જમજીરનો ધોધ – વંદના શાંતુ ઈંદુ
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428301427 ]
હજુ તો તમે ખેતરના શેઢે કરેલી વંડીના પથારાને કે પછી જમીનમાંથી ડોકાતા પથ્થરોને જૂઓ ને વિચારો કે કોઈ કાળે અહીંયાં દરિયો ઘૂઘવતો હશે જ્યાં આજે જંગલ લહેરાય છે. ત્યાં જ તમારા કાને છાલક લાગશે જલરવની અને તમે ચમકશો અરે ! દરિયાને યાદ કર્યો ને તેનો રવ ક્યાંથી ફૂટી નીકળ્યો ! શું એ પથ્થરોમાંથી ઉઠતો હશે ? આ પ્રશ્નનો જવાબ મળે તે પહેલા જ પેલો ‘રવ’ ‘ઘોષ’માં પલટાય ગયો હશે.
હા…. જલઘોષ દરિયાનો નહિ પણ નદીનો. તમારી નજર સામે જ પાણી – પાણી થઈ ગયેલો સમય અફડાતો, કૂદતો પડતું મૂકે છે પોતે જ કોતરી કાઢેલી ખીણમાં ઉપરવાસથી હેઠવાસ ધૂબાકો મારવા કદી ન પાછા ફરવા ! તમે આંખ ચોળતા ઊભા રહેશો ને વિચારશો કે ક્યાં છીએ ? ફરવા નીકળેલા કાઠિયાવાડ ને પહોંચી ગયા ભેડાઘાટ કે શું ! આશ્ચર્યમાંથી બહાર આવો દોસ્તો, તમે કાઠિયાવાડમાં જ છો. નજર સામે ખાબકતો ઘોધ ભેડાઘાટનો નહીં પણ જમજીરનો છે. તેને તમે મીની ભેડાઘાટ કહી શકો. તે શિંગોડા નદી પર આવેલો છે. પણ ઊભા રો….. શિંગોડાને મીની નર્મદા ન કહેતા, કેમકે એ તરત એનું શિંગડું ઉતારીને ના કહેશે અને તમને પૂછશે કે શું ધોધ બનીને વહેવું ને કાળમીંઢ શીલાઓ ઉપર નકશીકામ કરવું એ શું ફક્ત નર્મદાનો જ ઈજારો છે ? મને જૂઓ, હું શિંગોડા પણ કેવી ધોધ બની શકું છું ! હું પણ શીલાઓ ઉપર નકશીકામ કરી શકું છું. પણ તમે તો નર્મદાના ભેડાઘાટને જ ઓળખો, તેથી મારે કાંઠે આવીને પણ એને જ સંભારો છો. મને એમાં કઠઈ વાંધો નથી પરંતુ પાછા જઈને દુનિયાને કહેજો કે શિંગોડાને પણ આવડે છે જમીનમાં છુપાયેલી કરાલ શીલાઓને કોતરીને પોતાનો રસ્તો બનાવતા. મારા પગલાને સમય પણ ન ભૂસી શકે. કહેશો ને ?
શિંગોડા નદીના ધોધને જમજીરનો ધોધ કહેવાય છે. નજીકમાં જ જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે. હજારો વર્ષ પહેલા જ્યારે ઋષિ જમદગ્નિ શિંગોડાને કિનારે વિચરતા હશે ત્યારે આ ધોધ જે આજે નગારા જેવો ઘોષ કરે છે તે ત્યારે મંજીરા જેવો મંજુલ રવ કરતો હશે. તેથી ઋષિએ ધોધનું નામ રાખ્યું મંજીરા. ત્યારબાદ ઋષિ તો સ્વર્ગે સિધાવ્યા. ઋષિની યાદ કાયમ રાખવા લોકોએ મંજીરા આગળ જમદગ્નિનો ‘જ’ લગાડી દીધો ને ધોધનું નામ જમંજીરા જે વર્ષો જતાં જમજીર થઈ ગયું. એમ તો હજુ થોડાં વર્ષો પહેલાં જ જમદગ્નિ આશ્રમમાં સંતશ્રી સરસ્વતીજી રહેતા હતા. નદીના જયઘોષને સાંભળતા રહેવા માટે તેમણે મૌન ધારણ કર્યું હતું. બાર વરસ મૌન રહ્યા ! તેમના માનમાં કોઈએ જમજીરનું નામ સરસ્વતી કર્યું પણ હજારો વર્ષથી જમજીર એવું તો લોકજીભે ચડી ગયું છે કે કોઈ એને સરસ્વતી ધોધ કહેતું નથી. સંતશ્રી સરસ્વતીજીની પણ એ જ ઈચ્છા હશે.
