અપશુકન – પુષ્પાબેન પંડ્યા

[પુન:પ્રકાશિત]

આજે તો સુનીતાએ દ્રઢ નિશ્ચય કર્યો કે શૈલેષ આવે એટલે તેને મૌખિક નોટિસ આપી જ દેવી કે, ‘હું આવતીકાલે મારે પિયર જવાની છું’

છેલ્લાં પંદર દિવસથી સુનીતાએ આવો નિશ્ચય કર્યો હતો, પણ તેનો નિશ્ચય અમલમાં આવતો નહીં. ‘ઓવરટાઈમ’ કરીને થાક્યોપાક્યો શૈલેષ આંગણામાં દેખાતો કે સુનીતા સામે દોડી જતી. તેના હાથમાંનું પાકીટ લઈ લેતી. શૈલેષ સોફા પર હજી બેઠો ન હોય ત્યાં તો ઠંડા પાણીનો ગ્લાસ તેના હાથમાં ધરી દેતી. પછી જમીન પર બેસી, શૈલેશના બૂટની દોરી છોડવા લાગતી. કપડાં બદલીને શૈલેષ સુનીતાને અનુસરતો રસોડા તરફ વળતો. પત્નીના હાથનું ગરમાગરમ ભોજન જમીને શૈલેષ દીવાનખાનામાં આવતો અને કોઈક પુસ્તક વાંચવામાં પરોવાતો.

સુનીતા રસોડું આટોપીને જ્યારે બહાર આવતી ત્યારે તો શૈલેષ પુસ્તક હાથમાં રાખીને જ ઊંઘી ગયો હોય. શૈલેષને ઉઠાડીને તેની સાથે મીઠી મીઠી વાતો કરવાની પોતાની પ્રબળ ઈચ્છા દબાવી દઈ તે ઝટપટ પથારી તૈયાર કરી દેતી અને શૈલેષ ભરનિંદરમાં પડે એ પહેલાં તેને ઉઠાડીને તેની પથારીમાં સુવડાવી દેતી. આખા દિવસની દોડધામ અને થાકને કારણે શૈલેષ પણ ત્યારે સુનીતા સાથે વાત કરવાને બદલે સૂઈ જ જવાનું પસંદ કરતો. સુનીતા પણ પછી પા-અડધો કલાક નવલકથાનાં પાનાં ફેરવી ઊંઘી જતી.

સવારે તો સુનીતા ઘરકામમાં પરોવાતી અને શૈલેષ જમીને સાડા નવે ઑફિસે જતો. સુનીતા રેડિયો સાંભળવામાં તેમજ બહેનપણીઓના સાહચર્યમાં દિવસ પસાર કરતી. સાંજે થાક્યોપાક્યો શૈલેષ આવતો ને ફરી એની એ ઘટમાળ શરૂ થતી.

સુનીતાના ઘરની સામે જ રહેતાં શોભના અને લલિત રોજ સાંજે લહેરથી ફરવા નીકળતાં. તે વખતે બારીએ ઊભી રહેલી સુનીતા શોભનાના ભાગ્યની ઈર્ષ્યા કરતાં ધીમું બબડતી : ‘શોભના મારા કરતાં કેટલી સુખી છે !’
ક્યારેક શોભના ટહુકો મારતી : ‘ચાલ સુનીતા, આવવું છે ફરવા !’
પછી પોતે જ પ્રત્યુત્તર આપી દેતી : ‘તું શેની આવે ! તારા વગર પછી શૈલેષનું સ્વાગત કોણ કરે ? કેમ, ખરું ને ?’
સુનીતા ત્યારે શોભનાની વાતને સમર્થન આપતી હોય તેમ માત્ર હસતી અને હાથમાં હાથ પરોવી એ યુગલ ચાલ્યું જતું. લલિતે શોભનાના ભાઈ પ્રવીણ સાથે ભાગીદારીમાં કાપડની મિલ સ્થાપી હતી; એટલે તેને નોકરીનાં જેવાં બંધનો નડતાં નહીં. એટલે તે રોજ સાંજે પત્ની સાથે ફરવા જવાનો સમય કાઢી શકતો હતો, પણ શૈલેષને એવી સગવડ મળે એમ ન હતી.

