મારું મનગમતું સાહિત્ય – પ્રિમા શાહ

[વિષયપ્રવેશ : વિશ્વકક્ષાની પ્રતિભાને આપણે ક્યારે ઓળખીએ છીએ ? જ્યારે તેમને કોઈ એવોર્ડ કે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે. પરંતુ હકીકતે તો કોઈની પણ પ્રતિભાનો પહેલો પરિચય આપણને એના વિચારો પરથી મળતો હોય છે. બીજને જોઈને તેમાં વૃક્ષની કલ્પના કરી શકાય છે. આપણી આસપાસ એવા ઘણાં બીજ વેરાયેલા પડ્યાં હોય છે જેની પર આપણી દષ્ટિ ત્યારે જ જાય છે જ્યારે એ વિરાટ વૃક્ષમાં પરિણમે છે. વિકાસની પ્રક્રિયાને નજરોનજર જોવાનું સદભાગ્ય ખૂબ ઓછા લોકોને પ્રાપ્ત થતું હોય છે. વૃક્ષ જ્યારે ફળથી સન્માનિત થાય છે ત્યારે દુનિયાની નજર એ વૃક્ષ તરફ જતી હોય છે, એ પહેલાં નહીં !

ઈશ્વરકૃપાએ બીજમાંથી વૃક્ષ બનવા જઈ રહેલી એક પ્રતિભાના સંપર્કમાં આવવાનું થયું ત્યારે સમજાયું કે કુદરત પાસે કેવા કેવા રત્નોનો ખજાનો ભર્યો પડ્યો હશે ! પાંચમા ધોરણમાં ભણતી દશ વર્ષની દીકરીની આ વાત છે. નામ છે એનું ‘પ્રિમા શાહ’ – જેની મુલાકાત આપણે થોડા સમય અગાઉ રીડગુજરાતી પર માણી હતી. આજે તેના વિચારોની અને તેના સર્જન વિશે થોડી વાત કરીશું.

પ્રિમાનો નિકટથી પરિચય ત્યારે થયો જ્યારથી તેણે મારે ત્યાં સાહિત્ય શીખવાનું શરૂ કર્યું. પરંતુ મને પાછળથી ખબર પડી કે એને કશું શીખવવાનું તો હતું જ નહિ ! મહર્ષિ અરવિંદે કહેલું વાક્ય યથાર્થ ઠર્યું કે બાળકોને કદીયે કશું શીખવી શકાય નહીં. એ તો એનું ભાથું લઈને જ આવી હતી. જેમ જેમ એની સાથે વાર્તાલાપ વધ્યો તેમ તેમ એના વિચારોની ગહનતા સમજાઈ. એની આંખોનું ઊંડાણ સ્પર્શયું અને સતત એમ અનુભવાયું કે હું જાણે કોઈ મહાન વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું. એને ક્યારેય બાળવાર્તા કહેવાની જરૂર નથી પડતી. જે સર્વસામાન્ય સાહિત્ય વાચકો માણે છે તે કક્ષાનું સાહિત્ય તે આસાનીથી સમજી શકે છે. ક્યારેક તે મને ધર્મના દશ લક્ષણો ગણાવે છે, કર્મ અને સુખ-દુ:ખની નવી વ્યાખ્યાઓ આપે છે. બોલતા બોલતાં તે એવા પ્રવાહમાં ડૂબી જાય છે કે તમે સ્પષ્ટ અનુભવી શકો કે આ તે નથી બોલતી પરંતુ એને કોઈ બોલાવી રહ્યું છે ! સાહિત્યનો પ્રચંડ પ્રવાહ જ્યારે એની વાણીમાંથી નીકળે છે ત્યારે સતત બે કલાક સુધી મેં એને બોલતા સાંભળી છે. એને ખુદને ખબર નથી કે એ શું બોલી રહી છે. તે કહે છે હું પોતે પણ મને સાંભળતી હોઉં છું. દુ:ખની પરિભાષા સમજાવતા એ કહે છે કે ‘દુ:ખ એટલે એવા પ્રકારનું સુખ કે જેમાં આનંદ ભળે તો મુશ્કેલીઓ હકીકતે મુશ્કેલી નથી લાગતી.’…. તે સંગીતની વ્યાખ્યા નવી રીતે આપે છે. તે કહે છે : ‘સંગીત એટલે કોઈ વ્યક્તિ ગાય અને બીજા તેની વાહ-વાહ કરે એમ નહિ, પરંતુ સંગીત એટલે ગાનાર વ્યક્તિ જેટલો અંતર્મુખ થઈને ગાય છે એટલો જ સાંભળનારને અંતર્મુખ બનાવીને ગાતો કરી દે તો જ એ સાચું સંગીત.’ માનવ જીવનનો હેતુ, ડિપ્રેશનની સમસ્યાનું નિવારણ, વ્યક્તિની અંદરની તાકાત, જીવનને જુદી રીતે જોવાની દષ્ટિ – વગેરે પર અદ્દભુત વાતો એણે વગર અનુભવે કહી બતાવી છે.

તે કહે છે ‘મારા મનમાં સતત વિચારોનો પ્રવાહ ચાલ્યા કરે છે. પેન પકડું એટલે લખવાનું શરૂ થઈ જાય છે’. એને ક્યારેય લખાણ સુધારવું નથી પડતું. બધું જ એક બેઠકે લખાઈ જાય છે. ક્યારેક તો એની અંદર એ પ્રવાહ એટલો બધો તીવ્ર બની જાય છે કે તે લખ્યા વગર રહી નથી શકતી. ઘરમાં મહેમાન હોય તો પોતે પોતાના રૂમમાં જઈને જે વિચાર આવે તેને નોટમાં ઉતારી લે છે. રોજ અમે કલાકોના કલાકો સુધી ટાગોરની, ટૉલ્સ્ટૉયની, વિવેકાનંદની અને અનેક સાહિત્યકારની વાર્તાઓ પર ચર્ચાઓ કરીએ છીએ. તેનો પ્રિય વિષય ‘ચિંતન’ છે. કંટાળો શું એ એને ખબર નથી ! અઘરામાં અઘરા મુદ્દાઓને તે સમજૂતી-અર્થ સાથે ખોલીને સમજાવી શકે છે. ક્યારેક તે તીવ્ર અધ્યાત્મિક અનુભૂતિઓનું વર્ણન કરે છે ત્યારે સાંભળનારને એનો કહેવાનો અર્થ સમજવો મુશ્કેલ બને છે. એ જ્યારે બોલે છે ત્યારે એની અવસ્થા ખુલ્લી આંખે ધ્યાન કરનાર જેવી હોય છે. બહારથી એક સામાન્ય બાળકી જેવી દેખાતી પ્રિમાના જ્યારે વિચારોના આંતરિક સ્તર ધીમે ધીમે ખૂલે છે ત્યારે તેનામાંથી પ્રગટ થતું વ્યક્તિત્વ આ પૃથ્વી પરની કોઈ દુર્લભ વસ્તુ સમાન ભાસે છે. આ માત્ર મારી એકલાની જ નહિ, અમે જેટલા સાહિત્યકારને મળ્યા એ તમામની અનુભૂતિ રહી છે. આ લેખના અંતે આપેલો તેનો નિબંધ તેના વિચારોની ચરમસીમા બતાવે છે. એક પણ પુસ્તકના વાંચન વગર આ પ્રવાહ ક્યાંથી આવતો હશે ? એને જોઈને ચોક્કસ ભરોસો કરી શકાય કે ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપનાર પ્રતિભાઓ આ પૃથ્વી પર તૈયાર થઈ રહી છે.

