- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

વિવેકતુલા સ્થિર રહે – મનસુખ સલ્લા

[સુપ્રસિદ્ધ કેળવણીકાર તેમજ લેખક શ્રી મનસુખભાઈની સુંદર કૃતિઓ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. કોઈ પણ વિષયના ઊંડાણમાં જઈને તેમાં ઉદ્દભવતા પ્રશ્નો અને તેના ઉકેલો વિશે વિસ્તારપૂર્વક અને પદ્ધતિસર સમજૂતી રજૂ કરવાની તેમની કુશળતા છે. સાહિત્યકાર અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી સંસ્થા ‘લોકભારતી’ના તેમના શૈક્ષણિક અનુભવોની કથાઓ ‘અનુભવની એરણ પર’ નામે પ્રકાશિત થઈ છે. આજે માણીએ તેમાંથી એક પ્રકરણ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે મનસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 98240 42453.]

એક વાર હું વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો. એમાં મેં તેમને પૂછ્યું, ‘તમને અણગમતા હોય તેવા નિર્ણય પણ મેં આપ્યા છે, છતાં તમને મારા પ્રત્યે અસંતોષ કેમ રહેતો નથી ? હું ઈચ્છું કે તમે સ્પષ્ટ કરો.’
ત્યારે એક વિદ્યાર્થીએ કહેલું, ‘તમારો નિર્ણય તો અણગમતો જ હોય છે. પરંતુ તમે સૌને સાંભળો છો, કોઈ તરફ પક્ષપાત કરતા નથી, કોઈને વધુ સાચવો ત્યારેય એ જાહેર હોય છે એટલે તમારો અણગમતો નિર્ણય પણ સ્વીકારીએ છીએ.’
‘વળી તમે અમને સાંભળતી વખતે અમે સાચા છીએ એમ માનીને સાંભળો છો. તેથી અમને ઘણો સંતોષ થાય છે.’
મેં સામે પૂછ્યું : ‘એ તમે કેવી રીતે પારખી શકો ? હું કે બીજા કોઈ તમારી વાત સાંભળતા હોઈએ તેમાં અમે તમને કઈ રીતે સાંભળીએ છીએ તેની તમને કઈ રીતે ખબર પડે ?’

બીજા વિદ્યાર્થીએ જવાબમાં કહ્યું : ‘અમે કાંઈ નાના કીકલા નથી. અમે બોલીએ નહિ, બાકી અમનેય બધી ખબર પડતી હોય છે. તમે અમને સાંભળતા હો ત્યારે તમારી આંખો, ચહેરો, હોઠના ખૂણા બધાથી અમને ખબર પડતી હોય છે કે તમે કેવી રીતે સાંભળો છો.’
ત્યાં બીજાએ તુરત ઉમેર્યું, ‘અરે, અમારી સાથે વાત કરતા અધ્યાપકોના અવાજ અને વાતના લહેકા ઉપરથી અમને ખબર પડી જતી હોય છે કે તે સાચું બોલે છે કે ફેંકે છે.’
ત્રીજાએ મમરો મૂક્યો : ‘હવે વાત નીકળી જ છે તો કહું કે તમારા એક મોટા હોદ્દાદાર વાત તો મોટા મોટા આદર્શની કરતા હોય છે, એમ લાગે કે હમણાં આભ હેઠું ઉતારશે, પણ એ બધી બનાવટ હોય છે એ અમારાથી છાનું રહેતું નથી.’
મેં કહ્યું : ‘આમાં તમારો પૂર્વગ્રહ હોય તેવું બની શકે. તમે પૂરું ન જોયું હોય કે માત્ર ઉપરઉપરથી જોયું હોય તેવું ન બની શકે ?’
‘બની શકે. આમાં તો અમે ઓળખતા હોઈએ છીએ.’ ચોથાએ સ્પષ્ટતાથી કહ્યું, ‘તેઓ જે રીતે પક્ષપાત કરે છે, તમારી મિટિંગોમાં એક બોલે અને અમારી સાથે બીજું બોલે, અમે જાણે એના ઉપયોગની વસ્તુઓ હોઈએ તેમ અમને વાપરે, અમને બધી ખબર પડે છે.’

