શિક્ષકનું સ્વરૂપ – વિમલા ઠકાર

[શિબિરો દ્વારા યુવાજાગૃતિનું કાર્ય કરનાર, ભૂદાન યાત્રાના યાત્રી, આબુમાં રહેતા અધ્યાત્મિક સાધિકા એવા ગાંધી વિચારના પથિક વિમલાતાઈ થોડા મહિનાઓ અગાઉ નિર્વાણ પામ્યાં. તેમના પવિત્ર જીવન, સમાજકાર્ય અને અધ્યાત્મિક અતિન્દ્રિય અનુભવો વિશે ઘણી બાબતો જાણવા જેવી છે. પ્રસ્તુત છે તેમના પુસ્તક ‘સમગ્રતાનું શિક્ષણ’માંથી એક મનનીય લેખ. ચાર આવૃત્તિ સાથેનું તેમનું આ પુસ્તક ખૂબ લોકપ્રિય રહ્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 055હવે એ તો જાહેર જ છે કે શિક્ષણનું કામ ધંધો બની ગયું છે. આપણી વ્યક્તિગત, પારિવારિક, આર્થિક આવશ્યકતાઓ અનિવાર્યતાઓ છે. એમાં આપણે બેઠા છીએ. આ સંદર્ભમાં આપને શું કરી શકીએ ? પહેલાં તો શિક્ષક હોવાનું ગૌરવ અને ગરિમા પોતના ચિત્તમાં પેદા કરવાં. જેને ક્યાંય નોકરી નથી મળતી એટલે એ સ્કૂલમાં જાય છે અને જેની ક્યાંય કોઈ યોગ્યતા નથી એ શિક્ષક બને છે, આવી શિક્ષક માટે આજની મનોદશા છે. પહેલાં તો શિક્ષક પંડિત કહેવાતા હતા. ત્યારે શિક્ષકના કામ માટે ગૌરવ અને ગરિમા જનતાના ચિત્તમાં હતાં. એ ગૌરવ-ગરિમા જનતાના ચિત્તમાં અને સમાજમાં પેદા કરવાની વાત તો પછી કરીશું.

પહેલાં આપણે પોતાનામાં હીનભાવ કે લઘુતાગ્રંથિ ન રાખીએ. આ લઘુતાગ્રંથિ તમારી સૃજનશક્તિને ખાઈ જશે. ધ્યેયનિષ્ઠા-મૂલ્યનિષ્ઠાની વાત આપણે પછી કરીશું. પરંતુ પહેલાં તો શિક્ષકના વ્યક્તિત્વમાં કોઈપણ પ્રકારની લઘુતાગ્રંથિ ન હોય, વિદ્યાર્થીની સામે વર્ગમાં જઈને ઊભા રહો તો પોતે સરકારી વેતન ખાનારો કોઈ વેતનભોગી વ્યક્તિ છે એવું તેમના ચિત્તમાં ન આવવું જોઈએ. આવું સમજશો તો હીનદશા નહિ રહે. જે કામ હું કરી રહ્યો છું કે કરી રહી છું એ એક ‘સાંસ્કૃતિક કામ’ છે. ભૂગોળ, ગણિત, ઈતિહાસ, પદાર્થવિજ્ઞાન ભણાવતાં હું મારી સંસ્કૃતિના મૂલ્યોનું તેજ મારા કામોમાં પ્રગટ કરીશ. અંદર પ્રાણોમાં આ પ્યાસ જાગે તો હીનતાનો ભાવ ચાલ્યો જશે. તમે અને હું વેતન લઈએ છીએ એમાં આપણો અપરાધ નથી. વ્યાપારી સંસ્કૃતિ (Commercial Civilization) આ દેશમાં થોપવામાં આવી છે. એના આપણે શિકાર છીએ. પરંતુ શિકાર બનીને પડ્યા રહીશું, રોતા રહીશું – દષ્ટિહીન બનીશું તો જે બાળકો સામે ઊભા રહીશું એ બાળકોનો શો અપરાધ ? એમના સામે આત્મસન્માન શૂન્ય, આત્મવિશ્વાસ શૂન્ય વ્યક્તિ ઊભી રહે અને એક કૉમ્પ્યુટરની માફક એ ભાષા, ભૂગોળ અને ગણિત શીખવાડે તો એ શિક્ષક નહિ હોય. Education is transmission of creativity. સૃજનશીલતાનું સંક્રમણ શિક્ષણમાં થાય છે. શિક્ષણમાં ઘણું બધું સંક્રાન્ત થાય છે.

