અસ્મિતાનો એક વાલી – મીરા ભટ્ટ

‘ટ્રસ્ટ’ શબ્દ ભારત માટે પરદેશી છે, પરંતુ એની વિભાવના એ સુપેરે જાણે છે. ભારત દેશમાં અનેક રાજા-મહારાજા, મહાજન-વેપારી એવા થઈ ગયા છે જેમણે પોતાની સંપત્તિને પોતાની ન માનતા, સર્વજનહિતાય વાપરીને કેવળ વાલી હોવાનો સિદ્ધાંત પાર પાડ્યો છે. મા-બાપ અને વાલીમાં ફરક છે. મા-બાપ બાળકને ઉછેરે છે, પરંતુ એ મોટો થઈ ગયા બાદ પોતાની વૃદ્ધાવસ્થા માટેની જોગવાઈ અંગે પુત્ર પાસે અપેક્ષા રાખે છે અને જે કાંઈ માલ-મિલકત હોય તેને પોતાની અંગત માને છે. જ્યારે વાલી પોતાની સગીર વ્યક્તિની તહેનાતમાં સંપૂર્ણ જવાબદારીપૂર્વક તે પગભર થાય ત્યાં સુધી ખડે પગે ઊભો રહે છે અને જેવો એ પુખ્ત થાય કે તરત જ સઘળી માલમિલકત એને સોંપી દઈ પોતે મુક્ત થઈ જાય છે.

પરંતુ આજે જે રીતે ‘ટ્રસ્ટ્રો’ ચાલે છે અને એમાં પ્રમુખશાહીનો જે તાનાશાહી દોર જોવા મળે છે, તે જોઈને તો સાચે જ ટ્રસ્ટને ‘ત્રસ્ત’ કહેવાનું મન થઈ જાય છે. અમારા એક મુરબ્બી નિવૃત્ત થયા ત્યારે તેમણે પોતાની મિલકતનું ટ્રસ્ટ કર્યું અને પછી એની સેવાયોજનાઓ પાર પાડવા એમને જે વ્યર્થ દોડાદોડી, અસહ્ય હાડમારી અને સત્તાધારીઓને લાચાર બનીને હાથપગે પડતા જોયા, ત્યારે તો થયું કે બાપ રે બાપ, કદીય ટ્રસ્ટની ભુલભુલામણીમાં ન પડવું. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. એવાં ટ્રસ્ટો પણ આપણી વચ્ચે કામ કરી ગયાં છે, જેમના પર વિશ્વાસ મૂકી લોકોએ લાખો રૂપિયાની લેતી-દેતી કરી છે. ભાવનગરનું ‘લોકમિલાપ ટ્રસ્ટ’ એવું ટ્રસ્ટ છે, જેના પર વિશ્વાસ મૂકી લોકોએ પોતાનું ધન જ નહીં, મા-બાપોએ પોતાનાં માસૂમ બાળકોના ભાવિનું અમૂલ્ય ધન પણ સોંપી દીધું છે. લોકમિલાપનાં બાળ-પ્રકાશનો ગુજરાતભરનાં બાળકો પાસે હજારોની સંખ્યામાં પહોંચી ગયાં છે. તે આ જ વિશ્વાસના પાયા પર કે લોકમિલાપની પસંદગી ઉત્તમ જ હોય.

