નિર્ણાયક બનવાની મજા – આશા વીરેન્દ્ર
[જાણીતા લેખિકા આશાબેનની કલમે આપણે ઘણી વાર્તાઓ આજ સુધી માણી છે. આજે માણીએ તેમનો હળવો હાસ્ય લેખ. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે આશાબેનનો (વલસાડ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2632 251719]
લગ્ન માટે કહેવાય છે કે, ‘લક્કડકા લડ્ડુ – જો ખાયે વો ભી પછતાયે, જો ન ખાયે વો ભી પછતાયે..’ જે કરીને પણ પસ્તાવું પડે અને ન કર્યું હોય તો યે અફસોસ થાય એવાં કામોની યાદી લંબાવી શકાય. દા..ત, જ્યાં સુધી ડ્રાઈવિંગ નહોતું આવડતું ત્યાં સુધી કોઈ બેન સડસડાટ ગાડી દોડાવીને બાજુમાંથી પસાર થઈ જાય ત્યારે થતું ‘કેટલા સ્માર્ટ બેન છે ? આપણે પણ સ્માર્ટ ગણાવા ડ્રાઈવિંગ શીખવું જ જોઈએ.’ મને યાદ છે ત્યાં સુધી એક સભામાં ‘મેં સેવેલું સ્વપ્ન’ એ વિષે બોલતાં મેં ડ્રાઈવિંગ કરવાને મારા અધૂરા રહેલાં સ્વપ્ન તરીકે ગણાવેલું પછી તો એ અધૂરા સ્વપ્નને પૂર્ણતાને આરે પહોંચાડવા આપણે પ્રયત્ન આદર્યા. શરૂ શરૂમાં તો હાથ-પગ ધ્રૂજવા લાગ્યા, પસીનો છૂટી જવો, હૃદયની ધડકન વધી જવી વગેરે વગેરે ગંભીર લક્ષણો જણાયાં પણ નજર સામે નર્મદનું ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ એ સૂત્ર રાખેલું એટલે હું તો જો કે ન પડી પણ એક-બે વખત નવી નક્કોર ગાડીને પાડી (ઠોકી) ને આપણે સફળતા તો હાંસલ કરી ! પરંતુ એ સફળતાનો નશો બહુ જલદી ઊતરવા માંડ્યો જ્યારે ‘ચાલ, સ્ટેશન સુધી મૂકી જા…’, ‘મહેમાન આવ્યા છે તે એમને ફરવા લઈ જા….’, ‘આટલો સામાન પહોંચાડવાનો છે તે ગાડીમાં પહોંચાડી દે….’ આવા ઑર્ડરો રોજ છૂટવા માંડ્યા ત્યારે થયું કે, ‘આના કરતાં ડ્રાઈવિંગ નહોતું આવડતું તે શું ખોટું હતું ?’ નકામો સુખનો જીવ સંતાપમાં નાખ્યો !
મહિલાઓ સારી સારી પદવીઓ પર આરૂઢ થઈને વટબંધ નોકરી કરતી હોય, સવારે ઘડિયાળને ટકોરે અપ-ટુ-ડેટ તૈયાર થઈને ઑફિસે જવા નીકળી જતી હોય ત્યારે મેલાં-ઘેલાં કપડાંમાં, દાળ-શાકમાં ચમચા હલાવતાં હલાવતાં ઈર્ષ્યાભરી નજરે હું એમને જોઈ રહેતી. મનમાં કાયમ એ વાતનો વસવસો રહ્યા કરતો કે, આપણામાં પણ કાબેલિયત તો હતી પણ એ બતાવવાની તક ન મળી ને ઘરમાં ને ઘરમાં જ રહી ગયાં. પણ હમણાં જ બેન્ક મેનેજરનો હોદ્દો ધરાવતી એક મિત્રએ આંખોમાં આંસુ સાથે પોતાની પારાવાર મુશ્કેલીઓનું વર્ણન કર્યું ત્યારે થયું કે, આ લાડવો ન ખાધો તો એમાં કંઈ ખોટમાં નથી રહ્યાં. આવા જાતજાતના લાડવાનો આસ્વાદ લેવા મારું મન તલપાપડ રહ્યા કરે. વર્ષોથી એક મહેચ્છા એવી હતી કે કોઈ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જવાનું આપણને આમંત્રણ મળે તો મજા પડી જાય. લોકો કેટલાં માન (?)ની દષ્ટિએ આપણને નિહાળે, આયોજકો હાથ જોડીને આપણી સેવામાં ઊભા રહે અને સ્પર્ધકો તો આપણને જોઈને પાણી પાણી થઈ જાય. જિંદગીમાં એકવાર તો આવો મોકો મળવો જ જોઈએ. મારી આ મંશાને ઉપરવાળાએ તથાસ્તુ કહ્યું હશે તે એક દિવસ કોઈ હરિફાઈના આયોજકો મારે આંગણે આવી પહોંચ્યા.
