ફૂલ દીધાનું યાદ – વિઠ્ઠલ પંડ્યા

[પુન: પ્રકાશિત]

ગાડી પ્લેટફોર્મ પર ઊભી રહી એવો જ હું મારી એટેચી ને બિસ્તરો લઈ નીચે ઊતર્યો. પરિષદમાં જવાનું છેક છેલ્લી ઘડીએ નક્કી કર્યું હોવાથી કોઈની સાથે નીકળવાનું બની શક્યું નહોતું. આથી મારી એકલાની ચિન્તા કરતો હું એ અજાણ્યા શહેરમાં ઊતરી પડ્યો. પછી રિક્ષા કરી સરનામા મુજબ ઉતારાના સ્થળે પહોંચ્યો.

સવારનું ધુમ્મસભર્યું વાતાવરણ ને ગુલાબી એવી ઠંડી. ઠીક મજા આવી. પરિષદે ઊભા કરેલા કાર્યાલયમાંથી પાસ ને ઈતર સાહિત્ય મેળવી લઈ સ્વયંસેવક દોરી ગયો એ ખંડમાં જઈ, મેં ધામા નાખ્યા. સાહિત્ય પરિષદમાં આવેલા કેટલાક સભ્યો મારી નજરે પડ્યા, પરંતુ એમાનું કોઈ ન તો મને ઓળખતું હતું ન હું એમાંના કોઈને ! પ્રાત:વિધિ આટોપતાં મને થોડી મૂંઝવણ થઈ. શી રીતે ત્રણ દિવસ જશે અહીં ? પરિચિતોમાંથી એકાદ-બે ભેટી જાય તો સારું !

વિશાળ ઉદ્યાન જેવી જગ્યામાં કૉલેજનાં અલગ અલગ મકાનો, હૉસ્ટેલો, લાઈબ્રેરી અને લેબોરેટરીની ઈમારત. એ ઈમારતને ભોંયતળિયે એક સુંદર ને વ્યવસ્થિત સભાખંડમાં પરિષદ ભરાવાની હતી. રાજ્યના શિક્ષણસચિવને હસ્તે ઉદ્દઘાટન હતું. હું થોડો મોડો પડ્યો હતો. સભાખંડમાં જઈ પહોંચ્યો ત્યારે ઉદઘાટન વિધિ પતી ગઈ હતી. મંચ પર ત્યારે સ્વાગતપ્રમુખનું ભાષણ ચાલી રહ્યું હતું. ચિક્કાર ગિરદી વચ્ચે માંડ એક જગ્યા મેળવી હું બેસી ગયો. સભામંચ પર વિધિવત્ બધું ચાલી રહ્યું હતું. એમાં જીવ ખાસ લાગે એમ નહોતો. આથી મારી પડખેની લોબીમાં ને એની પેલે પાર બગીચાની લોન તરફ વારંવાર હું જોતો રહ્યો.

એટલામાં બેએક વરસની એક રૂપાળી બાળકી મારી નજરે પડી. લોન પર ને ફૂલછોડના ક્યારા આસપાસ એ દોડતી હતી. દોડતી વખતે પડી જતી તો સભાખંડ બાજુએ જોઈ લેતી. ત્યારે એના મુખ પર નિર્દોષ હાસ્ય છવાઈ જતું. પરિષદની કાર્યવાહીને બદલે એ બચ્ચી પર મારું મન લાગ્યું. લોબીની બિલકુલ નજીક – મારી બેઠકથી દસ-બાર હાથ છેટે જ એ રમતી હતી. આથી શ્રોતાઓની તમા કર્યા વિના એક વખત તો એને મેં પ્યારથી બૂચકારી પણ ખરી. મને જોઈ એ હસી પછી મુઠ્ઠીઓ વાળી ભાગવા ગઈ, પરંતુ ભાગવા જતાં નજીકના ફૂલછોડની ડાળીમાં એના ફ્રોકનો છેડો ભરાયો. એ સાથે જ એ ગડથોલિયું ખાઈ ગઈ. પછી રડવા લાગી. તરત ઊઠીને હું એની તરફ દોડ્યો. ડાળીના કાંટામાં ભરાયેલું એનું ફ્રોક છૂટું કરવા જતો હતો ત્યાં એક યુવતી આવીને ઊભી રહી :