ખરેખર, એના વ્યક્તિત્વને સમજાવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. એ તો તમે એને સાંભળો તો જ જાણી શકો ! તેથી જ તેણે બનાવેલી એક શાયરી દ્વારા શરૂ કરીએ અને તેણે લખેલા લેખો-વાર્તાઓ અને નિબંધોને આજે માણીએ. – તંત્રી, રીડગુજરાતી]

अगर है किसीका ईंतजार, तो बुलाले उसे ।
रुठ गया है वो तो मना ले उसे ।।

[1] હોશિયાર ચોર (બાળવાર્તા)

એક ડોશીમા હતા. એમના હાથમાં એક વીંટી હતી. વીંટી એમને ઢીલી પડતી હતી તેથી એ હાથમાં પકડીને રસ્તે ચાલતા જતા હતા. એમની પાછળ એક માણસ સતત ચાલ-ચાલ કરતો હતો. અચાનક એ પેલા માજીની બાજુમાં આવીને તેમના હાથમાંથી સોનાની વીંટી ઝૂંટવીને ભાગ્યો. ચોર ભાગ્યો એટલે પેલા ડોશીમાએ તેની પાછળ ભાગવા કોશિશ કરી પણ ત્યાં વચ્ચે એક પથ્થર પડેલો હતો. ડોશીમા પડવા જતા હતા ત્યાં એક સ્કૂલે જતા બાળકે તેમને હાથ પકડીને બચાવી લીધા. તેણે કહ્યું ‘હું ચોરને પકડી પાડીશ.’ એમ કહી તે ચોરની પાછળ દોડ્યો.

ચોર થોડો આગળ જઈને જમણીબાજુ વળી ગયો. પેલો છોકરો પણ એ બાજુ વળ્યો. પણ ત્યાં જોયું તો ચોર તો દેખાય જ નહિ ! એ રસ્તાની ડાબી બાજુએ એક નારિયેળવાળો નારિયેળ પાણી વેચતો હતો અને પેલો ચોર ત્યાં ઊભો ઊભો નાળિયેર પીતો હતો. છોકરાએ તો એને જોઈને બૂમ મારી :
‘ચોર… ચોર… આ માણસ ચોર છે… એણે એક માજીની વીંટી ચોરી છે… એને પકડી લો.’ ચોર તો કંઈ પણ બોલ્યા વગર શાંતિથી ઊભો ઊભો સાંભળતો રહ્યો.
એટલામાં એક કાકા આગળ આવીને કહે : ‘બેટા ! આ ચોર છે ? ચાલો આપણે એની તલાશી લઈએ.’ બધાએ તેની તલાશી લીધી પણ તેની પાસેથી તો કશું નીકળ્યું નહિ. કાકા પેલા બાળકને વઢ્યા અને કહ્યું કે ‘તને કશું ખબર નથી પડતી. અહીં કોઈ ચોર નથી. તું જા તારી ઘરે…’

આ બાજુ ચોરે મનમાં વિચાર્યું કે ‘છોકરો જાય એ પહેલાં હું અહીંથી જતો રહું.’ એમ વિચારીને તે ચોર નારિયેળ લઈને ચાલવા માંડ્યો. ફરીથી બાળકે અચાનક તેને પાછળથી પકડી લીધો અને બધાને કહ્યું : ‘કે તમે આ નારિયેળને તપાસો. એમાંથી જ વીંટી નીકળશે.’ અને સાચે જ એમાંથી વીંટી નીકળી. બધાને નવાઈ લાગી. આખરે ચોર પકડાયો અને બધાએ એને પોલીસને સોંપી દીધો. છોકરાને પુરસ્કાર મળ્યો. ઘરે જતાં કાકા બોલ્યા : ‘દીકરા, મને માફ કરજે. તું સાચો હતો. તારા લીધે જ ચોર પકડાયો.’

એ બાળક હવે ડોશીમા પાસે ગયો. એમને વીંટી પાછી આપી અને બનેલી ઘટના કહી સંભળાવી. એ વૃદ્ધાએ પૂછ્યું : ‘બેટા, તને ખબર કેવી રીતે પડી કે વીંટી નારિયેળમાં જ હશે ?’
છોકરાએ કહ્યું : ‘બધા જ માણસ નારિયેળનું પાણી પીતા અને પછી એ ખાલી નારિયેળ બાજુમાં નાખી દેતાં. પણ આ ચોરે નારિયેળને ફેંકી ન દીધું અને નારિયેળ લઈને ચાલવા માંડ્યો. આ પરથી મને ખબર પડી ગઈ કે વીંટી નારિયેળમાં જ હોવી જોઈએ.’ ડોશીમા ખૂબ ખુશ થયા એને આશીર્વાદ આપ્યા અને પછી પોતાના રસ્તે ચાલવા માંડ્યા.

[2] બહાદૂરી (બાળવાર્તા)

સુખપુર નામનું એક ગામ હતું. ગામના સરપંચનું નામ નટુભાઈ. નટુભાઈ સ્વભાવે શાંત હતા. એમને પૈસાનો લોભ નહિ. આમ સરપંચ પણ જીવન સાવ સાદું. સ્વદેશી પોશાક પહેરતા અને હાથમાં લાકડી રાખે. માથે ફેંટો બાંધે. તેમના બે દીકરા હતા. એકનું નામ અજય તો બીજાનું નામ વિશાલ હતું. તેઓ સ્વભાવે તેમના પિતા જેવા હતા. તેઓ ખૂબ નાના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું.