હું હસી પડ્યો, ‘તમારું ધ્યાન રાખવું પડશે. દેખાવ છો એના કરતાં તમે તો ઊંડા નીકળ્યા. અમારી મિટિંગની વાતોય તમે જાણો છો ?’
‘હાસ્તો, તમારા શિષ્યો છીએને…. ? સાચું કહું, અમને થોડા વખતમાં ખબર પડી જાય છે કે ફોફાં ક્યાં છે અને દાણા ક્યાં છે. અમારી આગળ બનાવટ કરે એને તો તરત પકડી પાડીએ. કક્ષામાં અસર થાય એટલે બોલીએ નહિ, પણ જાણીએ તો બધુંય.’ પહેલાએ પૂરું કર્યું.
બીજાએ ઉમેર્યું, ‘એમ તો તમારી છાપ કઈ છે તે કહું ? તમારી સાથે ગમે તેની વાત કરવા આવીએ પણ તમે તમારી વાત અમારે ગળે ઊતરાવી જ દો !’
મેં કહ્યું : ‘તો તો હું હિપ્નોટિઝમ કરું છું એમ ગણાય. એ કાંઈ સારું ન કહેવાય.’
‘ના, તમે વાત જ એવી રીતે કરો છો કે અમે વિચારતા થઈ જઈએ. તમે એવી રીતે વાત કરો, એવાં દષ્ટાંતો આપો કે અમારે વિચારવું પડે. ને તમારી વધુ અસર કેમ થાય છે તે કહું ? તમે તમારા અધ્યાપકોનો ખોટો બચાવ નથી કરતા, તમે તેમની ટીકાય નથી કરતા.’ ત્રીજાએ વાત કરી, ‘પણ એક પ્રશ્ન થાય છે કે તમે અમારી પાસેથી અણગમતું સાંભળીને ગુસ્સે કેમ નથી થઈ જતા ? બીજા અધ્યાપકો તો તરત તતડી ઊઠે છે !’

હું ઘડીક મૂંગો રહ્યો. પછી કહ્યું, ‘એવું નથી કે મને ગુસ્સો નથી આવતો. ક્યારેક ગુસ્સો જરૂરી પણ હોય છે. સમજાવવાનું ક્યારેક એ સાધન પણ હોય છે. પરંતુ સામાન્ય સંજોગોમાં તમારી સાથેના વ્યવહારમાં ગુસ્સો નથી કરતો એનું મહત્વનું કારણ એ છે કે તમે અણગમતું કે નિયમભંગનું કાર્ય કરો છો, ત્યારે તમે પોતે જ કેટલા બધા ગૂંચવાયેલા હો છો ? કોઈ માણસને અમથાઅમથા અણગમતું કરવાનું મન નથી થતું. છેવટ એના મનમાં ક્યાંક કશુંક ધૂંધવાયેલું પડ્યું હોય છે. તક મળતાં એ બહાર આવી જાય છે. જેમ કોઈ માંદો હોય તો તેના પર ગુસ્સો કરીએ છીએ કે સારવાર કરીએ છીએ ? આ માંદગી શરીર કરતાં મનની વધુ છે. તો તેને ગુસ્સાથી નહિ, પ્રેમની સહાનુભૂતિની જરૂર છે. એવી મારી સમજણ છે. વળી વર્ષોના તમારા સહવાસથી મને એક ખાતરી થઈ છે કે તમે અમારી કસોટી કરો ખરા, ક્યારેક અમને મૂંઝવવાનો તમને આનંદ પણ થતો હશે, પરંતુ અંતે તમે સાચી વાત સમજો છો. આપણને સૌને શુભતત્વ ગમે છે. તો પછી તમારી સાથે ગુસ્સો કરવો એ રોગની ખોટી સારવાર કરવા જેવું જ થાય ને ?’

