ગુલોનો ગુલદસ્તો – મનુભાઈ ભટ્ટ

[ બોધક બાળવાર્તાઓના પુસ્તક ‘ગુલોનો ગુલદસ્તો’માંથી સાભાર.]

[1] ઈશ્વરનો અદલ ઈન્સાફ

ઈશ્વરને ન્યાયી કહેલ છે. પરંતુ જ્યારે ધર્મીને ઘેર ધાડ પડે, લુચ્ચા લફંગા એશઆરામ કરે ત્યારે મનમાં શંકા આવી જાય છે. પણ ઈશ્વરના દરબારમાં કેટલો અદલ ઈન્સાફ છે તેની આ રહી વાર્તા. એક હતો બ્રાહ્મણ. તે કાશીએ ગયો અને શાસ્ત્ર પુરાણોનો ખૂબ અભ્યાસ કરીને પંડિતજી બની ગયો. તે બીજાની શંકાઓનું નિવારણ કરતો પણ તેના મનમાં ઈશ્વર ન્યાયી છે કે કેમ ? તેની શંકા હતી.

એક દિવસ પંડિતજી ફરતા ફરતા એક મોટા જંગલમાં ગયા. જંગલમાં વિવિધ પ્રકારનાં વૃક્ષો હતાં. વૃક્ષો ઉપર જાત જાતનાં ફળ બાઝ્યાં હતાં. વડનું વિશાળ વૃક્ષ પણ તે ઉપર ઝીણા ઝીણા ટેટા લાગેલા હતા. પંડિતજી થોડે દૂર ગયા ત્યાં એક ખેતર આવ્યું. ખેતરમાં કોળાના વેલા જોયા. વેલા ઉપર મોટાં મોટાં કોળાં બાઝેલાં હતાં. આવું જોઈને પંડિતજીને થયું કે આ તે વળી ઈશ્વરનો ન્યાય કહેવાય ? આવડું મોટું વડનું ઝાડ પણ તેનું ફળ ઝીણું બબૂકડું અને નાનકડા વેલા પર સવામણનું કોળું ! બોરડીનું મોટું ઝાડ પણ એનાં બોર ઝીણાં ઝીણાં, નાના ઝાડ ઉપર ફળ આ તે કંઈ ઈન્સાફ કહેવાય ! પંડિતજી બાગ, બગીચા અને નદી, નાળાંને જંગલો ખૂંદી વળ્યા પણ તેમની શંકાનું સમાધાન ન થયું. બપોર થઈ. તડકો કહે મારું કામ એટલે પંડિતજી વડલાના ઝાડ નીચે શીળીછાયામાં આરામથી સૂઈ ગયા. એમના મગજમાં ઈશ્વરના ન્યાય વિષેના વિચારો ચાલતા હતા. એટલામાં પંડિતજી ઊંઘી ગયા.

થોડી વાર થઈ એટલે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. પવનની ઠંડી ઠંડી લહેરોમાં પંડિતજીને સરસ ઊંઘ આવી ગઈ પણ બન્યું એવું કે પવનના સુસવાટાભર્યાં મોજાંઓ વડના ઝાડને અથડાયાં અને બે-ચાર ટેટા નીચે ખરી પડ્યા. ખરેલા ટેટા પંડિતજીના કપાળમાં વચ્ચોવચ જ પડ્યા. કંઈક પડ્યું જાણી પંડિતજી એકદમ જાગી ગયા અને જોયું તો વડના ટેટા તેમના માથા પર પડ્યા હતા. પંડિતજીને તરત ભાન થઈ આવ્યું કે વાહ, પ્રભુ વાહ ! મને તારા ન્યાયમાં શંકા હતી. પણ આજે મને ખાતરી થઈ ગઈ છે કે તું તો અદલ ઈન્સાફ વાળો છે. જો આવડા મોટા વડના વૃક્ષ પર મોટા ફળ મૂક્યાં હોત તો કોઈ પણ તેની છાયામાં આરામ કરી ન શકત. એટલા જ માટે તેં મોટા વૃક્ષને નાનાં ફળ અને નાનાને મોટાં ફળ આપ્યાં છે.

આ પરથી આપણે પણ સમજી લેવાનું એટલું જ કે ઈશ્વર તો ન્યાયી છે. તેના ન્યાયમાં જરા પણ શંકા રાખવી ન જોઈએ.

