બટરિયો – મીનાક્ષી ચંદારાણા

[‘અખંડ આનંદ’ જુલાઈ-09માંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ માટે પરવાનગી આપવા બદલ શ્રીમતી મીનાક્ષીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. તેઓ ખૂબ સારા ગઝલકાર અને લેખિકા છે. તેમની અનેક કૃતિઓ વિવિધ સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. આપ તેમનો આ સરનામે chandaranas@gmail.com અથવા આ નંબર પર +91 9998003128 સંપર્ક કરી શકો છો.]

‘ભઈ, તમે તે દી’ કેતા’તા, તે ઈ સરકારી નોકરી મળશે હજી ?’ હજી તો સવારના સાત વાગ્યા’તા, અને બટરિયો કંઈ નાની સરખી માગણી કરવાને બદલે સોસાયટીના પ્રમુખ પાસે સીધી સરકારી નોકરી જેવી અમૂલ્ય જણસ માગી બેઠો.
‘તું તો ભાઈ જબરો છે ને કંઈ ! હું તને કહી કહીને થાક્યો, ત્યારે ભાવ ખાતો રહ્યો. શું કહેતો હતો ? સરકારી નોકરીથી સ્વભાવમાં દોંગાઈ આવી જાય… ને એવું બધું કહેતો હતો, નહીં ! અમે બધાં દોંગા થઈ ગયા છીએ, નહીં ? અને તો પછી હવે વળી સરકારી નોકરીની તને શી જરૂર પડી ગઈ ? તું તો ભઈ મસ્તરામ છો…’
‘ના, બાપ ના. તમને તે વળી દોંગા કઉં હું કાંય બાપ ! ઈ તો હું અમલોકની વાત કરતો’તો…..ને હાચું કઉં ? આ છોડીનું ઑપરેશન કરવાનું નો હોત તો તમને આમ સરકારી નોકરી હાટુ કે’વાય નો આવત…..’ કહેતો બટરિયો હળવેથી ઝાંપો ખોલીને ફળિયામાં પ્રવેશ્યો.
‘ઑપરેશન ? શાનું ઑપરેશન વળી, છોકરી હજી તો બહુ નાની છે ને ?’
‘છોકરી તો હજી છો જ મહિનાની થઈ છે, પણ દાગતર કયે છે કે વીહ વરહની થાહે તારે ઑપરેશન કરવું પડશે, ને પાછાં ફાંટ ભરીને રૂપિયાય દેવા પડશે. ખબર નઈ કોણ જાણે કેટલા થાશે રૂપિયા. ને અતારથી ભેગા નઈ કરું, તો થોડા ભેગા થાહે ? આ એટલે જ તમને કઉ છું, તમે કે’તા’તા ઈ સરકારી નોકરી…..’ અને પ્રમુખે આપેલી સાચીખોટી બાંયધરીને તાકાતે સાઈકલના પેડલ મારતોકને બટરિયો સોસાયટીમાં નીકળી પડ્યો.

બટરિયાનું સાચું નામ તો કદાચ કોઈનેય ખબર હશે કે કેમ ! બટરિયો…. આ નામ ભલે બીજા કારણસર પડ્યું હોય, પણ એ હતો ખરેખર સર્વાંગ બટરિયો. નેહથી મધમધતી આંખો, હસું-હસું થાતા હોઠ, સહેજ લાંબા-વાંકડિયાં ઝુલ્ફાં, કાનમાં ઝીણી બુટ્ટી, કાંડા પર કડું, છીંટના કાપડમાંથી સિવડાવેલ ફૂલ-પાંદડીની ડિઝાઈનવાળો શર્ટ…. અને દારૂને ક્યારેય હાથ ન લગાડનાર એ સમગ્ર વ્યક્તિત્વ ક્યાંય એવું તો તરબોળ થયેલું લાગે, કે ઘડીભર એમ થઈ જાય, કે આ માણસ ચોવીસે કલાક નશામાં જ રહે છે કે શું !? બૈરીયે એની એવી પાછી ! મોંઘાં કપડાં તો એ ક્યાંથી લેવાની ! પણ મૅચિંગ એવું તો અચૂક પરફેક્ટ ! ખૂલતા રંગોની, લેસ-પાલવવાળી સસ્તી સાડી, મૅચિંગ બ્લાઉઝ અને જોડે એકદમ મૅચિંગ બંગડીઓનો ઝૂમખો. સાડીના રંગ પ્રમાણે રોજ બંગડી અચૂક બદલાઈ જાય. ગળામાં બગસરાનું મંગળસૂત્ર, જે દરેક દિવાળીએ બદલાઈ જાય. બસ, કાનમાં સોનાની બુટ્ટી એની એ રહેતી.

