પુત્રીનો પ્રેમ – જયવતી કાજી

નવ વર્ષની બાલિકા. એનું નામ એરિકા. વહેલી સવારથી જ એના મનમાં ઉત્સુકતાભર્યો અજંપો હતો. એણે વાળની ‘પોની ટેઈલ’ કરી. પોતાનો મનગમતો ડ્રેસ પહેર્યો અને શાળાએ જવાને તૈયાર થઈ ગઈ. આજે એની શાળામાં Daddy’s Day – પિતૃ દિનની ઉજવણી હતી અને એમાં એને જલદી પહોંચી જવું હતું. બધાં બાળકો એમના ડેડી સાથે આવવાનાં હતાં પણ… પણ… એની મમ્મીને થતું હતું કે એરિકા કેવી રીતે એકલી સ્કૂલે જશે ! ત્યાં જઈને એને શું થશે ? એ શું કહેશે ? શું કરશે ? એની મમ્મીને થતું હતું કે આજે એરિકા સ્કૂલે ન જાય તો સારું. બીજાં છોકરાંઓ કદાચ સમજશે પણ નહિ કે એરિકા એના પિતા વગર એકલી કેમ આવી છે.

પરંતુ એરિકાને કશો ડર ન હતો. કોઈ ગભરાટ નહોતો, કારણ કે એના વર્ગના છોકરાંઓને શું કહેવું તેની એને ખબર હતી. એને તો શાળાએ જઈ એના પિતા એની સાથે આજે કેમ નહોતા તે કહેવું હતું. એને કહેવું હતું કે એ એના ડેડીને જોતી નથી. એના ડેડી એને ફોન નથી કરતા પણ….

કાર્યક્રમ શરૂ થયો. એક પછી એક બાળક એના પિતાનો હાથ પકડી સ્ટેજ પર આવવા લાગ્યું. તાળીઓથી એમનું સ્વાગત થયું. બાળકો એના ડેડીનો પરિચય આપતાં હતાં. વખત વીતતો ગયો અને એરિકનું નામ બોલાયું. બધાં બાળકોની નજર એના તરફ ગઈ. એની સાથે એના ડેડી નહોતા. બધાં વિચાર કરવા લાગ્યાં. એના ડેડી એની સાથે કેમ નહિ આવ્યા હોય ! એક છોકરો બોલી ઊઠ્યો : ‘કદાચ એના ડેડી નહિ હોય.’ ક્યાંક પાછળથી કોઈક પિતાનો અવાજ સંભળાયો : ‘એના પિતા તો એના કામમાં – પૈસા કમાવામાં પડ્યા હશે. હશે ક્યાંક. એમને ક્યાં એમની દીકરીની – આજના દિવસની પરવા છે.’ એરિકા મક્કમ પગલે સ્ટેજ પર ગઈ અને ધીમે ધીમે બોલવા લાગી. એના માસૂમ મુખમાંથી અદ્દભુત શબ્દો સરવા લાગ્યા :

‘મારા ડેડી આજે અહીં નથી, કારણ કે એ ખૂબ દૂર રહે છે. પરંતુ હું એમની ઈચ્છા જાણું છું. આજનો દિવસ એક ખાસ દિવસ છે. મારા ડેડી અને હું એક ‘કોન’માંથી આઈસ્ક્રીમ ખાતાં, ‘Fudge’ સાથે ખાતાં. તમે એમને અત્યારે અહીં જોઈ શકતાં નથી, પણ હું અહીં એકલી ઊભી નથી. કારણ કે મારા ડેડી હંમેશ મારી સાથે હોય છે. ભલેને એ મારાથી દૂર હોય ! એમણે મને કહ્યું હતું કે હું હંમેશ તારા દિલમાં રહીશ.’ આટલું કહી એ છોકરીએ પોતાના નાના હાથ ઊંચા કર્યા અને પછી છાતીએ લગાડ્યા. એ એના દિલનો ધડકાર સાંભળી રહી. ત્યાં પિતાઓનાં ટોળાંઓમાંથી એરિકાની મા રડતી રડતી બહાર આવી. એ પોતાની દીકરીને ગર્વપૂર્વક જોઈ રહી. એને થયું, એની નાનકડી દીકરીમાં કેટલું બધું ડહાપણ છે. એરિકાએ છાતી પરથી એના હાથ લઈ લીધા. બધા સામે એકીટશે એ જોઈ રહી. પછી એ અત્યંત મૃદુ સ્વરે બોલી. એને જે કહેવું હતું તે સ્પષ્ટ જ હતું : ‘હું મારા ડેડીને ખૂબ જ પ્યાર કરું છું. મારે માટે તેઓ પ્રકાશિત તારો છે. આજે જો શક્ય હોત તો તેઓ અહીં હાજર રહેતે જ, પણ સ્વર્ગ તો અહીંથી બહુ દૂર છે. મારા પિતા અગ્નિશામક દળના એક કર્મચારી હતા અને ગયે વર્ષે એમનું અવસાન થયું. તેઓ ‘Fireman’ હતા અને જ્યારે આપણાં ટાવર્સ તૂટ્યાં અને સ્વતંત્રતાનો અર્થ આપણા માટે સ્પષ્ટ થઈ ગયો ત્યારે અન્ય લોકોને બચાવતાં એમણે જાન ખોયો. કેટલીક વખત હું મારી આંખો બંધ કરું છું ત્યારે મને થાય છે કે મારા ડેડી ક્યાંય ગયા જ નથી.’

