મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા

[ આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા સંપાદિત ‘મારી જીવનયાત્રા’ ખિસ્સાપોથીમાંથી કેટલોક અંશ સાભાર. આ નાનકડી ખિસ્સાપોથીની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 029મારો જન્મ 1910ના દસમા મહિનાની દસમી તારીખે સૌરાષ્ટ્રમાં સાયલા ગામમાં થયેલો. હું એક વર્ષનો થયો એ પહેલાં મારા પિતાજી પ્રાણજીવનદાસ મહેતા આ દુનિયામાંથી વિદાય થયા. એમનું કોઈ સ્મરણ મને નથી. મારી બા દિવાળીબા મને બહુ વહાલી હતી. અમારું ઘર નાનું હતું, પણ બા રોજ રસોડાની દીવાલને સફેદ ખડીથી પોતું મારી લેતી ને જમીન ઉપર લીંપણ કરી લેતી એટલે ઘર નવું નવું થઈ જતું. ઘરમાં વાસણ થોડાં હતાં, પણ બા એ ઊટકીને ચકચકિત રાખતી. બા બહુ મહેનતુ અને કરકસરવાળી હતી. એક ક્ષણ માટે પણ એ કદી નવરી ન પડે. નાની ઉંમરે પણ બાને ઘરકામમાં મદદ કરવાનું મને ખૂબ ગમતું. બા પાણી ભરવા જાય ત્યારે માથે ઘડો લઈ પાણી ભરાવવા જતો. બા ઘંટી પર દળવા બેસે ત્યારે સામે દળાવવા બેસી જતો. બાએ વાસણ માંજ્યાં હોય તે હું ધોવડાવવા લાગતો. ક્યારેક પાડોશી સ્ત્રીઓ ટીકા કરતી, ‘આ તો છોકરીનું કામ, તારાથી એ કરાય નહીં.’ પણ હું એની દરકાર કરતો નહીં. મારા ઘડતરમાં મારી બાનો ફાળો બહુ મોટો છે.

મારા મોટા ભાઈ મયાશંકરભાઈ માટે મારા મનમાં પહેલેથી બહુ પ્રેમ અને આદર હતો. કરાંચી-મુંબઈથી ઘેર આવે ત્યારે એ મારે માટે સારું ખાવાનું કે બીજી ચીજવસ્તુઓ લઈ આવે. એટલું જ નહીં, આવે ત્યારે મને કોઈ આદર્શ વિદ્યાર્થીની વાતો કરે, મારે કેટલું ભણવું અને કેવા થવું એની કલ્પનાઓ આપે અને મારા ભણતરમાં હરેક પ્રકારની મદદ કરવાની ઈચ્છા પ્રગટ કરે. આથી મારો ઉત્સાહ વધતો જતો.