સવારે સાત વાગે, ત્યાં બટરિયો અને એની બૈરી રમા, બેય માણસ હાજર હોય. શહેરથી દૂર નવી નવી બંધાયેલી ચારસો મકાનોની એક વિશાળ સોસાયટીના નાકે રમા ઘેર-ઘેર ‘કચરો આપજો….’ની બૂમો પાડતી કચરો એકઠો કરે, અને બટરિયો સાઈકલના કૅરિયર પર લાંબો વાંસ ભરાવી, એના વરણાગી વેશમાં ગલીએ ગલીએ ફરતો જાય, અને ‘ગટર…..ગટર……’ એવી રીતે બોલતો જાય, કે સાંભળનારને ‘ગ’ તો પૂરો સંભળાય નહીં, પણ ‘ટર’ બરાબર સંભળાય ! નવાસવા રહેવા આવનારને તો એમ જ લાગે, કે કોઈ ‘બટર’ વેચવા આવ્યો છે. અને ખરેખર તો એના હાથમાંના વાંસને બાદ કરીએ તો એનું સમગ્ર વ્યક્તિત્વ ગટરિયા કરતાં બટરિયા જેવું વધુ લાગે ! એટલે જ કદાચ બાળકોએ એનું નામ ‘બટરિયો’ પાડી દીધું હશે. દરરોજ સોસાયટીનાં બાળકો બૂમ પાડે જ પાડે, કે ‘બટરિયો આવ્યો…..’

નવી બંધાયેલી સોસાયટીમાં શરૂઆતમાં બટરિયાની જરૂર લગભગ બધાંને પડતી. એક વરસના ગાળામાં એકસાથે ચારસો કુટુંબો રહેવાં આવ્યાં હતાં. બાંધકામ વખતે કારીગરો-કૉન્ટ્રાક્ટરોની બેદરકારી કહો કે જે કહો તે, ગટરમાં કંઈક કચરા ભરાવી દીધેલા. રહેવા આવ્યા પછીના બે-ત્રણ મહિનાના સમયગાળામાં જ લગભગ દરેક મકાનની ગટર સાફ કરાવવી પડેલી. ક્યારેક તો રસ્તા પરની મોટી ગટર પણ ખોલાવવી પડે. બટરિયો ધીમે અવાજે, મીઠી હલકે ભજનો ગણગણતો જાય અને ગટર સાફ કરતો જાય. છોકરાંઓ કુતૂહલ વશ જોવા માટે ગટર તરફ વળે, તો દૂર કરતો જાય. કામ ક્યારેક લાંબું ચાલે, તો બે ઘડી પોરો ખાવા બેસે ત્યારે એની સીસમ જેવી કાળી અને કસાયેલી પીઠ પરથી પરસેવાનાં ટીપાં હળવે-હળવે દદડતાં જાય… જાણે કાળા કમળ પરથી વરસાદનું ટીપું દદડતું હોય એમ. બટરિયો એવો હતો, જળકમળવત. બટરિયો પોતે ખાસ કંઈ ભણેલો નહીં, પણ ગટર સાફ કરતાં કરતાં ક્યારેક પુરુષવર્ગ સાથે અલકમલકની વાતો કરતો જાય, અને વાતમાં ને વાતમાં કેટલાયે રોગોના દેશી નુસખા-ટુચકા ઠાલવી દે. કોઈના ઘરમાં રેડિયો પર ભજન આવતું હોય, તો કામ બાજુ પર મૂકીને છોકરાંઓને સાધીને ઘરમાં મોકલી, અવાજ મોટો કરાવવાનું ન ચૂકે ! વાંચતા ન આવડે, પણ જેના ઘરે ગટર સાફ કરવાની હોય એને છાપામાંથી તાજા સમાચાર પૂછીપૂછીને એનો દમ કાઢી નાખે.

અને સોસાયટીમાં ક્યાંયથી પણ ‘સાપ નીકળ્યો’ની રાડ પડે, તો ગટર સાફ કરવાનું બાજુ પર હડસેલીને એ દોટ કાઢતો. હાથમાંના વાંસથી જ સાપનું મોં દબાવીને પકડ્યે છૂટકો કરતો. ‘તમારી થેલીને કશું જ નહીં થાય બેન, એક થેલી આપો આ મા’રાજને પૂરવા….’ કહીને, ખબર નહીં કેમ પણ જેના ઘરે સાપ નીકળ્યો હોય એમની જ થેલી મળે એનો દુરાગ્રહ રાખતો. અને થેલી ઉપરાંત ‘તમારા જાનનું જોખમ મારા ઉપર લઉં છું, તે એમ ને એમ જ ?’ કહીને હક્કથી પાંચ-પચીસ રૂપિયા આપવાનો પણ આગ્રહ હોય જ. અને ગટર સાફ કરવાના કામનું મહેનતાણું આપવામાં કોઈ રકઝક કરે, તો પહેલાં મોટા અવાજે વિરોધ પ્રદર્શિત કરીને પછી તરત જ ગળગળો થઈને કહેતો હોય, ‘બહેન, તમે લોકો બધાંય કામ કરશો. પણ આ કામ તમે ક્યારેય જાતે કરશો ? અને આ તો મારી રોજી છે, એના પર નજર ન બગાડો….’ એની પારદર્શક આંખોમાં ડોકાતાં ઝળઝળિયાંની સામે બોલવાની કોઈની તાકાત રહેતી નહીં. અને તે છતાંયે કોઈ ઓછું જ મહેનતાણું આપે, તો છેવટે કંઈ જ બોલ્યા વગર, રૂપિયા પકડેલો હાથ પોતાના કપાળે અડાડતોકને એ ચૂપચાપ ચાલ્યો જતો.