આટલું બોલી એ બાલિકાએ પોતાની આંખ બંધ કરી અને એ દિવસે ત્યાં એને એના ડેડી દેખાયા. એણે જોયું તો એ સ્થળે એકઠાં થયેલાં બધાં લોકોની આંખ બંધ હતી : ‘ડેડી ! હું જાણું છું કે તમે મારી સાથે છો.’ જેમને પહેલાં શંકા હતી એ બધા એ બાલિકાના શબ્દો સાચા માનવા લાગ્યા. થોડીવારે બધાએ આંખ ખોલી. એરિકાની પાસે જે ડેસ્ક હતી તેના પર એક સુંદર સુગંધિત ગુલાબ મલકી રહ્યું હતું. એક ક્ષણ માટે પણ જે બાળક પોતાના તેજસ્વી તારાનો પ્રેમ મહેસૂસ કરી શકે તે ભાગ્યશાળી જ કહેવાય. અને જે પિતા આવો પ્રેમ અને આટલી ઊંડી શ્રદ્ધા પોતાના બાળકમાં નિર્માણ કરી શકે તેને પણ ધન્ય છે. આવા પિતા માટે જ કહેવાયું હશે पितृ देवो भव ! એક દીકરીની એના પિતાને કેટલી ભવ્ય અંજલિ ! સાત-આઠ વર્ષની માસૂમ દીકરીના હૃદયમાં શ્રદ્ધાની અચલ જ્યોત પ્રગટાવનાર અદ્દભુત પિતાની વાત આપણે જાણી. મૃત્યુ પછી પણ પિતા પુત્રીના હૃદયમાં જીવંત રહી પથદર્શક બની રહી એને જીવનનો રાહ બતાવતા રહે છે !

આવો જ એક બીજો અત્યંત હૃદયસ્પર્શી પ્રસંગ મારા વાંચવામાં આવ્યો હતો તે હું રજૂ કરું છું. પિતા સંતાન માટે ગુરુ અને માર્ગદર્શક બની કેવી રીતે એને જીવનના લક્ષ તરફ પ્રેરતા રહે છે એની આ વાત છે. માર્ગદર્શક કે ગુરુ શું કામ કરે છે ? એ વ્યક્તિ તમને તમારા લક્ષ તરફ ઝડપથી અને સારી રીતે દોરીને લઈ જાય છે. એ એવી વ્યક્તિ હોય છે, જેમના સાથમાં એ માર્ગે જતાં તમને આનંદનો અનુભવ મળે. એને તમારામાં વિશ્વાસ હોય છે. એ તમને નીચે પડવા નહિ દે, કારણ કે એના હૃદયમાં સદાય તમારું હિત હોય છે. પિતા પોતાના સંતાન માટે આવી વ્યક્તિ થઈ શકે છે. એક સામાન્ય સ્થિતિના અંધ પિતા એમના એકના એક યુવાન દીકરામાં જબરદસ્ત આત્મબળ પ્રેરે છે. એને એના લક્ષ માટે ‘motivate’ કરે છે. પોતે જીવતાં હતા ત્યારે તો પુત્રને પ્રોત્સાહિત કરતા જ હતા પરંતુ મૃત્યુ પછી પણ કરતાં રહે છે ! પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરી પુત્ર પિતાનું કેવી રીતે તર્પણ કરે છે તેની આ વાત છે.