‘બેન, ફલાણીફલાણી તારીખે અમે વક્તૃત્વ સ્પર્ધા યોજી છે. એમાં નિર્ણાયક તરીકે તમને આવવું ફાવશે ?’ સાંભળીને મનમાં તો ફટાકડાની લૂમ ફૂટવા માંડી પણ બહારથી ભારેખમ મોં રાખીને મેં કહ્યું : ‘કઈ તારીખ કહી તમે ? પાંચમી ? આ પાંચમીએ તો મારે…..’
‘કંઈ વાંધો નહીં, તમને ફાવે એવું ન હોય તો હજી અમારા લિસ્ટમાં ત્રણ-ચાર વ્યક્તિઓનાં નામ છે.’ સાથે આવેલા દોઢડાહ્યા ભાઈ વદ્યા. મને થયું, ખલાસ. મોં સુધી આવેલો કોળિયો ઝૂંટવાઈ જવાનો. તરત જ કુશળતાપૂર્વક ભૂલ સુધારી લેતાં મેં કહ્યું : ‘ના, ના, તમે આશા લઈને મારે ઘેર આવ્યા ને તમને નિરાશ કરું તો મારું આતિથ્ય લાજે. તમારે ખાતર મારો બીજો કાર્યક્રમ હું મુલતવી રાખીશ, બસ ?’ આમ જજ તરીકે જવાનું પાકું તો કરી લીધું પણ પછી ખરી મુશ્કેલીની શરૂઆત થઈ.
પાંચમી તારીખને તો હવે ત્રણ જ દિવસની વાર. એમાં મારે કેટલી તૈયારી કરવી પડશે ? એક તો વિષયની થોડી સમજણ મેળવી લેવી પડશે, બીજું, છટાદાર ભાષણ તૈયાર કરવું પડશે, સારામાં સારી સાડી પહેરવી પડશે. કેમ કે, બધાની આંખો મારી તરફ જ મંડાયેલી હશે. જજ આવ્યા… જજ આવ્યા… કરતાં સૌ ટીકી ટીકીને મને જ જોયા કરશે. હકડેઠઠ ભરાયેલા હોલમાં આટલા શ્રોતાઓ સમક્ષ જઈને ઊભા રહેવું એ કંઈ ખાવાનાં ખેલ છે ? રાતે ઉજાગરો કરીને, કંઈ કેટલાંય પુસ્તકો ઉથલાવીને, સુંદર સુંદર કાવ્યપંક્તિઓ અને સુવિચારો તફડાવીને પતિ-દીકરા-દીકરી સૌની મદદ લઈ જોશીલું ભાષણ તૈયાર કર્યું. કાંજીવરમ સાડી ઈસ્ત્રીવાળી જ હતી તોયે ફરી એક વખત ઈસ્ત્રી મરાવી લીધી. આ સાડી સાથે કઈ જ્વેલરી સારી લાગશે – સોનાની, મોતીની કે ડાયમન્ડની એની વિચારણા માટે સોસાયટીની ત્રણ-ચાર સૂઝબૂઝવાળી બહેનોને ભેગી કરી, એમને ચા-નાસ્તો કરાવ્યો અને અંતે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે મોતીનો દાગીનો જ દીપી ઊઠશે. આ રીતની મિટિંગ રાખવાથી બે લાભ થયા. એક તો જ્વેલરી માટેનાં સૂચનો મળ્યાં અને બીજો વધુ અગત્યનો લાભ એ કે ભેગી થયેલી બહેનોએ આખી સોસાયટીના દરેકેદરેક ફલેટમાં સમાચાર પહોંચાડ્યા કે મારે નિર્ણાયક તરીકે જવાનું છે. જે વાત મારા મુખેથી કહેતાં મને સંકોચ થતો હતો એ વાત કર્ણોપકર્ણ પહોંચી એટલે મારો ચા-નાસ્તો વસૂલ થઈ ગયો !
