પ્રવચન શાંતિનિકેતન – રવીન્દ્રનાથ ઠાકુર

[‘પ્રવચન-શાંતિનિકેતન’ એટલે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને જે છાતીમ (સપ્તપર્ણી)ની છાયામાં પરમ શાંતિનો એકાએક બોધ થયો હતો, તે છાતીમતલાના પરિસરમાં 1891માં બાંધેલ કાચના કમનીય ઉપાસના-મંદિરમાં અનેક બુધવારોની સવારે રવીન્દ્રનાથે આપેલાં પ્રવચનો અર્થાત્ કરેલાં ઉદ્દબોધનો. આ મંદિરની નિકટ શાલવીથિને છેડે આવેલા આવાસ ‘દહેલી’ની અગાસીમાં ધ્યાનસ્થ કવિની ચેતનામાં તે દિવસોમાં ગીતાંજલિપર્વનાં ગીતોનું પણ અવતરણ થયું. આ પ્રવચનો ‘શાંતિનિકેતન’ નામથી સ્વયં રવીન્દ્રનાથે સંપાદિત કરેલાં. ગુજરાતીમાં નગીનદાસ પારેખે એ જ નામથી ત્રણ ભાગમાં એનો અનુવાદ કરેલો. અહીં એ ત્રણ ગુજરાતી ગ્રંથોમાંથી પસંદ કરીને પ્રવચનો આપ્યાં છે. ઉપનિષદની વાણી સાથે વિશ્વકવિ રવીન્દ્રનાથનું દર્શન અદ્દભુત રીતે વણાયેલું છે. દાર્શનિક વિચારોનું અહીં પ્રકૃતિ સાથે અનેક વાર એવું સામંજસ્ય રચાય છે કે ગીતાંજલિની ગાનસૃષ્ટિનું ગુંજન અનુભવાય. પ્રવચનો અપાયાના એક સૈકા પછી કવિ-દાર્શનિકના સ્વરની જીવંતતા ભાવક એવી રીતે અનુભવે છે કે આજે સવાર સવારમાં જ એ જાણે સાંભળી રહ્યો ન હોય ! – પ્રકાશક]

[1] પ્રભાતે

પ્રભાતના આ પવિત્ર પ્રશાન્ત મુહૂર્તે પોતાના આત્માને પરમાત્મામાં એક વાર સંપૂર્ણપણે વીંટી જુઓ, બધું અંતર દૂર થઈ જવા દો. આપણે તેમનામાં નિમગ્ન થઈ જઈએ, નિવિષ્ટ થઈ જઈએ. તેમણે આપણા આત્માને નિબિડભાવે ગ્રહણ કર્યો છે એવા અનુભવથી આપણે બિલકુલ પરિપૂર્ણ બની જઈએ. નહિ તો આપણો પોતાનો સાચો પરિચય નહિ થાય, ભૂમાની સાથે યોગયુક્ત થઈને ન જોઈએ તો પોતે ક્ષુદ્ર છીએ એવો ભ્રમ થાય છે, આપણે દુર્બળ છીએ એવી ખોટી ધારણા જન્મે છે. હું લગીરે ક્ષુદ્ર નથી, અશક્ત નથી એનો પુરાવો માનવ સમાજમાં પ્રગટેલા મહાપુરુષોએ આપ્યો છે – તેમની સિદ્ધિ તે આપણા દરેકની સિદ્ધિ છે – આપણામાંના પ્રત્યેક આત્માની શક્તિ તેમનામાં પ્રત્યક્ષ થઈ છે.

