વાંચન વૈવિધ્ય – સંકલિત

[1] ટોપીનું ગૌરવ – સંત ‘પુનિત’

હું આઠનવ વર્ષનો હોઈશ ત્યારની આ વાત છે. મારી મા દરરોજ દેવળમાં દેવદર્શને જતી હતી. ઘણી વાર માતાની સાથે હું પણ જતો હતો. એ કંઈ દેવ પરના પ્રેમને લીધે નહિ. પણ દેવળમાંના પૂજારીની ટોપી જોવા માટે ! એ ટોપી ખૂબ સુંદર હતી અને મને એ બહુ જ ગમતી હતી. છેવટે એક દિવસ મેં માને કહ્યું કે,
‘મારે એવી ટોપી જોઈએ છે.’
પણ માએ મારી વાત હસી કાઢી.
આખરે મેં જ્યારે જીદ પકડી ત્યારે તે બોલી ઊઠી : ‘દીકરા ! એ ટોપી કંઈ જેવીતેવી નથી. આપણા દેશની એ સર્વશ્રેષ્ઠ ટોપી છે. જેની વર્તણૂક સદાચારી હોય તેને જ મળે છે.’

ત્યાર બાદ સદાચારી વર્તણૂક એટલે શું એ માએ મને સમજાવ્યું. ટોપીનો મોહ હું કેમેય કરીને રોકી શકતો નહોતો. એટલે મેં ગંભીરપણે કહ્યું :
‘મા ! આજથી હું સદાચારી વર્તણૂક કરવાની પ્રતિજ્ઞા કરું છું. બધાં પ્રાણીમાત્ર પર હું પ્રેમ રાખીશ. ઈમાન છોડીશ નહિ. ખોટું બોલીશ નહિ. આવી રીતે મારું ચારિત્ર્ય ઉજ્જ્વળ બનાવીશ. પણ તું એ ટોપી મને આપ.’ મા મનમાં ને મનમાં હસી પડી અને બોલી :
‘તો પછી એ ટોપી તો તારા માથા પર છે જ.’
માના કહેવાનો અર્થ એ વખતે મને બરાબર સમજાયો નહોતો. પણ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મને તેના બોલનો અર્થ સમજાવા માંડ્યો. એ અપૂર્વ ટોપી માથા પર બરાબર સાચવી રાખવાનો પ્રયત્ન આજ સુધી હું ઈમાનદારીપૂર્વક કરતો આવ્યો છું. (બર્માના ભૂતપૂર્વ વડાપ્રધાન ઊ-નૂ – ‘જનકલ્યાણ’ માંથી સાભાર.)

[2] એ અલગારી આતિથ્ય કાં અદશ્ય થયું ? – મનોરમા થાર

દીવ મારી જન્મભૂમિ…. દેશની મુસાફરીએ જતાં જતાં ત્યાંના માણસોનો પ્રેમ અને જિંદગીની કોઠાસૂઝ શહેરીજનોએ અપનાવવા જેવી છે. દીવ પહોંચતાં પહેલાં લકઝરી બસ ઘોઘલા ગામ આવતાં એક ‘ચા’ની રેંકડીવાળા પાસે પોરો ખાવા ઊભી રહી. બસનો દરવાજો ઊઘડતાં જ સામેથી અવાજ સંભળાયો, લે બુન ! ગરમાગરમ ચાય ! બોલતો સામે કપ ધરનારો કાઠિયાવાડી મુછાળો આધેડ વયનો સોરઠીનો હાથ મને આદરથી આવકારી રહ્યો હતો. ગુલાબી લીલી ચાની સોડમવાળી વરાળસોતી ચા જોઈને જ પીવાનું મન થઈ જાય. મેં તો એના હાથમાંથી કપ લઈ સીધો મોઢે જ માંડી દીધો. ચા તો સરસ જ હતી, પણ સાથે હતો ગામના લોકોનો નિર્મળ પ્રેમ…. રંગ-બેરંગી બોગનવેલથી શણગારેલા વિશાળ વૃક્ષના થડને અડીને ત્યાં ચાની રેંકડી, સાથે ગરમ ફાફડા-ગાંઠ્યા અને જાડું મીઠું છાંટેલા લીલાં મરચાં ગોઠવી સોરઠી આવતી જતી બસના લોકોને આવકાર આપતો પોતાનો રોટલો રળી રહ્યો હતો. તે કરતાંય વધારે તેનામાં એક અલગારી આતિથ્ય ભાવના હતી. એ એની વિશેષતા હતી. આવતા-જતા મુસાફરો જાણે પોતાના ઘરે મળવા આવતા હોય એવો મહિમા તેને લાગતો. લોકોને દુનામાં વાટીદારનાં ભજિયાં અને ચટણી પીરસી આગ્રહથી પ્રેમપૂર્વક ચાખવા કહેતો.

