અભિનયસમ્રાટની અભિનયયાત્રા – સં. રજનીકુમાર પંડ્યા, બીરેન કોઠારી

[કલાના વિવિધ ક્ષેત્રોમાં રહેલી ગુજરાતી પ્રતિભાઓને વંદન કરવાનો રીડગુજરાતીનો એક ઉપક્રમ રહ્યો છે જેમાં આજે ‘અભિનયસમ્રાટ’ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુપ્રસિદ્ધ ગુજરાતી કલાકાર શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલા આત્મકથનાત્મક પુસ્તકમાંથી માણીશું પ્રથમ પ્રકરણ. આ પુસ્તકનું વિમોચન તથા અભિવાદનનો કાર્યક્રમ તા. 14મી જુલાઈ, 2009ના રોજ તેમના 73મા જન્મદિનના અવસર પર ભાઈદાસ સભાગૃહ, મુંબઈ ખાતે થનાર છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર.]

Picture 030‘વૉચ ધીસ મૅન’ એટલે કે ‘આ માણસ પર નજર રાખજો.’ – આવી તાકીદ કોઈક વ્યક્તિ માટે કોઈ અન્ય વ્યક્તિ કરે ત્યારે શું સમજવું ? ઘડીભર આગળ-પાછળનો સંદર્ભ ભૂલી જઈને વિચારો કે આવું કોણ કોના માટે કહે ? કોઈ શકમંદ વ્યક્તિની હિલચાલ પર નજર રાખવા માટે પોલીસ અધિકારી પોતાના માણસોને સૂચના આપે કે પછી કોઈ ‘શિકાર’ની ગતિવિધિ પર નજર રાખવા માટે ‘ભાઈ’લોગ પોતાના ફોલ્ડરોને આવું કહી શકે. અલબત્ત, આમાં ભાષા કદાચ આની આ ન પણ હોય, પણ આપણે ભાવ સાથે મતલબ રાખીએ તોય એટલો અંદાજ તો આવે જ કે આવી તાકીદમાં મોટે ભાગે નકારાત્મક ધ્વનિ જ હોય.

પરંતુ મરાઠી ભાષાના એક અગ્રણી સાહિત્યકાર-નાટ્યકાર ગુજરાતી તખ્તાના એ કાળના એક ઓછા જાણીતા અભિનેતાને માટે આવું કહે તો એમ સમજવું કે તેમણે જેના પર ‘નજર રાખવાની’ તાકીદ કરી છે, એ નવોદિત અને પ્રમાણમાં ઓછો જાણીતો અભિનેતા ભવિષ્યમાં સિતારો બનીને અભિનયના આકાશમાં છવાઈ જશે અને પોતાનું એક આગવું સ્થાન બનાવશે. 1968ની સાલમાં ‘આતમને ઓઝલમાં રાખ મા’ નાટકમાં પ્રો. વિદ્યાસાગર અને ‘પારિજાત’ નાટકમાં ઈન્સ્પેક્ટર લાલુ તરીકે નવજુવાન ઉપેન્દ્ર ત્રિવેદીને જોઈને વસંત કાનેટકરે કહેલું કે આ માણસ શેક્સપિયરનાં નાટકોના હીરોની ભૂમિકા માટે જન્મ્યો છે અને એનો અભિનય જોતાં લાગે છે કે આસમાન એ જ એની મંજિલ છે. આ માણસ પર નજર રાખજો. એ અસામાન્ય છે. વસંત કાનેટકર જેવા ખ્યાતનામ મરાઠી સાહિત્યકારની પારખુ નજર વિશે એટલું જ કહેવું રહ્યું કે એમણે ઉપેન્દ્ર ત્રિવેદી વિશે કરેલી આગાહી આગળ જતાં તદ્દન સાચી પડી. ઉપેન્દ્ર ત્રિવેદીએ સાબિત કરી બતાવ્યું : અસીમ આસમાન એ જ પોતાની મંજિલ છે. રંગભૂમિ અને એ પછી રૂપેરી પડદે એમણે અભિનયની કેટલીય નવી ઊંચાઈઓ સર કરી. પણ આ બધું કંઈ કુંડળીમાં લખેલી આગાહી મુજબ માત્ર નસીબ અને નામ પૂરતા પુરુષાર્થથી પ્રાપ્ત થતું નહોતું. એની પાછળ હતાં સહજ પ્રતિભા ઉપરાંત અથાગ પરિશ્રમ, અભ્યાસ અને નિષ્ઠા, જેણે ઉપેન્દ્ર ત્રિવેદીના નામને અભિનયનો પર્યાય બનાવી દીધું. ઉપેન્દ્રના સંઘર્ષકાળના સાથીદારો, તેમના સહકલાકારો, સહકાર્યકરો કે એમનાં કુટુંબીજનો સુદ્ધાં આ હકીકતનાં સાક્ષી છે. જોવાની વાત એ છે કે આ સૌનાં મનમાં ઉપેન્દ્રનું સ્થાન હજી એવું જ છે, જે ત્યારે હતું. મતલબ કે ઉપેન્દ્રના મગજમાં નથી લોકપ્રિયતાની રાઈ ભરાઈ કે નથી ભરાયો ગર્વનો પવન. આવાં તો અનેક પાસાં છે, જેને તપાસવાથી કદાચ ઉપેન્દ્ર ત્રિવેદીની અસલ ઓળખ અને તેમના અભિનયના રહસ્યનો તાગ મળી શકે. ‘લેટ અસ વૉચ ધીસ મેન’. ફરી વસંત કાનેટકરના શબ્દોને યાદ કરીએ.

