- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

કુદરતી સૌંદર્યથી ભરેલું સ્થળ : પાસીઘાટ – હેતલ દવે

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

અરૂણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ જિલ્લામાં આવેલ પાસીઘાટ રાજ્યનું સૌથી જૂનું નગર છે. જેની સ્થાપના સન 1911માં થઈ હતી. અંગ્રેજોએ અહીંના સ્થાનિક લોકો આસામના મેદાનોમાં ધંધો-વ્યવહાર કરતા થાય તેમાં મદદરૂપ થવા પાસીઘાટ ખાતે એક પોલીટીકલ ઑફિસરની નિમણૂક કરી હતી. આ વિસ્તારમાં વસતા પાસી જાતિના લોકો પરથી ગામનું નામ પાસીઘાટ પડ્યું છે. પાસીઘાટને ‘અરુણાચલનું પ્રવેશદ્વાર’ તરીકે ઓળખવામાં આવે છે.

આસામના દિબ્રુગઢથી સીધું પાસીઘાટ પહોંચી શકાય છે. પરંતુ આપણે અરૂણાચલ પ્રદેશમાં છીએ એટલે વધુ પરિચિત રસ્તે પાસીઘાટ જઈએ. ઝીરો નામના સ્થળથી પૂર્વ દિશામાં અલોન્ગ થઈ પાસીઘાટ જઈ શકાય છે, તે રસ્તે આગળ વધીએ. અલોન્ગ જતાં રસ્તામાં તાજીન જાતિના લોકોનો વસવાટ ધરાવતું દાપોરીજો આવે છે. અહીં અંગ્રેજ શાસનકર્તાઓએ સર્વે માટે સન 1940માં મોકલેલ હેલિકોપ્ટરનું સ્વાગત તિરંદાજીથી થયું હતું. સ્થાનિક પ્રજાના વિરોધને શમાવવા અંગ્રેજોએ હેલિકોપ્ટરમાંથી મીઠાઈના પેકેટ વરસાવવા પડ્યા હતા. આ વિસ્તારની તાજીન પ્રજાને વાંસનો શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગ કરવાની કળા વારસામાં મળી છે. આ પ્રદેશના તમામ ગામડાં વાંસમાંથી બનાવેલ પાણી લઈ જતી પાઈપલાઈનથી માઈલો સુધી જોડાયેલાં છે. તાજીન પુરુષ વાંસમાંથી બનાવેલ ટોપી સિવાય ક્યારેય જોવા મળતો નથી. આ પ્રજા વાંસમાંથી ટોપલા તો ઠીક પાકીટ પણ બનાવે છે !

અલોન્ગ પશ્ચિમ સિયાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. અરૂણાચલ પ્રદેશના અન્ય નગરો કરતાં અલોન્ગ તેની શાંતિની બાબતમાં જુદું પડે છે. અહીં તમે શાશ્વત શાંતિનો અનુભવ કરી શકો છો. આ અદી જાતિનો પ્રદેશ છે, જે ગેલોન્ગ, મીનયોન્ગ, બોરી, બોકર અને રામો જેવી ઉપપેટાજાતિઓ ધરાવે છે. આ ઉપપેટાજાતિઓનો સમાવેશ બે મુખ્ય પેટાજાતિ બોગુમ અને બોમીમાં થાય છે. આ બે પેટાજાતિના લોકો અલગ અલગ ગામોમાં રહે છે. અલોન્ગ પાસે સિયોમ અને સિપુ નદીનો સંગમ રચાય છે તે સ્થળ અદ્દભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. ઊંચા, અછૂયા પર્વતોની મધ્યમાં આવેલ આ સ્થળે પહોંચતાં કુદરતના ખોળાને ખૂંદવાની ખરી મજા માણી શકાય છે. એપ્રિલ માસમાં અહીંના લોકો તેમનો મુખ્ય ઉત્સવ મોપીન ઉજવે છે. જે અહીંના કૃષિ આધારિત સમાજવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તમે જો શિયાળામાં અલોન્ગ જવાનું પસંદ કરશો તો, ચોતરફના પર્વતશૃંગો પર માત્ર બરફ જોવા મળશે. સાદું કુદરતી સૌંદર્ય.

