ઈન્ટર-વ્યુ – રિદ્ધિ દેસાઈ

[ કટાક્ષિકા – ‘નવનીત સમર્પણ’, જૂન-2009માંથી સાભાર.]

બીજાને સલાહ આપવાનો મને જબરો શોખ છે. એમાંય મારાથી બધી રીતે આગળ હોય એવાને તો ખાસ ! શોધકો ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢે એમ એમના વિરાટ વ્યક્તિત્વમાંથી હું નાની નાની ક્ષતિઓ ખોળી કાઢું છું, ને પછી તમે સમજી ગયા હશો…. મારી આ આગવી ખૂબી જોતાં બધાએ મને એક જ સલાહ આપી : ‘માસ્તર બની જા. આપણે ત્યાં શિક્ષણ અને અધ્યાત્મ – બે જ ધંધા એવા છે જેમાં પોતે સુધરવાનું હોતું નથી બલકે બીજાને શિખામણો આપવાની હોય છે.’ ગમે તેમ, પણ એમની સલાહ મેં માની લીધી. ચારપાંચ ઠેકાણે ઝટ ઝટ અરજી કરી નાખી.

શિક્ષિકા બનવાની પૂર્વતૈયારીરૂપે મેં જુદી જુદી ભાષાઓનાં ખજાનારૂપ-ઉત્તમ પુસ્તકોનું અધ્યયન કરવાનું ઠેરાવ્યું. એક લાઈબ્રેરીમાં મેમ્બરશિપ લઈને ત્યાંના એક ઉચ્ચ અધિકારીને કહ્યું : ‘ભાષાનાં ખજાનારૂપ પુસ્તકો આપશો ?’ ‘હા, હા ! કેમ નહીં ?’ કહેતા એ કબાટમાંથી ‘લાલ ટાપુનો ખજાનો’, ‘ગેબી ગુફાનો છૂપો ખજાનો’, ‘ભેંકાર ભોંયરાનો ખજાનો.’ જેવાં પુસ્તકો ઉત્સાહભેર લઈ આવ્યા. આ લાઈબ્રેરીમાંથી સારું એવું મનોરંજન મળે એમ છે, એમ લાગ્યું. છતાં મેં ત્યાંથી માત્ર જ્ઞાન જ લીધું. શિક્ષક બનવા જ્ઞાન તો જોઈએ જ ને ! આજના શિક્ષકો જ્ઞાન વગર જ્ઞાન આપે છે એ ખોટું છે.

ઘોડાના તબેલાની બાજુમાં આવેલી એક સરકારી કચેરીમાં અમારો ઈન્ટરવ્યુ હતો. એક પદ માટે બત્રીસ ઉમેદવારો વચ્ચે જ્ઞાનયુદ્ધ ખેલવાનું હતું. બાજુમાંથી રહી રહીને આવતો ઘોડાની હણહણાટીનો અવાજ અમારી યુદ્ધભાવનાને પ્રબળ બનાવતો હતો. પરંતુ ખરવાની ફિકર તારાઓને હોય. સૂર્યને નહીં ! કોઈ સાલું પોતાને સૂર્યથી ઓછું સમજવા તૈયાર જ ન હતું !
રિદ્ધિ… બહેન… દેસાઈ…
તેરમા ઉમેદવાર લેખે મારું નામ બુલંદ અવાજે પોકારાયું. અસલના જમાનામાં રાજામહારાજાઓની છડી આમ જ પોકારાતી હશે ?… એવા ભવ્ય વિચાર કરતાં કરતાં હું કેબિનમાં પ્રવેશી. અંદર રાજાશાહી જેવું જ વાતાવરણ હતું. સામે કરડા ચહેરાવાળા ચાર ચાર મહારથીઓ બેઠા હતા. એમની આંખોમાં શત્રુને પછાડી નાખવાનું યોદ્ધાઓવાળું શૂરાતન દેખાતું હતું. હાથમાં ફાઈલ એમ ઝાલી હતી જાણે પણછ ખેંચેલું ધનુષ્ય ન હોય ! પ્રાચીનકાળમાં વીરરસના શમનાર્થે ‘શૃંગાર’ અને ‘શાંત’ મુખ્યત્વે આ બે રસનો ઉપયોગ થતો. એમાં ‘શૃંગાર’ પ્રયોજવાનો એ પ્રસંગ નહોતો એટલે મેં શાંતરસનો સુચારુ પ્રયોગ કર્યો.

