બાલજગત – સંકલિત

[અ] શિશુમુખેથી

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

[1]
એક શિક્ષકે રુધિરાભિસરણતંત્ર વિશે સમજાવતાં કહ્યું : ‘જો હું શીર્ષાસન કરું તો મારો ચહેરો લાલ થઈ જાય, આંખમાં લોહી ધસી આવે, પણ હું પગ પર ઊભો રહું ત્યારે કેમ કશું નથી થતું ?’
પ્રતીક ઊભો થઈને કહે : ‘એનું કારણ એ છે કે સર તમારા પગ ખાલી નથી, મગજમાં ભરાવા માટે લોહીને જગ્યા મળી રહે છે !’
(શરીફા વીજળીવાળા, સુરત)

[2]
(અ) ત્રણ વર્ષની ફોરમને એની મમ્મી કોઈ કારણથી વઢી. રડી રહેલી ફોરમે ઘર બહારના મેદાનમાં કેટલાંક ઘેટાંઓનું ટોળું જોયું. રડતાં રડતાં એણે ઘેટાંઓને મોટેથી કહ્યું : ‘એ ભેટાં (ઘેટાં), તમે કોઈ મારી મમ્મી સાથે નહીં બોલતાં.’

(બ) અમારા ઘર બહાર થોડે દૂર એક ગાયને લંગડાતી ચાલી રહેલી જોઈ નાનકડા પ્રિયમે કહ્યું : ‘પપ્પા જુઓ, ભરવાડે ગાયને પોલિયોનાં ટીપાં નથી પીવડાવ્યાં.’

(ક) નિષ્ઠાને પપ્પી કર્યા પછી ‘બહુ મીઠી પપ્પી’ એમ રોજ મારે કહેવાનું. એક વખત મેં પપ્પી કર્યા પછી કહ્યું : ‘તારી પપ્પી તો બહુ કડવી કડવી….’
મારા મોંના હાવભાવ જોઈ નિષ્ઠા બોલી ઊઠી : ‘પાણી આપું ?’
(નીતિન ત્રિવેદી, ભાવનગર)

[3]
મારો દીકરો સૌરભ એકડો લખતાં શીખ્યો, પછી પેન્સિલથી આખું પાનું ભરીને એકડો લખતો. એક દિવસ કહે : ‘મમ્મી, આ પેન્સિલમાં કેટલા બધા એકડા ભર્યા હશે, તે નીકળ્યા જ કરે છે !’
(સંધ્યા ભટ્ટ, બારડોલી)

[4]
શોભાબહેનની સાવ નાની દીકરી ચારુ. ચારુને ચીતરવાનો બહુ શોખ. એક દિવસ ચારુ રંગીન ચૉકસ્ટિકથી કંઈક ચિતરામણ કરતી હતી. એને બહુ ગંભીર અને તલ્લીન થઈ ગયેલી જોઈ એની મમ્મીએ એને પૂછ્યું : ‘ચારુ ! શું ચીતરે છે ?’
‘ભગવાન !’ બેબી ચારુએ ઉત્તર આપ્યો.
‘ચારુ ! ભગવાન દેખાવમાં કેવા છે એ તો કોઈ જાણતું નથી !’ માએ કહ્યું.
‘એ તો હું ચીતરીશ ને એટલે બધા જાણશે !’ ચારુ બોલી ઊઠી.
(ઉપેન્દ્ર ર. ભટ્ટ)
.

[બ] કેટલીક બાળવાર્તાઓ – જગદીશ ધનેશ્વર ભટ્ટ

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

[1] મૂર્ખને સલાહ

એક મોટું જંગલ હતું. તેમાં એક મોટા ઝાડ પર સુગરીનો માળો હતો. સુગરી તેમાં પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી. ટાઢ હોય, તાપ હોય કે વરસાદ કે વાવાઝોડું હોય, સુગરી શાંતિથી સમય પસાર કરતી અને પોતાનાં બચ્ચાંને પાળતી.

