલે એ લોકોને બહાર જવુ પડે છે.
  બીજા લોકોની મહેનતને અને એમને મળતા માનને આપણે ખાટી જવુ એમ કહીને કે એ ભારતનો છે?

  • કલ્પેશ says:

   મારી કૉમેન્ટને હકારાત્મક રીતે વાંચશો તો કદાચ લાગે કે આપણે એવુ વાતાવરણ પેદા નથી કરી શક્યા જેને કારણે એક દેશ તરીકે આપણે આગળ વધી શકીએ.

   • priyangu says:

    સત્ય વાત ભારત ના ભારતીય્તા ના ગુણ ગાવાને બદલે વિદેશી ભારતીય નો જયઘોશ બન્ધ કરીશુ તોજ ગુલામી માનસ માંથી બહાર આવિશું

 5. આપણા દેશમાં અંતરાયો ઘણા જ હોય છે. મેં દેશમાં બાવિસ વરસ કામ કરેલ. જો આપણે આપણા ઉપરી કરતા થોડાં વધારે હોંશિયાર થઈ જઈ તો આપણો ઉપરી કે સાહેબ જરૂર આપણો ટાંટિયો ખેંચે એવો મારો તો કડવો અનુભવ છે. આપણી જ આવડત ક્યારેક દોષ બને તો કોને દોષ દઈએ?
  નાના કામ માટે લાંચ આપવી પડે અને ન આપીએ તો આપણ કામ એવા ટોલ્લે ચઢાવી દેવામાં આવે કે ન પુછો વાત.
  છેક તળિયેથી ટોચ સુધી આ ફેલાયેલ છે. અહિં પણ મોટે પાયે ચાલતું જ હશે એની ના નહિં પણ એ નાના માણસો અને મધ્યમ વર્ગને એટલું નહિ નડે. શિખવાની ધગશ હોય તો આપણને સાથ સહકાર મળે. માર્ગદર્શન મળે. અહિં પણ દેશીઓમાં ટાંટિયા ખેંચ વૃત્તિ છે અને એ સહેલાયથી જાય નહિ.
  અલબત્ત, મને મારા દેશી ઉપરીએ જ ઘણુ શિખ્વ્યું પણ એઓ જ્યારે હું જન્મેલ ત્યારે અમેરિકા આવેલ એટલે પુરેપુરા દેશી નહિં!
  જ્યારે દેશમાં એરપોર્ટ પગ મુકીયે ત્યારથી સતામણી શરૂ થાય.. કંઈ પણ ન હોય તો ય કસ્ટમ ઓફિસરોની આંખમાં સાપ રમે. કોઈ પણ ભોગે એઓ ગજવા ભરવા માટે તત્પર. મદદની વાત નહિ.
  ભણીને, આવડત હોય તો ય નોકરી માટે ફાંફાં મારવા પડે.
  સુધારો જરૂર થઈ રહ્યો હશે એની ના નહિ પણ એમાં વાર લાગશે ત્યાં સુધી બ્રેઈન ડ્રેઈન રહેવાનું.
  હવે ઓછું થઈ રહ્યું છે. એ સુધારાની નિશાની છે અને આપણા દેશની સુધરતી જતી આર્થિક પરિસ્થિતીને કારણે છે. જો આપણા રાજકારણીઓ લાંચ લેતાં બંધ થાય તો આપણા દેશ જેવો મહાન દેશ કોઈ નથી. મેરા ભારત મહાન.

  • સૈફી લીમડીયાવાલા says:

   નટવરભાઇ ની વાત થી હુ સમંત છુ.. હાલ હુ યુએઇ માં કાર્યરત છુ. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ના અનુભવ કડવા છે. કસ્ટમ ઓફિસરો, પોલિસખાતુ બધાની સતામણી ખુબ જ વધારે પ્રમાણ માં છે. એક અનુભવ ની વાત કરુ તો, એક ટ્રીપ વખતે મારા જોડે નાનકડુ હેન્ડ વેકયુમ ક્લિનર હતુ, કસ્ટમ સ્કેનિંગ વખતે સ્કેનર ઓપરેટરે સીધા ૨૫૦ રુપિયા માગ્યાં, મે આપવા નો ઇન્કાર કર્યો તો તેને ઇશારો કરી બીજા અધિકારી ને બોલાવી, લગેજ બાજુ પર લેવા ક્હ્યુ અને તે પેલા સ્કેનર ઓપરેટર જોડે વાત કરી મારી પાસે આવ્યો અને કહે કે મારી બેગમાં ગન છે. મે ના પાડી કે નથી તો કહે કે વાંઘો નહી, પણ અમે ઇછ્છીએ તો નીકળી પણ શકે. મે તેના ઉપરી અઘિકારી જોડે વાત કરવા નુ કહ્યુ તો જવાબ મળ્યો કે શુ ૨-૩ હજાર આપવા ની તૈયાર છે શુ. આખરે ૨ કલાક ની પજવણી પછી પૈસા પડાવી ને મને “મુક્ત” કર્યો.

