સસલું કે સિંહ – ગિરીશ ગણાત્રા

એ દિવસોમાં એ ખૂબ જ હતાશા અનુભવી રહ્યો હતો. આપત્તિનાં વાદળો ચારે બાજુથી ઘેરાયેલાં અને ગમે ત્યારે તૂટી પડે અને પોતાને હતો ન હતો કરી નાખે એવી એની મનોદશા હતી. ઘરમાં એ એકલો હતો. પત્ની બાળકોને લઈને પિયર ગઈ હતી. ભૂખ બહુ લાગી નહોતી એટલે ફ્રીઝમાંથી બ્રેડ-બટર કાઢી એને ન્યાય આપતો ટી.વી. સામે બેઠો. કોણ જાણે કેમ, વિવિધ ચેનલો પરથી આવતા ટી.વી.ના કાર્યક્રમોમાં એનું મન ચોંટતું નહોતું. એ ટી.વી.ના નાનકડા પડદા પર વહેતા એક કાર્યક્રમ પર નજર નાખતો બેઠો હતો પણ એનું મન તો એના પ્રશ્નોમાં જ અટવાતું હતું.

એ વિચારોમાં ગૂંચવાયેલો હતો ત્યાં અચાનક એના મનમાં એક બીજો જ વિચાર ઝબકી ગયો. એના એક વૈજ્ઞાનિક મિત્રે એક વખત એને કહ્યું હતું કે વાળ જેવા પાતળા તાર દ્વારા એક સાથે 200 ટેલિવિઝન પ્રોગ્રામ ટ્રાન્સમીટ કરી શકાય એ દિવસો દૂર નથી. લેસર કિરણો દ્વારા ઘડીના છઠ્ઠા ભાગમાં આંખમાંથી ક્યાં મોતિયો કાઢી શકાતો નથી ? બસ, વિજ્ઞાનની આટલી નાની વિચારકણિકામાંથી એ જરા જુદા વિચાર પર સરકી ગયો. જો માનવી ભૌતિક વિજ્ઞાનમાં આટલી પ્રગતિ કરી શક્યો તો આ શરીરશક્તિઓ તો એક વિરાટ સ્ત્રોત મનાય છે. એ શક્તિઓ દ્વારા ઉલઝનોમાંથી માર્ગ કાઢવાના પણ કોઈ આવા તાર તો જરૂર હશે, જે બરાબર જોડાયેલા ન હોય. કદાચ એવા તારો જોડાઈ જાય તો ગુપ્ત શક્તિઓ કાર્યાન્વિત થઈ જાય. શરીર પણ અનેક સર્કિટોનું બનેલું છે. આવી એકાદ સર્કિટ જરૂર એને મૂંઝવણોમાંથી બહાર કાઢી શકે. પણ કઈ રીતે ? વિચારોના વહાણમાં બેસી એ મનના દરિયાને અહીંથી તહીં ડહોળતો રહ્યો પણ કોઈ કિનારો હાથ લાગતો નહોતો.

