ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

[માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. ગુજરાત સમાચારની રવિપૂર્તિ અને દિવ્ય ભાસ્કરની કળશપૂર્તિમાં પ્રકાશિત થયેલા તેમના 300થી વધુ ‘ચિંતનની પળે’ કૉલમના લેખો માંથી ચૂંટેલા લેખોનો સમાવેશ કરતા આ પુસ્તકનું તાજેતરમાં શ્રી ગુણવંતભાઈ શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ કૃષ્ણકાંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825061787 અથવા આ સરનામે kkantu@gmail.com પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 047[1] સંબંધો હવે એસએમએસથી ફોરવર્ડ કરી દેવાય છે

સમય સાથે સંબંધોના દરેક સ્વરૂપમાં પરિવર્તન આવે છે. સમય ગતિશીલ છે અને પરિવર્તનશીલ પણ છે. ઘડિયાળનાં સ્વરૂપો પણ સમય સાથે બદલાયાં છે. દીવાલ પર ટીંગાડાતું લોલકવાળું ઘડિયાળ હવે ડિજિટલ થઈ ગયું છે. મહાત્મા ગાંધીજી રાખતા હતા તેવું દોરીવાળું ઘડિયાળ હવે લેટેસ્ટ ફેશન બની ગયું છે. કાંડે બાંધેલી ઘડિયાળ એકસાથે ત્રણ-ચાર દેશોના સમય આપે છે. સમયના આંકડા હવે મોબાઈલ સ્ક્રીનના એક ખૂણામાં પણ સચવાઈ જાય છે.

સમય સાથે સંબંધો પણ ડિજિટલ બનતા જાય છે. કોઈના તરફથી મળેલો એક એસએમએસ બે-ચાર સોફટ બટન દબાવીને ફોરવર્ડ કરી દેવાય છે. એક મિત્રએ કહ્યું કે, સંબંધો પણ હવે કેટલી સહજતાથી ફોરવર્ડ કરી દેવાય છે. દોસ્તીની શાયરીઓ સાથેના શોર્ટ મેસેજીસ મિત્રવર્તુળોમાં ફરતા રહે છે. એક વ્યક્તિએ મોકલેલો એસએમએસ ઘણી વખત આઠ-દશ કે વીસ-પચીસ મોબાઈલમાં ફરીને પાછો આવે છે. સંબંધોનું ચક્ર પણ જાણે ઘડિયાળના કાંટાની જેમ સંબંધો માટે ફરતું રહે છે. સંબંધો પણ જાણે શોર્ટ મેસેજ સિસ્ટમની જેમ ટચૂકડા થતા જાય છે. ઘડીયાળ એ જ ગતિથી ફરે છે. ચોવીસ કલાકની ક્ષણોમાં કોઈ ફેર થયો નથી. દિવસો, કલાકો, મિનિટો અને ક્ષણોનું સ્વરૂપ એ જ છે. છતાં આજે માણસ પાસે સમય નથી. યાદ કરો કે, તમે કોઈ મિત્ર, સ્નેહી કે ભાઈ-ભાંડુને છેલ્લે ક્યારે પત્ર લખ્યો હતો ? કાગળ લઈને લખવા બેસીએ તો શબ્દો સૂઝતા નથી. શબ્દભંડોળને સાચવીને બેઠેલી મોટી ડિક્ષનરી લાઈબ્રેરીના કબાટમાં જોવાલાયક ચીજ બની ગઈ છે. અને દિલની ડિક્ષનરીમાં શબ્દો શોધવા પડે છે.