શૈલેષના પૂરતા સહવાસના અભાવથી કે પછી શોભના-લલિતના સુખને જોવાથી, કોણ જાણે કેમ, પણ સુનીતાને હવે તેના આ એકધારા જીવનપ્રત્યે કંટાળો આવતો હતો. જોકે દર રવિવારે શૈલેષ અને સુનીતા સાંજે ફરવા કે પિકચરમાં જતાં અને ખૂબ આનંદમાં દિવસ પસાર કરતાં. પણ સુનીતાને હવે અઠવાડિયામાં આ એક રવિવારથી સંતોષ થતો ન હતો. આવતીકાલથી વળી પાછી પેલી ઘટમાળ શરૂ થઈ જશે – એ વિચારે સુનીતાને રવિવારે ફરવાનો આનંદ પણ માર્યો જતો હતો, અને પરાણે ઘસડાતી હોય એમ શૈલેષને અનુસરતી.

ઘણીવાર સુનીતા વિચારતી કે થોડો સમય પિયર ફરી આવું, પણ પિયર જવાની વાત શૈલેષને કહેતાં તેની હિંમત ચાલતી નહિ. કારણકે, લગ્ન થયાં ત્યારથી અત્યાર સુધીમાં સુનીતા ભાગ્યેજ શૈલેષથી વિખૂટી પડી હતી. સુનીતાને પિયર જવાનું મન થાય ત્યારે શૈલેષ નોકરીમાંથી રજા લઈ લેતો અને બંને સાથે જ જતાં અને સાથે જ આવતાં. કોઈવાર શૈલેષને રજા ન મળી હોય અને સુનીતાને એકલા પિયર જવાનો પ્રસંગ આવતો હોય ત્યારે તે શક્ય હોય તો જવાનું જ માંડી વાળતી અને જવું જ પડે એમ હોય ત્યારે તે પિયરમાં માતાપિતા અને ભાઈભાંડુને મળવાના આનંદ કરતાં પોતાની ગેરહાજરીમાં શૈલેષને પડનારી અગવડોની ચિંતા વધુ રહેતી. હવે એ કયા મોઢે શૈલેષને કહે કે ‘શૈલેષ, હું કાલે પિયર જવાની છું !’ ધારો કે એ હિંમત કરીને એમ કહે અને ‘પિયર જવાનું કેમ અણધાર્યું એકાએક નક્કી કર્યું ?’ એવો પ્રશ્ન કદાચ શૈલેષ કરી બેસે તો પોતે એને શો જવાબ દેશે ?
વળી, સુનીતા મનમાં ને મનમાં જવાબ તૈયાર કરતી : ‘કેમ વળી, બા-બાપુજી અને ભાઈભાંડુને મળવાનું મન ન થાય ?’ પણ આ જવાબથી ખુદ તેને જ સંતોષ થતો નહીં. એ પોતાની મેળે જ પ્રતિપ્રશ્ન કરતી કે, ‘આટલા દિવસ તો એવું અણધાર્યું મન નો’તું થયું !’ સુનીતાની મતિ આ પ્રશ્નનો જવાબ લઈ શકતી નહીં. યંત્રમાં અને પોતાના જીવનમાં કશો જ ફેર નથી એવું માની બેઠેલી સુનીતાએ આખરે નક્કી જ કર્યું કે, પિયર જવાનો પ્રસ્તાવ ગમે તે રીતે શૈલેષ સમક્ષ મૂકવો જ; અને શૈલેષ ‘કેમ એકાએક ?’ એવો પ્રશ્ન કરે તો બેધડક કહી દેવું કે, ‘રોજ સાંજે ઑફિસેથી આવી ખાઈને સૂઈ જાવ છો અને સવારે ઊઠી ખાઈને ચાલતા થાવ છો એમાં મને કામના ઢસરડાં કરવા સિવાય બીજું મળે છે શું ?’

પણ આજ પંદર પંદર દિવસ થયા છતાં સુનીતા પોતાનો એ વિચારને અમલમાં મૂકી શકી નો’તી.