   આ શુભ કાર્ય કરનાર અધિકારી બીજુ કોઈ નહી પણ ગુજરાતી હતો.

   • સૈફી લીમડીયાવાલા says:

    ઉપરી અધિકારી નો જવાબ લખવાનો રહી ગયો તે અહીં લખુ છુ..

    તેને પોતાના સબઓર્ડીનેટ ના સામે જોઇ ને જવાબ આપ્યો કે તેમણે સહ્કાર આપો, મારો સમય વ્યર્થ ન કરો. હવે સહકાર એટલે શુ તે સારી રીતે સમજાય છે.

 6. Vraj Dave says:

  શ્રી કલ્પેશભાઈ આપના પ્રતિભાવમા દમતો છે જ.

  વ્રજ દવે

 7. nayan panchal says:

  કલ્પેશભાઈ,

  તમારી વાત સાથે સંપૂર્ણ સહમત.

  ગૂગલન્યુઝ, હોટમેઈલના શોધકો ભલે ભારતીય હતા પણ તેમની કર્મભૂમિતો અમેરિકા જ હતી. અને માણસ તેના જન્મથી નહીં પરંતુ કર્મથી જ ઓળખાય છે. સુનિતા વિલિયમ્સ ભલે જન્મથી ગુજરાતી હતા, પરંતુ તેઓ અવકાશયાત્રી બન્યા તે બાબતમાં ગુજરાતનુ કે ભારતનુ યોગદાન કેટલું ??

  આપણને તૈયાર ભાણે લાડવો ખાવાની આદત પડી ગઈ છે. અને નટવરભાઈની વાત તો સાવ સાચી. ટાંટિયાખેંચ તો આપણી રાષ્ટ્રીય રમત છે. વિક્રમ સારાભાઈ, સામ પિત્રોડા, અબ્દુલ કલામ જેવા અપવાદો ઘણા જ ઓછા.

  કૃષ્ણભરતજી ને ખૂબ ખૂબ સલામ. હું નિયમીતપણે ગુગલ ન્યુઝ વાપરું છું અને તે ખૂબ જ ઉપયોગી સાઈટ છે.

  નયન

 8. Yogesh Kamdar says:

  આ લેખ ન લેખક તરિકે આપ સૌના પ્રતિભવો ગમ્યા આભાર. હવે તો ગૂગલન્યુઝ વધુ સમ્રુદ્ધ બન્યુ છે.

  – યોગેશ કામદાર

 9. વિદેશમાં ભારતીયો અત્યંત સફળ થાય છે તેનું કારણ કામને બિરદાવામાં આવે છે. શ્રી કૃષ્ણ-ભરત જેવા અસંખ્ય રત્નો વિદેશોમાં શાંતિથી કામ કરે છે જો કે હવે ભારતમાં પણ કોર્પોરેટ કલ્ચર આવી રહ્યું છે.

  ઘણા સમય પહેલાં બ્રિટનનાં પ્રિંસ ચાલ્સએ કોર્પોરેટ સોસિયલ રિસ્પોંસિબીલિટીની વાત કરેલી. કોર્પોરેટ જગત થોડો સમય અને નાણાં સમાજ પાછળ ખર્ચે તેવો આશય હતો. આ સદર્ભમાં આપણે ક્યાં છીએ તે જોઈએ.

