દિલ્હીનો રિક્ષાવાળો – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

પહેલી જ વખત મારે દિલ્હી જવાનું થયું ત્યારે હું લગભગ શિયાંવિયાં જ થઈ ગયો. જેણે કદી રાજકોટ છોડ્યું જ નહોતું એને મહાનગરમાં, આટલે દૂર આવેલા અજાણ્યા શહેરમાં જવાનું થાય ત્યારે એની દશા તમે જ કલ્પી લો. એ વખતે હું રાજકોટ રહેતો. રાજકોટની શાળા અને કૉલેજમાં રહી ભણ્યો અને ભણ્યા પછી તુરંત જ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી મળી ગઈ એટલે ‘ડાળીએ બેઠો’ એવું કહી શકું. નોકરીની કામગીરીમાં હિસાબો રાખવાના, માલના ચલાન બનાવવાનાં અને બિલો ફાડવાનાં. નવા નિશાળિયાને બીજું સોંપી શકાય પણ શું ? મારે એક વૃદ્ધ મહેતાજીની નિગેહબાનીમાં કામ કરવાનું રહેતું.

નવી નવી નોકરીમાં તરવરાટ રહે. ખાનગી પેઢીમાં ટકી રહેવું હોય, પગારની વૃદ્ધિ થાય અને શેઠની રહેમ નજરમાં રહેવું હોય તો કામગીરી દીપાવવી પડે. હું શેઠની નજરમાં વસી ગયો. દિલ્હીની એક કંપની અમારી કંપનીનો માલ લેતી. નિયમિત રીતે માલ જતો હોવાથી અને પૈસાની લેવડ-દેવડ થતી રહેતી હોવાથી હિસાબમાં ક્યાંક ભૂલ આવી. આ ભૂલ સુધારવા અને હિસાબની પતાવટ કરવા અમારી કંપનીમાંથી કોઈએ અમદાવાદ જઈ એ કંપનીના હિસાબનીશ સાથે વ્યવહાર સમજી લેવાનો આગ્રહ રખાયો હોવાથી અને અમારા મહેતાજી ઉંમરને કારણે લાંબો પથ કાપી શકે એવી હાલતમાં ન હોવાથી મારા શેઠે મારા પર પસંદગી ઉતારી. દિલ્હીમાં મારી રહેવાની વ્યવસ્થા ત્યાંની કંપની કરવાની હતી એટલે મારે ત્યાં પહોંચ્યા પછી કોઈ બીજી ચિંતા કરવાની હતી જ નહીં. હા, હિસાબની ફાઈલો, બિલ, ચલાન વગેરે સાચવીને લઈ જવાનાં.

બહુ જ ગભરાતાં ગભરાતાં હું ટ્રેનમાં બેઠો. બીજે દિવસે વહેલી સવારે જ્યારે હું દિલ્હી સ્ટેશને ઊતર્યો ત્યારે કોઈ વિરાટનગરીમાં આવી ચડ્યો હોઉં એવું અનુભવ્યું. ક્યાં ખોબા જેવડું રાજકોટ અને ક્યાં બે પહોળા હાથમાં પણ ન સમાય એવું દિલ્હી ! મારે જવું હતું જૂની દિલ્હી પણ ભલા એ ક્યાં આવ્યું હશે ? ત્યાં જવા માટે ક્યું વાહન પકડવું એવા વિચાર સાથે હું મારી બેગ લઈ સ્ટેશનની બહાર નીકળ્યો ત્યારે આ શહેરથી અજાણપણાના મારા ચહેરા પરના ભાવ નિહાળી રિક્ષાવાળા મારા પર તૂટી જ પડ્યા. એમને સવારી જોઈતી હતી. જેટલું અંતર લાંબુ, એમ કમાણી વધુ કારણ કે એ બધા રિક્ષાવાળા હતા. જેમ તેમ તેમનાથી પીછો છોડાવી હું પાછો સ્ટેશનમાં ઘૂસી ગયો. એક સ્ટૉલ પર જઈને ચા પીધી અને પછી અડધા-પોણા કલાકે બહાર નીકળ્યો ત્યારે થોડા રિક્ષાવાળા ઊભા હતા પણ એ બધા બદલાઈ ગયેલા. મને મળેલા તે નહીં. ઊભેલી બધી રિક્ષાઓમાંથી એક પર મારી નજર પડી. એમાંથી એક રિક્ષાની એક બાજુ પર ચિતરાયેલાં વાક્યો પર મારું ધ્યાન ખેંચાયું. એમાં અંગ્રેજીમાં લખ્યું હતું : ‘જીવન ઈશ્વરી દેન છે. એને ઈશ્વરની ભેટ સમજીને જીવો.’ આ વાક્યથી હું પ્રભાવિત થયો. એ રિક્ષાની બાજુમાં મારી જ ઉંમરનો યુવાન ઊભો હતો. મેલું કાળું પેન્ટ અને ફાટેલું શર્ટ, પણ એના મોં પર રમતા મધુર હાસ્યને જોઈ હું એના તરફ આકર્ષાયો અને ધીરેથી બોલ્યો :