પુસ્તકમાંથી વિદ્યાર્થીઓના મસ્તકમાં જાણકારી ભરવી એ શિક્ષણ નથી. એમાં તો જાણકારી-સૂચનાઓનું પ્રદાન થાય છે. આજના યુગમાં વધારેમાં વધારે જાણકારીની આવશ્યકતા છે એ હું જાણું છું. પરંતુ વર્ગમાં કોમ્પ્યુટર કે રોબોટ ઊભો કરવો અને એક મનુષ્યનું ત્યાં હોવું એમાં જમીન આસમાનનું અંતર છે. પહેલાં તો એક માનવ હોવાનું ગૌરવ હોય. માનવ કે જેની અંદર કેવળ મનન, ચિંતનની કે સાચા-જૂઠાને પારખવાની બુદ્ધિ જ નહિ, પરંતુ આત્મા નામનું એક તત્વ છે, શક્તિ છે, ઊર્જા છે. મનુષ્ય કેવળ બૌદ્ધિક કે સામાજિક પ્રાણી જ નથી. એની પાસે શરીર-મનથી પણ વધારે ઘણું બધું છે. ‘અમૃતસ્ય પુત્રા:’ અથવા તો ‘Children of immortality’ આ મારા શબ્દો નથી. આ સ્વામી વિવેકાનંદના શબ્દો છે.

પહેલાં તમારી અંદર અભારતીય સંસ્કૃતિનું જે બીજ પડ્યું છે તેની શોધ કરીને એને બહાર લાવવાનો પ્રયત્ન કરનારા મહાવીર બની જાઓ. તમારી નસનસમાં, રગરગમાં આત્મવિશ્વાસ ભરી દો. તમારું વ્યક્તિત્વ હૃષ્ટપુષ્ટ નહિ હોય, તમારા જીવનમાં કોઈ મૂલ્ય નિર્ધારિત કરીને તમે એને જીવશો નહિ, તો પછી કાંઈ કરી શકશો નહિ. પહેલાં મેં તમને આત્મવિશ્વાસની વાત કરી લઘુતાગ્રંથિને ફેંકી દેવાની વાત કરી. હવે આગળ ચાલીએ. વિદ્યાલય કે મહાવિદ્યાલયમાં મારે નિશ્ચિત સમય પર જવાનું હોય તો ત્યાં એક મિનિટ પણ મોડો નહિ પડું. ઘરમાં અણબનાવ થયો હોય, કલેશ થયો હોય તો એ કલેશપીડિત ચિત્તને લઈને વર્ગમાં નહિ જાઉં. તનાવ, ખેંચ, સંઘર્ષ પરિવારમાં થાય એ પીડા એ વેદના એ હતાશા એ નિરાશા અને એ કટુતાને હું ઘરમાં જ રાખીને જઈશ. વિદ્યાલયના વર્ગમાં હું કામ કરું છું એ તો મારી યજ્ઞભૂમિ છે. મારું મંદિર છે. એની પવિત્રતા હું પ્રાણપણે સાચવીશ. જેટલી પવિત્રતા આપણા ચિત્તમાં હશે એટલી કર્મમાં ઊતરશે. પવિત્રતાની ભાવનાથી કરેલું કર્મ યજ્ઞ બની જાય છે. આ રીતે વિદ્યાલયને આપણે પવિત્રતા પ્રદાન કરીશું. ઉદ્દંડ બાળકો, વિકૃત મનોવૃત્તિવાળા માતા-પિતાના સંતાન છે એની વાત તો આગળ વિચારીશું. શિક્ષક કેવો હોવો જોઈએ એ સવાલ છે. આપણે શું કરવું છે ?