એક દિવસની વાત છે. નટુભાઈ બહારગામ ગયા હતા. વિશાલના અને અજયના બધા મિત્રો ભેગા મળીને રમતો રમતા હતા. એટલામાં એમને ચાર-પાંચ સ્ત્રીઓની બૂમો સંભળાઈ. વિશાલ અને અજય તરત એ બાજુ દોડ્યા. ત્યાં એક કૂવો હતો. એ કૂવામાં એક બાળક ડૂબી રહ્યું હતું. અજય એને બચાવવા તરત કૂવામાં કૂદી પડ્યો. આ બાજુ વિશાલ તરત દોડીને પાસે પડેલું મોટું દોરડું લઈ આવ્યો અને એનો એક છેડો કૂવામાં નાખ્યો અને બીજા છેડે બધા મિત્રો ભેગા થઈને એ દોરડું ખેંચવા લાગ્યા. થોડી વારે બાળકને લઈને અજય બહાર આવ્યો. બધા લોકોએ બંને ભાઈઓની ખૂબ પ્રશંસા કરી. પણ અજય સૌને અટકાવતાં બોલ્યો :
‘ના, અમે એવું કંઈ ખાસ નથી કર્યું. અમે કશું ઈનામ માટે પણ નથી કર્યું. બસ, અમારા પિતાએ અમને આવા જ સંસ્કાર આપ્યા છે.’
વિશાલે એની વાતમાં સૂર પૂરાવતા કહ્યું : ‘હા, ભાઈ સાચું જ કહે છે. આપ સૌની પ્રશંસા મેળવવા કે ઈનામની લાલચે અમે આ બાળકને નથી બચાવ્યો. એને બચાવવો એ તો અમારો ધર્મ હતો.’

આ વાતને બે દિવસ વીત્યા. નટુભાઈ બહારગામથી પરત આવ્યા. પોતાના બંને દીકરાઓને પાસે બોલાવીને તેમને ભેટીને કહ્યું કે : ‘તમને ખબર છે કે આપણે સૌ લંડન જવાના છે ?’
આ સાંભળી અજયનું મન થોડું નિરાશ થઈ ગયું પણ વિશાલની પ્રસન્નતા જોઈને તેને ‘નથી જવું’ એવું કહેવાની હિંમત ના કરી. એણે વિશાલના સુખમાં પોતાનું સુખ ગણીને આનંદ માણ્યો. એટલામાં પેલો કૂવામાં પડી ગયેલો તે બાળક નટુભાઈને મળવા આવ્યો. એણે નટુભાઈને બે દિવસ પહેલા બનેલી બધી ઘટના કહી સંભળાવી. નટુભાઈ ગળગળા થઈ ગયા અને બંને દીકરાને ખૂબ શાબાશી આપી.

બંને દીકરાઓએ લંડન જવાની તૈયારી કરી. સામાન ગોઠવાયો. પિતા સાથે લંડન જવા માટે તેઓ ઍરપોટ તરફ જવા રવાના થયા ત્યારે તેમની આસપાસ આખું ગામ ઊભું હતું. આવા બહાદુર છોકરાઓ ગામ છોડીને જવાના હતા એનું સૌને દુ:ખ હતું. એમને જતા જોઈને બધાની આંખમાં આંસુ આવી ગયા.

[3] સોનેરી સવાર (વાર્તા)

હું એક લેખક છું. વિશાળ મારું ઘર છે. એમાં મારો પોતાનો અલગ ઓરડો છે. તેના એક ખૂણામાં બારીની બરાબર પાસે મારું ટેબલ છે. રોજ સવારે હું ટેબલ પર લખવા બેસુ છું ત્યારે સવારનો સોનેરી તડકો બારી વાટે મારા ઘરમાં પ્રવેશીને મારા લેખનને પણ જાણે સોનેરી બનાવતો જાય છે. મને તો રાત્રે લખવાની પણ ટેવ છે ! રાત્રે એ જ બારીમાંથી ચંદ્રના શીતળ કિરણો મારા લેખનને જાણે અનેરી સફેદી આપતા જાય છે. હું તો બસ લખ્યા જ કરું છું રાત અને દિવસ…. મને લખવું ખૂબ જ ગમે છે. મારી કલમ સતત ચાલતી રહે છે.

હું માત્ર દિવસ અને રાત જ લખું છું એમ નહિ, પણ આખો શિયાળો અને ઉનાળો પણ લખ્યા કરું છું. એ પછી આવે છે ચોમાસું. ચોમાસામાં બારી વાટે વરસાદના છાંટા મારા ટેબલ પર પડે છે. પરંતુ હું બારી બંધ કરતો નથી કારણ કે બારીની આડાશમાં નીચે એક ગલુડિયું સૂઈ રહે છે. જો હું બારી બંધ કરી દઉં તો એ ભીંજાઈ ન જાય ? મારી બારી સતત ખુલ્લી જ હોય છે અને મારી કલમ એની સંગાથે એનું કામ કરતી રહે છે. બહાર જેવો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એવો વરસાદ એક દિવસ મારા જીવનમાં પણ વરસી પડે છે.
અને…
એક દિવસ અમારે એ ઘર છોડીને ફ્લેટમાં જવું પડે છે. ફલેટ તો સાવ ઊંધી દિશામાં છે. ત્યાં નથી તો સૂર્યનો સોનેરી તડકો કે નથી એ ચાંદનીનો શીતળ પ્રકાશ. મને તો લખવાનો જરાય મૂડ નથી આવતો. એક જ નાનકડી ઓરડીમાં બધાએ ભેગા રહેવું પડે છે. બા સામે બેસીને મોટેથી માળા કરતા હોય છે. ભાઈ અને બહેન બીજા રૂમમાં મસ્તી કરતા હોય છે એનો અવાજ અહીં સુધી સંભળાય છે. મને તો ખૂબ કંટાળો આવે છે પણ શું કરું ? મારાથી કશું નવું લખાતું નથી.