‘જૂની દિલ્હી જાના હૈ, આના હૈ ?’
‘આઈએ, બૈઠીયે’ કહી એણે મારા હાથમાંથી બેગ લઈ રિક્ષામાં મૂકી.
‘શું ભાડું થશે ?’ મેં સાશંક સ્વરે પૂછ્યું.
‘જૂની દિલ્હી મેં કહાં જાના હૈ ?’
મેં ગજવામાંથી કાપલી કાઢી એને સરનામું વાંચી સંભળાવ્યું. સરનામું સાંભળી એણે કહ્યું :
‘સિર્ફ ચાલીસ રૂપિયે.’

કશી રકઝક કર્યા વિના હું એની રિક્ષામાં બેસી ગયો. એણે રિક્ષા શરૂ કરી. એક અજાણ્યા શહેરને મેં મુગ્ધતાથી જોયા કર્યું. પચીસ વર્ષની મારી ઉંમર હજુ પર્યટનજ્ઞાનથી કાચી રહી ગઈ હતી. જૂની દિલ્હીની મનોમન કલ્પના કરતો હું આગળ તો વધ્યો પણ મનમાં બીક હતી, ગભરામણ હતી. મારી આજુબાજુ માનવ મહેરામણ છલકાતો હોવા છતાંયે મને શેની બીક હતી ? અજાણપણાની કે ખુદ પરના અવિશ્વાસની ? મારો ભય ઉડાડવા હું એની સાથે વાતોએ વળગ્યો.
‘આપકા નામ ?’
‘ગોવિંદ. ગોવિંદ.’ એ પાછું જોઈને હસ્યો.
‘દિલ્હી કે રહનેવાલે હો ?’
‘મૈં તો કલીમપોંગ કા રહેવાસી હું.’
‘કહાં તક પઢે હો ?’
એણે સામો સવાલ કર્યો : ‘આપ કહાં તક પઢે હૈ ?’
‘મૈં તો બી.કોમ. પાસ હું.’
‘મૈંને બી.એ. એક્સ્ટર્નલ એકઝામ પાસ કી હૈ.’
‘કૌન સા સબ્જેક્ટ થા બી.એ. મેં ?’
‘હિસ્ટ્રી-સાયકોલોજી. લેકિન જ્યાદા દિલચશ્પી સાયન્સ મેં હૈ. જબ ફુરસત મિલતી હૈ તબ વિજ્ઞાન કે બારે મેં આર્ટિકલ્સ પઢ લેતા હું.’