બધાં લોકો ક્યાં આવી ફિકર કરે છે ? બધાં તો ઓછામાં ઓછો પરિશ્રમ કરીને વધારેમાં વધારે કમાય છે. અમે શા માટે મહેનત કરીએ ? વર્ગમાં અમે શું કરવા ભણાવીએ છીએ ? ઘેર Coaching કરીશું અને પૈસા લઈશું. આવું માનસ થઈ ગયું છે. એમાંથી આપણે તો બચી શકીએ. નફો કરનારું ધંધાકીય માનસ ન રહે એવું શિક્ષક નામનું એક પ્રાણી ભારતમાં ઊભું થાય. વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે ક્રાંતિની જીવંત ચિનગારી બની જાય. ક્રાંતિનાં બીજ પહેલાં દિમાગમાં રોપવા પડે છે પછી એ દિલમાં ઊતરે છે અને ત્યારપછી એ વ્યવહારમાં ઊતરે છે. મારે જે કોઈ વિષય ભણાવવાનો હોય એમાં હું વાંચ્યા વગર ન જાઉં. ઘરમાં બે-ત્રણ કલાક ટી.વી. જોતો બેસું અને જેવી તેવી રીતે કેટલીક નોટ્સ લઈને નીકળી પડું એવું ન બને. આજની વ્યવસ્થામાં મને જે વેતન મળે છે એને હું ન્યાય આપીશ. એક રૂપિયાનું અન્ન મફતમાં નથી લેવું. એકવાર પરિશ્રમ વિના લેવાની આદત પડી જાય પછી ભિખારીનું મન, મફત લેનારું મન, બની જાય છે. આવા મનુષ્યના વ્યક્તિત્વમાં આત્મસન્માનના તેજ-ઓજ-વીર્ય રહેતાં નથી. જે વિષય ભણાવવાનો છે તે ઘેર બરાબર સમય કાઢીને વાંચીશ. એના સંદર્ભનાં પુસ્તકો વાંચીશ, આવું આપણા મનમાં આવવું જોઈએ. આપણું કર્મ સમૃદ્ધ બનાવો, ખંડિત કર્મ નહિ. જેવી તેવી રીતે કર્યું, અન્યમનસ્કતાથી કર્યું એવું નહિ. ચાર-છ કલાક તમે વિદ્યાલયમાં રહો છો એ સમયમાં તમારા વ્યક્તિત્વનું પરિણામ વાતાવરણ પર થશે. ત્યાંના પુદ્દગલો પર થશે. તમારી ચિત્તવૃત્તિથી, સાત્વિકતા કે કુટિલતાથી વિદ્યાલયમાં વાતાવરણ બને છે.

નદી પાસે બેસો છો તો જળની શીતળતા સ્પર્શ કરે છે. બગીચામાં બેસો છો તો ફૂલની સુગંધ સ્પર્શ કરે છે. તમે અને હું તો જીવતા જાગતા માણસો છીએ. આપણી અંદર માનવતાની અગ્નિજ્યોત હોય, આત્મબળનું ભાન હોય, આત્મવિશ્વાસ હોય તો તમારી અને મારી સાથે બેસનારાઓમાં એ ઊર્જા સંક્રાત થયા વગર કેવી રીતે રહે ? પછી શું મજાલ છે બાળકોની કે એ તમારી મજાક કરે ? પરંતુ શિક્ષકો જ વિદ્યાર્થીઓને લઈને હોટેલમાં ખાવા જાય અને એમની સાથે આપણે જેને સસ્તી-બજારૂ વાતો કહીએ છીએ તે કરે એવી વ્યક્તિ શિક્ષક કહેવડાવવા માટે લાયક રહેતી નથી. ‘સા વિદ્યા યા વિમુક્તયે’ આ એક વ્યાખ્યા છે. જે વિદ્યાનું દાન કરે છે જે વિદ્યા સંક્રાન્ત કરે છે તે આચાર્ય છે. ‘આચરણાત આચાર્ય:’

