લગ્નસાગર – ફાધર વાલેસ

[‘લગ્નસાગર’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સરખાં કે જુદાં ?

સ્ત્રીનો જમાનો છે.
સ્ત્રી-સ્વાતંત્ર્ય. સ્ત્રી કેળવણી. સ્ત્રી-મતાધિકાર.
દુનિયા તે પુરુષોની જ દુનિયા છે એમ આજ સુધી કહેવાતું. ને હજી કેટલાક પુરુષો સ્ત્રીને ઊતરતી માને છે. ને હજી કેટલીક સ્ત્રીઓ હીનતાની ગ્રંથિ અનુભવે છે. પણ સ્થિતિ જલદી પલટાતી જાય છે. સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આવી ચૂકી છે, દરેક કામ એમણે ઉપાડી લીધું છે. એમણે સિદ્ધ પણ કરી આપ્યું છે કે પુરુષો કરી શકે એ બધું અમે પણ કરી શકીએ છીએ. (હા, અને પુરુષો કરી ન શકે એવું થોડુંઘણું તો સ્ત્રી જ કરી શકે એ વાત કુદરત જાણે છે. એટલે આખરે પુરુષો જ ઊતરતા નીવડવાના. ખેર.) પુરુષ નોકરી કરે છે તો સ્ત્રી પણ કરશે. પુરુષ મોટર ચલાવે છે તો સ્ત્રી પણ ડ્રાઈવિંગ શીખશે (અને રસ્તાના પોલીસોને હેરાન કર્યા કરશે.) પુરુષો હિમાલયનાં શિખરો ઉપર ચડે છે તો સ્ત્રી પણ ચડશે અને પુરુષ રાજકારણમાં પડે છે તો સ્ત્રી પણ પડશે. (‘ચડવું’ ‘પડવું’ શબ્દો અહીં ‘ચડતી-પડતી’ના અર્થમાં લેવાના નથી એ ચોખવટ તો કરી લઈએ.) બધાં ક્ષેત્રોમાં સાથે. દરેક કામમાં સમાન.

ગઈ કાલ સુધી તો છોકરીઓ ભણતી જ નહોતી. કૉલેજમાં તો આવતી નહોતી. ધીરે ધીરે અચકાતી અચકાતી આવવા માંડી. પ્રથમ તો આર્ટ્સમાં આવી. છોકરી તો આર્ટ્સમાં જ શોભે ને ! પછી સાયન્સમાં પણ શોભવા લાગી ને મેડિકલ કૉલેજમાં ગઈ. સ્ત્રી ડૉક્ટરની સમાજને કેટલી બધી જરૂર છે ! હા, છે અને સ્ત્રી એન્જિનિયરોની પણ સમાજને ખાસ જરૂર હોય એમ હવે લાગે છે, કારણ કે હાલ તો એન્જિનિયરિંગમાં પણ છોકરીઓ જાય છે અને સ્થાપત્ય અને કાયદાના અભ્યાસમાં તો ક્યારની ! બરાબર મોરચો માંડીને બેઠી છે. એક પણ ધંધો બાકી રાખ્યો નથી. એક પણ રસ્તો બંધ રહેવા દીધો નથી. ખુલ્લું મેદાન છે. સંપૂર્ણ સમાનતા છે. હવે સ્ત્રી ને પુરુષ કાયદાની આગળ સમાન, દુનિયાની આગળ સમાન, ભગવાનની આગળ સમાન. હા, પહેલાં તો શાસ્ત્રોમાં સ્ત્રીને મોક્ષ નથી એમ પંડિતો કહેતા, પણ આજે કોઈ ઉપદેશક એવું બોલે તો એની સભા ખાલી થાય. ધર્મમાં ને નોકરીમાં ને સમાજમાં ને વ્યવહારમાં સ્ત્રી ને પુરુષ સરખાં. વ્યક્તિઓ તરીકે સરખાં, માનવીઓ તરીકે સરખાં, માનવજાતની પ્રગતિ છે. આધુનિક યુગની સિદ્ધિ છે. સ્ત્રી ને પુરુષ સરખે-સરખાં. શાબાશ.