લોકમિલાપ સાથે અનન્ય રીતે જોડાયેલા મહેન્દ્ર મેઘાણીને કેવળ ગુજરાતનું ગુજરાત જ નહીં, વિશ્વભરનું ગુજરાત સારી રીતે ઓળખે છે, કારણ કે પ્રત્યેકના ઘર સુધી એ પહોંચી ગયા છે. જ્યારે કેવળ ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર રૂપે જાણીતા હતા, ત્યારે પણ 1950માં મુંબઈમાં આદરેલી પુસ્તક-પ્રકાશન-વેચાણની પ્રવૃત્તિ ધીરે ધીરે વિસ્તરતી થઈ. 1968માં ‘લોકમિલાપ ટ્રસ્ટ’ રૂપે રૂપાંતરિત થઈ, ત્યારે પણ એના પ્રમુખપદે ગુજરાતના શિરમોર કવિ ઉમાશંકર જોશી હતા. પ્રવૃત્તિ સાથે પેટ પણ જોડાયેલું છે, એટલે થોડો નફાનો ધંધો તો કરવો જ પડે, પરંતુ લોકમિલાપ ટ્રસ્ટ સામે કદી આર્થિક નફાનું ધ્યેય ન રહ્યું. શું ‘મિલાપ’ સામાયિક, કે શું ‘લોકમિલાપ’ એને સદાસર્વદા જોડવાનું કામ કર્યું છે. પ્રાંતપ્રાંતના લોકો દેશ-દેશના લોકો વચ્ચે પરસ્પર સમજદારી, સદભાવ વધે તે દિશામાં એ સતત કાર્યરત રહ્યું છે. આ ધ્યેયને પાર પાડવા લોકમિલાપે પુસ્તકો-સામાયિક ઉપરાંત ચિત્રો, સંગીત, ફિલ્મો તથા ચોપાનિયાંનો પણ આધાર લીધો છે. મહેન્દ્રભાઈનું ચોપાનિયું એટલે જાણે કોઈ નવો વિચાર, નવી પ્રવૃત્તિને લઈને આવતી કોઈ વિશાળ સમંદરની નાચતી-ઊછળતી લહેર. એ લહેરો પર કોણ જાણે કેટલીય હોડીઓ નાચતી-કૂદતી તરતી થઈ, એનો કોઈ હિસાબ નથી.

વેચાણનો આધાર પુસ્તકની કિંમત છે. પુસ્તકની નકલો જેટલી ઓછી છપાય, તેટલી તેની કિંમત વધવાની. એટલે મહેન્દ્રભાઈના ફળદ્રુપ મગજમાંથી થોકબંધ સંપુટોની યોજના ફૂટી. 1972માં આંતરરાષ્ટ્રીય પુસ્તક-વર્ષ નિમિત્તે ચાલુ બજાર ભાવ કરતાં ત્રીજા-ચોથા ભાગની કિંમતે પુસ્તકો બહાર પાડી હજારો નકલો વિશાળ વાચક વર્ગ સુધી પહોંચાડી. પછી તો ‘મેઘાણીજયંતી’ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ એવો તો ગુલાલ બનીને ચોમેર છવાયો કે 35,000થી વધુ કુટુંબ અને સંસ્થાઓમાં 750 પૃષ્ઠોની ત્રિપુટી – સંપુટ ફક્ત પાંચ રૂપિયામાં પહોંચી ગયો. ત્યારબાદ તો સંપુટોનો ફાલ એવો તો આવ્યો કે લોકોને લોકમિલાપ – સંપુટનું જાણે વ્યસન જ પડી ગયું. રવીન્દ્રનાથનો સાહિત્યવારસો, મેઘાણી-ગ્રંથાવલિ, કાવ્ય-કોડિયાં અને કાવ્ય-કણિકા ઉપરાંત નાની નાની ખિસ્સાપોથી તો ત્રણેક લાખ વાચકોના ખિસ્સામાં પહોંચી ગઈ. લેખકોને તો એ કાવ્ય-કોડિયાં, કાવ્ય-કણિકા એવા અનિવાર્ય થઈ પડ્યાં કે ટેબલ પરની કલમ સાથે અનિવાર્યપણે જોડાઈ ગયાં. સારું વાચન મળે એ લાભ તો સીધો લાભ, પણ લગ્ન જેવા શુભ પ્રસંગોમાં ‘કશુંક સુંદર-સરસ’ શોધવાની મહેનત જ બચી ગઈ.