[2] ઈમાનદાર ઈશ્વરને વહાલો

આપણા પર ગમેતેટલાં દુ:ખ આવે પરંતુ ઈમાનદારીપૂર્વક વર્તીએ તો ઈશ્વર જરૂર સહાય કરે છે. એક હતો છોકરો. છોકરો ઘણો ગરીબ હતો. એક વખત તેની બહેન માંદી પડી. તેની પાસે દવા પૂરતા પણ પૈસા ન હતા. છતાં પણ કોઈ પાસેથી પૈસા મેળવીને તે દવા લેવા જતો હતો. જતાં જતાં રસ્તામાં તેણે એક પુસ્તક રસ્તા પર પડેલું જોયું. છોકરાએ પુસ્તક ઉપાડી લીધું અને જેવું પુસ્તક ખોલ્યું કે તરત તેમાંથી પચાસ ડૉલરની નોટો મળી આવી. છોકરો ગરીબ હતો પરંતુ પ્રમાણિક પૂરેપૂરો હતો. એટલે નોટો લઈને પાછી પુસ્તકમાં મૂકી દીધી અને જેની નોટો હતી તે માલિકને પાછી આપવાનો તેણે નિશ્ચય કર્યો.

ઘેર આવી તેની માને નોટો બતાવીને કહ્યું, ‘મા, આ નોટો મને રસ્તામાંથી મળી છે. પણ જેની નોટો હશે તેને કેવું દુ:ખ થતું હશે ? આટલા રૂપિયા મેળવતાં તેને કેટલીય મહેનત પડી હશે ! આ પૈસા આપણાથી વપરાય જ નહિ અને જો વાપરીએ તો પ્રભુ આપણા પર નારાજ થાય એટલે હું એના માલિકની શોધ કરવા જાઉં છું.’ છોકરાની મા પણ ઘણી ગરીબ હતી. દીકરીની બીમારીમાં પૈસાની તેને સખત જરૂરત પણ હતી. છતાં પણ હરામનું ધન લેવા તેનું મન જરા પણ લલચાયું નહિ. તેણે ખુશ થઈને દીકરાને કહ્યું : ‘બેટા, પ્રભુએ તને સદબુદ્ધિ આપી તે જાણી મને આનંદ થયો છે. બેઈમાનીની કમાણી આપણે ન જોઈએ. જેની નોટો છે તેને તું પાછી આપી આવ.’

બીજે દિવસે તેણે વર્તમાનપત્રમાં જાહેરખબર છપાવી. ખબર વાંચતાં જ તેનો માલિક પેલા છોકરાને ઘેર પહોંચી ગયો. જઈને જોયું તો ગરીબ છોકરો તેની બીમાર બહેન પાસે બેઠો હતો. આ જોઈ પેલા ધનવાનનું દિલ ગદગદ બની ગયું. તેને થયું કે આટલો બધો ગરીબ હોવા છતાં પણ ઈમાનદાર ! તરત જ તેણે તે નોટો છોકરાની માના હાથમાં મૂકી દઈ કહ્યું કે, ‘મા, આ રકમ તમારી દીકરીની દવા માટે વાપરજો. હું તમારા દીકરાને મારે ઘેર લઈ જાઉં છું. તે હવે મારી પાસે જ રહેશે. તેની ચિંતા કરશો નહિ.’ એ છોકરો આગળ જતાં અમેરિકાના બાહીઆ નગરમાં મોટો પ્રખ્યાત વેપારી બની ગયો. એની ઈમાનદારીનું ફળ ઈશ્વરે આપી દીધું.

[3] ભાઈભાંડુ પર પ્રેમ

ભાઈભાંડુ પર પ્રેમ રાખી હળીમળીને ચાલવું જોઈએ. કજિયા-કંકાસ કદી પણ કરવા ન જોઈએ. ગોપાળકૃષ્ણ ગોખલેનું નામ તો તમે સાંભળ્યું જ છે. તેમના એક મોટાભાઈ હતા. નામ એમનું હતું ગોવિંદરાવ. ગોપાળ-ગોવિંદ હંમેશાં હળીમળીને રહેતા હતા. એકબીજા ઉપર પ્રેમ રાખતા. કજિયા-કંકાસ તો કદી પણ કરતા ન હતા. બેઉ ભાઈઓ સાથે જ રમે, જમે અને ભણે પણ સાથે જ. એવામાં તેમના પિતા મરણ પામ્યા. પિતાજીના સ્વર્ગવાસથી બંને ભાઈઓના ભરણપોષણનો બધો ભાર મોટાભાઈ ગોવિંદરાવના માથે આવી પડ્યો. પિતાજીની સ્થિતિ બહુ સારી ન હતી એટલે કુટુંબના ભરણ-પોષણ માટેની મોટી મૂંઝવણ ઊભી થઈ. માતાની એ મૂંઝવણ મોટાભાઈ ગોવિંદરાવના જાણવામાં આવી.