ઉપેન્દ્રનો જન્મ મધ્યપ્રદેશના ઈન્દોરમાં અને અભ્યાસ ઉજ્જૈનમાં. ઘરમાં પણ હિન્દી બોલાતી હોવાથી તે માતૃભાષા જેવી જ થઈ ગયેલી. એમના મોટાભાઈ ભાલચંદ્ર શાળા-કૉલેજમાં નાટકોમાં પ્રવૃત્ત હતા, એમાંથી ઉપેન્દ્રને ક્યારે અભિનયનો રંગ લાગી ગયો, એની ખબર પડી નહીં. ઉપેન્દ્રથી નાનો ભાઈ અરવિંદ ભાઈ કરતાં પણ દોસ્ત વધારે. એમનાં બહેન વિજયાબહેન જાની યાદ કરે છે કે ઉપેન્દ્ર-અરવિંદને રામાયણ અને મહાભારતના ગ્રંથો બહુ પ્રિય. એમાંય યુદ્ધના પ્રસંગો એમને વિશેષ ગમે. અવારનવાર ધનુષ્ય-બાણ-તલવાર લઈને રામાયણ-મહાભારતમાંના અમુક પ્રસંગો ભજવે પણ ખરા. આ બંને ભાઈઓએ પોતાની નાનકડી શસ્ત્રશાળા પણ બનાવી હતી, જેનું વિધિવત પૂજન પણ દર દશેરાએ કરતા. આ લોકો ક્યારેક બાળસહજ જીદ કરે, ત્યારે તેમનાં માતા કમળાબહેન ખિજાતાં. પરંતુ ઉપેન્દ્રને જોઈને પિતા જેઠાલાલ કહેતા : ‘તું જેના પર ક્રોધ કરે છે, એ તો મારો બહાદુર બેટો છે. તું જોજે, એ આપણું અને વતનનું નામ ઉજાળશે.’ શું જેઠાલાલ ત્રિવેદીને પોતાના પુત્રમાં રહેલી પ્રતિભાની ચિનગારી કળાઈ ગઈ હશે ? કે પછી પિતાસહજ વાત્સલ્યને કારણે એમણે આમ કહ્યું હશે ? પિતાસહજ ભાવથી એમણે આમ કહ્યું હોત તો એમણે એવી જ કામના કરી હોત કે એ કેવળ પોતાનું નામ ઉજાળશે. પરંતુ એમણે પોતાનું અને વતનનું નામ ઉજાળશે, એમ ઉપેન્દ્ર માટે કહ્યું, એ એમની પ્રતિભાની ઝલક જોઈને જ કહ્યું હશે. એમને એ ક્યાંથી ખબર હોય કે પુત્ર ક્યા ક્ષેત્રમાં જઈને ઝળકવાનો છે ?

એમ તો શાળાજીવનના સાવ પ્રારંભે ઉપેન્દ્રને પણ ક્યાં ખબર હતી કે પોતે અભિનયના ક્ષેત્રમાં કારકિર્દી બનાવશે ? વિદ્યાર્થીકાળમાં વક્તૃત્વ અને નાટ્યસ્પર્ધાઓમાં ભાગ લઈને તે ઈનામો મેળવતો હતો, તેમાં કિશોર શર્મા, રાજેન્દ્ર, રમેશ કક્કડ જેવા મિત્રો ઉપરાંત પિતા જેઠાલાલ ત્રિવેદીનાં સૂચન-માર્ગદર્શનનો પ્રતાપ પણ ખરો. કબડ્ડી, હૉકી, ફૂટબોલ અને લાંબી દોડ જેવી રમતોમાં ઉપેન્દ્ર અચૂક ભાગ લે. શૂટિંગમાં તો તેણે શ્રેષ્ઠ એન.સી.સી. કેડેટ તરીકે પુરસ્કાર પણ મેળવેલો. રમતોમાં ભાગ લેવાને કારણે રમતવીર તરીકેના ગુણો પણ આપમેળે ખીલ્યા હશે. મોટાભાઈ ભાલચંદ્ર ત્રિવેદીએ એક પ્રસંગ વર્ણવ્યો છે, જેમાં આ બાબત જણાઈ આવે છે. શાળાજીવનમાં વિદ્યાર્થીઓને થતાં અન્યાય અને ઉપેક્ષા સામે ઉપેન્દ્રે શાળાના આચાર્ય સમક્ષ વિરોધ નોંધાવ્યો. આ આચાર્ય ઉપેન્દ્રના કુટુંબના પાડોશી અને સ્વજન જેવા હોવાથી તેમને ‘ઘરનો છોકરો’ પોતાની સામે આવીને બોલે એ રુચ્યું નહીં અને ગુસ્સે થઈને તેમણે ઉપેન્દ્રને નેતરની સોટીથી ફટકાર્યો. બસ ખલાસ ! માત્ર ઉજ્જૈનમાં નહીં, આસપાસનાં શહેરોના વિદ્યાર્થીઓમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા. ઠેરઠેર સભા, સરઘસ અને હડતાળ થવા લાગ્યાં. આખરે ઉપેન્દ્રનાં બા-બાપુજી વચ્ચે પડ્યાં અને તેમણે જેમ-તેમ કરીને આખો મામલો થાળે પાડ્યો. આમ, અન્યાય થતો હોય તો તેની સામે થવું એ બાબત છેક બાળપણથી તેમના સ્વભાવમાં વણાઈ ગઈ હતી. કદાચ આમાં રામાયણ-મહાભારત જેવા ગ્રંથોના અભ્યાસનો પણ પરોક્ષ ફાળો હોઈ શકે. નિશાનતાક અને અન્યાયનો વિરોધ આ બંને પરિબળો વ્યક્તિ ઉપેન્દ્રને ઘડવામાં મુખ્ય પરિબળો બની રહ્યાં, જેના અન્ય પ્રસંગોનો ઉલ્લેખ આ પુસ્તકમાં આગળ આવશે.