કોઈ એને પૂછતું, કે, ‘સરકારી નોકરી નથી મળતી ?’ ત્યારે એ કહેતો, ‘સરકારી નોકરી કરો એટલે સ્વભાવમાં દોંગાઈ આવી જાય. પછી ઈ દોંગાઈ ઘરમાં ને વેવારમાં, બધેય નડે. એટલે ભલે પાંચ પૈસા ઓછા મળે, પણ સરકારી નોકરી નથી કરવી. કોઈકે એને પૂછ્યું કે,
‘છોકરાઓને ભણવા કેમ નથી મૂકતો ?’
તો કહે : ‘ભણીગણીને મોટો સાહેબ થશે, તો વળી પાછો ઘરમાં સારા સંડાસ બનાવશે ને અમારા જેવા ગટરિયાને હલકા લેખશે. ને બાકી હશે ને કોઈ ફૅક્ટરીમાં નોકરી કરશે તો ઈંયાયે તે ઝેર જ સુવાસમાં લેવાનુંને ? તો પછી આ ઝેર શું ખોટાં છે ? આ ઝેર જીરવાવા તો માંડ્યાં છે, નવાં ઝેર વળી જીરવાય કે નહીં… શી ખબર ?’ એક વાર તો કોઈએ એને પૂછેલું કે, ‘સારાં જાજરૂ થઈ ગયાં પછી તમને કેટલી રાહત થઈ ગઈ છે, નહીં ? પહેલાં તો બધું માથે ઉપાડીને…..’ ત્યારે એણે જે જવાબ આપેલો એ ભલભલાને દંગ કરી દે એવો હતો. ‘ભઈ, પેલાં તો શું છે કે નરક ખાલી માથે રે’તું’તું. હવે તો ઈ એક-એક શ્વાસમાં લેવાનું થાય છે. પેલાં તો ઈ બધું નજરે દેખાતું’તું. હવે તો માલેતુજારોનાં ઘર એસીવાળાં હોય છે, ને અમારે તો આમાં ને આમાં જ રેવાનું છે…. આ કૂતરાંએ ગટરમાં નથી ઊતરતાં, ને અમારે તો આખાને આખા ગટરમાં ઊતરીને કામ કરવાનું છે હવે તો….’

પણ, મનમાં ભરેલી આટઆટલી ફરિયાદો અને આટઆટલા અભાવોને બટરિયો સામાન્ય સંજોગોમાં ક્યારેય હોઠ પર કે વર્તનમાં સુદ્ધાં આવવા ન દેતો. એ તો બસ, એયને મસ્ત થઈને ભજનો ગણગણતો જાય, ને ગટર સાફ કરતો જાય. અને એનાં ભજનો રાત થતાં જ ગણગણાટમાંથી લલકારનું સ્વરૂપ લઈ લેતાં. પોતાના ફળિયામાં જ, એક નાનકડી દેરીના ઓટલે વાળુપાણીમાંથી પરવારી, હાથમાં જંતર લઈને બટરિયો બેસી જાય ભજનો લલકારવા. કોઈ સાંભળનાર હોય કે નહીં, કોઈ સાથ દેનાર હોય કે નહીં, કોઈ ઝીલનાર હોય કે નહીં, દેરીનો ઓટલો બટરિયાનાં ભજન વગરનો સૂનો ક્યારેય પડતો નહીં. વરસો સુધી અપૂજ રહેલી દેરીને બટરિયાનાં ભજનોએ વાસના રહેવાસીઓનું સ્થાનક બનાવી દીધી હતી. અને છતાંયે કોઈએ ક્યારેય એને દેરીએ માથું નમાવતો જોયો નહીં. કોઈ પૂછે તો કહેશે, ‘આ ભજન હાંભળીને એને આવવું હોય, તો ભલે આવે….’ એવો એ ગટરિયો-બટરિયો શહેરથી દૂરની એ સોસાયટીમાં સહુનો પ્યારો થઈ પડ્યો હતો.

