જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો – સં. હરિશ્ચંદ્ર

[‘જીવનઘડતરના પ્રેરક પ્રસંગો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] એ તારો ગુલામ છે !

બાળપણમાં વિનોબાને ભૂતનો બહુ ડર લાગતો. ત્યારે મા તેને સમજાવતી કે ભૂત-બૂત તો નરી કલ્પના છે. ભગવાનના ભક્તોને ભૂત-પ્રેત કદી નથી સતાવી શકતાં. રામનામ લેવું એટલે બધાં ભૂત-પ્રેત ભાગી જશે. દીકરાને મા પર શ્રદ્ધા હતી એટલે એ ડર તો ઘણો ખરો ગયો. પણ એક દિવસ એવું થયું કે રાતે ઓરડામાં એક બાજુ ફાનસ હતું, એટલે સામેની દીવાલ ઉપર વિન્યાનો જ લાંબો-મોટો પડછાયો દેખાતો હતો. વિન્યો એકદમ ગભરાઈ ગયો કે સામે કેવડો મોટો માણસ ઊભો છે ! એ તુરત મા પાસે દોડીને એની સોડમાં લપાઈ ગયો. ત્યારે માએ તેને પ્રેમથી સમજાવ્યું કે આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. એ જે દેખાય છે તે તો તારો ગુલામ છે. તું કરીશ તેમ જ તેણે કરવું પડશે. તું બેસીશ, તો એ પણ બેસશે, તું ઊભો થઈશ, તો એ પણ ઊભો થશે.

વિન્યાએ તો એમ કરી જોયું. એ બેઠો તો પડછાયો પણ બેઠો. એ ઊભો થયો તો પડછાયો પણ ઊભો થયો, એ ચાલવા લાગ્યો તો પડછાયો પણ ચાલવા લાગ્યો. એટલે એને ખાતરી થઈ ગઈ કે આ તો આપણો ગુલામ છે, તેનાથી ડરવાનું હોય નહીં. આમ માએ બુદ્ધિપૂર્વક બાળકના મનમાંથી પડછાયાનો ડર કાઢ્યો.

[2] શબ્દ ખોટો, પણ મોહન સાચો !

હાઈસ્કૂલના પહેલા વરસનો એક પ્રસંગ. શિક્ષણ ખાતાના ઈન્સ્પેક્ટર આવેલા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ અંગ્રેજી શબ્દ લખાવ્યા. એક શબ્દ હતો : kettle. મોહને તેની જોડણી ખોટી લખી. માસ્તરે તેને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ મોહન સમજ્યો જ નહીં કે માસ્તર તેને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો છોકરાઓ એકબીજામાંથી ચોરી ન કરે તે જોવા માટે હોય ને. તે કાંઈ સામે ઊઠીને કોઈને ચોરી કરવાનું થોડું જ કહે ? મોહનના મનમાં આવી પાકી છાપ. તેથી પરિણામ એ આવ્યું, બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા અને એકલો મોહન ઠોઠ ઠર્યો ! તેની ‘મૂર્ખાઈ’ કે ‘બાઘાઈ’ તેને માસ્તરે પાછળથી સમજાવી. પણ તોયે મોહનના મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. તેને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી આવડ્યું જ નહીં ! આથી જ મોહન મોટો બનતાં સત્યનો મહાન ઉપાસક બની શક્યો અને મહાત્માનું બિરુદ પામ્યો. આ મોહન તે મહાત્મા ગાંધી.

[3] સ્વાવલંબી બનો !

બૂકર શરૂશરૂમાં શાળામાં દાખલ થયો, ત્યારે તેણે જોયું કે દરેક વિદ્યાર્થી માથે ટોપી કે હેટ પહેરીને જ નિશાળે આવતો. પણ બૂકર પાસે તે હેટ કે ટોપી કાંઈ હતું નહીં. તેણે માને કહ્યું. મા બિચારી ક્યાંથી લાવી આપે ? તેણે બૂકરને સમજાવ્યું કે હેટ લાવવા જેટલા પૈસા મારી પાસે નથી, પણ પૈસા આવતાં જરૂર તને ટોપી લાવી આપીશ.