પોસ્ટ કાર્ડનો પનો પણ છ વારની સાડી જેટલો લાંબો લાગે છે. પ્રેમપત્રોની પણ શાયરોની બુક્સમાંથી બેઠી ઉઠાંતરી થાય છે. શબ્દો હવે માત્ર સંભળાય છે, સ્પર્શતા નથી. શબ્દોનું પોત પાતળું પડી ગયું છે. દિલમાં સોંસરવા ઊતરી જાય તેવું માધુર્ય પણ શબ્દોએ ગુમાવ્યું છે. શબ્દો એ જ છે પણ તે માત્ર હોઠમાંથી સરે છે, હૃદયમાંથી નીકળતા નથી. ડાયરીઓ પણ હવે ડિજિટલ થઈ ગઈ છે. શબ્દો હવે ટેરવાં સાથે જકડાયેલી પેનથી ફૂટતા નથી પણ કી-બોર્ડ પર પ્રહારથી કમ્પ્યુટરના પડદા પર પડે છે. પોસ્ટ ઑફિસના રાતા ડબા ખાલી પડ્યા રહે છે અને ઈ-મેઈલ કરતી વખતે ઈમોશન્સ પણ સિલેક્ટ કરીને એટેચ કરી દેવાય છે. હવે આપણે ઈમોશન્સ પણ મફત ડાઉનલોડ કરી આપતી વેબસાઈટ્સ પરથી પસંદ કરીએ છીએ. સંબંધો સાચવવા માટે શબ્દો ચોરવા ન જોઈએ પણ બીજમાંથી ફૂટતી કૂંપળની જેમ દિલમાંથી ઊઠવા જોઈએ. સંબંધો બહુ નાજુક ચીજ છે. આપણે ગાઢ સંબંધો ઈચ્છીએ છીએ પણ ગાઢ આત્મીયતા કોઈને આપતા નથી. સંબંધોનું ઘનઘોર જંગલ દિવસે ને દિવસે પાંખું થતું જાય છે. એક ખાલીપો વધતો રહે છે.

સંબંધો ઝડપથી બંધાય છે અને તીવ્રતાથી તૂટે છે. સંબંધો પૂરા કરવા માટે હવે પત્રો પણ ફાડવા પડતા નથી. કર્સરને ડીલીટના બટન સુધી લઈ જઈને હળવા હાથે કલીક કરવા જેટલી આસાનીથી સંબંધો તૂટે છે. હવે તો સંબંધો તૂટવાની એટલી વેદના પણ ક્યાં રહી છે ? લેટેસ્ટ મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટમાં તો હવે એક સાથે અનેક લોકોને એસ.એમ.એસ. મોકલી શકવાની વ્યવસ્થા છે. ચાર બટન દાબવાથી ચાલીસ લોકોને સંદેશા મળી જાય છે. સંદેશા મોકલનારને એ પણ યાદ નથી હોતું કે, કોને-કોને મેસેજ ફોરવર્ડ કરાયા છે. અલબત્ત, ગ્રુપ મેસેજિંગ સિસ્ટમથી ઘણી વખત સુખદ અકસ્માતો પણ થતા રહે છે. એક મિત્રની વાત છે. તેના જૂના મિત્ર સાથે ઝઘડો થયો હતો. લાંબા સમયથી બંને વચ્ચે સંપર્કો કપાઈ ગયા હતા. પણ મિત્રનો મોબાઈલ નંબર મોબાઈલમાં સેવ કરેલો હતો. ગ્રુપમાં એસએમએસ આપતી વખતે ભૂલથી આ જૂના મિત્રને પણ એસએમએસ ચાલ્યો ગયો. મારા મિત્રએ આખરે મને યાદ કર્યો, તેમ સમજીને મિત્રએ ફોન કર્યો. બંને વચ્ચેનું અંતર એક અકસ્માતે ઘટાડી દીધું.

સંદેશા વ્યવહારની ટેકનોલોજી બદલતી રહે છે. એમ તો એવી પણ દલીલ થાય છે કે, મોબાઈલ અને ઈ-મેઈલની મદદથી કમ્યુનિકેશન કેટલું ફાસ્ટ થઈ ગયું છે. ઘડીના છઠ્ઠા ભાગમાં વિશ્વના કોઈપણ ખૂણામાં તમે સંદેશો મોકલી શકો છો. એક સમય હતો જ્યારે પત્ર મોકલ્યા બાદ જવાબની રાહ જોવામાં દિવસો પસાર કરવા પડતા હતા. આ વાત પણ સો ટકા સાચી છે. કમ્યુનિકેશન તો પ્રકાશની ગતિ જેટલું ઝડપી થતું જાય છે પણ સંબંધોનું સત્વ ઘટ્ટ થાય છે ખરું ? અમેરિકાના એક વિશ્વપ્રસિદ્ધ મનોચિકિત્સકે હમણાં કહ્યું હતું કે, આજના સમયના માણસની સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ માણસ વ્યક્ત નથી થઈ શકતા. હૃદયને પણ થોડું હળવું રાખવું જોઈએ. જો વ્યક્ત ન થઈ જવાય તો તેનો ભાર હૃદયને ચારે ખૂણેથી દબાવે છે અને હૃદયના દબાણથી ઉઠેલો વલવલાટ ચેન લેવા દેતો નથી. હાર્ટઍટેકની લેટેસ્ટ સારવાર છે પણ વલોવાતા હૃદયનો કોઈ ઈલાજ નથી. હાર્ટની વેનમાં થઈ ગયેલા બ્લોકેજને એક નાનકડું બલૂન છોડી સાફ કરી દેવાય છે પરંતુ હૃદયનો ભાર આંસુઓથી પણ હલકો થતો નથી.