એક દિવસ ભાઈ મુંબઈથી મારે માટે એક મોટું બંડલ લઈ આવ્યા. એમણે એ ખોલ્યું અને કહ્યું, ‘તારે માટે આ સુંદર પુસ્તકો લઈ આવ્યો છું. એમાં મહાપુરુષોનાં ચરિત્રો છે. એ કેવી રીતે મહાન થયા એની એમાં સાચી વાતો છે.’ એમ કહી, સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રમાંથી એક ફકરો એમણે મને વાંચી સંભળાવ્યો. એથી એ પુસ્તકો વિશેનું મારું આકર્ષણ એટલું વધી ગયું કે ક્યારે આ બધાં પુસ્તકો વાંચી જાઉં, એમ મનમાં થવા લાગ્યું. બંડલમાંથી મહાત્મા ટૉલ્સ્ટૉય, રાજા રામમોહન રાય, સ્વામી રામતીર્થ, નેપોલિયન બોનાપાર્ટ વગેરે મહાપુરુષોનાં ચરિત્રોનાં પચીસ-ત્રીસ પુસ્તકો નીકળ્યાં. મને સમજાય કે ન સમજાય છતાં હું એ પુસ્તકો હોંશે હોંશે વાંચવા લાગ્યો. એમાંથી જે કાંઈ સમજાયું એના સંસ્કારો મારા મનમાં ઊંડા રોપાઈ ગયા. સ્વામી વિવેકાનંદે મને માનવજીવનનું ધ્યેય પ્રભુપ્રાપ્તિ અને દરિદ્રનારાયણની સેવા હોવું જોઈએ, એ બતાવ્યું. ટૉલ્સ્ટૉયે રોટલો ખાનારે શ્રમ કરવો જ જોઈએ, એ સંસ્કાર આપ્યો. નેપોલિયનની યુદ્ધમોરચે સૈનિકોની સાથે ગોળીઓ વચ્ચે ઊભા રહેવાની હિંમત હૃદય સોંસરવી ઊતરી ગઈ. રામમોહન રાયે સમાજસુધારો કરવો હોય તો એની શરૂઆત પોતાની જાતથી કરવી જોઈએ, એ સમજાવ્યું. એમના ચરિત્રે સમાજની કેટલીયે કુરૂઢિઓ પ્રત્યે મારા મનમાં અણગમો પેદા કર્યો. એટલું જ નહીં, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, મરણ પાછળના જમણવાર જેવા કુરિવાજોમાં બિલકુલ ભાગ ન લેવાનો મેં બાર વર્ષની ઉંમરે નિર્ણય કરી લીધો. આમ, મને ખબર ન પડે એ રીતે આ પુસ્તકોએ મારા મનનો કબજો લીધો. મારા વિચારો ઘડાતા ગયા. વળી, આપણું જીવન ગમે તેમ વેડફી નાખવા માટે નથી, પણ કાંઈક મહાન કાર્ય કરી જવા માટે છે – આવી અસ્પષ્ટ મહાત્વાકાંક્ષા દિલમાં જાગી અને એ માટે પુરુષાર્થ ને ચારિત્ર્ય કેળવવાં જોઈએ, એ પણ સમજાયું.

થોડા મહિના પછી મયાશંકરભાઈ બીમાર પડ્યા. માંદગી લાંબી ચાલી એ દરમિયાન મુંબઈ અને કરાંચીની દુકાનો ઉપર બરાબર ધ્યાન અપાયું નહીં. ભાઈ એ દુકાનોમાંથી સારું કમાયા હતા. ગામમાં મુંબઈ જેવું ત્રણ માળનું મોટું મકાન પણ બંધાવ્યું હતું અને બધાં સુખથી જીવતાં હતાં. મને ભાઈએ કહેલું કે તારે જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધી હું તને ભણાવીશ, પણ એમની ગેરહાજરી દરમિયાન દુકાનોમાં ખોટ ગઈ અને અમે દેવાદાર બની ગયાં. મૅટ્રિક પછી હું ડૉક્ટર થવા માગતો હતો, પણ ભાઈના મૃત્યુ પછી દલપતભાઈએ કહ્યું, ‘તું હવે ભણવાનું છોડી દે અને કાંઈક નોકરી શોધી લે.’ મેં કહ્યું, ‘મોટાભાઈ, ભણવા માટેની તો આ જ તક છે, પણ આપણી આર્થિક ભીંસમાં હું મારા ખર્ચનો બોજો આપના ઉપર નહીં પડવા દઉં.’ એટલે એમણે મને આગળ ભણવાની રજા આપી. હું કરાંચીની ડી.જે. સિંઘ કૉલેજમાં દાખલ થયો. મિત્રો પાસેથી જૂની ચોપડીઓ ઉછીની લઈ આવ્યો. કરાંચીના મેયર શ્રી જમશેદ મહેતાને મળીને મારી કૉલેજ-ફી માફ કરાવી. હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓનાં ટ્યૂશન રાખ્યાં, એમાંથી મને માસિક 35 રૂપિયા મળતા થયા, આથી ઘર ઉપર મારો બોજો રહ્યો નહીં અને મારું ભણવાનું સુગમ બન્યું.