‘જય શ્રી કૃષ્ણ !’ મેં કર જોડીને સંસ્કારિતાપૂર્ણ અભિવાદન કર્યું. પણ એ ચારેય કૃષ્ણપ્રૂફ બલકે ઈશ્વરપ્રૂફ હોય એમ જણાયું. એમણે મને તો ઠીક કૃષ્ણનેય કાને ધર્યા નહીં.
‘હમમ્… ભાષનાં શિક્ષિકા બનવું છે એમ ?’
‘હા જી.’
‘ચશ્માં કેમ પહેર્યાં નથી ?’
‘જી… આંખે નંબર.. નથી.’
‘કંઈ વાંચ્યું જ નથી ?’
‘નાના, વાંચ્યું છે ને ! ઘણું વાંચ્યું છે….’
‘તો પછી નંબર કેમ નથી ?’
‘??’
‘ક્યા વર્ગ સાથે ઉત્તીર્ણ થયાં છો ?’
‘જી… ફર્સ્ટ કલાસ સાથે.’
‘તોય ચશ્માં નથી ?’
એમનો ચશ્માં બાબતનો દુરાગ્રહ જોતાં મારે કહેવું પડ્યું : ‘સર, જ્ઞાનને ચશ્માં સાથે સાંકળવાનો અભિગમ અનુચિત છે. ઘણા વિદ્વાનોને ચશ્માં નથી હોતાં. આપણા ‘કલાપી’ને ક્યાં ચશ્માં હતાં !’
‘તે પોતાને ‘કલાપી’ સમજો છો ?’
‘ના જી. મારો મતલબ હતો કે….’
‘બસ, બસ ! રહેવા દો તમારો મતલબ…. વેલ, ‘ખેમી’ વિશે જાણો છો ?’
‘હા જી.’
‘એના લેખક કોણ છે ?’
‘દ્વિરેફ ઉર્ફે શેષ’
‘શેષ એટલે શેષનાગ ?’
‘ના જી. શ્રી રામનારાયણ પાઠક.’
‘વાર્તા વાંચી છે કે પછી એમ જ ગપ્પાં મારો છો ?’
‘ના ના ! વાંચી છે ને ! પૂરી સાત વખત વાંચી છે. આપ એમાંથી કંઈ પણ પૂછી શકો છો….’
‘એમ ? કંઈ પણ ? તો પછી જરા એ કહેશો કે વાર્તામાં ખેમીનો ધણી ફૂંકે છે એ બીડીની છાપ કઈ હતી ?’
‘હેં !!’

હું સ્તબ્ધ થઈ ગઈ. હું જ શું, આવો પ્રશ્ન સાંભળીને પાઠકસાહેબ પણ સ્તબ્ધ થઈ જાય ! મેં પરાણે સ્વસ્થ થતાં કહ્યું : ‘સર, લેખકે વાર્તામાં એનો ઉલ્લેખ કર્યો નથી.’
‘સો વોટ ! આપણને નોલેજ હોય કે નહીં ! કાલે ઊઠીને વિદ્યાર્થીઓ આમ પૂછશે તો ?’
‘સર, હું એમને આવા પ્રશ્નો પૂછવાને બદલે અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવીશ….’
‘- આવા પ્રશ્નો એટલે ? તમે કહેવા શું માગો છો, હેં ? વોટ ડુ યુ મીન ? અમે નિરર્થક પ્રશ્નો પૂછીએ છીએ ? છેલ્લાં પંદર વર્ષોથી અમે અહીં ઝખ મારીએ છીએ ?’ કહેવાની જરૂર નથી કે એ નોકરી મેં ગુમાવી. ત્યાર પછી બીજી ત્રણેક નોકરીઓ ગુમાવી. રુષ્ટ સાહેબોને રુષ્ટ કરવાના ગુનાસર. પરંતુ આ સાહેબો સદૈવ રુષ્ટ શીદને રહેતા હશે. એ સંશોધનનો વિષય ગણાય. શું એમના નળમાં પાણી નહીં આવતું હોય ? એમની ચામાંથી ઘાસલેટની બૂ આવતી હશે ? પથારીમાં માંકડ ચટકા ભરતા હશે ? શેરીના કૂતરા પાછળ દોડતા હશે ? દીકરી સાસરેથી પરત આવી ગઈ હશે ? પાડોશીઓ એક વાટકી આબરૂ ઉધાર નહીં આપતા હોય ? વાઈફ હન્ટર વડે ફટકારતી હશે ? આફટરઑલ, ક્યા અત્યાચારનો બદલો એ સમાજ સાથે લેતા હશે ? પોતાની ઉપર થયેલ જુલમને લઈને ઘણા યુવાનો ડાકુ બની જતા હોય છે, એમ શું ઘણા આવા ‘સાહેબો’ બની જતા હશે ?