શાળાજીવનકાળ આમ ઉજ્જૈનના ગુજરાતી સમાજમાં પ્રાથમિક શિક્ષણ તથા આદર્શ વિદ્યાલય – ફ્રીગંજમાં માધ્યમિક શિક્ષણ લઈને ઉપેન્દ્રે પૂરો કર્યો. એ પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ આવવાનું થયું. દરમિયાન મોટાભાઈ ભાલચંદ્ર મુંબઈમાં સ્થાયી થઈ ચૂક્યા હતા અને શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેમના સહારે મુંબઈમાં કમસે કમ ઓટલો મેળવવાની મુશ્કેલી ન હતી. ત્રણે ભાઈઓ વચ્ચે સ્નેહબંધન પણ એવું હતું કે ક્યાંય કોઈ એકબીજાને ભારરૂપ ન લાગે, બલકે એકબીજાને મદદ કરવા તત્પર રહે. ભાલચંદ્રભાઈની એક મોટાભાઈ તરીકે એવી ઈચ્છા કે મુંબઈ આવીને પોતાના ભાઈઓ સારું ભણે, ગણે અને લાઈનસર થાય. ભાલચંદ્ર ખુદ સાહિત્યરસિક માણસ. મુંબઈનાં સાહિત્યિક વર્તુળોમાં તેમની ઠીક-ઠીક ઊઠકબેઠક હતી. વળી ઉપેન્દ્રનો અભિનયરસ તેમનાથી અજાણ્યો નહોતો. મુંબઈ આવ્યા પછી પણ વક્તૃત્વ-સ્પર્ધાઓમાં ભાગ લેવામાં ઉપેન્દ્ર આગળ પડતો રહેતો. આવી એક સ્પર્ધામાં સાહિત્યકાર વિઠ્ઠલ પંડ્યા અને પ્રો. રમેશ જાની નિર્ણાયક તરીકે હતા. કિશોર ઉપેન્દ્રની બોલવાની છટા, વિચારોની રજૂઆત અને શબ્દ પર યોગ્ય જગાએ મૂકવામાં આવતું વજન વગેરે જોઈને બંને ખૂબ પ્રભાવિત થયેલા અને તેમણે ઉપેન્દ્રને સૌથી વિશેષ ગુણ આપેલા. આ સ્પર્ધામાં ઉપેન્દ્રનો નંબર પ્રથમ આવ્યો હતો. સાહિત્ય ઉપરાંત એ કાળે ફિલ્મક્ષેત્ર સાથે પણ સંકળાયેલા વિઠ્ઠલભાઈના મનમાં આ કિશોર વસી ગયેલો. બે-ત્રણ વરસ પછી ભાલચંદ્ર ઉપેન્દ્રને લઈને વિઠ્ઠલભાઈને મળવા ગયા અને કહ્યું કે ઉપેન્દ્ર અભિનયક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે. ભાલચંદ્રને વિઠ્ઠલભાઈનો અભિપ્રાય જોઈતો હતો. વિઠ્ઠલભાઈ તરત ઉપેન્દ્રને ઓળખી ગયા. પેલી વક્તૃત્વ-સ્પર્ધાનું ઉપેન્દ્રનું વક્તવ્ય એમને હજીય યાદ હતું. એમણે ભાલચંદ્રને કહ્યું, ‘તમે ફિકર કર્યા વગર એને અભિનયની દુનિયામાં જવા દો. મને ખાતરી છે કે એક દિવસ એ ક્ષેત્રમાં તે અવશ્ય નામ કાઢશે.’ વિઠ્ઠલભાઈએ ઉપેન્દ્રની કરેલી આંકણી તદ્દન યોગ્ય હતી, તે તો આગળ જતાં આપોઆપ સિદ્ધ થઈ ગયું.

ખરેખર તો, ઉપેન્દ્ર અને અરવિંદ બંને ભાઈઓ ગુજરાતી માતૃભાષા હોવા છતાં અહીં મુંબઈમાં આવ્યા પછી ખરેખરું ગુજરાતી બોલતાં અને લખતાં શીખેલા. કૉલેજમાં અભ્યાસ પણ ઉપેન્દ્રે શરૂ કરી દીધેલો, પણ અભિનયનો રંગ પોતાને લાગી ચૂક્યો છે, એની પ્રતીતિ ખુદને થઈ ચૂકી હતી. આથી કૉલેજમાં કૉમર્સના અભ્યાસ કરતાં અભિનય કરવાનો મોકો ક્યાં મળે, એની તલાશ વધુ રહેતી. આથી ભણવામાં દિલ ક્યાંથી લાગે ? કૉલેજમાં પણ માર્ગદર્શન મળ્યું વિષ્ણુકુમાર વ્યાસ જેવા સાહિત્યરસિક પ્રાધ્યાપકનું, જે સિદ્ધાર્થ કૉલેજ ઑફ કૉમર્સનો સાંસ્કૃતિક વિભાગ સંભાળતા હતા. બસ, નાટકનો – અભિનયનો અસલી રંગ અહીંથી ચડ્યો તે ચડ્યો. ઉત્તરોત્તર એ ગાઢો અને ઘેરો થતો ગયો, જેની સીધી અસર ઉપેન્દ્રના અભ્યાસ પર પડી. ઈન્ટર કૉમર્સમાં તે ત્રણ-ત્રણ વાર નાપાસ થયો. જોકે, જયંતિ પટેલ ‘રંગલો’ આ ઘટનાને જરા જુદી રીતે મૂલવે છે. કૉલેજકાળમાં ઉપેન્દ્રે મનુભાઈ પંચોળી ‘દર્શક’ની વિખ્યાત નવલકથા ‘ઝેર તો પીધાં જાણીજાણી’નું નાટ્યરૂપાંતર કરેલું. આ નવલકથા એણે જબરદસ્ત રીતે આત્મસાત કરેલી. ‘રંગલો’ કહે છે કે – પરીક્ષકો જ ઉપેન્દ્રને જાણીજોઈને પૂરતા માર્ક્સ આપતા નહીં, જેથી ઉપેન્દ્ર ઈન્ટરમાંથી આગળ વધી ન શકે અને આ નાટકને સતત ભજવી શકે. ઉપેન્દ્ર પણ લાંચરુશવતમાં માનતો ન હોવાને કારણે, જે માર્ક મારા નથી, તે મારે જોઈતા નથી, એમ કહીને માત્ર આ નવલકથાના અભ્યાસાર્થે ત્રણ વરસ સુધી ઈન્ટરમાં રોકાયેલો.

