આસવ – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારની ‘આસવ’ કૉલમમાંથી સાભાર.]

[1] મારું ઘર

સામેની પાટલી પર બેઠેલ જોડું ખુશખુશાલ હતું. એક-મેક સાથે ખૂબ હળીમળી ગયાં હશે ! જાય જ ને ! પેલીનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ જ નહીં હોય. પેલો એની કેટલી કાળજી લે છે ! ‘જાંબુ લઈશું ? પાણી જોઈએ છે તને ? બારી બંધ કરી દઉં ? ચા કે કોફી ?’ પુરુષો પોતાને આવી જ રીતે હલાવે-મલાવે એમ ઈચ્છે છે બધી પત્નીઓ. આવા વર્તનથી કેટલી રાજી થતી હોય છે ! સમાનતા નર્યો દંભ છે. પરાવલંબનમાં જ સુખ છે !

કાલે મારો ઈન્ટરવ્યૂ. શું પૂછશે ? ‘આટલી સારી નોકરી શું કામ છોડી ?’ હું શું કહીશ ? તે દિવસ પરાગના મોં પર મંગળસૂત્રનો ઘા કરીને હું ચાલી આવી. પરિત્યક્ત બિચારો ! ‘તમારા મિસ્ટર શું કરે છે ?’ એમ પણ પૂછશે. પુરુષોને કદી પૂછતા હોય છે કે ‘તમારી મિસિસ શું કરે છે ?’ – ટ્રેન જોરથી દોડી રહી છે. સામેની પત્ની પતિના ખભે માથું નાખીને સૂતી છે. સૂતી તો ધૂળ હશે ? નર્યા પોચલિયાવેડા ! થોડી વારમાં સ્ટેશન આવ્યું. પોતે પુરુષ છે એટલે બૈરા માફક બેસી શું રહેવું એવા વિચારથી એ નાહક જ નીચે ઊતર્યો. બીજા પણ ઘણા પુરુષો ઊતર્યા. મોટા ભાગના ગાડી ચાલવા લાગી ત્યારે જ ચડ્યા. ચાલતી ગાડી પકડી કે હું પુરુષ છું એ સિદ્ધ !

મેં પરાગ સાથે પરણવાનું નક્કી કર્યું ત્યારે બધા કહેવા લાગ્યા : તું પી.એચ.ડી. અને તે ફક્ત બી.એસ.સી. ગાંડી થઈ ગઈ છે કે ? વળી, પૈસોય નથી. એના કરતાં તો તું વધુ કમાય છે. તને તો અમેરિકા જનારો પતિ મળશે. મોટર, ફ્રીજ, ફર્નિચર બધું…. હું હસતી. ‘હું પોતે જ નહીં જાઉં અમેરિકા ? પરાગને પણ સાથે લઈ જઈશ. ફ્રીજ વગેરે હું પોતે જ લઈશ. પરાગ મારાથી ઓછું ભણેલો તેમાં શું ? પુરુષોને પોતાનાથી ઓછું ભણેલ પત્ની નથી ચાલતી ? મારો ધણી મારા કરતાં બધી બાબતમાં શ્રેષ્ઠ જ હોવો જોઈએ, એવું શું કામ ? સ્ત્રીઓની એ માનસિક ગુલામી હજી ગઈ નહીં.’ અને એમ બધાની સલાહ વિરુદ્ધ મેં પરાગ સાથે લગ્ન કર્યાં. શરૂ શરૂમાં તો સારું ચાલ્યું, પણ પછી કાંઈ અમારો મેળ પડ્યો નહીં. ધીરે-ધીરે મારા ધ્યાનમાં આવ્યું કે પરાગની વિનોદબુદ્ધિ બહુ જ બુઠ્ઠી છે. બીજાઓ ખડખડાટ હસે, પણ એ બાઘાની જેમ બેઠો રહે. ક્યારેક ખોટી જગ્યાએ નાહક હસી પડે. એકવાર મેં સીધું પૂછી પાડ્યું :
‘કેમ રે, તને સમજાતો નથી મારો વિનોદ ?’
એનું પુરુષ-અભિમાન ભભૂકી ઊઠ્યું : ‘મૂરખ જેવો હોય છે વિનોદ તારો. આખો દિવસ ખીલખીલ શું કર્યા કરવું ?’
મને ચાટી ગઈ. પોતે મૂર્ખ તો મૂર્ખ અને પાછો મને મૂર્ખ કહે ! વળી, અપેક્ષાઓ પણ એની મૂરખ જેવી. હું એનો દાઢીનો સામાન ધોઈ દઉં, એના બૂટને પોલિશ કરી દઉં, રોજ એનાં કપડાં બાથરૂમમાં મૂકું – આવી-આવી એની અપેક્ષા અને પાછું મારે અગિયાર વાગ્યે કૉલેજમાં પહોંચવાનું. તે પહેલાં કલાકેક તો લેકચરની તૈયારી કરવામાં જાય અને રસોઈ તો કરવાની હોય જ.