પણ કૉલેજનું જીવન, ત્યાંનું વાતાવરણ, ભણેલાગણેલા સાહેબો અને ગામડાના ગરીબ લોકોના જીવનની જ્યારે હું તુલના કરવા બેસતો ત્યારે એમાં મને ક્યાંય મેળ દેખાતો નહોતો. પૈસા, સુખસગવડ અને આનંદપ્રમોદ એ જ જાણે કે જીવનનું ધ્યેય હોય અને દુનિયા એની પાછળ દોટ કાઢી રહી હોય એવું લાગતું હતું. આ બધાંનો વિચાર કરતો ત્યારે મારું હૈયું બેસી જતું. એટલામાં એક દિવસ મારી પડોશમાં રહેતા ઊગતા કવિ ચિમનલાલ ગાંધી મારે માટે એક પુસ્તક લઈ આવ્યા. એમણે કહ્યું, ‘આ બહુ સરસ પુસ્તક છે, તમને ગમશે.’ એ પુસ્તકનું નામ હતું ‘કાલેલકરના લેખો.’ એ દળદાર પુસ્તક હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મારા જીવનમાં એક નવી જ રોશની પ્રગટતી ગઈ. આ પુસ્તકે આપણા સમાજજીવનનું એક આબેહૂબ ચિત્ર મારી નજર સામે ખડું કરી દીધું. ચાલુ સમાજવ્યવસ્થા અને રૂઢિરિવાજોમાં ફેરફાર કરવા હોય તો આપણે કેટલો પરસેવો પાડવો પડશે, તથા એમાં બતાવેલા આદર્શ ચિત્રને સાકાર કરવા માટે જેટલી કુરબાની આપીએ તે ઓછી છે – આ વાતની એણે પ્રતીતિ કરાવી. ‘પરોપદેશે પાંડિત્યમ’ નહીં, પણ દરેકે પોતાની જાતથી જ ધર્મનું પાલન શરૂ કરી દેવું જોઈએ – એ પ્રેરણા પણ મને એ પુસ્તકે આપી. વિચારો તો ઘણા થાય છે, પણ એ વિચારો આચરણમાં મુકાય તો જ મીંડાં આગળનો એકડો મંડાય છે, એનું સચોટ દર્શન પણ આ પુસ્તકે મને કરાવ્યું. ભારત દેશ એટલે ગણ્યાંગાંઠ્યાં શહેરો નહીં, પણ દરિદ્રતા, વહેમો ને અજ્ઞાનથી સબડતાં લાખો ગામડાં. એ ગામડાંની સ્થિતિ સુધરે તો જ દેશની સ્થિતિ સુધરે અને એ સ્થિતિ સુધારવાનું કામ જેને આવું જ્ઞાન થયું હોય તેનું છે – આ વાત મને એ પુસ્તકમાંથી સ્પષ્ટ થઈ. આ પુસ્તક વાંચ્યા પછી મારા જીવનમાં એક પછી એક મોટા ફેરફારો થવા લાગ્યા. મારું નાટક-સિનેમા જોવાનું બંધ થઈ ગયું. માથના વાળ અને કપડાંની ટાપટીપ ઓછી થઈ ગઈ. શરીરશ્રમ કર્યા વિના ખાતો હતો એ જાણે અધર્મનું ખાતો હોઉં, એવું ભાન થવા લાગ્યું. ગામડાંનાં નાગાં-ભૂખ્યાં હાડપિંજરોનાં ચિત્રો અવારનવાર મારી સામે તરવરવા લાગ્યાં. અમે બધા ભણેલાગણેલા લોકો અમારાં વાણી અને વર્તનથી જાણે એમનો ક્ષણે ક્ષણે ઉપહાસ કરતા હોઈએ, એવો અનુભવ થવા લાગ્યો. મારે મારું ચાલુ જીવન બદલવું જોઈએ તથા ઈશ્વરે જે કાંઈ બુદ્ધિશક્તિ આપી છે એ લઈને મારે ગામડાંના દુ:ખી લોકોની સેવામાં લાગી જવું જોઈએ, એવો એક જોરદાર અવાજ મારા દિલમાં ઊઠ્યો.