થોડા દિવસ પછી માએ ક્યાંકથી હાથવણાટના બે કકડા મેળવ્યા અને તે સીવીને દીકરા માટે એક ટોપી તૈયાર કરી. બૂકર હોંશે હોંશે તે પહેરીને નિશાળે ગયો. જોકે બીજા છોકરા તેની ટોપી જોઈ મશ્કરી કરતા હતા. છતાં બૂકર પાછળથી નોંધે છે કે ટોપીની બાબતમાં મારી માએ મને જે પદાર્થપાઠ આપ્યો, તે હું કદી ન ભૂલ્યો. પોતાની પાસે કોઈ ચીજ ન હોય, તો તેનો ખોટો દેખાડો ન કરવો. દેવું કરીને કોઈ રોફ ન મારવો. બને તેટલાં સ્વાવલંબી થવું. બૂકર કહે છે કે ત્યાર પછી તો મેં કેટલીયે હેટ ને ટોપીઓ પહેરી હશે, પરંતુ મારી માએ સીવી આપેલી ટોપી પહેરતાં મને જે મગરૂબી આવતી, તે આજે નથી આવતી.

[4] રોજના ચોવીસ માઈલ !

સરદાર વલ્લભભાઈ પટેલનું બાળપણ ઘણું ગરીબીમાં વીત્યું હતું. થોડો વખત મોસાળમાં નડિયાદ ભણ્યા. વચ્ચે કરમસદ જવાનું થાય ત્યારે પગપાળા જ જાય. ગાડીભાડાના પૈસા નહીં એટલે રેલવેનો ઉપયોગ ન કરતા. પછી પેટલાદ ભણતા, ત્યારે ત્યાં એક નાનું ઘર ભાડે રાખી સાતેક વિદ્યાર્થીઓ કલબ જેવું કરીને રહેતા. દરેક જણ પોતાને ઘેરથી અઠવાડિયાનું સીધું દર રવિવારે લઈ આવે અને વારાફરતી હાથે રસોઈ કરી બધા જમે.

બૅરિસ્ટર થવા ઈંગ્લૅન્ડ ગયા ત્યારે પણ બધી ચોપડીઓ ખરીદવા જેટલા પૈસા નહીં. એટલે લાઈબ્રેરીમાં જઈને વાંચી આવે. પોતે જ્યાં રહેતા, ત્યાંથી લાઈબ્રેરી અગિયાર-બાર માઈલ દૂર હતી. રોજ એટલું ચાલીને સવારે નવ વાગે ત્યાં પહોંચતા અને છેક છ વાગે લાઈબ્રેરી બંધ થાય, બધા ચાલ્યાં જાય અને પટાવાળો આવીને કહે કે, ‘સાહેબ, હવે બધાં ગયાં.’, ત્યારે સરદાર ત્યાંથી ઊઠતા. સાંજે પાછા ચાલતા જ ઘેર જતા. આમ રોજનું બાવીસ-ચોવીસ માઈલ ચાલવાનું થતું. આવી કઠણ જિંદગીમાં એમનું કાઠું ઘડાયું અને એક ખડતલ-ધીંગું વ્યક્તિત્વ પાંગર્યું. આ વસ્તુએ જ પાછળથી આ દેશનું ધીંગું કાઠું ઘડવામાં ઘણો ભાગ ભજવ્યો.

[5] ઈનામ નહીં, સજા આપો !

ગોપાલ કૃષ્ણ ગોખલે આપણા દેશના એક મોટા નેતા થઈ ગયા. એમના બાળપણની એક વાત છે. એક દિવસ એમના શિક્ષક કહેવા લાગ્યા : ‘તેં બધા સવાલના જવાબ સાચા લખ્યા છે; માટે લે, હું તને આ પુસ્તક ઈનામમાં આપું છું.’ પણ આશ્ચર્યની વાત એ થઈ કે આ સાંભળીને ગોપાલ ખુશ થવાને બદલે રોવા લાગ્યો. શિક્ષક બિચારા હેબતાઈ ગયા. ધીરે ધીરે ગોપાલ રોતાં રોતાં બોલ્યો :
‘ગુરુજી, તમે મને ઈનામ નહીં, સજા આપો !’
‘સજા શું કામ બેટા ?’
‘વાત એમ છે કે આમાંથી એક સવાલ મને આવડતો ન હતો, તેનો જવાબ મેં મારા એક મિત્રની મદદથી લખ્યો છે. એટલે મને આ ઈનામ લેવાનો અધિકાર નથી.’ શિક્ષક આ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. ગોપાલની પીઠ થાબડીને એમણે કહ્યું : ‘બેટા, પહેલાં આ ઈનામ હું તારી બુદ્ધિને માટે આપતો હતો, હવે બુદ્ધિ ઉપરાંત તારી સચ્ચાઈ માટે, તારી ઈમાનદારી માટે પણ આપું છું. લે, આવી રીતે હંમેશાં સાચું બોલજે. ભગવાન તારું ભલું કરે !’ આવી સચ્ચાઈ અને ઈમાનદારીને લીધે જ ગોપાલ મોટો થતાં મહાન બની શક્યો.