હું બીજી કટિંગ ચાનો કપ લઈને ત્યાં પાટિયા ગોઠવેલા બાંકડા પર બેસી ગઈ. બીજા બાંકડા પર ઉપરથી ખરતા બોગનવેલનાં પાન રજાઈની જેમ પથરાયાં હતાં. મેં બેઠાં બેઠાં પાછળ જોયું. સામસામે બે પતરાંની દીવાલ. એક દીવાલ બે ગૂણની અને બીજી બે ગૂણ દરવાજા રૂપે ઉપર ઘડી વાળીને ગોઠવી’તી. આ એનું ઘર. એમાં પાણીનું માટલું. કાટ ચડેલો રંગ ઉખડેલો ટ્રંક. પિત્તળનાં ચકચકતાં વાસણો. અવાજ વિનાનો પ્રાયમસ અને થાગડ-થીગડ કરેલાં કપડાં પહેરેલાં ત્રણેક બાળકો. મોટો દીકરો ચાની રેંકડીના કપ-રકાબીની સફાઈ કરે. બાજુના કૂવામાંથી પાણી ભરીને લઈ આવે. મૂછળ સોરઠી લહેકાથી બોલાવી સૌનાં દિલ જીતી ચા બનાવતો રહેતો. તેની ઘરવાળી આઘેરું ઓઢી ચારપાઈના ઢોલિયા પર બેઠી બેઠી નિર્દોષ ભાવે સૌને જોયા કરતી. થોડી થોડી વારે ઝાપટ્યું મારી બાંકડો ચોખ્ખો રાખતી. હસતામોંએ પોતાના ઘણીને કપ-રકાબી-ગળણી-કીટલી એવું લૂછીલાછીને ટ્રેમાં ગોઠવી આપતી. પ્રેમ અને સમજણના તાલે ચાલતો આ સંસાર… એમાં દેખાયો અલગારી સ્વભાવ. હસતો ચહેરો અને ઉત્સાહી મન… આ બધું શહેરીજનોમાં ખૂટે છે.

બસવાળા કંડકટરે પેલા ચા-વાળાને કહ્યું, ‘શનિ-રવિની રજા હોવાથી દીવની ટ્રીપની પાંચેક બસ ભરીભરીને આવી ચઢી છે. તારી ચાની તૈયારી રાખજે. ચાવાળાએ તરત જ પોતાના દીકરાને પાસે બોલાવી આવતી બસ માટે ખાંડ, ચા, દૂધના સરંજામ માટે સૂચના આપી દીધી. એના મોઢા પર જરાય હાય-વોય કે ટેન્શનનો છાંટો જોવા ના મળે. સામું ટુરિસ્ટો બધા લકઝરી બસની ઠંડકમાંથી બહાર ઊતરતા હોય ત્યારે થાકેલા અને ભારેખમ મોઢાથી ઊતરતા હોય એવા દેખાતા’તા.