વાટના ઉપલા ભાગને જ્યારે દીવાની જ્યોત મળે છે, ત્યારે આખી વાટને તે મળે છે. વાટના છેક નીચામાં નીચા ભાગમાં પણ એ દીવા રૂપે સળગવાની શક્તિ રહેલી છે. જ્યારે સમય આવશે ત્યારે તે પણ સળગશે, સમય નહિ આવ્યો હોય ત્યાં સુધી તે ઉપરના સળગતા ભાગને ધરી રાખશે. દરરોજ પ્રભાતની ઉપાસના સમયે પોતાની અંદરના માનવાત્માના તે માહાત્મ્યને આપણે બિલકુલ બાધામુક્ત રીતે જોઈ લઈ શકીએ, આપણે દીન દરિદ્ર છીએ એવો જે આપણને ભ્રમ છે તે ભ્રમને દૂર કરી દઈ શકીએ તો કેવું સારું ! આપણે કેવળ ઘરના ખૂણામાં જન્મ્યા છીએ એવી એક માન્યતા આપણે સેવી રહ્યા છીએ તેનો ત્યાગ કરીને સ્પષ્ટભાવે આપણે એવો અનુભવ કરીએ કે भूर्भुव: स्वर्लोक માં આપણા આ શરીરનો જન્મ છે, એટલા માટે લાખ્ખો કરોડો યોજન દૂરથી આપણા જ્યોતિષ્ક કુટુંબીઓ આપણી ખબર લેવાને માટે પ્રકાશનો દૂત પાઠવે છે. અને મારા ક્ષુદ્ર અહંકારમાં જ મારા આત્માનો ચરમ વાસ છે એમ નથી. જે અધ્યાત્મલોકમાં તેનો વાસ છે તે તો બ્રહ્મલોક છે. જે જગતસભામાં આપણે આવ્યા છીએ ત્યાં રાજ કરવાનો આપણને અધિકાર છે. અહીં આપણે દાસત્વ કરવાને આવ્યા નથી. ખુદ ભૂમાએ પોતે આપણે લલાટે રાજતિલક કરીને મોકલ્યા છે. એટલે આપણે પોતાને અકુલીન માની નીચે માથે સંકુચિત થઈને સંસારમાં ન ફરીએ. પોતાના અનંત આભિજાત્યના ગૌરવથી પોતાનું ઉચ્ચ સ્થાન ગ્રહણ કરીએ.

આકાશનો અંધકાર જેમ તદ્દન કાલ્પનિક પદાર્થની પેઠે જોતજોતામાં ઊડી ગયો, તેમ જ આપણી અંતરપ્રકૃતિની આસપાસથી બધા મિથ્યા સંસ્કારો ક્ષણમાં ભૂંસાઈ જાઓ. આપણો આત્મા ઉદયોન્મુખ સૂર્યની પેઠે આપણા ચિત્તગગનમાં પોતાના બાધામુક્ત જ્યોતિર્મય સ્વરૂપે પ્રકાશી રહો, તેના ઉજ્જ્વલચૈતન્યથી, તેના નિર્મલ પ્રકાશથી આપણું સંસારક્ષેત્ર સર્વત્ર પૂર્ણભાવે પ્રકાશિત થાઓ.

[2] પ્રકૃતિ

પ્રકૃતિ ઈશ્વરની શક્તિનું ક્ષેત્ર છે, અને જીવાત્મા તેના પ્રેમનું ક્ષેત્ર છે. પ્રકૃતિમાં શક્તિની મારફતે તે પોતાનો ‘પ્રસાર’ કરે છે, અને જીવાત્મામાં પ્રેમ મારફતે તે પોતાને ‘દાન’ કરે છે. મોટા ભાગના માણસો આ બે બાજુઓની સમતુલા સાચવીને ચાલી શકતા નથી. કોઈ પ્રાકૃતિક બાજુએ જ સાધનાનો પ્રયોગ કરે છે, તો કોઈક વળી આધ્યાત્મિક બાજુએ. ભિન્ન ભિન્ન પ્રજાઓમાં પણ આ બાબતમાં ભિન્નતા જોવામાં આવે છે. પ્રકૃતિના ક્ષેત્રમાં જેમની સાધના ચાલતી હોય છે તેઓ શક્તિ પ્રાપ્ત કરે છે, તેઓ ઐશ્વર્યશાળી થાય છે, તેઓ રાજ્ય-સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. તેઓ અન્નપૂર્ણાનું વરદાન મેળવી પુષ્ટ થાય છે. તેઓ બધી બાબતમાં મોટા થવા માટે પરસ્પર ધક્કાધક્કી કરતા કરતા એક બહુ મોટી વસ્તુ પ્રાપ્ત કરે છે. અર્થાત તેઓમાં જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓ જ શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરે છે તેનું નામ ધર્મનીતિ.