અને એમાં ત્રણ દીકરા પર રમાએ દીકરીને જન્મ આપ્યો. બટરિયો અને રમા, બેય ખુશ હતાં. બટરિયે હોંશથી દીકરીનું નામ પાડ્યું ‘લક્ષ્મી’. લક્ષ્મી થોડી મોટી થઈ એટલે રમા ઘણી વખત એને કાંખમાં તેડીને કચરો લેવા આવતી. લક્ષ્મી મા-બાપની જેમ જ ખાસ્સી દેખાવડી, પણ માંદી બહુ રહેતી. ડૉક્ટરને દેખાડ્યું, તો નિદાન થયું કે, ‘એના હૃદયના વાલમાં કાણું છે. છોકરી વીસેક વરસની થશે ત્યારે એક ઑપરેશન કરવું પડશે. એ ઑપરેશન સફળ થાય એટલે બસ….’

પહેલાં બટરિયો કે રમા, કામ પર આવે ત્યારે કોઈના ઘેરથી ચા-નાસ્તો ન લેતાં. કહેશે, ‘ભીખ માગવાની ટેવ પડી જાય….’ હવે બંને પોતાની સાથે એક ડબ્બો રાખતાં. કોઈ વાર-તહેવારે પણ ખાવાનું આપે તો સવિનય નકારીને ડબ્બો ધરીને કહેતાં, ‘આમાં અમારી છોકરીના ઑપરેશન માટે પૈસા ભેગા કરીએ છીએ. ભાવ થાય તો આમાં કાંઈક નાખજો. મોટા લોકોનો બહુ સથવારો ન હોય તોયે અમે જેમતેમ જિંદગી તો કાઢી નાખીએ…. પણ મોટી માંદગીને અમે પોગી નો વળીએ…..’ લોકોનેય આ દંપતી માટે ઘણો કૂણો ભાવ હતો, એટલે ડબ્બામાં પૈસા પડતા રહેતા, ડબ્બો ભરાઈ જતો એટલે નવો આવી જતો. આમને આમ લક્ષ્મી છ મહિનાની થઈ ગઈ, પણ બટરિયાને કંઈ ચેન ન હતું. એને ઊંડે ઊંડે ચિંતા રહેતી, કે ક્યાંક વીસ વરસ પછીયે ઑપરેશન જેટલા પૈસા ભેગા નહીં થાય તો ? લોકોનો શું ભરોસો ? આજે આપે છે ને કાલે ન પણ આપે ! અને એટલે જ બટરિયો હવે બધાંને કહેતો રહેતો, કે ભગવાને દીકરી તો આપી છે, હવે ક્યાંક સરકારી નોકરી મળે એમ હોય તો અપાવી દો, તો એના પગારમાંથી પૈસા બચાવીને આ છોકરીને જિવાડી દઉં…… કેટલાક મહિનાઓના પ્રયાસોને અંતે રમાને સરકારી નોકરી મળી ગઈ. બટરિયો હવે પાછો પહેલાંનો બટરિયો થવા માંડ્યો. એનો ભાર થોડો હળવો થઈ ગયો હતો. ઑપરેશનના ભાવ ગણીને એ કરકસર-બચત કરવા માંડ્યો. હજુ પણ એ પોતાની સાથે ડબ્બો રાખતો હતો, પણ લોકો માટે હવે એની ટ્રેજેડી જૂની થઈ ગઈ હતી. હવે એનો ડબ્બો પહેલાંની જેમ છલકાતો ન હતો.

બટરિયાને પણ સરકારી નોકરી મળી જાય એ માટે રમા પ્રયત્નો કરતી હતી, એના પરિપાકે વરસ દિવસને અંતે બટરિયાને પણ સરકારી નોકરી મળી ગઈ. કામ અઘરું હતું. મોટી-મોટી ગટરોમાં આખા જ ઊંડે ઊતરીને ગટરો સાફ કરવાની હતી. કામ વઘારે અણગમાપ્રેરક હતું. સલામતીનાં કોઈ જ સાધનો વગર ગટરોમાં ઊતરવાનું જોખમી કામ હતું. નાકે રૂમાલ બાંધીને ઊતરવાનું. ન સહેવાય તો, કમરે બાંધેલું દોરડું જોરજોરથી હલાવવાનું, એટલે બહારથી બીજા ખેંચી લે…. બટરિયાને ખબર હતી, કે અહીં ગંદકી વધારે છે, જોખમ છે…. પણ છોકરી માટે પૈસા ભેગા થઈ જાય….. એટલે બસ….! સરકારી ‘ઑર્ડર’ હાથમાં આવતાં સાથે જ બટરિયો સોસાયટીની નોકરી છોડીને સરકારી ગટરમાં પહેલી વાર ઊતર્યો, અને ઊતર્યો તો એવો ઊતર્યો, કે બસ, સાંજ થઈ ગઈ તોયે બહાર ન આવ્યો. ઊંડી ગટર હશે, ઝેરી ગૅસની દુર્ગંધ ઘેરી વળી હશે, શ્વાસ લેવાયો નહીં હોય, એણે દોરડું હલાવ્યું હશે, કોઈએ દોરડું ખેંચ્યું હશે, ને દોરડું પાંખું હશે કે પછી એનું વજન નહીં ઝિલાયું હશે, એણે રાડ પાડી હશે, ને કોઈએ સાંભળી પણ હશે, કે પછી કંઈ પણ થયું હશે…. બટરિયો પાછો ઉપર ન આવ્યો. ગયો તે ગયો. બટરિયો ખરેખર ગટરિયો બની ગયો.