અંતે કંટાળીને મેં એક દિવસ બા ને કહ્યું :
‘હું તો પેલા જૂને ઘેર પાછો જવા ઈચ્છું છું. મને તો ત્યાં જ લખવાનું ફાવશે.’
બા બોલી : ‘એ ઘરે શું કામ ? તને ખબર નથી કે એ ઘરે વરસાદથી આપણો સ્લેબ તૂટી ગયો હતો અને એ અકસ્માતમાં આપણે દાદાજીને પણ ગુમાવ્યા છે. એટલે તો આપણે અહીં આવ્યા છીએ ! એ ઘરે આપણે જવું નથી. તું એ ઘરે પાછો જવા ઈચ્છે છે ? એ મકાન આપણે રિપેર કરાવ્યું છે વેચવા માટે. આપણે એ મકાન વેચીને હંમેશા અહીં જ રહીશું.’
પણ મેં કહ્યું : ‘ના બા. હું એ ઘરે નહીં જઉં તો મારાથી લખાશે નહીં. મને કોઈ વિચારો નહીં આવે. મારે તો ત્યાં જ રહેવું છે. હું અઠવાડિયામાં છ દિવસ ત્યાં રહીશ અને એક દિવસ અહીં ફલેટ પર આવીશ.’ અંતે મારી બહુ સમજાવટ પછી બા માની ગઈ અને હું સામાન લઈને ઊપડ્યો.

એ જૂના ઘરે પાછા ફરતાં જ જાણે મને મારા વિચારો પાછા મળ્યા. ફરીથી એ જ ઓરડો, એ જ મારું ટેબલ અને એ જ મારી બારી. જેવી મેં બારી ખોલી કે સવારના સોનેરી કિરણો મારા ટેબલ પર છવાઈ ગયા અને હું તો બસ લખતો ગયો… લખતો ગયો… લખતો ગયો….

[4] આ તે કેવું દુ:ખ ? (સ્વાનુભવ / આત્મકથાત્મક)

હું દશવર્ષની નાનકડી બાળકી છું. મારી નજરે હું દુનિયાને જોતા શીખી છું. પણ આજે તો મને જીવનનું સૌથી મોટું દુ:ખ જોવા મળ્યું. એ પણ મારું પોતાનું જ દુ:ખ ! મારું દુ:ખ તો એવું છે કે જાણે સૂરજ અને પ્રકાશ જુદા પડી ગયા હોય અને ચંદ્રથી એની ચાંદની છૂટી પડી ગઈ હોય ! આવું તો કેવી રીતે બની શકે ? પણ, ખરેખર આવું જ બન્યું છે.

બે-એક વર્ષ પહેલાની એક રાત્રે હું મારા પપ્પા, મમ્મી અને દીદી સાથે આંગણામાં બેઠી હતી. અમે બધા શાંતિથી બેઠા હતા. એ દિવસે મારી વર્ષગાંઠ હતી એટલે કેટલાક મહેમાનો પણ આવ્યા હતા. એ બધા ગયા પછી મારા પપ્પાએ મને કહ્યું કે :
‘બેટા, તું ખૂબ ભણજે.’
મેં કહ્યું : ‘હા પપ્પા, હું ચોક્કસ ભણીશ.’
બધા પરવારીને સૂઈ ગયા.

બીજા દિવસની સવાર જાણે કે મસ્તીની સવાર હતી કારણ કે એ દિવસે રવિવાર હતો. હું જેવી મારા રૂમમાંથી બહાર નીકળી કે દીદી મને ‘ભા…ઉ…’ કરતી ડરાવી મૂકી ! હું તો ગભરાઈ ગઈ ! અને ગુસ્સે થતાં હું દીદીને પકડવા દોડી. પછી તો અમે ઘણા સમય સુધી મસ્તી કરી.
ત્યાં તો મમ્મીએ બૂમ પાડી : ‘પ્રિમા બેટા, જલદીથી નાહી લે….’
હું ઝટપટ ભાગીને નાહવા ગઈ. પણ આખો દિવસ અમારી મસ્તી તો ચાલુ જ. હું રોજ દીદી સાથે મસ્તી કરું અને દીદી ગુસ્સે થાય. અમારી ધમાલ આખો દિવસ ચાલે. કોઈ ચોકલેટ આપી જાય તો હું મારી ચોકલેટ તરત ખાઈ જઉં પણ દીદી તો શાંતિથી ખાય એટલે પહેલાં જઈને ફ્રિજમાં મૂકી આવે. પછી એને ખબર ન પડે એમ હું એની ચોકલેટ ફ્રિજ ખોલીને ખાઈ લઉં ! પણ દીદી મોટી એટલે મને નાની સમજીને માફ કરી દે. આમ, અમારી ખેંચતાણ તો ચાલ્યા જ કરે.

વર્ષો વીત્યા. દીદીએ હવે બારમાની પરીક્ષા આપી. એ સારા માર્ક્સથી પાસ થઈ એટલે એના એડમિશન માટે મમ્મી-પપ્પા વિદ્યાનગર ગયા. એને વિદ્યાનગરમાં એડમિશન મળ્યું. એને હોસ્ટેલ જવાનો દિવસ આવ્યો ત્યારે એને મૂકવા માટે ઘરના બધા જ લોકો અને સગાવહાલાં ગયાં. પરંતુ હું ન ગઈ. જો હું એને મૂકવા જઉં તો હું એની સામે તો રડી જ પડું અને મારા લીધે એ પણ ઢીલી થઈ જાય. બસ, આ જ કારણે દીદીને મૂકવા હું ન ગઈ. કદાચ દીદીને એમ લાગ્યું હશે કે મારી બહેન મને મૂકવા ન આવી, પણ એ તો હું એને મનાવી લઈશ.

તે સાંજે બધા જ લોકો દીદીને મૂકીને આવ્યાં. આવીને બધાએ વાત-ચીત કરી અને પછી સૌ પોતાના ઘરે ગયા. દીદીને યાદ કરીને મારી આંખમાં આંસુ આવ્યાં અને પછી હું ખૂબ રડી. મમ્મી-પપ્પા પણ રડી પડ્યા. મને એ દિવસો યાદ આવ્યા જ્યારે રાત્રે અમે બધા ભેગા થઈને આંગણામાં બેસતા હતા. દીદી સાથે કરેલી મસ્તીના દિવસો યાદ આવ્યા. હું તો રક્ષાબંધને મારી દીદીને કાયમ રાખડી બાંધુ. એ મારી જોડે જેટલું પણ લઢે, પણ મારી સાથે બધી જ વસ્તુ શૅર કરે. મને આંટો મારવા પણ લઈ જાય. પાણીપૂરી તો મારે એની સાથે જ ખાવાની ! બધી જ વાતમાં એ મારી સાથે જ હોય. બસ, એ વાત યાદ કરીને મારી આંખો આંસુથી છલકાયા કરતી.