શૈલેષ આંગણામાં દેખાતો કે સુનીતાના પગ સામે દોડી જ જતાં અને સુનીતા પેલી વાત કહેવાનું વીસરી જતી અથવા તો યાદ હોય તો પણ કહી શકતી નહીં. ‘જો તો, આજે તો તારે માટે નાયલોનની સાડી લાવ્યો છું. હમણાં હમણાં તું ઉદાસ કેમ રહે છે ? શરીરે ઠીક ન હોય તો ચાલ, આપણે ડૉકટરને બતાવીને દવા લઈ આવીએ.’
શૈલેષના એવાં એવાં લાગણીભર્યાં વચનો સાંભળી સુનીતા ગદ્દગદ્દ થઈ જતી. પણ આજે તો સુનીતાએ દ્રઢ નિશ્ચય કર્યો. શૈલેષની લોભામણી અને મધઝરતી વાતમાં ફસાઈ જવું નહીં, અને એ આવે કે તરત જ કહી દેવું કે, ‘મારું મન બહુ મૂંઝાય છે. હું આવતીકાલે મારે પિયર જાઉં છું.’ પોતાની માગણીના સમર્થનમાં બીજી શી શી દલીલો કરવી એ બધું સુનીતાએ બરાબર ગોઠવી રાખ્યું અને પૂરતી માનસિક તૈયારી સાથે એ બારીએ ઊભી રહી, શૈલેષની રાહ જોવા લાગી.

ઘરે આવવાનો રોજનો સમય વીતી ગયો તોય શૈલેષના આવવાનો કોઈ એંધાણ દેખાતાં નો’તાં. સુનીતા બારીએ ઊભી ઊભી થાકી ગઈ હતી. ‘આજે ય પાછું ‘ઓવરટાઈમ’નું લફરું હોવું જોઈએ,’ એમ બબડતી સુનીતા પલંગ પર આડી પડી. પોતે કરેલો પેલો નિશ્ચય પાર પડશે કે કેમ એના વિચારમાં ખોવાયેલી સુનીતાની આંખ ક્યારે મળી ગઈ તેનીયે ખબર ન પડી.

અચાનક જ્યારે સુનીતાની આંખ ઊઘડી ગઈ ત્યારે તેણે જોયું તો ઘરમાં સર્વત્ર અંધકાર પથરાયેલો હતો. બહાર સડક પરના વીજળીના થાંભલાની લાઈટો સળગી ચૂકી હતી. ‘શૈલેષ હવે તો આવી ગયા હશે ! પણ એય કેવા આળસુ છે ! ઘરમાં લાઈટ કરવાનું કે મને ઉઠાડવાનુંય એમને સૂઝયું નહિ હોય ! ભલા હશે તો મારી જેમ ખાધાપીધા વિના સૂઈ ગયા ન હોય ! એમ બબડતી સુનીતા ઊઠી.
લાઈટની સ્વીચ જ્યાં હતી તે તરફ ઝડપથી એ ગઈ; પણ ઉતાવળમાં તેનો જમણો હાથ માર્ગમાં પડી રહેલા સ્ટૂલ સાથે જોરમાં અથડાયો અને ખણણણ…..ણ અવાજ સાથે સુનીતાના હાથની ચારેચાર કાચની બંગડીઓ ફૂટી ગઈ. સુનીતા ડઘાઈ ગઈ. શુકન-અપશુકનમાં માનનારી સુનીતાના હૃદયને આ અકસ્માતથી જબ્બર આઘાત લાગ્યો !

મન મજબૂત કરી સુનીતાએ લાઈટ સળગાવી. શૈલેષ ક્યાં સૂતો છે તે જોવા ચારે તરફ નજર કરી. પણ હીંચકા પર, કોચ પર કે ખુરશી પર ક્યાંય શૈલેષ સૂતેલો ન દેખાયો. સુનીતાનું હ્રદય ધડકી ઊઠયું. કદાચ રસોડામાં હશે એમ ધારી ત્યાં પણ તપાસ કરી આવી. આખા ઘરમાં ક્યાંય શૈલેષ નહતો. ‘શૈલેષ હજી કેમ નહિ આવ્યા હોય !’ એ ચિંતાથી સુનીતાનું મોં રડુંરડું થઈ રહ્યું. તેણે ઘડિયાળ તરફ નજર કરી તો સાડાનવ ને ઉપર પાંચ મિનિટ થઈ હતી. હવે તો સુનીતા રડી જ પડી. શૈલેષને છ વાગ્યે તો ઑફિસમાંથી છુટ્ટી મળી જતી. કોઈ દા’ડો ‘ઓવરટાઈમ’ હોય તોય આઠ-સવા આઠ વાગ્યામાં તો તે અચૂક ઘરે આવી જ જતો.