સરખેસરખાં.
અને તોયે જુદાં જુદાં.
સ્ત્રી તે સ્ત્રી અને પુરુષ તે પુરુષ. દેખાવ જુદા ને બંધારણ જુદાં ને મનોભાવ જુદા ને જીવન પ્રત્યેની ફરજ જુદી. ને તેઓ એ જાણે છે. બરાબર જાણે છે. ને બંને જુદાં છે એમાં જ દરેકનાં વિશિષ્ટતા ને વ્યક્તિત્વ ને મહત્વ છે એ પણ તેઓ જાણે છે. અને તેથી અનુમાન કાઢે છે કે એ જુદાપણું સિદ્ધ કરવામાં દરેકની સાર્થકતા હશે ને અનુમાન સાચું છે. કુદરતનો સંકેત સ્પષ્ટ છે, જુદાપણાનો ધર્મ સાચો છે.

અને એટલા માટે જ પેલી સરખામણીની સિદ્ધિ હવે કામ લાગશે. પુરુષ કરે છે એ બધું સ્ત્રી પણ કરી શકે છે એની ખાતરી હવે ખાસ ઉપયોગી નીવડશે. કેમ ? કેમ કે સરખાપણાનો દાવો સિદ્ધ કર્યા પછી સ્ત્રી હવે પોતાનું અલગ ને ખરું વ્યક્તિત્વ વિકસાવવામાં પૂરું ધ્યાન આપી શકશે. એને ઘેર બેસી રહેવું પડ્યું ત્યારે ઘેર બેસી રહેવામાં એની લાચારી હતી, ગુલામી હતી. પણ હવે એ ઘરની બહાર જઈ શકે છે, અરે ગમે ત્યારે જાય છે, માટે જો એ હવે કોઈ વાર ઘેર બેસી રહેવાનું પસંદ કરે (અને પોતાનું એ અલગ ને ખરું વ્યક્તિત્વ વિકસાવવા એમ કરવાનો વારો આવશે પણ ખરો) તો એમાં એની પસંદગી હશે, એની વિશિષ્ટતા હશે : લાચારી કે ગુલામી નહિ. બહાર જવામાં કે કૉલેજમાં ભણવામાં કે નોકરી કરવામાં સ્વતંત્રતા નથી. એથી ઊલટું, જો પોતાની સ્વતંત્રતા બતાવવા કોઈને નોકરી કરવી પડે તો એ ‘કરવી પડે છે’ એમાં સ્વતંત્રતા નથી, ગુલામી છે. સ્વતંત્રતા તો નોકરી કરી કે ન કરી શકવામાં જ છે. માટે સ્ત્રીએ એક વખત બતાવી આપ્યું કે પોતે નોકરી કરી શકે છે, પછી એને યોગ્ય લાગશે ત્યારે નોકરી કરશે અને યોગ્ય લાગશે (અને ઘણી વાર પોતાનું એ અલગ ને ખરું વ્યક્તિત્વ વિકસાવવા એને એ જ યોગ્ય લાગશે) ત્યારે નોકરી છોડશે. ‘પુરુષ કરી શકે એ બધાં કામ અમે પણ કરી શકીએ’ એ સ્ત્રીઓએ સાબિત કરી આપ્યું એ ઘણું સારું થયું – કારણ કે હવે એ કામોની પાછળ પડવાની એમને જરૂર રહી નથી. ફાવે ત્યારે કરશે અને ફાવે ત્યારે છોડશે ને કરતાં ને છોડતાં પોતાનું અલગ વ્યક્તિત્વ ઘડશે ને સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરશે.