કારણ, મોટા થવા જતાં, શક્તિશાળી થવા જતાં ઘણાની સાથે હળવુંમળવું પડે છે, એ મિલન સિદ્ધ થવા ઉપર જ શક્તિની સાર્થકતાનો આધાર હોય છે. પરંતુ મોટા પાયા ઉપર, સ્થાયી રીતે સૌના કરતાં સાર્થકભાવે મળવું હોય તો એવો એક નિયમ સ્વીકારવો પડે છે. જે મંગલનો નિયમ હોય છે – અર્થાત વિશ્વનો નિયમ હોય છે – એનું નામ જ ધર્મનીતિ. એ નિયમનો સ્વીકાર કરતાંવેંત જ આખું વિશ્વ અનુકૂળ થઈ જાય છે, યાં એનો અસ્વીકાર કરવામાં આવે છે ત્યાં જ આખા વિશ્વને આઘાત લાગે છે – એ આઘાત લાગતાં લાગતાં ક્યારે બાકોરું પડી જાય છે તેની ખબર જ પડતી નથી, અંતે લાંબા સમયની કીર્તિ જોતજોતામાં ધૂળમાં મળી જાય છે.

જેઓ શક્તિના ક્ષેત્રમાં વિશેષ ભાવે કામ કરે છે તેઓમાંના મોટા મોટા સાધકો આ નિયમને વિશેષ રૂપે શોધી કાઢે છે. તેઓ જાણે છે કે નિયમ જ શક્તિનો પાયો છે; ઈશ્વરની બાબતમાં પણ એ સાચું છે અને માણસની બાબતમાં પણ એ સાચું છે. નિયમનું જ્યાં ઉલ્લંઘન કરીશું ત્યાં શક્તિને પણ નિરાધાર બનાવી દઈશું. જેની ઑફિસમાં નિયમ નથી તે અશક્ત કર્મચારી છે. જેના ઘરમાં નિયમ નથી એ અશક્ત ગૃહસ્થ છે. જે રાજ્યના વહેવારમાં નિયમનું ઉલ્લંઘન થાય છે ત્યાં શાસનતંત્ર અશક્ત છે. જેની બુદ્ધિ વિશ્વના વ્યાપારમાં નિયમને જોઈ શકતી નથી તે જીવનની બધી જ બાબતોમાં અશક્ત, અકૃતાર્થ અને પરાભૂત થઈ જાય છે. આથી સાચા શક્તિના સાધકો નિયમને બુદ્ધિમાં સ્વીકારે છે, વિશ્વમાં સ્વીકારે છે, પોતાના કાર્યમાં સ્વીકારે છે. એટલા માટે જ તેઓ યોજના કરી શકે છે, નિર્માણ કરી શકે છે, મેળવી શકે છે. એ રીતે તેઓ જે પ્રમાણમાં સત્યશાળી બને છે તે જ પ્રમાણમાં ઐશ્વર્યશાળી બની શકે છે.

પણ એની એક મુશ્કેલી એ છે કે ઘણીવાર તેઓ આ ધર્મનીતિને જ માણસનો અંતિમ આધાર માની લે છે. જેની મદદથી હંમેશાં કામ સાધી શકાય, શક્તિ અને ઉન્નતિ પ્રાપ્ત કરી શકાય, તે જ તેઓ ચરમ શ્રેય તરીકે જાણે છે. એટલા માટે વૈજ્ઞાનિક સત્યને તેઓ ચરમ સત્ય તરીકે ઓળખે છે અને સઘળાં કાર્યની આશ્રયભૂત ધર્મનીતિને જ તેઓ પરમ પદાર્થ સમજે છે. પરંતુ જેઓ શક્તિના ક્ષેત્રમાં જ પોતાની બધી પ્રાપ્તિને મર્યાદિત કરી રાખે છે તેઓ ઐશ્વર્યને પામે છે. ઈશ્વરને પામતા નથી. કારણ, એ ક્ષેત્રમાં ઈશ્વરે પોતાને છુપાવી રાખી પોતાના ઐશ્વર્યને જ ખુલ્લું કર્યું છે. એ અનંત ઐશ્વર્ય-સમુદ્ર ઓળંગીને ઈશ્વરને પહોંચી શકે એવી કોનામાં શક્તિ છે ? ઐશ્વર્યનો તો અંત નથી. શક્તિનો પણ પાર નથી. એટલા માટે એ માર્ગે ઉત્તરોત્તર અંત વગર એકમાંથી બીજા તરફ ચાલ ચાલ કરવું પડે છે. એટલા માટે જ માણસ એ રસ્તે ચાલતાં ચાલતાં બોલ્યા કરે છે કે ઈશ્વર નથી, ફક્ત આ છે, અને આ છે : વધારે છે અને એથી પણ વધારે છે.