આજે મને જીવને સૌથી મોટી શીખ આપી છે કે :
‘આપણી પાસે જે વ્યક્તિ સાથે ન હોય ત્યારે જ એમનું આપણા જીવનમાં સ્થાન ખબર પડે છે.’

[5] ચિત્રલેખાનો પહેલો લેખ (જીવનપ્રેરક પ્રસંગકથા)

‘આ શું ? મમ્મી રોજ રોજ ચિત્રલેખા વાંચે છે, પણ મારા ભણવા માટે પંદર મિનિટ પણ ધ્યાન નથી આપતી ? આ તે કેવું ?’ – આવા અનેક વિચારો વરુણના મનમાં ઊભા થાય છે. વરુણ શાળાએથી આવે ત્યારે હંમેશા એની મમ્મી જ્યોત્સનાબહેન ચિત્રલેખા વાંચતા હોય. એમનો એકનું એક સંતાન એટલે વરુણ.

એક દિવસ તો વરુણ અકળાયો. એણે મનમાં વિચાર્યું કે આજે તો હું મમ્મીને સમજાવી દઉં. પણ આંગળી તો ઊંધી ! બાકી ઘી કેવી રીતે નીકળશે ? જ્યોત્સનાબહેન રસોઈ કરતાં કરતાં ચિત્રલેખા વાંચતા હતાં. એટલામાં ત્યાં વરુણ આવી પહોંચ્યો અને બોલ્યો :
‘મમ્મી ! મારી વાત તો સાંભળ. મારી સામું તો જો…’ જાણે મહારાણાપ્રતાપ આવ્યા હોય એમ એ જુસ્સાથી બોલ્યો.
મમ્મી કહે : ‘શું છે બોલ બેટા.’
વરુણ કહે : ‘મમ્મી તારો બીજો દીકરો કોણ ?’
મમ્મી : ‘અરે ! તું જ તો મારો દીકરો છે. બીજો કોણ દીકરો ?’
વરુણ ચિત્રલેખા સામે જોઈને બોલ્યો : ‘આ છે તારો બીજો દીકરો – ચિત્રલેખા.’

મમ્મી કંઈક બોલે એ પહેલાં વરુણ બોલ્યો : ‘મમ્મી, તેં જ્યારે સૌથી પહેલા ચિત્રલેખા વાંચી ત્યારે પહેલો લેખ કયો હતો ?’
મમ્મી બોલી : ‘હા ! એ તો એક ખૂબ જ સરસ લેખિકાનો બહુ સુંદર લેખ હતો. મને હજી યાદ છે.’
વરુણ : ‘સારું મમ્મી. હવે મને એ કહે કે મારી ગણિતની ચોપડીમાં પહેલો પાઠ કયો છે ?’
‘એ તો મને નથી ખબર બેટા…..’ મમ્મી બોલી.
‘હા… બસ… ચિત્રલેખા તારી પોતાની નથી તોય તને યાદ છે કે તેં પહેલો લેખ કયો વાંચ્યો હતો પરંતુ તને તારા પોતાના દીકરાનો ગણિતની ચોપડીનો પહેલો પાઠ યાદ નથી. આ તે કેવું ?’
મમ્મીને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
તેણે વરુણને કહ્યું : ‘સારું વરુણ બેટા. હવે તું શાળાએ જઈશને ત્યારે જ હું ચિત્રલેખા વાંચીશ, બસ ?’

[6] જનસેવા એ જ પ્રભુસેવા (સત્ય ઘટના)

ઉનાળાની બપોરની આ વાત છે. ખૂબ ગરમી હતી. પંખીઓ માળામાં બેસી જંપી ગયા હતા. રસ્તા પર ખૂબ જ તાપ હતો. રસ્તો સૂમસામ હતો. આ રસ્તા પર એક વૃદ્ધ માણસ તરફડી રહ્યો હતો. આ માણસે માથે ટોપી અને ઝભ્ભો પહેર્યો હતો. તેમનાથી થોડેક દૂર તેમની લાકડી પડી હતી. એમના શરીર પર નાના ઘા હતા, જેમાંથી થોડું લોહી નીકળી રહ્યું હતું. એટલામાં એ રસ્તેથી પસાર થતાં બહેને આ વૃદ્ધ માણસને જોયા. તેમણે એમને ટેકો કરીને ઝાડની છાયામાં બેસાડ્યા અને કહેવા લાગ્યા કે :
‘એમ્બ્યુલન્સ ને બોલાવો…’
વૃદ્ધ કહે : ‘ના… ના… મને હૉસ્પિટલમાં દાખલ નથી થવું. હું સુરતથી આવ્યો છું. મારો પરિવાર સુરતમાં રહે છે. મને મારી દીકરી અને પત્ની પાસે મોકલી દો.’
સ્ત્રી કહે : ‘કેમ ?’
વૃદ્ધ : ‘હું સુરતથી અહીં કામ કરવા માટે આવ્યો હતો. મને નોકરી પણ મળી ગઈ હતી પરંતુ એ પહેલાં જ હું બિમાર પડી ગયો. તેથી દસ દિવસ હું હૉસ્પિટલમાં રહ્યો. દવાનું બિલ ન ચૂકવી શક્યો એટલે તેઓએ મને હૉસ્પિટલમાંથી બહાર કાઢી મૂક્યો.’

તેની વાત સાંભળીને પેલા બહેન શાંત થઈ ગયા. અચાનક તે ઝટપટ દોડ્યાં અને પાસેના ઘરનું બારણું ખખડાવ્યું. એ ઘરમાં બધા ઊંઘી ગયા હતા એટલે કોઈએ અવાજ ન સાંભળ્યો પણ અંદર રમી રહેલી એક નાનકડી બાળકીને તે સંભળાયો એટલે તેણે બહાર આવીને બારણું ખોલ્યું ને પૂછ્યું :
‘તમને કોનું કામ છે ?’
પેલા બહેને બધી વાત એ બાળકીને કહી અને તે તરત દોડીને તેના માતા-પિતાને બોલાવી લાવી. પેલા બહેને બધી વાત તેના માતાપિતાને કહી. બધા ભેગા થઈને પાણીનો જગ લઈને એ વૃદ્ધ પાસે ગયાં. પેલી બાળકીએ તેમને પાણી પીવડાવ્યું. પેલા બહેનને બહાર જવાનું મોડું થતું હોવાથી તેમણે વિદાય લીધી અને આ બાજુ આ બાળકી પેલા વૃદ્ધ અને તેના માતાપિતાને સાથે લઈને હૉસ્પિટલ પહોંચી. દાક્તરે વૃદ્ધની સારવાર કરી અને થોડીક દવાઓ લખી આપી. એ દવાના પૈસા આ પરિવારે ચૂકવ્યા. એ પછી તેઓ એ પેલા વૃદ્ધને બસ-સ્ટોપ પર સુરત જતી બસમાં બેસાડીને તેને થોડા રૂપિયા આપ્યા.