સમયની દોડ સાથે એટલું પણ ન દોડવું જોઈએ કે હાંફી જવાય. સમયને સજીવન રાખવો હોય તો સંબંધોમાં પણ શ્વાસ પૂરવા પડે છે. ફરિયાદ આધુનિક ટેકનોલૉજી સામે નથી પણ ફરિયાદ આધુનિક ટેકનોલૉજીના અતિરેકમાં ઓટ પામતા અહેસાસની સામે છે. સંબંધોમાં સત્વ સતત ઉમેરાતું રહેવું જોઈએ અને REFEEL થવા માટે દરેક સંબંધો FEEL થવા જોઈએ. બગીચામાં ખીલેલાં ફૂલોને જોવાનો જે રોમાંચ છે તે ટેલિવિઝનના સ્ક્રીન પર દેખાતા ફૂલોથી ક્યારેય અનુભવી શકાતો નથી. સંબંધોનું પણ એવું જ છે. જે સંબંધો સીંચાતા નથી, તે સુકાઈ જાય છે. લિયો યુરીસે કહ્યું છે કે, આપણા મિત્રો માટે આપણી પાસે ઘણીવાર સમય હોતો નથી અને દુશ્મની પાછળ આપણે કેટલો બધો સમય વેડફી નાખીએ છીએ ? આપણે આપણા લોકો માટે કેટલો સમય કાઢીએ છીએ ?

સંબંધોનાં અનેક સ્વરૂપ છે. મિત્રો, પતિ, પત્ની, સ્નેહી, સગા કે સ્વજનો સાથેના સંબંધો સતત ધબકતા રહેવા જોઈએ. એ પણ ઉપરછલ્લી રીતે નહીં પણ એકદમ તીવ્રતાથી અને અંદરના ઊંડાણથી. સાચું સુખ સંપત્તિમાં નહીં પણ સંબંધોમાં જ સચવાયું હોય છે. સંબંધો એક ખાબોચિયામાં બંધિયાર ન થવા જોઈએ, એ તો ઝરણાંની જેમ ખળખળ વહેવા જોઈએ. એવું ઝરણું જેમાંથી સુમધુર સંગીત પણ મળે અને તરબતર કરી દે તેવી ભીનાશ પણ. સુખી કરવાની સાચી શક્તિ કોઈ સ્થળ કે સ્થિતિમાં નથી પણ સાચા સંબંધોમાં જ હોય છે. સંબંધોને સુકાવા ન દો. સતત ધબકતા રાખો અને તેનો આહલાદક ધ્વનિ દિલથી માણો.
.

[2] દરેક સારો વિચાર માણસને કુદરતની નજીક લઈ જાય છે

જીવવું કેટલું અને વાત કેટલી ? મોજ કરોને યાર ! એક દિવસ મરી જ જવાનું છે ને ? બિન્દાસ્ત લોકોના મોઢે આવી વાતો સાંભળવા મળે છે. જલસાને જ જીવન સમજનારા કોઈને કોઈ બહાનાં શોધી લે છે. આ જ વાત સમજુ માણસ જુદી રીતે લે છે. તેઓ કહે છે કે, કુદરતે જીવન આપ્યું છે તો કંઈક સારું ન કરીએ ? જીવનને માણસ કઈ રીતે જુએ છે એ મહત્વનું છે. માત્ર વિચારમાં જ ભેદ હોય છે. જીવન તો બધાને એકસરખું જ મળ્યું હોય છે પણ કેવી રીતે જીવવું એ જ શીખવાનું હોય છે. દારૂના શોખીનો કોઈ ને કોઈ બહાનાં શોધી લે છે. આનંદ હોય તો સેલિબ્રેશન અને દુ:ખ હોય તો ગમ ભૂલવાનું બહાનું ! એવું કહેવાય છે કે, પીને વાલોં કો પીનેકા બહાના ચાહિયે. આ જ વાત એક મિત્રએ જરાક જુદી રીતે કરી. તે કહે છે કે, આ પંક્તિમાં થોડોક ફેરફાર કરવો જોઈએ. જીનેવાલોં કો જીને કા બહાના ચાહિયે !