એક ગ્રેજ્યુએટ રિક્ષાવાળો ! અભ્યાસમાં બરાબર મારો સમકક્ષ પણ એક વિષયનું એનું પલ્લું મારા કરતાં ભારે હતું. આપણે રામ તો સામાન્ય જ્ઞાનમાં પણ બિલકુલ સામાન્ય. ઈતર વાચનનો જરા પણ શોખ નહીં. ગોવિંદે મને અહીંની કંપનીની ઑફિસ સામે જ ખડો કરી દીધો. મેં એની મહેનતના ચાલીસ રૂપિયા ચૂકવ્યા કે એણે ગજવામાંથી સુવાક્યોવાળું એક નાનકડું પતાકડું મારા હાથમાં ધરી દીધું અને બોલ્યો :
‘મારા તરફથી ભેટ.’
અંગ્રેજી ભાષામાં લખાયેલાં એ સુવાક્યો તરફ મેં નજર ફેરવી. એમાં રામકૃષ્ણ પરમહંસનું સુવિખ્યાત વાક્ય હતું : ‘તમે સૌને ચાહો, સહુ તમને ચાહતા થઈ જશે.’ ગોવિંદની એ ભેટનો મેં સ્વીકાર કરી એનો આભાર માન્યો કે એણે હસતાં હસતાં પ્રત્યુત્તર વાળ્યો :
‘હું બીજાને ચાહીશ તો બીજા મને ચાહવા લાગશે. આર્કિમિડીઝના પ્રિન્સિપાલ જેવી થીઅરી છે.’ એણે એની રિક્ષા પાછળ એક ચીતરેલા વાક્ય તરફ મારું ધ્યાન ખેંચ્યું. – આપો અને મેળવો.
‘તમે ગ્રેજ્યુએટ થઈને આવી મજદૂરી કેમ કરો છો ? તમારે તો કોઈ શાળામાં શિક્ષક બનવું જોઈએ.’
બેકારીના કે નોકરીના ફાંફાંના રોદણાં રડવાને બદલે એણે તત્વજ્ઞાન ઉચ્ચાર્યું : ‘આ જગત મહાશાળા છે. શીખતા જાઓ અને અન્યને શીખવતા રહો.’ હું આ રિક્ષાવાળાથી ખૂબ પ્રભાવિત થયો. મારાથી કહેવાઈ જવાયું :
‘મારે આ શહેર જોવું છે. મને ફેરવશો ?’
‘જરૂર. આ શહેરના એકેએક સ્થળના ઈતિહાસનો હું જાણકાર છું. મેં કોઈની અવેજીમાં ગાઈડ તરીકે પણ થોડો સમય કામ કરેલું ક્યારે લેવા આવું ?’
‘ખબર નથી. આજે જ આ પેઢી પર કામે આવ્યો છું. બે-ત્રણ દિવસ રોકાવાનું થશે પણ ટ્રેનની લાંબી સફરથી થાકી ગયો હોવાથી મારું આજનું કામ પાંચેક વાગે પૂરું થઈ જશે એમ લાગે છે.’
‘પાંચ વાગે આવી જઈશ.’ એમ કહી એ એના બીજા પેસેન્જર તરફ વળ્યો.

બપોરના બે સુધી મેં અને આ પેઢીના હિસાબનીશે લેવડ-દેવડના થોડા તાળા મેળવ્યા અને પછી મને એ બિલ્ડિંગની પાછળ આવેલા એક મકાનની ઉપલી ઓરડી પર લઈ ગયો અને બોલ્યો : ‘અહીં તમારે રહેવાનું. રાત્રે ભૂખ લાગે તો આપણી ઑફિસની સામે મારવાડી લોજમાં જમી લેજો. નહાવા માટે આ ખૂણામાં બાલદી, ટમ્બલર રાખ્યાં છે. ટોઈલેટ આ માળે ખૂણામાં છે. કાલે સવારે નવ વાગે તૈયાર થઈને નીચે આવજો એટલે આગળનો હિસાબ જોઈશું.’ એ સાહેબ ગયા. મારા કરતાં ઉંમરમાં એ ઘણા મોટા એટલે છોકરડા જેવા લાગતા મને બહુ ખાસ દાદ આપી નહીં. મારી એકાંતની આ ઓરડીમાં મેં આરામ ફરમાવ્યો. સાડા ચાર વાગે ચાની તલબ લાગતાં હું નીચે આવ્યો તો ઑફિસની સામેના રસ્તા પર ગોવિંદ એની રિક્ષા લઈને ઊભો હતો. મને જોઈને એ મને સામે લેવા આવ્યો.