એક યુવાન એની યુનિવર્સિટીના મેદાનમાં ફૂટબોલ રમતો હતો. એમ જ કહો ને કે એ ‘પ્રેક્ટિસ’ કરી રહ્યો હતો. એનું નામ જેરી. ક્યારેક એ પોતાની ટીમમાં બીજી ટીમ સામે રમતો એટલું જ નહિ, પરંતુ છેલ્લા ચાર વર્ષથી ફૂટબોલની એ નિયમિત પ્રેક્ટિસ કરતો હતો. એની આ નિષ્ઠા અને લગનીથી એનો ‘Coach’ – કૉચ એનાથી પ્રભાવિત થયો હતો. કૉચે જેરીને અને એના પિતાને વાતો કરતા-હસતા-હાથ પકડીને સાથે ચાલતા જોયા હતા પરંતુ જેરીના પિતાને મળવાનો, એમની સાથે વાતચીત કરવાનો પ્રસંગ એને મળ્યો નહોતો. જેરી જ્યારે ફૂટબોલની પ્રેક્ટિસ કરતો ત્યારે એના પિતા મેદાનને એક ખૂણે બેસી એની રાહ જોતા.

ફૂટબોલ મેચ શરૂ થઈ ગઈ હતી. એને ચાર દિવસ થઈ ગયા હતા પરંતુ જેરી પ્રેક્ટિસમાં દેખાયો નહિ. ‘કવોર્ટર ફાઈનલ’ કે ‘સેમી ફાઈનલ’ વખતે પણ એ હાજર નહોતો. અચાનક ફાઈનલ મેચની આગલી રાત્રે જેરી એના કૉચને ઘેર પહોંચી ગયો. બારણાંની ઘંટડી વગાડી. કૉચે બારણું ખોલ્યું. જેરીને આમ અચાનક રાત્રે આવેલો જોઈ એ ચકિત થઈ ગયો.
‘સર ! હું પાછો આવી ગયો છું. હું આટલા દિવસ નહોતો આવી શક્યો, પરંતુ મારે આપને એક ખાસ વિનંતી કરવાની છે. આવતી કાલથી મેચની શરૂઆત આપણી ટીમ તરફથી કરી શકું ?’
‘જેરી ! તું શું વાત કરે છે ! આવતી કાલે ‘ફાઈનલ’ મેચ છે. સામેની ટીમ પણ ખૂબ જ શક્તિશાળી છે. એમની સામે રમવા માટે આપણા શ્રેષ્ઠ ખેલાડીઓ જોઈએ ! આપણી ટીમની અને આપણી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાનો આધાર આવતી કાલની ફાઈનલ મેચ પર રહ્યો છે !’
‘સર, હું એ જાણું છું, પણ મહેરબાની કરી તમે મને એ ‘ચાન્સ’ આપો. રમતની શરૂઆત મને કરવા દો.’ જેરીએ આજીજી કરતાં કૉચને કહ્યું.
‘જેરી, તું મારી મુશ્કેલી સમજવાની કોશિશ કર. સામાન્ય મેચ હોત તો હું તને એ ‘ચાન્સ’ આપત, પણ આ મેચ તો આપણી ટીમ માટે અત્યંત મહત્વની છે.’ કૉચે જેરીને સમજાવવાની કોશિશ કરી પણ જેરી તો વિનંતી કરતો જ રહ્યો :
‘સર, મારે માટે પણ આ મેચ બહુ અગત્યની છે.’ જેરીના મોં પરના ભાવ જોઈ કૉચ પીગળી ગયો. એનાથી ‘હા’ કહેવાઈ ગઈ. જેરી એનો આભાર માની ચાલ્યો ગયો. પરંતુ એ રાત્રે કૉચને ઊંઘ ન આવી. જેરીને રમત શરૂ કરવાની સમ્મતિ આપીને એણે મોટી ભૂલ તો નથી કરી ને ! ટીમ હારી જશે તો ? જેરી કંઈ એવો શ્રેષ્ઠ ખેલાડી નથી ! પોતાની અને ટીમની ઈજ્જતનું શું ? એણે જેરીને ચાન્સ આપીને મોટી ભૂલ કરી હતી પણ હવે શું થાય ?