સરખાં ને જુદાં.
બુદ્ધિમાં ને શક્તિમાં ને સ્વમાનમાં ને પ્રતિષ્ઠામાં સ્ત્રી પુરુષ સરખાં. અને એ સિદ્ધાંત દિલથી ન સ્વીકારે ને એ પ્રમાણે ન વર્તે એ સાચું માણસ નથી. પણ જીવનમાં ભજવવાની ભૂમિકા જુદી, ફરજ જુદી, જવાબદારી જુદી. અને એ પણ ન સ્વીકારે એ સ્ત્રી કે પુરુષ મુશ્કેલીમાં આવશે. સરખાં, એટલે અદેખાઈ કરવાનો સવાલ નથી. જુદાં, એટલે નકલ કરવાની વૃત્તિ નથી.
અનુકરણમાં મૌલિકતા નથી.
હરીફાઈમાં પ્રેમતત્વ નથી.
‘અમે પણ સાચાં’ એ ફરિયાદ ‘અમે સાવ નીચાં’ એ હીનતાનો ગુપ્ત એકારાર છે. બધાં સાચાં, કારણ કે બધાં સરખાં ને બધાં જુદાં. માટે કોઈને કોઈનું અનુકરણ કરવાની જરૂર નથી. કોઈને કોઈની સાથે હરીફાઈમાં ઊતરવાની જરૂર નથી. દરેકને પોતાની ખાસિયત છે, પોતાનું સ્થાન છે, પોતાની પ્રકૃતિ છે. એ સિદ્ધિ કરવામાં દરેકની સફળતા છે.
સ્ત્રી ને પુરુષ જુદાં જુદાં.
એટલું જ નહિ પણ એકબીજાનાં પૂરક.
જુદાં ખરાં પણ પારકાં નહિ.
સ્વતંત્ર ખરાં પણ અલગ નહિ.
સાથે મળીને કામ કરવાનું.
સાથે જીવીને નવું જીવન પ્રગટાવવાનું.
સ્ત્રી ગ્રહણ કરવા, ધારણ કરવા, અપનાવવા, હૂંફ આપવા સર્જાયેલી છે. તે ક્ષેત્ર છે, પૃથ્વી છે, માતા છે. પુરુષ પહેલ કરવા, ઝઝૂમવા, સ્થાપવા સર્જાયેલો છે. તે રક્ષક છે, શોધક છે, આધાર છે. બંને એકદમ સરખાં હોય તો એકબીજાનાં પૂરક કેમ થાય ? બંને એકરૂપ હોય તો દરેકનું વ્યક્તિત્વ, મૌલિકતા, સ્વતંત્રતા કેમ સચવાય ? દરેક પોતાની વિશિષ્ટતા કેળવે એમાં બંનેનો ઉત્કર્ષ છે. એમાં દરેકનું ગૌરવ પણ છે.

છોકરાને છોકરી કહેવામાં જેટલું અપમાન છે તેટલું જ છોકરીને છોકરો કહેવામાં પણ છે. સ્ત્રીની પ્રશંસા કરવા એને ‘વીરાંગના’ કહેવાનો પ્રયોગ ખોટો છે અને ડરપોક પુરુષને ‘બાયલો’ કહેવાનો પ્રયોગ પણ ખોટો છે. વીરમાં વીરત્વ છે અને બાઈમાણસમાં બાઈમાણસપણું છે. બન્ને લક્ષણ સાચાં. બન્ને ગુણ જરૂરી. બન્નેના સમન્વયથી કુટુંબની પવિત્ર એકતા બંધાય. અને પૃથ્વી પર નવું જીવન અવતરે.

દુનિયા તે પુરુષોની દુનિયા નથી. સ્ત્રીઓની પણ નથી. બંનેની છે. ખરું કહીએ તો કુટુંબની જ છે, ને કુટુંબમાં સ્ત્રી ને પુરુષ સરખાં ને જુદાં ને પૂરક ને સહાયક ને આખરે બે છતાં એક બનીને અનન્ય આત્મીયતાથી રહે છે. એમાં બંનેની સાર્થકતા છે.

[2] નવું સાહસ

તમારા નવા સાહસ માટે તમે સલાહ માગી છે.
સાહસ તે લગ્ન છે.
એ એકદમ નવું સાહસ તો ન કહી શકાય કારણ કે પૃથ્વીમાં બાવા આદમના વખતથી એના પ્રયોગો વત્તીઓછી સફળતાથી થતા આવ્યા છે. પણ તમારે માટે એ પ્રયોગોનું મુહૂર્ત હવે થોડા દિવસમાં આવવાનું છે અને એ તમારા જીવનમાં તદ્દન નવો અનુભવ હશે તેથી તમારે માટે તો એ નવું સાહસ કહેવાય.