અમે બંને એ સાથે ચા પીધી અને દિલ્હી પર્યટનમાં નીકળી પડ્યા. શહેરના ગંદા, સાંકડા રસ્તે એ બહુ જ સફાઈપૂર્વક પોતાનો માર્ગ કંડારતો જતો હતો. વીસ-પચ્ચીસ મિનિટમાં મને ગંદકી, ગરીબી, ઝૂંપડપટ્ટી જેવી વસાહતો સિવાય બીજું કંઈ જોવા ન મળ્યું પણ શહેરના કોઈ ભવ્ય સ્થળે જતાં પહેલાં કદાચ આ રસ્તેથી જવાનું હશે એમ મેં માન્યું. એણે એક મજૂર વસાહત જેવી કોટડી પાસે રિક્ષા ઊભી રાખી અને હું ચમક્યો. પેલી કંપનીના દિલચશ્પી હિસાબનીશે મને મજાકમાં નહોતું કહ્યું કે દિલ્હી આવ્યા છો તો ગુજરાતી જવાની સામે અહીંની જુવાનીનો પણ મુકાબલો કરતા જજો….
હું રિક્ષા પાસે જ ઊભો રહ્યો.
ગોવિંદે ગજવામાંથી ચાવી કાઢી એક કોટડીનું તાળું ખોલ્યું અને મને એમાં આવકાર્યો. હું અચકાયો એટલે એ બોલ્યો : ‘દિલ્હી દર્શન કરો તે પહેલાં મારું ઘર પાવન કરી લો.’
મેં ડરતાં ડરતાં એના ઘરમાં પ્રવેશ કર્યો. આઠ બાય આઠની એની છાપરાવાળી ઓરડીમાં એક જૂની ચારપાઈ હતી, ફોલ્ડિંગ ખુરશી હતી અને ચારે બાજુ જૂનાં મેગેઝિનો અને પુસ્તકો પથરાયેલાં હતાં. એક દીવાલ પર એણે રંગીન ચોકથી લખ્યું હતું : ‘મારા પેસેન્જરો મારા ભગવાન. એની સેવા કરવી મારી ફરજ છે.’ એના ગોળાનું પાણી પી, થોડી વાર બેસી અમે બહાર નીકળ્યા. એની જીવનકથની સુણાવતાં એણે કહ્યું :
‘કલીમપોંગમાં મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો. પણ વધુ અભ્યાસ માટે મારા ઘરની સ્થિતિ નહોતી. મેં મારા પિતાને કહ્યું કે ઈશ્વરે મને બે હાથ અને બે પગ આપ્યા છે એ ઓછું છે ? એ શહેરના એક શેઠની મહેરબાનીથી હું અહીં દિલ્હી આવ્યો અને ભણ્યો. શરૂ શરૂમાં હું કોઈનાં ઘરકામ કરતો, પણ પછી મેં રિક્ષા ભાડે લઈ લીધી. થોડું કમાયો એટલે મારી પોતાની રિક્ષા ખરીદી લીધી. હવે મારાં માત-પિતાને થોડી રકમ મોકલવાની છે જે આ મહિને મોકલી આપીશ… ચાલો, આપણે જઈએ.’