અંતે, જેની રાહ જોવાતી હતી એ શુભ દિન આવી પહોંચ્યો. આયોજકોએ રિક્ષા કરીને સ્થળ પર આવવા અને રિક્ષાભાડુ તેઓ જ ચૂકવશે એવી વિનંતી કરી હતી પણ મેં ‘મારી કાર લઈને જ આવીશ’ એમ ગર્વથી કહ્યું હતું. હરીફાઈનો સમય ત્રણ વાગ્યાનો હતો પણ અઢી વાગે જ હૉલ પર પહોંચી ગઈ. હૉલને તાળું મારેલું હતું ! હવે શું કરવું એ વિચારતાં સાથેસાથે તૈયાર કરેલું ભાષણ પણ ગોખતી ગઈ. આમ ને આમ પંદરેક મિનિટ વીતી હશે ત્યાં બીજા એક બહેન આવ્યાં. મને થયું, હાશ, આયોજકોમાંનાં કોઈ આવ્યાં પણ એમણે કહ્યું કે તેઓ બીજા નિર્ણાયકની ફરજ બજાવવાનાં હતાં. મેં પગથી માથા સુધી એમનું નિરીક્ષણ કર્યું અને એવાં તારણ પર પહોંચી કે, ‘મારી ટાપટીપ આગળ તેઓ તો પાણી ભરે છે…’ મારા કરતાં એમને વધુ અનુભવ છે એ બતાવવા એમણે કહ્યું : ‘મને તો વક્તૃત્વ હોય કે ડ્રોઈંગ, ક્રાફટ હોય કે ગરબા, કુકિંગ હોય કે મહેંદી… દરેકેદરેક હરીફાઈમાં કેટલીય સંસ્થાઓ જજ તરીકે બોલાવે છે પણ મારો હંમેશનો અનુભવ છે કે આયોજકો તો કાયમ મોડાં જ આવે. બિચારાં આપણી જેમ નવરાં થોડાં હોય ?’ અમારી વાતચીતમાં બીજી પંદર-વીસ મિનિટ વીતી ત્યારે એક ભાઈ હાંફળાં-ફાંફળા, સોરી સોરી કરતાં આવ્યા અને પોતાની પાસેની ચાવીથી હૉલનું તાળું ખોલી અમને અંદર બેસાડ્યાં.