  ઘણાં સમયથી ભારતમાં બોરવેલમાં બાળકો પડી જવાની ઘટના વારંવાર ઘટે છે પરંતુ આજ સુધી ભારતની કોઈ એંજીનીયરીંગ કંપનીએ એવું સાધન નથી વિકસાવ્યું કે આ સમસ્યાનો ઉકેલ ગણતરીના કલાકમાં આવે. જ્યારે આવી ઘટના ઘટે ત્યારે ટીવી પરનાં દ્રષ્યો જોઈને ખરેખર દુઃખ થાય છે કે એક અબજની ઉપરની વસ્તી ધરાવતો આ દેશ પોતાની વારંવારની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેટલો વામણો છે આમાં કોઈ નિંદાનો ભાવ નથી આ ફકત એક દ્રષ્ટાંત છે. બોરવેલની ઘટનાઓ આપણી આંખો ખોલવા માટે પુરતી છે.

  વિદેશોમાં ભારતીયો સફળ થાય છે પરંતુ તેની બુનિયાદ ભારતમાં રચાયેલી તે પણ ના ભુલવું જોઈએ અને જો પાયો મજબુત હોય તો જ ઈમારત બુલંદ રહી શકે..!!!

  ફીર ભી
  મેરા ભારત મહાન.

 10. Yogesh Kamdar says:

  As one of the authors of this article (which was published in Navneet-Samarpan), I would like to clarify that our entire emphasis and focus in this article have been on the technological marvel of this wonderful thing called “Google News” and DEFINITELY not on Krishna-Bharat being an Indian. Who-so-ever invents such a magnificent technology deserves our whole-hearted admiration and his/her place of origin is totally irrelevant. As RigVeda says : “Let noble thoughts come to us from every direction.” — “દરેક દિશાએથિ અમને શુભ અને સુન્દર વિચારો પ્રાપ્ત થાઓ.”

  I think this clarification deals with the points raised by Kalpeshbhai, Natvarbhai and Nayanbhai. [My apologies for writing in English as you’ll see that I have still not perfected the technique of typing in Gujarati script using the in-built programme offered by readgujarati.com].

  – યોગેશ કામદાર

  • કલ્પેશ says:

   Yogeshji,

   It could be your intention “focus in this article have been on the technological marvel of this wonderful thing called “Google News” and DEFINITELY not on Krishna-Bharat being an Indian”

   But the title suggest it other way – “ભારતનુ ગૌરવ”.

   I respect your appreciation of technology & an Indian doing it.
   But, I think it is somebody’s own hard work/intelligence & other factors.

   I think we should not be “proud” with achievements of Indians abroad. They deserved it & they were acknowledged.

   Ideally, if India could create an environment where we could create world class companies & working environment – we wouldn’t need to claim success of others.

  • કલ્પેશ says:

   The article is good.

   However, it sounds same as “First Indian to be governor of Lousiana”, “Pepsico Chairperson of Indian Origin” etc.

   Let them claim/say that they are Indian. Why are we labeling them with “Indian”? Is it only because they are famous?

   I don’t mean any offense. This is a criticism of our own way of feeling less capable at home.

 11. ૩ અમેરીકન પ્રોફેસરો (૧ મારી યુનિવર્સીટીના હતા) ભારતથી ૧ થી ૩ વર્ષની ફુલ બ્રાઈટ સ્કૉલરશિપ પછી પાછા ફરેલા. એમના વ્યાખ્યાનો હું સાંભળવા ગએલો.એ બધા સોશિયલ અને કળા ના પ્રોફેસરો હતા. બદ્ધાઓએ મોટુ આશ્ચર્ય વ્યક્ત કરેલુ, કે ભારતમા આટલી ગરીબાઈ મા પણ આપણી કુટુંબ વ્યવસ્થા ટકેલી છે. એમને માટે એ સવાલ હતો, કે ભારતે ક્યા આધારે આવુ ટકાવી રાખ્યુ ? ઉપરછલ્લી તુલના ( કોઈ નુ અપમાન ઉદ્દેશ નથી) માટેના એક સવાલ ના જવાબ મા એમણે એમ કહેલુ, કે “ધારો કે અમેરીકામા ભારત જેવી આર્થિક ગરીબાઇ હોય. ત્યારે જે પ્રકારનો વ્યવહાર અમેરીકા મા કલ્પી શકાય, એ વ્યવહાર સાથે ભારતમા થતા વ્યવહારની તુલના કરાવી જોઇએ”. વિષય ઉંડાણમા એટલો લાંબો છે, કે આના ઉપર સ્વતંત્ર લેખ લખાય. પણ ધ્યાન રહે, કે ભારતની સંસ્કૃતિ પણ આજે એક હજાર વર્ષની ગુલામી પછી અને ગળાકાપ સ્પર્ધા સામે, વિકૃત થએલી છે.નવાઈ તો એ વાતની છે, કે આવી કપરી પરિસ્થિતિ હોવા છતા કૃષ્ણ-ભરત જેવા હીરાઓ એ પેદા કરી શકે છે. એના દાદાના સંસ્કારો એ જે ઘડતર કર્યુ, એનો ફાળો પણ ખરોજ ને.
  વિચાર પણ ૬ દિશાઓ થી કરતા આપણાજ ૬ દર્શનો (ષટ્ દર્શનો,) અને અનેકાન્ત( અનેક+ અંત) વાદ આપણે એકજ વસ્તુને જુદે જુદે છેડેથી જોતા શિખવે છે. બીજાઓ પોતાના મત વ્યક્ત કરે, એ મને માન્યજ, નહી આવકાર્ય છે. પણ હું ભારતમા જન્મ્યો એનુ ગૌરવ અનુભવુ છું .હું, મારા પોતાના આત્મા સાથે પ્રતારણા કેમ કરૂં? ટિપ્પણી નિ મર્યાદામા વધૂ શું લખુ?