‘મુન્ની, પડી ગઈ કે ?’
એનો સ્વર સાંભળી હું ચમકી ગયો. એ પણ સ્તબ્ધ સરખી મારી સામે જોઈ રહી.
‘વિમલા ! તું – તમે અહીં ?’
મુન્નીની આંગળી પકડી લઈ, પાછો નિ:શ્વાસ નાખી એ બોલી : ‘હા, મારા હસબન્ડ સાથે આવી છું. પણ તમે….. ક્યારે આવ્યા, પરેશ ?’
‘કલાક થયો. મોડો પડ્યો છું – જેમ હંમેશ પડતો આવ્યો છું એમ !’
‘તો ફરી મળીશું – ચાલ મુન્ની’ કહેતાં બાળકીને લઈ એણે સભાખંડ બાજુ ચાલવા માંડ્યું.

હું વધારે અસ્વસ્થ થઈ ગયો. વિમલા એના પતિની હાજરીનો ખ્યાલ કરી કદાચ જલદી ચાલી ગઈ. નહિ તો વાત કરવા ઊભી ન રહે ? આટલે વખતે મને જોઈ ખુશી થવાને બદલે એના ચહેરા પર દુ:ખ પણ વરતાયું.
લોબીના થાંભલાની આડશે મેં સિગારેટ પેટાવી. થોડેક દૂર ચાર-છ જુવાનિયાની ટોળી સંભાષણોની વાજ આવી, બહાર નીકળી ટોળાટપ્પાં કરવા લાગી હતી. મનેય થયું કે મનની અસ્વસ્થતા ખંખેરવા બહાર નીકળી જઈ, રિક્ષા કરી, શહેર આખામાં ફરી આવું. પરંતુ વિમલા ક્યાં ઊતરી છે એ જાણવાની લાલચ એવી હતી કે મારે અનિચ્છાએ પણ પાછા બેઠક પર જવું પડ્યું. પરંતુ જે ઈચ્છાથી હું કમને ત્યાં બેઠો હતો એ ઈચ્છા બર ન આવી. કાર્યક્રમ પૂરો થાય એ પહેલાં જ વિમલા અને એનો પતિ ઊઠીને ચાલી ગયાં. એના ખભે ઊંઘતી પડેલી મુન્ની હતી. કદાચ એટલે જ એ લોકો જલદી ઊઠી ગયાં. મને થયું કે એમની પાછળ જાઉં, એનો ઉતારો જોઈ લઉં. એ નિમિત્તે એના પતિ સાથે પરિચય કરી લઉં. પરંતુ હું ન ઊઠ્યો. નીરસ મને છેવટ લગી ત્યાં બેસી રહ્યો.

બપોરે જમવાના વિશાળ માંડવામાં વિમલાને શોધવા મેં પ્રયત્ન કર્યો. પરંતુ એ કે એનો પતિ મારી નજરે ન પડ્યાં. કદાચ શહેરમાં એમનાં કોઈ સગાસંબંધીને ત્યાં નહિ ઊતર્યા હોય ને ?
બપોરે પણ મેં બિસ્તર પર પાસાં ઘસતાં વિતાવી.
સાંજે પણ આખ્યાનો ને વ્યાખ્યાનો ચાલુ હતાં. દિલ ન લાગ્યું છતાં વિમલાને ફરી મળવાની ઝંખનામાં હું સાંજ પડી ત્યાં લગી સભાખંડમાં બેસી રહ્યો. મારી આંખો અપરિચિત ચહેરાઓમાંથી એક પરિચિત ને નમણો ચહેરો શોધવા મથી રહી હતી. જેણે એક વખત સ્વેચ્છાપૂર્વક મારી જોડે પ્રેમ કર્યો હતો. એનું ખોવાયેલું મુખ ફરી જોવા હું તલસતો હતો, પરંતુ ત્યાંથી ઊઠી ભોજનના સમિયાણામાં ગયો ત્યાં સુધી એને જોવા ન પામ્યો.
પણ – એનો પતિ મારી નજરે પડ્યો ખરો ! પરિષદના વરાયેલા પ્રમુખની જોડે ચાલતા ત્રણચાર જણ ભેગો એ પણ હતો. પ્રમુખશ્રી ખાસ તો એની સાથે જ વાત કરતા હતા. એની વાત સાંભળી હસતાયે હતા. મને થયું કે નક્કી વિમલાનો પતિ સાહિત્યજગતનો મહત્વનો માનવી હશે ! પરંતુ એની ભેગી વિમલા ને પેલી મુન્ની કેમ નથી ?