અચાનક સુનીતાની નજર બંગડી વગરના પોતાના જમણા હાથ પર ગઈ. પળ પણ ગુમાવ્યા વિના દોડીને ટેબલ પાસે ગઈ ને ખાનાં ખોળવા લાગી. સદ્દભાગ્યે ખાનામાં પડી રહેલી જૂનીપુરાણી બે પ્લાસ્ટિકની બંગડીઓ તેને જડી આવી અને તે તેણે બંગડી વગરના અડવા હાથમાં ચડાવી દીધી ત્યારે તેનું હૈયું જરા શાંત થયું. સુનીતા બી.એ સુધી ભણેલી હોવા છતાં શુકન-અપશુકનમાં ચુસ્ત રીતે માનતી હતી. અને તેમાંય સૌભાગ્યવતી સ્ત્રીની બંગડી ફૂટે એ તો ખરાબમાં ખરાબ અપશુકન ગણાય એવી તેની માન્યતા હતી. મહોલ્લાની સ્ત્રીઓ અને બહેનપણીઓને તે ઘણીવાર કહેતી કે, ‘હાથની બંગડી યા ચૂડી એ સ્ત્રીના સૌભાગ્યનું પ્રતીક છે. એટલું જ નહીં પણ પત્નીના પતિ પ્રત્યેના પ્રેમની પણ નિશાની છે. જ્યારે સ્ત્રીના હાથની એકાદ પણ બંગડી ફૂટે તો જાણવું કે સ્ત્રીના પોતાના પતિ પ્રત્યેના પ્રેમમાં કંઈક ઊણપ યા ઓટ આવી છે.’ સુનીતાની આવી વિચિત્ર પ્રકારની ફિલોસોફી સાંભળી શૈલેષ પણ ક્યારેક તેની હાંસી ઉડાવતો. પણ સુનીતા મક્કમતાથી કહેતીકે, ‘તમે ભલે ન માનો. પણ, મારી વાત સોએ સો ટકા સાચી છે. કમ-સે-કમ મારી બાબતમાં તો સાચી જ છે.’ અને સુનીતાની વાતેય ખરી હતી. લગ્ન કર્યાંને બાર વરસ થઈ ગયાં હતાં, પણ આજસુધીમાં સુનીતાની બંગડીઓ ક્યારેય ફૂટી નહોતી. અમુક સમય પછી શોખને ખાતર નવી ડીઝાઈનની બંગડીઓ તે બદલતી ખરી; પણ બંગડી ફૂટી ગઈ હોય અને તેથી બીજી પહેરી હોય એવું કદી બન્યું નહતું.

પણ આજે પહેલી જ વાર બંગડીઓ ફૂટતાં સુનીતાનું હૃદય થડકો ખાઈ ગયું. અને તેમાંય શૈલેષ હજી સુધી આવ્યો ન હોવાથી તેના મનમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ આવવા લાગી : ‘ક્યાંક રસ્તામાં અકસ્માત તો નહિ થયો હોય !’ અને સુનીતાની આંખો સામે એક દ્રશ્ય ખડું થયું : ‘રાહદારીઓ અકસ્માતમાં ઘાયલ થયેલા શૈલેષને રિક્ષમાં નાખી હોસ્પિટલમાં લઈ જાય છે. હોસ્પિટલના ખાટલા પર બેભાન શૈલેષ પડ્યો છે. શૈલેષના માથા, આંખ અને હાથ પર ડૉક્ટર પાટા બાંધે છે.’ સુનીતા કમકમી ઊઠી. તેણે બંને હાથથી આંખ ઢાંકી દીધી. પણ સુનીતાના બંધ આંખો સામે અપશુકનિયાળ દશ્યોની પરંપરા ઊઠવા લાગી. અકળાઈ ઊઠેલી સુનીતાએ આંખો પરથી હાથ લઈ લીધા અને આંખ ઊઘાડી નાખી, તો તેની નજર સૌપ્રથમ જમણા હાથની પેલી પ્લાસ્ટિકની બંગડીઓ પર પડી અને યાદ આવ્યું કે તેણે આજે શૈલેષ સામે બંડ ઉઠાવવાનું નક્કી કર્યું હતું. એ સાથે જ બંગડીઓ ફૂટવાના અપશુકન અને શૈલેષનાં હજી સુધી ઘરે ન આવવાનું રહસ્ય તેને જાણે જડી ગયું.