ઈશ્વરના સમાન ન થઈ શકીએ તો તેને પામીશું શી રીતે ? આપણે ગમે તેટલી રેલવે ચલાવીએ અને ટેલિગ્રાફના તાર નાખીએ તોય આપણે ઈશ્વરથી અનંત દૂર રહી જઈએ છીએ. ધૃષ્ટતાપૂર્વક તેની સાથે હરીફાઈ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણો પ્રયત્ન પોતાના અધિકારનું ઉલ્લંઘન કરીને વ્યાસકાશીની પેઠે શાપ અને વિશ્વામિત્રે સર્જેલી સૃષ્ટિની પેઠે વિનાશ પામે છે. એટલા માટે જ જગતના બધા ધર્મસાધકોએ વારંવાર કહ્યું છે કે ઐશ્વર્યપથના પથિકો માટે ઈશ્વરદર્શન અત્યંત દુ:સાધ્ય છે. અંતહીન પ્રયાસ તેમને ભૂલવીને પરિણામહીન માર્ગે લઈ જાય છે. આથી ઈશ્વરને આપણે બહાર અર્થાત તેની શક્તિના ક્ષેત્રમાં કોઈ જગ્યાએ પામી શકતા નથી. ત્યાં જે રેતીના કણની પાછળ ઈશ્વર રહેલો છે તે રેતીના કણને પૂરેપૂરો ઓળંગી જાય એવી શક્તિ કોઈ પણ વૈજ્ઞાનિક કે કોઈ પણ યાંત્રિક ધરાવતો નથી. એટલે જે માણસ શક્તિના ક્ષેત્રમાં ઈશ્વર સાથે હરીફાઈ કરવા જાય છે તે અર્જુનની પેઠે ગુપ્ત વેશધારી મહાદેવને બાણ મારે છે – તે બાણ તેમને અડતું પણ નથી – આ સ્થિતિમાં તેનો હાર્યા વિના છૂટકો નથી.

એ શક્તિના ક્ષેત્રમાં આપણે ઈશ્વરનાં બે સ્વરૂપ જોવા પામીએ છીએ – એક અન્નપૂર્ણા સ્વરૂપ – એ સ્વરૂપ ઐશ્વર્ય વડે આપણી શક્તિને પુષ્ટ બનાવી દે છે : અને બીજું કાલી કરાલી સ્વરૂપ – એ સ્વરૂપ આપણી સીમાબદ્ધ શક્તિને સંકેલી લે છે. આપણને કોઈ પણ બાજુએથી શક્તિની ચરમતાને પહોંચવા દેતું નથી – નહિ ધનમાં, નહિ ખ્યાતિમાં, નહિ બીજી કોઈ વાસનાની બાબતમાં. મોટાં મોટાં રાજ્યો અને સામ્રાજ્યો ધૂળ ભેગાં થઈ જાય છે, મોટા મોટા ઐશ્વર્યના ભંડાર ખાતાં વધેલાં નાળિયેરનાં કાચલાંની માફક પડી રહે છે. અહીં પ્રાપ્તિની મૂર્તિ ખૂબ સુંદર, ઉજ્જવળ અને મહિમાવતી હોય છે. પણ ક્ષતિની મૂર્તિ કાં તો વિષાદપૂર્ણ હોય છે અથવા ભયંકર હોય છે. તે શૂન્યતા કરતાં પણ વધારે શૂન્ય હોય છે. કારણ, એ પૂર્ણતાનું અંતર્ધાન હોય છે. પણ ગમે તેમ હોય, એ ક્ષેત્રમાં પ્રાપ્તિ પણ ચરમ નથી હોતી, ક્ષતિ પણ ચરમ નથી હોતી – અહીં પ્રાપ્તિ અને ક્ષતિનું આવર્તન સદા ચાલ્યા કરે છે ! એથી એ શક્તિનું ક્ષેત્ર માણસની સ્થિતિનું ક્ષેત્ર નથી. એમાં કોઈ પણ જગ્યાએ આવીને માણસ સદાને માટે એમ કહેતો નથી કે અમુક ઠેકાણે પહોંચી ગયા.