એની સાથોસાથ, મારે ક્યા ગામડામાં જવું ? ત્યાં જઈને શું કરવું ? કેમ જીવવું ? આ બધા પ્રશ્નો પણ મને મૂંઝવવા લાગ્યા. ટ્યૂશન કરીને પેટ ભરું છું એ પણ વિદ્યા વેચી કહેવાય, એમાં શરીરશ્રમ ક્યાં આવ્યો ? – એવી દલીલો પણ મનમાં થવા લાગી. એક દિવસ રજાનો લાભ લઈને નજીકમાં એક મકાન ચણાતું હતું ત્યાં મજૂરી કરવા ઊપડ્યો, પણ મારા જેવા ઊજળાં કપડાંવાળા અને સુંવાળા હાથવાળાને મજૂરીએ રાખવા કોણ તૈયાર થાય ? થોડી ચર્ચાને અંતે તગારાં ઊંચકવાનું કામ તો મળ્યું, પણ એકાદ કલાકમાં જ ભાન થઈ ગયું કે પરસેવાના બે-ચાર આના કમાવા માટે પણ અમે ભણેલા લોકો કેટલા નાલાયક છીએ !

મેં મારી આ મૂંઝવણ અંગે કાકાસાહેબ કાલેલકર સાથે પત્રવ્યવહાર કર્યો અને એમનું માર્ગદર્શન માગ્યું. એમણે મને લખ્યું, ‘જો તારે ગામડાની સેવા કરવી હોય તો પહેલું મનમાં ત્રેવડી લેજે. કુટુંબનાં સ્વજનો વગેરેનો વિચાર છોડીને સમાજસેવા કરવાનો દઢ નિશ્ચય કરીને મારી પાસે આવજે. તારું જીવન સાદું, સંયમી ને સ્વાશ્રયી હોવું જોઈએ. સમાજસેવા કરવાનો ભેખ લેનારા ઘણા જુવાનો મારે જોઈએ છે. જો તારી ત્રેવડ હોય તો મારે તારી જરૂર છે.’ મેં હવે પાકો નિશ્ચય કરી લીધો કે મારે ગ્રામસેવા માટે ગુજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ પાસે પહોંચવું. મારી ઈચ્છા વ્યકત કરતું મનોમંથન મેં પત્રરૂપે મોટાભાઈ સમક્ષ રજૂ કર્યું. ભાઈ પત્ર વાંચી ગયા, પણ કશો જવાબ આપ્યો નહીં. એમણે બાને વાત કહી. બાને અને ભાઈને હું જાણે દુનિયા છોડી જતો હોઉં એવું લાગવા માંડ્યું. બાએ મને મારા વિચારમાંથી રોકવા માટે બધા પ્રયાસો કર્યા. અવારનવાર એ મારી સામે બેસીને રડ્યાં કરે. મારી આંખમાંથી પણ આંસુની ધારા ચાલે. અમારો માતાપુત્રનો રડતી આંખે સંવાદ ચાલે :
બા કહે : ‘આટલા માટે મેં તને ઉછેરીને મોટો કર્યો હતો ?’
‘પણ બા, હું શું કાંઈ ખોટું કામ કરવા જાઉં છું ?’
‘પણ તારે સેવા કરવી હોય તો ક્યાં ઘરમાં રહ્યાં રહ્યાં નથી થતી ? ઘરનાંની સેવા પહેલી કરવાની હોય કે પરાયાંની ?’
‘પણ બા, આપણે તો રોજ રોટલી-દાળ-ભાત ને શાક ખાઈએ છીએ. જેમને રોટલો ને શાક પણ નથી મળતું એમને મદદની પહેલી જરૂર ખરી કે નહીં ?’ આ સવાલનો જવાબ બા, ભાઈ કે બીજા કોઈ પાસે નહોતો. બાની પાસે તો એક જ જવાબ હતો – આંસુ. પણ આ જવાબ એટલો જબરદસ્ત હતો કે ગામડામાં જવાનો વિચાર મારે થંભાવી દેવો પડ્યો. મેં બાને કહ્યું, ‘તને આટલું બધું દુ:ખ લાગે છે તો હું નહીં જાઉં.’ મારો આ નિર્ણય જાણ્યા પછી બાનાં આંસુ તો અટકી ગયાં, પણ મારા જીવનનો આનંદ લૂંટાઈ ગયો. એક દિવસ બાએ મને પૂછ્યું : ‘તને શું થયું છે ? તને જવા ન દીધો તેથી તું આમ ઉદાસ રહે છે ? તારે જવું હોય તો જા.’ મેં કહ્યું, ‘મારે તો જવું છે, પણ કમને તમારી રજા મળતી હોય તો મારે નથી જવું.’ બે મહિના પછી બાએ સામે ચાલીને કહ્યું : ‘જા, હું તને રાજીખુશીથી રજા આપું છું.’