આપણે કહીએ છીએ કે સ્વરાજ્ય પછી નિરાશ્રિત બનીને આવેલા સિંધી ભાઈઓએ ગુજરાતને ફળ ખાવાની ટેવ પાડી. દાળ-ભાત-રોટલી સાથે કેળાં-પપૈયું-સફરજન-ચીકુ જોડાયાં તે આ બંધુઓના પ્રતાપે. એ જ રીતે ‘પુસ્તક એ ખરીદવાની ચીજ’ અને ‘ઘરમાં પણ લાઈબ્રેરી હોય’ આ બે માનસિકતા નિર્માણ કરવાનું શ્રેય મહેન્દ્રભાઈને જાય છે. હું જ્યારે નાની હતી ત્યારે બાપુજીને કહેતી કે હું મોટી થાઉં ત્યારે મને બે વસ્તુ આપજો – એક હીંચકો અને બીજી મારી લાઈબ્રેરી. મહેન્દ્રભાઈએ તો નાનાં નાનાં નિશાળિયાં માટે પણ નાનકડી લાઈબ્રેરીની સુગમતા કરી આપી. એક પણ ગામ કે નગર પુસ્તકાલય વગરનું ન રહેવું જોઈએ, એ જ રીતે ‘પુસ્તક ભંડારો’ પણ ઠેર-ઠેર ખૂલવા જોઈએ. પછી ભલે ને એમાં પુસ્તકો ઉપરાંત અન્ય જરૂરી સામગ્રીઓ પણ વેચાય, પરંતુ જે રીતે નજર સામે જાતજાતની ચીજો નિરંતર પ્રદર્શિત થઈ રહી છે એ રીતે નજર સામે પુસ્તકો પણ અથડાવા જોઈએ. સોનાના દાગીનામાં એ તાકાત છે કે નહીં તે ખબર નથી, પરંતુ સુંદર સજાવટ અને ચોંટડૂક શીર્ષકવાળાં પુસ્તકો હાથમાં લઈને જોવાની પરવશતા નિર્માણ કરવાની તાકાત પુસ્તકોમાં છે. પુસ્તકનો સ્પર્શ રોમાંચક અનુભવ છે. દિલના ધડકારા સાથે એનાં પૃષ્ઠ ખોલાય છે અને ક્યાંક ખોવાઈ જવાની મંશા સાથે એમાં ડૂબી જવાય છે.

mahendra_meghani1ગુજરાતને સુંદર પુસ્તક ભંડારો આપવાનું પરાક્રમ મેઘાણી બંધુઓએ કરી દાખવ્યું છે. આમ તો પુસ્તકો એટલે ખોટનો ધંધો. માંડ પેટિયું રળાય, પરંતુ ભાવનગર જેવા નગરમાં ‘લોકમિલાપ’ અને ‘પ્રસાર’ જેવા બે ભંડારો તો મહેન્દ્રભાઈ તથા જયંત મેઘાણીના જ. ત્રીજો પુસ્તક ભંડાર વર્ષો સુધી ચલાવ્યો નાનક મેઘાણીએ રાજકોટમાં. એમનો અમદાવાદમાં ‘ગ્રંથાગાર’ પણ ચાલ્યો. અમદાવાદ બહેન મંજરી મેઘાણી દ્વારા ‘તાન્યાજ બુક હાઉસ’ પણ ચાલે જ છે. વડોદરામાં ‘પ્રથમ’ નામે નિહાર મેઘાણીએ આરંભ તો કર્યો, પરંતુ ટકી ન શક્યો. વિનોદ મેઘાણીએ ભલે પુસ્તક ભંડાર ન ખોલ્યો, પરંતુ અનેક ભાષાના ઉત્તમ અનુવાદો ગુજરાતી-અંગ્રેજી વાચકોને આપ્યા. એમનાં મૌલિક પુસ્તકો પણ પ્રગટ થયાં છે, થતાં રહેશે. મેઘાણી બંધુઓ દ્વારા ગુર્જર જનતાને જે મેઘાણી-સાહિત્ય વિવિધ રંગરૂપે મળતું રહ્યું, તે કહેવાની જરૂર ન રહેવી જોઈએ. એ માટે ગુજરાત તેમનું સદા આભારી રહેશે. લોકમિલાપ પુસ્તક ભંડારમાં હજારો ગુજરાતી ઉપરાંત અંગ્રેજી પુસ્તકો કક્કાવાર ગોઠવેલાં મળે છે. બાળસાહિત્ય અલાયદું હોય છે. સ્થાયી ભંડારો ઉપરાંત વર્ષો સુધી લોકમિલાપ દ્વારા પુસ્તક-પ્રદર્શનો પણ ગુજરાતમાં ઠેર-ઠેર યોજાયાં છે, જેમાં લાખો રૂપિયાનાં પુસ્તકો ખરીદાયાં છે. એ વેચાણનો આંકડો સાંભળીએ ત્યારે તો ‘ગુજરાતીને ચોપડી નહીં, ચોપડામાં રસ છે.’ – કહેનારો ભોંઠો પડી જાય.