જિંદગી જીવવા માટે એક બહાનું જોઈએ. સારા શબ્દોમાં કહીએ તો, જીવવા માટે કોઈક ‘કારણ’ હોવું જોઈએ. જે વ્યક્તિ પાસે આવું કારણ હોતું નથી તે હંમેશા અવઢવમાં જ અટવાયેલો રહે છે. મકસદ વગરનું જીવન ચાલતું તો રહે છે પણ તેને કોઈ દિશા હોતી નથી. સાગરમાં હોડીને છોડીએ ત્યારે તેને કઈ તરફ લઈ જવાની છે તે પણ ખબર હોવી જોઈએ. જો હોડીની દિશા જાળવી ન રાખીએ તો એ ગમે ત્યાં ફંગોળી દેશે. દિશા વગરની હોડી ઘણી વખત ડુબાડી પણ દે છે. જિંદગી એક રમત છે. દરેક રમતની એક ફિલોસોફી હોય છે. જિંદગીની રમતનું પણ એવું જ છે. કુદરત માણસને જન્મ આપી મેદાનમાં ઉતારી દે છે. માણસે રમવાનું હોય છે. માણસે કાં તો જીતવાનું હોય છે અને કાં તો હારવાનું હોય છે.

એક ક્રિકેટરે હમણાં જીવન અને ક્રિકેટની ફિલસૂફીની વાત કરી. ક્રિકેટમાં દરેક બોલ આઉટ કરવા માટે જ ફેંકાય છે. એ તો ખેલાડી હોય છે જે આઉટ કરવા ફેંકાયેલા બોલને પોતાની આવડતથી બાઉન્ડ્રીની બહાર મોકલી આપે છે. દરેક દિવસ એક બોલ જેવો છે. તમે તેને કેવી રીતે રમો છો તેના પર હાર-જીતનો આધાર છે. સફળ થવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. બે-પાંચ બોલમાં સેન્ચુરી ન થાય. બોલને જોઈને રમવો પડે છે. ક્યા બોલને રમવો તેના કરતાં ક્યા બોલને ન રમવો તે જ શીખવાનું છે. રમત જેટલી જ સ્પોર્ટસમેન સ્પિરિટ અને ઝિંદાદિલી જીવનમાં પણ જરૂરી છે.

ઋગ્વેદમાં કહેવાયું છે કે, આ જગત શુભ, મધુર અને મંગલકારી પદાર્થોથી ભરેલું છે, પરંતુ તે તેને જ પ્રાપ્ત થાય છે જે તપશ્ચર્યા દ્વારા એનું મૂલ્ય ચૂકવવા તૈયાર રહે છે. સંતો કહે છે કે, દરેક સારો વિચાર માણસને ઈશ્વરની સમીપ લઈ જાય છે. જીવન હોય કે કોઈ પણ કાર્ય હોય, તમારા પ્રયત્નમાં આત્માનો ઉમેરો કરો. દરેક સત્કર્મ, દરેક કલા અને દરેક સારો વિચાર શ્રેષ્ઠતાની અનુભૂતિ કરાવે છે. જે કામમાં આત્મા ઉમેરાય એ કામ પ્રાર્થના બની જાય છે. અંતરઆત્મા અને પરમાત્માને બહુ નજીકનો સંબંધ છે. એક શિષ્યએ તેના ગુરુને સવાલ કર્યો કે, જીવનનો અર્થ કેવી રીતે સમજાય ? ગુરુએ કહ્યું કે, જીવનનો અર્થ સમજવા આત્માની ભાષા સમજવી પડે છે. ઈશ્વર જે સમજે છે તે આત્માની ભાષા છે. માણસ કોઈ વાતનો કંઈ નિર્ણય લેતો હોય ત્યારે તેને હંમેશા બે કે તેથી વધુ વિચારો આવતા હોય છે. આ બધા વિચારોના અવાજમાં ક્યો અવાજ આત્માનો છે તે જે જાણી શકે તેને જીવનનો અર્થ સહેલાઈથી સમજાય છે. આત્માની ભાષા આખા વિશ્વમાં સહુથી સહેલી ભાષા છે. બીજી રીતે જોઈએ તો આત્માની ભાષા એ યુનિવર્સલ લેન્ગવેજ છે. દરેક દેશના લોકોની ચામડીનો રંગ કદાચ જુદો હશે પણ આત્માનો અંશ તો એક જ સરખો રહેવાનો છે. આત્માની ભાષા પણ એકસરખી જ હોય છે. પણ માણસ આત્માને બદલે બુદ્ધિનો જ વધુ ઉપયોગ કરે છે.