જમીને ત્યાંથી બહાર નીકળવા જતો હતો, ત્યારે બે પરિચિત લેખકમિત્રો ભેટી ગયા. પછી તો એમની જોડે પાન ખાવા ને શહેરમાં રખડવા ચાલી ગયો. રાતે ગરબારાસ માણ્યા. કંપની રહી ત્યાં લગી મન આનંદમાં રહ્યું, પણ મોડી રાતે ઉતારા પર ગયો ત્યારે પાછો અજંપો ઊછળી આવ્યો. ચાર-સાડા-ચાર વરસથી વિમલાને ભૂલવા મથી રહ્યો છું. પણ એ નથી ભુલાતી. કોઈક એકાંત ક્ષણો એવી આવે છે કે એની યાદ તીવ્ર બની જાય છે. ચૌદ-પંદર વરસની છોકરી હતી ત્યારથી તે અઢારેક વરસની એ થઈ ત્યાં લગીનાં મીઠાં સ્મરણો જીવને ક્યારેક મધુરતા અર્પે છે. તો ક્યારેક વિષાદની ઊંડી ખાઈમાં ધકેલી દે છે.

શહેરની શેરીમાં સામે છેડે એનું ઘર; પરંતુ અમારા બંને ઘર વચ્ચે સંબંધોનું અંતર લગીરે નહિ. અમારી ત્યાં બા કંઈ નવી વાનગી બનાવે તો વિમલાને ત્યાં મોકલાવે. વિમલાને ત્યાં કંઈ થયું હોય તો અમારે ત્યાં પહોંચી જાય. આમ જાવન-આવનમાં અમારી પ્રીત પાંગરી ને પ્રીતને ફૂલ આવ્યાં.

સાહિત્ય ત્યારે લખતો નહોતો પણ વાગોળતો હતો. એવા મુગ્ધ યૌવનના નશીલા પ્રવાહમાં ખેંચાઈ વિમલાને હું પ્રેમ કરવા લાગ્યો હતો. પ્રેમનું એક પ્રતીક રાખ્યું હતું મેં – ગુલાબનું ફૂલ ! અવારનવાર ગુલાબનું સુંદર ફૂલ લાવી વિમલાના વાળમાં ખોસતો ને કહેતો :
‘વિમુ, તું રાજકુમારી જેવી લાગે છે, હોં !’
ત્યારે તે મધુર હસતી. જોકે કોઈક કોઈક છોકરીઓને હસતી વખતે ગાલમાં ખંજન પડે છે. વિમલાને ગાલે એવાં ખંજન નહોતાં પડતાં, છતાં હું કહેતો :
‘તું ભાગ્યશાળી છે, વિમુ ! તારી જોડે લગ્ન કરનાર સાચે જ બહુ સુખ પામશે.’
એ માત્ર હસતી રહેતી, પરંતુ એ સમજણી થઈ અને મોટી થઈ પછી એ ગંભીર રહેવા લાગી. મેં એકવાર મજાક ખાતર એને કહ્યું : ‘હું હવે આગળ અભ્યાસ કરવા મુંબઈ જવાનો છું, વિમુ ! બોલ, તારી શી આજ્ઞા છે ?’
એના પિતાજી નોકરીએ ગયા હતા. એની બા બજારમાં કંઈ લેવા નીકળ્યા હતાં. ઘરમાં એ એકલી જ હતી. મારી વાતે એને ત્યારે એવી બેચેન કરી મૂકી કે તે મારા ખભે માથું મૂકીને રડવા લાગી.
બસ, ત્યાર પછી એવી કશી ગમ્મત કરવાનું મને નહોતું સૂઝ્યું. એ પછી વિમલા ને હું એટલાં નિકટ આવી ગયાં કે અમારા પ્રેમસંબંધ વિષે લોકોમાંયે ચર્ચા થવા લાગી. મારાં માતાપિતાનેય જાણ થઈ ગઈ કે રોજ ફૂલ લાવી વિમલાને અંબોડે હું નાખું છું !