આ બધા અભિક્રમો ઉપરાંત મહેન્દ્રભાઈની ‘વાંચનયાત્રા’નો પ્રયોગ તો સાવ નિરાળો. બાળક રમતું રહે, આમતેમ દોડતું રહે, તો એને ખોળામાં બેસાડી જાતજાતની વાતો કરી મોમાં કોળિયા ભરાવનારી માની જેમ મહેન્દ્રભાઈએ આ વાચન-ગ્રાસ ગુજરાતને કરાવ્યા છે. મરાઠીમાં કહ્યું છે : ‘તુમ મ્હણે – ગ્રાસે ગ્રાસે રામા મ્હણી, તો નર જે વિલા ઉપવાસી.’ કોળિયે કોળિયે જે માણસ રામનામ લે, તે જમ્યો છતાંય ‘ઉપવાસી’ છે. ‘ઉપવાસી’ એટલે ઈશ્વરની પાસે વાસ પામનારો. મને કહેવાનું મન થાય છે કે ગુજરાતના જે લોકોએ મહેન્દ્રભાઈ દ્વારા ખવડાવેલો વાંચન-ગ્રાસ આરોગ્યો છે, તેમના જીવનમાં કદી ન કદી શબ્દનો પ્રકાશ જરૂર ફેલાશે. મહેન્દ્રભાઈનું વાંચન જેમણે સાંભળ્યું છે, તેમણે એમના રૂંધાતા સ્વરો સાથે આંખોનાં ઝળહળિયાં પણ જરૂર જોયાં જ હશે. આ ઝળહળિયાંમાં એમની ગુર્જર-ભાષીઓ માટેની નિસ્બતનાં દર્શન થાય છે. લોકમિલાપનાં વિદેશમાં થયેલા પરાક્રમો પણ ઘણાં બધાં છે. ગાંધી શતાબ્દી નિમિત્તે અમેરિકા-આફ્રિકા, એશિયા-ઑસ્ટ્રેલિયા તથા યુરોપ ખંડનાં ત્રીસ જેટલાં સ્થળે ‘ભારતદર્શન’ નામે પ્રદર્શનો યોજાયાં. જુદાં-જુદાં મિત્રો દ્વારા આ આયોજન પાર પડાયું. બધું મળીને ત્રણ લાખ રૂપિયાનું વેચાણ થયું. કોઈ પણ સરકાર કે દેશની આર્થિક સહાય વગર આખું આયોજન સ્વાવલંબી ધોરણે થયું. પુસ્તકો, વિમાની સફરની ટિકિટો વગેરે માટે જરૂરી રોકાણ ગુજરાતની જનતાએ હોંશેહોંશે કર્યું. આ જ રીતે ભીંતચિત્રો તથા કળાકારીગરીનાં પુસ્તકોનાં પ્રદર્શન પણ યુનાઈટેડ સ્ટેટ્સ તથા કેનેડામાં થયાં. તદુપરાંત 1979ના આંતરાષ્ટ્રીય શિશુ-વર્ષમાં 100 પુસ્તકોનો 100 ડૉલરનો સેટ બનાવી જર્મની, ઈટલીમાં ભરાયેલાં બાળ-સંમેલનોમાં આઠ લાખ રૂપિયાની કિંમતનું સાહિત્ય 30 દેશોમાં પહોંચાડાયું.