એકવાર સખત વાવાઝોડું આવ્યું. પવન ફૂંકાવા લાગ્યો. એકદમ ઠંડો પવન પણ ભલભલાને ધ્રુજાવતો હતો. સુગરીને વાંધો ન હતો. તેણે ડોકું કાઢીને બહાર જોયું તો એક વાંદરાભાઈ નીચેની ડાળે પાણીથી પલળતા હતા. ઠંડીમાં ધ્રૂજતા હતા. સુગરીને દયા આવી. તેણે કહ્યું :
‘વાંદરાભાઈ ! બધાં પક્ષીઓ માળા બાંધે છે અને આરામથી રહે છે. વાઘ, સિંહ પણ બોડમાં રહે છે. એટલે બધાનું ટાઢ, તાપ, વરસાદથી રક્ષણ થાય છે. તમે તો બળવાન લાગો છો. રૂપાળા બે હાથ-પગ છે. ધારો તો તમારું પોતાનું રહેઠાણ મહેનત કરીને બનાવી શકો તેવા છો. જો તેમ કરો તો ઠંડીમાં ધ્રૂજવા વખત ના આવે.’

સુગરીનું બોલવું વાંદરાને ના ગમ્યું. વાંદરો બોલ્યો : ‘બેસ ચિબાવલી, તને કોણ બોલાવે છે ? તારી શિખામણ મારે નથી જોઈતી, ફરી બોલીશ તો જોવા જેવી થશે.’
તેમ છતાં સુગરીએ કહ્યું : ‘આ તો તમારા ભલા માટે કહું છું. એમાં આટલા ગુસ્સે શાના થાઓ છો ?’ આટલું સાંભળતાં વાંદરો કૂદ્યો અને સુગરીનો માળો પીંખી નાખ્યો. સુગરી અને બચ્ચાં નીચે પડ્યાં. મૂર્ખને સલાહ આપવી નકામી છે, એમ તેને સમજાયું.

[2] મીઠાનો વેપારી

એક મીઠું વેચનાર ફેરિયો હતો. ગધેડા પર મીઠાની ગૂણો લાદીને ગામોગામ વેચવા જતો અને પોતાનું અને કુટુંબનું ભરણપોષણ કરતો. એક ગામથી બીજે ગામ જતાં ઝરણાં, વહેળા અને નદી પાર કરવાં પડતાં. એક દિવસ નદીમાં થોડું પાણી હતું અને ગધેડો પાણીમાં બેસી ગયો. મીઠું ઓગળી ગયું. ભાર હળવો થયો. વેપારી પાછો ફર્યો, પણ ગધેડાને આમ કરવાની મજા પડી.

બીજે દિવસે પણ ગધેડાએ ચતુરાઈ અજમાવી. નદીમાં બેસી પડ્યો. મીઠું ઓગળી ગયું. વેપારી વીલા મોઢે પાછો ફર્યો. તે ગધેડાની ચતુરાઈ સમજી ગયો. તેણે ગૂણમાં મીઠાને બદલે રૂ ભારોભાર દબાવીને ભર્યું. ગધેડો આદત મુજબ નદીમાં બેસી ગયો. પહેલાં તો તેને રૂ હલકું લાગેલું અને હરખાઈ ગયેલો, પણ રૂ પલળતાં બધું પાણી તેમાં શોષાઈને ભરાઈ ગયું. વજન ઘણું વધી ગયું. ગધેડો માંડ માંડ કિનારે પહોંચ્યો. તે દિવસ પછી ગધેડાએ કામચોરી છોડી અને બેસવાની આદત કાયમ માટે ભૂલી ગયો. કામચોરીનું અને મૂર્ખામીનું આ પરિણામ હતું.

[3] માતૃપ્રેમ

કવિ બોટાદકરે લખ્યું છે કે :
‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’

માતૃપ્રેમનું આ કાવ્ય દરેક ગુજરાતીના હૃદયમાં ગૂંજતું રહ્યું છે. ઠેરઠેર ગવાયું છે અને ગવાતું રહે છે. આ કાવ્યમાં માતાના પ્રેમનો મહિમા છે. માતાના પ્રેમ આગળ જગતની બધી વસ્તુઓ નકામી છે. ધન, દોલત, પૈસો કે પછી ઘરબાર બધું જ તુચ્છ છે. દુનિયામાં બધું પૈસાથી મળે, પણ મા કે માતાનો પ્રેમ મળતાં નથી, કારણ માતાના પ્રેમમાં નરી સરળતા અને વહાલ હોય છે. તેમાં સ્વાર્થ હોતો નથી. માતાએ બાળકને માટે આપેલો ભોગ અને સામે પક્ષે સંતાનોએ માતા માટે આપેલા ભોગના અનેક કિસ્સાઓ સમાજમાં નોંધાયા છે.