પોતાના મનમાં શૈલેષનો વાંક અને દોષ ઊગ્યા એટલે અંશે તેનો શૈલેષ પ્રતિનો પ્રેમ ઘટ્યો જ કહેવાય ને ! બસ, તેથી જ આજે મારી બંગડીઓ ફૂટી અને અપશુકન થયાં. અરે રે ! આજે મને આ શું સૂઝયું ? મેં પાપિણીએ મારા સુખ ખાતર ખોટા વિચારો કરીને બિચારા શૈલેષની જિંદગી જોખમમાં મૂકી. અને શૈલેષના સુખમાં શું મારું સુખ નથી સમાયું ? અરે, ખુદ શૈલેષ પણ માર જ સુખ ખાતર ‘ઓવરટાઈમ વર્ક’ કરે છે ને ? બિચારા થાકીને લોથપોથ થઈ જાય છે તોય બીજે દિવસે ઑફિસ જવા વહેલા ઊઠી નીકળે છે. છ છ દિવસ પશુની જેમ કામનો ઢસરડો કરવા છતાંય સાતમે દિવસે આરામ કરવાને બહાને પથારીમાં નથી પડ્યા રહેતા. છ દિવસ નોકરીને સાચવે છે, તો સાતમે દિવસે પત્નીને ય રાજી રાખે છે. રવિવારનો આખોય દિવસ કેટલી પ્રસન્નતાથી તેઓ મારી સાથે વિતાવે છે ! એમનો મારા પર આટલો બધો સ્નેહ છે એ શું ઓછો છે કે હું એમને સાતેસાત દિવસ મારી નજરકેદમાં રાખવા ઈચ્છું છું ! છ છ દિવસના અલ્પ સહવાસ પછી મળતો સાતમા દિવસનો દીર્ધકાલીન સહવાસ કેટલો મીઠો લાગે છે !’

પણ શૈલેષને હવે હું ક્યાં શોધવા જાઉં ? ઑફિસતો ક્યારનીય બંધ થઈ ગઈ હશે. આવડા મોટા શહેરમાં ક્યાં જાઉં અને કોને પૂછું ?’
સુનીતાની બંને આંખો ચોધાર આંસુ વહાવી રહી હતી. ટેબલ નજીકનાં ગોખમાં મૂકેલી શ્રીકૃષ્ણની મૂર્તિ સમક્ષ બંને હાથ જોડી આંખો બંધ કરીને સુનીતાએ મનોમન પ્રતિજ્ઞા કરી કે, ‘જો એ સાજાસમા ઘરે આવી જાય તો હવે પછી હું કદીય તેમની સામે બંડ પોકારવાનો તો શું, પણ એમનો વાંક જોવાનો પણ સ્વપ્નેય વિચાર નહીં કરું.’
અને સાચે જ સુનીતાની પ્રાર્થના ફળી હોય તેમ, ઘરે આવી પહોંચેલા શૈલેષે પાછળથી હળવે હાથે સુનીતાની આંખો દાબી દીધી. પતિનો સ્પર્શ પારખી ગયેલી સુનીતાએ પોતાના હાથથી શૈલેષના હાથને પોતાની આંખ પર દબાયેલા જ રાખીને કહ્યું, ‘તમે આજે આટલું બધું મોડું કેમ કર્યું તે પહેલાં કહો; પછી જ આ હાથ આંખો પરથી દુર કરી શકાશે.’

‘ઓહો ! એ પણ જણાવવું પડશે ? તો સાંભળ. પેલા સુમનલાલ શેઠના દીકરા પ્રદીપની અઠવાડિયા પછી એસ.એસ.સીની પરીક્ષા છે. શેઠે કહ્યું છે કે, અઠવાડિયામાં પ્રદીપને ઈંગ્લીશનું એવું ટ્યુશન આપો કે તે ઈંગલીશના પેપરમાં પાસ થઈ જાય. અઠવાડિયાનાં પાંત્રીસો રૂપિયા અગાઉથી આપી દીધા છે. અને જો, પ્રદીપના ઈંગ્લીશના પેપરમાં પચાસ ઉપર માર્ક આવશે તો બીજા પચ્ચીસસો રૂપિયા બક્ષિસના મળશે. ઑફિસમાંથી છૂટીને સીધો પ્રદીપને ટ્યુશન આપવા ગયો હતો, એટલે આવતાં મોડું થયું.’

