- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

જો જો હસતાં નહીં !! – સં. તરંગ હાથી

[ રીડગુજરાતીને આ રમુજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા આ સરનામે hathitarang@gmail.com સંપર્ક કરી શકો છો.]

છગન : ‘એના એકાએક મૃત્યુનું કાંઈ કારણ ?’
મગન : ‘હા, એ ભૂલકણો હતો. સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય…’
***********

પતિ : ‘તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી. મમ્મી જેવી રોટલી બનાવ ને !’
પત્ની : ‘હા ચોક્કસ. મમ્મી જેવી રોટલી તો હું બનાવું પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ !’
***********

બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા.
ખમીસ પરના ભાવની કાપલી જોઈ એક ચોરે બીજાને કહ્યું : ‘જો તો ખરો ! માળા લૂંટવા જ બેઠા છે !’
***********

એક યાત્રી : ‘ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઈમટેબલ શા કામના ?’
ટિકીટચેકર : ‘તમે તો ગાડીઓ સમયસર આવશે તો એમ કહેશો કે આ વેઈટિંગરૂમ શા કામના ?’
***********

એક શેઠનો છોકરો ઘણાં વર્ષોથી એમ.એ.માં નાપાસ થયા કરતો હતો.
શેઠનો મિત્ર : ‘એમ.એ પાસ કરીને તમારો પુત્ર શું બનશે ?’
શેઠ : ‘દાદા’
મિત્ર : ‘એટલે ?’
શેઠ : ‘જ્યારે તે એમ.એ પાસ કરશે ત્યાં સુધીમાં તેના છોકરાનાંય છોકરાં થઈ જશે !’
***********

પુત્રી : ‘મા, હું નિલેશ સાથે કદી લગ્ન નહીં કરું. એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.’
મા : ‘તું ફિકર ન કર દીકરી. લગ્ન થઈ જવા દે, પછી એ આપોઆપ માનતો થઈ જશે.’
***********

એક કેદી બીજાને :
‘તને કેટલા વર્ષની સજા થઈ છે ?’
‘અઢાર વર્ષની…. અને તને ?’
‘મને પંદર વર્ષની….’
‘તો પછી તું તારો ખાટલો બારણા પાસે રાખ, તારે વહેલા જવાનું છે.’
***********

એક ઘર પાસે ભિખારીએ ખાવાનું માગ્યું.
અંદરથી બહેને ટિફિન ભરીને બહાર આવ્યા અને ખાવાનું બધું આપી દીધું.
પતિનું મગજ ફાટ્યું.
‘આ શું ? બધું ખાવાનું ભિખારીને આપી દીધું ? હવે એ રોજ આવતો થઈ જશે તો ?’
બીજા દિવસે ભિખારી એ સમયે આવીને ઊભો રહ્યો.
પતિ કહે : ‘જો મેં કહ્યું હતું ને કે આને ટેવ પડી જશે ?’
ભિખારી વચ્ચે બોલ્યો : ‘તમે લોકો લઢો નહીં. હું તો રસોઈ બનાવવાનું એક પુસ્તક બહેનને ભેટ આપવા આવ્યો છું ! કેવી ભયંકર રસોઈ બનાવે છે !’
***********

છગન : ‘એવી કઈ જગ્યા છે જ્યાં પૈસાદાર માણસ પણ હાથમાં વાસણ લઈને ઊભો રહે છે ?’
મગન : ‘એવી તે કઈ જગ્યા ? યાદ નથી આવતું.’
છગન : ‘સિમ્પલ ! પાણીપૂરીની લારીએ…!!’
***********

સંસ્કૃતના ટીચરે પૂછ્યું :
‘તમસો મા જ્યોર્તિગમય…. આનો અર્થ શું થાય ?’
સ્ટુડન્ટે ફટ દઈને કીધું : ‘તમે સુવો, મા ! હું જ્યોતિના ઘરે જઈને આયો !’
***********

પોલીસ ઈન્સ્પેક્ટર (હવાલદારને) : ‘ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મીનીસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી ?’
હવાલદાર : ‘કારણ કે બહાર બોર્ડ મારેલું હતું – પરવાનગી વિના અંદર આવવું નહિ.’
***********

પતિ : ‘હું મરી જઈશ ત્યારે તને મારા જેવો બીજો માણસ નહીં મળે.’
પત્ની : ‘તમારા જેવો બીજો માણસ મને જોઈએ છે એવું તમને કેમ લાગ્યું ?’
***********