એ પછી શું થયું તે ખબર નથી, પણ વિમલાનું નાનું કુટુંબ ત્યાંથી અચાનક ઘર ખાલી કરી ગયું. વિમલા એકાંતમાં મળી ત્યારે એ વાતેનો ઈશારો એણે કર્યો હતો ખરો કે એના બાપુજીને નોકરીનું ક્યાંક બીજે નકકી થયું છે એટલે એ લોકો ગણતરીના દિવસોમાં ત્યાંથી ખાલી કરી જવાનાં છે. પણ એ બધું બન્યું મારી ગેરહાજરીમાં. મામાના છોકરાના લગ્નમાં હું ને બા મુંબઈ ગયાં તે દરમિયાન એ લોકો અમારું શહેર છોડી ગયાં ! વિમલાને મેં ધરપત દીધી હતી કે માબાપ ગમે તે કહે, તું વિશ્વાસ રાખજે કે તું જ્યાં હોઈશ ત્યાંથી શોધી કાઢીને હું તારી જોડે લગ્ન કરીશ ! પરંતુ હું મોડો પડ્યો હતો. વિમલા સાથે એનાં મા-બાપ ક્યાં ચાલી ગયાં તેની વરસદિવસ સુધી મને કોઈએ ખબર પડવા ન દીધી ! ને ખબર પડી ત્યારે ? ….. ત્યારે ગુજરાતમાં કોઈ કૉલેજના લેકચરર જોડે એનું લગ્ન થઈ ચૂક્યું હતું અને ત્યારે વિમલા સાસરે હતી !

એ પછીના મારા દિવસો કેવા ગયા છે તે એકલું મારું મન જાણે છે. આજે કેટલાં બધાં વરસો પછી એને જોઈ ! પરંતુ જોયા પછી તો મારી ઢબૂરાયેલી બધીયે કામનાઓ રાખની ઢગલીમાંથી માથું ઊંચકી બેઠી થતી હોય એવી લાગણી મેં અનુભવી. કમ સે કમ વિમલા જોડે દિલ ઠાલવીને મારી હૈયાવરાળ કાઢવાની એક વખત તક મળે તોય બસ !

રાત મેં જેમતેમ વિતાવી.
સવારે તૈયારી કરી પેલા લેખકમિત્રોના ઉતારે જતો હતો ત્યાં જ નીચેના બાથરૂમ બાજુથી વિમલાને આવતી મેં જોઈ. એ પણ સતર્ક થઈ. એ નજીક આવી એટલે મેં કહ્યું :
‘મારી બીક લાગી’તી શું, કે તમે સાવ અંતર્ધાન થઈ ગયાં’તાં, વિમલા ?’
‘ના, પણ….’
‘પણબણ કશું નહિ. તમને તમારા પતિનો ડર હોય તો શા માટે એમની જોડે મારો પરિચય નથી કરાવી દેતાં ? એક શિક્ષિત માણસ શું આપણી મૈત્રી પર પણ શંકા લાવશે ?’
‘કૃપા કરી પરેશ, અત્યારે તમે જાઓ ! એ માણસને તમે ઓળખતાં નથી.’
‘તો ઓળખાવ તું ! શા માટે આટલી બીક રાખે છે ? હું શું એની પાસેથી તને છીનવી જવાનો છું હવે ?’
થોડી ક્ષણ હોઠ ચાવતી ઊભી રહી. પછી બોલી :
‘અચ્છા ! તારો ઉતારો ક્યાં છે એ મને જણાવ ! આજે સાંજના પ્રોગ્રામ વખતે ત્યાં આવી જઈશ !’
‘સાચું કહે છે વિમુ, કે પાછી મારાથી અલોપ થઈ જવા માગે છે ?’
તો સામો એણે જ મને સવાલ પૂછ્યો :
‘મારા પર તને હવે એટલોયે વિશ્વાસ નથી રહ્યો પરેશ કે આમ પૂછે છે ?’
‘અચ્છા તો જો –’ કહી આસપાસ નજર નાખી મેં મારા ઉતારાનું સ્થળ બતાવ્યું. ‘પરિષદની ઈમારતની પાછળ છોકરાઓની હૉસ્ટેલ છે. એમાં પહેલે માળે, રૂમ નંબર સાત. સાંજે ચાર વાગે તારી રાહ જોઉં ને ?’
‘હા – ’ કહી સડસડાટ એ ઉપર ચાલી ગઈ.
ત્યાંથી જ હું પાછો વળી ગયો. પેલા લેખકમિત્રોમાંથી કોઈને મળવાનો મૂડ પછી ન રહ્યો. પરિષદમાં ચર્ચાતી બાબતો પણ મારે મન પછી ગૌણ બની ગઈ. મારું ચિત્ત વિમલાની આસપાસ ફેરફૂદરડી ફરતું રહ્યું. બપોરે જમવા ટાણે એના પતિ સાથે જોઈ પણ એ લોકોથી હું દૂર જ રહ્યો. સાંજે ક્યારે ચાર વાગે છે એની રાહ જોતો ઉતારે પડી રહ્યો. બધા ડેલિગેટો પરિષદ-ખંડમાં (ને કેટલાક શહેરમાં ખરીદી વાસ્તે) જવા તૈયાર થઈ રહ્યા હતા. એકે મને પૂછ્યું :
‘કેમ પરેશભાઈ, તમે હજી સૂતા છો ?’
‘માથું ચસકા મારે છે તે પડી રહ્યો છું.’
‘તો અહીં જ રહેવાના હો તો બધાના સરસામાનનો ખ્યાલ રાખજો, મેરબાન !’
એવો જ હું બેઠો થઈ ગયો. બોલ્યો :
‘ના ભાઈ, હું અત્યારે એવો બેખ્યાલ છું કે મારું પોતાનું જ ધ્યાન રાખી શકું એમ નથી. કદાચ ચા-પાણી લેવા બહાર પણ ચાલી જાઉં !’
‘અચ્છા !’