‘ઝેર તો પીધાં….’ નાટક અંગેની વધુ વાતો આગળ આવશે, પણ ‘રંગલા’એ એમની આગવી હળવી શૈલીમાં કહેલી આ વાત સૂચવે છે કે ઉપેન્દ્રને જેટલો નાટકનો રંગ ચડ્યો એટલો અભ્યાસનો ન ચડ્યો. આખરે, ‘વન ફાઈન મોર્નિંગ’ ઉપેન્દ્રે નક્કી કરી લીધું કે, બહુ થયા ભણવાના ફાંફાં, હવે બસ અભિનયમાં – રંગભૂમિમાં જ ઝંપલાવવું છે. ભાલચંદ્ર મોટાભાઈ હતા, પણ એ કંઈ નાના ભાઈના હિત માટે જોહુકમીનો દંડો પછાડતા જમાદાર જેવા નહોતા. એમને ખ્યાલ હતો જ કે ઉપેન્દ્ર અભિનયના પ્રેમમાં પડી ચૂક્યો છે. આથી એમણે એ માર્ગે ઉપેન્દ્રને જવા માટે સહાય કરી. વિઠ્ઠલ પંડ્યા જેવા પોતાના મિત્ર પાસે ઉપેન્દ્રને લઈ ગયા અને તેમની સલાહ માગી હતી, એ ઘટના તો આગળ આવી ગઈ. આમ છતાં, ઉપેન્દ્રના, ત્રિવેદી કુટુંબના હિતેચ્છુઓને લાગ્યું કે અભિનય માટે અભ્યાસ છોડવો બરાબર નથી. હરિહર શુકલ ભાલચંદ્રના સહાધ્યાયી અને પારિવારિક મિત્ર. અભિનયક્ષેત્રમાં એ ઉપેન્દ્રની પ્રગતિથી કેવળ માહિતગાર જ નહીં, પ્રભાવિત પણ હતા. આમ છતાં એનો અભ્યાસને તિલાંજલિ આપવાનો નિર્ણય શુક્લને ગમ્યો નહીં. એમણે ભાલચંદ્રને પત્રમાં ચિંતા વ્યક્ત કરતાં લખ્યું : ‘ઉપેન્દ્ર પથભ્રાન્ત તો નથી થતો ને ! અભ્યાસ છોડીને નાટકના ક્ષેત્રે ઝંપલાવવામાં દુસ્સાહસ તો નથી કરતો ને !’ હરિહર શુક્લની ઉપેન્દ્ર માટેની આ નિસ્બત એમની લાગણી જ સૂચવે છે. તેથી એમણે પછીથી કહેલું કે : ‘મારી ચિંતા અસ્થાને હતી. ઉપેન્દ્રની શક્તિઓનું સાચું મૂલ્યાંકન કરવાનું મારું ગજું ન હતું, એવું એણે સિદ્ધ કર્યું છે.’ ઉપેન્દ્રે પછીથી મેળવેલી સિદ્ધિઓથી ખુશ થઈને તેમણે કહેલું કે ‘એક વડીલને નાતે ‘પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજયમ’ની ઉક્તિ ચરિતાર્થ થતી જોઉં છું ત્યારે મને કેવો અદકો આનંદ થતો હશે તે હું જ જાણું છું.’

જોકે હરિહર શુક્લની ચિંતા એ સમયે યોગ્ય હતી, કેમ કે ભણવાનું છોડ્યા પછી આજીવિકાનું શું ? નાટકનું કામ કંઈ એટલું બધું ન મળે કે જેની પર જીવન નભી શકે. અને જીવન નભાવવું હોય એ વખતે ડીગ્રી કામ લાગે, નહીં કે અભિનય. પરંતુ અભિનયને કારકિર્દી તરીકે અપનાવવાની ઉપેન્દ્રની પૂરી તૈયારી હતી. આજીવિકા માટે ગમે તે કરી લેવાશે, એવુંય મનમાં ખરું. ‘કાલે રબર વર્ક્સ’, ‘ચેમ્પિયન એન્જિનિયરિંગ કંપની’, ‘નેશનલ એન્જિનિયરિંગ વર્ક્સ’ જેવી કંપનીઓમાં તેણે રાતપાળીની નોકરી કરી, જેથી પોતે નાટકને લગતાં કામ કરી શકે. એમ તો જાણીતા સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યે પણ એક વખત ‘અખંડ આનંદ’માં નાની સરખી નોકરી અપાવેલી. આ બધી વારાફરતી કરેલી નોકરીઓ પૈસાની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતી હતી. એના સામાન્ય પગારમાં કંઈ બીજી કોઈ મોટી આશા રાખી શકાય એવી ન હતી. આથી આર્થિક રીતે ભીંસ અનુભવાતી. પરંતુ નાટકમાં કામ કરતી વખતે, નાટકની વાત કરતી વખતે એ કશુંય યાદ ન આવતું. એ વખતે માત્ર નાટકમય જ થઈ જવાતું, જંજાળો સરી પડતી.

વર્ષાબહેન અડાલજા આ સમયગાળો યાદ કરતાં કહે છે કે ઉપેન્દ્રને જ્યારે મળો ત્યારે એ હસતો જ હોય. એટલું જ નહીં, હસાવવાની કળા પણ એની પાસે જબરી છે. કૉમેડિયનોની છુટ્ટી કરાવી દે એવો મજાકિયો ને ગમ્મતી છે ! વર્ષાબહેને જે સમયગાળાની આ વાત કરી છે, તે સાલ 1956 થી 1962નો ગાળો ઉપેન્દ્ર માટે સખત આર્થિક ભીંસનો ગાળો હતો. પરંતુ ઉપેન્દ્ર એ ક્યારેય જણાવા દે તો ને ! કૉલેજકાળમાં ઉપેન્દ્રે કરેલાં નોંધપાત્ર નાટકોની વાત અલગથી કરીશું. પરંતુ એક વાત અહીં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ઉપેન્દ્રને બહુ જલદી સમજાઈ ગયું હતું કે પોતે અભિનેતા બનવા જ સરજાયો છે. આ વાત લખવામાં છે એટલી સમજવામાં સહેલી નથી. જીવનના અંત સુધી ઘણા લોકોને પોતે શું છે એનો ખ્યાલ આવતો નથી. (આવા લોકોના દાખલા શું દેવા ? નજર નાખો તો ઠેરઠેર આવા જ લોકો મળશે.) ભણતરને અધવચ્ચે છોડી દેવાથી અમુક મુશ્કેલીઓ પડી ખરી, પણ સમગ્રપણે સાહિત્યસૂઝ વિકસાવવામાં કે નાટ્યપ્રવૃત્તિની આગેકૂચમાં એ કશુંય આડે ન આવ્યું, કેમ કે ભણતર તો એક બાહ્ય જરૂરિયાત હતી, જ્યારે પેલી બધી આંતરિક સમૃદ્ધિ હતી, જેને લીધે ઉપેન્દ્ર ત્રિવેદી તખ્તો ગજાવે એવા સંજોગોનું નિર્માણ થઈ ચૂક્યું હતું.