આમ જુઓ તો જીવનસફરમાં વિશ્વ એ આપણો શ્રેષ્ઠ ગુરુ છે. જીવનમાં આનંદ અને વિષાદની લાગણી આપણે અવારનવાર અનુભવીએ છીએ. તેમાંથી બોધપાઠ લઈએ છીએ અને એમ કરતાં આપણામાં સામર્થ્ય કેળવાય છે. આમ, મનુષ્ય જીવનમાં ટપલાં ખાતાંખાતાં પગ નીચે રેલો આવતાં શીખતો જાય છે અને ઘડાતો જાય છે તો ક્યારેક સ્વાર્થી પણ બનતો જાય છે. આપણે શહેરીજનો પૈસા પાછળની દોટને કારણે ફાસ્ટ લાઈફ સ્ટાઈલને કારણે દિવસે દિવસે સ્વાર્થી બની પોતાનો અલગારી મનોભાવ ખોતા જઈએ છીએ. કોઈની જરૂર પડે ત્યારે આપણે તેને યાદ કરીએ છીએ અને મળવા જઈએ છીએ. આપણે શહેરીજનો એવું વિચારીએ કે અમસ્તા અમસ્તા કંઈ કામ વિના શું કોઈને મળવાનું ? જાણે કે અમસ્તા અમસ્તા કોઈને યાદ કરાય નહીં કે અમસ્તુ મળાય પણ નહીં. આમાં સ્નેહભાવ, દિલની લાગણી કે ફરજ તરીકેના અવકાશને કોઈ સ્થાન જ નથી. આપણે શહેરીજનો ડાયરીમાં નોંધેલા ટાઈમટેબલ પ્રમાણે જ મળીએ. આમાં સહજભાવને કોઈ સ્થાન જ નથી. અતિથિ મનફાવે ત્યારે ક્યાંય ન જઈ શકે !

અંગ્રેજીમાં ‘ગીવ ઍન્ડ ટૅક’ એ કહેવત છે. કોઈને પ્રેમથી આપો. ઘણા મિત્રો કે સ્નેહીઓ એવા હોય છે કે તેઓ હિતેચ્છુ બની એકબીજાના જીવનમાં રસ લઈ એની પાસે શું ખૂટે છે એ શોધી કાઢી કોઈ વાર – તહેવારે કે પ્રસંગે તેને ભેટરૂપે આપે છે. પોતે ખુશી થઈને આપે છે અને લેનારને જરૂરી વસ્તુ મળવાથી તે પણ ખુશખુશાલ થાય છે. કોઈ આપણે ત્યાં વર્ષો પછી કે તમારી આસપાસના એરિયામાં આવ્યા હોય અને સાથે સાથે તમારે ત્યાં મળવા ઓચિંતાના આવી જાય તો એ અતિથિ સત્કાર કરવા કેટલાની તૈયારી હોય છે ? તમારી જ ઉંમરના હોય કે વડીલની ઉંમરના હોય જે પણ હોય એ અતિથિએ તમારી સાથે વિતાવેલી પળોને તમે યાદગાર બનાવવા જેટલી જ જહેમત ઉઠાવો છો ? આપણા દેશમાં એક રીત છે. બહારગામ જતાં સાથે ભાથું એટલે કે નાસ્તો-પાણી ઘરેથી લઈ જાય છે. ટ્રેનમાં સગાં કે મિત્રો જે પણ સાથે હોય એ બધા એકબીજાને વહેંચીને-આપીને ખાય છે. જ્યારે પરદેશમાં ટ્રેનમાં બેઠેલા વર્કિંગ માણસો ભારેખમ મોઢે પોતપોતાના ડબ્બા-થર્મોસ ખોલી ચા-નાસ્તો કરે છે. કોઈ બીજાને આપવાનો વિવેક સરખોય કરતા નથી. આ બુદ્ધિજીવીઓમાં લાગણીના તાણવાણા ગૂંથાયેલા જ નથી હોતા.અતિથિ વિશેની ભાવનાનો કોઈ સંસ્કાર જ આ લોકોના લોહીમાં હોતો નથી.