બસ શરૂ થઈ. નાનકડી બાળકીએ તેના માતાપિતા સાથે તે વૃદ્ધને વિદાય તો આપી પણ તે પોતાની આંખના આંસુને રોકી ન શકી.

[7] ક્યાં જતું રહ્યું મારું બાળપણ ? (વિચારકથા)

‘વાર્તા તો ઘણી ટૂંકી છે પણ તને આ વાર્તા સાંભળવામાં મજા આવશે.’ મારી મમ્મી મને વાર્તા કહી રહી હતી પરંતુ હું તો કોઈ બીજા જ વિચારોમાં ડૂબેલી હતી. મને મનમાં એવું થતું કે ઈશ્વરે મને એક એવી ભેટ આપી છે જે મને જ નથી ખબર ! હું તો ચૂપચાપ બેઠી બેઠી વિચાર્યા કરું અને મમ્મી વાર્તા કહેતી જાય. મને તો મનમાં નવા નવા વિચારો આવ્યા કરે અને અનેક પ્રશ્નો ઊભા થાય. જો કે હું મોટી થતી જતી હતી એની સાથે મારા પ્રશ્નો પણ મોટા થતા જતા હતાં. આ પશ્નનો ઉછેર તો મેં જ કર્યો હતો પરંતુ આ પ્રશ્નો હું કોઈને નહોતી પૂછતી. પણ હવે તો મારાથી રહેવાયું નહિ. હું દાદી પાસે ગઈ અને પ્રશ્ન પૂછ્યો :
‘દાદી, સુખ એટલે શું ?’
દાદીએ કહ્યું : ‘સુખ એટલે એવી ખુશી કે જેમાં દુ:ખ ન આવે….’
મેં ફરી પ્રશ્ન કર્યો : ‘દાદી, દુ:ખમાં સુખ કેમ નહિ ?’

મારા આ પ્રશ્નનો જવાબ દાદી ન આપી શક્યા એટલે હું મમ્મીના રૂમમાં પહોંચી. પણ મમ્મીની રૂમમાં તો પપ્પા મમ્મી સાથે વાતોમાં હતા. હવે તો મારે પોતાનો પ્રશ્નનો જવાબ પોતે જ શોધવાનો રહ્યો. તમને ખબર છે કે હું કેટલી મૂંઝવણમાં પડી ગઈ હતી ? જો હું મારા જ પ્રશ્નને લીધે આટલી મૂંઝવણમાં પડી ગઈ તો મારા આ જ પ્રશ્નને લીધે લોકો કેટલા મૂંઝવણમાં પડી ગયા હશે !

બાર વર્ષની ઉંમરે મેં એક વાર્તા લખી હતી જેનું નામ હતું ‘ક્યાં ગયું મારું બાળપણ ?’. હું નાની હતી ત્યારે મારું બાળપણ છુપાઈ ગયું હતું પણ મેં મારા વિચારો અને પ્રશ્નોની મદદથી મારું બાળપણ શોધી કાઢ્યું હતું. હકીકતે તો વિચારો અને પ્રશ્નો એ જ મારું બાળપણ હતું. એટલે આજે પણ મારે મારા પ્રશ્નનો જવાબ વિચારો અને પ્રશ્નોમાંથી જ મેળવવાનો હતો. મને થયું કે દાદાજીને પૂછું. આકાશમાં ચમકતો તારો જોઈને હું બોલી : ‘દાદાજી, તમને મારું અત્યાર સુધીનું જીવન કેવું લાગ્યું ?’ અને હું દાદાજીને યાદ કરીને રડી પડી. મેં મનોમન દાદાજીને કહ્યું કે મને બીજો કોઈ પ્રશ્ન નથી પણ મને એક જ વાતનું ખૂબ દુ:ખ છે કે તમે મારા બાળપણમાં નથી….

[8] સમયની ઓળખ (ચિંતનાત્મક નિબંધ)

આમ તો બધાને એવું જ લાગશે કે ભગવાને બનાવેલી મહત્વની ચીજ એટલે ‘મનુષ્ય’. જો મનુષ્ય ન હોત તો એમ કહી શકાય કે જીવન પણ ન હોત. પરંતુ ભગવાને બનાવેલી મહત્વની વસ્તુ મનુષ્ય તો ખરો જ પણ એથીયે મહત્વની ચીજ છે મનુષ્યમાં રહેલો વિનય અને વિવેક. આ વિવેકમાં ભગવાને એવી શક્તિ મૂકી છે જે મનુષ્યને સમજતા ઘણી વાર લાગે છે. જો માણસમાં વિવેક આવે તો માણસની દષ્ટિ બદલાઈ જાય. દષ્ટિ એટલે આમ તો આંખ. આંખ ઘણું બધું જોઈ શકે છે જેમ કે દીવાલ, ટેબલ, ખુરશી, માણસ વગેરે. પરંતુ હું આપણે જે આંખ વડે જોઈએ છે તે બહારની દષ્ટિની હું વાત નથી કરતી. હું તો એની વિરુદ્ધ આવેલી અંદરની દષ્ટિની વાત કરું છું. બહારની દષ્ટિ આપણને જે બતાવે છે એ આપણે જોવું પડે છે પણ અંદરની દષ્ટિ તો આનાથી અલગ જ છે, જેને આજ સુધી ભાગ્યે જ કોઈ અનુભવી શક્યું હોય.