એ જમાનો હતો ‘ભવન’નો. ‘ભારતીય વિદ્યા ભવન’ દ્વારા યોજાતી આંતરકૉલેજ નાટ્ય હરીફાઈનું કૉલેજના વિદ્યાર્થીઓમાં જબરદસ્ત ઘેલું હતું. 1960ની આસપાસના સમયગાળાની આ વાત. પ્રત્યેક વિદ્યાર્થી કલાકારનું એ સ્વપ્ન રહેતું કે ભારતીય વિદ્યાભવનના સ્ટેજ પર ચઢવા મળે અને વિદ્યાર્થીઓ પોતાનું નાટક શાંતિથી (એટલે કે અધવચ્ચે પડદો પડાવ્યા વિના) સાંભળે, તેમજ સારા શો માટે તાળીઓ મળે. કોઈ પણ જાતના પુરસ્કાર કે ઈનામ કરતાં પોતાનું નાટક સળંગ ભજવાય એ પુરસ્કાર મોટો ગણાતો, કેમ કે આ નાટકોના પ્રેક્ષકો પણ મોટે ભાગે કૉલેજના વિદ્યાર્થીઓ રહેતા અને એ લોકો બહુ સેન્સિટિવ હતા. બહુ કડક આલોચકો. નાટક નબળું જતું લાગે તો એ લોકો હુરિયો બોલાવે, સિંગચણા ઉછાળે અને અધવચ્ચે પડદો પડાવે. અને નાટક સારું હોય તો પુરસ્કારરૂપે તાળીઓથી વધાવે. આવી એક સ્પર્ધા વખતે કોણ જાણે કેમ બધાં નાટકો ઉપરાઉપરી ફિક્કાં આવતાં ગયાં. લોકોએ સિંગચણા ફેંક્યાં, હુરિયો બોલાવ્યો અને અધવચ્ચે એને બંધ કરાવ્યાં. દરમિયાન એક નવા નાટકની જાહેરાત થઈ. અજિત પટેલ લિખિત એ નાટકનું નામ હતું ‘ભીતરનાં વહેણ’. આ નાટકને વધાવવા માટે લોકોએ મુઠ્ઠીમાં સિંગચણા તૈયાર જ રાખેલાં. પણ નાટક શરૂ થયું ને આગળ વધતું ગયું. અને જોતજોતામાં પૂરું પણ થઈ ગયું. લોકોનાં સિંગચણા હાથમાં જ રહી ગયાં. અને નાટકના એક અભિનેતા વિષે એકબીજાને પૂછવા લાગ્યા : ‘કોણ હતો એ છોકરો ? શું એનો અવાજ ! શું એનાં એક્સપ્રેશન !’
‘કોઈક ઉપેન્દ્ર ત્રિવેદી નામનો સિદ્ધાર્થ કૉલેજનો કૉમર્સનો સ્ટુડન્ટ છે.’ કોઈકે જાણકારી આપી.

આ નાટકમાં કામ કરતો આ પ્રભાવશાળી ‘કોઈક ઉપેન્દ્ર ત્રિવેદી’ પછીથી ‘સહુ કોઈનો ઉપેન્દ્ર’ બની જવાનો હતો. પછીના વરસે પણ ઉપેન્દ્ર ત્રિવેદીએ વિષ્ણુકુમાર વ્યાસ દિગ્દર્શિત અને અજિત પટેલ લિખિત નાટક ‘પાવક ભસ્મ’માં આવો પરચો બતાવ્યો. ત્યારે ઘણાને થયું, ‘આ ઉપેન્દ્રને એમ ભૂલી શકાય એવો નથી. જો સાધના ચાલુ રાખશે તો એ જરૂર એક મોટો કલાકાર બનશે. પણ….’ આ ‘પણ’ પછીનો વિચાર એવો આવતો કે સાધના અને સંઘર્ષ કરનારા આજે છે ક્યાં ? ક્ષણભર ઝબકીને આવા કંઈક તારલાઓ ખરી પડે છે અને દુનિયામાં એમની નોંધ પણ લેવાતી નથી. આવી ધારણા સાચી હશે, પરંતુ ઉપેન્દ્ર એવો ઝબૂકિયો તારો ન હતો, એની બીજાને ક્યાંથી ખબર હોય ? આવી એક નાટ્યસ્પર્ધામાં એક વાર એવું બનેલું કે નાટ્યખંડ ભજવવા માટે ઉપેન્દ્ર કફની અને ધોતિયું ચડાવીને સ્ટેજ પર પ્રવેશ્યો. આવા પહેરવેશમાં ગુજરાતીને બદલે તે ઉત્તરપ્રદેશના રહેવાસી જેવો દેખાતો. સાવ અલગ પહેરવેશથી બધાનું ધ્યાન તેની તરફ ખેંચાયું. પરંતુ ઉપેન્દ્રે પસંદ કરેલો નાટ્યખંડ કરુણરસપ્રધાન હતો. આ પ્રેક્ષકો શૃંગાર અને હાસ્ય એ બે રસથી ટેવાયેલા અને આગળ જણાવ્યું એમ અતિશય કડક આલોચકો. નાપસંદગીની તત્ક્ષણ અભિવ્યક્તિ કરી દેવામાં સૌ માને. આ બધાની વચ્ચે ઉપેન્દ્ર નામના નવા-સવા છોકરાએ કરુણરસનો નાટ્યખંડ ભજવવાનું શરૂ કર્યું ત્યારે પ્રેક્ષકોએ એમને આવડતા હતા એ બધા જાનવરોના અવાજો કાઢવા માંડ્યા. આ ઉપરાંત સિસોટીઓ, તાળીઓ અને હાસ્યનું બૅકગ્રાઉન્ડ ‘મ્યુઝિક’ પણ ખરું. પરંતુ સામે ઉપેન્દ્ર પણ જાણે એમની સામે હોડમાં ઊતર્યો હતો. આ બધી ધમાલથી વિચલિત થયા વિના એણે પોતાની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો. તન્મય થઈને ભજવણી કરી, આંખમાં આંસુ, અવાજમાં વેદના અને હાવભાવ દ્વારા લાગણીઓ એણે સચોટ રીતે વ્યક્ત કરી. અને આખરે પ્રેક્ષકોએ શાંત થઈ જવું પડ્યું.