આવો એક કિસ્સો આપણે સાંભળીએ. એક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામના મહાન વિદ્વાન થઈ ગયા. તેમને લગતી આ વાત છે. ઈ.સ. 1851માં કલકત્તાની ફોર્ટ વિલિયમ કૉલેજમાં માસિક રૂપિયા ત્રણસોના પગારે તેઓ પ્રોફેસર હતા. તે જમાનામાં એ મોટું પગારદાર પદ ગણાતું. સાહેબ તરીકેની ઘણી સગવડો તેમને મળતી હતી. લોકો તેમને આદરથી પ્રણામ કરતા. બહુ જ થોડા ભારતવાસીઓને આવો વૈભવ મળતો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેવા એક ભાગ્યશાળી અધિકારી હતા. તેમનાં માતાએ અંગ પરનાં ઘરેણાં વેચીને ભણાવેલા. બહુ જ ગરીબાઈમાંથી તેઓ ઊંચા પદે પહોંચ્યા હતા.

એક દિવસ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પર તેમનાં માતુશ્રીનો કાગળ આવ્યો. એમના નાના ભાઈનાં લગ્ન હતાં. ઈશ્વરચંદ્ર મોટા હતા. બધો પ્રસંગ પાર પાડવાનો હતો. ઈશ્વરચંદ્રની હાજરી ઘણી જ જરૂરી હતી, કારણ કે માતુશ્રી એકલે હાથે પહોંચી વળે તેમ ન હતાં. એટલે આગ્રહ સાથે હાજર રહેવા કહ્યું હતું. લગ્નની તારીખ પણ નક્કી હતી. તેઓ ગોરાસાહેબ પાસે લગ્નની તારીખે પોતે હાજર રહી શકે તે માટે રજા લેવા ગયા. ગોરાસાહેબે અરજી વાંચી અને કહ્યું કે, ‘રજા મંજૂર થઈ શકશે નહીં.’ પત્ર ટેબલ પર પાછો મૂક્યો. ઈશ્વરચંદ્રે કહ્યું કે ધોરણસર તેમની પાસે રજાઓ સિલકે હતી તો મંજૂર કરવી જોઈએ. ગોરાસાહેબે પરીક્ષાનું કારણ બતાવ્યું અને ના પાડી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિનંતી કરી કે મારી માતાની આશા છે કે મારે લગ્નપ્રસંગે હાજર રહી પ્રસંગ ઉજાળવો. મોટો હોવાથી મારે ત્યાં જઈને બધું કામ પાર પાડવાનું છે. ગોરાસાહેબે હિન્દીઓને નોકરી કરતા આવડતી નથી તેવા શબ્દો ઉચ્ચાર્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ગોરાનું અઘટિત વર્તન ગમ્યું નહિ. ચોખ્ખી ના પાડી દીધી.

ઈશ્વરચંદ્ર ઘેર ગયા. શું કરવું તેની ચિંતા થવા લાગી. માતાજીની આજ્ઞા કદી તેમણે ઉથાપી નહોતી. મોડો જઈશ તો માતાજી બહુ દુ:ખી થશે. મનોમંથન ચાલ્યું. ઊંઘ ના આવી. બહુ જ વિચારને અંતે તેમને માતાની આજ્ઞા મહાન લાગી, પણ તે નોકરી છોડ્યા સિવાય શક્ય ન હતું. નોકરીના રાજીનામાનો આખરી નિર્ણય તેમણે વિચારી લીધો. રાજીનામું લખી દીધું. કૉલેજ ગયા. ગોરાસાહેબ આગળ ધરી દીધું. ગોરો પ્રિન્સિપાલ આ વાંચી આશ્ચર્યમાં પડી ગયો. માના પ્રેમ ખાતર આ માણસ સારી પગારદાર નોકરીને ઠોકર મારી રહ્યો હતો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ગોરાને કહ્યું કે : ‘સાહેબ, જાણું છું કે મારી મોટા પગારવાળી નોકરી જશે, પણ મારી માની આશા અને પ્રેમ આગળ આવી અનેક નોકરીઓ તુચ્છ છે. માતા મહાન છે. કોઈ પણ સંજોગોમાં લગ્નમાં પહોંચવું એ જ મારી મોટી ફરજ છે.’ આ સાંભળી ગોરો હાકેમ સ્તબ્ધ બની ગયો. હિન્દીઓની માતાના પ્રેમની લાગણી આગળ ઝૂકી ગયો અને મનોમન નમન કર્યાં. તે બોલ્યો : ‘ઈશ્વરચંદ્ર તમે ખુશીથી લગ્નમાં જાઓ. તમારી રજા મંજૂર કરું છું.’ આમ કહી તેમણે રાજીનામાનો કાગળ લઈ તેના ચૂરેચૂરા કરી દીધા અને ફેંકી દીધા. જનની પ્રેમનો આ અનુભવ હતો અને આવા હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તેમને સ્મરીને આપણી છાતી ગૌરવથી ફૂલે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિવેકતુલા સ્થિર રહે – મનસુખ સલ્લા
ગુલમહોર – સંકલિત Next »   