[3] વર્તમાન યુગ

મેં પહેલાં જ એક વાત તમને લોકોને કહેલી છે કે તમે લોકો આ યુગમાં જન્મ્યા છો, એ તમારું પરમ સૌભાગ્ય છે. તમને ખબર નથી કે આ યુગ કેવો મોટો યુગ છે, એના ગર્ભમાં શું શું છુપાયેલું છે ! હજારો સૈકામાં આવો સૈકો દુનિયામાં જવલ્લે જ આવ્યો હશે. માત્ર આપણા દેશમાં જ નહિ, આખી દુનિયામાં એક પ્રચંડ મોજું આવ્યું છે. વિશ્વના માનવોમાં એક પ્રકારનું ચાંચલ્ય જોવામાં આવે છે – બધા જ આજે જાગી ગયા છે. પુરાણા જીર્ણ સંસ્કાર છોડી દેવા માટે, બધા પ્રકારના અન્યાયોને રોળી નાખવા માટે આખી માનવજાતે કમર કસી છે – નવી રીતે જીવનને અને દેશને ઘડવા માગે છે. વસન્ત આવતાં વૃક્ષો જેમ પોતાના દેહ ઉપરથી સૂકાં પાંદડાંને ખેરવી નાખીને નવા પલ્લવથી શણગારાય છે, તેમ માનવપ્રકૃતિ કોઈ એક પ્રાણપૂર્ણ હવાથી બરાબર એ જ રીતે શણગારાવાને અધીરી થઈ ગઈ છે. માનવપ્રકૃતિએ પૂર્ણતાનો સ્વાદ ચાખ્યો છે, હવે એને કેમે કરી બહારની શક્તિથી દબાવી રાખી શકાશે નહિ.