[6] એક પૈસાની રોટી અને મફત દાળ

ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ ઘણી વાર અત્યંત મુસીબતમાંથી પસાર થવું પડતું હોય છે. ઘણા તો એટલી બધી ગરીબીમાં જીવન ગુજારે છે કે બે ટંક પૂરું ખાવાયે નથી મળતું. અને છતાં જેનામાં અંતરની લગન હોય છે, તેઓ ગમે તેવી મુસીબતોનો સામનો કરીને પણ આગળ વધે જ છે. તીર્થરામ પણ આવો જ એક ગરીબ પણ બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો. એ ભણવામાં એટલો બધો હોશિયાર હતો કે તેને શિષ્યવૃત્તિ મળતી. પણ તેમાંથી જ ખાવાપીવાનો અને બીજો બધો ખર્ચ કાઢવો પડતો. ઘણી વાર તો શિષ્યવૃત્તિની ઘણીખરી રકમ પુસ્તકો ખરીદવામાં જ ખર્ચાઈ જતી અને ખાવાપીવા માટે બહુ જૂજ રકમ બચતી. એક વાર આવું જ થયું. તીર્થરામે હિસાબ લગાડ્યો તો જણાયું કે આ મહિને રોજના 3 પૈસા ખાવા પાછળ ખર્ચવા માટે બચ્યા હતા. એટલે તે રોજ સવારે બે પૈસાની રોટી લઈને ખાતો અને સાંજે એક પૈસાની.

પરંતુ બે-ચાર દિવસ થયા અને દુકાનદારે તેને કહી દીધું કે ‘એ છોકરા, તું રોજ એક પૈસાની રોટી સાથે દાળ મફતમાં ખાઈ જાય છે. જા, હું એક પૈસાની રોટી નથી વેચતો !’ તીર્થરામે નક્કી કર્યું કે કાંઈ નહીં, બીજી રકમ ન આવે ત્યાં સુધી હમણાં રોજ એક ટંક જ ખાઈશ. આટલી ગરીબી અને બેહાલી છતાં તીર્થરામ હંમેશાં મસ્તીમાં જ રહેતો. એ કદી નિરાશ ન થતો. અથવા પોતાનાં રોદણાં ન રડ્યા કરતો. અને દિલ દઈને ભણતો. એ એટલો બધો તેજસ્વી હતો કે 13 માંથી 9 સવાલ કરવાના હોય ત્યારે એ તો તેરતેર સવાલ કરી નાખે ! એટલા વખતમાં બીજા વિદ્યાર્થીઓ માંડ ત્રણ-ચાર સવાલ કરી શક્યા હોય !

આમ આગળ વધતો વધતો એ બી.એ. થયો, એમ.એ. થયો. બી.એ.માં તો આખી યુનિવર્સિટીમાં પહેલો આવેલો. પછી અધ્યાપક બન્યો. એ પોતાની તંગીભર્યા દિવસો ભૂલ્યો નહોતો. દર મહિને પગાર આવતાંવેંત કૉલેજના જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને અને ચપરાશી વગેરેને થાય તેટલી મદદ કરતો. પૈસાનો એને કદી મોહ ન થયો. આ સંસારમાં પણ તેનું દિલ ન લાગ્યું. એ તો ઈશ્વરની ખોજમાં હિમાલય ચાલ્યો ગયો. આ તીર્થરામ તે બીજ કોઈ નહીં, પણ આગળ જતાં દુનિયા આખીમાં વિખ્યાત થયેલા, સ્વામી રામતીર્થ !

[7] પાંજરામાં શેં પુરાય ?