ઘડિયાળે પોણા ચારનો સમય બતાવ્યો ત્યારે હૉલમાં કુલ મળીને છ વ્યક્તિઓની હાજરી હતી. બે આયોજકો, બે નિર્ણાયકો અને બે સ્પર્ધકો ! આયોજકો ઘણું બબડ્યા, ‘આ બધો દાટ ટી.વી.એ વાળ્યો છે. આવી સાત્વિક હરીફાઈઓમાં વિદ્યાર્થીઓને રસ જ નથી રહ્યો. બીજું કંઈ નહીં, પણ આવું થાય તો નિર્ણાયકોને કેટલું ખરાબ લાગે !’ જે બે સ્પર્ધકો આવ્યા હતા એમની વચ્ચે હરીફાઈ કરી, એ બંનેને પહેલું અને બીજું ઈનામ વહેંચી દઈ અમે અમારી સફળ કામગીરી પૂર્ણ કરી. સાજ-શણગાર, ભાષણ, ચા-નાસ્તો – આ બધા પાછળ કરેલી મહેનત કામ ન લાગી અને નિર્ણાયક તરીકેના પ્રથમ જ પ્રયાસમાં આવી કારમી પીછેહઠ કરવી પડી એ બદલ મને ખૂબ લાગી આવ્યું, પરંતુ ‘કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચન’ વાળો ગીતાનો ઉપદેશ મેં હૈયે રાખ્યો અને મારાં અપાર આશ્ચર્ય વચ્ચે મને ફળ મળ્યું પણ ખરું. જે નિષ્ફળતા મેળેલી એને રંગરોગાન કરી ઘરમાં અને બહાર બધે મારી અભૂતપૂર્વ સફળતાની મેં ધજા ફરકાવેલી. પરિણામે એક બાહોશ અને નિષ્પક્ષ જજ તરીકેની મારી ખ્યાતિ ચોમેર ફેલાઈ ગઈ. પછી તો સારીસારી સંસ્થાઓ, શાળાઓ તરફથી વેશભૂષા હરીફાઈ, સુગમ સંગીત સ્પર્ધા, ગરબા હરીફાઈ, એકપાત્રી અભિનયની હરીફાઈ એમ જાતજાતની સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ફરજ બજાવવા માટેનાં આમંત્રણ આવવા લાગ્યાં. બોલીવૂડમાં નવી સવી આવેલી અભિનેત્રી અતિઉત્સાહમાં ધડાધડ ફિલ્મો સાઈન કરે એમ મેં દરેકે દરેક આમંત્રણ સ્વીકારવા માંડ્યાં. શરૂઆતમાં મજા પડી પણ પછી મજા પાછળની સજાનો સ્વાદ ચાખવા મળ્યો ત્યારે સમજાયું કે આ પણ ‘લક્કડકા લાડુ’ જ છે.
બન્યું એવું કે, એક વક્તૃત્વ સ્પર્ધામાં મારા પરિચિત સદગૃહસ્થની લાડકી દીકરી કે જે ઘણી વખત પ્રથમ ઈનામ પ્રાપ્ત કરી ચૂકી હતી એને મેં દ્વિતિય ઈનામને પાત્ર ગણી. એટલું જ નહીં, મારા ભાષણમાં મેં એવું પણ ઠઠાડ્યું કે, ‘વક્તૃત્વ અને અભિનય વચ્ચેનો ભેદ સ્પર્ધકે સમજવો જોઈએ..’ આવું બોલ્યા પછી હું મનોમન બહુ ખુશ થઈ કે હવે બોલવાની સારી ફાવટ આવતી જાય છે, કેટલું સરસ વાક્ય હું બોલી ! મનોમન હરખાવાની મારી આ ક્રિયામાં ભંગ પાડતાં પેલા ભાઈ રીતસર મારી પર ત્રાટક્યા, ‘તું કહેવા શું માંગે છે ? મારી દીકરીને મંહ જ તૈયાર કરી છે તો તારા કહેવાનો અર્થ તો એવો નીકળે છે કે મને પણ અભિનય અને વક્તૃત્વ વચ્ચેનો ભેદ ખબર નથી ? તારી જેવા કંઈકને મેં સ્ટેજ પર ઊભાં રહેતા શીખવ્યું છે ને આજે તું મને શીખવવા નીકળી ?….’ ખલાસ ! બધા ય હરખનું બાષ્પીભવન થઈ ગયું. મહામુશ્કેલીએ એ ભાઈને ગળે ઉતાર્યું કે નિર્ણાયકોનો નિર્ણય તમારે માન્ય રાખવો જ પડે. આ કટુ અનુભવ પછી જલદી જલદી કોઈ કાર્યક્રમમાં જવાની મેં હિંમત ન કરી પણ હવે આયોજકો શાંતિથી બેસવા દે એમ નહોતા. અને શોકની છાયા દૂર થતાં મન પણ હવે નવા આમંત્રણની રાહ જોઈને બેઠું હતું. એટલે એક વેશભૂષા હરીફાઈનું આમંત્રણ આવતાં જ આપણે તો પાછાં સાબદા થઈ ગયાં.
