- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

નયનાબહેન – રોહિત શાહ

[‘પરિચયનાં પારિજાત’ પુસ્તકમાંથી સાભાર. ]

‘કહું છું…..’
‘કહો.’
‘આજે રાસબિહારીભાઈ આવ્યા હતા.’
‘રાસબિહારીભાઈ ? અહીં, ઘેર શા માટે આવ્યા હતા ?’
‘આમ તો તમને મળવા જ આવેલા, પણ તમે ઑફિસે હતા. એમનું વીઝીટિંગ કાર્ડ મૂકતા ગયા છે.’
‘કંઈ ખાસ કામ માટે આવેલા ?’
‘કામ તો કંઈ કહ્યું નથી, એ તમને પછી ફોન કરશે.’ કહીને નયનાબહેને તેમના પતિ વાડીલાલ સામે જોયું ને બોલ્યાં, ‘મને તો રાસબિહારીભાઈનો સ્વભાવ બહુ જ ગમ્યો.’

વાડીલાલ થોડીકવાર નયનાબહેનની આંખોમાં તાકી રહ્યા, પછી બોલ્યા, ‘એવી તે શી વાત બની ગઈ, કે તમને એમનો સ્વભાવ બહુ જ ગમી ગયો ?’
‘વાત તો એવી શી થાય, પણ….’ નયનાબહેન અટકી ગયાં.’
‘કેમ, શું થયું ?’
‘તમને તમારી ઑફિસમાં પર્ચેઝ ઑફિસર થયાને કેટલા વરસ થયાં ?’
‘ચાર વરસ ને ચાર માસ. પણ તમારી વાત મને સમજાઈ નહીં !’ વાડીલાલે માથુ ખંજવાળ્યું.
‘રાસબિહારીભાઈ કહેતા હતા કે તમે મોટા સાહેબ છો, તોય તમારા ઘરમાં કલર ટી.વી. પણ નથી ?’
‘એટલે ?’ વાડીલાલ ચોંક્યા.
‘એ ભલા માણસ તો કહેતા હતા કે સાહેબ કહે તો એક જ દિવસમાં એ પોતે જ એક રંગીન ટી.વી. આપણને ભેટ આપે !’
વાડીલાલના મનમાં થોડી ગડ બેઠી. એ બોલ્યા, ‘તમે જાણો છો, રાસબિહારીભાઈ આપણને રંગીન ટી.વી. શા માટે ભેટ આપવા માગતા હશે ?’
‘એમાં શી નવાઈની વાત છે ? તમારે એમની કંપનીને કંઈક મોટો ઓર્ડર આપવાનો હશે.’
‘મોટો ઓર્ડર તો આપવાનો જ છે, પણ એમના ભાવ ઊંચા છે.’
‘ભાવ ઊંચા છે તો માલ પણ સારો જ હશે ને ?’
‘સારા માલનો ઊંચો ભાવ લેનારા એજન્ટો આમ મફત કલર ટી.વી.ની લ્હાણી કરવા ન નીકળે !’

‘જે હોય તે, આમાં આપણને તો ચોખ્ખો ફાયદો છે જ ને !’
‘તમે જાણો છો કે મને આવી વાતો મુદ્દલ પસંદ નથી. કંપનીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ને વિશ્વાસઘાત જેવું બીજું કોઈ મોટું પાપ નથી !’
‘એક વાત પૂછું ?’
‘પૂછો.’
‘તમારી આ નિષ્ઠા અને પ્રમાણિકતાએ તમને શું આપ્યું ?’
‘ગૌરવ અને આત્મસંતોષ.’
‘એનાથી કાંઈ પેટ ન ભરાય.’
‘આપણને પેટ ભરવામાં કશીય મુશ્કેલી પડે એમ નથી, કંપની તરફથી મને મળતો પગાર પૂરતો છે.’
‘પણ માત્ર પેટ ભરવું એટલું જ પૂરતું નથી. આપણાં બાળકોનેય રંગીન ટી.વી.નો કેટલો બધો શોખ છે ! એમને સારી સ્કૂલ-કૉલેજમાં ભણાવવાનો ખર્ચ પણ માંડ પૂરો થાય છે.’
‘જગતમાં દરેક વ્યક્તિને દરેક સુખ નથી મળતું. ભૌતિક સુખ પામનાર આત્મસન્માન અને ગૌરવથી વંચિત રહી જાય છે, તો આત્મસન્માન અને ગૌરવ પામનારને ભૌતિક સુવિધાઓ નથી મળતી. ખેર, આપણે આ બાબતે અગાઉ અનેકવાર વાત થઈ ચૂકી છે. હું કોઈપણ ભોગે મારા આદર્શો સાથે બાંધછોડ નહીં કરી શકું !’ ને એટલું કહીને વાડીલાલે છાપામાં મોં ખોસી દીધું. નયનાબહેન પગ પછાડતાં રસોડામાં ગયાં.