ખરી વસ્તુ એકાએક આપણી નજરે પડતી નથી, એટલું જ નહિ, ઘણી વાર તો આપણે તેના અસ્તિત્વનો સુધ્ધાં ઈન્કાર કરી બેસીએ છીએ. આજે આપણે બહારથી જોઈએ છીએ તો ચારે કોર એક તુમુલ આંદોલન મચેલું છે, જેને આપણે પૉલિટિક્સ કહીએ છીએ. આપણે એને ગમે એટલું મહત્વ આપીએ તોય એ બિલકુલ બહારની વસ્તુ છે. આપણા આત્માને કંઈ જો ખરેખર જાગ્રત કરવું હોય તો તે એક ધર્મ જ કરે છે. એ ધર્મની મૂળ શક્તિ છૂપી રહીને કામ કરે છે એટલે આપણી નજરે પડતી નથી; પૉલિટિક્સની ધમાલે જ આપણું બધું ધ્યાન ખેંચી લીધું છે. આપણે ઉપરનાં મોજાં જ જોતા હોઈએ છીએ, અંદરના પ્રવાહને જોતા નથી હોતા. પરંતુ ખરું જોતાં, ભગવાને માનવસમાજને ધર્મ મારફતે એક જબરો આંચકો આપ્યો છે, એ જ આ વીસમી સદીના સમાચાર છે. વિશ્વાસ રાખો, અનુભવ કરો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આખી દુનિયામાં આજે ધર્મની વિદ્યુતશક્તિ દોડી રહી છે. દુનિયામાં આજે જે કોઈ તાપસ સાધના કરતો હશે તેને માટે આજના જેવો અનુકૂળ સમય બીજો આવવાનો નથી. આજે શું તમારે નિશ્ચેષ્ટ રહેવાનો વખત છે ? તમારી તન્દ્રા શું નહિ ઊડે ? આકાશમાંથી જ્યારે વૃષ્ટિ થાય છે ત્યારે નાનાંમોટાં જેટલાં જળાશય જ્યાં જ્યાં ખોદેલાં હોય છે, તે બધાં પાણીથી ભરાઈ જાય છે. પૃથ્વી ઉપર આજે જ્યાં જ્યાં મંગલનો આધાર પહેલેથી તૈયાર રાખવામાં આવ્યો હશે, ત્યાં ત્યાં તે કલ્યાણથી પરિપૂર્ણ થઈ જશે. સફળતા આજે સહેલી થઈ ગઈ છે; આવી તકને જવા દેવી પાલવે એમ નથી. તમે આશ્રમવાસીઓ આ સોનેરી તક ઝડપી લઈ આશ્રમને સાર્થક બનાવી દો. પથ્થર ઉપર થઈને પાણીનો પ્રવાહ જેમ વહી જાય છે, ત્યાં ઊભા રહેવાનું તેને કોઈ સ્થાન જ મળતું નથી, તેમ આપણા હૃદય ઉપર થઈને આ પ્રવાહ વહી ન જાય એ જોજો ! ઈશ્વરના પ્રસાદનો પ્રવાહ આજે આખી પૃથ્વી ઉપર થઈને વિશેષભાવે પ્રવાહિત થતી વખતે અહીં આવીને થોડી વાર ઘૂમરી ખાઈને રોકાય એ જોજો. આખો આશ્રમ કાંઠોકાંઠ ભરાઈ જાય એમ કરજો. માત્ર આપણો આ નાનકડો આશ્રમ જ શા માટે, આખી પૃથ્વીમાં જ્યાં જ્યાં, જે કોઈ નાનાં-મોટાં સાધનાનાં ક્ષેત્રો હોય તે બધાં આજે મંગલવારિથી ભરાઈ જાઓ. આશ્રમમાં વસવા છતાં આ દિવસે જીવનને વ્યર્થ થવા ન દેશો. અહીંયાં શું કેવળ તુચ્છ વાતોમાં મશગૂલ બનીને, હિંસા અને દ્વેષમાં રહીને નાના નાના સ્વાર્થોમાં દિવસ વિતાવવા આવ્યા છો ? ફક્ત પાઠ ગોખવામાં, પરીક્ષા પાસ કરવામાં કે ફૂટબૉલ રમવામાં આવું મોટું જીવન ખર્ચી નાખવા માગો છો ? કદી નહિ – એ બની જ ન શકે. આ યુગનો ધર્મ તમારા પ્રાણને સ્પર્શો. તપસ્યા દ્વારા સુંદર થઈને તમે ખીલી ઊઠો. તમારો આશ્રમવાસ સાર્થક થાઓ. તમે જો મનુષ્યત્વની સાધનાને પ્રાણપણે વળગી ન રહો, કેવળ રમતગમત અને વાંચવાલખવામાં જ જીવન વિતાવી દો, તો તમે અપરાધમાં પડશો, અને તેની કદી માફી નહિ મળે, કારણ, તમે આશ્રમવાસી છો.

હું ફરીથી કહું છું, તમે ક્યે સમયે આ પૃથ્વી ઉપર આવ્યા છો એ સમયનો વિચાર કરો. આજના જમાનાનું એક સુખ એ છે કે, વિશ્વમાં જે ચાંચલ્ય મચ્યું છે, તેનો અનુભવ એકીવખતે બધા દેશના લોકો કરે છે. પહેલાં એક ઠેકાણે તરંગો ઊઠતા તો બીજા ઠેકાણાના લોકોને તેની ખબર પડતી નહિ. દરેક દેશ અલગ હતો. એક દેશના સમાચાર બીજા દેશમાં પહોંચી શકતા નહોતા. હવે એવો સમય રહ્યો નથી. દેશના કોઈ પણ ભાગમાં આઘાત લાગતાં તરંગ આવે તો તે તરંગ ફક્ત દેશમાં જ નહિ, આખી દુનિયામાં તીરની જેમ દોડી જાય છે. આપણે બધા એક થઈને ઊભા રહીએ. કેટકેટલી બાજુએથી આપણને બળ મળે છે; સત્યને વળગી રહેવામાં જે ભારે વેદના રહેલી છે તેને આપણે અનાયાસે સહી શકીએ; જુદી જુદી દિશામાંથી દષ્ટાંતો અને સહાનુભૂતિ આવીને આપણને બળ આપે – એ કંઈ ઓછી વાત છે ! પોતાને આપણે અસહાય ન માનીએ. આ એક મોટી તક છે. એવે વખતે આશ્રમવાસની તક ગુમાવશો નહિ. તમારું જીવન જો વ્યર્થ ગયું, તો તેમાં આશ્રમે કંઈ ગુમાવવાનું નથી – તમને જ નુકશાન છે. આખું ઝાડ મૉરથી ભરાઈ જાય છે. બધા જ મૉરમાંથી ફળ પાકે છે એમ બનતું નથી. કેટલોક ખરી પડે છે, સુકાઈ જાય છે, તેમ છતાં ફળની ખોટ નથી પડતી. ડાળ ભરીને ફળ બેસે છે. ફળ ન બેઠાં એમ કહીને ઝાડ રડવા નથી બેસતું, રડવાનું તો ખરી પડેલા મૉરને, કારણ, તે ફળરૂપે પરિણત ન થઈ શક્યો.