બીજી બાજુ સાસુની કચકચ ચાલુ : ‘તું નોકરી છોડી દે. પરાગનું બધું વ્યવસ્થિત સચવાવું જોઈએ…. આ કાળા કંકુનો ચાંદલો ન ચાલે, હવે તું કુળવધૂ છે… આ ટૂંકા કપાવેલા વાળ ન શોભે….’ એક વાર મેં મારી માને જરૂર હતી તે થોડા પૈસા આપ્યા. તેમાં ભાઈસાહેબનો પિત્તો ગયો :
‘કોને પૂછીને આપ્યા ?’
‘પૂછવાનું કોને ? હું તને કહેવાની જ હતી. બાકી મારી કમાણીના પૈસા હતા ને મેં આપ્યા.’
‘આવું નહીં ચાલે. પરણ્યા પછી હવે તારો ને એમનો સંબંધ શો ? કમાય છે એનો ઘમંડ ચડ્યો છે શું ?’
‘મન ફાવે તેમ ન બોલ. આટલા પૈસા ખરચી એમણે મને ભણાવી-ગણાવી. ક્યારેક જરૂરને વખતેય હું આટલી કામ ન આવું ? એ સંબંધ તૂટવાનો નથી. એ તો લોહીનો સંબંધ. ઊલટાનો તારો મારો સંબંધ પાછળથી જોડાયેલો.’
‘એમ છે !!! તો ચાલતી થા મારા ઘરમાંથી !’
અને એના મોં પર મંગળસૂત્ર ફેંકી હું ચાલી નીકળી. એનું ઘર ! તો આટલા દિવસ મેં એને મારું માની શું કામ સજાવ્યું ? એ જેટલું પરાગનું હતું એટલું જ મારું પણ નહોતું શું ? તો પછી પરાગ કેમ કહી શક્યો મને કે ચાલી જા ‘મારા’ ઘરમાંથી ?

ટ્રેન એકાએક આંચકા સાથે ઊભી રહી. તંદ્રામાંથી જાગી તો જોયું કે મારું સ્ટેશન આવી ગયું હતું. ઝટ-ઝટ ઊભી થઈ. એક ભાઈએ કહ્યું : ‘તમે ઊતરી જાવ. હું તમારો સામાન ઉતારી દઉં છું.’
(શ્રી દેવકી ગાડગિલની મરાઠી વાર્તાને આધારે.)
.

[2] ના બેટા, અમે તારાં કોઈ નથી !

પોતાને કદી બાળક થશે નહીં એ જાણ્યા પછી તેર વરસના માનસિક સંઘર્ષને અંતે એણે એક નવજાત શિશુ અનાથાશ્રમમાંથી દત્તક લીધું. સમાજ પણ એને પોતાના બાળક તરીકે સ્વીકારતો થાય એ હેતુએ નાનકડો સમારંભ રાખ્યો. અપેક્ષા કરતાં ઘણા આવ્યા, પણ હરખ કે ધન્યવાદ કરતાં કુતૂહલ ને ખણખોદની માત્રા જ વધુ જણાઈ – છોકરું કોનું છે ? જાત વગેરે પૂછી લીધું છે ને ? મા-બાપનું ઠામ-ઠેકાણું છે ? આવાં બાળકો મોટે ભાગે અનૈતિક સંબંધોમાંથી….
રાતે એણે પતિને કહ્યું : ‘નાહકનો કર્યો આ સમારંભ !’
‘જવા દે ને ! બધું ભુલાઈ જશે. કોઈને યાદેય નહીં રહે કે આ બાળક તારા પેટનું નથી.’