ભવન્સ કૉલેજ તરફથી આંતરકૉલેજ નાટ્યસ્પર્ધા માટેની સિલેક્શન કમિટીમાં કલાકારો પસંદ કરવા માટે ડૉ. ચંદ્રકાન્ત મહેતા અને ધીરુબહેન પટેલ હતાં. ડૉ. ચંદ્રકાન્ત મહેતા એ બીજા કોઈ નહીં પણ આજના સુવિખ્યાત દિગ્દર્શક કેતન મહેતાના પિતા. તેઓ ગુજરાતીના પ્રાધ્યાપક હતા, તેથી એમને ઉપેન્દ્રે કરેલા અમુક ઉચ્ચારદોષ ખટક્યા હતા. આથી ઉપેન્દ્રની પસંદગી સામે એમને વાંધો હતો. સામે પક્ષે ધીરુબહેન પટેલ દલીલો કરીને ચંદ્રકાન્ત મહેતાને સમજાવતાં હતાં, ‘એના ઉચ્ચારો વખત જતાં ઠીક થઈ જશે, પણ અભિનયની આ શક્તિ બીજે જોવા નહીં મળે. એનું ભવિષ્ય તેજસ્વી છે.’
‘કોણે કહ્યું ?’ ડૉ. મહેતાએ જરા શંકાથી પૂછ્યું.
‘હું કહું છું.’ ધીરુબહેન પટેલે એટલા જ આત્મવિશ્વાસથી કહ્યું. આખરે ચંદ્રકાન્તભાઈ સંમત થયા અને ઉપેન્દ્રની પસંદગી કરવામાં આવી. આ આખો પ્રસંગ યાદ કરીને ધીરુબહેન પટેલ ઉમેરે છે, ‘ઉપેન્દ્રે મારી આગાહી સાચી પાડી – અને એય તે મેં ધાર્યું નહોતું એટલી બધી સારી રીતે અને ઝડપથી.’

‘ભારતીય વિદ્યા ભવન’ની નાટ્યસ્પર્ધાઓમાં એક વાર ઉપેન્દ્રે અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી એમ ચારેય ભાષાનાં નાટકોમાં ‘શ્રેષ્ઠ અભિનેતા’ તરીકેની ‘મુનશી ટ્રોફી’ મેળવેલી. અને નાટક હતું શ્રી દ્વિજેન્દ્રલાલ રૉય લિખિત ‘શાહજહાં’નો શ્રી ઝવેરચંદ મેઘાણીએ કરેલો અનુવાદ. એ વખતે તેઓ કાંદિવલીમાં રહેતા હતા. જયાનન્દ દવે, પ્રહલાદ પારેખ, વેણીભાઈ પુરોહિત પણ ત્યારે કાંદિવલીમાં રહે. અહીં ત્રિવેદીબંધુઓ, આ કવિઓ, મલાડમાં રહેતા પ્રો. રમેશ જાની – સૌ અવારનવાર ભેગા થતા. કોઈક મિત્રની કે સ્નેહીની અગાશીમાં બેઠક જામતી. પચાસ-પંચોતેર જેટલા કાવ્યરસિક શ્રોતાઓ અહીં જોતજોતામાં એકઠા થઈ જતા અને નાનકડું, પણ આચ્છું-ખાસું કવિસંમેલન થઈ જતું. અરવિંદ ત્રિવેદી એ વખતે ઘણા નાના, પણ ઉપેન્દ્ર અને ભાલચંદ્ર અહીં અચૂક હાજર રહે. એ પછી સૌ મિત્રોએ ભેગા થઈને ‘ભારતી મિત્રમંડળ’ સ્થાપ્યું. આ મંડળના પ્રમુખ જયાનન્દ દવે હતા અને મંત્રી હતો ઉપેન્દ્ર. પ્રેમાગ્રહથી તેમણે પ્રો. રમેશ જાનીને ઉપપ્રમુખ બનવા માટે મનાવી લીધા. આ મંડળના ઉપક્રમે કવિસંમેલનો, વક્તૃત્વ-સ્પર્ધાઓ, નાટ્યપ્રયોગો અને પર્યટનો યોજાવા લાગ્યાં. એમાંય વિશેષ તો નાટ્યપ્રવૃત્તિને વિકસાવવા માટે ઉપેન્દ્રે ગજબની મહેનત આદરી. એક કવિસંમેલનમાં સાહિર લુધિયાનવી અને શૈલેન્દ્રને પણ તેમણે આમંત્રેલા. અહીંના શ્રોતાજનોની રસિકતા જોઈને સાહિર ખૂબ રંગમાં આવી ગયેલા અને પોતે ફિલ્મી દુનિયામાં પ્રવેશ્યા તે પહેલાંનાં કાવ્યો પણ સંભળાવ્યાં. શ્રી સાહિર લુધયાનવી લિખિત ‘પરછાઈયાં’ કવિતા ઉપરથી ઉપેન્દ્રે નાટક તૈયાર કરીને કાંદિવલીના નવજુવાનો પાસે અભિનય કરાવી, 26મી જાન્યુઆરી 1959ના રોજ કાંદિવલી ખાતે ભજવી, પ્રેક્ષકોને પ્રસન્ન કરી દીધા હતા. આ મંડળમાં ઉપેન્દ્રની નાટ્યસાધના બરાબર આગળ ચાલી. કોઈ દિગ્દર્શકની સહાય વિના એણે એકલે હાથે એકાંકી નાટકો કર્યાં. પોતે એમાં ભાગ લે, ભજવે, ભજવાવે અને દિગ્દર્શન પણ કરે. આ ઉપરાંત નાટકનું તુચ્છમાં તુચ્છ કાર્ય પણ કરવામાં એને નાનમ નહીં.