એણે રિક્ષા દોડાવી.
એનું વાહન ભલે દોડતું હોય પણ ગોવિંદનું દિલ સદાય દોડતું ધડકતું રહેતું હતું. ત્રણ દિવસ દરમિયાન ગોવિંદ મારો મિત્ર બની ગયો. રાજકોટ આવ્યા પછી એની સાથેનો મારો પત્રવ્યવહાર ચાલુ રહ્યો. એ પત્રવ્યવહારમાં એની પ્રગતિ અને કૌટુંબિક જીવનનાં દર્શન થતાં રહેતાં. રિક્ષા ચલાવતાં ચલાવતાં એણે એમ.એ. કર્યું. એક નવી ખૂલેલી કૉલેજમાં એ લેકચરર બન્યો, પરણ્યો, સંતાન થયાં. એના પત્રમાં એણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે દ્વારિકાધામની યાત્રા કરવી. એક વેકેશનમાં એ સહકુટુંબ મારે ઘેર આવ્યો અને અમે સાથે દ્વારકા ગયા.

કોણ જાણે, મને સતત એમ જ લાગ્યા કર્યું હતું કે કોઈ પણ શહેરના રિક્ષાવાળાને માત્ર ભાડામાં જ રસ હોય છે. જો કે આપણને સૌને કમાવામાં જ રસ હોય છે પણ ગોવિંદ માત્ર ભાડું જ નહીં, માણસનો પ્રેમ પણ કમાતો હતો. એણે મને ઘણું ઘણું શીખવ્યું છે જે હું મારી જિંદગીમાં ક્યારેય ભૂલી શકીશ નહીં. દિલ્હી માત્ર એક જ વખત ગયો છું પણ ગોવિંદે દિલ્હીને મારું પ્રિય શહેર બનાવી દીધું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શીલવંત સાધુને… – ગંગાસતી
એક પ્રવચન – સુરેશ પરીખ Next »   

29 પ્રતિભાવો : દિલ્હીનો રિક્ષાવાળો – ગિરીશ ગણાત્રા

 1. કલ્પેશ says:

  ‘તમે ગ્રેજ્યુએટ થઈને આવી મજદૂરી કેમ કરો છો ? તમારે તો કોઈ શાળામાં શિક્ષક બનવું જોઈએ.’
  બેકારીના કે નોકરીના ફાંફાંના રોદણાં રડવાને બદલે એણે તત્વજ્ઞાન ઉચ્ચાર્યું : ‘આ જગત મહાશાળા છે. શીખતા જાઓ અને અન્યને શીખવતા રહો.’

  નથી લાગતુ કે આપણે એક નામ/હોદ્દા માટે કેટલી દોડાદોડ કરીએ છીએ?

  ‘તમે સૌને ચાહો, સહુ તમને ચાહતા થઈ જશે.’
  સુવાક્યો વાંચીએ પણ અમલમા ક્યારે મૂકશુ?

 2. Vaishali Maheshwari says:

  Excellent story.

  The auto-rickshaw driver was well educated, but he did not think that any job is small or great.
  He worked hard, started from scratch and reached to a deserving position.

  Thank you Author for sharing this wonderful story…

 3. Margesh says:

  Really nice inspirational story.

 4. જીતેંન્દ્ર જે. તન્ના says:

  સરસ. ખુબ સરસ. ઘણા સમયથી ગિરીશભાઈની નવી વાર્તા વાંચી હતી. એકદમ સરસ.

 5. તરંગ ભાલચન્દ્ર હાથી says:

  દિલ્હીનો રીક્ષાવાળો મને તો ઘણું શિખવી ગયો.

  ” મેં મારા પિતાને કહ્યું કે ઈશ્વરે મને બે હાથ અને બે પગ આપ્યા છે એ ઓછું છે ?”

  આ વાક્ય તેણે ખરેખર સાર્થક કર્યું. આજે આમ વિચારનારા યુવાનો બહુ ઓછા જોવા મળે. અહિં મને એક કથા યાદ આવે છે જે આપ સહુ વાચકો સમક્ષ મુકું છું.