અલોન્ગથી પાસીઘાટનું અંતર 110 કિ.મીનું છે. આ સમગ્ર રસ્તો નદીની સમાંતર જાય છે, એટલે વિવિધ સ્થળે નદીનાં જુદાં જુદાં રૂપ નિહાળતાં ક્યારે પાસીઘાટ પહોંચી જવાય છે તેની ખબર જ પડતી નથી. અલોન્ગથી નીકળતાં જ સિયેમ નદી તમારી સાથીદાર બની જાય છે, એકાદ કલાકનું અંતર કાપ્યા પછી, સિયોમનો સિયાંગ સાથે સંગમ થાય છે તે સ્થળે પહોંચાય છે. અહીં સિયોમના ભૂરા પાણી સાથે સિયાંગનું લીલું પાણી ભળતાં અદ્દભુત સંગમ સર્જાય છે ! સિયાંગ એટલે સમગ્ર ઉત્તર-પૂર્વના રાજ્યોની જીવનદાત્રી બ્રહ્મપુત્રનું આગોતરું રૂપ. ચીનના તિબેટમાં આવેલ કૈલાસ માનસરોવરમાંથી ઉદ્દભવ પામી વહેતી આ નદી તિબેટમાં ત્સાન્ગપોના નામે ઓળખાય છે. અરુણાચલના અપર સિયાંગનું નામ મેળવે છે અને અરુણાચલ પ્રદેશના જિલ્લાઓને પોતાનું નામ આપે છે. આ રસ્તામાં સિયાંગના વિવિધ સ્વરૂપ જોવા મળે છે. ક્યારેક શાંત તો ક્યારેક રૌદ્ર સ્વરૂપ ધારણ કરી પર્વતો અને શિલાઓને ચીરતી સિયાંગ પાસીઘાટનાં મેદાનો તરફ દોડતી જોવા મળે છે.

સિયાંગના ભારત પ્રવેશસ્થળ ગેલીંગથી પાસીઘાટ સુધીનો 200 કિ.મી.નો માર્ગ વિશ્વના શ્રેષ્ઠ રીવર રાફ્ટીંગ રેપીડ્સ ધરાવે છે. ગેલીંગ પાસેનું એક સ્થળ કે જે ‘બીગ બેન્ડ’ના નામે ઓળખાય છે. ત્યાં આવેલ રેપીડ ખાતે એક સેકન્ડમાં 150 ફૂટ નીચે પડાય તેવી ભૂસંરચના છે. થોડાં વર્ષો પહેલાં અહીં નેશનલ જ્યોગ્રાફિક ચેનલ માટે અમેરિકી સર્વેયરોએ હવાઈ સર્વેક્ષણ કરી તારણ કાઢ્યું હતું કે, આ જગ્યાએથી ક્યારેક રીવર રાફ્ટીંગ થઈ શકશે નહીં. બીગ બેન્ડને યાદ કરતાં ગેલીંગથી પાસીઘાટ સુધી આવતી સિયાંગ રીવર રાફ્ટીંગના ચાહકો માટે સ્વર્ગ સમાન છે. પાસીઘાટ પછી આસામમાં પ્રવેશતી સિયાંગ નારીમાંથી નર સ્વરૂપ-બ્રહ્મપુત્ર ધારણ કરે છે. આસામના મેદાન પ્રદેશોમાં વસતી પ્રજાને જીવન આપનારી અને દર વર્ષે છલકાઈને સર્વનાશ વેરતા બ્રહ્માના પુત્રનું નામ ધરાવતી આ નદી બાંગ્લાદેશ સુધી લંબાઈને ગંગાને મળી વિશ્વનો સૌથી મોટો મુખ્ય પ્રદેશ સુંદરવન સર્જે છે. સિયાંગની સંગાથે પાસીઘાટ પહોંચી ગયા તો, હવે પાસીઘાટને માણીએ.