માણસનું મન મૂંઝાય ત્યારે એ કોઈ આધ્યાત્મિક કે સંત પુરુષની શોધમાં લાગી જાય જે એને યોગ્ય રાહ બતાવી શકે. બીજે દિવસે એ જે મહાત્માને ઓળખતો હતો તેમની પાસે પહોંચી ગયો અને પોતાના મનની વ્યથા કહી. એના પ્રશ્નો સાંભળી મહાત્માએ કહ્યું : ‘ભાઈ, તમારા ગૂંચવણ ભરેલા તમામ પ્રશ્નોનો સીધો માર્ગ ધર્મ પાસે નથી. ધર્મ આ પ્રશ્નોથી પર છે. જ્યારે લોકો જાતે જ પોતાના જ પ્રશ્નોને ગૂંચવી નાખે છે ત્યારે એમ સમજવું કે આ પ્રશ્નોને તેઓ પહોંચી શકતા નથી. પરંતુ માનવ-શક્તિઓ અપાર છે. દેહમાં રહેલી આ શક્તિઓને આપણે હજુ પારખી શક્યા નથી. આ શક્તિઓ દ્વારા સ્વ-પરિવર્તન આણી શકાય છે એટલું ધર્મ કહી શકે છે. તમારા પ્રશ્નોના ચોક્કસ જવાબ તો હું આપતો નથી પણ તમને એક સલાહ આપું. તમે નીતિના માર્ગે જાઓ. જે સારું છે તેને અનુસરો. એનાથી તમારી શક્તિઓ ખીલી ઊઠશે.’
‘આ દ્વારા હું સ્વપરિવર્તન આણી શકીશ ?’
‘કેમ નહિ ? તમે તમારી મનોદશાને પલટી એક નવા જ માનવી બની શકો.’
મહાત્મા પાસેથી જે સલાહ મળી એના પર વિચાર કરતો કરતો એ આશ્રમમાંથી બહાર નીકળ્યો. ક્યાં જવું એ નક્કી નહોતું પણ શરીર પોતાની જરૂરિયાત માગી રહ્યું હતું. એને ભૂખ લાગી હતી. ચાની પણ ઈચ્છા મનમાં જાગૃત થયેલી.

એ એક રેસ્ટોરાંમાં ગયો. ચા-નાસ્તાનો ઓર્ડર આપી એ પાણીના ગ્લાસ સાથે રમત કરતો બેઠો હતો ત્યાં કોઈએ એની પીઠ પર ધબ્બો મારતા કહ્યું :
‘હેલ્લો ! કેમ છો ? ઘણા વખતે મળ્યો ? એકલો એકલો નાસ્તો કરવા આવ્યો છે ?……’ એના કૉલેજકાળનો મિત્ર કે જે એક ઈન્સ્યોરન્સ કંપનીમાં ડેવલપમેન્ટ ઓફિસર હતો એની સામે બેઠો અને પૂછ્યું :
‘શું ચાલે છે હમણાં ?’
આ મિત્ર એવો હતો કે જેની પાસે એની દિલની વાત કહી શકાય. એણે એને પોતાની મૂંઝવણો કહી. ચા પીતાં પીતાં મિત્રે કહ્યું :
‘દોસ્ત, તું સાવ હતાશ થઈ ગયો છે. તારામાં ઉત્સાહનો અભાવ છે. યાદ છે, તારા ગોડાઉનનો હું ઈન્સ્યોરન્સ લેવા આવેલો ત્યારે તું કેટલો ઉત્સાહથી થનગનતો હતો ? તારી આ મનોદશાને પલટી નાખવા તને એક ફોર્મ્યુલા બતાવું ?’
‘ખરેખર ?’ એણે ઉત્સાહથી પૂછયું, ‘આવી કોઈ ફોર્મ્યુલા છે ખરી ?’
‘હા, છે ને !’ કહી એણે પોતાના પોર્ટફોલિયામાંથી એક કાગળ કાઢ્યો અને કહ્યું : ‘હું મારા એજન્ટોને, ખાસ કરીને નવા બનતા એજન્ટોને, આ ફોર્મ્યુલા ઘરની દીવાલ પર ચીપકાવી રાખવાનું કહું છું. જે વ્યક્તિ પોતાનું કામ ઉત્સાહથી કરે છે એણે ક્યારેય જિંદગીમાં ગભરાવાનું રહેતું નથી. દુનિયાની તમામ સોનેરી તકો તમારી રાહ જોઈ રહી છે. જિંદગીમાં પહેલી વખત કોઈ છોકરીને ચાહવા લાગો એટલો ચાહ તમે તમારા કામ પ્રત્યે બતાવો’ કહી એણે એને પોતાનું ઉદાહરણ આપ્યું, ‘તને ખબર છે કે આપણે રામ અભ્યાસમાં કોઈ સ્કોલર નહોતા. ક્યાંય નોકરી ન મળી ત્યારે મેં ઈન્સ્યોરન્સ કંપનીની એજન્સી લીધી. એ દિવસોમાં દરરોજ હું પચાસ જણાને મળું તોયે એકેય પોલિસી લઈ શકતો નહીં. સાંજે ખૂબ જ નિરાશ થઈને ઘેર આવું. જમીને રાત્રે મિત્રો સાથે ફરવા જાઉં. અમારી મિત્રમંડળીમાં એક એવો મિત્ર હતો કે જે રાજકારણની અમુક પાર્ટીને ખૂબ જ ધિક્કારતો. આમ તો એ અમારી સાથેની વાતોમાં મૂંગો રહેતો પણ જો રાજકારણની વાત નીકળે કે એનો રસ ખીલી ઊઠતો. એ જોરશોરથી દલીલો કરવા લાગતો. એના પરથી મેં તારણ કાઢ્યું કે જો વ્યક્તિને વાતમાં રસ લેતો કરવો હોય તો એના રસની વાત કાઢવી. બસ, મેં મારા કામમાં પૂરેપૂરો રસ લીધો. અત્યાર સુધીમાં મેં કરોડો રૂપિયાની પોલિસી લીધી છે.’