આ સંવાદ પછી થોડા દિવસે એક અધ્યાપક ઑફિસમાં આવી, મારી સામે બેસી બોલવા લાગ્યા : ‘હું આટઆટલું કામ કરું છું આટઆટલી જવાબદારીઓ સંભાળું છું, પણ મારી કદર જ થતી નથી. મને કાયમ પાછળ જ રાખવામાં આવે છે.’ સહેજ અટકીને તેમણે ઉમેર્યું, ‘જો આવું જ ચાલુ રહેશે તો હવે હું વધારાનું કોઈ કામ નહિ કરું.’ તેઓ અકળાયેલા હતા. સંસ્થાગત સવલતોમાં તેમનો વિચાર ઓછો થયો હતો તે વાતમાં તથ્ય પણ હતું. તેઓ જાણતા હતા કે તેમના પ્રશ્નમાં હું નિર્ણાયક ન હતો. હું શાંતિથી તેમને સાંભળતો રહ્યો. તેમનો ઉકળાટ ઠલવાઈ રહ્યો પછી મેં કહ્યું, ‘તમારા મુદ્દા ખોટા છે એમ મને નથી લાગતું, પરંતુ વિચારવા માટે એક વાત કહું ? બીજા મારી કદર કરશે એવા ખ્યાલથી નાનાદાદાએ (નાનાભાઈ ભટ્ટે) આ સંસ્થા સ્થાપી હતી ? તમને ખબર છે કે તેમણે સ્થાપેલી ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા છોડી દેવી પડી હતી ? તેમણે પોતાના સંતોષ ખાતર કામ કર્યું. એમ તમે જે કામ કરો છો એનો તમને સંતોષ હોય તે મુખ્ય વાત છે. વિદ્યાર્થીઓને તમારા કામથી સંતોષ છે. કેમ્પસ ઉપર સૌ સાથે રહીએ છીએ, સૌને ખબર છે કે તમે કેવું કામ કરો છો. તમને ક્યારેય એવું લાગ્યું કે હું તમારી પડખે ન રહ્યો હોઉં ? તમને વિવિધ જવાબદારીઓ સોંપી છે તે જ તમારા કામની ખરી કદર નથી ? તમને કહું ? તમારી નજરે હું મારા કામને જોઉં તો એક દિવસ પણ આ કામ ન કરી શકું. બસ, આપણને મોજ આવે છે માટે કામ કરીએ છીએ. સંસ્થાગત સુવિધાઓ અંગે જવાબદાર માણસોનું હું ધ્યાન દોરીશ. મોડું ન થાય તે માટે મારાથી થાય તે કરીશ.’ મેં જોયું કે તેમનો ઉકળાટ લગભગ શમી ગયો હતો. મને કહે : ‘ના, ના એવું તો મેં મનમાં ક્યારેય રાખ્યું નથી. આપણે કામ તો કરવાનું જ હોયને ? ને તમે સાંભળો છો એટલે આજે કહી નાખ્યું.’