સિદ્ધાર્થ કૉલેજમાં ‘ભીતરનાં વહેણ’, ‘પાવક ભસ્મ’ અને એક ત્રિઅંકી નાટક ‘ધૂપસુગંધ’ દ્વારા ઉપેન્દ્રે પારિતોષિકો મેળવ્યાં. ‘શાહજહાં’ નાટક ભવન્સમાં ભજવીને પ્રથમ પારિતોષિક મેળવ્યું. જેમાં એક નિર્ણાયક ગુલાબદાસ બ્રોકર હતા. વિષ્ણુકુમાર વ્યાસે નોંધ્યું છે કે અન્ય વિદ્યાર્થીઓ માત્ર ઉપરછલ્લા અભિનયમાં રાચતા, ત્યારે ઉપેન્દ્ર અભિનયનાં વિવિધ પાસાં અને રજૂઆતનાં વિવિધ અંગોમાં પણ નાટ્યકલાના વિદ્યાર્થીની ધગશથી રસ લેતો. વિષ્ણુકુમાર વ્યાસ પોતાના આ વિદ્યાર્થીની નાટ્યપ્રીતિથી એટલા પ્રભાવિત હતા કે એમણે અનેક એકાંકીઓ નાટ્યલેખક અજિત પટેલ પાસે કેવળ ઉપેન્દ્રને લક્ષમાં રાખીને લખાવેલાં. આમ, અભિનેતા ઉપેન્દ્ર વિદ્યાર્થી ઉપેન્દ્રને પરાજિત કરી રહ્યો હતો. પોતે પ્રાધ્યાપક હોવા છતાં વિષ્ણુકુમારે ઉપેન્દ્રના અભ્યાસ છોડી દેવાના નિર્ણયને આવકાર્યો, તેને પરાણે ભણાવવાની માથાકૂટ કરી નહીં, કેમ કે તે સમજી ચૂક્યા હતા કે ઉપેન્દ્રનો જીવ કૉલેજના તખતા પરથી વિશાળ તખતા પર મેદાન મેળવવા, ઊંચી ઉડાન ભરવા ઝંખી રહ્યો છે. અને એની નાટ્યભક્તિ તેમ જ અભિનય-એષણાની તીવ્રતા જોતાં તેમાં બાધારૂપ ન બનતાં, તેને યોગ્ય દિશા – દિગ્દર્શન આપવું જરૂરી છે, જેથી તેની પ્રતિભાનો સાચો અને યોગ્ય ઉપયોગ થઈ શકે. વિષ્ણુકુમાર વ્યાસ એ વખતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય નાટ્યસંસ્થા ‘રંગભૂમિ’માં ઉપેન્દ્રને લઈ ગયા, જ્યાં તેને નાટકનાં વિવિધ પાસાંની તાલીમ મળવાની હતી અને એક રીતે કહીએ તો આ હીરા પર વિવિધ પ્રકારના પહેલ પડવાના હતા, જેથી તેનું પ્રત્યેક પાસું ચમકદાર બની રહે. ઉપેન્દ્રે ખુદ પોતાની રુચિ, આવડત અને પ્રતિભા પારખી લીધી અને કોઈ પણ ભોગે અભિનયના ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. મોટાભાઈ ભાલચંદ્રે પણ ઉપેન્દ્ર પોતાના મનગમતા ક્ષેત્રનું ખેડાણ કરી શકે, એ માટે યોગ્ય સહકાર આપ્યો અને ભણતરની ઔપચારિકતા પૂરી કરવા માટે તેની પર બિનજરૂરી દબાણ કર્યું નહીં. એ સાથે વિષ્ણુકુમાર વ્યાસ જેવા પારખુએ, ઉપેન્દ્રને અભ્યાસ પૂરો કરવા માટે ન સમજાવતાં તેને અભિનયના આકાશમાં મુક્તપણે વિહરવા મળે તેવી તક આપવાનો પ્રયત્ન કર્યો, કેમ કે એ પામી ગયા હતા કે આ જીવને હવે ચાલુચીલા અભ્યાસની બેડીઓમાં બાંધી રાખવામાં મજા નથી. અભિનયના ક્ષેત્રમાં એ અવશ્ય નામ કાઢશે, એની ખાતરી હતી એમને. આમ, દુન્યવી રીતે પ્રતિકૂળ (અભ્યાસ છોડવો પડ્યો એ) પરિસ્થિતિ, છતાં વ્યક્તિત્વને મહોરવા માટે સંપૂર્ણ અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ ઉપેન્દ્રે કર્યું અને તેમાં હિતેચ્છુઓએ પૂરેપૂરો સહયોગ આપ્યો.

પોતાના ક્ષેત્રમાં જે-તે સમયે સર્વોચ્ચ સ્થાને બિરાજેલ અમુક વ્યક્તિઓનાં ઉદાહરણ તપાસીએ તો ખ્યાલ આવે કે – એ સૌએ પ્રારંભે આજીવિકા સારુ ક્યાંક ને ક્યાંક, અન્ય ક્ષેત્રની નોકરી કરવી પડી છે. એ પછી તેઓ જેમાં પોતાની ખરેખરી પ્રતિભા હતી એ ક્ષેત્રમાં આવ્યા અને ઝળક્યા. કુંદનલાલ સાયગલ, જે પોતે એક દંતકથા સમાન ગાયક બની ચૂક્યા છે, એમણે રેમિંગ્ટન ટાઈપરાઈટર કંપનીમાં સેલ્સમૅન તરીકે નોકરી કરી હતી. દેવ આનંદે પણ ફિલ્મોમાં આવતાં પહેલાં પોસ્ટઑફિસમાં કલાર્કની ખુરશી ઘસી હતી. પડદા પર જેને જોતાં જ હસવું આવી જાય એવા કૉમેડિયન જૉની વૉકર ‘બેસ્ટ’ની બસોમાં કંડક્ટર બનીને ઘંટડી વગાડી ચૂક્યા હતા અને પછી ફિલ્મોમાં આવ્યા હતા. બલરાજ સાહની તો બી.બી.સી.માં એનાઉન્સર હોવા ઉપરાંત ટૂંકી વાર્તાઓ પર પણ હાથ અજમાવી ચૂક્યા હતા. આ સહુની સર્જનાત્મકતા પર નોકરીની અસર પડી જ હશે. વધુ નહીં તોય નોકરીના કલાકો જેટલો સમય એમની સર્જનાત્મકતા પાછળ ઓછો ફાળવાયો, એટલું તો અવશ્ય કહી શકાય.