19 પ્રતિભાવો : બાલજગત – સંકલિત

 1. સૈફી લીમડીયાવાલા says:

  નાના બાળકો ઘણી મોટી વાતો બહુ સાહજિકતા થી કહી જાય છે.

  ‘એ તો હું ચીતરીશ ને એટલે બધા જાણશે !’ ચારુ બોલી ઊઠી.

  આજ સુધી કોઇ કહી શક્યુ છે આ વાત આટલી સહજતા થી….

 2. DHIRAJ THAKKAR says:

  મારો ભતરીજો રુતુરાજ મને કે ” કાકા તમારો મોબાઈલ નમ્બર લખિ આપો ને”

  ” ગુજરાતી મા કે અગ્રેજી મા ?”

  રુતુ ” ગણિત મા”

 3. પ્રેરણાત્મક બાળવાર્તાઓ.

  દર શનિવારે આવતી ફુલવાડીની યાદ આવી ગઈ.

 4. Divyata says:

  બાળપણ ની યાદ આવી ગઈ.
  નાના બાળકો મોટી વાત કરી જાય છે.

  સરસ બાળવાર્તાઓ.

 5. nayan panchal says:

  સરસ પ્રસંગો અને વાર્તાઓ.
  આભાર,
  નયન

 6. Sarika Patel says:

  All the stories are very nice.

 7. khushboo says:

  મારો બાબો ૧૧/૨ વરસ નો હતો ત્યારે હુ india ગઈ હતી.
  ત્યારે રસ્તા મા પડેલા કુતરા ને જોઈ ને બોલ્યો. મમા આને blanket આપ ને સુઈ જવુ છે.

 8. Veena Dave, USA says:

  good .

 9. Amit Patel says:

  અતિ સુંદર

 10. urvi panchal says:

  માતાના પ્રેમ આગળ જગતની બધી વસ્તુઓ નકામી છે. ધન, દોલત, પૈસો કે પછી ઘરબાર બધું જ તુચ્છ છે. દુનિયામાં બધું પૈસાથી મળે, પણ મા કે માતાનો પ્રેમ મળતાં નથી, કારણ માતાના પ્રેમમાં નરી સરળતા અને વહાલ હોય છે. તેમાં સ્વાર્થ હોતો નથી.
  અત્યન્ત સચિ વાત ચ્હે.
  ખુબ જ નસિબ્દાર્ હોય ચહે જેને મલે ચ્હે માતા નો પ્રેમ્

  ઉર્વિ

 11. Hetal says:

  These stories took me back to my memories of childhood.

 12. મને તો રીડર્સ ડાયજેસ્ટમાં લોકોએ આપેલી વાસ્તવિક હાસ્યની રચનાઓ ઘણી ગમે છે! આ ક્લેકશન ખૂબ ગમ્યું!

 13. Apeksha hathi says:

  વાહ રે વાહ……..!!!!!!!!!!

 14. ખુબ સુંદર ….

  છેલ્લી વાર્તામાંથી તો મને રજા માંગવાની એક યુક્તિ મળી !! 🙂 … બસ મારા મેનેજર રાજીનામું સ્વીકારી ન લે એ જ જોવાનું !! 😛

 15. Hitesh Mehta " Hit " MORBI says:

  jagat ma jo koi ak vyakti sauna mate bhog aapti hoy to te che ” ma ” tan man dhan sarv arapan karia to pan tena run mathi mukt thata nathi. khub saras..

 16. HARESH KAKADIYA-9426600298 says:

  All the stories are very nice.

 17. Pradipsinh zala says:

  Janani ni jod kadi nahi jade re lol…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.