બુદ્ધિ મોટા ભાગે લાભનો જ વિચાર કરે છે. મને શું અને મારું શું ? એ વિચારનો અવાજ એટલો તીવ્ર બની જાય છે કે પછી આત્માની મધુર વાણી તેને સંભળાતી નથી. મને અને બુદ્ધિની ભાષામાં બાંસુરીવાદન અને ડીસ્કો જેટલો જ તફાવત છે. એક સંત એક પ્રવચન આપવા ગયા હતા. પ્રવચન અગાઉ બાંસુરીવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે જ બાજુના મકાનમાં ડીસ્કો પાર્ટી ચાલતી હતી. બાંસુરી સાંભળવામાં મગ્ન લોકોને ડીસ્કોનો અવાજ ડિસ્ટર્બ કરતો હતો. જ્યારે ડીસ્કોવાળા સુધી તો બાંસુરીનો અવાજ પહોંચતો જ ન હતો. આ જ વાત સંતે પછી પોતાના પ્રવચનમાં સમજાવી. બુદ્ધિની તીવ્રતા જ્યારે કાન ફાડી નાખે તેવી થઈ જાય ત્યારે આત્માની બાંસુરીનું માધુર્ય સાંભળી શકાય નહીં. આત્માનો અવાજ મૃદુ છે જ્યારે બુદ્ધિનો અવાજ તીવ્ર છે. આત્માનો અવાજ સાંભળવા માટે કાન ધરવા જેટલી ધીરજ જોઈએ. જેને ધીરજ નથી તે હંમેશા અધીરો જ રહેવાનો છે. અમીન આઝાદ કહે છે કે, જેને કાંટાની જેમ જ રહેવું હોય તેને ગુલાબની સોબત ક્યારેય સદતી નથી. ગુલાબની વચ્ચે રહીને પણ કાંટો કાંટો જ રહે છે. સંસ્કાર વગર તો સોબતનો સંગ પણ પચે નહીં. જેનામાં વિકૃતિ હોય તેને કોઈ કૃતિમાં કલા દેખાય નહીં.

જિંદગી તો એ જ રહેવાની છે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે ! (બેફામ)

સૂતા રહો તો પણ જિંદગી તો ચાલવાની જ છે. જીવવું એ વિશેષતા નથી, પરંતુ કેવી રીતે જીવવું એ મહત્વનું છે. જોન ફલેરે કહ્યું છે કે, જિંદગીની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી હોત તો હું પહેલી આવૃત્તિમાં રહી ગયેલી પ્રૂફરીડિંગની ભૂલો સુધારી લેત. પણ જિંદગી એક જ હોય છે. દરેક અવસ્થામાં સારા વિચાર સાથે જે સ્વસ્થ રહે છે તે હંમેશા સફળ થાય છે. મેડમ ક્યુરી કહે છે કે, જીવનમાં ભય પામવા જેવું કશું જ નથી, બધુંય સમજવા જેવું હોય છે. થોરોએ કહ્યું છે કે, બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર. આ કલા જાણનારને પછી કંઈ શીખવું પડતું નથી.

[કુલ પાન : 149. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળકની શૈક્ષણિક સફળતાનું વિજ્ઞાન – અશોક પટેલ
અંતરનાં અજવાળાં – કૃપાશંકર જાની Next »   

29 પ્રતિભાવો : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 1. ખુબ જ સુંદર.