લગ્ન વિષે તમે ઘણું જોયું છે, સાંભળ્યું છે, વાંચ્યું છે એ ખરું. છેલ્લાં થોડાં વર્ષથી તમે મુખ્યત્વે એની જ વાત કરતા ને સાંભળતા આવ્યા છો એમ કહીએ તોય ચાલે. પણ ડૉક્ટર પણ કૉલેજમાં બેઠાં બેઠાં શરીરવિજ્ઞાનના બધા પાઠ શીખ્યા હોવા છતાં પહેલી વખત દર્દીનું પેટ ચીરવા જાય ત્યારે એનો હાથ ધ્રૂજે ને સૈનિક પણ યુદ્ધનું આખું શાસ્ત્ર જાણ્યા છતાં પહેલી વખત ખુલ્લા રણમેદાનમાં પડે ત્યારે તેના પગ થરથરે. અને યુવાન માણસ પણ લગ્નપુરાણનું પારાયણ અનેક વાર કર્યું હોવા છતાં લગ્નવિધિ પછી પહેલી વખત જીવનસાથીને પુણ્ય એકાંતમાં મળે ત્યારે તેના હૃદયના ધબકારા વધે, અને એ શુભ પ્રસંગ માટે વાર્તાઓમાં વાંચેલાં ને સિનેમામાં જોયેલાં ને દોસ્તોની પાસેથી સાંભળેલાં સુવાક્યો સાવ ભુલાઈ જાય, બાઘાની માફક એ સામે જોયા જ કરે અને છેવટે મહામહેનતે ‘કેમ છો ?’ જેવું લૂખું સંબોધન તેના મોંમાથી નીકળે. હા, ખરેખર એ નવું સાહસ છે – એને માટે તમે ગમે તેટલી તૈયારી કરી હોય તોપણ.

અને પહેલી સલાહ પણ એ છે કે પેલી વાર્તાઓની ને સિનેમાની ને દોસ્તોની વાતો ભૂલી જાઓ અને તમારી એ કોમળ નવવધૂ સાથે પહેલેથી જ સરળતાથી, સહજ ભાવે, સ્વાભાવિક રીતે જ વર્તો. ગોખેલાં વાક્યો ન જોઈએ. શીખેલા અભિનય ન જોઈએ. પાડેલા ચાળા ન જોઈએ. તમે છો ને એ છે, અને જેમ વહેલાં તમે જેવાં છો તેવાં એકબીજાંને મળો, એકબીજાને ઓળખતાં થાઓ, સ્વીકારતાં થાઓ તેમ બંનેને માટે સારું છે. તમે એનો ક્ષોભ દૂર કરો, એનો સંકોચ ભુલાવો, એની શરમ મિટાવો. પહેલેથી જ એને સ્વસ્થ બનાવો, તમારી સરળતાથી એને હળવી બનાવો, તમારી આગળ કોઈ નાટક ભજવવાની જરૂર નથી એની ખાતરી એને કરાવો. પરિણામ એ આવશે કે એને સ્વસ્થ બનાવતાં તમે પોતે સ્વસ્થ બની જશો. (તમને પણ એની જરૂર હતી ને ?) અને હૃદયનું સાચું મિલન જલદી થઈ શકશે.

વ્યક્તિ વ્યક્તિને મળે એ ખરું સાહસ છે. ખાલી શિષ્ટાચારમાં નહિ, કે રસ્તામાં મળીને બે ગપ મારવા માટે નહિ, કે ઑફિસમાં સાથે કામ કરવા માટે નહિ, પણ જિંદગી સુધી બેમાંથી એક થઈને નિકટ સાંનિધ્યમાં જીવવા માટે વ્યક્તિ વ્યક્તિને મળે એ સાહસ છે. પડકાર છે, સાધના છે. બાહ્ય અવકાશમાં, અંતરિક્ષે ચડેલાં બે અવકાશયાનનું મિલન કરાવવા કેટલી કરામત, ગણતરી, વીરતા જોઈએ ! એમના પથ સમાંતર બનાવવા જોઈએ. વેગ સરખા, પૃષ્ઠ સન્મુખ. એમાં સહેજ ભૂલ પડી, એકનો વેગ વધારે ને એકનો ઓછો થયો, એકનો પથ સીધો ને એકનો આડો આડો આવ્યો કે મિલનને બદલે અકસ્માત થશે, અથવા કાયમનો વિયોગ થશે. યાનો અથડાશે કે એકબીજાથી દૂર ને દૂર જતાં રહેશે કે નજીક આવ્યા છતાં એમના યોગ કેમે કરીને બેસશે નહિ. જીવન-અવકાશમાં પણ યૌવનના અંતરિક્ષે ચડેલા બે અનંતયાત્રીઓનું શુભ મિલન કરાવવું કેટલું અઘરું હોય છે ! સરખા વેગ જોઈએ, સરખા માર્ગ જોઈએ, સરખાં દિલ જોઈએ, નહિ તો અકસ્માત થશે, જીવલેણ અકસ્માત થશે, દિલ દિલની સામે અથડાશે અને તેના ટુકડેટુકડા શૂન્યાવકાશમાં અનંત નિરાશાને માર્ગે ગોળ ગોળ ફરતા રહેશે. મિલનનું મુહૂર્ત વિયોગના અપશુકનમાં પલટાઈ જશે.