પછી તો વિશ્વાસનાં લાડકોડ… વરસોવરસના ફોટા… એક નાનકડા જીવનો એવો કીમિયો કે એના નીરસ વર્તમાનને મોટો આધાર મળ્યો, ભવિષ્યને એક નવી રંગત… છોકરા પર એક જો જરીક ખિજાય તો બીજું પેલાનો પક્ષ લે…
‘ખરે જ સ્વાતિ ! આ ન આવ્યો હોત તો જીવનના એક અંગ વિશે કેટલાં અનભિજ્ઞ રહ્યાં હોત આપણે ? આપણે કાંઈક ઘડવા માટે ઉત્સુક હતાં અને કેટલાંક અનાથ ઘડનારાની રાહ જોતાં પડ્યાં હતાં ! નાહક નિર્ણય કરતાં આપણે 12 વરસ કાઢી નાખ્યાં.’
‘આપણે એને કશાની ઊણપ નહીં વર્તાવા દઈએ. જન્મ સિવાય જે જે કાંઈ આપી શકાય છે તે બધું જ આપીશું.’

પહેલે દિ’ વિશ્વાસ બાલમંદિરે ગયો ત્યારે સ્વાતિને ઘર ખાલીખાલી લાગવા માંડ્યું. અડધો કલાક વહેલી તેડવા ગઈ. બીજી માતાઓ પોતપોતાના બાળકની વાતો હોંશભેર કરતી હતી. સ્વાતિ પણ હરખભેર કરતી રહી, પરંતુ તેનાથી તે અછતું ન રહ્યું કે પોતાની વાતને સામેથી ઘણો ઠંડો આવકાર મળે છે. વિશ્વાસ એક દિવસ શાળાનું રમકડું ઘેર લઈ આવ્યો. સ્વાતિએ પહેલી વાર તેને માર્યો. રમકડું પાછું આપી આવી, પણ આજુબાજુ કાનાફૂસી થતી સાંભળી : ‘લક્ષણ કાંઈ સારાં દેખાતાં નથી.’
‘હાસ્તો ! મોટો થતાં શુંયે કરશે ! નામ બદલ્યું તેથી કાંઈ પિંડ થોડો જ બદલાય છે ?’ સ્વાતિને અનહદ દુ:ખ થયું. વિશ્વાસની જન્મકથા આમ વારેવારે માથું ઊંચક્યા જ કરશે ? વિશ્વાસ પર એણે વિશેષ ધ્યાન આપવા માંડ્યું. એ ગાળ બોલતાં ન શીખે, મારામારી ન કરે, ગંદો ન રહે. એક મા તરીકે કોઈ કમી એ રહેવા દેવા માગતી નહોતી.

એક દિવસ અરીસામાં મોઢું જોતાં વિશ્વાસે પૂછ્યું :
‘મમ્મી, હું કોના જેવો દેખાઉં છું ? અમારા સર કહેતા હતા કે માતૃમુખી સદાસુખી !’
‘એ તો અમસ્તું. બધા જ શું મા જેવાં થોડાં દેખાય ?’
‘ના મમ્મી હોં ! કોઈ કોઈ પોતાના બાપુ જેવા દેખાય છે. પેલી પિંકી તો અસ્સલ એની દાદી જેવી. હું માત્ર કોઈના જેવો નથી.’
‘પણ દીકરા મારા, તું તો તારા જેવો જ દેખાય છે તે સૌથી સારું ! બીજા જેવા શું કામ દેખાવું ?’ કહીને સ્વાતિએ એને હૈયાસરસો ચાંપ્યો. કેટલીય વાર સુધી છોડ્યો જ નહીં. તે દિ’ એના દિલમાં એવો ધ્રાસકો પડ્યો !

