ધોધમાર – ડૉ. રેણુકા એચ. પટેલ

[જાણીતા લેખિકા રેણુકાબેનની કલમે કેટલીક વાર્તાઓ આપણે અગાઉ રીડગુજરાતી પર માણી છે. તાજેતરમાં તેમનું પ્રથમ પુસ્તક ‘ધોધમાર’ પ્રકાશિત થયું છે જેમાંની શીર્ષક કૃતિ આજે આપણે માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે. આપ તેમનો આ સરનામે drhitpat@yahoo.co.in અથવા આ નંબર પર +91 79 25460783 સંપર્ક કરી શકો છો.]

Picture 034વરસાદ આવે એટલે તન્વીની કચકચ ચાલુ થઈ જાય અને એમાંય બંટી માટે તો સૂચનાઓનો ધોધ જાણે. કેટકેટલા નિયમો અને કેટકેટલા નિષેધો. આજેય એવું જ થયું. વરસાદ શરૂ થયો અને સાથે સાથે તન્વીનુંય બોલવાનું ચાલુ થઈ ગયું.
‘બંટી, સહેજેય પલળવાનું નથી હોં, પછી માંદા પડાય છે. અને આ બારી બંધ કર, ઠંડો પવન વાય છે. કાચમાંથી જો, બહાર દેખાય છે જ ને ?’
‘આ રેઈનકોટ મેં દફતરમાં મૂક્યો હતો. બહાર કેમ કાઢ્યો ?’
‘જો, સાંભળ રીસેસમાં વરસાદમાં ગયો છે તો આવી બન્યું સમજજે.’

બંટી ક્યારેક બઘવાઈ જતો. માંડ પાંચ વર્ષનું બાળક, વરસાદ પ્રત્યે એને બાળસહજ આકર્ષણ હોય એ સ્વાભાવિક હતું પણ માને વરસાદ કેમ નહીં ગમતો હોય એ સમજી શકતો નહીં. એક તરફ તન્વીનો ડારો અને બીજી તરફ કડાકા ભડાકા કરતો વરસાદ. એ બંને બાજુ ખેંચાયા કરતો. આજેય એ કાચની બારીની પેલી પાર નીચે રમતી એની ટોળીને જ જોઈ રહ્યો હતો. બધાંય વરસાદમાં નાહી રહ્યાં હતાં, એકબીજા પર પાણી ઉડાડી રહ્યાં હતાં, પલળેલી કાગળની હોડીઓને વહી જતી નાની નાની સરવાણીઓમાં ફરી ફરી તરાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં અને એ એકલો કાચની બારીની આ પાર…. તેણે દયામણી નજરે તન્વી સામે જોયું.
‘મમ્મી….’
‘નો…વે…’ તન્વીએ ઘૂરકિયું જ કર્યું.
‘હવે જવા દે ને કોઈક વાર ! છોકરાં વરસાદમાં રમે તો ખરાં ને ? રમેય ખરાં ને પલળેય ખરાં !’ બંટીનું મોઢું જોઈને સુધીરને દયા આવી ગઈ.
‘ના હોં ખોટી વાતો ના કરશો. પલળે એટલે શરદી થાય, પછી ઉધરસ ને પછી તાવ. પછી પોતાં મૂકો, તાવ માપો, રાત્રે જાગો, યાદ કરી કરી દવા આપો અને ટેન્શન કેટલું ? કોઈ જરૂર નથી. બારીમાંથી જુએ જ છે ને ?’
‘તે તું નાની હતી ત્યારે વરસાદમાં પલળતી ન હતી ?’ સુધીરને ખરેખર ગુસ્સો ચઢી રહ્યો હતો.
‘ના, કદી નહીં….’ ફટ દઈને કહેવાઈ ગયું પણ પછી બાકીના શબ્દો હોઠ વચ્ચે જ રોકી લીધા.