  • કલ્પેશ says:

   Madhusudanji,

   I agree with you on the સંસ્કાર-સિંચન by parents/grandparents.

   તે છતા, આપણે ભારતીય તરીકે કદાચ પોતાને ઓછા ગણીએ છીએ. તેથી જ આપણને કોઇ ભારતીય (વિદેશમા) કંઇ સારુ કરે તો એનુ માન એને એક ભારતીય તરીકે જોવામા લઇએ છીએ.

   જેમ હિંદી ફિલ્મ બનાવવાવાળા બધાને ઑસ્કાર જોઇએ છે અને હૉલીવુડની ફિલ્મોમા કામ કરવુ છે, સમારંભમા અંગ્રેજીમા ભાષણ અને આંધળુ અનુકરણ (કપડા, આચાર). શુ હિંદી ફિલ્મો જોવાવાળાને ખોટુ લાગશે જ્યારે કલાકારો હીંદીમા ભાષણ કરશે તો?

   a simple example: I, a Tamil friend & a Gujarati family (Patel) were together at some place. And, the talk went towards the movie “Slumdog Millionaire”. The family said – he is a Patel (from our community).

   I smiled & thought – does the actor know them for the family to claim it to be of their community?
   It is just to show off to the Tamil guy? OR take fame of someone else, because he has a same last name?

   Your thoughts are welcome.