આખરે ઘર છોડવાનો દિવસ આવ્યો. ઘરનાં નાનાં-મોટાં સહુ સ્ટેશને મને વિદાય આપવા આવ્યાં હતાં. મને ચાંલ્લો કરી હાર પહેરાવ્યો, નાળિયેર આપ્યું. ગાડી ઊપડવાની સીટી વાગી એટલે બાએ મારી પાસે આવી કાનમાં કહ્યું : ‘ત્યાં દુ:ખ પડે તો પાછો અહીં આવી જજે, હોં !’ મેં કહ્યું : ‘સારું.’ પણ મારા મનમાં તો એવી શ્રદ્ધા બંધાઈ ગઈ હતી કે મને કદી દુ:ખ પડવાનું જ નથી. મેં બાને પ્રણામ કર્યા. ગાડી ઊપડી. એ ક્ષણે મેં મનોમન એક નિશ્ચય કરી લીધો કે ઘરની મિલકતમાંથી મારે એક પાઈ પણ લેવી નહીં. ‘માણસે જાતમહેનતનો રોટલો ખાવો જોઈએ.’ એ ટૉલ્સ્ટૉયના વિચારની ઊંડી છાપ મારા પર પડી હતી. એટલે હાથપગ હલાવીશ તો રોટલો તો મળી જ રહેશે, એ વિશે મારા મનમાં સંદેહ નહોતો. ગાડી ચાલતી ગઈ એમ મારા આ વિચારો વધુ ને વધુ દઢ થતા ગયા.