સફળ મિલન માટે ગણતરી ને તાલીમ, કલા ને લાગણી જોઈએ. હળવે રહીને, સૂક્ષ્મ સ્પર્શ, મૃદુ સંપર્ક. ખોટી ઉતાવળ કરવાથી કેટલાં લગ્ન ખોરવાયાં હશે ! આજ સુધી તમે બે એકબીજાંને ભાગ્યે જ મળ્યાં છો અને મળ્યાં છો તે એવા સંજોગોમાં મળ્યાં છો કે એમાં સાચો પરિચય મળવો અશક્ય હતો. વડીલોની હાજરીમાં, ટૂંકા સમયમાં, ક્ષોભમાં ને ચિંતામાં. (એના ઉપર તમારી શી છાપ પડે એ ચિંતાથી એની તમારા ઉપર શી છાપ હતી એ જોવાનું તમે ભૂલી ગયા; અને એ પણ તમારા ઉપર સારી છાપ પાડવાની આતુરતાથી તમારી છાપ ઝીલવાનું સાવ ચૂકી ગઈ ! ખેર. ઉત્તમ છાપ પાડવાનો રસ્તો પોતાની વાત જ ભૂલી સામી વ્યક્તિમાં સાચો રસ દાખવવાનો છે એ હજી તમારે બંનેને સમજવાનું છે.) તમે એના વિશે થોડું તો જાણો છો, અને એ તમારા વિશે થોડું વધારે પણ જાણે છે (કારણ કે ગુપ્ત માહિતી ભેગી કરવાની કલા સ્ત્રીઓની પાસે જ છે.) પણ એ તો બાહ્ય માહિતી છે, સૂકી હકીકત છે, ખાલી વિગતો છે. એ દિલનું ઓળખાણ નથી, સૂક્ષ્મ ટેવો-કુટેવોનો પરિચય નથી, આત્માનું મિલન નથી. ને હવે લગ્નનો દિવસ આવશે ને વિધિ થશે ને વડીલો આશીર્વાદ આપશે ને મહેમાનો આવશે ને જશે… અને થોડા જ કલાકમાં તમે બે એ બાહ્ય પરિચયથી દુનિયાની નિકટમાં નિકટ આત્મીયતામાં ઊતરી જશો. માટે જ સલાહ આપું છું કે ઉતાવળ ન કરો, ધીરેથી આગળ વધો, ધીમે પગલે ચાલો.

ઈતિહાસનો એક પ્રસંગ છે. આર્ગોસના રાજાએ લિડિયાના રાજાને ત્યાં રાજકુમારીને માટે માગું મોકલ્યું. ત્યારે જવાબમાં લિડિયાના રાજાએ એમને એક ચાંદીની પેટી મોકલી. પેટીમાં માટી હતી અને માટીમાં ગુલાબની એક કળી ઊભી હતી. આર્ગોસના રાજાએ પેટી ઉઘાડી, કળી જોઈ, મર્મ સમજી લીધો. રોજ પોતે પોતાને હાથે નાજુક કળીની માવજત કરી. હૂંફ મળે પણ સીધો તડકો ન લાગે એવી રીતે ગોઠવે; લહેર ઝુલાવે પણ પવન ન નમાવે એવી જગ્યાએ મૂકે; પોષણ મળે પણ સડો ન લાગે એટલું પાણી પાય. ને છેલ્લે કળી ફૂટી, ફૂલ બેઠું, ગુલાબ ખીલ્યું અને ગુલાબનું ફૂલ ચાંદીની પેટીમાં મૂકીને ચાંદીની પેટી બીજી સોનાની પેટીમાં બેસાડીને આર્ગોસના રાજાએ તે પાછી લિડિયાના રાજાને મોકલી. અને કન્યા આવી અને લગ્ન લેવાયાં. તમારા હાથમાં એ ગુલાબની કળી હમણાં આવશે. જો તમે ઉતાવળ કરીને એનું સૌંદર્ય, એની કોમળતા, એની સુવાસ લૂંટવા દોડશો તો એ તરત કરમાઈ જશે.
ધીરેથી કામ લો.
માવજત કરો.
તમે પોતે કરો, રોજ કરો, પ્રેમથી કરો.
લગ્ન થયાં એટલે બધા અધિકાર તમને મળી ચૂક્યા એમ ન માનો. અધિકાર લાયકાતથી પ્રાપ્ત થશે અને લાયકાત પ્રેમથી, ધીરજથી, ભક્તિથી સિદ્ધ થશે. પછી ગુલાબ ખીલશે. શરૂઆતમાં ધીરે પગલે ચાલે તે દૂર સુધી પહોંચે. લાગણીના પ્રદેશમાં એ સવિશેષ સાચું છે.
દોડે તે જલદી થાકે.
જલદી ચડે તે જલદી પડે.
પણ સતત, સ્થિર, એકસરખી ગતિએ આગળ ચાલે તે લાંબું ચાલે ને ઊંચે ચડે ને ઊંચે જ રહે.
થોડો સંયમ.
થોડી ધીરજ.
થોડું ડહાપણ.
વ્યક્તિને વ્યક્તિ તરફથી પૂરું માન ને આદર અને સ્વમાનની આગ્રહપૂર્વકની સાચવણી – પોતાનામાં તેમ જ બીજામાં.