ધોધના બંને કાંઠે વિશાળ અડાયા છાણા જેવી શિલાઓ થપ્પી રૂપે ગોઠવાયેલી હોય એવું લાગે. સ્તબ્ધ ઊભેલી શિલાઓને ખબર પણ નથી કે આ મસ્ત મુલાયમ પાણીએ ક્યારે ધસમસતા આવીને એમને વેરી નાખી ! વેરાવાની પીડા આંસુ બનીને છૂટી નીકળી હોય તેમ તીરાડોમાંથી ઝીણી ધારારૂપે પાણી વહ્યા કરે છે, ને ભળી જાય છે શિંગોડાના વેગમાં. કાંઠાના છીપારામાં ગોળ-કાણા પડી ગયેલાં દેખાય છે. જાણે કે ઋષિ જમદગ્નિનાં પત્ની સતી રેણુકાનાં ગરમ-ગરમ આંસુ આ છીપરાં ઉપર પડ્યા હશે અને છીપરાંમાં કાણાં પડી ગયાં હશે ! નક્કી એ આંસુ પાણીના નહીં પણ તેજાબનાં હશે કેમ કે જમદગ્નિ જેવા ઋષિ પણ તેમની પત્ની અને ભગવાન પરશુરામની માતા રેણુકા સાથે આવો વ્યવહાર કરી શકે ! ઈતિહાસ મૌન સાક્ષી છે રેણુકા સાથે થયેલા વ્યવહારનો, પરંતુ શિંગોડાએ તો ત્યારે પણ જરૂર કહ્યું હશે : ‘એ નારી, તું પણ નદી છો. વહ્યે જા… થોડું સાગર તરફ ને થોડું નીજ તરફ. કણ-કણ, પથ્થર-રેતસા રિવાજોને સહ્યે જા, તું વહ્યે જા, પણ…. કરાલ થઈ રસ્તો રોકે રૂઢિ, તો ધોધ થઈ જા, ચૂર કરી દે એ કરાલને ને કર હસ્તાક્ષર એ કાળમીંઢ કાળ પર ને વહ્યે જા. તું પણ નદી છો…’
શિંગોડા પણ ધૂંધવાણી તો બહુ હશે અંદર ને અંદર. તેની ધૂંધવામણ બહાર નીકળી હતી પેલા છીપલાઓના કાણામાંથી. હજુ થોડાં વર્ષો પહેલા આ કાણાઓમાંથી કોઈ-કોઈ જગ્યાએ ગૅસ નીકળતો હતો અને ભરવાડ લોકો બીડીથી તેને સળગાવી તેની ઉપર તપેલી મૂકી ચા કરી લેતા હતા એવી વાત હવામાં રમે છે. ઘણાએ એ નજરે જોયું છે. હાલ એ દશ્ય જોવા મળતું નથી.
શું વિચારમાં પડી ગયા ? જમજીરને માણવો છે ને ? સાવ સરળ છે. સીધા પહોંચી જાવ જૂનાગઢથી સારાણ-તાલાળ, આકોલવાડી, જામવાડા, જામવાડાના પાદરમાં છે શિંગોડા નદી. શિંગોડાના ધોધનું નામ છે જમજીર. જામવાડાથી થોડે જ દૂર કોઈ પણ ને રસ્તો પૂછો, બહુ પ્રેમથી બતાવશે. વચ્ચે આવશે જાંબુર ગામ. ફરી તમારે ચમકવાનો વારો આવશે. ગીરના સિંહ જોઈને આવ્યા હશો ને જાંબુરના પાદરમાં દાખલ થશો તો તમને થશે કે આફ્રિકન સફારીમાં તો ન’તા ગયા ને ! કેમ કે જાંબુરની વસ્તી છે આફ્રિકન સીદીઓની. એ જ આફ્રિકન કદ-કાંઠી-રંગ અને વાળ. સ્થળાંતરિત થવાથી જિન્સ થોડા બદલાય છે ? કોણે, કેટલા પરિવારોને આફ્રિકાથી લાવીને અહીં વસાવી દીધા તે જગજાહેર છે. જેમ આફ્રિકામાં આપણા ગિરમીટિયા હતાં તેમજ મૂળ સોતા ઉખડેલાઓને નવા મૂળીયા ફૂટ્યે પણ વર્ષો થઈ ગયા છે. આ લોકોની ભાષા છે શુદ્ધ કાઠિયાવાડી. સિંહની ડણક જેવી. હોય જ ને, પૂર્વજોનો ને અનુજોનો નાતો સિંહ સાથે જ રહ્યો. સિંહના પડોશી !