પ્રથમ સૈનિક : ‘તું કેમ આર્મીમાં જોડાયો ?’
બીજો સૈનિક : ‘મારી પત્ની નથી અને મને યુદ્ધ ગમે છે. પણ તારું શું ?’
પ્રથમ સૈનિક : ‘મારે પત્ની છે પણ મને શાંતિ ગમે છે.’
***********

કંજૂસ 14મે માળેથી નીચે પડ્યો.
નીચે પડતાં પડતાં પોતાના ઘરની બારીમાંથી પત્નીને રોટલી બનાવતાં જોઈ બરાડ્યો : ‘મારી રોટલી નહીં બનાવતી.’
***********

યમરાજ ધરતી પર આવીને બાર બાટલી પી ગયા. આશ્ચર્યથી વેઈટરે એમને પૂછ્યું :
‘તમને નશો ચઢ્યો નહિ ?’
યમરાજ : ‘ના. કારણ કે હું ભગવાન છું.’
વેઈટર મનોમન બબડ્યો : ‘હવે એને ચઢી ગઈ લાગે છે !’
***********

છગને એક સામાયિકમાં જાહેરાત આપી : ‘પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’
***********

સંતાસિંહ જંગલમાંથી પસાર થતો હતો. એક ઝાડ પરથી મોટો અજગર લટકતો જોઈને સંતાસિંહ બોલ્યો : ‘સિર્ફ લટકને સે હાઈટ નહીં બઢેગી, મમ્મી કો બોલો કે કોમ્પ્લાન પિલાયે !!’
***********

એક દિવસ એક નાનકડો ઉંદર હાથી પાસે આવીને કહેવા લાગ્યો :
‘હાથીભાઈ હાથીભાઈ, મને તમારો શર્ટ આપો ને !’
હાથી હસવા લાગ્યો : ‘કેમ ? તારે પહેરવો છે ?’
ઉંદર કહે : ‘ના, ના. આ તો મારી દીકરીના લગ્ન છે એટલે મંડપ લગાવવો છે !’
***********

એક કંજૂસ મરણપથારીએ બૂમો પાડવા લાગ્યો :
‘મારો પુત્ર, પુત્રી ક્યાં છે ?’
દીકરો અને દીકરી બોલ્યાં : ‘અમે અહીંયા જ છીએ, પપ્પા !’
‘તમારી મમ્મી ક્યાં છે ?’
એની પત્ની બોલી : ‘હું પણ અહીં તમારી પાસે જ છું.’
‘નાનોભાઈ અને ભાભી ક્યાં છે ?’
તેઓ બોલ્યા : ‘અમે અહીં તમારી બાજુમાં જ બેઠા છે.’
કંજૂસ બોલ્યો : ‘ડફોળો ! તમે બધા અહીં બેઠા છો તો અંદરના રૂમમાં પંખો કેમ ચાલુ છે ?’
***********

પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.
***********

મનુ અને કનુ ખાસ મિત્રો હતા. પણ ઝઘડો થવાના કારણે એમની દોસ્તી તૂટી ગઈ હતી. જ્યારે મનુનો જન્મ દિવસ આવ્યો ત્યારે તેની મમ્મીએ બધા મિત્રો સાથે તેને પણ બોલાવવાનું કહ્યું.
એ વખતે મનુ કનુના ઘરે ગયો અને કહ્યું : ‘આવતી કાલે મારો જન્મ દિવસ છે. તારામાં હિંમત હોય તો આવી જજે.’
***********

રોહિત : ‘તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?’
અમિત : ‘સાવ સીધી વાત છે. જ્યારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહિ આવે.’
***********

એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા. ‘જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.
‘હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.’ પાછળથી અવાજ આવ્યો.
***********

ટ્રક અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડૉકટરે પ્રશ્ન કર્યો.
‘કેમ ભાઈ ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો તો ગભરાયેલા કેમ દેખાવો છો ?’
દર્દી બોલ્યો : ‘સાહેબ વાત એમ છે કે, જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેની પાછળ લખ્યું હતું ‘ફિર મિલેંગે.’’
***********

દાંતનો ડૉકટર : ‘આ હાથ નચાવવા અને મોં મચકોડવાનું બંધ કરો. હજુ તો હું તમારા દાંતને અડ્યો પણ નથી.
દર્દી : ‘અડ્યા તો નથી પણ તમે મારા પગની આંગળીઓ પર ઊભા છો.’