આમંત્રણ આપવા આવેલા લોકોએ મને કહ્યું કે, ’40-50 એન્ટ્રીઓ છે એટલે એકાદ કલાકમાં તો તમે ફ્રી થઈ જશો !’ એ મુજબ મેં ગણતરી કરી કે ત્રણ વાગે હરીફાઈ ચાલુ થશે તો વધારેમાં વધારે પાંચ વાગ્યા સુધીમાં ઘેર આવી જઈશ. તે દિવસે કામવાળીને કંઈક વિઘ્ન આવેલું, તે એણે મને પાસ-ઑન કર્યું એટલે ઘરમાં એઠાં વાસણોનો ઢગલો અને બે બાલદી ભરીને પલાળેલાં કપડાં મૂકીને હું હરીફાઈના સ્થળે પહોંચી. આપણે તો રઘુકુલના વંશજ કહેવાઈએ, એક વખત આવવાનું વચન આપ્યા પછી ગમે તેટલી મુસીબત આવે તો ય પીછેહઠ થોડી કરાય ? ત્રણને બદલે ચાર વાગે નિર્ણાયકોએ વારંવાર વિનંતી (?) કર્યા પછી સ્પર્ધા ચાલુ થઈ. નિર્ણાયકોના હાથમાં સ્પર્ધકોની યાદી આવી એમાં હતી 160 એન્ટ્રીઓ. આયોજકોને પૂછ્યું તો કહે, ‘પાછળથી એન્ટ્રી આવે અને એક એન્ટ્રી દીઠ રૂ. 50 મળતા હોય તો અમે શા માટે ના પાડીએ ?’ પહેલેથી ચોખ્ખી વાત કરે તો કોઈ જજ તરીકે આવવા તૈયાર ન થાય એટલે છેલ્લી ઘડીએ આવી ગુંલાટ મારવાનું આયોજકોનું આયોજન હશે જ એ એમને રહી રહીને ખ્યાલ આવ્યો. પૂરા પાંચ કલાક ચાલેલી સ્પર્ધા દરમિયાન ઘરેથી બે વખત દીકરો બોલાવવા આવ્યો, ‘મમ્મી, તું પાંચ વાગ્યાનું કહીને ગઈ હતી, અત્યારે આઠ વાગ્યા. હજી કેટલીવાર છે ? મને અને પપ્પાને બહુ ભૂખ લાગી છે.’ મારા પેટમાં લાગેલી ભૂખની આગને જેમતેમ કરી દબાવતાં મેં કહ્યું, ‘આજનો દિવસ તમે બંને હૉટલમાં જઈને જમી આવો ને ! મને ખાસ ભૂખ નથી.’ બે ડઝન શાકવાળીઓ, દોઢ ડઝન દૂધવાળા-વાળીઓ, એકાદ ડઝન રાધા-કૃષ્ણ – આવી કોઈ નાવીન્ય વિનાની હરીફાઈ શીરદર્દ બની ગઈ પણ ‘બાવા બન્યા હૈ તો હિંદી તો બોલના પડેગા….’ એ ન્યાયે નિર્ણાયકની ખુરશીને વળગી રહેવું પડ્યું.