કાકાસાહેબ કાલેલકરનું નામ છે, દત્તાત્રય. ઘરમાં એમને દત્તુ કહીને બોલાવતા. નાનપણના એમના કેટલાક પ્રેરણા આપે એવા પ્રસંગ છે. એક પ્રસંગ તેઓ પોતાની મોટી બહેનનો યાદ કરે છે. મહારાષ્ટ્રમાં મોટી બહેનને આક્કા કહે. એક વાર એ સાસરેથી પિયર આવેલી. દત્તના ઘરમાં તે વખતે એક પોપટ હતો. પાંજરામાં તેને રાખેલો. પણ આક્કા કહે કે, ‘આ પોપટને આપણે ઉડાડી દઈએ.’
દત્તુએ પૂછ્યું કે : ‘કેમ ? એ તો બધાનો માનીતો છે.’
ત્યારે આક્કાએ નળદમયંતીનું આખ્યાન સંભળાવ્યું. તેમાં રાજાના હાથમાં સપડાયેલો હંસ છૂટી જવા માટે તરફડિયાં મારે છે, પોતાને છોડી દેવા રાજાને અનેક રીતે કરગરીને વીનવે છે, પણ રાજા તેને છોડતા નથી. તેથી નિરાશ થઈને વિલાપ કરે છે. એ પ્રસંગ આવ્યો ત્યારે આક્કા રડી પડી ! પછી દરેક કડીનો એણે અર્થ કરી બતાવ્યો. આથી સહુનાં હૈયાં પીગળી ગયાં. અને નક્કી થયું કે પોપટને છોડી દઈએ.

એટલે એક ઝાડ પર પાંજરું ટીંગાડ્યું અને ધીમે રહીને તેનું બારણું ખોલ્યું. એક ક્ષણ સુધી તો બહાર ઊડી જવાનું પોપટને સૂઝ્યું પણ નહીં. એ તો હેબતાઈ જ ગયો હશે. બીજી ક્ષણે ફરરર…. આકાશમાં ઊડી ગયો. આક્કાની આંખમાં આનંદનાં ઝળઝળિયાં આવ્યાં. આ પ્રસંગ દત્તુના ચિત્ત પર અમીટ છાપ મૂકતો ગયો.

[8] એમને ગરમ રસોઈ મળે ને !

વિનોબાની મા બહુ સેવાભાવી. આડોશ-પાડોશમાં કોઈ સાજું-માંદું હોય, તો તેની સેવા-ચાકરી કરવા ઝટ પહોંચી જતી. કોઈને અડચણ હોય, તો તેને ત્યાં જઈને રસોઈ પણ બનાવી દેતી. મહિનામાં બે-ચાર વાર આવી સેવા કરવાનો મોકો એમને મળતો. ત્યારે સવારે વહેલા ઊઠી, પોતાના ઘરનું કામકાજ, રસોઈ પતાવી પછી પેલે ઘેર જઈને રસોઈ કરી આપતી. એક દિવસ વિન્યાએ હસતાં હસતાં માને કહ્યું :
‘મા, તું તો ભારે સ્વાર્થી છે ! પહેલાં તું ઘરની રસોઈ કરે છે અને પછી પડોશીની !’
મા જવાબ આપે છે : ‘વિન્યા, તું તો ભારે મૂરખ છે ! આટલુંયે નથી સમજતો ? જો હું તેના ઘરની રસોઈ વહેલી બનાવું તો ખાવા ટાણે ઠરી જાય. એમને ઠંડી રસોઈ ન ખાવી પડે, તે માટે પહેલાં હું આપણે ઘેર રસોઈ બનાવીને પછી એમને ત્યાં જાઉં છું. એમને ગરમ ગરમ ખાવા મળે ને !’

વિન્યો શું બોલે ? સ્વાર્થને બદલે આ તો પરમાર્થ હતો. ખરી સેવાભાવનાના સંસ્કારની અમીટ છાપ તેના ચિત્ત પર પડી.

[કુલ પાન : 50. કિંમત રૂ. 20. પ્રાપ્તિ સ્થાન : યજ્ઞ પ્રકાશન. ભૂમિપુત્ર, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-390001. ગુજરાત. ફોન નંબર : +91 265 2437957. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મરજીવા – વીનેશ અંતાણી
આદર્શ માનવનું નિર્માણ – સ્વામી વિવેકાનંદ Next »   

20 પ્રતિભાવો : જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો – સં. હરિશ્ચંદ્ર

 1. Anand Anjaria says:

  બહુ સરસ… ફરી થી ગાંધી જી ની “સત્ય ના પ્રયોગો” વાંચવાનું મન થઈ ગયું….

 2. નાનપણમાં પડેલા સંસ્કારો મનુષ્યના ચિત્તમાં અમીટ છાપ મુકી જાય છે. નાનપણથી જ બાળકોના માનસ ઉપર સુસંસ્કારો પડે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

  સુંદર પ્રસંગો વાંચીને આનંદ થયો.

 3. ખુબ સરસ…પ્રેરણાદાયી પ્રસંગો.