રાહ જોવડાવી લગભગ સાડાચારે વિમલા એની મુન્નીને લઈ ત્યાં આવી પહોંચી. બોલી :
‘આપણે બહાર જ જઈએ. પ્રોફેસર (મારા પતિ) અત્યારે એમનો નિબંધ વાંચવાના છે. ખરીદીનું બહાનું બતાવી હું ચાલી આવી છું. ચાલ, શહેરમાં કોઈ અગોચર જગ્યાએ પહોંચી જઈએ.’
કૉલેજ પાછળના નાના રસ્તેથી અમે બહાર નદીકિનારે થોડેક છેટે જઈ અને રિક્ષા કરી લીધી. શહેરની બહાર નદીકિનારે જવા અમે ઊપડ્યાં. રસ્તામાં વિમલાએ ઘણીબધી વાતો કરી. ખાસ તો એ કે –
‘તારી ત્રણે નવલકથાઓ મેં અને પ્રોફેસરે વાંચી છે, પરેશ ! ત્રણેમાં તે નિષ્ફળ પ્રેમની વાર્તાઓ લખી છે. પ્રથમ નવલ તો તારી-મારી જિંદગીની જ વાર્તા છે જાણે ! પેલા સમાયિકમાં એમણે ઉપનામથી તારાં પુસ્તકોનું વિવેચન લખ્યું ત્યારે છેડાઈ જઈ તેં વળતો ઘા મારવા તારો જવાબ છપાવ્યો એ ઠીક નહોતું, પરેશ ! એ કારણે તારી પ્રત્યે એમના મનમાં એક જાતનો પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો. એક વખત તારો પક્ષ લઈ એમની જોડે દલીલ કરી તો મને પૂછ્યું : ‘પરેશને તું ઓળખે, વિમલ ?’ મારાથી હા પડાઈ ગઈ. બસ, એ પછી તો સાહિત્યમં સંશોધન કરતા હોય એમ મારાં માતાપિતા પાસેથી થોડીક હકીકત એ મેળવી આવ્યા !
‘ઓહ ! ત્યારે તો પ્રોફેસર બહુ ઊંડા ઊતર્યા લાગે છે !’
‘શું કહું, પરેશ ! – બે ત્રણ વાર તો ગંદો કાદવ ઉડાડી એમણે મને રોવરાવી પણ હતી ! તારી નવલકથામાંના અમુક ફકરાઓ મારી આગળ વાંચી વારંવાર મારી લાગણી પર અંગારાયે ચાંપ્યા હતા.’
‘પણ…. એવું હતું તો શા માટે તુ મારે ત્યાં ન દોડી આવી, વિમુ ?’
‘હું ત્યારે બંધાઈ ચૂકી’તી – મુન્ની ત્યારે મારે પેટ હતી !’
‘ઊફ !’ કહી હું ખાસી વાર સુધી ખામોશ થઈ બેસી રહ્યો.
‘પણ… પરેશ, તને હજીય શું મારી પ્રત્યે એવી જ લાગણી છે ?’ એકાએક એણે પૂછ્યું, ‘પહેલા હતી એવી જ ?’
‘કેમ એમ પૂછે છે, વિમુ ?’
‘એટલા માટે કે…. તને જે મને જે ઘા પડ્યા છે એ પર લાગણીના મલમ દ્વારા જ રૂઝ લાવી શકાય એમ છે. પરેશ ! બાકી આમ જોવા જઈએ તો – કોણ કોને ભૂલી શકવાનું હતું ?’