એ દિવસે પોતાની મૂંઝવણમાંથી માર્ગ કાઢવા એક માનસશાસ્ત્રીને મળ્યો. એની કથની સાંભળી આ વૃદ્ધ મનોવૈજ્ઞાનિકે કહ્યું : ‘અલબત્ત, આપણું શરીર એક મોટો ડાયનેમો છે. એમાં છુપાયેલા પાવરને આપણે જાણતા નથી. કટોકટી વખતે એ ડાયનેમો એવો પાવર પેદા કરે છે. તમે દોડવાની હરીફાઈમાં ભાગ લેતા હરીફોને જોયા છે ? એમને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું છે. એ વખતે તમામ શારીરિક અને માનસિક શક્તિઓ વિપુલ પ્રમાણમાં બહાર આવતી રહે છે. તમારું બાળક આગમાં સપડાયું હોય ત્યારે કેવા જોમ અને જોશથી એને બચાવવા કૂદી પડો છો ? જે લોકો સર્જનશીલ છે, ક્રિયાશીલ છે એમના જાગૃત માનસ અને સુષુપ્ત માનસ વચ્ચે આવી એક ખુલ્લી ચેનલ ઊભી થયેલી જ હોય છે.’
‘આ ચેનલ કેવી રીતે ખુલ્લી રાખવી ?’ એણે પૂછ્યું.
મનોવૈજ્ઞાનિક હસ્યા અને કહ્યું : ‘જો કોઈની પાસે આનો જવાબ હોત તો આજે જગત જુદું જ હોત. પણ હું તમને એક સલાહ આપું છું : તમે તમારા પોતાના પડછાયામાંથી બહાર નીકળો.’
‘એટલે ?’
‘તમે તમારી જાતનું પૃથક્કરણ છોડી દો. તમારામાં રહેલા દોષો કે ત્રુટિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારામાં રહેલા ગુણોનો વિચાર કરો. તમે તમારી જાતને નકામી ના સમજો. તમારી આપત્તિઓમાંથી તમે માર્ગ કાઢી શકતા નથી એથી તમારી જાતને અન્યાય કરવાનું કારણ નથી……’