હડહડતું જુઠ્ઠાણું તરત પકડાઈ જ જાય. એક અછડતી નજર બંટી પર નાંખી તેણે અર્થ વિનાની લે-મૂક કરવા માંડી. બંટી હજીય કાચની બારીની પેલી પાર અનિમેષ નજરે તાકી રહ્યો હતો. તન્વી પણ એનાથી દૂર બીજી બારી પાસે આવીને ઊભી રહી. સુધીર તો ખિજાઈને ક્યારનોય નીચે જતો રહ્યો. ‘વરસાદ નથી ગમતો’ એમ જેટલી આસાનીથી જુઠ્ઠું બોલી દીધું તેટલી આસાનીથી જુઠ્ઠું જિવાઈ જાય તો કેટલું સારું ? પણ એવું થતું નથી. નાની હતી ત્યારે ‘આવ રે વરસાદ….’ એમ બૂમો પાડી પાડીને વરસાદને કેટલીય વાર આવકાર્યો છે. વરસતા વરસાદમાં તો ઠીક, ગંદા પાણી ભરાયેલાં ખાબોચિયાંમાંય છબછબિયાં કર્યાં છે અને કાગળની હોડીઓ માટે તો રીતસર જંગ છેડીને ઝઘડા કર્યા છે. એ સઘળું ભૂલી તો શી રીતે જવાય ? સુધીરને ધારો કે એ બધું કહીએ તો એ સમજે ખરો, પણ એને એમ થોડું કહેવાય કે જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે ત્યારે આ કાળાં વાદળાં ભેગો આદિત્ય પણ ઘેરાઈને આવે છે ? અથવા એને એમ કહીએ કે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારાની વચ્ચે ક્યાંક ક્યારેક આદિત્યનો ચહેરોય ચમકી જાય છે તો એ સમજે ખરો ? અથવા તો એને એમ કહીએ કે જ્યારે જ્યારે વરસાદની હેલી મંડાય ત્યારે ત્યારે હૃદયમાં આદિત્ય નામનું ઘોડાપૂર ઊમટી આવે છે તો ? તો સુધીર શું કરે ?

સુધીર શું કરે ? ખરેખર ખબર નથી પડતી. લગ્નનાં આટલાં વર્ષો થયાં. અરે ! બંટીય પાંચ વર્ષનો થવા આવ્યો પણ તોય સુધીર અમુક સંજોગોમાં શું કરે…. ખરેખર સમજી શકાતું નથી. પોતે કદી સમજવાનો પ્રયત્ન જ કર્યો નથી. કોણ જાણે એવું મન જ થતું નથી. સુધીર સાથે લગ્ન થયાં એના પહેલાં જ જીવનમાંથી આદિત્યની તો ક્યારનીય બાદબાકી થઈ ગયેલી પણ લગ્ન પછી ખબર પડી કે એ બાદબાકી તો આભાસી હતી. હજીય શેષરૂપે ક્યાંક ને ક્યાંક એ સચવાયેલો હતો. હજારો લોકો વચ્ચે, અગ્નિની સાક્ષીએ સુધીરને મન, વચન કર્મથી વફાદાર રહેવાના ઈશ્વરને કોલ દીધા હતા પણ પ્રામાણિકતાપૂર્વક જોઈએ તો એવું થયું નથી. મનના, શરીરના એકએક અણુથી સુધીરને સમર્પિત થવાતું નથી. લાખ પ્રયત્ન છતાંય થઈ શકાતું નથી. જાણે હજીય સુધીર પર હૃદય ઠર્યું નથી. સુધીર પર પ્રેમ નથી એમ તો ન જ કહેવાય, પણ તોય જેમ વરસાદને કોઈ જંતરમંતરથી બાંધી દે અને એ વરસે નહીં એમ સુધીર પર મન ઝળૂંબી રહે છે, વરસતું નથી.

વરસાદ હવે ધીમો પડી ગયો હતો. સાવ ફરફર જ આવતી હતી પણ બંટીના પેલા ભાઈબંધો તો હજીય એમની મસ્તીમાં ગુલતાન હતા. આદિત્ય પણ વરસાદ પાછળ આવો જ ગાંડો હતો…. સાવ પાગલ. વરસાદ આવ્યો નથી કે એ મોટરસાઈકલ લઈને આવી જ જાય. તન્વી એની મોટરસાઈકલ પર એને પકડીને બેસી જતી અને પછી આદિત્યને કશું જ ન નડતું – ન વરસાદ, ન વાદળ, ન વીજળી. ભીંજાવાની સહેજેય પરવા કર્યા વિના બંને ખૂબ ફરતાં. ક્યારેક મકાઈ ડોડાની જ્યાફત ઉડાવતા તો ક્યારેક સડકના કિનારે પલળતાં કેટલીય વાર સુધી બેસી રહેતાં. ક્યારેક એકબીજાને ગાંડાઘેલા કોલ આપતાં તો ક્યારેક એક-બીજા સાથે ઝઘડી પડતાં. તન્વી આદિત્યની વાતો રસપૂર્વક સાંભળ્યા કરતી અને આદિત્ય તન્વીની આંખોના ઊંડાણમાં ડૂબી જતો. વરસાદ આમ જ વરસ્યા કરતો.