  “જિંદગીની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી હોત તો હું પહેલી આવૃત્તિમાં રહી ગયેલી પ્રૂફરીડિંગની ભૂલો સુધારી લેત.” કેટલી સાચી વાત છે…ચોથા ધોરણમાં ભણેલી ‘સુભાષિતો’ કવિતા યાદ આવી ગઇ
  ” ગઇ સંપત્તિ સાંપડે, ગયા વળે વહાણ, ગત અવસર આવે નહિ ગયા ન આવે પ્રાણ”

  સંબંધોની વાત તો ખરેખર હવે સાવ બદલાઇ ગઇ છે….હવે સરનામાની આપલે કરતાં વધુ ઇ-મેઇલ અડ્રેસની આપ-લે થાય છે….હવે પ્રેમ પત્ર પણ લખાય તો તે પુરો વંચાતો પણ નથી.

 2. હજુ થોડા દશકા પહેલાં નરસિંહના પ્રભાતિયાથી શરૂ થતી સવાર ઈતિહાસ બની ગઈ.

  આજના ડિજીટલ યુગમાં હવે સવારમાં ઉઠીને સૌથી પહેલાં કોના મેસેજીસ આવ્યાં ?
  તેની કુતુહલતા વળગી છે.

  શબ્દો હવે માત્ર સંભળાય છે…સ્પર્શતા નથી.
  કારણ કે શબ્દો ખોખલા છે. સાંભળનારને પણ ખબર છે શબ્દમાં સચ્ચાઈનો રણકો નથી.

  સમય વિષે…
  Clock makes a sound as tick tick
  but
  its not tick tick
  Its real sound is Quick Quick

  It says that TIME is precious
  so make best of it.

 3. anju says:

  sachi vat che… valovata hraday no koi ilaj nathi…………aa sms na jamana ma laganiyo pan fakt delet ne forward thay che

 4. Chintan says:

  સંબંધોની વ્યાખ્યા બદલાઇ રહીં છે.

 5. Chintan says:

  Fact of life : yaha sab matlab ke rishte hai, rishto se koi matlab nahi

 6. nayan panchal says:

  સાચી વાત છે.

  મોબાઈલની ફોનબુકમાં ૫૦૦ નંબર સ્ટોર થયેલા હશે, પરંતુ વાત તો તેમાથી કેટલાક જ જોડે થતી હોય છે. સગવડતાઓ વધી હોવા છતા સ્ટ્રેસનુ પ્રમાણ પણ એટલુ જ વધ્યુ છે એ હકીકત છે. ફોરવર્ડેડ એસએમએસ ગમે તેટલો સરસ હોય પરંતુ સ્વરચિત બે લાઈનની તોલે ન આવી શકે.

  સુંદર લેખ.
  નયન

 7. Chintan says:

  ખુબ જ સુન્દર અને હ્રદય ને વિચાર કરિ મુક્તો લેખ…..

 8. A.K.Sanghani says:

  થોડા વર્ષો પહેલા સ્વજનોને, સ્નેહીઓને, મિત્રોને પત્ર લખવા માટે મન થનગનતું. હવે પત્ર લખવાનો વિચાર માત્ર અલોપ થઈ ગયો છે. લાગણીસભર સંદેશાઓ હવે ફક્ત આંગળીઓનાં ડીજીટલ વ્યવહારો થઈ ગયા છે. A journey towards becoming Human Robotics; isn’t it?

 9. બુદ્ધિની તીવ્રતા જ્યારે કાન ફાડી નાખે તેવી થઈ જાય ત્યારે આત્માની બાંસુરીનું માધુર્ય સાંભળી શકાય નહીં.

  સરસ લેખ.

 10. Veena Dave, USA says:

  ખુબ સરસ, ખુબ સરસ લેખ્.

  જેને કાટાની …………આ વાત. જેવી વ્યક્તિએ એક ગુલાબની જિન્દગી મુરઝાવી દીધી અને કાટા તો કાટા જ રહ્યા. વાસ્તવમા પ્રેમ્ લાગણી, મમતા બધુ બાષ્પીભવન થવા લાગ્યુ છે. દિલની ડિ્ક્શનરી મા પ્રેમ શબ્દ શોધવો પડે એવો જમાનો આવ્યો છે.