એ મૂંઝાઈ ગયો હતો. એની મૂંઝવણમાં માર્ગ કાઢવા જ પત્ની બાળકોને લઈને પિયર જતી રહેલી. ત્યાંથી એણે એના દાદીને ફોન કર્યો. દાદીમા દોડતાં આવી ગયાં અને એને ઝપટમાં લીધો : ‘અલ્યા, આમાં રોવા શું બેઠો ? જિંદગી છે, એમાં પાનખર પણ આવે અને વસંત પણ આવે. તું નાનો હતો ત્યારે પણ એવો હતો અને અત્યારે પણ એવો ? આટલાં વરસમાં કંઈ શીખ્યો નથી ? તું મહાત્માને મળ્યો, મિત્રને મળ્યો, ડૉક્ટરને મળ્યો. એ બધાએ તને શું સલાહ આપી ?’
‘બધા જુદું જુદું કહે છે.’
‘કોઈ કંઈ જુદું નથી કહેતા. તને બધાએ જે સલાહ આપી તે મેં સાંભળી. એ બધાયનો એક જ અર્થ થાય છે. પડકાર ઝીલી લે ને દોડવા લાગ. ઈશ્વરે માંયલામાં ઘણું ઘણું ભર્યું છે તે આપોઆપ એની મેળે બહાર આવશે, લેવા મંડ એક પછી એક પ્રશ્નો હાથ પર. એના ઉકેલ આપણી પાસે જ છે. અમે બધાં બેઠા છીએ ને ? પોચકા મૂકવાને બદલે સિંહની જેમ ગરજવા લાગ. પછી મને કહેજે કે તારો માર્ગ તને કોણે બતાવ્યો ? સસલું નહિ, સિંહ બન…..’ અને એ પોતાનામાં રહેલા પડછાયાને હટાવી પડકાર ઝીલવા ઊભો થયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડૉ. પ્રીતિ ભટ્ટ સાથે મુલાકાત – શ્રીલેખા રમેશ મહેતા
યૌવનની અસ્મિતા – વનલતા મહેતા Next »   

14 પ્રતિભાવો : સસલું કે સિંહ – ગિરીશ ગણાત્રા

 1. અતિ સુંદર…

  “પડકાર ઝીલી લે ને દોડવા લાગ.”

 2. જંગલમાં શિયાળવા અને અન્ય પ્રાણીઓ ત્યાં સુધી જ અવાજ કરે છે, જ્યાં સુધી વન કેસરી ગર્જતો નથી. પણ જેવી વન-કેસરી (સિંહ) ની ગર્જના સંભળાય છે કે તરતજ તે બધાં મુંગા-મંતર થઈને જ્યાં ત્યાં ભરાઈને સંતાઈ જાય છે.

  સુંદર વાત – ધન્યવાદ.

 3. હાલની આર્થિક મંદીમાં સમયસરની પ્રેરણાત્મક પ્રસ્તુતિ.

 4. Ravi says:

  very inspirational story!!
  good job..

 5. priyangu says:

  simply superb!!!!!

 6. nayan panchal says:

  “જિંદગીમાં પહેલી વખત કોઈ છોકરીને ચાહવા લાગો એટલો ચાહ તમે તમારા કામ પ્રત્યે બતાવો”

  સરસ વાત. યાહોમ કરીને પડો, ફતેહ છે આગે.

  નયન

 7. ભાવના શુક્લ says:

  કામ પ્રત્યેની ચાહ જ નિષ્ઠા ઉપજાવે છે અને નિષ્ઠાપુર્વક કરેલુ કાર્ય આત્મવિશ્વાસનુ સિંચન ધીરે ધીરે કરે છે. આત્મવિશ્વાસ પુરો સિંચાઈ જાય પછી તો રસ્તો છે ને દોડનારા આપણે છીએ.
  એક સરસ લેખ.

 8. Devina says:

  very goodand an inspirational story

 9. Veena Dave, USA says:

  સરસ લેખ.

 10. કલ્પેશ says:

  ચર્ચગેટ સ્ટેશન પર બાંકડા પર લખેલુ એક વાક્ય. જેના બરાબર શબ્દો યાદ નથી પણ કાંઇ આ પ્રમાણે છે.

  આપણે પોતાનુ કાર્ય સિંહ પ્રમાણે કરવુ જોઇએ. નાનામા નાનો શિકાર હોય તો પણ સિંહ પોતાના પંજાનુ પુરુ જોર વાપરીને એને જમીનદોસ્ત કરી દે છે.

 11. namrata desai surat says:

  ખુબ સરસ લેખ.

 12. Sanjay says:

  ખુબ સરસ આર્તિકલ. મન શન્ત થઈ ગયુ.

 13. tushar mankad says:

  યા હોમ કરીને પડો ફતેહ છે આગળ.
  very nice story.

 14. madhav says:

  લેખ માટે એક વાકય યાદ આવે છે.

  દિલ દઈ ને કામ કરૉ , કેમ કે ત્યા હરિફાઈ ઓછી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.