એ ગાંડો-ઘેલો આદિત્ય પછી તો પાછળ ક્યાંય છૂટી ગયો અને જીવન સુધીરને લઈને આગળ ચાલ્યું, પણ તોય આ મરકટ મન ડગલે ને પગલે પાછળ વળી વળીને આદિત્યને કેમ ઝંખતું હશે ? આકાશમાં વીજળીનો ચમકારો થયો અને વાદળોથી ઘેરાયેલું આકાશ થોડું વધુ ઘેરું બન્યું. પાછળથી બે મજબૂત હાથોએ આવીને તેને જકડી લીધી.
‘શું જુએ છે આમ બારી બહાર ?’ સુધીર છેક તન્વીના કાન પાસે હોઠ લાવીને બોલ્યો. તેના હોઠ તન્વીના કાનને સહેજ સ્પર્શ્યાય ખરા.
‘કંઈ નહીં… જુઓ ને આ ગોરંભાયેલું આકાશ… વરસતું જ નથી….’
‘તનું… આ આકાશ વરસ્યા વિના જ વેરાઈ જાય તો ?’
‘એટલે ?’
‘એટલે આ વાદળ વરસે જ નહીં અને આમ જ છવાયેલાં રહે તો ?’ સુધીરનો શ્વાસ તેની ડોક ઉપર અથડાયો.
‘તો…. તો…’ તન્વી થોથવાઈ ગઈ.
તેના શરીર ઉપરથી સુધીરની પકડ થોડી વધુ સખ્ત બની. બંને મૂંગાં મૂંગા થોડી વાર આકાશ સામે તાકી રહ્યાં. ‘તો…. શું થાય ?’ એનો જવાબ તો બેય જાણતાં હતાં. એ જવાબ સાથે તો બંને જીવી રહ્યાં હતાં છતાંય જવાબ આપતાં શબ્દો વેરાઈ જવાની બીક લાગતી હતી. નહીં વરસેલા આકાશની વેદનાનો ભાર થોડા સમય માટે વાતાવરણમાં તોળાઈ રહ્યો.

તન્વીની નજર બંટી તરફ ગઈ.
આટલાં વર્ષોનું લગ્નજીવન કચકડાની પટ્ટીની જેમ આંખો આગળથી સડસડાટ પસાર થવા લાગ્યું. સુધીર પતિ હતો અને આટલાં વર્ષોમાં માત્ર પતિ જ બનીને રહ્યો હતો. સીધો, સરળ અને પ્રેમાળ. તન્વીએ પોતાના હૃદયની આસપાસ જે લક્ષ્મણ રેખા દોરી હતી તેની બહાર ઊભો ઊભો ધીરજપૂર્વક એ તન્વીની પ્રતીક્ષા કરી રહ્યો હતો. કોઈ અપેક્ષા નહીં, કોઈ આધિપત્ય નહીં, તન્વીના સુખમાં પોતાનું સુખ અને તન્વીના દુ:ખમાં પોતાનું દુ:ખ શોધી લેવાની એણે ટેવ પાડી લીધી હતી. પોતે તન્વીનો માત્ર પતિ છે, પ્રેમી નથી એ બાબતથી એ કાંઈ સાવ અજાણ ન હતો, પણ તોય તન્વીને એના અતીતમાંથી બહાર ખેંચી પોતાના વર્તમાનમાં ભેળવવાની એણે સહેજેય કોશિશ કરી ન હતી. પોતાનો પ્રેમ અને એ પ્રેમ વિશેની પોતાની અખૂટ શ્રદ્ધા એક દિવસ તન્વીને પેલી લક્ષ્મણરેખા તોડી પાડવા મજબૂર કરશે એવી આશા સાથે એ તન્વીની રાહ જોઈ રહ્યો હતો. સુધીર સાથેના સહજીવનના નાના-મોટા પ્રસંગોને તન્વી યાદ કરી રહી અને એ સઘળાંયમાં એને સુધીરના પોતાની તરફના પ્રેમ અને ફક્ત અગાધ પ્રેમનાં જ દર્શન થયાં. કાળાં ડિબાંગ છવાયેલાં વાદળોમાં વચ્ચે જાણે કે એક ઝીણી તિરાડ પડી અને આકાશે ફરી ધીમુંધીમું વરસવાનું શરૂ કર્યું. તન્વીએ થોડે દૂર બારી પાસે ઊભેલા બંટી સામે જોયું.