એક બીજી વાત તે ઉત્સાહની. ગામમાં એવું જોવા મળે કે ઘણાં કુટુંબોમાં કોઈ વાર-તહેવાર કે પ્રસંગ આવે એટલે તેમના હૃદયમાં એક ઉત્સાહ આવી જાય. અરે, ઘણા તો આવા તહેવારની કે પ્રસંગની વાટ જોઈને જ બેઠા હોય, જેમ કે ટાઢી સાતમ હોય ત્યારે અડોશ-પડોશમાં સૌ નતનવું બનાવે અને સાતમને દિવસે સૌ સાથે ભેગા મળી ટાઢું ખાવાનો આનંદ માણે. હોળીનો તહેવાર પણ બધા સાથે મનાવે. દિવાળી જેવા તહેવારમાં ફાફડા-ઘૂઘરા જેવી દિવાળીની વાનગીઓ ઘરમાં ખાસ બનાવે અને સપરમા દિવસે આવનાર અતિથિને હોંશે હોંશે પીરસે. કોઈ અતિથિ કોઈ કારણસર ન જાય ત્યાં સુધી તેની રાહ જોઈને ખાસ એના માટે રાખી મૂકે. આ બધી ભાવનાઓ આજે લુપ્ત થતી જોવા મળે છે.

એક જમાનામાં અતિથિને દેવની જેમ ગણતા અને એવું કહેતા કે નસીબદાર હોય એને ત્યાં મહેમાન આવે. આજે જેટલા લોકો સાધનસંપન્ન છે એટલું જીવન નીરસ અને શુષ્ક થઈ ગયું છે. હવે બહારથી ઑર્ડર આપી ફરસાણ-મિષ્ટાન્ન કે જમવાનું મગાવી લોકો પ્રસંગ પતાવે છે. પ્રસંગ ઊજવવાનો મોહ રહ્યો નથી. હવે કામ પતાવો એવું લોકો આજે વિચારતા થયા છે. સૌરાષ્ટ્રની મહેમાનગતિ બહુ જાણીતી. એટલે જ પેલી પંક્તિમાં કહ્યું છે કે, હે ઈશ્વર એકવાર તું અમારી મહેમાનગતિ માણ, તારું સ્વર્ગ તને ભુલાવી દઉં.

સોરઠીમાં રહેલો એક અલગારી હૃદયભાવ, હસતો ચહેરો અને બીજા માટે ઘસાઈ છૂટવાની ભાવના આ ત્રણે ભણેલા બુદ્ધિવાદમાંથી લુપ્ત થતાં જાય છે. આતિથ્ય ભાવ અદશ્ય થતો જાય છે. બુદ્ધિજીવીઓ જ્યારે લાગણીની ભીનાશથી જીવતા શીખશે ત્યારે જીવન મહેકી ઊઠશે અને ત્યારે ‘અતિથિ દેવો ભવ’ની લાગણી ખીલી ઊઠશે.