સાબરમતી સ્ટેશને ઊતરીને મેં વિદ્યાપીઠ ભણી ચાલવા માંડ્યું. કાકાસાહેબની ઓરડીમાં પહોંચીને મેં કહ્યું, ‘હું બબલભાઈ, કરાંચીથી આવું છું.’ એમણે મને નજીક બોલાવ્યો, ખભો થાબડ્યો અને એ બોલ્યા : ‘એમ, આવી પહોંચ્યા !’ એમના મોઢા પરના વાત્સલ્યભાવે અને વાણીની મીઠાશે એક જ ક્ષણમાં મને એમનો કરી લીધો. મને લાગ્યું, જાણે હું એક પિતાના ખોળામાં આવીને સુરક્ષિત થઈ ગયો છું. વિદ્યાપીઠમાં સ્વતંત્ર રીતે આઠ કલાકનો શ્રમ કરીને જીવવાની એક યોજના કાકાસાહેબે તૈયાર કરી હતી. એ યોજના પ્રમાણે હું કાંતણ, પીંજણ, ગ્રંથાલયનાં પુસ્તકો ગોઠવવાની કામગીરી તેમ જ બીજાં શરીરશ્રમનાં કામ કરીને ઉપાર્જન કરવા લાગ્યો અને ફાજલ સમયમાં સ્વાધ્યાય દ્વારા મારો અભ્યાસ વધારવા લાગ્યો. વિદ્યાપીઠમાં રહી કામ કરતાં કરતાં અધ્યયન કરવાથી મારા વિચારો વધુ સ્પષ્ટ ને દઢ થયા. સાથે સાથે મારું ઘડતર પણ થયું. અર્જુન ઓરડાની બહાર રહીને ભણ્યો હતો, તેમ હું પણ અહીં વર્ગના ઓરડાની બહાર રહીને ઘણું ઘણું ભણ્યો. વિદ્યાપીઠની તાલીમને પ્રતાપે જ મારા જીવનમાંથી ઊંચનીચના ભેદભાવો મૂળમાંથી ભૂંસાઈ ગયા. ત્યાંના વિશાળ પુસ્તકાલયમાંથી મંી સેંકડો પુસ્તકો વાંચ્યાં. ત્યાં આવતા અનેક મહેમાનો તથા ત્યાંના તપસ્વી ને વિદ્વાન અધ્યાપકોના જ્ઞાનનો મને વિરલ લાભ મળ્યો. આજે હું જે કાંઈ છું એમાં વિદ્યાપીઠનો ફાળો નાનોસૂનો નથી.

[ કુલ પાન : 32 (નાની સાઈઝ) કિંમત રૂ. 3. પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ ટ્રસ્ટ, પો.બો. નંબર 23, સરદારનગર, ભાવનગર-364001. ફોન : +91 278 2566402.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સોનેરી સુભાષિતો – સં. શાંતિ આંકડિયાકર
ઈન્ટર-વ્યુ – રિદ્ધિ દેસાઈ Next »   

15 પ્રતિભાવો : મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા

 1. insiya says:

  સાર્થક જિવન નુ ઉમદા ઉદાહરન. i m not able 2 imagine the world, If every body thinks like this.

 2. સાદુ જીવન, સાચી દિશામાં સંઘર્ષ માણસને ખરો માણસ બનાવે છે.

 3. ગાંધીવાદી શ્રી બબલભાઈ મહેતાના ગૃહત્યાગની પૃષ્ઠભુમિ વાંચી તેમના સમાજ સેવા કરવાના દ્રઢ સંકલ્પ વિષે જાણ્યું.

  પુસ્તકોએ તેમના વિચારો ઘડવામાં અગ્ર ભુમિકા ભજવી. સારાં પુસ્તકો મિત્રો સમાન છે.
  આજના ઈ-યુગના યુગમાં નિવૃતીનો ઉત્સવ માણવો હોય તો આ ઈ-યુગના માહિતી રૂપી ધોધમાં એક ટીપું બનીને વહેવામાં જ મઝા છે.

  બાળકો જો પુસ્તકોના પ્રેમમાં પડશે તો વ્યસન..કુટેવ..કુસંગ વગેરે પ્રદુષણથી આપોઆપ દૂર રહેશે.

 4. Sarika Patel says:

  સો માણસો મા એક બબલ ભાઇ મહેતા જેવા વય્ક્તિ જનમ છે . આજ ના યુગ મા સાચા દિલ થેી સમાજસેવા નો વિચાર કર્વો ઐ જ સોભાગ્ય નેી વાત છે.

 5. Paresh says:

  ખરેખર પૂસ્તકોનો પ્રભાવ ઘણો બધો હોય છે. મેં પણ કીશોરાવસ્થામાં એક સ્વાશ્રયી સાથે હાથલારી થોડેક સુધી ખેંચી હતી. ત્યારે મને પણ એ જ અનૂભૂતિ થઈ હતી કે આ કામ માટે આપણે લાયક નથી.