 11. Zalak Dave, USA says:

  It just reminds me the song from “Life in Metro”

  ristey toh nahi rishton ki parchaayiyaan mile
  yeh kaisi bheed bass yahaan tanhaayiyaan mile

  Very nice!!!

 12. Vraj Dave says:

  એ પણ હકિકત છે કે માનવી સરનામા વગરનો થઇ ગ્યો છે.કાગળ લખવાની પણ એક ઢબ હતી.ખતમ બધું ખતમ.
  હવે જાન પહેચાન વગરના વહેવારો થૈ ગ્યાછે.મીસકોલ રોન્ગ નંબર…ખતરા બધા મફત.
  બન્ને લેખો દિલથી પસંદ.
  ખુબ ખુબ દિલ થી આભાર…. નમસ્તે….આવજો.
  વ્રજ

 13. Vraj Dave says:

  શ્રીશાહ સાહેબ,
  લેખકો ના ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસ લેખની શરુમા અગર પુરો થયા પછી પણ આપોછો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.
  નમસ્તે. . .આવજો…
  વ્રજ

 14. Vraj Dave says:

  મતલબ લેખની શરુમાં અગર પુરોથયા પછી.

 15. ઈન્દ્રેશ વદન says:

  ડિજીટલ યુગની ફરિયાદ કરવી તદ્દન અયોગ્ય અને વ્યર્થ છે.
  લેખકનો લેખ પણ ડિજીટલ માધ્યમમાં જ પ્રકાશિત થયો છે ને ?!!

  આજના મોબાઈલ યુગમાં જેઓ ને ખબર પૂછવા પત્ર લખવો હોય, એમણે લખવા માટે બોલપેન ને બદલે કલમ અને શાહીના ખડિયાનો જ ઉપયોગ કરવો જોઇએ. જેથી જુની પરંપરા જળવાઈ રહે. 🙂 😐 rubbish !!!

  બીજા ભાગમાં વિષય પસંદગી સારી છે અને સરસ રીતે લખ્યો પણ છે. ખાસ કરીને, ક્રિકેટરની વાત.

  • શ્રી ઈન્દ્રેશજી

   વિદેશમાં દર વર્ષે ક્રિસમસ પહેલાં બાળકોને…..એક પત્ર સાંતા ક્લોઝને
   સ્પર્ધા યોજી પત્ર લખવા માટે પ્રોસ્તાહિત કરવામાં આવે છે.

   આ રીતે તેમનામાં પત્ર લખવાની કળા વિકસાવામાં આવે છે.

   જો રીતે પત્ર લખવાની કળા વિકસી હોય તો બાળક ઈ-મેલ કે ટવીટર પર સારી રીતે પોતાની અભિવ્યકિતી
   વ્યકત કરી શકે. માધ્યમ ગમે તે હોય ડિજીટલ કે પરંપરાગત પણ અભિવ્યકિતી વ્યકત કરવાની પ્રતિભા તો
   પોતાની હોવી જોઈએ.

   આપણા દેશમાં જન્માષ્ટમીના દિવસે
   એક પત્ર કૃષ્ણને….
   બાળકો માટે સ્પર્ધા યોજી શકાય…?

   • Mirage says:

    I agree with Indreshji. Every new thing has good and bad side. It is up to individual how to use it. If you see the bright side, with the latest technology you can make new friends irrespective of geographical boundaries. Also, you can keep track of all the friends using social networking.

    A problem of expressing yourself in the any written form is going to be there irrespective what medium you use. Besides you don’t always have to use “મહાકાવ્ય” to tell your story, you can do it using a “હાઇકુ” too.

    • ભાઈશ્રી મિરજ

     મહર્ષિ વેદવ્યાસે મહાકાવ્ય મહાભારત રચ્યું.
     આપશ્રી
     આ મહાભારતને આપના પ્રિય હાઈકુમાં રચી બતાવશો ?

     આભારી રહીશ.

     • Mirage says:

      Well Jaibhai…i don’t even need entire “Haiku” to explain “Mahabharata”. It can be expressed just using “Good always triumphs over evil” or “સત્યમેવ જયતે”

      Besides, my point was not that you should not use “મહાકાવ્ય” or lengthy expression at all. I just simply said that you don’t have to use it always. it’s all about frequency between two person.