એક મહાશયને તો જસ્ટ ચામડીનું દરદ હતું ને એના પરચા મળતા હતા માસૂમ ઉમેદવારોને. વાત જાણે એમ હતી કે સાહેબને ખૂબ જોરથી ઘાંટા પાડીને બોલવાની આદત. (ના, ઘરમાં નહીં, ઑફિસમાં જ.) પોતાના ઘાંટાને પ્રભાવી બનાવવા એ ટેબલ પર જોરથી હાથ પછાડતા. વર્ષોની આવી ‘કસરત’ને લઈને એમની હથેળીમાં ઠેકઠેકાણે ગોખરું (ચામડી ગંઠાઈ જવાવાળો એક રોગ) થઈ ગયેલા. દુ:ખિયાએ ઘણી દવાઓ કરાવેલી. છતાં હાથમાં ફરક પડ્યો નહીં એટલે એમના સ્વભાવમાં ફરક પડી ગયો. એમનું આ દરદ એમના ઈન્ટરવ્યુમાં વિચિત્ર રીતે પડઘાવા માંડ્યું :
‘તમારા મતે હલ્દીઘાટીના યુદ્ધની ટ્રેજેડી કઈ ?’
‘સર, ભારે શૂરવીરતાથી લડવા છતાં એમાં રાણા પ્રતાપ અકબર સામે હાર્યા હતા.’
‘એ વખતે પ્રતાપના હાથમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય એ શક્ય નથી ?’
‘ના જી. એ તો મોગલોનું સૈન્ય વિશાળ હતું, માટે.’
‘તે તમે મોગલોનું સૈન્ય ગણવા ગયેલા ? ખેર, કાશ્મીર બાબતે આપણો મહત્વનો કરાર કયો ?’
‘જી… ઈન્દિરાજીએ કરેલો સિમલા કરાર….’
‘કરાર પર સહી કરતી વખતે ઈન્દિરાજીની હથેળીમાં કણી-કપાસી જેવું કંઈક થયું હોત તો ?’
‘??’
‘વેલ, ભારતમાં સૌથી લાંબી પદયાત્રા કોણે કરી હતી ?’
‘વિનોબા ભાવેએ.’
‘એ વખતે એમના પગમાં ગોખરું થયા હોય તો એ કઈ દવા કરત ?’
‘એ તો…. ગોડ નોઝ સર….. !’
‘બધું ગોડ જાણે છે તો પછી તમે શું જાણો છો ? ઈતિહાસનો પોપટપાઠ ? તમારા જેવા અધૂરા જ્ઞાનીઓએ જ દેશની ઘોર ખોદી છે ! ધિક્કાર છે !!’

દેખીતી રીતે ઉપરનો પ્રસંગ કાલ્પનિક છે પણ એમાં ઝળકતી સાહેબોની માનસિકતા એ સો ટચનું સત્ય છે ! બધી રીતે સુખી હોય છે એવા સાહેબો નોકરી ઈચ્છુકોને સતાવવાનો આનંદ જતો કરે છે, ને બધી રીતે સુખી હોય એવા સાહેબો હોતા જ નથી. છતાં ઘણા સ્વસ્થ હાલતમાં ઓફિસે આવે છે. રંગેચંગે ઈન્ટરવ્યુ ચાલે છે…. અચાનક કંઈક ઘટે છે ને સાહેબનો મૂડ ખલાસ ! એ સાથે દેશના એક આશાસ્પદ (લાયક) યુવાનનું ભવિષ્ય ખલાસ થઈ જાય છે.