વિશ્વાસ હવે બાર વરસનો થયો છે. એની શાળા વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી અનાથાશ્રમનાં બાળકોને નાસ્તો કરાવતી. વિશ્વાસ સૌથી તેજસ્વી વિદ્યાર્થી. પહેલા નંબરે આવ્યો એટલે નાસ્તો તેના હાથે વહેંચાયો, પણ સાંજે ધ્રૂસકે ધ્રૂસકે રડતાં પૂછે, ‘એક વાત કહે મમ્મી, તું મારી મમ્મી નથી ? અને ડેડી ? મારા શિક્ષકો વાત કરતા હતા કે નસીબની કેવી બલિહારી ! અનાથાશ્રમમાં પોતે લેનાર બન્યો હોત તેને બદલે ત્યાં વહેંચવા જાય છે !’ – જેની ભીતિ હતી તે જ થયું. સ્વાતિએ પણ દિલ ખોલી નાખ્યું :
‘ના બેટા, અમે તારાં કોઈ નથી, પણ જન્મ સિવાય જે જે કાંઈ આપી શકાય તે બધું જ અમે આપ્યું છે. અમારું લોહી તારી નસોમાં નથી, પણ જે તેમાં વહે છે તે સુપેરે વહેતું રહે તે માટે લોહીનું પાણી કર્યું છે. તારો દેહ મેં નથી ઘડ્યો, પણ મન મેં ઘડ્યું છે, કારણ મારા રાજા, તું મારો જીવ બની ગયો છે, પ્રાણ બની ગયો છે.’ અને એને છાતીએ વળગાડી એ પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી.

વિશ્વાસ આમાંથી કેટલું સમજ્યો, ભગવાન જાણે ! પણ તે દિવસથી તેનું બાળપણ સમાપ્ત થયું. એણે હઠ કરવાની છોડી દીધી. મોકળાપણે વર્તવાનું પણ… પતિ-પત્ની માટે નિર્ણય બહુ વસમો હતો, પણ મનને મારીને એમણે વિશ્વાસને એક બહુ સારી હૉસ્ટેલમાં મૂક્યો કે જ્યાં એની જન્મકથા ઉખેળીને કોઈ એના કુમળા મન પર વારેઘડીએ કરવત ન ફેરવે, જ્યાં વિષમ વાતાવરણની ઝાળથી એ ફૂલ મૂરઝાઈ ન જાય – વધુ સમજણો થતાં એ પોતાને પાછો મળશે એવા વિશ્વાસથી. સ્વાતિએ રડતાં રડતાં પતિને કહ્યું : ‘માટીની કુલડી ચીટકતી નથી એવું મેં સાંભળ્યું હતું, પણ મને લાગે છે કે લોકો જ તેને ચીટકવા દેતા નથી !’

(શ્રી મંગલા ગોડબોલેની મરાઠી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અસ્મિતાનો એક વાલી – મીરા ભટ્ટ
ફરી એક વાર – દક્ષા પટેલ Next »   

25 પ્રતિભાવો : આસવ – હરિશ્ચંદ્ર

 1. કલ્પેશ says:

  બન્ને વાર્તા એક સમાજ તરીકે આપણી નબળાઇ દેખાડે છે.

  પહેલી વાર્તામા એક સ્ત્રી, જે પોતાને સમોવડી માને છે અને જવાબદાર છે. એને પુરુષના અહંકાર (વગર પૈસાનો) ને સહન કરવાનો વારો આવે છે

  બીજી વાર્તામા સમાજ તરીકે આપણે બદલાવ સહન કરી શકતા નથી એમ દેખાય છે.
  “છોકરું કોનું છે ? જાત વગેરે પૂછી લીધું છે ને ? મા-બાપનું ઠામ-ઠેકાણું છે ? આવાં બાળકો મોટે ભાગે અનૈતિક સંબંધોમાંથી….”