 12. પ્રિય, કલ્પેશભાઈ, નમસ્તે. એક વિરોધક તરીકે નહી, પણ એક હિતેચ્છુ મિત્ર તરીકે કેવળ સચ્ચાઈ નો આવિષ્કાર કરવા સારુજ આ વિચારો રજુ કરુ છૂં.
  —————–નીચે આપના વિધાનો છે.જે સહેલા સંદર્ભ માટે રજુ કર્યા છે.—————————————–
  વિધાનો: (૧) —“પણ એમની સફળતા પાછળ એ પોતે જવાબદાર છે. ભારતની બહાર જઇને કોઇ સારુ કરે અને આપણે એની સફળતા માટે માન લઇએ (એમ કહીને કે એ ભારતીય અથવા ગુજરાતી છે) એ વ્યાજબી નથી”.
  (૨) I mean – if you look at the news/articles – it says an Indian american appointed to be the first IT officer for white house, an Indian kid wins the spelling contest, an Indian American goes to the space, an Indian American in the US treasury office.(૩) “આ બધ લખીને આપણે શુ દેખાડવા માંગીએ છીએ? અને આ બધા લોકોની સફળતામા આપણો કયો હાથ છે?
  I think we should not be “proud” with achievements of Indians abroad. They deserved it & they were acknowledged.”
  ———————————————–આ બધા આપના વિધાનો છે—————————————–
  સંક્ષેપમા રજૂ કરવામા થોડુક જોખમ છે. પણ હૂં કોશીશ કરુ છું. આપના દાખલાઓની સચ્ચાઈ પ્રત્યે કોઈ શંકા નથી દાખલાઓમા આપ વ્યક્તિનેજ શ્રેય આપો છો, મારા વિચાર પ્રમાણે આ બન્ને ઘટકોનો (વયક્તિક+સંસ્કાર) ઓછા વત્તા પ્રમાણમા સહભાગ છે.
  (ક) દરેક વ્યક્તિ એક વ્યક્તિ (individual) છે, અને એ અભિવ્યક્તિ (expression, manifestation) પણ છે.(ખ) એ અભિવ્યક્તિ છે એના પોતાની વૃત્તિની, તથા એના ઉપર થએલા સંસ્કારની, જે એના માતા-પિતા, શિક્ષકો, મિત્ર મંડળ, અને બધોજ સમાજ જેને એક પરમ્પરા કે સંસ્કૃતિ પણ ગણી શકાય.(ગ) એક સમીકરણની રીતે જોઈએ તો –> ૫ ઇંદ્રિયો દ્વારા જે ગ્રહણ થાય છે—>તે ( મન + બુદ્ધિ) મા મંથન થઈ,—> એ વ્યક્તિની વૃત્તિ ( સારી/ખરાબ) પ્રમાણે, પ્રક્રિયા થઈ —-> એની અભિવ્યક્તિ–> વ્યવહાર (દુર્વ્યવહાર પણ), આચાર/દુરાચાર, શિષ્ટાશિષ્ટતા, મહત્વાકાંક્ષા, યશ-અપયશ, પ્રસિદ્ધિ ઇત્યાદિમા થાય છે.(આ સારાંશ એક પ્રકરણ નો છે)
  જ્યારે સ્પેલિંગ બીમા ભારતીયોનુ જન સંખ્યાકરતા અનેક ગણૂ પ્રતિનિધિત્વ નોંધાય છે, જ્યારે આય વી લીગ કૉલેજોમા જનસંખ્યાના પ્રમાણ કરતા અનેક ગણુ સફળતાનુ પ્રમાણ દેખાય છે. તો એનુ કારણ શું? વયક્તિક ઉપલબ્ધિ તો સ્પષ્ટજ છે, પણ એ કેવળ વયક્તિક ઉપલબ્ધિજ છે(?), એવુ મને લાગતુ નથી. સાહજિક પ્રશ્ન થાય કે આનુ કારણ શૂં? કેવળ એને વયક્તિક અભિવ્યક્તિજ માની લેવી? મારી દૃષ્ટિએ આ બધાજ ઘટક તત્વોનૂ પરિણામ છે.
  મારી સામે પ્રત્યક્ષ રીતે કેવળ અમેરીકાના દાખલાઓ અને યુનિઅર્સિટી ના વિદ્યાર્થીઓ નો થોડોક ઇતિહાસ છે.એના આધારે હું વિધાનો કરૂ છું. ભારતના કે ગુજરાતના છાપાઓ વાંચુ છું. એટલુજ. એટલે આ મર્યાદામા રહીને મે વિધાનો કર્યા છે.
  (ઘ) એવા પણ ભારતીય કે ગુજરાતીઓ હોય કે જે પોતાના મા-બાપને, સંસ્કારને શ્રેય/દોષ, ના આપે, માટે એ સંસ્કાર/કુસંસ્કાર નુ મહત્વ ઘટી જતુ નથી. માટે, હું એમ નહી કહુ, કે મારી સફળતામા મારા સંસ્કારોનો ફાળો નથી. મને જો ગુજરાતીનો ગૌરવ કે લજ્જા ની લાગણી થતી હોય, તો એ બન્ને સ્થિતિઓમા મારા ઉપર જે પરિબળો બાળપણથી કામ કરતા રહ્યાછે, એનો ફાળો છે, એમ હું માનુ છું.
  ॥वादे वादे जायते शास्त्र बोधाः॥ ને થોડુક ફેરવીને કહિએ ||वादे वादे जायते सत्यबोधाः|| ગુજરાતીનો ગૌરવ અને ભારતનો ગૌરવ” રિડ ગુજરાતી” મા વાંચનાર કે લખનાર બધાનો હું આભાર માનૂ છૂં, જેથી ગુજરાતી ભાષાને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. આ ચર્ચા એક હિતેચ્છુ મિત્ર તરીકે કેવળ સચ્ચાઈ નો આવિષ્કાર કરવા સારુજ છે.આપની માન્યતા મારાથી જુદી હોઈ શકે, એ માન્યતાનો પણ હું આદર કરુ છૂં, હું તામારા સ્વતંત્ર મતના અધિકારને માન્ય રાખૂ છૂં.
  મધુસૂદન ઝવેરી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.