‘તમારું નામ ?’
‘મૃગેશ જોષી.’
‘મૃગેશ…. સરસ નામ છે હોં ! પણ મૃગેશ એટલે ?’
‘પ્રાણીઓનો રાજા સિંહ. જોકે યોગીઓ એનો અર્થ ‘જીવમાત્રના ઈશ’ એટલે કે ‘ઈશ્વર’ એવો કરે છે.’
‘વાહ વાહ ! એક્સેલન્ટ ! આનો અર્થ તો મનેય ખબર નહોતો હોં કે ! ખેર, મૃગેશભાઈ તમારાં સર્ટિફિકેટ્સ મેં જોયાં. તમને એક્સ્પીરિયન્સ પણ સારો એવો છે. આય થિંક યુ આર બ્રિલિયન્ટ. બટ યુ નો, આજના દરેક યુવાનને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.’
‘સર, હું બેઝિક કોમ્પ્યુટર શીખ્યો છું !’
‘ગુડ, વેરી ગુડ ! આય લાઈક ઈટ ! તો હવે કોમ્પ્યુટર વિશે એક પ્રશ્ન – રેમ અને રોમ એટલે શું ?’ આમ પંખીના કલશોર સમો સુમધુર ઈન્ટરવ્યુ ચાલી રહ્યો હોય છે કે અચાનક કાળની છડીસ્વરૂપ ટેલિફોનની ઘંટડી રણકે છે. ફોન પર સાહેબને ખબર મળે છે કે એમનો એકનો એક સુપુત્ર પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો છે અને ત્રણ વર્ષ માટે ડી-બાર થઈ ગયો છે. ખબર સાંભળતાંવેંત સાહેબનાં લક્ષણો એકાએક બદલાઈ જાય છે. એમના ચંદ્ર જેવા ચહેરા પર ચંગીઝખાન જેવા ભાવ પ્રગટે છે.

‘મિસ્ટર મૃગેશ ! મારા પ્રશ્નનો જવાબ તમને નથી આવડતો, ખરું ને !’
‘ના જી, હું જવાબ આપું એ પહેલાં આપનો ફોન….’
‘બસ બસ, ડોન્ટ આર્ગ્યુ મચ… પ્રશ્નનો જવાબ આપો.’
‘સર, રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે રીડ ઓન્લી મેમરી….’
‘ખોટું ! સદંતર ખોટું ! મારા પ્રશ્નનો જવાબ આ નથી.’
‘પણ સર, મારો જવાબ તદ્દન સાચો છે….’
‘શું ધૂળ સાચો છે ? રેમ અને રોમ એટલે બીજું કંઈ નહીં પણ ભગવાન રામ ! વિદેશીઓ રામને ‘રેમ’ કહે છે અને ગામડિયાઓ ‘રોમ’, સમજ્યા ?’
‘પણ સાહેબ…. કોમ્પ્યુટરના વિષયમાં ભગવાન રામ ક્યાંથી…’
‘અરે ગોળી મારો કોમ્પ્યુટરને ! એની બહારનું નોલેજ પણ હોવું જોઈએ કે નહીં ? આજના યુવાનમાં જનરલ નોલેજનો છાંટોય નથી એમાં જ દેશની પડતી થવા બેઠી છે ! તમારે કારણે દેશ એક સદી પાછળ ધકેલાઈ જશે ! ગેટ આઉટ !!’