રાત્રે બે વાગ્યે ફાયરબ્રિગેડના માણસોએ બટરિયાને માંડ માંડ બહાર કાઢ્યો. છાપાના છેલ્લા પાને બટરિયાના શરીરના ફોટા આવ્યા. એના ફોટા જોઈને સોસાયટીના લોકો છાપું બાજુ પર મૂકીને હાથમાં ચાનો કપ પકડીને બબડતા હતા કે, ‘સોસાયટીની નોકરી શું ખોટી હતી ?’ કોઈને એના અનાથ થઈ ગયેલાં બાળકો યાદ ન આવ્યાં, કે એની રમા વિધવા થઈ ગઈ એ યાદ ન આવ્યું. વીસેક દિવસ પછી રમા સોસાયટી પાસે ફરીથી નોકરી માગવા આવી. રમાની બદલીમાં સોસાયટીએ જે બાઈને નોકરીએ રાખી હતી એનાથી કોઈ સંતુષ્ટ ન હતાં, એટલે રમાને નોકરી તો તરત જ મળી ગઈ. બે દિવસ પછી સવારમાં એ કચરો ઉઘરાવવા આવી ગઈ. વાદળી બ્લાઉઝ, વાદળી સાડી, ચાંદલા વગરનું કપાળ, ખાલી-ખાલી સેંથો, મંગળસૂત્ર વગરની વેરાન ડોક અને બંગડીઓ વગરના ઠાલા હાથ…. અને કાનની બુટ્ટી અકબંધ.
‘અલી રમા,’ પહેલા જ ઘરેથી શરૂ થયેલી પૂછપરછને એણે દસેક ઘર સુધી તો ટાળી, છેવટે દસમા ઘરે ઉંમર પર ઢગલો થઈને પડી. ‘શું કરું ? બટરિયો તો ગ્યો ગટરમાં, ગટરને બટર સમજીને કૂદી પડ્યો. બેન, એમ કંઈ અમ જેવા લોકોનું દળદર ફીટવાનું હતું ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈશ્વર પ્રત્યેની આસ્થા – ડૉ. શરદ ઠાકર
મરજીવા – વીનેશ અંતાણી Next »   

39 પ્રતિભાવો : બટરિયો – મીનાક્ષી ચંદારાણા

 1. સંસારની માયા.

  હે કાચી માટીની કાયા માંથે માયા કેરા રંગ લગાયા
  હે ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
  રાખનાં રમકડાં.

  કરૂણ પણ વાસ્તવિક.

 2. Sandhya Bhatt says:

  લેખિકાની સંવેદનશીલતાને સલામ. આપણી આજુબાજુ જ કેટલા એવા માનવો છે,જેમની આપણે દરકાર નથી કરતા.

  • Jagat Dave says:

   આપણે આટલું જરુર કરી શકીએ……આવા લોકોનું મહેનતાણું રકઝક કરીને બે-પાંચ રુપિયા ઓછા ન કરાવીએ. મંદિરો અને ભગવાનો ને ‘લાંચ’ ઓછી કરી ને આપણા બજેટ ને આ રીતે સંતુલિત રાખી શકાય.

   ઈશ્વર ખરેખર રાજી થશે….વિશ્વાસ રાખો.

  • Anand Anjaria says:

   ખરેખર… લોકો થી મૌલ્સ મા રકજક કર્યા વગર પૈસા અપાય છે પણ બટરિયા જેવા લોકો પાસે થી ૨ રુપિયા માટે પણ આનાકાનિ કરસે…

 3. gujarati says:

  લેખકે આજ ના ભારત ની જે રજુઆત કરી છે તે કડવુ સત્ય છે. વિદેશો ની જેમ ભારત મા સલામતી ના સાધનો નો અમલ ઓછો થા છે. સલામતી ના સધનો નુ બજેટ તો બનાવાય છે પણ પૈસા નો વહીવટ અમલદારો મા થૈ જાય છે.