શૈલેષના હાથ પોતાની આંખો પરથી દૂર કરી, શૈલેષની આંખમાં આંખ પરોવી, સુનીતાએ ચિંતિત સ્વરે કહ્યું : ‘પણ આટલો બધો પરિશ્રમ કરવાની શી જરૂર છે ? તબિયત બગડશે ત્યારે !’
શૈલેષે રમતિયાળ સ્વરે જવાબ આપતાં કહ્યું : ‘આવતા મહિનામાં તારી વર્ષગાંઠ આવે છે ને ? તે પ્રસંગે તને ઘણો જ ગમતો સોનાનો નેકલેસ ભેટ આપવાની મારી મહેચ્છા એકવાર પૂર્ણ થઈ જાય પછી ભલેને તબિયત બગડે ! લહેરથી એય પથારીમાં પડ્યા રહીશું.’

પત્નીને ખૂબ ગમતો સોનાનો નેકલેસ તૈયાર કરાવવા માટે થોડા પૈસા ખૂટતા હતા. એ પૈસા મેળવવા પોતાની તંદુરસ્તીને ભયમાં મૂકીને પણ શૈલેષ હદ ઉપરાંતનો પરિશ્રમ કરી રહ્યો હતો એ વિચારે સુનીતાનું હૈયું ભરાઈ આવ્યું.
‘શૈ……લે…..ષ !’ કહેતાં સુનીતાનો સ્વર ગળગળો થઈ ગયો !

આંખના ખૂણામાં ડોકાઈ રહેલાં બે અશ્રુબિંદુઓને સંતાડતી સુનીતા રોજના નિયમ મુજબ જમીન પર બેસીને શૈલેષના બૂટની દોરી છોડવા લાગી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વપ્નભંગ – પૂજા તત્સત્
લતા મંગેશકર – રજની વ્યાસ Next »   

25 પ્રતિભાવો : અપશુકન – પુષ્પાબેન પંડ્યા

 1. urmila says:

  Positive story – writer has explained how easy it is to become dissatisfied with your life when you ‘compare and try to keep up with the jonses ‘ instead of adjusting to your individual circumstances .

  Positive thinking prevents one from disasters -always count your blessings

 2. anju says:

  good story
  lagbhag darek houswife ne lagu padati story

 3. Ami Patel says:

  Quite good story, but gold necklace is not comparable with the time you got to spend with husband. Even after giving gold necklace, wife’s dissatisfaction will be still a dissatisfaction.

 4. nayan panchal says:

  ખૂબ જ સરસ વાર્તા.

  ‘સીધાસાદા’ વિષયને પણ લેખિકાએ શબ્દોની ગૂંથણી વડે અત્યંત ભાવવિભોર અને હ્રદયસ્પર્શી બનાવી દીધી.

  લેખિકાને અભિનંદન.

  નયન

 5. P Shah says:

  સુંદર પ્લોટ અને ભાવવાહી માવજત
  અભિનંદન

 6. Rashmi says:

  I agree with Ami Patel ‘s comment. Man should think what woman really need and wanted. Man assumes by himself and does hard work but that is not required. Life is difficult to understand. But anyway very nice story. Shailesh should give more time to his wife. and his wife should understand Shailesh’s “bhavna” behind his ignorance to her… thats natural gift in all women… but when man will understand woman that’s the question. HAHA… just kidding. Good story.

 7. Vraj Dave says:

  ભાવવાહિ વાર્તા.સરસ.
  અભિનંદન.
  વ્રજ

 8. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  આટલી સમજદાર પત્ની, પામનાર પતિ કેટલો નશીબદાર!!!!!!!
  સામા પક્ષે પત્ની માટે, એ રાજી રહે એ માટે તનતોડ મહેનત કરતો પતિ.
  સુખી દાંપત્ય જીવનનો ઉત્કૃષ્ટ નમૂનો.
  મોટા ભાગના દંપતિઓ માટે અનુકરણીય.
  પુષ્પાબેન,
  હાર્દિક અભિનંદન.
  આભાર.