[3] સતત જાગૃતિ એ જ યોગસાધના – ડૉ. સંજય શાહ

કોઈ પણ એક વિચારને પકડીને સતત ચાલવું તે ઘણું અઘરું કામ હોય છે. તે એક વિશિષ્ટ તપ હોય છે. તે એક સાધના છે. અને તેમાંય સુવિચાર – જે સૌને માટે શ્રેયકર હોય તો અદ્દભુત પરિણામ લાવે છે. હા, પણ થાય છે શું કે…. જીવનની આંટીઘૂંટીમાં અટવાતો જીવ વારે ઘડીએ વિચારની પકડ ગુમાવી દે છે – હા, ગાડી પાટેથી ઊતરી જાય તેમ જ. અને ફરી – પરિસ્થિતિ બદલાય, સંજોગો સહારો આપે તો ફરી વિચાર જોર પકડે છે. વાસ્તવમાં પરિસ્થિતિ તો સતત બદલાતી રહે છે અને જો આપણે તેના સહારે આપણું જીવન છોડી દઈએ તો જીવનનો ઉદ્દેશ ક્યારેય આકાર પામી જ ના શકે. અને એટલે જ સતત જાગૃતિ જરૂરી છે. લક્ષ્ય પરની નજર, એક લગાવ જરૂરી છે અને તેવી સતત જાગૃતિ જ યોગસાધના પુરવાર થાય છે અને ઈશ્વરે સોંપેલું કાર્ય ન્યાય પામે છે.

‘મન’ સૌથી ચંચળ હોય છે. ક્યારેક આસમાનમાં ઊડે છે તો ક્યારેક જડભરત થઈ જાય છે. ઘણી વાર સાંભળ્યું છે – ‘મન’ ને જીતો તો દુનિયા જીતાય. હા, અહીં સાચું કહીએ તો કશું જીતવા જેવું છે જ નહીં… પણ જીવવા જેવું બધું જ છે. મનને સહજ રીતે જોવું ને અંતરાત્માના અવાજને અનુસરવો જોઈએ. પણ આ ‘અંતરાત્માનો અવાજ’ – ખબર કઈ રીતે પડે ? બસ જ્યાં કોઈ જ દલીલોને અવકાશ નથી. જ્યાં સ્પષ્ટ ચિત્ર હોય કે મારે આ કરવું – તો સમજવું તે શુદ્ધ બીજું કંઈ નહીં પણ આત્માનો અવાજ છે.

ઈશ્વરે આપણા જીવનનું ટાઈમટેબલ બનાવીને મોકલેલું જ હોય છે. આપણે સહજ રીતે તેને અનુસરવાનું હોય છે. હા, જ્યારે આપણે આ કુદરતના ક્રમની બહાર જવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે બધા અકુદરતી પ્રશ્નો ને ઝંઝાવાતો ઊભા થાય છે અને આપણે અટવાઈ જઈએ છીએ. ત્યારે રસ્તો સૂઝતો નથી. બધું ધૂંધળું લાગવા માંડે છે. ત્યાં સફરનો અંત લાવવાનું મન થાય તે તો સાવ નાદાની કહેવાય. ધુમ્મસ ગમે તેટલું ગાઢું હોય તો પણ – સૂરજનાં કિરણો પડતાં જ પળવારમાં બધું ગાયબ થઈ જાય છે અને કુદરતની આ રચના સ્પષ્ટ રીતે પમાય છે. આપણે વર્તમાનમાં તો જીવવાનું જ છે પણ સાથે સાથે ભૂતકાળમાં આપણે શું કર્યું છે, કેવા સાચા હેતુસર કર્યું છે અને ભવિષ્યમાં શું ઓપ આપવાનો છે – ક્યા રંગો પૂરવાના છે તે ભૂલવું જોઈએ નહીં, વર્તમાનમાં કાર્યો ભૂતકાળના ભાથા અને ભવિષ્યના રોમાંચ સાથે કરવાથી સાર્થક થાય છે.

ખાવું-પીવું, ઊઠવું, બેસવું, હળવું-મળવું – આ બધું – તો સહજ રહેવાનું. તેમાં સતત બદલાવ આવવાનો છે. લાગણીની આપ-લેમાં ઓટ આવવાની, સંબંધોની પકડમાં ચઢાવ-ઉતાર આવવાના – બધું જ થશે. પણ આ બધું બાહ્ય છે. આપણી આંતરિક પ્રક્રિયા જ ખૂબ મહત્વની છે. બહાર ભલે ગમે તે થાય પણ આંતરિક રીતે જો આપણે મજબૂત હોઈએ તો આપણે સાચા અર્થમાં સ્વ-વિકાસના હકદાર બનીએ છીએ.