આ આશ્રમ જ્યારે તૈયાર થયો હતો, વૃક્ષો જ્યારે ધીરે ધીરે પ્રકાશ તરફ માથાં ઊંચાં કરતાં હતાં, ત્યારે સુદ્ધાં નવા યુગના કોઈ સમાચાર પૃથ્વીમાં આવ્યા નહોતા. અજ્ઞાતભાવે જ આશ્રમના ઋષિ આ યુગને માટે આશ્રમને તૈયાર કરવાના કાર્યમાં રોકાયેલા હતા; ત્યારે હજી વિશ્વમંદિરનાં દ્વાર ઊઘડ્યાં નહોતાં, શંખ વાગ્યા નહોતા. વીસમી સદીને માટે વિશ્વદેવતા કેવી વિપુલ તૈયારી કરી રહ્યા હતા તેની અમને લગારે ખબર નહોતી. આજે અચાનક મંદિરનાં દ્વાર ઊઘડી ગયાં – આપણું કેવું પરમ સૌભાગ્ય ! આજે વિશ્વદેવતાનાં દર્શન કરવાં જ પડશે, આંધળા થઈને પાછા જઈએ એ નહિ ચાલે. આજે મોટો ઉત્સવ છે; એ ઉત્સવ એક દિવસનો નથી, બે દિવસનો નથી – શતાબ્દીવ્યાપી ઉત્સવ છે. એ ઉત્સવ કોઈ એક જગ્યાનો નથી, કોઈ એક પ્રજાનો નથી, એ ઉત્સવ આખી માનવજાતનો વિશ્વવ્યાપી ઉત્સવ છે. ચાલો, આપણે બધા ભેગા થઈએ ને નીકળી પડીએ. દેશમાં જ્યારે કોઈ રાજાનું આગમન થાય છે ત્યારે તેને જોવા માટે રસ્તા પર જઈએ છીએ ત્યારે જૂનાં વસ્ત્રો બદલવાં પડે છે, નવાં વસ્ત્રોથી દેહને શણગારવો પડે છે. આજે દેશના રાજા સામે આવીને ઊભા છે, ઉદ્વત મસ્તક નમાવો. આખા વરસનો ભેગો થયેલો કચરો ફગાવી દો. મનને શુભ બનાવી દો. શાંત થાઓ, પવિત્ર થાઓ. તેમને ચરણે પ્રણામ કરીને ઘેર પાછા જાઓ. તેઓ તમારે માથે આશીર્વાદ વર્ષાવો – મંગલ કરો, મંગલ કરો, મંગલ કરો.

[કુલ પાન : 204. કિંમત : રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ, નદીકિનારે. અમદાવાદ-380009 ફોન : 91-79-26587947 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નયનાબહેન – રોહિત શાહ
અભિનયસમ્રાટની અભિનયયાત્રા – સં. રજનીકુમાર પંડ્યા, બીરેન કોઠારી Next »   

2 પ્રતિભાવો : પ્રવચન શાંતિનિકેતન – રવીન્દ્રનાથ ઠાકુર

 1. શ્રી રવિન્દ્રનાથ ઠાકુરની વિચારધારા માણી.

  વિદ્યાવંત..બુધ્ધિશાળી..શાલિનતા..અને ભદ્રજનોની ધરતી ગણાતા બંગાળમાં દારૂણ ગરીબીનું
  એકચક્રી શાસન વિસ્મય પમાડે એવું છે…!!!

  • vijay(Mancester) says:

   When I read Tagore, I feel proud to be an Indian.I wish if Tagore’s more poems and liturature are translted in Gujarati.
   THANK YOU FOR THIS ARTICLE.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.