હું ચૂપ રહ્યો. વિમલા શું કહેવા માગતી હતી તે હું સમજી ગયો. ક્ષણેક વિચાર કરી મેં રિક્ષા પાછી વળાવી.
‘કેમ પણ ?……..આપણે નદીના એકાંતે ફરવા નથી જવું, પરેશ ?’
‘ના, આપણે આટલેથી જ પાછાં ફરીએ છીએ.’
વળતી વખતે બજારમાં ફૂલવાળાની દુકાને મેં રિક્ષા થોભાવી. ત્યાંથી ત્રણ ગુલાબનાં ફૂલ લીધાં. એક મેં રાખ્યું. બીજું બોકી ભરીને મુન્નીની બાંધેલી ચોટલીએ ખોસ્યું. ત્રીજું ફૂલ વિમલાને અંબોડે પરોવતાં ભારે હૈયે મેં કહ્યું :
‘આ મારા પ્રેમની અંતિમ યાદગીરી, વિમુ ! હવે પછી કદાચ આપણે ન પણ મળીએ !’
વિમલાની આંખમાં ત્યારે આંસુની ટશરો ફૂટી આવી.
એને અને મુન્નીને કૉલેજના કમ્પાઉન્ડ પાસે છોડી હું જુદો પડી ગયો, જુદો ત્યાં સુધી કે એ રાતે જ હું મારાં બિસ્તરબેગ લઈ ત્યાંથી ચાલી નીકળ્યો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગૂગલ ન્યૂઝ : ભારતનું ગૌરવ – ડૉ. હરેશ અને યોગેશ કામદાર
ખુદ સમંદર – બરકત વીરાણી ‘બેફામ’ Next »   

10 પ્રતિભાવો : ફૂલ દીધાનું યાદ – વિઠ્ઠલ પંડ્યા

 1. pooja bhatt says:

  VIMALA WHY U NOT COME BACK UR LOVE WITH MUNNI?

 2. Sarika Patel says:

  Really very nice article.

 3. Mahendra Patel says:

  હત અન એક્ષેલ્લેન્ત સ્તોર્ય્ ઓત્સ ઓફ એમોતિઓનલ દેતૈલ્ થે બેસ્ત પર્ત ઇસ યોઉ લેઅવે રેઅદેસ વિથ સુસ્પ્ર્ને તો એન થે સ્તોર્ય્ ઑને ન મકેો ન્લુસિઓન વ્હત એવેર થેય ચ્હોસે

 4. Vraj Dave says:

  વાર્તા માં અધુરાસ લાગેછે.બાકી સરસ.
  આભાર.
  વ્રજ દવે

 5. kamlesh patel says:

  lekhake janavyu nathi ke pote parani gaya chhe ke nahi. jo na paranya hoy to temne vimla ne munni sathe swikarava ni offer karvi joie.

 6. Ashwin Barad says:

  Upto middle story is good but in last i think somethig is missing.Why are you not giving proper reson of leaving Vimla.

 7. Sakhi says:

  very nice story

 8. krishman says:

  Nothing great or new about this story.

 9. Hitesh Mehta says:

  vat sari rite raju kari che pan premni paribhasa su te kahi na shakya. vimala munni sathe avava tyar hati. paresh lagn krya hata ke nahi ? te jani na shkya.

 10. anil lalcheta says:

  મજ્જ્જા આવિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.