બંટીએ પેલી કાચની બારી ખોલી નાંખી હતી અને પોતાના નાના નાના હાથ બારીના સળિયાની બહાર કાઢી વરસાદનાં ફોરાં ઝીલવા પ્રયત્ન કરી રહ્યો હતો. તન્વી સુધીરથી અળગી થઈ, બંટી પાસે આવી.
‘વરસાદમાં નહાવું છે ?’ તેણે વહાલથી બંટીને પૂછ્યું. બંટીએ એકદમ હાથ અંદર લઈ લીધા અને તન્વી તરફ જોઈ નકારમાં ડોકું ધુણાવ્યું. તન્વી હસી પડી.
‘વરસાદમાં પલળવું છે ને ?’ તેણે ફરી પૂછ્યું. બંટી બબુચકની જેમ એની સામે તાકી રહ્યો.
‘ચાલ…’ તેણે બંટીનો હાથ પકડ્યો અને એને લઈ અગાશીનું બારણું ખોલી, ખુલ્લી અગાશીમાં આવી ગઈ.
‘જો વરસાદમાં એમ નહીં, આમ પલળાય…..’ તન્વીએ બે હાથ પહોળા કર્યા. એક વખત ગોળ ફુદરડી ફરી અને જાણે મેઘને ઈજન આપતી હોય એમ આકાશ ભણી જોયું. વરસાદનું એક મોટું ફોરું તેના ચહેરાને ભીંજવી ગયું. વીજળીનો મોટો કડાકો થયો અને જાણે તન્વીના આમંત્રણની રાહ જ જોતો હોય એમ બીજી જ ક્ષણે મેઘલો ધોધમાર વરસી પડ્યો. બંટી આનંદથી કિકિયારી કરી ઊઠ્યો. વરસાદમાં ભીંજતાં તન્વી અને બંટીને સુધીર પ્રેમભરી નજરે નીરખી રહ્યો. અને આદિત્ય ? એ તો એ દિવસે પેલાં વાદળો પાછળ એવો સંતાઈ ગયો કે પછી કોઈ દિવસ તન્વીને જડ્યો જ નહીં.

[કુલ પાન : 112. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ-380009. ફોન : +91 79 26587947.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિર્ણાયક બનવાની મજા – આશા વીરેન્દ્ર
રીડગુજરાતી : પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી Next »   

32 પ્રતિભાવો : ધોધમાર – ડૉ. રેણુકા એચ. પટેલ

 1. આ ટૂંકી વાર્તા પ્રવાહિતા અને લય જાળવી રાખી પરાકાષ્ટાએ પહોંચવામાં સફળ થઈ છે.

  કાળાં ડિબાંગ છવાયેલાં વાદળોમાં વચ્ચે જાણે કે એક ઝીણી તિરાડ પડી અને
  આકાશે ફરી ધીમુંધીમું વરસવાનું શરૂ કર્યું……..

  ……….પેલાં વાદળો પાછળ એવો સંતાઈ ગયો કે પછી કોઈ દિવસ તન્વીને જડ્યો જ નહી.

  આભાર.

  • akash says:

   સુંદર વારતા.
   સુંદર વારતા.
   સુંદર વારતા.
   સુંદર વારતા.
   સુંદર વારતા.
   સુંદર વારતા.

 2. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા. વાર્તાનો પ્રવાહ એકદમ સરળ અને સીધોસટ છે ખુબ ગમ્યો.

 3. Ravi says:

  very very nice story !!

 4. Sarika Patel says:

  સાચેજ્ પ્રથમ પ્રેમ ક્યારેય ભુલેી સકાતો નથેી.