એને બદલે ઉપેન્દ્રે બહુ જલદી પોતાનું ક્ષેત્ર પસંદ કરી લીધું હતું. પ્રારંભે એણે નોકરી અને નાટક બંને સમાંતરે કર્યાં, પણ પછીથી નાટકમાં જ પૂર્ણ સમય માટે ઝંપલાવ્યું. હવે પૂર્ણ સમય તે પોતાને ગમતી બાબત માટે ફાળવી શકે તેમ હતો. નોકરી માટેના કલાકોનો વેડફાટ હવે હતો નહીં, પણ આજીવિકા મેળવવાનો પ્રશ્ન તો ઊભો જ હતો. પરંતુ અભિનયનો નાદ એક વાર લાગી ચૂક્યા પછી બીજું કંઈ ગમે એમ ન હતું. આપણે એ પણ જોયું કે કિશોરાવસ્થાથી તેના અમુક ગુણો એવા હતા કે જેનો ક્રમશ: વિકાસ તેણે સભાનપણે કર્યો અને એક સંપૂર્ણ અભિનેતા, માત્ર અભિનેતા જ કેમ, એક સંપૂર્ણ નાટ્યકર્મી બનવાનો પુરુષાર્થ આદર્યો. અભિનેતા તરીકે તેની સફળતા ક્યા ગુણોને કારણે થઈ એ વાત આપણે આગળ જોઈશું, તેમ જ રંગભૂમિ પર તેણે કેવાં-કેવાં નાટકો કરીને ભલભલા દુરારાધ્ય મહાનુભાવોનાં દિલ જીતી લીધાં એ પણ પછીનાં પ્રકરણોમાં આવશે. આપણે માત્ર એટલું જ વિચારીએ – ભલે તે થોડી સ્વાર્થી વિચારણા લાગે – કે અભ્યાસ અધૂરો છોડીને નાટકમાં ઝંપલાવવાનો એનો નિર્ણય સર્વથા યોગ્ય હતો. અભ્યાસમાં કે એ પછી કોઈક નોકરીમાં વેડફાનારાં એ વરસોમાં અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી મંજાતો રહ્યો. એની અંદર રહેલા કલાકારનું પોત વધુ ને વધુ મજબૂત બનતું ગયું. અને તખ્તા પર જે ઉપેન્દ્ર ત્રિવેદી દેખાયો, તેણે જતે દિવસે ‘અભિનયસમ્રાટ’નું બિરુદ મેળવ્યું. પોતાની અંદર કોઈક વસ્તુ પ્રત્યેની રુચિ હોય અને એની ઓળખ પોતે મેળવી લીધી હોય એટલામાત્રથી સિદ્ધિ મળી નથી જતી. સિદ્ધિ મેળવવા માટે માત્ર કઠોર પરિશ્રમ પણ ન ચાલે. એના માટે જરૂરી છે તે સાચી અને યોગ્ય દિશામાં કરેલો પરિશ્રમ, જેમાં અનેકવિધ ગુણો વિકસાવવા જરૂરી બની રહે છે. ઉપેન્દ્ર ત્રિવેદીએ નાટ્યનિષ્ઠા બતાવીને અભ્યાસ છોડ્યા પછી શી રીતે વિવિધ ગુણો પ્રાપ્ત કર્યા અને એ ગુણો માત્ર નાટ્યવીર ઉપેન્દ્ર ત્રિવેદી નહીં, પરંતુ વ્યક્તિ તરીકે પણ ઉપેન્દ્ર ત્રિવેદીને ઘડવામાં શી રીતે કારણભૂત બની રહ્યા, તે વિશેની વાત હવે આગળના પ્રકરણમાં કરીશું.

[કુલ પાન : 366 (મોટી સાઈઝ + ફોટો) કિંમત રૂ. 500. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રવચન શાંતિનિકેતન – રવીન્દ્રનાથ ઠાકુર
જો જો હસતાં નહીં !! – સં. તરંગ હાથી Next »   

6 પ્રતિભાવો : અભિનયસમ્રાટની અભિનયયાત્રા – સં. રજનીકુમાર પંડ્યા, બીરેન કોઠારી

 1. કેતન રૈયાણી says:

  ખૂબ જ સરસ.

  ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના આ ખ્યાતનામ કલાકાર વિશે ઘણી રસપ્રદ માહિતી…

 2. jignesh says:

  ઉપેન્દ્રભાઇ વિશે ઘણી વાતો જાણવા મળી.. બીજા પ્રકરણો પણ મૂકવા વિનંતી.આભાર.

 3. નાપાસ વિદ્યાર્થીને બિરદાવવાની કળા શ્રી જયંતિ પટેલ પાસેથી જાણી…!!

  શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીના સંઘર્ષ કાળની વ્યથા-કથા પરથી તેમના અભિનય શ્રેષ્ટતાના મૂળ ક્યાં છે તે જાણવા મળ્યું.
  જો કે તે કાળ નાટકની દૂનિયાની તીવ્ર હરિહાઈનો હતો. ગુજરાતી ચિત્રપટ પર લાંબા સમય સુધી તેમનું એકચક્રી અને પ્રતિસ્પર્ધા ( અસરાનીના સમયને બાદ કરતાં ) વગરનું આધિપત્ય તેમની ક્ષમતાની પુરવાર કરે છે.

  શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત મોટાભાગના ગુજરાતી ચિત્રપટ હિટ જતાં. સમાજનો બહુધા વર્ગ તે સમયે ગુજરાતી ચલચિત્રો જોવા નિયમીત સિનેમા થિયેટર સુધી જતો. ગુજરાતી પ્રજાને નિયમીત નાટક-સિનેમા જોવાના વ્યસનમાંથી મુકિતી અપાવવામાં
  શ્રી નરેશ કનોડિયાએ અગ્ર ભુમિકા ભજવી. શ્રી નરેશ કનોડિયાની ઓવર-એક્ટિંગે ગુજરાતી ચલચિત્રોનો મૃત્યુઘંટ વગાડી દીધો.

  શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી જ્યાં સુધી અભિનયના ક્ષેત્રે કાર્યરત હતાં ત્યાં સુધી સમાજના તમામ વર્ગના લોકો ગુજરાતી ચલચિત્રો જોવા જતાં. બાદમાં પરિસ્થિતીએ એવો વળાંક લીધો કે ગુજરાતી ચિત્રપટ હાસ્યાસ્પદ બની ગયું.
  જો કે તેમના આત્મકથન પુસ્તકની કિંમત રૂ. ૫૦૦/- ગુજરાતી પ્રજાને આ પુસ્તકથી દૂર રાખશે. કોઈ સ્પોંસર શોધીને કિંમતમાં ઘટાડો કરી શકાયો હોત.

  શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીની ગુજરાતી ચલચિત્રોની સેવાને બિરદાવતાં આનંદની લાગણી અનુભવું છું.
  આભાર.

  .

 4. nayan panchal says:

  સુંદર માહિતીપ્રદ લેખ.

  ઉપેન્દ્રભાઈની નાટ્યક્ષમતા જોવી હોય તો માત્ર “અભિનયસમ્રાટ” નાટક જોઈ લેવુ. તેમાં તેમણે ચાર કે પાંચ પાત્રો એકદમ બખૂબી નિભાવ્યા છે.

  આભાર,
  નયન

 5. Vraj Dave says:

  ખુબ સરસ કૃતિ આપી. ધન્યવાદ્.
  ઉજ્જૈન ગુજરાતી સમાજ ની પ્રાથમીક શાળામા “અભિનય સમ્રાટ” ભણ્યા તે હજુ પણ ત્યાં નો સ્ટાફ યાદ કરે છે.
  આભાર નમસ્તે.
  વ્રજ દવે

 6. deven patel says:

  દરેક ગુજરાતિ એ ગર્વ લેવા લાયાક કલાકાર .

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.