- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

વાચકોની કૃતિઓ – સંકલિત

[1] સંવેદનશીલ ઋતુ : વરસાદ – અલ્પેશ ભલાળા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે અલ્પેશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. વ્યવસાયે તેઓ યુવા એન્જિનિયર હોવાની સાથે કલમથી સાહિત્યપ્રેમી છે. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : alpesh.bhalala@gmail.com ]

મારી મનગમતી, મનભાવતી મૌસમ છે: વરસાદ. મને સૌથી પજવતી ઘટનાનું નામ છે વરસાદ. અંદરથી માણવાનું મન થાય એવી ઋતુ એટલે વરસાદ. ચોમાસું એટલે બહારથી પલળવાની અને અંદરથી ભીંજાવાની ઋતુ. જેઓ પલળી શકતા નથી તેઓ પલાળી કેવી રીતે શકે ? મનતરબોળ થઇ ભીંજાઈ ના શકે તે બીજા કોઈ પાત્રને ભીંજવી પણ કેવી રીતે શકે ? વરસાદ એ કુદરતના આનંદની ચરમસીમા છે. કુદરત ઘેલી બની નાચી ઉઠે એને આપણે ‘વરસાદ’ કહેતા હોઈએ છીએ. એ વરસાદ આપણને નચાવી ના શકે તો તમે કાં તો જિંદગીભર નાચવાના આનંદથી વંચિત રહ્યા છો અથવા તો માત્ર બાહ્યદેખાડા ખાતર ઠૂમકા લીધા છે.

કાળાડિબાંગ કે ધોળા રૂની પુણી જેવા વાદળાનું સામ્રાજ્ય, લાંબા-ટૂંકા શેરડા વીંઝતી ઝબુક વીજળી, ગેબી ગડગડાટ, હિલોળતાં વૃક્ષો, પલળતી માટી, નીતરતા માણસો, મસ્તીમાં મહાલતા પક્ષીઓ, આકાશી રંગોળી મેઘધનુષ્ય, મોરના ટહુકા, પવનના સુર ને સુસવાટા, ઠંડીનો ચમકારો…. આટલા વાજિંત્રો કયા આલબમમાં જોયા છે તમે, જરા કહેશો મને ? મેં તો નથી જોયા ! અને આ વરસાદનું પાણી ! ધોધમાર, મુશળધાર, ઝાપટાભેર , ઝરમર ઝરમર, છાંટા, પછેડીભર, સાંબેલાધાર, એકરસ અને ક્યારેક ખાબકેય ખરો ! બારે મેહ ખાંગા!

વરસાદ માણવામાં જેઓને આનંદ મળતો નથી (કે સંકોચ અનુભવે છે), તેઓ જિંદગીથી ત્રસ્ત હોવાની શક્યતા ઘણી ઉંચી છે ! ઘણા ગેલેરીમાં ઊભા રહી હાથ લંબાવી મેહુલિયાને ઝીલી ભીંજાશ પામે છે. છત્રીની નીચે રહી પલળવાની મજા કંઈક ઔર હોય છે. તો ઘણા બારીમાંથી ડોકિયું કરી વર્ષાની ધાર નિહાળી લેતા હોય છે. ઘણાને મેઘતાંડવ સાંભળવું ગમે છે અને ખુલ્લા મિજાજના બેફામ લોકો છલાંગ મારી આભ નીચે આવી જાય છે ! માથામાંથી પાણી નીતરતા યુવાન તેની અસલી કેફિયતમાં કોસ્મેટીકરણથીય હજાર દરજે રૂડા દીસે છે. પાણીમાં છબછબીયા કરતા ટાબરિયાએ કયારેય તમારી પાસે ચોકલેટ માંગ્યાનું યાદ છે, ભેરુ ? આજકાલ મમ્મીઓ છોકરાવને સ્વીમીંગ પુલ કે વોટરપાર્ક લઇ જશે, પણ વરસાદમાં ‘છુટા’ નહિ મેલે !

વરસાદી બૂંદથી જમીન પર રચાતા વર્તુળોની ત્રિજ્યા કેવી લંબાતી જાય છે અને અંતે બીજા વર્તુળો જોડી કેવા એકમેકમાં મળી જાય છે ! ભીંજાઈ ગયેલી ઈમારતો કેવી ગભરુ દેખાઈ છે. રસ્તાઓ ક્ષુબ્ધ થઇ જાય છે અને રસ્તાઓ, ફોર અ ચેન્જ, વાહનોને બદલે પાણી વહન કરવાનું કામ બખૂબી નિભાવી લે છે. ક્યારેક વરસાદ ‘રહી જવા’ની રાહે ચાલકો વૃક્ષો નીચે ઉભા રહી ન્હાવાનું પસંદ કરે છે અને જયારે, જ્યારે એ મેઘરાજ્જા રહી જાય ત્યારે આ જ વૃક્ષો નીચેથી નીકળતા રાહદારીઓને પવનની ઝાપટથી ઓચિંતા પલાળે એ બોનસમાં ! કેવી અજબ ઘટના છે આ મેઘ-મહાશય-પતનની !