 6. તરંગ ભાલચન્દ્ર હાથી says:

  હૃદય સોંસરવી નિકળી જાય તેવી કથા. શિષ્ટ વાંચન, દ્રઢ મનોબળ, શારીરિક શ્રમ અને ઉત્તમ સંસ્કાર.

  આભાર મૃગેશભાઇ.

  તરંગ ભાલચન્દ્ર હાથી,
  ગાંધીનગર.

 7. તરંગ ભાલચન્દ્ર હાથી says:

  હૃદય સોંસરવી નિકળી જાય તેવી કથા. શિષ્ટ વાંચન, દ્રઢ મનોબળ, શારીરિક શ્રમ અને ઉત્તમ સંસ્કારથી સ-રસ જીવન જીવી શકાય છે.

  આભાર મૃગેશભાઇ.

  તરંગ ભાલચન્દ્ર હાથી,
  ગાંધીનગર.

 8. nayan panchal says:

  ખરેખર, પોતાના પરિવારજનોની સાચી-ખોટી લાગણીઓની અવગણના કરીને આવા પથ પર આગળ વધવા માટે ખૂબ હિંમત અને એનાથી પણ દ્રઢ મનોબળ જોઈએ છીએ. આજે આપણે અંગ્રેજોની ગુલામી કરતા તે સમયના ભારતીયોને ભલે નમાલા કહેતા હોઈએ પરંતુ તે સમયે તેમની જગ્યાએ આપણે હોત તો….

  બહુ ઓછી એવી માતાઓ હશે જે પોતાના પુત્રોને આવી રીતે ખપી જવા માટે પરવાનગી આપતી હશે., ભગતસિંહ જેવાઓની સાથે સાથે તેમના પરિવારજનો પણ વંદન પાત્ર છે.

  ખૂબ જ સરસ લેખ, બબલભાઈનુ નામ આજે પ્રથમ વખત જાણવામાં આવ્યુ.

  આભાર,
  નયન

 9. pragnaju says:

  આવા ભેખધારી સાથે થૉડો સમય રહેવાનુ મળ્યુ તેને સૌભાગ્ય ગણું છુ…
  તેમણે ગવડાવેલા ગીત
  દિલના વિચાર નક્કી જીવન બની જવાના
  હજુ પણ ગુંજ્યા કરે છે.
  “. તારું જીવન સાદું, સંયમી ને સ્વાશ્રયી હોવું જોઈએ. “કરતા કાઈ વધુ અનુભવ્યુ…
  તેમની વાત આવે કે સહજ માથું નમી જાય

 10. Pravin V. Patel [Norristown, PA. USA ] says:

  ”સેવા” નું અણમોલ રત્ન.
  આવા ભેખધારીઓ સાચા અર્થમાં ભારતમાતાના સપુતો છે.
  કોટિ કોટિ વંદન સહૃદયશ્રી બબલભાઈ મહેતાને.
  આભાર.

 11. It is really nice story(True story)

  Thanks.

 12. Ashish Dave says:

  Truly inspiring…

  Ashish Dave
  Sunnyvale, California

 13. Arvind Bodara says:

  સારા પુસ્તક નુ નેીત્ય વાન્ચન ખરેખર માનવેી ને વલેીયા માથેી વાલમેીકેી બાનાવેી શકે છે.

 14. Arvind Bodara says:

  બબન્ભાઈ મહેતાએ ગામડાના લોકોનેી સેવા કર્વાનો નેીર્ણય લિધો તે મહાન કાર્ય કહેવાય્ આજ્ના જમાનામા ડોક્ટ્રો ગામડામા સેવા કરવા તૈયાર થતા નથેી

 15. riken says:

  બબન્ભાઈ મહેતાએ ગામડાના લોકોનેી સેવા કર્વાનો નેીર્ણય લિધો તે મહાન કાર્ય કહેવાય્ આજ્ના જમાનામા ડોક્ટ્રો ગામડામા સેવા કરવા તૈયાર થતા નથેી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.