સાહસ છે ને તમારું છે.
તમારું છે એટલે નવું છે.
નવું છે એટલે આખરે તમે પોતે જ તમારા અનુભવથી શીખશો. સલાહ માગી છે તો છેવટે એટલી આપું છું કે બીજી વ્યક્તિને અપૂર્વ નિકટતામાં મળવા જાઓ છો તો તમે જ બનીને જાઓ : સરળતાથી ને નિખાલસતાથી જાઓ, માનપૂર્વક અને પૂજ્યભાવે જાઓ ને વિશ્વાસથી જાઓ. તમારામાં ને એનામાં.
અને એ વિશ્વાસ ફળશે.

[કુલ પાન : 134. (બટરપેપર સાથેની આકર્ષક ડિઝાઈન) કિંમત રૂ. 151. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાંધીજીનો વિનોદ – લલ્લુભાઈ મકનજી
તમારો ભગવાન…મારો ભગવાન – શકુંતલા નેને Next »   

12 પ્રતિભાવો : લગ્નસાગર – ફાધર વાલેસ

 1. dr sudhakar hathi says:

  ફાધર વાલેસ ગુજરાતી સાહિત્ય મા આદરનિય નામ તેમના લેખો મનનિયહોય યુવાનોના પ્રિય લેખક

 2. ખુબ જ સુંદર વાત.

  “લગ્ન થયાં એટલે બધા અધિકાર તમને મળી ચૂક્યા એમ ન માનો. અધિકાર લાયકાતથી પ્રાપ્ત થશે અને લાયકાત પ્રેમથી, ધીરજથી, ભક્તિથી સિદ્ધ થશે. પછી ગુલાબ ખીલશે.”

  “જુદાં ખરાં પણ પારકાં નહિ.
  સ્વતંત્ર ખરાં પણ અલગ નહિ.
  સાથે મળીને કામ કરવાનું.
  સાથે જીવીને નવું જીવન પ્રગટાવવાનું.”

 3. ગુજરાતનું ભાગ્ય હતું કે પૂ. ફાધર વાલેસ જેવા સાહિત્યના ગૂઢ અભ્યાસી મળ્યા હતા.

  પૂ. ફાધર વાલેસનું સાહિત્ય હંમેશા પ્રેરણાત્મક અને ચિંતનમય હતું.
  પૂ. માતાના આગ્રહને કારણે તેઓશ્રીને સ્પેન પાછા ફરવું પડ્યું અને
  ગુજરાત તેમની સાહિત્યીક યાત્રાથી વંચિત રહ્યું.

  આશા રાખીએ કે ભવિષ્યમાં પૂ. ફાધર વાલેસ તેમની પ્રિય કર્મભુમિ ગરવી ગુજરાતમાં આવી આપણને
  તેમના વિચારોથી તરબોળ કરશે.

  ઈશ્વર પૂ. ફાધર વાલેસને લાંબું દિર્ઘાયું બક્ષે તેવી પ્રાર્થના.

 4. Rasik Butani says:

  ખુબ સરસ

 5. Veena Dave, USA says:

  સરસ લેખ્. One of the great author. I like his articles.