જીવન ખૂબ જ અનમોલ છે. આ શરીર એ ચેતનાનું આવરણ છે – તેનું સુરક્ષા કવચ છે, ચેતનાને વ્યક્ત કરવાનું સાધન છે. આ સાધન શુદ્ધ રહે, સ્વસ્થ રહે, મજબૂત રહે તે જોવાની આપણી પવિત્ર ફરજ છે. ચેતના એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે, તેનું જતન કરવું એ આપણા જીવનનો ઉદ્દેશ છે. (‘વિચાર વલોણું’ સામાયિકમાંથી સાભાર.)

[4] વિચારોને પણ વાચા હોય છે !! – પ્રણવ કારિયા

ઉનાળાનો ધોમધખતો તડકો પડતો હતો. એક ડોસી માથા પર પોટલું મૂકીને સડક પર ચાલી જતી હતી; પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. એવામાં ડોસીએ એક ઘોડેસવારને પાછળથી આવતો જોયો અને ડોસી મનોમન વિચારવા લાગી ! ‘ભગવાન, કેવો દયાળુ છે ! મારું દુ:ખ દૂર કરવા જ જાણે આ ઘોડેસવારને મોકલ્યો લાગે છે !’ જેવો ઘોડેસવાર નજીક આવ્યો કે તરત જ ડોસીએ ગળગળા અવાજે તેને વિનંતી કરતાં કહ્યું : ‘ઓ ઘોડેસવાર ભાઈ ! જરા ઊભા રહો ! અને આ ઘરડી ડોસીને થોડી મદદ કર ભાઈ ! આ મારો લૂગડાનો પોટલો તમારા ઘોડા પર મૂકીને દૂર ચાર રસ્તા પરના વડલાના ઝાડ નીચે મૂકી દેશે તો તમારો ખૂબ ઉપકાર થશે ! ત્યાં પહોંચીને હું મારું પોટલું લઈ લઈશ !’

‘ઓ હો હો માજી !’ ઘોડેસવાર તાડૂકી ઊઠ્યો :
‘તમે શું મને તમારો નોકર સમજો છો ?’ આમ કહી ઘોડેસવારે ઘોડાને એડી મારી, ઊડતી ધૂળમાં અદશ્ય થઈ ગયો ! થોડે દૂર ગયો હશે ત્યાં ઘોડેસવારને મનમાં વિચાર આવ્યો : ‘એ ડોસીના પોટલામાં સારો એવો કીમતી માલ ભર્યો લાગે છે ! ડોસીનો પોટલો લઈને ચાલ્યો જાઉં અને વડના ઝાડ નીચે ન મૂકું તો આ ડોસી શું કરી શકવાની હતી ? ચાલ, પાછો જઈને ડોસીનું પોટલું લઈ લઉ !’
ઘોડેસવાર પાછો વળ્યો અને ડોસી પાસે આવી ઘોડાને ધીરો પાડીને કહેવા લાગ્યો : ‘ઓ માજી ! લાવો તમારું પોટલું હું ઘોડા પર લઈ લઉં છું અને ચાર રસ્તા પર વડલાના ઝાડ નીચે મૂકી દઈશ ! પ્રથમ તમને ‘ના’ પાડી એ માટે દિલગીર છું; એકબીજાને મદદરૂપ ન થવાય તો જિંદગી શા કામની છે ભલા ?’