તમે જે કરો તે બીજા માટે કરો પરંતુ તમે જે કંઈ ખોટું ન કરો તે પોતાના માટે પણ ન કરો – આ અંદરની દષ્ટિની વાત છે. પણ તમે જે કંઈ કરો તે પોતાના માટે કરો અને બીજાને સ્પર્ધામાં હરાવીને કરો તે આપણને બહારની દષ્ટિ શીખવે છે. હું બહારની દષ્ટિ ખોટી છે તેમ નથી કહેતી પરંતુ તેને સારી રીતે વાપરતા માણસે શીખવું જોઈએ. આપણે પોતે બહારની દષ્ટિને સારી નથી બનાવતા. આપણો સ્વાર્થ, સ્પર્ધા, ખરાબ ઈચ્છા, યુદ્ધ, ઝઘડો, ગુસ્સો.. આ બધું બહારની દષ્ટિને સારી બનાવતા રોકે છે. એવું તે કેવું યુદ્ધ, સ્પર્ધા કે ગુસ્સો કે જે માણસને ગાંધીજીની આત્મકથા કે રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તકો વાંચતા રોકી દે ? અરે, બાળવાર્તામાં પણ ઘણું શીખવા જેવું હોય છે પરંતુ તે વાંચવા માટે માણસ પાસે સમય ક્યાં છે ?

માણસ પાસે સમયનો ઉપયોગ કરવા કરતાં સમય વેડફવાનો સમય વધારે હોય છે ! તે નકામી ચીજવસ્તુઓને ખરીદીને ઘરમાં લાવે છે એટલી સહેલાઈથી સમયને લાવી શકાતો નથી. ક્યારેક સમય મળે છે તો એને માણવાની તક એના હાથમાંથી જતી રહે છે. જેમ આપણે ચાલીએ છીએ તો આપણને આપણા ચાલવાનો અવાજ સંભળાય છે તેમ સમય ચાલે છે ત્યારે તેનો અવાજ કોઈને સંભળાતો નથી. ક્યારેક તમને એવું લાગે કે આજે આખો દિવસ ખૂબ સરસ ગયો અને તે સાંજે અચાનક જ કોઈ મોટું દુ:ખ આવી પડ્યું તો તમે તૂટેલાં ચંપલ ફેંકી દો એવી રીતે શું સમયને પણ ફેંકી દેશો ? એટલે કે દુ:ખમાં જ સમય વીતાવી દેશો ? શું તમે ચંપલને ફરીથી સીવી લો છો એમ સમયને સંભાળી નહીં લો ? મને લાગે છે કે સમય તો માટી બરાબર પણ છે. જેમ આપણે માટીમાંથી શિવલિંગ અને ઘર વગેરે બનાવીએ છીએ તેમ આપણે સમયથી ઘણું બધું બનાવી શકીએ છીએ.

કોઈ પુસ્તક લખવા બેઠેલા લેખકને વિચાર આવશે અને જતા પણ રહેશે. જો તે તેને પોતાના પુસ્તકમાં નહિ સમાવે તો એ વિચાર એમને ફરી કદી નહિ આવે. એવો જ સમય છે. જ્યારે આવે ત્યારે તેને પોતાના જીવનમાં સમાવેશ કરી લેવો જોઈએ. નહિતર એ ફરી કદી નહિ આવે. આ સમયને ઓળખવાની દષ્ટિ આપણને હોવી જોઈએ અને એ દષ્ટિ કેળવાય છે ફક્ત વિનય અને વિવેકથી. એટલે જ ભગવાને બનાવેલી સૌથી મહત્વની ચીજ એટલે માણસનો વિનય અને વિવેક.

prima

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાધના વિના સિદ્ધિ નથી – ડૉ. ઊર્મિલા શાહ
વાદળ વરસાદી છે – ધ્રુવ ભટ્ટ Next »   

38 પ્રતિભાવો : મારું મનગમતું સાહિત્ય – પ્રિમા શાહ

 1. dineshtilva says:

  jemni pase Samay na hoi teni pase ghano Samay hoi che te aanu nam.

 2. અતિ સુંદર. સાહિત્ય એટલે માત્ર એ નહિ જે મોટ મોટ લોકો લખે…કારણ કે એમાંય ક્યાંક ગોઠવણ હોય છે..પણ એક બાળક ના લખાણમાં ક્યાંય ગોઠવણ નથી હોતી….છતાં સાહિત્યની ચરમસીમાએ પહોંચે છે.

  પ્રિમાને અભિનંદન..!

 3. ખૂબ આગળ વધો તેવી અંતઃકરણની શુભેચ્છાઓ.

 4. satish says:

  mari pase sabdo nathi..pan under kaik thay che,..ane
  mara dil thi abhinandan

 5. પ્રિમા દીકરીને હૈયાની ખુબ દુઆ.

 6. ami says:

  પ્રિમા ને ખુબ ખુબ અભિનંદન. આટલી નાની ઉંમરે આવી સરસ સમજશકિત અને સર્જનકળા મળવી એ ખુબ જ આનંદની વાત છે. એ માટે ઇશ્વરકૃપા સાથે એની પોતાની સમજ અને ખાસ તો એના માતા-પિતાનો ઉછેર / કાળજી જવાબદાર છે એમને પણ ખુબ અભિનંદન.

  પ્રિમા ખુબ ખુબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ.

 7. Vijay says:

  બહુ જ સરસ. પ્રિમા નુ સાહિત્યજ્ઞાન અદભુત છે.

 8. Pranav says:

  Great ………………

  God bless u……………………..

  Abhinadan……………….

 9. નાની વયમાં પણ પ્રિમાની પ્રતિભા અદ્વિતીય છે.

  સમયની સાથે પ્રતિભામાં ઔર નિખાર આવશે.
  બસ એક વાત પર ભાર…

  મહામુલું બાળપણ એળે ના જવા દઈશ. બાળપણનો ઉત્સવ માણજે.
  સાહિત્ય..કવિતા..લેખન સમયની સાથે બધું થશે પણ બાળપણના સોનેરી દિવસો પાછા નહિ મળે.

  ઘણી શુભેચ્છાઓ…
  .

 10. Mahendra says:

  I am 66. 6 thi 16 varsh sudhi amari pan aavi baari hati ane maru lakhva-vanchvanu Soneri Savar thi thatun.
  Hardik subhchchhao sahit.

 11. હાર્દિક શુભેચ્છાઓ…

 12. Kaushik says:

  અભિનંદન……………
  ખુબ સરસ લેખ છે……..