  આજુબાજુ કાનાફૂસી થતી સાંભળી : ‘લક્ષણ કાંઈ સારાં દેખાતાં નથી.’
  ‘હાસ્તો ! મોટો થતાં શુંયે કરશે ! નામ બદલ્યું તેથી કાંઈ પિંડ થોડો જ બદલાય છે ?’

  શિક્ષકો વાત કરતા હતા કે નસીબની કેવી બલિહારી ! અનાથાશ્રમમાં પોતે લેનાર બન્યો હોત તેને બદલે ત્યાં વહેંચવા જાય છે !’

  – આપણે બધા ઘણા પ્રવચનો સાંભળીએ, મંદિરોમા ઘંટ વગાડીને લોકોને બહેરા બનાવી દઇએ, પણ પોતાના વિચારો અને જીભ પર લગામ નથી રાખી શક્યા.

  તકલીફ એ પણ છે કે પત્થરની મૂર્તિ પાછળ ગાંડા થઇ જઇએ પણ બીજા માણસ પ્ર્ત્યે એ જ તિરસ્કાર.
  ઘણી વખત લાગે છે કે પ્રાણીઓ આપણા કરતા વધુ સમજુ છે.

 2. ખુબ સરસ વારતાઓ.

 3. આજની બન્ને વાર્તા કૂથલીખોર સમાજને તમાચો મારનારી છે.

  આપણે ભારતીયો દંભી પ્રજા છીએ. આપણે ગળું ફાડી ફાડીને કહીએ છીએ કે…સમગ્ર વિશ્વમાંથી શુભ વિચારો મારા મનને પ્રાપ્ત થાઓ…પણ આપણે મનની બારી ઉઘાડી રાખી છે ? તે તો ખોલવાનું ભુલી જ ગયા..!!
  શુભ વિચારો અને આચરણમાં જમીન-આસમાન જેટલું અંતર હોય તો સરવાળે શુન્ય છે.

  પહેલી વાર્તામાં નાયિકા પરાવલંબી પતિને મંગલસુત્રથી ઘા કરી તેના અંહકારનું વિસર્જન કરવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે અને તે પણ ત્યાગની આહુતી આપીને. એક સ્ત્રી(સાસુ) બીજી સ્ત્રી(પુત્રવધુ)નું શોષણ કરે તે માનસિકતા હજુ સુધી ગઈ નથી તે બિમાર સમાજની નિશાની છે.

  બીજી વાર્તામાં અનાથાશ્રમમાંથી બાળકને ગોદ લઈ સંવારવાની મથામણ સરાહનીય છે. આવા ઉચ્ચ કોટીના ત્યાગથી તો ઈન્દ્નનું સિંહાસન પણ ડોલી ઉઠે. શિક્ષણના પ્રભાવને કારણે ગુજરાતમાં વાતાવરણ હવે તો ઘણું જ બદલાયેલું છે. હવે પરિસ્થિતી એવી તો છે કે દત્તક લેનાર ઈચ્છુક દંપતીને ઘણા કોઠા પસાર કરવા પડે છે. આ એક શુભ નિશાની છે.

  રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
  મૃત્યુલોકની માટીમાંથી માનવ થઈને ભાખ્યાં રે
  રાખનાં રમકડાં

  બોલે ડોલે રોજ રમકડાં નિત નિત રમત્યું માંડે
  આ મારૂ આ તારૂ કહીને એકબીજાને ભાંડે રે
  રાખનાં રમકડાં

 4. kumar says:

  ખરેખર વાસ્તવીક પણ દુખદ વાર્તાઓ.

 5. Janakbhai says:

  These stories prove – “Literature is the reflection of life.”
  Janakbhai

 6. ખુબ સરસ.
  ‘હરિશ્ચંદ્ર’ બહેનોની વાર્તા મેં વર્ષો પહેલાં “ભૂમિપુત્ર” વાંચી છે. ૩૫-૪૦ વર્ષ પહેલાં દેશમાં હતો ત્યારે અને અહીં આવ્યા પછી પ્રગટ થયેલું ત્યાં સુધી “ભૂમિપુત્ર” મંગાવતો ત્યારે સૌ પ્રથમ પાછલા કવર પેઈજ પર આવતી એમની વાર્તા વાંચતો.