એમનું દામ્પત્યજીવન આમ તો મધુર હતું, પરંતુ નયનાબહેન પતિને તેમના હોદ્દાનો લાભ લેવા માટે હંમેશાં કહ્યા કરતાં, ને વાડીલાલ તેમના આદર્શોને દઢપણે વળગી રહેતા. એમનાં લગ્ન થયાં ત્યારે તો વાડીલાલ સામાન્ય કારકુન જ હતા, પણ ધીમે ધીમે પોતે એ જ કંપનીમાં પર્ચેજ ઑફિસર બની ગયા. નયનાબહેનને ઊંડે ઊંડે હતું કે વધારાની આવક થશે. ભૌતિક સગવડો વધશે. પણ વાડીલાલ આદર્શવાદી હતા. નયનાબહેનને આ વાતનો ઊંડો અજંપો હતો એ વારંવાર કહેતાં, ‘તમારા એકલાની પ્રમાણિકતાથી કાંઈ દુનિયાનો ઉદ્ધાર નથી થઈ જવાનો. ને તક વારંવાર મળતી નથી, ભગવાને તમને તક આપી છે. હવે થોડું ભેગું કરી લો. પાછલી અવસ્થામાં કામ લાગશે.’
પણ વાડીલાલ જેનું નામ !
ડગે જ નહીં !
સમય વીતતો રહ્યો. વાડીલાલને મોટી મોટી એજન્સીઓ અને કંપનીઓ તરફથી જાતજાતની લોભામણી ઓફરો આવતી રહી, પણ વાડીલાલ વધુ ને વધુ મક્કમ બનતા ગયા.

પાંચેક વરસ વધુ વીતી ગયાં.
વાડીલાલની મોટી દીકરીને કૉલેજમાં દાખલ કરવાની હતી. પ્રિન્સિપાલે કહ્યું કે દસ હજાર ડોનેશન હોય તો વાત પતે. વાડીલાલ પાછા ફર્યા, એ ખૂબ ઉદાસ થઈ ગયા. એ જ રાતે પ્રિન્સિપાલનો ફોન આવ્યો :
‘સાહેબ, તમારી દીકરી મીમાંસાને કોલેજમાં પ્રવેશ આપીશું.’
વાડીલાલને ભારે નવાઈ ઉપજી. દસ હજારનું ડોનેશન માગનાર પ્રિન્સિપાલ આમ સામે ચાલીને ફોન કરીને પોતાની દીકરીને પ્રવેશ આપે, એ કેવી નવાઈની વાત !
વાડીલાલે કહ્યું : ‘આપની ભલી લાગણી માટે આભારી છું, સાહેબ ! પણ મારી પાસે દસ હજારની રકમ નથી.’
‘એની જરૂર નથી, સાહેબ !’
‘ખરેખર ?’
‘હાસ્તો ! પણ અરસપરસ સમજવાની એક વાત છે.’
‘શી ?’
‘તમારી કંપનીની સ્ટેશનરીનો એક વર્ષ માટેનો ઓર્ડર આપવાનો, બસ.’
‘મતલબ ?’ વાડીલાલ ચોંક્યા.
‘આ કંપની મારા દીકરાની છે.’ કહીને પ્રિન્સિપાલ ખડખડાટ હસી પડ્યા ને ઉમેર્યું, ‘મને તો આ વાતની ખબર જ નહોતી ! તમને ખોટો ધક્કો ખવડાવીને નિરાશ કર્યા એ બદલ ખૂબ દિલગીર છું. પણ મને જેવી ખબર પડી કે આપ પર્ચેજ ઑફિસર છો. આપણે એકમેકને ઉપયોગી બની શકીએ એમ છીએ, કે તરત જ આપને ફોન જોડ્યો !’
‘ભલે પણ હવે હું ફોન મૂકું છું.’
‘તો તમારી દીકરી મીમાંસાને ચિઠ્ઠી આપીને ક્યારે મોકલો છો ?’
‘ક્યારેય નહીં !’ કહીને વાડીલાલે ફોન મૂકી દીધો.