  ગાંધીનગરમાં અમે ૪-૫ યુવા મિત્રોએ નક્કી કર્યું કે આપણે કોઇની મદદ વિના સેટલ્ડ થયા છીએ. આપણે એવા યુવાનો ને મદદ કરીએ કે જેઓ નોકરીની શોધ માં હોય. અમે અમારા લાગતા વળગતા લોકોને કહ્યું કે તમારી કંપની, પેઢી, દુકાન વગેરેમાં ગ્રેજ્યુએટ યુવાનો ની જરૂર હોય તો પહેલાં અમને કહેજો. અમારા ધ્યાન માં જરૂરિયાત વાળા યુવાનો છે તેમના નામ અને તેમનો બાયોડેટા તમને મેઇલ કરીશું. તેવામાં ગાંધીનગરના નાગર સદ્દગૃહસ્થે એવા એક જરૂરિયાતમંદ યુવાનને મારી પાસે મોકલ્યો અને કહ્યું કે આ ભાઇ નોકરીની શોધમાં છે તેને મદદ કરજો. મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદની એક ફાર્માસ્યુટીક્લ્સ કમ્પનીમાં ગ્રેજ્યુએટ એમ.આર. ની જરૂર હતી અમે તે ભાઇ ને મોકલ્યા. અમને એમ કે તે ભાઇ અમારી પાસે આવશે અને કહેશે કે મને નોકરી મળી ગઇ છે પરંતુ અમને એવા સમાચાર મળ્યા કે તે ભાઇએ સાક્ષાત્કારમાં કહ્યું કે મને ટેબલ જોઇએ, ટેબલ પર એસટીડી ફોન જોઇએ, કમ્પની તરફથી મોબાઇલ જોઇએ, પેટ્રોલ એલાઉંસ, પગાર ૫ આંકડામાં વગેરે વગેરે. હવે આવા યુવાનોની જિજિવિષા ક્યાં જઇ ને અટકશે????

 6. દિલ્હીનો રિક્ષાવાળો વાર્તામાં સૌથી નસીબવાળા તો નવી ખુલેલી કૉલેજના વિદ્યાર્થીઓ નિકળ્યા..!!!

  આ કૉલેજના વિદ્યાર્થીઓને આવા ઉચ્ચ વિચારોવાળા અધ્યાપક મળ્યા જે કંઈ કેટલાયના વિચારો ઘડવામાં નિમીત્ત બનશે.
  આજે કેટલાય ખંતીલા યુવાનો નોકરીની સાથે પાર્ટ-ટાઈમ અભ્યાસ અને ઈતર પ્રવૃતિ કરતા રહે છે.
  સ્કાયઝ આર અનલીમિટેડ.

  જ્ઞાન વહેચવાથી વધે છે.
  જ્ઞાન એવી સંપત્તિ છે જેનો નાશ થતો નથી અને કોઈ લુંટી શકતું નથી.
  જ્ઞાનનો દાની મહાદાની છે.

 7. Ankit Nagrecha says:

  દિલ્હીનો રીક્ષાવાળો મને તો ઘણું શિખવી ગયો
  જિવન મા માત્ર યાદ રાખો – ‘તમે સૌને ચાહો, સહુ તમને ચાહતા થઈ જશે.’

 8. Veena Dave, USA says:

  વાહ, ખુબ સરસ.

 9. kantilal kalaiwalla says:

  The best creation.I salute writer and Rikshaman.

 10. Nitin Patel says:

  I like this story too much. if i used only 5 % in my own life , i can become good man andn i can give my kids good knowledge. I’ll try to absorb 5 % of the story… more than that i don’t hink so possible for me but at least i can do that….

 11. nayan panchal says:

  આ જગત મહાશાળા છે. શીખતા જાઓ અને અન્યને શીખવતા રહો.