એક દિવસ ગોવિંદરાવ બેઠા બેઠા વિચાર કરતા હતા કે હું મોટો છું અને મારો નાનો ભાઈ ગોપાળ મારાથી નાનો છે. હું ભણવામાં સાધારણ બુદ્ધિનો છું જ્યારે ગોપાળ ઘણો હોશિયાર છે એટલે તેને વધુ ભણાવવો જોઈએ. ગમે તેવાં દુ:ખ વેઠીને પણ હું જો ગોપાળકૃષ્ણને ભણાવું તો તેની જિંદગી સુધરે. મારું તો જે થવાનું હશે તે થશે પણ ગોપાળ સુખી થઈ જશે. આમ વિચાર કરીને ગોવિંદરાવ મોટાભાઈ તરીકેની પોતાની ફરજ બજાવવા તૈયાર થઈ ગયા અને બીજા જ દિવસે તેમણે નિશાળમાંથી પોતાનું નામ કઢાવી નાખ્યું. અને માસિક પંદર રૂપિયાના પગારની નોકરી કરવા માંડી. એની ગોપાળકૃષ્ણને જાણ ન કરી. પંદર રૂપિયાના પગારમાંથી ગોવિંદરાવ પોતાને માટે ઘણો ઓછો ખર્ચ કરી આઠ રૂપિયા બચાવી લેતા અને પોતાના નાના ભાઈ ગોપાળકૃષ્ણને ખર્ચ માટે મોકલતા હતા.

જ્યારે ગોપાળકૃષ્ણને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે મોટાભાઈને ખૂબ સમજાવ્યા અને પોતે ભણવાની સાથે નોકરી પણ કરશે તેમ જણાવ્યું. પણ મોટાભાઈએ ગોપાળકૃષ્ણની વાત ન માની એટલે ગોપાળકૃષ્ણે વધુ કાળજીથી અભ્યાસ કરવા માંડ્યો અને ભાઈના માથા પરનો બોજો હલકો કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે ગોપાળકૃષ્ણ ગોખલે ખૂબ ભણ્યા અને ગણિતશાસ્ત્રમાં એવા નિષ્ણાત બની ગયા કે તેમણે એક ગણિતનું પુસ્તક લખ્યું, જે ‘ગોખલે ગણિત’ના નામથી પ્રખ્યાત થયું છે. બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો ઉમદા પ્રકારનો હતો તે આજે પણ આપણે યાદ કરીએ છીએ. તો આ પ્રસંગ એટલો બોધ આપી જાય છે કે ભાઈભાંડુ વચ્ચેનો સ્નેહ સદૈવ બની રહે તેવું વર્તન રાખવું જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હરિનો કાગળ – મૂકેશ જોષી
બોધકથાઓ – સંકલિત Next »   

4 પ્રતિભાવો : ગુલોનો ગુલદસ્તો – મનુભાઈ ભટ્ટ

 1. જય પટેલ says:

  મોટા વૃક્ષને નાના ફળ અને નાનાને મોટાં ફળ.

  વાહ કુદરત વાહ.

 2. nayan panchal says:

  ગોખલે ભાઈઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈને અંબાણી ભાઈઓની યાદ આવી ગઈ.

  આભાર,
  નયન

 3. Vraj Dave says:

  બાળ વાર્તા, બોધકથા એકંદર ઠીક…સારી.. .

  • Rajni Gohil says:

   સદગુણોની સુવાસ તો દુનિયામાં ફેલાતી જ રહે છે ભગવાન પણ કદર કરે જ છે.
   મોટા વૃક્ષને નાના ફળ અને નાનાને મોટાં ફળ. ખરી રીતે જોઇએ તો ભગવાને દરેક વસ્તુ યોગ્ય રૂપમાં જ બનાવી છે. આપણા માટે દુનિયામાં જે કંઇ બને છે તે પણ ન્યાયી જ હોય છે. આપણે લોકોના અને ભગવાનના પણ દોષ કાઢીએ છીએ પણ આપણા કર્મના દોષો જોતા નથી. બધી જ વાર્તા સુમ્દર બોધપાઠ આપી જાય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.