નયનાબહેને બધી હકીકત જાણ્યા પછી ઉશ્કેરાટ અનુભવતાં કહ્યું : ‘તમારા આદર્શો તમારાં જ સંતાનોનું ભાવિ ન ઉજાળી શકે તો એ શા કામના ?’ વાડીલાલે પત્નીને કશો જવાબ ન આપ્યો. નયનાબહેન આ વખતે ખૂબ આવેશમાં આવી ગયાં હતાં, એમણે ખાસ્સી જીભાજોડી કરી. વાડીલાલને એ રાત્રે બિલકુલ ઊંઘ ન આવી. એ ખૂબ અવઢવમાં અટવાયા. શું કરું ? એક તરફ પોતાના સંતાન પ્રત્યેનું વાત્સલ્ય હતું તો બીજી તરફ પોતાની કંપની તરફની નિષ્ઠા હતી. નયનાબહેન સ્વભાવ પ્રમાણે ઉગ્ર થઈ જતાં. આજ સુધી એમણે પતિના આદર્શને નિભાવ્યે રાખ્યો, પણ હવે એ થાકી ગયાં હતાં. એમણે રાત્રે કહ્યું : ‘તમે જિદ્દ નહીં છોડો ?’
‘આ મારી જિદ્દ નથી, મારો સિદ્ધાંત છે.’
‘જે કહો તે, અર્થ તો એક જ છે ને ! હું તો કહું છું કે હવે નોકરીનાં થોડાં વરસ છે, પછી કાલની કોને ખબર છે ?’
‘હું પણ એ જ કહું છું. હવે નોકરીનાં થોડાં જ વરસ બાકી છે. આજ સુધી હાથ કાળા નથી કર્યા. આજ સુધી મારા આત્માને નથી વેચ્યો. પૂરા ગૌરવથી હું જીવ્યો છું. હવે છેલ્લા દિવસોમાં શા માટે મારે મનને મેલું કરવું ? ને હવે તો આપણો મોટો દીકરો પ્રેમાળ પણ આ વર્ષે એન્જિનિયર થઈ જશે. આપણને ભવિષ્યની શી ચિંતા છે ?’

પણ નયનાબહેને આ વખતે અટલ સ્ત્રીહઠ ધારણ કરી હતી. યેનકેન પ્રકારેણ પતિને સમજાવીને વ્યવહારુ માર્ગ અપનાવવા દઢતાપૂર્વક એ સમજાવતાં રહ્યાં. વાડીલાલ મૌન બની ગયા હતા. જાણે ઊંડી ગડમથલ અનુભવતા હતા. નયનાબહેનને લાગ્યું કે આ વખતે પતિ જરૂર માની જશે. આખરે તો સંતાનના ભાવિનો પ્રશ્ન હતો ને ! નયનાબહેને છેલ્લા શસ્ત્રરૂપે આંસુ વહાવતાં કહ્યું, ‘તમે જીવનભર તમારા આદર્શો માટે ઝઝૂમતા રહ્યા છો. આત્મગૌરવથી જીવ્યા છો. હવે સંતાનો માટે થોડી બાંધછોડ કરી લો. પ્રિન્સિપાલને ફોન કરીને કહી દો. આપણી દીકરી મીમાંસાને એડમીશન મળી જાય તો એની કારકિર્દી બની જાય !’ લાંબા સમયથી મૌન ધારણ કરી બેઠેલા વાડીલાલ હવે ચૂપ ન રહી શક્યા. એમણે રડતી પત્ની સામે લાગણીપૂર્વક કહ્યું :
‘દુનિયાની વાત ઠીક છે, તમેય મને સમજવા પ્રયત્ન નહીં કરો ? તમારે તો ઊલટાની આવી સ્થિતિમાં મને પ્રેરણા આપવી જોઈએ.’
નયનાબહેનથી ન રહેવાયું. બોલ્યાં : ‘તમારી સાથે ખોટી લમણાઝીંક કરવી એટલે પથ્થર સાથે માથું પછાડવું. હે પ્રભુ ! તું જ હવે તો એમને સદબુદ્ધિ આપ !’ કહીને પડખું ફેરવીને એ સૂઈ ગયાં.
વાડીલાલની ઊંઘ વેરણ બની.
ખૂબ મનોમંથનને અંતે એમણે નક્કી કર્યું, ‘જે થાય તે, પણ હવે પોતાનો સિદ્ધાંત છોડવો નથી. આજ સુધી ચાલ્યું તો શું હવે નહિ ચાલે ? ને મુંબઈમાં કંઈ એક જ કૉલેજ તો નથી ને ?’