 13. shivangi purohit says:

  all articles are superb….congrates
  god bless u beautiful!
  -shivangi

 14. nayan panchal says:

  પ્રિમાબા,

  શું કહું, શબ્દો જ નથી? બસ તે જ કહ્યુ છે તેમ વિચારોને ક્યાક ને ક્યાક સમાવતી રહેજે, પછી તે પુસ્તક હોય કે બ્લોગ. અને સાથે સાથે બાળપણની મજા પણ માણતી રહેજે. પ્રભૂની કૃપા તો બધા પર જ હોય છે, પરંતુ ખૂબ ઓછા તેનાથી માહિતગાર હોય છે. તારુ ભવિષ્યતો ખૂબ જ ઉજ્જવળ છે.

  મૃગેશભાઈ,

  આટલા લાંબા વિષયપ્રવેશને બદલે માત્ર એક જ લાઈન લખી હોત તો પણ પૂરતુ હતુ. આ લાઈન વાંચીને, સમજીને જીવનમાં ઉતારવામાં આવે તો બેડો પાર.

  “દુ:ખ એટલે એવા પ્રકારનું સુખ કે જેમાં આનંદ ભળે તો મુશ્કેલીઓ હકીકતે મુશ્કેલી નથી લાગતી.”
  એક અવસ્થા એવી પણ આવે છે કે જ્યારે મનુષ્યને સુખ અને દુઃખમાં કોઇ જ અંતર નથી દેખાતુ, તે “સુખ-દુઃખ પ્રૂફ” બની જાય છે.

  પ્રિમાબા ના વધુ લેખો આપતા રહેશો.
  આભાર,
  નયન

 15. suresh thakker says:

  very good excelent as per age -best wishes

 16. Ashish Dave says:

  Keep crancking… and go places…

  Ashish Dave
  Sunnyvale, California

 17. chetu says:

  પ્રિમા ને ખૂબ ખૂબ આશિર્વાદ અને અભિનન્દન … ઇશ્વરનેી કૃપા વિના કશુ શક્ય નથી અને આપણા ભારતમા આવા અનમોલ રત્નો ઉછરી રહ્યા છે એ આપણા માટે ગૌરવ ની વાત છે..

 18. patel krishna says:

  Fantastic
  The girl has a superab thinking power
  god give her all happiness

 19. Margesh says:

  She’s really wonderful..

 20. Heena Parekh says:

  ખૂબ સરસ. ઈશ્વરે પ્રિમા પર અપાર કૃપા વરસાવી છે.

 21. jignesh shah says:

  ખુબ સરસ ભાઇ
  અભિનંદન……………

 22. Smita says:

  પ્રિમા
  અભિનઁદન
  આટલી નાની ઉમરમાઁ આટલી સરસ કૃતિ ! અમને પણ વિચારતા કરી મુક્યા.

 23. કલ્પેશ says:

  ‘આપણી પાસે જે વ્યક્તિ સાથે ન હોય ત્યારે જ એમનું આપણા જીવનમાં સ્થાન ખબર પડે છે.’

  આ વાત સમજવામા આખી જિંદગી સમાપ્ત થઇ જાય છે.

  ઇજીપ્તની એક કહેવત – કોઇ વસ્તુને ભુલાવવી હોય તો એને નજર સામે મૂકી દો.
  આપણી નજરની સામે રહેતા લોકો આપણા ધ્યાનની બહાર જતા રહે છે અને જ્યારે એ ન હોય ત્યારે જેમ પ્રિમાએ લખ્યુ છે તેમ
  “એમનું આપણા જીવનમાં સ્થાન ખબર પડે છે.”

 24. Akbarali Narsi says:

  પ્રિમા
  આપને ઈશ્વર દત પ્રિભા માટે ખુબ ખુબ અભિનંદન
  શ્રિ જય પટેલનાં પ્રતિભાવને આબેહુબ મળતો આવુ છું,
  મારો એજ પ્રતિભાવ છે (બાળપણ મહામુલું છે)
  આપના માતા પિતા પણ એટલા જ ધન્યવાદ ને પાત્ર છે
  તેવોએ પણ ઈશ્વર નો આભાર માનવો જે આપનાં જેવાં
  સંતાન ની બક્ષિસ મળી , ફરી ફરી અભિનંદન
  અકબર અલી નરસી usa

 25. Vraj Dave says:

  લાડલી પ્રિમા ને આશિષ સાથે અભિનંદન.
  આવજો….આભાર . ..
  વ્રજ

 26. rekhasindhal says:

  પ્રીમાને ખુબ ખુબ ધન્યવાદ! પ્રસંશાઓ પ્રોત્સાહક બળ રહે પરંતુ વિકાસનો અંતરાય ન બને તેવી શુભેચ્છા.

 27. Sarika Patel says:

  khubaj sara vartao. vichrono ane sahitaya no bhandar atele prima.

  Best of luck to prima. We are proud of you.

 28. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ. દરેક લેખ સુંદર છે.
  પ્રીમાને ખુબ ખુબ ધન્યવાદ!

 29. siddharth says:

  આવો સુંદર વિચાર પ્રવાહ !.. વાહ !.. ખૂબ સુંદર…
  આટલી પ્રભાવી બાળ પ્રતિભા જોઇને ઘણો આનંદ થયો…
  અહીં કર્મનો સિધ્ધાંત દેખઇ આવે છે…કર્મ કદી એળે જતું નથી…
  કોઇક જન્મારે વાવેલા બી આજે ઉગી નીકળ્યા છે…
  વામન છતાં વિરાટ એવા આ બાળપુષ્પને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા….

 30. anil kumar b says:

  આપનેી બધેી ક્રુતેી ખુબ ગમિ

 31. Pritam says:

  Abhaar, ketloo saru sundar vichaar, aa lekh vachi ne mun aandait thayi gayoon.

 32. Ritesh Patel says:

  What a talent………. I am sure she must be a person, who has achieved a lot in her previous birth. It seems she is trying to fulfil some of her work she left undone.
  May God bless this girl with even more blessings and give her ALL the strengths and power to accomplish all the good deeds she wanted to do.

 33. Gopal Mekhia says:

  It was seriously awsome i learn very good things for this.
  Thanks For this.

 34. jadav kamlesh says:

  very nice good girle awrticle to read i will very happy. nice…

 35. Chintan Parmar says:

  ખુબજ સરસ, વિશ્વકક્ષાની પ્રતિભા કહીં શકાય.

 36. PINAKIN PATEL saudi arabia says:

  સરસ,આટલી નાની ઉમર મા આટલી ઊંચાઈ.અભિનંદન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.