  કેટલી સાદી અને સાચી વાત. આજના મનુષ્યની જીજિવિષાનો અંત નથી અને અસલામતીનો પાર નથી. રિક્ષાવાળો આ બધાથી ઉપર છે.

  ખૂબ સરસ.
  આભાર,

  નયન

 12. Harshad Patel says:

  Man is living his life with dignity and has a big heart.

 13. sima shah says:

  સરસ
  ઘણુ જ સરસ
  તમે સૌને ચાહો, સહુ તમને ચાહતા થઈ જશે.’
  સીમા

 14. a says:

  ખૂબ જ સરસ……

 15. Dilipkumar D.Chinchwadkar says:

  Very good & emotional collegian life story.

 16. Dilipkumar D.Chinchwadkar says:

  DATE:09-07-2009
  Vadodara

  Very Good creation. I Heartily Salutation to Writer and Rikshaman( Delhiwala Rickshaw)

  DILIPKUMAR D. CHINCHWADKAR

 17. Naresh Badlani says:

  a small and unique story but teah us that
  be positive with life

 18. ક્યું કામ કરીએ છીએ તે નહીં પણ કેવી રીતે કરીએ છીએ તે મહત્વનું છે. રિક્ષાવાળાએ ઘણું શિખવ્યું.

  ગીરીશભાઈને ધન્યવાદ.

 19. Jigna Bhavsar says:

  ‘મારા પેસેન્જરો મારા ભગવાન. એની સેવા કરવી મારી ફરજ છે.’
  ‘જીવન ઈશ્વરી દેન છે. એને ઈશ્વરની ભેટ સમજીને જીવો.”
  આપો અને મેળવો.
  ‘તમે સૌને ચાહો, સહુ તમને ચાહતા થઈ જશે.’

  આપણા સૌ ના દિલોમાં આવી ભાવના હો અને જેથી આ સમગ્ર જગત સ્વર્ગ થઈ જાય.

 20. khushi says:

  It’s a really very good story
  I have first time read the story of girishbhai
  It’s really very interesing

 21. ભાવના શુક્લ says:

  ખુબ સરસ કૃતિ.. એક ઇમાનદારીથી પોતાની શરતે જીવનને જીવતા અને માણતા આવા મનેખ ક્યારેક આમ અનાયાસે જ મળી જાય છે અન જીવનપર્યંત આપણી આસપાસ પ્રેરણા બની ને ધબકતા રહે છે.

 22. Dhaval B. Shah says:

  સરસ વાર્તા.

 23. Vipul Panchal says:

  nice journey…

  Good Story.

 24. Pratibha Patel says:

  Very touching story. There are still hard working and honest people in this world.
  Thank you author for sharing your wonderful experience.
  Pratibha Patel U.S.A

 25. maullik says:

  it does not matter that you win the game of life or not but it really matters how you decide to play…it gives you satisfaction at the end of life which is needed at the end…….otherwise it goes wasted ……………..and its ultimate failure of life….

 26. MUKUND THAKKAR says:

  I THINK YOU ARE ONE OF THE SIMPLE MAN,VIEW AND GOODNESS OF MR.GOVIND IS HIGLY EFFECTED YOUR LIFE, GOD IS ALWAYS SENDING ANGEL IN DIFFERENT ROLLS, WE JUST CAUGHT HIM AND GET IT WHAT WE HAVE LOOKING FOR. SAME WAY YOU ARE GETTING FROM GOVIND. PLEASE KEEP OPEN YOUR HEART AND EYE YOU WILL FIND EVERY WHERE PERSON LIKE GOVIND.

 27. ranjan pandya says:

  થોડામાં ઘણું

 28. Ankit says:

  સરસ
  ઘણુ જ સરસ
  તમે સૌને ચાહો, સહુ તમને ચાહતા થઈ જશે.’

  આ જગત મહાશાળા છે. શીખતા જાઓ અને અન્યને શીખવતા રહો

  આભાર,
  અંકિત

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.