જ્યારે ઘોડે સવારે પોટલું ઊંચકીને લઈ જવાની ના પાડી ત્યારે ડોસીને મનમાં વિચાર આવ્યો : ‘અરે મૂઈ ! તું કેવી મૂરખ ડોસી છે ! આવા અજાણ્યા ઘોડેસવારને જાણ્યા-પિછાણ્યા વગર તેના પર વિશ્વાસ મૂકીને કીમતી પોટલું ઘોડા પર મૂકીને લઈ જવાની વિનંતી કરી ! ધારો કે ઘોડેસવાર પોટલું લઈને બીજે ગામ ચાલ્યો જાય તો તેને તું ક્યાં શોધવા જવાની હતી ? ઈશ્વરનો પાડ માન કે તેણે પોટલું ઘોડા પર લઈ જવાની ‘ના’ પાડી દીધી !’ આ ઘરડી ડોસી જાણે કે ઘોડેસવારના વિચારો સાંભળી ગઈ હોય તેમ તેણે મક્કમ સ્વરે કહ્યું : ‘ઓ મહેરબાન ! તમારો ખૂબ આભાર ! પણ મને તમારી મદદની હવે જરૂર નથી ! તમે જ્યારે આ લૂગડાનું પોટલું ઊંચકીને લઈ જવાનો વિચાર કર્યો અને તમે ઘોડો પાછો વાળ્યો અને જે કારણસર પોટલું લઈ જવાની ઈચ્છા કરી ત્યારે મને પણ તમારા જેવો જ વિચાર મારા હૃદયમાં સ્ફૂર્યો હતો ! આથી તમને આ પોટલું આપવાનું મારું મન ‘ના’ પાડે છે ! માટે, જે રસ્તેથી તમે પાછા આવ્યા હતા તે જ રસ્તે તમે જઈ શકો છો ! મારે હવે તમને આ પોટલું આપવાની બિલકુલ જરૂર નથી, તમારી ‘દાનત’ હું બરાબર મનોમન પારખી ગઈ છું !’

ખરેખર, જીવનમાં ઘણી વાર આપણે સામા માણસના વિચાર આવી જ રીતે જાણી લઈએ છીએ – સિવાય કે આપણું અંત:કરણ શુદ્ધ અને નિષ્કપટ હોય ! જાણે કે વિચારોને વાચા (વાણી) હોય છે ! (‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જિંદગી જીવો બીરબલ બુદ્ધિથી – લુઈસ એસ. આર. વાસ, અનિતા એસ. આર. વાસ
છેતરાયેલું પંખી – મોહનલાલ પટેલ Next »   

7 પ્રતિભાવો : વાંચન વૈવિધ્ય – સંકલિત

 1. dr sudhakar hathi says:

  આલગારી આતીથ્ય ગમયુ માનવી જેમ સુધરતો જાય તેમ આતડો થાય ચા ને ફાફડા ખાવાનુ મન થયુ

 2. સરસ લેખ. કાઠીયાવાડી માણસની મેહમાનગતી માણવાની પણ એક અનેરી મજા હોય છે.

 3. તરંગ ભાલચન્દ્ર હાથી says:

  આ બધું ગામડાંમા શક્ય બને. ગામડાંના માણસો બહુ પ્રેમાળ અને લાગણીશીલ હોય. આવું શહેર જવલ્લેજ જોવા મળે.

  તરંગ ભાલચન્દ્ર હાથી

 4. Sarika Patel says:

  very nice all the articles

  Thanks to everybody.

 5. Veena Dave, USA says:

  ખુબ સરસ લેખ્.

  શહેરોમા દિવાળીમા બધા LTC/LFC લઈને ફરવા ઉપડી જાય્ . અહી Thanks giving, Christmas જેવા દિવસોમા કુ્ટુમ્બ ભેગુ થાય.આપણી ઘણી પ્રથાઓ લુપ્ત થતી જાય છે.

 6. ભાવના શુક્લ says:

  ખુબ સરસ લેખ… કાઠીયાવાડી અલગારી પણુ અને માણસના મનને વાચવાની કળા ખુબ સરસ વિચારો હતા.

 7. Bela says:

  Good very good

  I like this article very much. Everyday i read all articles and like all of them.

  Thanks to all.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.