  શુ આપણે આ બધી બાબતો મા સક્રિય રસ લઈ ને કોઇ સારુ કામ ના કરી સકીએ? મ્યુનસિપાલટી મા અરજી આપી ને , ધારાસભ્યો નુ ધ્યાન દોરી ને, અથવા તો દરેક સોસાયટી ના પોતાના ખરચે સફાઈ કામદાર માટે ના સલામતી ના સાધનો નિ ખરિદી કરી ને!!! માસ્ક , ઑક્સીજન, રબ્બર ના ફુલ સાઈઝ ના બુટ, હાથ ના ગ્લોવ્ઝ , હેલ્મેટ્… લાઈટ , ફેન, …ઈમર્જન્સી ફોન લિસ્ટ હોસ્પિટલ, પોલીસ, ફાયર્બ્રિગેડ…

  ક્યાક એવુ તો નથી ને કે આપણ ને આની આદત પડી ગઈ છે ? જેમ ચાલે છે તેમ ચાલવાદો….. તુ ત્યારે જીકે રાખ બાપલા… હાંડી મા માથુ નાખ્યુ છે…..

  • Jagat Dave says:

   આવા કેટલાય બટરીયા દરરોજ પોતાનૉ જીવ જોખમમાં મુકી ને મજુરી કરે છે.

   મહાન ભારતીય સભ્યતા અને સંસ્ક્રુતિની દુહાઈ દેતા ‘સંતો’, ‘સ્વામીઓ’, ‘બાપૂઓ’ ને જાણ થાય કે વિદેશોમાં માનવતાના મૂલ્યને આટલું નીચે નથી જવા દીધુ. તેમને માનવતા જાળવી રાખવા પ્રવચનો અને કથાઓનું આયોજન નથી કરવું પડતું. તેમની માનવતા ડુંગળી, લસણ, બટેટા ખાધા પછી પણ અકબંધ રહે છે. કોઈ પણ કામને આટલું અપમાનીત નથી કરાતું.

   યાદ રહે……ભારતની દરેક ઝુંપડપટ્ટિઓ માનવતાનાં કબ્રસ્તાનો છે.

 4. Vaishali Maheshwari says:

  Good one Ms. Minakshi Chandarana.

  Sad ending as Batariyo did not survive…
  He took a highly risky job thinking about his daughter’s future, but that job took his life.
  Very sad ending 🙁

  Thank you.

 5. સંતોષ એકાંડે says:

  શહેરોની વરવી વાસ્તવિકતાને હળવાફૂલ શબ્દોથી સુપાચ્ય બને તે રીતે
  કથાનક રજુ કરવાની લેખિકા ની હથોટી પર વારી ગયા યાર…
  રોજેરોજ આવતા આ પ્રકાર ના કિસ્સાઓને આવો ભાવનાત્મક ટચ
  ફક્ત સબળ લેખક જ આપી શકે..
  શહેરીબાબુઓ અને નેતાઓએ ખાસ વાંચવા જેવો લેખ……

 6. trupti says:

  મા -બાપ બાળક માટે કઈ પણ કરિ શકે છે, પણ એજ બાળક મૉટુ થઈ મા -બાપ માટૅ શુ કરૅ છે?

  • Jagat Dave says:

   એ પણ તેના બાળકો માટે એટલો જ ભોગ આપવા લાગે છે.

  • Navin N Modi says:

   મા-બાપ બાળક માટે ભોગ આપે તેથી બાળકે મા-બાપનું ધ્યાન રાખવું એ સારી વાત છે. પરંતુ એ માનવ સર્જિત બુદ્ધિગમ્ય સમાજ વ્યવસ્થા છે. એ કુદરતી ન હોવાથી એમાં ઘણા અપવાદો રહેવાના જ.જ્યારે મા-બાપ બાળક માટે જે કરે છે એ કુદરતની દેણ છે. આથી શ્રી જગતભાઈએ જે લખ્યું એ આપના પ્રશ્નનો ખરો ઉત્તર છે.

 7. suresh says:

  આજ કાલ કઓઇ બિજાનિ કદર નથિ કરતુ ખાશકરિને સર્કાર આવાકામ મા સફ્તિ જરુરિ ચે સઉરેશ્

 8. nim says:

  વાચતા કમ્પરી છુટી ગઈ સાથે સાથે માનવતા પ્રત્યે ની મજાક થી દુખ થયુ અને સરકાર તરફ થી ઉપેક્ષા અને સલામતી ના સાધનો ન આપવા બદલ રોશ થયો આ ઘટના સરકાર ની ગરીબ અને મજબુર માનવી પ્રત્યે ની ફરજ ચુક પ્રસ્તુત કરે છે જે ખરેખર દુખદ બાબત છે.
  શુ માનવી આ રીતે જ જાનવર ની મોત મરતો રહેશે???????
  શુ એમને જીવવાનો કોઇ હક નથી???????
  ?????
  દુખી મન સાથે
  નિમ

 9. gujarati says:

  નિમ , સત્ય હમેશા કડવુ હોય છે. જે સફાઈકામદાર ના સલામતી માટે ના સાધનો માટે સરકાર પાસે પૈસા નથી , તે જ સરકાર પાસે આતંકવાદી ઓ ને જેલ મા સાચવવા અને તેમની સલામતી માટે અઢળક પૈસા છે. મુમ્બાઈ હુમલા મા માર્યા ગયેલા આતંકવાદીઓ ની લાશો ૩દીવસ સાચવવા માટે સરકારે પાંચ લાખ કરતા પણ વધારે પૈસા ખર્ચેલા છે.