આ વાતને અઠવાડિયું વીતી ગયું.
એક વખત વાડીલાલના બોસે એમને કેબિનમાં મળવા માટે બોલાવ્યા. વાડીલાલ બોસની સામે ખુરસીમાં બેઠા. બોસે કહ્યું :
‘વાડીલાલ ! તમારી દીકરીનું નામ મીમાંસા છે ને ?’
‘હા, સાહેબ !’
‘એને કોલેજમાં એડમીશન મળી ગયું ?’
‘ના, પ્રયત્ન ચાલે છે હજી. પણ સાહેબ, આપને આ વાતની ખબર શી રીતે પડી ?’ વાડીલાલ ખુશ થઈ ગયા હતા. એમણે મનોમન વિચારી લીધું કે હવે બોસ પોતે જ ભલામણ કરીને મારી મીમાંસાને એડમીશન અપાવી દેશે ! જોયુંને ! મારી પ્રમાણિકતાની કેવી કદર થઈ ! સચ્ચાઈનો જ વિજય થાય છે. એમાં દેર છે, પણ અંધેર નથી.
‘મને તો અહીં બેઠાં જ બધી ખબર પડી જાય છે !’ બોસે કહ્યું. ને પછી સિગારેટની રાખ એશ ટ્રેમાં ખંખેરતાં આગળ બોલ્યા, ‘પછી સોદો પત્યો કે નહીં ?’
‘સોદો ? શાનો સોદો ?’
‘મીમાંસાનો એડમીશનનો.’
‘મતલબ ?’
‘જુઓ વાડીલાલ ! અમે તમારા ઉપર ઊંડો વિશ્વાસ મૂક્યો હતો. તમે કહ્યું હોત તો ડોનેશનની રકમ બે નંબરની રકમમાંથી હું આપી દેત, પણ તમે વિશ્વાસઘાત કર્યો એથી મને આઘાત લાગ્યો છે.’
‘સાહેબ ! મેં કોઈ વિશ્વાસઘાત નથી કર્યો.’ વાડીલાલની પ્રસન્નતા પીગળી ગઈ.

‘પ્રિન્સિપાલનો ફોન હતો. એમણે મને સઘળી વાત કરી છે. તમે આપણી કંપનીનો એક વર્ષ માટે સ્ટેશનરીનો ઓર્ડર પ્રિન્સિપાલના દીકરાને આપવાની લાલચ આપીને તમારી દીકરીને એડમીશન અપાવવા પ્રયત્ન કર્યો. એ તો સારું છે કે પ્રિન્સિપાલ ખૂબ આદર્શવાદી હોઈ એમણે તમારો પ્રસ્તાવ ન સ્વીકાર્યો ને મને જાણ કરી. મને કેટલો આઘાત લાગ્યો છે એની તમને કલ્પનાય નહીં આવે, વાડીલાલ !’ વાડીલાલ આ સાંભળીને મૂઢ જેવા બની ગયા. આવા કોઈ આક્ષેપની તો એમને કલ્પનાય શાની હોય ? એ મક્કમતાથી બોલ્યા, ‘સાહેબ ! પ્રિન્સિપાલે આખી વાત ઊલટાવીને કરી છે. વાસ્તવમાં તો આપે કહ્યો તે પ્રસ્તાવ એમણે જ મારી સામે મૂક્યો હતો. પણ મેં તેમની સાથે ફોન ઉપર વાત પણ ન કરી. એથી એમનો અહમ ઘવાયો હશે. એટલે જ એમણે આપની સમક્ષ ઊલટી રીતે રજૂઆત કરીને મારી વિરુદ્ધમાં….’
‘વાડીલાલ ! ઊલટી રજૂઆત તો અત્યારે તમે કરી રહ્યા છો.’
‘સાહેબ ! આજ સુધી મારા કોઈ વ્યવહારમાં આપને કદીય એવું લાગ્યું છે ખરું ? મેં તો ઊલટાના ઘણા લાભ જતા કર્યા છે. એટલું જ નહીં, મારી પત્ની સાથે પણ આ કારણે જ મારે વારંવાર ચડભડ થાય છે. ને આ કારણે તો મેં મારી દીકરી મીમાંસાને એ કૉલેજમાં નહિ ભણાવવાનો નિર્ણય પણ કરી લીધો છે.’
‘આ નિર્ણય તમારો નથી, પેલા આદર્શવાદી પ્રિન્સિપાલનો છે. એમણે જ તમને સ્પષ્ટ કહ્યું છે કે એ તમારી દીકરીને આ રીતે કોલેજમાં દાખલ નહીં કરે.’
‘સાહેબ, આવો પાયા વિનાનો આક્ષેપ આપે સાચો માની લીધો એનો મને અફસોસ છે !’ વાડીલાલ બોલ્યા.
‘ને હાલ પૂરતા તમને સસ્પેન્ડ કરવાનો મનેય ઊંડો અફસોસ છે.’