  સરખા માગૅ, સરખા વેગ અને સરખા દિલ જોઇએ નહિ તો અકસ્માત. સાચી વાત.

  અને….. લગ્ન પહેલા બહુ સારા હોવાનો ડોળ અને લગ્ન પછી ‘ જો અમે કે્ટલા ખરાબ છીએ અને તને બનાવટ કરીને લાવ્યા છીએ ‘ તો………..આવા બેશરમ પણ છે જેના જિવનમા પ્રેમ કે લાગણી કે મમતા જેવા ભાવ જ નથી. , સમજણ નથી.

  શાના રક્શક, શોધક કે આધાર્ ? સમાનતા ના મો્હ મા સ્ત્રીએ જવાબદારી વધારી અને પુરુષ પાન્ગળો બન્યો. .. સ્ત્રી એ જોબ કરવાની, ગ્રોસરી લાવવાની, જમવાનુ બનાવવાનુ(બહાર ખાવાનુ નહિ), વેક્યુમ કરવાનુ, વાસણ સાફ કરવાના(ડીશ વોશર નહિ વાપરવાનુ), વધુ કમાવા આગળ ભણવાનૂ………અમે ઘેર બેઠા ટીવી અને કોમ્પ્યુ્ટર જોઇશુ.. અમારા પાકીટ ભરેલા રાખીશુ અને તારા અને તારા બાપના પાકી્ટ અને બેન્ક બેલેન્સ ખાલી કરીશુ…. Then accident……..finish……સીયાવર રામચન્દ કી જય્……..

  આ બધાને લાગુ પડતી વા્ત નથી. . તો માફ કરશો.

 6. kantilal kallaiwalla says:

  My salute to you for writing the truth in its proper perspective.One more salute for last line relating to the last para:This does not apply to every one,there is option too:I compare this article with poem written by Nalini Mandavkar : Title NARI. In the end I enjoyed this article fully.

 7. Narendra M. Patel says:

  નવજીવન ની શરુઆત કરવા ઇછ્તતા તમામ લગ્નૉત્સુક યુવક યુવતી એ વાંચવા યોગ્ય પુસ્તક છે.સંસારરૂપી સાગર તરવા માટે યોગ્ય માર્ગદર્શન પુરુ પડે છે. તેમજ જેવી રીતે વહાણમા સઢ દ્વારા સહેલાઇ થી સાગર પાર કરી શકાય છે તેમ લગ્નસાગર દ્વારા પણ જીવન
  સાગર તરવા પુરુ માર્ગદર્શન મળેછે.. આ લેખ ની ક્રુતિ ઉત્કુસ્ઠ છે જ પરંતુ આખુ પુસ્તક ખાસ વાંચવા યોગ્ય છે.

 8. Rashmi says:

  ખુબજ સરસ લેખ આજ કાલ મા બાપ દિકરિ ના લગન કરવા માટે ઉતાવડ કરિ અને દિકરા પકશ ને સમજ્યા વગર લગ્ન કરિ નાખે અને દિકરિ ને વર ને સમજવા નો મોકો જ નથિ અપતા. જે થિ દિકરિ સમજિ નથિ શકતિ કે એને શુ કરવુ કેવિ રિતે પતિ ના ઘરના નિ એક્ષ્પેકટેશન પુરિ કરવિ.

 9. Sandhya Bhatt says:

  લગ્નસાગર મારું વર્ષોથી માનીતું રહેલું પુસ્તક છે.

 10. Pinki says:

  મારું પ્રિય પુસ્તક ….. !!

 11. ભાવના શુક્લ says:

  મનનિય લેખ્!

 12. Chintan says:

  ખુબ સુંદર લેખ અને પુસ્તક પણ..અમારા મિત્રવર્તુળમાં આ પુસ્તક બધાને ઘણુંજ ગમે છે. પતિ-પત્નિનાં સંબધોની શરૂઆત તેમજ તે સમયે મનમાં આવતા પ્રશ્નોને લેખકશ્રિએ ખુબ સચોટ રીતે વર્ણવ્યા છે. જુદા જુદા સંજોગોમા કેવા મનોભાવો જન્મે છે અને તેમાથી કેવી રીતે બહાર આવવું તે વાત જાણવાં માટે દરેક જણે વાંચવા અને વસાવવાં યોગ્ય પુસ્તક છે.
  લેખકશ્રિ તેમજ મૃગેશભાઈનો ખુબ ખુબ આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.