  ખુબજ સરસ વાર્તા.

 5. sima shah says:

  સરસ વાર્તા……….
  અને સરસ અંત પણ ખરો………..

  સીમા

 6. Divyata says:

  ખુબ જ સુન્દર વાર્તા.

 7. a says:

  વાદળો ઘેરાય પણ વરસે નહી, એનુ જ નામ જિન્દગી…………

  સરસ વાર્તા…..આભાર…..

 8. ખુબજ સરસ વાર્તા છે.

 9. Sandhya Bhatt says:

  આટલાં નાના ફલક પર પ્રતીકાત્મક રીતે આખી ય વાતને સુંદરતાથી વણી લીધી.. તમારી વાર્તાઓ હંમેશા વાંચું છું.

 10. Veena Dave, USA says:

  good story.

 11. dipika says:

  its a great day tomorow.
  I wish very happy birthday to Mrugeshbhai and Heartiest wishes to Readgujarati.
  Many Many congratulations for your great endeavour.

 12. rutvi says:

  ભાવસભર વર્ણન ,
  આભાર

 13. nayan panchal says:

  કેટકેટલાય વાદળો વરસ્યા વગરના રહી જાય છે. વાદળોને પણ વરસવા માટે ઘણા બધા અનૂકુળ પરિબળો જોઈએ છે, જીવનની જેમ જ તો વળી….

  સુંદર વાર્તા.
  નયન

 14. આદિત્ય વાર્તામાં અને તન્વીના જિવનમાં એવો વણાયેલ રહ્યો કે ભીની મોસમમાં પણ કોરી રહી.
  અને જ્યારે એ ભીંજાય ત્યારે થોડું મોડું થઈ ગયું પણ દેર આયે દ્દુરસ્ત આયે…
  સુધીરનું પાત્ર થોડું ખિલ્યું હોત તો સારું!
  ઓવરઓલ સરસ વાર્તા.

 15. ila patel says:

  સુન્દર વાર્તા સાથે જિવન નો અનુભવ લાગ્યો.

 16. Pravin V. Patel [Norristown, PA. USA ] says:

  મનને જકડી રાખતી સુંદર કૃતિ.
  પાત્રની નામ પસંદગી સુપેરે થઈ છે.
  સાંસારિક જીવનનો મર્મ સમજાવતી ઘટના.
  આભાર અને અભિનંદન.

 17. Vraj Dave says:

  ખુબજ શુંદર વાર્તા ખરેજ જીવનનો અદભુત અનુભવ લાગ્યો.
  આભાર સાથે અભિનંદન
  વ્રજ

 18. shailesh says:

  આવ રે વરસાદ ઘેગરયો વરસાદ
  ઉની ઉની રોટલી ને કરેલા નુ શાક

 19. Hetal says:

  This small story says lot in deep

 20. shivangi purohit says:

  very heart touching !!! wonderful…!

 21. ભાવના શુક્લ says:

  કશાજ કારણ વિના જીવન આમ જ જો ધોધમાર વરસી જાય તો તો કેટલુ સારુ.

  ખુબ સરસ વાર્તા.
  નટવરભાઈની એક વાત ગમી, સુધીરનુ પાત્ર વધુ ખિલવવાની જરુર હતી.

 22. Chirag Patel says:

  Very nice… I like it…

  Thank you,
  Chirag Patel

 23. nirlep bhatt says:

  awesome…would love to read more such stories

 24. preeti says:

  સરસ વર્તા….i like it…its a reallity of life….but its hard to get person like sudhir…

 25. Sakhi says:

  very nice story

 26. nilam doshi says:

  nice story..renukaben, how r u ? congrats for “dhodhmar ”

  અહીં રોજ ધોધમાર વરસાદ વરસે છે. તમારા ધોધમારમાં ભીંજાવાનું બાકી છે.

 27. Vipul Panchal says:

  Very heart touching !!! wonderful…!

 28. The feelings of First Love is described very delicately and realiastically.

  The mind compromises but heart always try to enlive the memories…

  Superb story ..

 29. hiral says:

  very nice story…. but what would have happended if tanvi got to marry her first love?

  i dont think aaditya would have proved to be as good husband as sudhir is……….

 30. Vaishali Maheshwari says:

  Beautiful story. Thank you Dr. Renuka H. Patel.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.