વાડીલાલ પળ માટે ધ્રૂજી ઊઠ્યા.
કેબિનની દીવાલો એમને ચક્કર ચક્કર ફરતી ભાસી. એમની વાચા છિનવાઈ ગઈ. એમના શરીરે પરસેવો વળી ગયો. પોતાની આટઆટલી નિષ્ઠાનો આ કેવો પુરસ્કાર એમને મળ્યો ? પોતાની પ્રમાણિકતા, સિદ્ધાંતની દઢતા આ બધી બાબતોએ આખરે એમને કાળો અપયશ જ આપ્યોને !
એ બોલ્યા :
‘સાહેબ, હું હજી કહું છું કે આ આક્ષેપ ખોટો છે.’
‘વાડીલાલ ! હવે વિલાપ-પ્રલાપ કરવાનો અર્થ નથી. મને એ માટે ફુરસદ પણ નથી.’
‘પણ સાહેબ ! આપ ખૂબ અતિરેક કરી રહ્યા છો. આ તો મારું હળાહળ અપમાન કહેવાય !’
‘નિષ્ઠા વગરના માણસને વળી માન-અપમાન કેવાં ?’
‘સાહેબ, ચાહો તો મને બે-ચાર તમાચા મારી દો, પણ કૃપા કરીને આવા આક્ષેપ ન કરો, પ્લીઝ.’
‘મિ. વાડીલાલ, નાઉ યુ ગેટઆઉટ.’
‘સાહેબ !’
‘નકામી માથાકૂટ ન કરો. યુ આર સસ્પેન્ડ. આવતીકાલથી તમે ઓફિસે આવતા નહીં. કોર્ટમાં હક્ક માટે લડવાની તમને છૂટ છે.’ વાડીલાલ, ક્ષણભર બોસ સામે તાકી રહ્યા. ધુમાડાના ગોટાઓ વચ્ચે એમના બોસનો ચહેરો આજે પહેલી જ વાર એમને હિંસક લાગ્યો. બોસ સિગારેટના ધુમાડા ઉપર ધુમાડા ઓકતા જતા. વાડીલાલ એકાએક આવેશમાં આવી ગયા. એમનાં ભવાં તંગ થઈ ગયાં. એ ગરજી પડ્યા :

‘સાહેબ ! તમારી નોકરી તમને મુબારક ! તમે મને માત્ર સસ્પેન્ડ કર્યો છે, હું રાજીનામું આપીને જાઉં છું. જ્યાં માણસની સચ્ચાઈને સમજનાર ન હોય ત્યાં પગ મૂકવોય પાપ છે. ને મારે મારા હક્ક માટે કઈ અદાલતમાં જવાનું ? જ્યાં ખોટા પુરાવા અને તર્કની દલીલો સદાય સત્યને કચડી નાખવા મથે છે એ કોર્ટમાં ? ધિક્કાર છે તમારી નોકરીને. અને બીજી પણ એક વાત સમજી લો, સાહેબ ! સચ્ચાઈનો કશો પુરાવો નથી હોતો. સચ્ચાઈ સ્વયં એક ન્યાય છે. સ્વયં પુરાવો છે. હું આ ક્ષણથી જ તમારી નોકરીને લાત મારીને જાઉં છું. ભવિષ્યમાં તમને મારી સચ્ચાઈની ખાતરી થશે, ત્યારે તમે જ પસ્તાશો. સાચા માણસનું એ સદભાગ્ય છે કે એણે કદીય પસ્તાવું નથી પડતું. ને હું મારા એ સદભાગ્ય માટે ગૌરવ ધરાવું છું. ગુડ બાય.’ કહીને વાડીલાલ કેબિન છોડીને બહાર નીકળી ગયા.