  ભારતમાં લોકો કેવા દંભી છે તે આ વાર્તા ખુલ્લું પાડે છે.

  હાર્દીક આભાર.

 7. ઉપર “ભૂમિપુત્ર”માં હોવું જોઈએ.

 8. Sarika Patel says:

  Really nice stories. Both the stories shown thinking of our society people and we never finish them.

 9. tejal tithalia says:

  ખુબ જ સરસ વાર્ત્તાઓ ………..

 10. pragnaju says:

  બન્ને વાર્તા સરસ અને તેવો જ અનુવાદ

 11. nayan panchal says:

  બંને વાર્તાઓ આપણા દંભી, કૂથલીખોર સમાજને ઉઘાડો પાડે છે.

  લોકોના ચાવવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા હોય છે. જે લોકો આપણી સામે સારુ બોલતા હોય તે જ પીઠ પાછળ આપણને ભાંડતા હોય તો નવાઈ નહીં.

  કોઈને સુધરવુ હોય, ઉપર આવવુ હોય તો પણ આપણો ટાંટિયાખેંચ સમાજ તેમા ઘણી અડચણો ઊભી કરશે.

  ખૂબ સરસ અનુવાદ.

  આભાર,
  નયન

 12. Sakhi says:

  Very nice story

 13. ટૂંકી વાર્તાઓમાં થોડાં શબ્દોમાં ઘણુ કહી દેવાનું હોય અને એ અઘરૂં હોય છે. પણ બન્ને વાર્તાઓ એમાં સફળ થઈ છે.
  દંભ એ માનવજીવનનું અવાંછનિય લક્ષણ છે. એમાંથી છટકે એ વિરલા…

 14. rutvi says:

  “મારુ ઘર” થોડી અધુરી લાગી ,
  બન્ને મા સમાજ ની વરવી વાસ્તવિક્તા રજુ થઈ છે ,
  આભાર

 15. Harshad Patel says:

  Hypocrisy is the root cause of our society. Unnecessary comments are ruining the fabric of our culture.

 16. Paresh says:

  સુઁદર વાર્તાઓ.

 17. riya says:

  આપણો સમાજ ક્યારે change થસે?

 18. Madhavi Rajput says:

  Maro ghar is really a touchingstory. Here it shows that our society always expect more & more form womens then men. for all the problems womens are only held responsible & why not me.Why women has to adjust, sacrifice before marriage & after also sometimes for PARENTS THEN HUSBAND,THEN CHILDREN. WOMENS LIFE IS EVER CHANGING & FULL OF SACRIFICES.

 19. I remember a similar incident that happened with one of my close friends then. We were in class 8th. Our science teacher -Mr. Gor, was in his late 40’s or early 50’s. One expects a person of this age to be sensible, esp. when he is a teacher.

  He once asked my friend in front of the whole class, “તું દત્તક લીધેલો છે ને?”. I was shocked to hear that. I saw similar kind of expressions on almost all the fellow students. Even at the age of 13, we were big enough to understand that you should not ask such question to a child. I remember the face of my friend, he was speechless. He could barely control his feelings. During recess time, he broke up.

  We tried our best to make him feel better, but even we knew that this wound can’t be healed..

 20. aarohi says:

  foreigners are more broad then us about this.

  what else?

  mera bharat mahan!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!11

 21. tina says:

  marughr aekdm mari vat . mthiara sathe avarnavar aaj bane chhe .fark aetlo hu choodi sakti nathi.

 22. zoya says:

  aekdam sachi varta.

 23. zoya says:

  maru ghr kyarey maru hotu nathi.

 24. Vaishali Maheshwari says:

  Very touchy stories depicting the bad examples that we see in today’s world. Our society needs to broaden its thinking horizons and should not just keep preaching about good deeds. We all need to do good deeds in real and if we cannot, then we should at least try to encourage and appreciate the people who has started doing good deeds (like adopting orphan child).

  Thank you for sharing these incidences. It was nice reading it, but feeling sad to accept that this is the reality in today’s world 🙁

 25. sonali says:

  ખુબ સરસ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.