‘ફિલ્મ-મિલાપે’ તો ભાવનગરના બાળજગતને એવું ઘેલું લગાડ્યું કે બાળકો સાથે મોટાંની પણ રવિવારની સવાર સુધરી ગઈ. તદુપરાંત ‘અરધી સદીની વાંચનયાત્રા’, રોજેરોજની વાંચનયાત્રા, ‘ગાંધી-ગંગા’ – જેવી સેવાની વાત તો શી કરવી ? કોઈ મોટી સાહિત્યિક સંસ્થા ન કરી શકે તેવું ગંજાવર કાર્ય આ એક કાળા માથાના માનવીએ કરી દાખવ્યું છે. ઝવેરચંદભાઈને ગાંધીબાપુએ ‘રાષ્ટ્રીય શાયર’ કહ્યા તો ગુજરાતના લોકો આ મેઘાણીપુત્ર મહેન્દ્રભાઈને રાષ્ટ્રીય કેળવણીકાર જરૂર કહી શકે. એમણે ગુજરાતના હૃદયની કેળવણી કરી છે.

પણ મુખ્ય વાત તો બાકી રહી ગઈ, તે પૂરી કરું. આવું સુંદર ટ્રસ્ટ હવે સંકેલાઈ ગયું છે. કોઈકે સમાચાર છાપ્યા કે – એક વધુ ટ્રસ્ટનું અવસાન, પણ હું આ ઘટનાને મૃત્યુ સાથે જોડવા નથી માગતી. હું આને બિયારણની વાવણી સાથે જોડું છું. નવું વાવેતર કરવા માટે બીએ ભૂગર્ભમાં જઈ વિસ્ફારિત થઈ વિસર્જિત થવું જ પડે. લોકમિલાપ ટ્રસ્ટનું આ મરણ નથી, આ વિસર્જન છે. વિસર્જનના આ પુણ્ય પ્રસંગે ‘પુણ્યનો વેપાર’ માંડનારાં મહાજનોનાં પણ મહાજનનાં ચરણોમાં અનંત વંદન.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુસ્વાગતમ – તંત્રી
આસવ – હરિશ્ચંદ્ર Next »   

10 પ્રતિભાવો : અસ્મિતાનો એક વાલી – મીરા ભટ્ટ

 1. Chintan says:

  Long Live Lokmilap Trust.

 2. લોકમિલાપ ટ્ર્સ્ટનું વિસર્જન વાંચી ખૂબ જ નવાઈ લાગી.

  આજના ગુજરાતમાં જેટલાં પુસ્તકો વેચાય છે તેટલાં કદીય વેચાયાં નથી. સમયનાં વ્હેણને પારખી લોકમિલાપે પણ બદલાવું રહ્યું. આજે ક્રોસવર્ડમાંથી લોકો પુસ્તકો હોંશે હોંશે ખરીદે છે. ગુજરાતનાં બધા જ શહેરોમાં પુસ્તકો ધુમ વેચાય છે. કોઈ સંસ્થાએ આગળ આવવું જોઈએ.