બીજા દિવસે વહેલી સવારે પીળી ચાદર ઓઢીને ચણવા આવતી ચકલીઓને કેમ ભૂલાય ? આખ્ખું વરસ પટારામાં સંઘરેલા રંગીન કપડા કાઢવાનું ચકીબેનનું ટાઈમ ટેબલ કેવું નિરાળું છે ! પહેલા વરસાદે જો કે હવે તો માટીની સોડમ યાદ કરવી પડે છે. નવી પેઢી આ રોમાંચક સુંગધ ક્યારેય પામશે ? બે-ત્રણ દિવસમાં ઉગી નીકળતા કુણા કુણા ઘાસ, તેની ચમક-નરમાશ અને પર્સનાલીટીનું તો પૂછવું જ શું ? ખાતરના ઢગલામાં માથું કાઢતા બિલાડીના ટોપ, ઉનાળામાં ખાધેલી કેરીના પુરાવા સમા આંબાના છોડ, ખેતરમાં માપપટ્ટી વગર એકસરખા અંતરે ચાસ પાડતા ખેડૂતો અને તેની આસપાસ ઘુમતી ટીટોડીઓ, કપાળે કંકુ ને મોમાં ગોળના ભેલા ખાતાં બળદો, મોરને મકાઈ અને કબૂતરને જુવાર, બાજરીના રોટલા ને અડદની દાળ ! લોખંડના સળિયાને ભીની માટીમાં ખુતાવવાની રમત ‘ખુતામણી’ની મજા વિડીયો ગેમ આપી શકે એમાં વિશ્વાસ નથી બેસતો. ખાલી ડબલું કેડે બાંધી કુવા કે તળાવમાં નહાવાની રોમાંચકતા સ્વીમીંગ પુલ ક્યારેય આપી શકે ? ચીકણી માટીમાં લાપસવાનો જલસો કદાચ લપસણીય નહિ કરાવી શકે. ખાલી કોથળાનો કુથલો ઓઢી શાળાએ જતાં બાળકો જોવા મળશે હવે ?

વાતાવરણમાં અસર થઇ જાય છે, રંગ આવી જાય છે. નદી-નાળાં, તળાવ, ખેતર, ખાડા બધા એકસાથે હર્ષોલ્લાસથી ઉભરાઈ ઉઠે છે. મોરના ટહુકા અને કળા બીજી કોઈ મોસમમાં આટલા મધુરાં અને લયબદ્ધ નથી હોતા. બતક અને ભેંસ વચ્ચે કેવી રમતો ચાલુ થઇ જાય છે ! અને પેલા દેડકાઓનું ડ્રાઉં ડ્રાઉં… આખી રાત ગુંજતું રહે છે. આ મોસમમાં બે યુવાહૃદય એકબીજાને સંભાર્યા વિના આ મેઘરાજાની મહેર માણી શકે ખરા ?! એટલે જ પેલા ગીતમાં કહ્યું છે ને કે :

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ !
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા !
.

[2] વરસાદે – વિજય રોહિત

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી વિજયભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vijaycrohit@gmail.com સંપર્ક કરી શકો છો.]

શહેરમાં વરસાદે કેવો ત્રાસ ફેલાય છે,
જ્યાં જુઓ ત્યાં ગંદકી ને ગટરો ઊભરાય છે

રસ્તાઓ ટૂટી જાય ને પડે છે ગાબડાં,
ગાડીમાં દોડનારા ધક્કા મારીને જાય છે.

કશું નક્કી નથી હોતું ક્યારે વરસશે એ,
તોયે છૂટવાના સમયે નક્કી દેખાય છે.

ભલે વરસે એ મૂશળધાર ને લાવે એ પૂર,
તોયે ભજિયાં તો વરસાદે જ ખવાય છે.

જરૂર હોય એટલો વરસે તો બધાને ગમે,
નહીં તો ચેનલે અને છાપે ચડાવાય છે.

સંસારચક્ર ચલાવવા જરૂરી છે એનું આગમન,
તોય વહુ ને વરસાદ કેમ વગોવાય છે ?
.

[3] આવવું પડશે – પ્રવીણ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : pravin91@ymail.com ]

તું છે તો તારે આવવું પડશે,
અમારું ગાડું ચલાવવું પડશે.

ઉપરથી જોયા કરે પૂરતું નથી,
સાદ પડે, નીચે ઉતરવું પડશે.

તારે રહેવા બનાવ્યું છે મંદિર,
તારે જ રહેવા આવવું પડશે.

છપ્પનભોગ નહીં પચે તને,
એંઠુંજૂંઠું જ પચાવવું પડશે.

ખુશ્બુ થઈ ફેલાયે નહીં ચાલે,
આ જીવન ય મહેકાવવું પડશે.

તારું નામ લઈ લખી છે કવિતા,
તારે જ સાંભળવા આવવું પડશે.