મારી બીજી દરખાસ્ત એ છે કે જે પ્રારબ્ધ પ્રાપ્ત છે કે પ્રારબ્ધ પ્રાપ્ત પરિસ્થિતિમાં જે કામ આપણા ભાગે આવ્યું હોય પછી તે નોકરી હોય કે બીજું હોય એ કામ ન્યાયપૂર્વક, પ્રેમથી કરીએ. મન લગાવ્યા વગર બેહોશીમાં કે મૂર્છામાં નહિ, સાવધાન બનીને કરીએ. આ બીજી વાત થઈ. હવે ત્રીજો મુદ્દો તમારી સમક્ષ રાખું. પહેલાં તો ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ’ શિખવાડતા હતા. પરંતુ આજે આપણે શિક્ષક બનવા માંગીએ છીએ તો આપણી સામે જે વિદ્યાર્થી છે એ ‘વિદ્યાર્થી દેવો ભવ’. સામાજિક પરિસ્થિતિ અથવા આ બાળકોના માતાપિતાની કમજોરીઓ કે વિકૃતિઓની સજા બાળકોને કરવાની નથી. જે વર્ગમાં તમે પગ મૂકો, ત્યાં જે વિદ્યાર્થી હોય તેના માટે તમારા ચિત્તમાં પ્યાર તો હોય જ પણ સાથે સાથે આદર પણ હોય. પછી તે પંદર, વીસ કે ચાલીસ હોય. ‘બાલ દેવો ભવ, વિદ્યાર્થી દેવો ભવ’. મારી તો ઉલટી ગંગા વહે છે ! હું આ એટલા માટે કહી રહી છું કે આજના સમાજમાં જે નાનાં નાનાં બાળકોને આપણા જમાનામાં મળતું હતું તેવું શ્રદ્ધામય ચિત્તનું આનુવંશિક વરદાન મળતું નથી. એમના માતાપિતા તથા દાદા દાદીના જીવનમાં શ્રદ્ધા નામનું જે તત્વ હતું તે ક્ષીણ થયું છે, નામશેષ થઈ રહ્યું છે. એમની પાસે તર્ક છે, એમની પાસે Smartness છે, હોંશિયારી છે પણ શ્રદ્ધા નથી. એ તમારા કહેવાથી જ માની લેશે એવું નથી. ઘરમાં માતાપિતાનું સન્માન રાખવાની એમને ખબર નથી. મોટાઓ સાથે કેવો વ્યવહાર કરવો એના સંસ્કાર કોઈએ આપ્યા નથી. ખોટા ઢંગથી એમને લાડ લડાવાય છે, એમની આળપંપાળ થાય છે. આઝાદીના નામે એમને સંસ્કારહીન રાખવામાં આવ્યા છે. તમારી પાસે આ જે બાળકો પચાસ મિનિટ માટે આવ્યા છે એમના બધાંના જીવનના સંદર્ભને ધ્યાનમાં રાખીને તમારે આદર પ્યાર અને સહનશીલતાથી એમની સામે આવવું પડશે. નહિ તો આ બાળકો એટલા ચપળ-ચંચળ છે કે સંસ્કાર ન હોવાને કારણે કંઈ પણ બોલી નાખશે, અપમાન પણ કરશે. ખબર નથી કે ક્યારે કેવો વ્યવહાર કરશે. દસ અગિયાર વર્ષની ઉંમરે એમનામાં ઉપદ્રવ કરવાની સૂઝ પણ આવી જાય છે. છ સાત વર્ષ સુધીના બાળકોનું મન અલગ પ્રકારનું અને નવ વર્ષ પછીના બાળકોનું મન અલગ પ્રકારનું હોય છે. ઉપદ્રવ કરવાની શક્તિ, એમની સૂઝ એકબીજાને મળવું, તોફાન મસ્તી કરવી, જીવનનું આ ઘણું રોચક પર્વ છે. એટલે જ્યારે તમે વર્ગમાં બેસશો અને તમારા ચિત્તમાં એમના પ્રત્યે આદર અને સહનશીલતા હશે તો ચાર દિવસમાં નહિ તો એક મહિનામાં બાળકો પર એનું પરિણામ થયા વગર નહિ રહે. જે મજાક કરવા, સતાવવા, તકલીફ આપવા આવ્યા હતા એ જ વિદ્યાર્થી તમારી તરફ સ્નેહ અને આદરથી જોવા લાગશે.