જમજીરના ઉપરવાસમાં આવેલ પાંચ મહાદેવની જગ્યા આરણ્યક સંસ્કૃતિની યાદ અપાવી જાય તેવી છે. અહીં શિંગોડા નાના-મોટા ગોળાકાર પથ્થરોની વચ્ચેથી વહી જાય છે, ઉતાવળી. અહીં ન્હાવાનો લાવો લેવા જેવો છે. પણ સાચવીને પાણીમાં છૂપાયેલા પથ્થરો તમારી સાથે શરારત કરી શકે છે, શિંગોડાએ ઘડ્યા છે તો એના જેવા જ હોય ને ?… તેથી જરા જાળવીને બાકી તમેય મારી જેમ…. ભ…ફાંગ.. થઈ જશો.
સાસણ-ગીર-તુલસી શ્યામનો પ્રવાસ કરો અને તુલશી શ્યામના ભીમબેટને જોયાને નીકળી પડો અલગારી રખડપટ્ટી માટે ગીર ગઢડાથી જામવાડાથી સીધા જમજીર. શરત એટલી જ કે મેઘો વરસવાનું ભૂલ્યો ન હોવો જોઈએ. ફેબ્રુઆરમાં કેશુડો ઠેર-ઠેર તમારું સ્વાગત કરતો ઊભો જ હોય. ઉનાળામાં શિંગોડા ઉપરનો પટ છોડીને અંદર વહે છે ને શીલાઓની તીરાડોમાંથી નાની-નાની ધારા રૂપે પ્રગટે છે ને ખાબકે છે ખીણમાં. દશ્ય તો એ પણ જોવા જેવું ખરું. તો…. ક્યારે જાઓ છો જમજીર ? મેં શિંગોડાને કહેલું કે તારાં તોફાનની વાત બધાને કહી દઈશ જો જે ને, ત્યારે, શિંગોડાએ તેની આદત પ્રમાણે કહેલું કે કહી દે જે જા….
Print This Article
·
Save this article As PDF
નાયગરા કે વીકટોરીયા જોવા જ્નારને આવહ્નન આપે એવો લે.
ખુબ સુંદર. આંખ સમક્ષ એક ચિત્ર ઉભુ થઇ ગયુ.
ધીંગી ધરા કાઠિયાવાડમાં ધોધનું અસ્તિત્વ જાણી આનંદ થયો..!!
જ્યાં બારમાસી ધોધ મોજુદ હોય ત્યાં રીન્યુએબલ ટેકનોલોજીની મદદથી વિદ્યુતનું ઉત્પાદન કરી શકાય.
આવા રમણીય સ્થળોને પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવી શકાય.
કુદરતના સાનિધ્યમાં એક લટાર…
આભાર.
લેખ માટે આભાર. આ ધોધની મુલાકાત લેવી પડશે.
આ ધોધ નો લાવો લેવા જેવો છે.
વંદનાબેનનો ખરે જ આભાર……….
જાણે સાચેજ ત્યાં ગયા હોય એવુ તાદ્રશ વર્ણન કર્યુ છે…………
એકવાર એ ધોધનો લ્હાવો લેવ જ પડશે…………
સીમા
સરસ પ્રવાસવર્ણન.
આભાર,
નયન
વંદનાબેન,
તમેતો અમને રુબરુ ધોધ જોયા નો લહાવો આપ્યો અને પ્રવાસ કરવા ઊત્સાહીત કર્યા.
આભાર
સરસ પ્રવાસવર્ણન.. એકાદ ફોટો મુક્યો હોત તો સરસ લાગતુ
Links to Jamjir photographs..!!
http://static.panoramio.com/photos/original/7505919.jpg
http://static.panoramio.com/photos/original/7506291.jpg
http://static.panoramio.com/photos/original/7506171.jpg
nice article.i will visit jamjir when ever i go to gir.
ક્યારેક આ ધોધ જોવા જરુર જઈશુ
Are aa dhodh no anek vakhat labh lidho 6. khub saras rajuaat kari 6. thenks.
very good .i like this.
very good article
very nice description, i read some of your articles in other megazines…Recently, I met some of our common relatives at jamnagar
આ જમજિર નો ધોધ મારા ગામ પાસે આવેલો હોવાથિ મને ખુબ ગર્વ થાયે ઍવિ વાત આઇ લવ માય ગિર મો.૯૨૨૭૫૧૨૧૪૩
Laguage is very good and readable article, cogrates to writer