વાવાઝોડામાં મોટું વૃક્ષ પડે છે ત્યારે એ આસપાસનાં નાનાં વૃક્ષોનો ખુરાદો બોલાવી દે છે. જંગલનો આ નિયમ હવે સરકારી કચેરીઓ સુધી વિસ્તર્યો છે. જોકે આ બધા અધિકારીઓ પાછા એવા નથી હોતા. કેટલાક નિસર્ગદત્ત-બોર્ન જેન્ટલમેન પણ હોય છે. એકદમ રંગીન ! મદમસ્ત ! ઘરસંસાર કે દુનિયાનો ગમે તેટલો ગંભીર બનાવ એમની રમૂજવૃત્તિને આડે આવી શકતો નથી. એમને મન (કોઈનું) જીવન એક જોક છે અને ઈન્ટરવ્યુ તો મહાજોક ! ફાગણના હિંડોળે ઝૂલતા હોય એમ એ ખુરશીમાં ઝૂમતાં ઝૂમતાં પાન-પડીકી કે ચ્યુઈંગ ગમ ચગળતાં ચગળતાં, પેપરવેઈટને ભમરડાની જેમ ઘુમાવતાં, ‘તરંગી ભેજાની ઉપજ’ કહી શકાય એવા પ્રશ્નો પૂછે છે. સિવિલ એન્જિનિયરિંગના એક ઈન્ટરવ્યુમાં ‘મોટા સાહેબે’ એક ઉમેદવારને આવો પ્રશ્ન કર્યો હતો :
‘ધારો કે અત્યારે – આ પળે 6.8 સ્કેલનો ધરતીકંપ થઈ રહ્યો છે…. બધું ધણધણી રહ્યું છે, તો ઑફિસની આ દીવાલમાં કેટલી તિરાડો પડે ?’ – આવો ભયંકર પ્રશ્ન સાંભળીને બિચારો યુવાન બઘવાઈને દીવાલ પર ડાફોળિયાં મારવા માંડ્યો એટલે સાહેબે, એમની લાક્ષણિક અદામાં એક આંખ મીંચકારતાં કહેલું, ‘6.8 સ્કેલનો ધરતીકંપ થાય તો આખું મકાન ઢગલો થઈ જાય, કેમ કે આ સરકારી બાંધકામ છે… હા…હા… હા !’

આવી મહત્વની પળે જો એ યુવક સાહેબના (હસવાના) તાલ સાથે તાલ ન મેળવી શકે તો એ કામથી જાય ! (શબ્દાર્થમાં !) કેમ કે આવા ઈન્ટરવ્યુમાં પસંદગીનું ધોરણ સાહેબને એમની રમૂજ પર મળતી ‘દાદ’ હોય છે. આવા સાહેબો ‘સાહેબ કમ, કલાકાર જ્યાદા’ હોય છે એટલે એમને મન જ્ઞાન-ફાન કરતાંય એમના વિચિત્ર જોક પર કોણ કેટલું હસ્યું એનું મહત્વ વધુ હોય છે. ગંભીરતાપૂર્વક કરિયર બનાવવા માગતા હોય તે (આખેઆખો ગરીબ અને મધ્યમવર્ગ) બધા ખાડામાં જાય ! પરંતુ ખાડામાં પડવાથી કોઈ મરતું નથી. બહુ બહુ તો હાથ-પગ છોલાય છે અથવા હાડકાંની અરડા-મરડી થાય છે. નોકરીવાંછુઓને અધમૂઆ અથવા મૂએલા કરી નાખવા સાહેબોની એક નવી જ તરેહ વિકસી છે. જે આજે એંસી ટકા જેટલી પ્રચંડ બહુમતીમાં છે.

આપણને જેમ દાળ-રોટીની ભૂખ લાગે છે એમ એમને ગાડી-બંગલા, ધન-દોલત, નોકર-ચાકર તેમ જ સુખ-સગવડનાં સાધનોની ભૂખ લાગે છે – લાગ્યા કરે છે. રણ જેવી અફાટ ભૂખને ભાંગવા એ કુળવધૂ જેવી એમની પવિત્ર પદવીને નગરવધૂ બનાવી નાખે છે. એ પછી એમનાં કાર્યાલયો હાટડીમાં ફેરવાઈ જાય છે, જ્યાં ‘ગ્રાહકો’ પાસેથી એક એક નોકરીના કસી કસીને ભાવ વસૂલવામાં આવે છે. ‘સંતોષધન પરમધન’માં માનતા ઘણા સાહેબો ઉમેદવારની પૈસાની તંગી વિશે જાણીનેય હિંમત હારતા નથી. પૈસાની અવેજીમાં એ અનાજની ગૂણો તથા ઘી-તેલના ડબા, ઈલેક્ટ્રોનિક્સ સાધનો કે પછી મોપેડ સ્કૂટર જેવાં મામૂલી વાહનો લઈને સંતોષનો ઓડકાર ખાઈ લે છે. જો કે, આ ઘોર કળિયુગમાં ઘણા સાહેબો એવા પણ છે, જે ધન-દોલતની પ્રાકૃત-વાસના રાખતા નથી, શુદ્ધ-વાસના રાખે છે. તેઓ ઈન્ટરવ્યુ માટે આવેલી સ્ત્રી-ઉમેદવારના યૌવનને જ ધન ગણી લે છે ને નોકરીના બદલામાં ‘એ’ ધનની માગણી કરે છે. આગળ કહ્યું તેમ આજે એંસી ટકા એટલે કે દસમાંથી આઠ અધિકારીઓ ઉપર્યુક્ત પ્રકારોમાં આવે છે. બાકીના ખિજાયેલા-ખૂર્રાટ-ધૂની અથવા જોકબાજ. હા, સોમાં એકાદ ‘સાહેબ’ પ્રમાણિક હોઈ શકે છે. સો-સો ખેલાડીઓવાળી ફૂટબોલની મેચમાં એક ગોલકીપર હોય એમ ! દેશના તેજસ્વી યુવાનોનું ભવિષ્ય ફૂટબોલની માફક ફંગોળાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા
નાલાયક – નીલમ દોશી Next »   