કેટલાંય બાળકો આવીને ગભરાઈને ભેંકડો તાણી રડવા લાગે એટલે મમ્મી કેડબરી લઈને પોતાના બાળકને છાનું રાખવા આવે, જે બાળક બોલતાં બોલતાં ભૂલી જાય એની મમ્મી ‘વિંગ’માં ઊભીઊભી ‘બોલ…બોલ…’ એવા ઈશારા કરે અને ગુસ્સે થઈને ડોળા તતડાવે. આ બધું જોઈને રમૂજ પણ ઉપજતી હતી પણ ત્યારે રમૂજ માણવાનો જરાય મૂડ નહોતો. એમાંય એક અતિ ઉત્સાહી બહેને તો હદ કરી. જુદા જુદા એંગલથી એમણે પોતાની ઢીંગલી બનેલી દીકરીના ફોટા પાડ્યા એ તો ઠીક, પણ બેબી બોલવાનું ભૂલી ગઈ ત્યારે એના હાથમાંથી માઈક ખેંચીને ‘હું તો ઢીંગલી…. નાની ઢીંગલી… હું મજાની ઢીંગલી…..’ એવું ગીત ગાવા લાગ્યા. માંડ એમને સમજાવીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા કે હરિફાઈ તમારી નહીં, બાળકોની છે. સ્પર્ધામાં એક બાળકને રક્તપીતિયો બનાવ્યો હતો. વેશભૂષામાં નવીનતા ભલે હતી પણ આખું દશ્ય એવું જુગુપ્સા ઉપજાવનારું હતું કે આશ્વાસન ઈનામમાં પણ એની ગણતરી ન કરી. નિર્ણય જાહેર કરીને ફટાફટ ઘરભેગી થવા રઘવાયી થઈ ગયેલી મને પેલા બાળકની મમ્મીએ પકડી ! ‘તમે મારા દીકરાને ઈનામ કેમ ન આપ્યું ? તમને જ કંઈ સમજ નથી પડતી તો તમે નિર્ણય શું આપવાનાં ? ખબર છે, આને તૈયાર કરવામાં મને ચાર કલાક લાગ્યા છે ?’ એ બેને મને ઝડપી એ મોકાનો લાભ લઈ બીજા બે નિર્ણાયકો પોબારાં ગણી ગયાં. ઘરે પહોંચીને સૌની નારાજગીનો સામનો તો કર્યો જ, પણ કપડાં-વાસણ કરીને પરવારી ત્યારે રાતના સવા બાર વાગ્યા હતા.
જજ બનવાની મારી આ યાત્રામાં ક્યારેક સુખદ અનુભવો પણ થયા હશે, પણ એનું પ્રમાણ તો દાળમાં વઘાર જેટલું. એટલે મને વૈરાગ્ય આવી ગયો અને કંટાળીને સત્તાવાર રીતે મેં ક્ષેત્રસન્યાસ જાહેર કરી દીધો. આમ, મારું સ્વપ્ન હકીકતમાં ફેરવાયું પણ એનો અંત કરુણ આવ્યો. જો જો ભાઈસા’બ, હવે તમે આમંત્રણ આપીને મને શરમમાં ન નાખશો, હોં કે !
Print This Article
·
Save this article As PDF
લેખકને જજ થવાની સજા ભારે પડી પણ અમને સૌને તો હસવાની મજા પડી ગઇ.
very very funny.. !!
nice article ..
હસાવવાનો સારો પ્રયાસ.
આભાર
Nice story.
great, very funny.
આશાબેનની સહજ, સરળ,નિખાલસતાથી વાતચીત કરતાં હોય તેવી શૈલી ખૂબ ગમે છે.
મજા પડી ગઈ.
grass is always greener on the other side.
આભાર,
નયન
દુરથિ ડુન્ગર રળિયામણા પાસેથી પથરા
મજા કે સજા?
પણ સ–રસ …
રીટા ઝવેરી.
ઠીક. સજા તો નો કેવાય પણ મજા પણ નો કેવાય .
વ્રજ
Wonderful story Ms. Asha Virendra.
All the incidences described were very humorous.
Enjoyed reading it.
Specially , “નકામો સુખનો જીવ સંતાપમાં નાખ્યો !”
It is very true, that we always desire things that we do not have, but once we have those, we are not always happy or quite satisfied with it.
Mr. Nayan Panchal has also well mentioned in his comment, “Grass is always greener on the other side of the fence.”
Thank you once again.
Do the more thoughts bring more worries ?
An entertaining piece of expresssions ! Thanks.
LOL… Had a great laugh
Thank you,
Chirag Patel
Koi pan rite jivanma hasvanu shodhvu padtu nathi. aapanama j hasy rahelu che. saras
મરક મરક હસાવતો મર્માળૉ લેખ
વેરી નાઇસ્
Ashaben,
readgujaratine maan aapine tame emani sabhamaan aavyan e bahu gamyun.
Vaachakoe tamane 100/100 marks aapi didhaa chhe.Paachha aavajo.
Ekdum saral, sunder, sadasadaat lekh.Abhi j abhinandan.
ખરેખર મજા પડી ગઈ.
એક નવો સ્વાદ ચાખવાનિ ઉત્કન્થા ! માનવ સહજ લાગણીનુ સુન્દર નિરુપણ !