  જે સફાઈકામદાર સમાજ ની ગંદકી સાફ કરિ ને સાફ સુથરી રાખે છે તેના માટે ઠનઠન ગોપાલ.

  સરકાર તરફ થી બોમ્બ સ્કવોર્ડ મા કામ કરતા માણસો માટે પબ્લિક બસ સર્વીસ અને ક્રીકેટરો માટે મર્સીડીસ બેન્ઝ લેટેસ્ટ મોડલ અને લાખો કરોડો રુપીયા ના ઈનામો..

  • TRUPTI SHAH says:

   At the same time, they are given exemption on custom duty on import of the car. (quote—-Sachin Tendulkar).

   The argument was, since they brought pride to the country by wining the game, at least the govt. can do that much for them…….. The ‘Jawans’ loosing their life at the border, their widows have to literally bag for the pension amount. This is India and the politicians of India.

 10. Chetan Shukla says:

  first of all there are no safety norms at all in our country, for any kind of risky work, no risk assesment before starting any risky job, and if there are safety norms govt. doesn’t provide personal protection equipements and above all no one is getting inducted for such work. there is no proper induction which is related to specific work.

  This a bitter truth of our country, if one person dies working in such hazardous condition, there are lot of people who will be ready to work in such hazardous conditions whithout taking care of their lives (સેફ્ટી જાય તેલ લેવા) ,since it is govt. job. this is the attitude from both the sides, govt. organisation and govt. employees as well.

  • Jagat Dave says:

   સાચુ કહું તો ‘માનવતા’ નામનુ મુલ્ય ગાયબ છે…….સંસ્ક્રુતિ, ધર્મ અને સભ્યતા નો દંભ છે…….શાસકોને પણ મોજ છે……..પ્રજાને પણ ચાલશે, ફ્રાવશે ની આદત છે….. મેં ઉપર લખ્યું છે તેમ્…………

   “વિદેશોમાં માનવતાના મૂલ્યને આટલું નીચે નથી જવા દીધુ. તેમને માનવતા જાળવી રાખવા પ્રવચનો અને કથાઓનું આયોજન નથી કરવું પડતું. તેમની માનવતા ડુંગળી, લસણ, બટેટા ખાધા પછી પણ અકબંધ રહે છે. કોઈ પણ કામને આટલું અપમાનીત નથી કરાતું.”

   કેમ?

   વિચારવું ફાવશે? કે પછી જાવા દ્યો ને…..એ તો આમ જ….ચાલશે

 11. દરેક કાર્ય માટે ના યથાયોગ્ય સાધનો તથા જે તે કાર્ય માટેની વ્યવસ્થિત તાલીમ આપ્યાં પછી જ કોઈ પણ કામ સરકારી કે પ્રાઈવેટ જગ્યાઓમાં કરાવાવુ જોઈએ. માનવ-જીવન સાથે ડગલે અને પગલે થતાં આવા ચેડાઓને અટકાવવા અત્યંત આવશ્યક છે. ગરીબી, અજ્ઞાન, ભ્રષ્ટાચાર, વસ્તી વધારો આ બધી જ બાબતો આપણને પળે પળે પીડી રહી છે.

 12. nayan panchal says:

  ખૂબ જ વેધક, સત્યની નજીક.

  ગયા વર્ષે હોંગકોંગમાં એક ઇમારતમાં આગ લાગી હતી અને લોકોને બચાવવા જતા ‘માત્ર’ બે ફાયર-ફાઈટરોએ જીવ ગુમાવ્યા. ઘટનાના માત્ર બે અઠવાડિયાની અંદર તેમણે વાયરલેસ સંદેશા વ્યવહારની ખામીઓ શોધી કાઢી., જૂના સાધનોને તિલાંજલી આપી નવા સાધનો વસાવવાનો ઓર્ડર આપી દીધો. સરકારે બંને ‘શહીદો’ ના પરિવારને પ્રમાણમા સારી એવી (ભારતની સરખામણીમાં ખૂબ મોટી) આર્થિક મદદ કરી. તેમની સ્મશાનયાત્રામાં સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામા હાજરી આપી. મિડિયાએ પણ આખી ઘટનાને સારી રીતે કવરેજ આપ્યુ.

  ભારતમાં પરમવીર ચક્ર વિજેતા સૈનિકોના પરિવારજનોને મહિને ૨૫૦૦રૂ અને વીરચક્ર વિજેતા સૈનિકોના પરિવારને ૧૫૦૦રૂ નું પેન્શન મળે છે.