વાડીલાલ ઘેર જવા નીકળ્યા. રસ્તામાં એમનું મન અત્યંત ખિન્નતા અનુભવી રહ્યું. પત્નીની વાતનો પોતે અનાદર કરીને પોતાના આદર્શો પાછળ દઢ રહ્યા એનો કેવો કરુણ અંજામ આવ્યો ! બોસે આજ સુધીની મારી પ્રામાણિકતા ઉપર પણ ભરોસો ન કર્યો ! એમણે મારી કસોટી તો કરવી હતી ! પણ હવે એ બધું વિચારવાનો શો અર્થ હતો ? પોતે જ નોકરી છોડીને નીકળી ગયા હતા ! હવે ઘેર જઈને પત્નીને શો જવાબ આપીશ ? આખી વાત જાણ્યા પછી એ મારી કેવી હાંસી ઉડાવશે ! એ તો પહેલેથી જ કહેતી હતી કે કાલ કોણે દીઠી છે ? આજની તકનો લાભ લઈ લો. પણ હું મક્કમ રહ્યો. જીવનભર આ બાબત માટે એની સાથે હું સંઘર્ષ કરતો રહ્યો. હવે શું મોં લઈને એની સામે જાઉં ? હું એને ક્યા મોઢે બધી હકીકત કહીશ ? એ કેવો પ્રતિભાવ આપશે ? વાડીલાલ થાકીને લોથપોથ થઈને ઘેર પહોંચ્યા. નયનાબહેન તો એમને જોઈને જ શંકાથી ચોંકી ઊઠ્યાં. એમણે પૂછ્યું :
‘કેમ, શું થયું ? તબિયત તો સારી છે ને !’
વાડીલાલ સોફા ઉપર ઢળી પડ્યા.
‘પણ મને વાત તો કરો. થયું છે શું ?’ નયનાબહેન ખૂબ જ વિહવળ બની ગયાં.
‘મારી પ્રામાણિકતાનો બદલો મને મળી ગયો !’
‘એટલે ?’
‘મને માત્ર આક્ષેપ અને અપયશ મળ્યા. આજે મારા બોસે મારા ઉપર શંકા દાખવી !’
‘તો પછી એના મોં પર થૂંકવું હતું ને ! એની નોકરી ઉપર કાંઈ લેખ માર્યો છે ?’ નયનાબહેન અકળાઈને બોલ્યાં.
‘એ જ કરીને આવ્યો છું. એમણે મને સસ્પેન્ડ કર્યો હતો. હું રાજીનામું આપીને નીકળી ગયો !’
‘બહુ સારું કર્યું તમે ! જ્યાં માણસની કદર ન થાય ત્યાં ગમે તેટલો પગાર મળે તોય પગ ન મૂકવો જોઈએ. જે થયું તે સારા માટે.’

વાડીલાલ પત્નીના આ નવા સ્વરૂપને તાકી જ રહ્યા. બોલ્યા, ‘તમને દુ:ખ તો નથી થયું ને ?’
‘દુ:ખ ? ના રે, ઊલટાની હું તો આજે અત્યંત ખુશ છું ! દુનિયા ભલે ગમે તે કહે, હું તો તમને ઓળખું છું ને ! વળી આમાં કંઈ કલંક નથી ! મારે મન તો તમારી સચ્ચાઈ જ મોટી વાત છે.’ નયનાબહેનના શબ્દોએ વાડીલાલમાં નવી સ્ફુર્તિનો સંચાર કર્યો. પત્ની એમને કેવા કટાક્ષો કરશે, કેવાં મહેણાં મારશે, એવી વાડીલાલની કલ્પનાઓ ખોટી પડી એનું એમને આશ્ચર્ય જ માત્ર નહોતું, ખૂબ આનંદ પણ હતો !