26 પ્રતિભાવો : ઈન્ટર-વ્યુ – રિદ્ધિ દેસાઈ

 1. ખેમીનો ધણી ફુંકે છે એ બીડીની છાપ કઈ હતી ?

  સાવ સીધો સાદો પ્રશ્ન….જવાબ…દેસાઈ બીડી…!!!
  મુર્ખ પ્રશ્વનો જવાબ પણ મુર્ખ હોય…..

  આ બ્રહ્મજ્ઞાન કોઠે હોત તો રિધ્ધિને સિધ્ધિ મળતાં વધારે ઈંટરવ્યું આપવાની જરૂર ના રહેત.

  • Denish Delwadiya says:

   Riddhi bahen , particular lekh vishe nathi kaheto, pan tamaru article aje paheli vakhat vanchyu.ek j liti ma kahish ke tamru future khubaj bright chhe.

 2. khushboo says:

  વિદેશીઓ રામને ‘રેમ’ કહે છે અને ગામડિયાઓ ‘રોમ’, સમજ્યા ?’………………….ha…ha..ha

 3. riya says:

  This was very funny article with touch of reality. Wonderful.

 4. Vraj Dave says:

  હા હાસ્યની સાથે કમનસીબ સચાઈ પણ છે.બીલકુલ આવુજ કે આનાથીપણ ખરાબ વર્તન હોય છે.ઈન્ટરવ્યુ લેનાર નોનમેટ્રીક પાસ હોય છે.ત્યારે દેનાર ડબલ ગ્રેજ્યુએટ કે એન્જીનીયર હોય છે.હવે તો શિક્ષણની દશા દેવાય ગય છે.
  તો પણ “મેરા ભારત ” મહાન્.
  ફરી મલ્યા હસું તો.
  આભાર્.
  વ્રજ દવે

 5. કલ્પેશ says:

  મૃગેશભાઇ – તમારા નામનો અર્થ તો સમજાયો, પણ તમે રૅમ અને રૉમ તો સમજાવો?

  આ વાત બધાને લાગુ પડે છે. સલાહ આપવામા આપણે બધા આગળ અને કોઇ હોશિયાર હોય તો એને કેવી રીતે દિવસે તારા દેખાડવા?
  “રેમ અને રોમ એટલે બીજું કંઈ નહીં પણ ભગવાન રામ ! વિદેશીઓ રામને ‘રેમ’ કહે છે અને ગામડિયાઓ ‘રોમ’, સમજ્યા ?”

  એક વાત તો સાચી કહી છે સાહેબે – “તમારે કારણે દેશ એક સદી પાછળ ધકેલાઈ જશે ! ગેટ આઉટ !!”
  પણ આ વાત એમને પોતાને માટે હોવી જોઇએ.

 6. Veena Dave,USA says:

  સરસ લેખ. તારી લેખ લખવાની હિમ્મતને દાદ દેવી પડે.

 7. nayan panchal says:

  નવનીત સમર્પણમા એ લેખ વાંચ્યો હતો, ત્યારે જ હતુ કે રીડગુજરાતી પર પણ ફરી માણવા મળશે.

  હંમેશની જેમ ખૂબ મજા આવી ગઈ.

  માત્ર એક સૂચન કરવાની ગુસ્તાખી કરીશ. કદાચ, મૃગેશભાઈએ નવનીત સમર્પણમાંથી આ લેખ થોડો ટૂંકાવીને લીધો છે. તમારો આ લેખ નવનીત સમર્પણમાં વાંચતી વખતે થોડો વધુ પડતો લાંબો (પાછળથી) હોય એવુ લાગ્યુ હતુ.