  મેરા ભારત મહાન,
  નયન

 13. Bhavin Kotecha says:

  story is nice – but I also like discussion

 14. Veena Dave, USA says:

  વારતા અને કોમેન્ટ્સ ……….અસરકારક્…….કડવી વાસ્તવિકતા….

 15. NamiAnami says:

  આપણા દેશમાં આજે માણસ ની જીંદગી નુ મુલ્ય ગટર ની ગન્દકી કરતા પણ ઓછુ થઇ ગયુ છે.

 16. Vraj Dave says:

  વાર્તા અને પ્રતિભાવ. . .ખુબજ કડવી વસ્તુસ્થીતી નું ચિત્રણ છે. કાલે નવો લેખ આવસે આજ ને ભુલાવી દેસે.
  વાર્તા ને જે મીનાબેને મઠારી છે તે સંવેદનસીલતા ને નમન.
  આભાર.
  વ્રજ
  જામ ખંભાલીઆ.

 17. Jinal Patel says:

  લોકો મોટા શો રુમ મા જાય ત્યારે જાણતા હોવા છતા વધુ પૈસા આપે પણ બિચારા શાક વાળા અને આવા બટરીયા જેવા લોકો ને મજુરી કરવા છતા ઓછા પૈસા આપે. Very nice story though!!

 18. Vinod Patel says:

  મેરા દેશ મહાન નહી , મેરા દેશ બીમાર. આ બીમારીને આપણે દુર કરવી રહી. નવા ભારતનું નિર્માણ કરવું પડશે. સરસ લેખ. આભાર.

 19. ઈન્દ્રેશ વદન says:

  ઘણી જ સુંદર વાર્તા.

  લેખિકાએ સાચે જ અદભૂત વર્ણન કર્યુ છે.

  તેમની બીજી કૃતિઓ પબ્લીશ કરશો.

 20. Chirag Patel says:

  Can some one wipe my tears…. If this is a true story than please let me know where I can find this family – I will make sure that the girl gets her medical attention and rest of the family is being taken care off – I will take full responsibility of this family (if its real)!!!!

  Thank you,
  Chirag Patel

  • Jagat Dave says:

   વાહ ! ચિરાગભાઈ,

   ઈશ્વર તમારી આ સંવેદનશીલતા ને જાળવી રાખે….!!!

   “Never worry about where, when, whom and how. Help one person at a time, and always start with the person nearest you.”

   મધર ટેરેસા ના વાક્ય ને થોડુ સુધારીને લખ્યું છે.

   આસપાસ નજર દોડાવો…..ક્યાંક કોઇ બટરીયો નજીકમાં જ નથી ને?

  • TRUPTI SHAH says:

   Good spirit, keep it up. God bless you with lots of happiness and stregnth in your life.

  • Chirag Patel says:

   Telling guys the truth… Shivji has blassed with lots of wealth and true happyness. I really want to help a family like this… If I can help one family or in my life time – I will stand tall infront of Shivji when I go there…

 21. Veena Dave, USA says:

  ચિરાગ,
  તારા ઉમદા વિચારો માટે અભિનન્દન. તારી પેલા પત્નિ પરના હાસ્યલેખની કોમેન્ટ્સ વાચતા મને એમ લાગેલુ કે ૨૦૦૩ / ૪ થી ૨૦૦૯ સુધીમા મિલિયોનેર ($ ૧૦,૦૦,૦૦૦ = ૧ મિલિયન ડોલર) કેવી રીતે થવાય? ખેર, જવા દે એ વાત્ . મને લાગે છે કે તારુ મન અને દિલ તો મિલિયોનેર જેવા છે, એ જ મોટી વાત છે.
  વીણા આન્ટી.

  • Chirag Patel says:

   Veena Aunty,

   Thank you for you comment. Am I millioner? Yes. Am I self made millioner? Yes. I have worked hard – I have really good and solid education (I have Masters in Computer Science and Masters in Physics). I work with NASA, JPL, Locky Martin and many more private and government branches as consultant – I work on shot projects – I do implemention on hardware/ software /networking /database etc on these and many more private companies and they pay really good!!!! I own my own consulting firm and photo studio which brings me little extra $$$… So yes, from 2003 to 2009 in just four years with hard work, dedication and the most with blessings of parents and Shivji – I am self made millioner!

 22. Chirag Patel says:

  Please don’t take this is as my “ABHIMAAN” but its my pride… I stand tall among my family and my parents stand even taller knowing they have two sons who has made their dreams come true besides all the odds!!!

 23. ખુબજ સરસ વિચારો

 24. It is really nice thought .

  If you have any more story about this topic pls send this site.

  THanks.

 25. Dhaval B. Shah says:

  ખુબ સન્વેદનશીલ વાર્તા.

 26. Ashish Dave says:

  Heart touching story as well as heart touching comments. નરમા નારાયણ અને જીવમા શિવ નહી જોઇએ … till then we will keep finding these Batariyas all over the place.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.