બીજો દિવસ ઊગ્યો. ‘ફાઈનલ’ મેચનો સમય થયો. રમત જોવા માટે મોટી માનવ મેદની જમા થઈ હતી. ફૂટબોલની એ ફાઈનલ મેચ હતી. રમનારાઓમાં અને પ્રેક્ષકોમાં જબરદસ્ત ઉશ્કેરાટ હતો. બેન્ડ વાગ્યું અને રમત શરૂ થઈ. જેરી આગળ આવ્યો અને પૂરી તન્મયતાથી અને શક્તિથી એણે બોલને લાત મારી, અને બોલને ‘ગોલ લાઈન’ સુધી લઈ ગયો ! બધાં આશ્ચર્યથી એને જોઈ રહ્યાં. સામેની મજબૂત ટીમ પણ આ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. જેરીની રમતથી એની ટીમના ખેલાડીઓ પણ એકદમ ઉત્સાહમાં આવી ગયા. રમત ચાલતી રહી અને બધાંના આશ્ચર્ય વચ્ચે છેલ્લો ‘ગોલ’ જેરીએ કર્યો. તાળીઓનો ગડગડાટ ક્યાંય સુધી ચાલુ રહ્યો. જેરીની ટીમ ફાઈનલમાં જીતી ગઈ હતી ! પ્રતિસ્પર્ધી ટીમ તો આ પરિણામથી ચોંકી જ ગઈ ! બધાંને થતું હતું, આ છોકરો કોણ છે ? કેટલી અદ્દભુત એની રમત હતી. ‘Offence’ અને ‘defence’ – આક્રમણ અને બચાવ બધું જ એણે અદ્દભુત રીતે કર્યું !

વાતાવરણ થોડુંક શાંત થયું. ખેલાડીઓ ‘લોકર રૂમ’માં કપડાં બદલવા લાગ્યા. કૉચ જેરીને શોધતો હતો. એણે તપાસ કરતાં જોયું તો એક ખૂણે જેરી માથે હાથ દઈ બેઠો હતો ! એને થયું વિજયની પળે આવી ઉદાસી ! ‘દીકરા, તું અહીં એકલો આમ કેમ બેઠો છે ? મને કહેશે, મેદાન પર આવો ચમત્કાર કેવી રીતે થયો ?’ કૉચે એને ખભે હાથ મૂકી પ્રેમથી પૂછ્યું, ‘આટલું સરસ તો તું ક્યારેય રમ્યો નથી. તારી રમત આટલી ઝડપી તો ક્યારે નહોતી અને આટલી તાકાત મેં તારામાં જોઈ જ નહોતી. એવું તેં શું બન્યું ? તારી રમતમાં આવો જાદુ ક્યાંથી આવ્યો ?’ જેરીએ કૉચ સામે જોયું. એની આંખમાં ઝળઝળિયાં હતાં :
‘સર ! તમને ખબર નહિ હોય, પણ મારા ડેડી અંધ હતા, હું જ્યારે પ્રેક્ટિસ કરતો ત્યારે તેઓ અહીં એક ખૂણમાં બેસી મને જોઈ રહેતા.’ કૉચ સાંભળી રહ્યો. એને ખબર તો હતી જ કે જેરીને એના પિતા પ્રત્યે ખૂબ જ માન અને પ્રેમ છે પરંતુ તેઓ અંધ છે એ ખબર નહોતી. બોલતાં બોલતાં જેરીનો કંઠ ભરાઈ આવ્યો :
‘ચાર દિવસ પહેલાં જ મારા પિતાનું અવસાન થયું. હું મારે ઘરે હતો એટલે જ પ્રેક્ટિસ માટે નહોતો આવતો, પરંતુ જ્યારે હું રમતના મેદાનમાં આવીને ઊભો ત્યારે મારી સમક્ષ મારા પિતા જ હતા. તેઓ મારી રમત જોઈ રહ્યા હતા. હું ફૂટબોલમાં નામના પ્રાપ્ત કરું – જીતું એવી એમની ઈચ્છા હતી. બસ ! એમણે જ મને આટલું સારું રમવા પ્રેર્યો. મારે એમની ઈચ્છા પરિપૂર્ણ કરવી હતી.’
‘જેરી ! તારી આજની રમત તારા પિતાએ જરૂર ઉપર રહી જોઈ હશે અને તને એમણે અંતરથી આશિષ આપ્યા હશે !’

પિતા જ્યારે પુત્રના ગુરુ બની એને દીક્ષા આપી, એને લક્ષની દિશા પણ બતાવી શકે છે ત્યારે કેવો ચમત્કાર સર્જાય છે ! એવા પિતા-પુત્ર બંનેને ધન્ય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફરી એક વાર – દક્ષા પટેલ
સોનેરી સુભાષિતો – સં. શાંતિ આંકડિયાકર Next »   

21 પ્રતિભાવો : પુત્રીનો પ્રેમ – જયવતી કાજી

 1. ખુબ સુંદર અને પ્રેરણાદાયી લેખ. માતા-પિતા બાળક માટે ઘણુ કરે છે ને છતાં તેની જાણ સુધ્ધા બાળક ને થવા દેતા નથી.