  નયન

 8. Rakesh says:

  gujarat nu gaurav.

 9. Chirag Patel says:

  This is very sad…. The problem with our coutry (India) is old people are in the position where they are not ready to accept the changes. I have noticed and seen and I am pretty sure every single Indian has seen this – that people who are in power (any type of power – political, law in force, business manager, CEO, CFO etc) have absulately zero manners… They think they are GOD and reset of people are there to serve them… Most of the people in charge of the country are uneducated and don’t have any sence of direction – they are effecting country and today’s generation to get ahead – to progress… Why do people have to be so rude and ignorant when it comes to power? I am proud to be an Indian but also I am very shameful that we are in 21st centrury and going towards 22nd centruy and people are still not coming out of their old and worthless customes!!!!

 10. Mrugesh Modi says:

  વાહ…!!! ખુબ જ મજા આવી વાંચવાની. તમે એકદમ સાચી અને સુંદર વાત કહી છે. મેં બહુ ઈન્ટરવ્યુ તો નથી આપ્યા પણ જ્યાં આપ્યા છે ત્યાં આવી જ હાલત હોય છે અને એમાં પણ જો કોઈ સરકારી નોકરી માટેનું ઈન્ટરવ્ય ુ હોય તો પછી પૂછવું જ શું.? જે લોકો ને ખુરશી ની કદર છે તે લોકો તેના થી બહુ દુર છે અને જે લોકો ને ખુરશી ની કદર નથી તેઓને ખુરશી ઉપર બેસાડી દીધા છે.

 11. Vipul Panchal says:

  વાહ…!!! ખુબ જ મજા આવી વાંચવાની. તમે એકદમ સાચી અને સુંદર વાત કહી છે.

 12. piyush says:

  વાહ…મજા પઙી ગઈ…

 13. jmj_cando says:

  મેરા ભારત મહાન, સોમાથી બસો બેઈમાન….

 14. Sonali says:

  very funny :)nice 1..

 15. Hetal says:

  લેખ તો સારો છે, પણ મને કયારેય આવોઆ અનુભવ થયો નથિ. થોડુ વધારે લાગે છે…..આવુ ના હોય….કોઇ સિલેક્ટ કરવા interview લે કે પછિ reject કરવા……I don’t agree with this article…

  • daksha pujara says:

   Hetalben, it seems that u have not faced real world. Or you are from affluent family.

   For normal persons real situation is even worser than desceibed sometimes. Many jobs are already given and interviews are just formalities to reject others. In some such meetings the interviewers are asking only if u can give xy lakh or not.

   I am happy for u thought.

   Thanks,
   Daksha

  • જિજ્ઞેશ શનિશ્વરા says:

   હેતલબેન, દક્ષાબેન સાચાં છે. તમે નસીબદાર છો કે તમારે એવા ઇન્ટરવ્યુ જ ફેસ કરવાનાં આવ્યા છે કે જેમાં તેઓ સિલેક્ટ કરવા જ ઇન્ટરવ્યુ લે છે, નહિ કે રિજેક્ટ કરવા.
   પણ રિયલ વર્લ્ડની એક સચ્ચાઈ ઉપર વર્ણવેલી છે.

 16. જિજ્ઞેશ શનિશ્વરા says:

  સરસ લેખ. હાસ્યની સાથે છેલ્લે આક્રોશ પણ વરતાયો.

 17. Dhruv says:

  લાગે છે કે રિધ્ધિ બહેને પોતાનિ બધિ હૈયાવરાદ આ લેખ મા થાલ્વિ દિધિ. હા હા હા હા. સરસ લેખ છે.

 18. MARDAV VAIYATA says:

  ખુબ જ સરસ.

 19. સ્રરસ લેખ…..રિદ્ધિને દિલિ અભિનન્દન્ તુ આપના કુટૂંબનુ અને દાહોદનુ ગૌરવ છે.

 20. સ્રરસ લેખ…..રિદ્ધિને દિલિ અભિનન્દન્ તુ આપણા કુટૂંબનુ અને દાહોદનુ ગૌરવ છે.

 21. Prerana says:

  very funny good 1.. and realistic also…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.