  લોકમિલાપ ગુજરાતનું અનમોલ રત્ન છે…તેને ફરી ચમકાવવું જ રહ્યું

  એક ઉદાહરણ..
  વિશ્વ આખામાં ગુજરાતની ઓળખ સમી અમુલ ડેરી નવાં સાજ-શણગાર ધરી મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવે છે. આ ટ્રાંસફોર્મેસનમાં સુશ્રી અમૃતા પટેલએ ચાવી રૂપ ભુમિકા ભજવી અને તે પણ શ્રી કુરીયનના ધરાર વિરોધ વચ્ચે…!!!

  ઝરણું વહેતું રહે તે જ તેની ઓળખ છે.

 3. Janakbhai says:

  It’s a shocking news. How and Why Lok Milap Trust is ended is a big question. I have been a keen customer of Lok Milap Trust. I had done many activities with the help of Mahendrabhai and Gopalbhai. I hope the real readers of Gujarat will rise and will try everything for existing ‘Lok Milap Trust’ for the future of new generation of Gujarat.
  Janakbhai

 4. લોકમિલાપ નુઁ ઋ ણ આપણે કદી ચૂકવી શકશુઁ ખરાઁ?પ્રાર્થના કરીએ કે એનો કોઇ યોગ્ય વારસ ઉભો થાય

 5. pragnaju says:

  ખૂબ સુંદર રીતે વેદના વર્ણવી છે
  દિલમા કસક થાય…
  આ ભાવનાને સમજી-“હું આને બિયારણની વાવણી સાથે જોડું છું. નવું વાવેતર કરવા માટે બીએ ભૂગર્ભમાં જઈ વિસ્ફારિત થઈ વિસર્જિત થવું જ પડે. લોકમિલાપ ટ્રસ્ટનું આ મરણ નથી, આ વિસર્જન છે. વિસર્જનના આ પુણ્ય પ્રસંગે ‘પુણ્યનો વેપાર’ માંડનારાં મહાજનોનાં પણ મહાજનનાં ચરણોમાં અનંત વંદન.”
  કાશ કોઈ ઉપાય થાય

 6. nayan panchal says:

  ખૂબ જ દુઃખદ સમાચાર છે, ભાષાના મુદ્દા પર રાજકારણ ખેલતી સરકારો આવા ટ્રસ્ટોને માટે કોઈ ખાસ યોજના કેમ ન બનાવતી હોય.

  હવે પછી ‘અરધી સદીની વાંચનયાત્રા” જેવા પુસ્તકો નહીં માણવા મળે ઃ-(

  નયન

 7. Veena Dave says:

  ઓહ્ , વાચીને મન ખિન્ન થઇ ગયુ. આ મારા જેવા ભાવનગરી માટે દુ્ખની વાત છે.
  કેમ આ થયુ? કારણ જા્ણવા મળશે? વાચકો ઉપાય કરીને જીવન્ત કરી શકે.

 8. જન્મે તે મરતું સદા, મરેલ જન્મે તેમ
  તેવો જગનો નિયમ છે, દુઃખી થવું તો કેમ?

  વ્યક્ત મધ્યમાં થાય છે , આદિ અંત અવ્યક્ત
  જીવ બધા શાને પછી , થાય શોકમાં રક્ત?

 9. Anand says:

  I’m shocked to see otherwise positive article reporting totally false news. From what I understand is that the Lok Milap Trust is live and thriving. Shree Mahendrabhai is on yet another yatraa in USA with his latest book on Gandhiji’s biography. Read this Times of India article http://timesofindia.indiatimes.com/articleshow/4782477.cms

  I’m not familiar with Meeraben Bhatt’s background so forgive me if I don’t know something but there is absolutely nothing in the news to report closure of Lok Milap Trust.

  Regards,

 10. tejas says:

  unbelievable ,shocked hearing of lokmilaap trust `s winding up ,
  (naam teno naash)
  watelse
  but writer truely said no need to take this as windingup, wish this is not an end arise of new exsistence

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.