મેં જોયું કે એ કાર્યકરની મુખ્ય જરૂરિયાત કોઈક તેમને નિરાંતે સાંભળે એ હતી. આવા કામને પણ મેં મારા કામનો એક ભાગ ગણ્યો હતો. એમની બધી વાતમાં સંમત છીએ તેવો દેખાવ કર્યા વિના કાર્યકરોને ધ્યાનથી સાંભળવા એ પૂરતું હોય છે. રોષ, ફરિયાદ, અકળામણ, દોષારોપણ, પોતે કેટલા સાચા છે, બીજા કેટલા ખોટા કે નબળા છે એવું બધું પ્રગટ થતું હોય છે. ત્યારે તેમની ખુશામત કરવાની જરૂર નથી, ઉપેક્ષા કરવાની પણ જરૂર નથી. શું ઉચિત છે, શું કરવું જોઈએ, કર્તવ્યપાલનનો આનંદ શો છે વગેરે વાત વ્યક્તિનિરપેક્ષપણે કરીએ તો સાથી કાર્યકર વિચારતા થશે. તેમનો અસંતોષ વિકૃત રૂપ લેતો અટકશે. ઘણુંબધું માપસર રહેશે. તે માટે બધાને રાજી રાખવાની થાબડભાણા શૈલી ઉપયોગી નહિ થાય. સાથે જ તેમની વાતનો દુરુપયોગ નહિ થાય તેવી ધરપત પણ આવશ્યક છે. ‘મને એવું નથી લાગતું પણ ફલાણા ભાઈ તમારે વિશે આમ કહેતા હતા’ એ રીતભાત લાંબો વખત ટકી શકતી નથી. ધીરેધીરે સાથીઓ મુખ્ય માણસને ઓળખી જાય છે. જતે દહાડે તેને પણ (વકીલની વાર્તાની જેમ) ‘મ્યાઉં’ કહેતા સંકોચ પામતા નથી. સૌથી વધુ નુકશાન એ છે કે મુખ્ય માણસ સાથીઓનો વિશ્વાસ ગુમાવે છે. કેટલીક વાર મુખ્ય માણસો બધાને રાજી રાખવા પ્રયત્ન કરે છે. પરંતુ બધાને ક્યારેય રાજી રાખી શકતા નથી. એ રસ્તો જ ખોટો છે. મૂલ્ય જાળવવા દઢ રહેવું જ પડે. વિરોધ વહોરવો પણ પડે. યોગ્ય મોકે સાચી વાત કહેવાની નૈતિક હિંમત હોવી જોઈએ. બધાને રાજી રાખવામાં મોરચો પોતાની સામે મંડાશે એ બીક છે. એ તો ટૉલ્સ્ટૉય કહે છે તેમ કચરા ઉપર જાજમ પાથરવાની ભ્રમણા છે. જાજમ પાથરવાથી કચરો ઢંકાઈ જાય, દૂર ન થાય. કટોકટીને પ્રસંગે આંતર અવલોકન અને સમતાભર્યો વ્યવહાર જ માર્ગ કાઢે છે. (એ માટે કોઈક ધ્યાનપદ્ધતિની તાલીમ મુખ્ય માણસોએ લેવી જ રહી.) તો કડવા નિર્ણયો પણ આખરે વાજબી રૂપમાં સ્વીકારાશે.

એક ઘટના પછી વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ મને કહ્યું હતું, ‘અમને હતું કે હમણાં તમારો ગુસ્સો ફાટી પડશે. પણ તમે તો શાંત રહ્યા ?’ દઢતા અને ગુસ્સો એક નથી. આચાર્ય દઢતા રાખશે પરંતુ અકળાઈને અફડાતફડી નહિ કરી નાખે. આવે પ્રસંગે સામા માણસની વાતમાં કેટલું વાજબીપણું છે એ તપાસવા જેટલા તટસ્થ થઈ શકાય. તેની અકળામણ પ્રત્યે સહાનુભૂતિ રાખી શકાય તો સામેની વ્યક્તિ પણ આખરે આપણો ભાવ સમજે છે.

મૂળશંકરભાઈ અને બચુભાઈને અનેક વખત આવો વ્યવહાર કરતા મેં જોયા હતા. તેમનો સમતાભર્યો વ્યવહાર, અવિચલપણું અમારે માટે જીવનનો બહુમૂલ્ય પદાર્થપાઠ બની જતો. મારા કાર્યકાળમાં એવા પાઠ મને બહુ માર્ગદર્શક બન્યા છે.

[કુલ પાન : 244. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : રંગદ્વાર પ્રકાશન. 15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ-380009. ફોન : +91 79 27913344.]