પૂર્વ સિયાંગ જિલ્લાનું મુખ્ય મથક પાસીઘાટ સમુદ્રની સપાટીથી 155 મીટરની ઊંચાઈએ આવેલું માંડ લાખ લોકોની વસ્તી ધરાવતું નગર છે. સિયાંગ નદીના કિનારે વસેલ આ નગર અને તેની આજુબાજુનો પ્રદેશ કુદરતી સૌંદર્યથી ભર્યોભર્યો છે અને પાસીઘાટને મળેલ ‘ફોટોગ્રાફર્સ ડીલાઈટ’ના ઉપનામને યથાર્થ ઠેરવે છે. પ્રકૃતિને તેના શુદ્ધ સ્વરૂપે આત્મસાત કરવા માટે આનાથી સારું બીજું એક પણ સ્થળ નહીં મળે, દુનિયાની ભીડભાડ અને દોડાદોડીથી દૂર જઈ તન-મનને શાંતિનો મસાજ કરી, પુન: ચેતનવંતા બનાવવા હોય તો પાસીઘાટ જવા જેવું છે. દેશભરના આદિવાસી વિસ્તારોમાં દર અઠવાડિયે એક વાર ભરાતું અઠવાડિક બજાર ધબકતા જનજીવનને નજીકથી નિહાળવાની શ્રેષ્ઠ તક આપે છે, પાસીઘાટ પણ તેમાંથી બાકાત નથી. અહીં દર મંગળવારે ભરાતું બજાર પ્રજાને ખરીદ-વેચાણની સુવિધા તો આપે જ છે, સાથે સાથે તે સામાજિક મિલનની જરૂરિયાત પણ પૂરી પાડે છે. અહીં ઊન, સોપરી પાન જેવી અનેકવિધ વસ્તુઓ મળે છે. પાસીઘાટનું સ્મૃતિચિહ્ન ખરીદવું હોય તો આ મંગળવારી બજારથી સારું સ્થળ બીજું નથી. તમે અહીં વાંસ કે કેનમાંથી બનાવેલ વસ્તુઓમાંથી પસંદ કરી શકો છો.

દર વર્ષે જાન્યુઆરી માસમાં પાસીઘાટ ખાતે અરુણાચાલ ટુરિઝમ ‘બ્રહ્મપુત્ર દર્શન’ નામે ઉત્સવ ઉજવે છે. સમગ્ર ઉત્તર-પૂર્વના પ્રદેશની જીવનદાતા બ્રહ્મપુત્રના સન્માન સ્વરૂપે ઉજવાતા આ ઉત્સવોની શરૂઆત દેશની મહાનદીઓના પાણીના સંમિશ્રણથી થાય છે, જે ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાની વિશિષ્ટતાને પરિષ્કૃત કરે છે. આ સમયે પશ્ચાદભૂમાં બોલાતાં વેદમંત્રો અનેરું વાતાવરણ સર્જે છે. ઉત્સવ દરમ્યાન અરૂણાચલ પ્રદેશમાં વસતી વિવિધ જાતિઓના પ્રતિનિધિ નૃત્ય, તેમની હસ્તકળા અને વિવિધ વ્યંજનો માણવા મળે છે.

પાસીઘાટની આજુબાજુનો પ્રદેશ કુદરતી સૌંદર્યના આશિકો માટે સ્વર્ગ સમાન છે. પર્વત શિખરો પરના આલ્પાઈન અને કંદરાઓમાંના વરસાદી વનોમાં ટ્રેકીંગ કરતાં કરતાં દુનિયા ભૂલી જવાય છે. સિયાંગ નદીના વિવિધ સ્વરૂપોને માણવાની મજા આવા ટ્રેકમાં મળે છે. નારંગીના બગીચા પાસેથી સીઝનમાં પસાર થતી વખતે ભરપૂર વિટામીન સી મેળવવાની તક મળે છે, તો ધસમસતા પાણી પર ઝળૂંબતા કેન-બાંબુના ઝૂલતા બ્રીજ પરથી પસાર થવાની થ્રીલનો અનુભવ જિંદગીભર ભૂલાતો નથી. આ સમગ્ર વિસ્તાર અજાણ્યા પક્ષીઓથી ભરપૂર છે, એટલે રોજ નવાં પક્ષી જોવાની અને તેને ઓળખવાની માથાકૂટમાં પણ મજા પડે છે. માર્ગમાં આવતા આદિવાસી ગામની મુલાકાત સ્થાનિક પ્રજાનો અને તેમના જીવનનો નજીકથી પરિચય મેળવી આપે છે. જેને માછીમારી ગમતી હોય તેમના માટે એન્ગલીંગની શ્રેષ્ઠ સગવડ અહીં મળી રહે છે. સિયાંગ તથા તેને મળતી નાની નદીઓમાં એન્ગલીંગમાં શ્રેષ્ઠ કેચ ગણાતી મશીર જાતની માછલીઓની ભરમાર છે, સામાન્યત: 20-30 કિ.ગ્રા. વજનની માછલી મળી રહે છે. વધુ ઊંચાઈએ ઠંડા પાણીમાં ગોલ્ડન ટ્રાઉટ પકડી શકાય છે. એડવેન્ચર સ્પોર્ટના શોખીનો માટે રીવર રાફટીંગનો જબરજસ્ત પડકાર તૈયાર છે. અહીં 5+ ગ્રેડ ધરાવતા અનેક રેપીડ છે, જે અનુભવી માટે છે. નવાસવા અને શિખાઉ માટે પણ 2-3 ગ્રેડના રેપીડ છે, જ્યાં પ્રારંભિક રાફ્ટીંગ થઈ શકે છે.