  • કલ્પેશ says:

   લેખઃ ફરિયાદ આધુનિક ટેકનોલૉજી સામે નથી પણ ફરિયાદ આધુનિક ટેકનોલૉજીના અતિરેકમાં ઓટ પામતા અહેસાસની સામે છે.

   ઇન્દ્રેશ વદનઃ ડિજીટલ યુગની ફરિયાદ કરવી તદ્દન અયોગ્ય અને વ્યર્થ છે.
   લેખકનો લેખ પણ ડિજીટલ માધ્યમમાં જ પ્રકાશિત થયો છે ને ?!!

   Please don’t nitpick and avoid jumping to conclusions.

   • ઈન્દ્રેશ વદન says:

    It’s healthy to engage in constructive arguments, but it seems otherwise here.
    If the author wanted to gripe about the people’s way of impersonal communication using modern technologies, he should have done so in a more lucid way.
    I hope you agree that if author is easily perceived (the way he intended), he would be a renowned one.

    Anyway, as an audience everyone’s entitled to opine whatever they want.

    Well, Feel free to practice what you preach “Please don’t nitpick and avoid jumping to conclusions.” 🙂 😀

    • કલ્પેશ says:

     Thanks for your reply.

     I don’t know what you mean by lucid. An example will help.
     Let me give you an example: I used to receive lots of jokes/quotes in form of SMS from my cousin. I was really annoyed at receiving this messages. It turned out that he kept on forwarding all SMS because the cellphone provider had given him the scheme of unlimited messages.

     Now, I will call this as “impersonal communication”. The way people keep forwarding emails (especially the ones that say – send this to 10 people, you will get money. send this to 50 people, more money will come to you).

     I am not a preacher. I just pointed out to you the fast conclusion you made (it could be by quick read & quick comment).

     Also, I will be glad if you let me know, when you come across any of my comments where I try to nitpick and jump to conclusion.

     I am sure you will see this in constructive way. I don’t intend to pick on you.

 16. ભાવના શુક્લ says:

  ફરિયાદ આધુનિક ટેકનોલૉજી સામે નથી પણ ફરિયાદ આધુનિક ટેકનોલૉજીના અતિરેકમાં ઓટ પામતા અહેસાસની સામે છે. સંબંધોમાં સત્વ સતત ઉમેરાતું રહેવું જોઈએ અને REFEEL થવા માટે દરેક સંબંધો FEEL થવા જોઈએ.
  ………………………..

  બહુ જ સુંદર વાત..

 17. Ashish Dave says:

  Krishnakantbhai,

  I read your wife regularly as she is really good. I guess I need to read you on a regular basis too. Nice articles.

  Ashish Dave
  Sunnyvale, California

 18. MANISHA MASTER says:

  your thinking is too good sir. you are the best

 19. piyush patel says:

  i read your artical regularly.wonderfull thinking.
  “the great thing in this world is not so much where we are, but in what direction we are moving”

 20. nita piyush patel says:

  જિદગિ ને ૧૦૦ પાસન્ત જિવો. ખુબજ સરસ લેખ્

 21. જિજ્ઞેશ શનિશ્વરા says:

  તમને સખત ભુખ લાગી હોય, તમારી સામે તમારી ભાવતી વાનગીઓ હોય. પણ એક-બે નહી, લગભગ બધી જ અને બધી જાતની. તમને ખબર જ છે, કે આ બધી વાનગીઓ તમે આજે નથી જ ખાઈ શકવાના. અમુક તો છોડવી જ પડશે. કેમ કે પાણીપુરી અને શીરો બંને ભાવે છે, બંને એક સાથે નથી ખાઈ શકવાના તમારી હાલત એવી છે કે આંખ બંધ કરીને જ્યાં હાથ મુકશો તે તમને ભાવશે જ. પણ તમારે કશું જ છોડવું નથી.

  તમે મારી ઉપરની વાત સમજી શકો છો ને? તમારી હાલત કેવી હોય?

  બસ… એવી જ હાલત રીડગુજરાતી.કોમનું હોમપેજ ખોલતાં મારી થાય છે.

  મ્રુગેશભાઈ, તમારો ખુબખુબ આભાર…

 22. zalashreya says:

  wow, no words, mind blowing isi tarh likhte raho.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.