 9. ભાવના શુક્લ says:

  ખુબ જ સરસ રીતે પત્નિ ના હૃદયનુ કોમળ પાસુ રજુ કર્યુ.
  સ્ત્રી ગમે તેવી હોય … પત્નિ તો અંદરથી આવી જ હોય જેના માટે પતિ અને વહાલ એકબીજા ના પર્યાય હોય.
  લેખિકાને અભિનંદન!

 10. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ જ સુંદર વાર્તા!!
  વારુ, વાર્તાનો સમય ૮૦ના દાયકાનો લાગે છે. બંને પાત્રોનું characterisation પણ એ જ રીતે કર્યુ છે.
  જેમ કે પતિના બૂટની દોરી છોડી આપતી પત્ની, ‘પાકીટ’ લઈને નોકરી પર જતો પતિ, ટીવી ને બદલે પુસ્તકો વાંચતા બંને જણ, વગેરે.

  Indeed a good read..!

 11. Sonal says:

  Very old fashioned-why are we still talking about wife being a housewife who removes shoes from husband’s feet and waits for the husband to make her happy when we talk about relationships?

 12. tejal tithalia says:

  Good Story…………..nicely written………….

 13. Ritesh Shah says:

  very good story.wife ho toh sunita jaisi 🙂

 14. Sweta says:

  ખરેખર ખુબ જ સુન્દર વાર્તા.

  મારા જિવન ને મલ્તુ આવે ચે. હુ (૨૭ વર્શ) જોબ કરુ ચુ. અને મારા પતિ (૨૮ વર્શ્) પન્ જોબ કરે ચે. કાલે જ હુ તેમ્ને કેહ્તિ હતિ કે, તમે સાવ બુદ્ધા થૈ ગયા ચો. પેહ્લા જેવિ રોમેન્તિક વાતો નથિ કર્તા. તેમ્ને કહ્યુ, સાચિ વાત ચે, હુ તો સાવ સિધો સાદ્ોૂ માનસ ચુ. સવારે નાસ્તા માતે તેમ્નિ માતે ગર્મ ધેબ્રા બનાવ્યા, અને મે વિચાર્યુ હુ થનદા લૈ જઈશ્ . પન જ્યારે ઓફિ સે આવિ ને જોયુ, તો તેમ્ને થન્દા દેબરા લ્ઈ મને ગર્મ ભરિ આપ્યા હતા, લન્ચ્બોક્શ ચેન્જ કરિ નાખ્યો હતો.

  કહેવા નો મત્લબ એતલો જ કે, તેમ્ને વાતો કર્તા જ નથિ આવદતુ, પન પ્રેમ બતાવ્તા અને નિભાવ્તા આવ્દે ચે.

  sweta

 15. nim says:

  સુનીતા રોજના નિયમ મુજબ જમીન પર બેસીને શૈલેષના બૂટની દોરી છોડવા લાગી !

  આવુ બની શકે?

 16. Chndrakant says:

  સરળ વિષયવસ્તુ ની ભાવવાહી રજૂઆત.
  ભારતીયતા નુ ચિત્ર

 17. ranjan pandya says:

  મહત્વ સોનાના નેકલેસનું નથી …તેની પાછળ રહેલી ભાવનાનું છે.પતિ અને પત્નિ એકબીજાને સમજી શકે તેજ મહત્વનું છે…. સુંદર વાર્તા…

 18. Ashish Dave says:

  Nice story Pushpaben. Would love to read more of your other stories.

  Ashish Dave
  Sunnyvale, California

 19. Ashish says:

  લેખિકાબેને આવુ વર્તન પતિ સાથે કર્યા બાદ આવુ લખ્યુ કે only story. ? this happens only in story. if you have this type of good healthy relation then really lucky.

 20. Megha says:

  thats so sweet..

 21. Himen Patel says:

  સરસ વર્તા પુષ્પાબેન. મારી પરણેતર નુ નામ સુનિતા છે અને એ પણ વર્તા ની સુનિતા જેવી જ છે બસ ભગવાન કરે અને હુ શૈલેષ જેવો બની શકુ. ૨૦ ફેબ્રુઆરી હુ લગ્નગ્રંથી થી જોડાવાનો છુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.