 2. Janakbhai says:

  Really Wonderful ! Father’s love can make his children touch the peak of achievement.

 3. Vipul Chauhan says:

  Very nice ! No words for true love ! It is felt from bottom of heart !!!!! હદયસ્પર્શી

 4. insiya says:

  KHUB J SARAS. vachata vachata mara ruvata ubha thae gaya.

 5. Chintan says:

  બહુ જ સુન્દર.

 6. nayan panchal says:

  સુંદર પ્રેરણાત્મક પ્રસંગો.
  માતાપિતા એક માળીની જેમ એક બી માંથી છોડને ઉછેરીને મોટો કરે છે અને જ્યારે છોડ વૃક્ષ બની જાય ત્યારે કોઈક વાર માળીને ભૂલી જાય છે કે તેમના યોગદાનને તેમની ફરજનો ભાગ ગણી અવગણવા માંડે છે. આપણે આવી ભૂલ ન કરીએ તેવી પ્રભુપ્રાર્થના.

  સુંદર લેખ, જયવતી બહેન.
  આભાર,
  નયન

 7. Veena Dave, USA says:

  ખુબ સરસ. હ્ર્દયસ્પર્શી્.

 8. pragnaju says:

  સુંદર
  એરિકાએ છાતી પરથી એના હાથ લઈ લીધા. બધા સામે એકીટશે એ જોઈ રહી. પછી એ અત્યંત મૃદુ સ્વરે બોલી. એને જે કહેવું હતું તે સ્પષ્ટ જ હતું : ‘હું મારા ડેડીને ખૂબ જ પ્યાર કરું છું. મારે માટે તેઓ પ્રકાશિત તારો છે. આજે જો શક્ય હોત તો તેઓ અહીં હાજર રહેતે જ, પણ સ્વર્ગ તો અહીંથી બહુ દૂર છે. મારા પિતા અગ્નિશામક દળના એક કર્મચારી હતા અને ગયે વર્ષે એમનું અવસાન થયું. તેઓ ‘Fireman’ હતા અને જ્યારે આપણાં ટાવર્સ તૂટ્યાં અને સ્વતંત્રતાનો અર્થ આપણા માટે સ્પષ્ટ થઈ ગયો ત્યારે અન્ય લોકોને બચાવતાં એમણે જાન ખોયો. કેટલીક વખત હું મારી આંખો બંધ કરું છું ત્યારે મને થાય છે કે મારા ડેડી ક્યાંય ગયા જ નથી.’ વાંચતા આંખ નમી થઈ ગઈ

 9. Vraj Dave says:

  માવતર પ્રત્યે શ્રધા બળવાન બને અને વિશ્વાસ જાગે એવી પ્રેરણા છે.

  આભાર.
  વ્રજ દવે

 10. Chirag Patel says:

  Both stories are really awesome!!! Loved it… Enjoyed it….

  Thank you,
  Chirag Patel

 11. Janki says:

  Really nice stories for father’s day.. thanks

 12. Nehal Chauhan says:

  ખુબ જ સરસ વાર્તા. ખરેખર વાન્ચિ ને ખુબ જ આનન્દ થયો.

 13. Pravin V. Patel [Norristown, PA. USA ] says:

  બન્ને પ્રસંગોમાં સંતાન અને પિતાનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ અતિ મજબુત છે.
  સ્વર્ગવાસી એ પિતાઓનો પ્રેમ આપણી આંખોમાંથી વરસે છે.
  ઉત્કૃષ્ટ ઘટનાઓ રજુ કરવા બદલ જયવતીબેન આપનો ખૂબ ખૂબ આભાર.
  હાર્દિક અભિનંદન.

 14. Jagruti says:

  awesome story….my daddy also inspired me a lot…i love to my papa very much…

 15. Ankit Nagrecha says:

  Both stories are really nice………………………

 16. Vaishali Maheshwari says:

  Both the incidences are described very nicely.
  Very touchy incidences.

  I wish we all children (kids) understand the sacrifice and love our parents have give us and are still giving.
  Even if our parents are near to us or are very far from us, they still care for us and always think about our betterment.

  Thank you Ms. Jayvati.

 17. dhara says:

  I like all these story but specially I like motivate story.

 18. My Daddy is inspire me and a iove my daddy. and if you have more story related this topic pls show it.

  Thanks.

 19. Ashish Dave says:

  Reminded me of Michael Jackson’s daughter at her funeral… heart touching.

  Ashish Dave
  Sunnyvale, California

 20. sonali says:

  very touchy….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.