પાસીઘાટથી 13 કિ.મી. દૂર આવેલ સેન્ક્ચ્યુરી સિયાંગ નદી પર આવેલ ટાપુઓ સ્થિત છે. અહીં પહોંચવા માટે હોડીની મુસાફરી કરવી પડે છે. સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમ્યાન સુદૂરના સાઈબીરીયા અને મોંગોલિયાથી યાયાવર પક્ષીઓ અહીં આવે છે. જેમાં ક્રેન, વાઈલ્ડ, ડક, સ્ટોર્ક, વોટલ ફોલ અને હોર્નબીલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં હરણ, હાથી, ભૈંસા અને દીપડા વસે છે. જો તમે નસીબદાર હો તો, જંગલના રાજા વાઘ તમને દર્શન આપે પણ ખરા !

પાસીઘાટથી 100 કિ.મીના અંતરે આવેલ લંકાબાલીની નજીક આવેલ ‘આકાશીગંગા’ નામનું સ્થળ પવિત્ર ગણાય છે. કાલિકા પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ સતીના દેહના ટુકડા કર્યા ત્યારે તેમનું મસ્તક આ સ્થળે પડ્યું હતું. આકાશી ગંગાનો અર્થ ઊંચાઈ પરના પાણી જેવો થાય છે. આ સ્થળેથી દૂર દૂર તળ પ્રદેશમાં વહી જતી બ્રહ્મપુત્રનું વિહંગ દશ્ય જોવા મળે છે. પાસીઘાટથી 100 કિ.મીના જ અંતરે આવેલા અન્ય એક સ્થળ ‘માલીની થાન’ વિશે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ રાજા ભીષ્મકની પુત્રી રૂકમણિને પરણીને પરત ફરતી વખતે આ સ્થળે રોકાયા હતા. જ્યાં તેમનો આદર સત્કાર ભગવાન શિવ અને પાર્વતીએ અનુપમ પુષ્પો વડે કર્યો હતો. આથી ભગવાન કૃષ્ણે પાર્વતીને માલીની નામથી સંબોધ્યાં હતાં. તે પરથી સ્થળનું નામ માલીની પડ્યું. જે અપભ્રંશ થઈને માલીની થાન બની રહ્યું છે. અહીં પૌરાણિક મંદિરના અવશેષો નિહાળી શકાય છે.

આવા સુંદર પાસીઘાટ પહોંચવાનો બીજો રસ્તો પણ બતાવી દઉં ? આસામના દિબ્રુગઢથી ઓરયમઘાટ પહોંચવા બ્રહ્મપુત્ર નદી ઓળંગવી પડે છે. આ ઓરયમઘાટથી પાસીઘાટનું અંતર માત્ર 30 કિ.મી. છે. દિબ્રુગઢથી હેલિકોપ્ટર દ્વારા પણ પાસીઘાટ પહોંચી શકાય છે. પાસીઘાટમાં રહેવા માટે સિયાંગ ગેસ્ટહાઉસ, સરકીટ હાઉસ અને ઈન્સ્પેક્શન બંગલાની સરકારી સવલત ઉપલબ્ધ છે. અહીં રિઝર્વેશન માટે ડેપ્યુટી કમિશનર, પાસીઘાટનો ફેક્સ નંબર 0368-222302 પર સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના સામાન્ય જનજીવનને નજીકથી માણવું હોય તો અગાઉથી જાણ કરવાથી પેઈંગ ગેસ્ટની વ્યવસ્થા પણ થઈ શકે છે. ખાનગી ક્ષેત્રે હોટલ સિયાંગ (ફોન : 0368-222006) તથા હોટલ ડોન્યી પોલો (ફોન : 0368-222784)માં વ્યવસ્થા મળી રહે છે.