ભજી લેને કિરતાર (ચાબખા) – ભોજા ભગત

પ્રાણિયા, ભજી લેને કિરતાર
આ તો સ્વપનું છે સંસાર….. (2)

ધન દોલતને માલ ખજાના
પુત્ર ને પરિવાર,
એમાંથી જાશ તું એકલો,
પછે ખાશ જમના માર…… પ્રાણિયા…

ઊંચી મેડીને અજબ ઝરુખા,
ગોખ તણો નહીં પાર,
કોટિધ્વજને લક્ષપતિ તેના
બાંધ્યા રહ્યા ઘરબાર……… પ્રાણિયા…..

ઉપર ફરેરા ફરહરે ને,
હેઠે શ્રીફળ ચાર,
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો,
પછે વાંસે પડે પોકાર…….. પ્રાણિયા…..

સેજ તળાયું વિના સૂતો નહિ,
જીવ હુન્નર કરતો હજાર,
ખોરી ખોરીને ખૂબ જળાયો
જેમ લોઢું ગાળે લુહાર……… પ્રાણિયા…….

સ્મશાને જઈને ચેહ ખડકી
ને માથે છે કાષ્ઠનો ભાર,
અગ્નિ મેલીને ઊભા રહ્યા,
અને નિશ્ચય ઝરે અંગાર…….. પ્રાણિયા……

સ્નાન કરીને ચાલી નીકળ્યાં,
નર અને વળી નાર,
ભોજો ભગત કહે દશ દી રોઈને,
પછે મેલ્યો વિચાર……………પ્રાણિયા……

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમૃતવર્ષા – ચંદ્રેશ શાહ
માણસ છે, બિઝનેસ કરે છે – કૃષ્ણ દવે Next »   

9 પ્રતિભાવો : ભજી લેને કિરતાર (ચાબખા) – ભોજા ભગત

 1. Jignesh Dekhtawala says:

  વિચરતા કરી મુકતુ કાવ્ય…

 2. sudhir patel says:

  આવા ચાબખા ખાઈને પણ પ્રાણ જો થોડુંઘણું સમજે તો ભોજા ભગતનાં ચાબખા સાર્થક!
  સુધીર પટેલ.

 3. Jagat Dave says:

  ભલા બનો ભલુ કરો….એ જ ધર્મ.

  ભજનમાં સંસારથી પલાયન થવાની વાત સાથે અસંમત…આવા નકારાત્મક અભિગમ થી પેદા થયેલો ભાવ એ ખરો આધ્યાત્મ ન કહી શકાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને સાચી દિશા આપી અને જીવનધર્મ નિભાવવો અને એમા જ જીવનનુ સાર્થક્ય રહેલું છે. આમ જ બધા સંસારથી પલાયન કરવા લાગે તો સમાજ વ્યવસ્થાનું શું થાય?

  સંસાર થી પલાયન થવા કરતાં ઉતમ સંસારીધર્મ નિભાવવો એ જ ખરો ધર્મ છે. મારા મતે સંસારથી ભાગીને પોતાની જાતને સમાજથી અળગી કરી દેવા કરતા સંસારમાં રહી ને પોતાના રાષ્ટ્રને, સમાજને અને પરિવારને ઉપયોગી થવું વધારે સાર્થક ગણાય.

 4. ઘણાં તેજાબી ચાબખા.

  આવા અનેકવિધ ભજનોનો રસથાળ માણવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
  http://bhajanamrutwani.wordpress.com/bhajan_index/

 5. ભાવના શુક્લ says:

  સત્ય દશા!!! અને સાચી દિશા!!

 6. nayan panchal says:

  ખરેખર તેજાબી ચાબખા.

  એક માણસ કબીરને શોધતો તેમના ઘરે આવ્યો. કબીરના પુત્રે કહ્યુ, તેઓ કોઇની સ્મશાનયાત્રામાં હમણા જ ગયા છે, તેમના માથે દીવો સળગતો હશે.

  તે માણસે રસ્તામાં અંતિમયાત્રા જોઈ, જોયુ તો બધાના માથા પર જ દીવા સળગતા હતા. તે ફરી કબીરના ઘરે ગયો અને તે પ્રમાણે કહ્યુ. કબીરના પુત્રે કહ્યુ, “જ્યારે લોકો સ્મશાનમાંથી પાછા ફરે ત્યારે જેમના માથા પર દીવો જોવા મળે તે કબીર”.

  સ્મશાનમાં સૌને વૈરાગ્ય આવી જાય છે, જેમનામાં સ્મશાનની બહાર પણ વૈરાગ્ય હોય તે કબીર.

  નયન

 7. VANALIYA RAJESH.D says:

  તેજાબિ ચબખા માણસ ના મનમા રહેલા કાટ્ને નિકાળે તો ભોજાભગતના ચાબખા સાર્થક જાય.
  ભોજાભગત જેવા કેટલાય સન્તોયે ભજનમા કહેલુ શે. સમજણ્ જો જિવન મા આવેતો કામનુ.
  ભજના સબ્દોના અર્થને જાણે અને જિવનમા ઉતારે તો કમનુ.

  નામ-વનાળિયા રાજેશ કુમાર દલસુખભાઈ

  ગામ -લાટ્ટિદડ
  તલુકો- બોટાદ
  જિલ્લો-ભાવનગર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.