 4. Ritesh Shah says:

  બહ જ સરસ્

 5. Kavita says:

  Reading this article, I remembered my geandad. He was very strict and always used to tell me stories of all the above people in my childhood. It has a big influence on my life today and gives me confidence and support whenever I encounter difficult time in my life. Thank you very much for the article.

 6. શ્રી સરદાર પટેલ……આવી કઠણ જિંદગીમાં એમનું કાઠું ઘડાયું.

  પાછળથી આ દેશનું કાઠું ઘડવામાં ઘણો ભાગ ભજવ્યો.

  આજના બાળકો કલ્પના પણ ના કરી શકે કે
  હાલની સુવિધાઓ પાછળ કેટલાં ત્યાગ-બલિદાન હોમાયાં છે.

  પ્રેરણાત્મક પ્રસંગો.
  આભાર.

 7. nayan panchal says:

  સુંદર પ્રસંગો.

  આભાર,
  નયન

 8. Jinal Patel says:

  કેટ્લાક વાંચેલા અને કેટ્લાક સાંભળેલા, જીવન માં ઊતારવા જેવા પ્રસંગો.

 9. ભાવના શુક્લ says:

  દરેક પ્રેરણાદાયી મહાપુરુષો અને તેમની વાતો માથી એટલો તો નિચોડ નિવડે જ છે કે ગરીબાઈ કે આર્થિક અભાવ આપણને સત્ય ના પથ માથી ડગવા નથી દેતા અને જીવનનુ સાચુ મુલ્ય જરુર સમજાવે છે.

 10. Vraj Dave says:

  સુંદર પ્રસંગો. પ્રેરણાદાયક.
  આભાર.
  વ્રજ

 11. Veena Dave, USA says:

  સરસ.

 12. Chirag Patel says:

  WOW! Very nice… very nice…

 13. Jigna Bhavsar says:

  એવો એ જમાનો હ્તો સતયુગ થી કમ નહિ. હવે તો એવાં સ્ંસ્કાર કે એવાં મા-બાપ પણ ક્યાં જોવા મળે . બાળકો ડે- કેર માં ઉછરે છે, અને મા-બાપ પૈસા ની પાછળ દોડે છે. આજ કાલ મા- બાપો બીજાને મદદ કરવાનું, કે સચ્ચાઈ નહી પણ કેવી રીતે દોડ માં આગળ આવવું એ શીખવવામાં જ પોતાની જવાબદારી સમજે છે.

  • Jagat Dave says:

   જિગ્નાબેન…આપે વર્ણન કર્યું છે….તેટલું નિરાશામય વાતાવરણ પણ નથી.

   દરેક યુગમાં સારા અને નરસા લોકોનું અસ્તિત્વ રહેવાનું જ.

   મને આજની પેઢી વધારે સમજદાર અને પરિપક્વ જણાય છે. જો જુની પેઢીના લોકો વધારે સંસ્કારવાન અને પરગજુ હતાં તો આઝાદી બાદ ભ્રષ્ટાચારે કેમ માઝા મુકી? કેમ આઝાદી પછી ના દસ વર્ષોમાં ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો? મોટા ભાગના નેતાઓ આજે ૭૦-૮૦ વર્ષના છે અને તેમના ચારિત્ર્ય વિષે આપણે ચર્ચા ન કરી એ જ બહેતર છે.

 14. Jagat Dave says:

  કિશોરવયનાં બાળકોને ભેંટમાં આપવા જેવું પુસ્તક….જો તેમને ગુજરાતી વાંચતા આવડતું હોય તો…….

 15. nim says:

  વાચી ને જિવન મા ઉતારવા જેવુ
  ધન્યવાદ્

  નિમ

 16. ARVINDKUMAR says:

  verry good
  that give me spirit of my life.
  very helpful in life
  thank you very much

  have good life

 17. Nitin says:

  સુવાલિ જિદગિ જિવવા વાલા આપ ને સહુ આવિ સિધ્ધિ કેવિ રિતે પા મિ શકિએ.મુસિબત નુ નામ આવે તો દુર ભાગનાર ને આ
  કેમ પ્રાપ્ત થાય

 18. champak Tankaria says:

  Excellent, Gujarati sahe nato jodva no sundar prayash..
  Gujarati tarike Gourav Anubhavu chhe..Ava sarash madhyam ni jetli prashansha kariye tetli ochhi..

  CHAMPAK TANKARIA
  hchampak@rediffmail.com

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.