આપણું માધ્યમ તો વાણી જ છે. એ વાણીમાં સત્યાચારનું તેજ ન હોય તો બાળક શું ઝીલશે ? માટે આપણે નાનકડું વ્રત લઈએ કે આપણે મિથ્યાચાર નહીં કરીએ. ડરને કારણે, કોઈને ખુશ કરવા માટે જૂઠું નહિ બોલીએ. આપણે વક્તા બનવું છે ‘અપ્રિયસ્ય ચ પથ્યસ્ય’. આ માટે નિર્ભય અને સાહસિક બનવું પડશે. આ એક સાંસ્કૃતિક યુદ્ધભૂમિ છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આપણે ઊભા છીએ. બધા જ નાગરિકોને આ લાગુ પડે છે. પરંતુ તમે અને હું શિક્ષણ માટે વિચારવા બેઠા છીએ એટલે શિક્ષકોની વાત કરું છું. માતા-પિતાની વાત કરું છું. માતા-પિતાનું અવિવેકી અને સંયમહીન ઉપભોગપરાયણ જીવન, આત્મપ્રશંસા અને પરનિંદા કરવાની આદતો બાળકો પર અસર કરે જ છે. એવી રીતે શિક્ષકોનો વ્યવહાર પણ પરિણામ કરે છે. જેવી રીતે શારીરિક સ્વચ્છતા કરીએ છીએ એવી રીતે બૌદ્ધિક શુદ્ધિકરણ સત્યાચરણથી થાય છે. ‘વસ્ત્રપૂતમ પિબેત જલમ’. કહે છે કે પાણી વસ્ત્રથી ગાળીને શુદ્ધ કરીને પીઓ. એવી જ રીતે ‘સત્યપૂતમ ઉચ્ચરેત શબ્દ’. સત્યથી વાણીનું પ્રક્ષાલન કરીને શબ્દ બોલો. ક્રાંતિ ઈચ્છો છો ને ? દેશમાં નૈતિક મૂલ્યોનું જે પતન થયું છે એમાંથી ઊઠવા માંગીએ તો પહેલાં પોતે એમાંથી ઊઠવું પડશે ને ? કોઈપણ માળખામાં કે સંસ્થામાં આપણે બેઠા હોઈએ, ચિત્તમાં શાંતિ અને સંતોષ હોય તો એનું એક વાતાવરણ સર્જાય છે. અશાંત ચિત્ત સંઘર્ષ કરી શકતું નથી. વિભાજીત વ્યક્તિત્વ નવું સૃજન કરી શકતું નથી. તમે કહેશો કે બહેન વિષયને ક્યાંથી ક્યાં લઈ ગયા ? પરંતુ હું અભાગી દેશની ગંભીર પરિસ્થિતિને ભૂલી શકતી નથી. એના સંદર્ભમાં તમે અને હું બેઠા છીએ. જીવન જાણે સોદાબાજીનું Counter બની ગયું છે. રાજનીતિમાં, અર્થનીતિમાં, ધર્મનીતિમાં અને શિક્ષણના ક્ષેત્રમાં ખરીદવું, વેચવું, સોદો કરવો આ બધું સ્વાભાવિક બની ગયું છે. આ જંજાળમાં તમે અને હું પંચાગ્નિ સાધના કરવા બેઠા છીએ.

આપણે પહેલાં મનુષ્ય બનીએ. પશુમાં અને મનુષ્યમાં ફરક છે. પશુની સામે કોઈ લીલું ઘાસ લઈને જાય તો પશુ એની પાછળ જશે. પરંતુ મનુષ્યમાં તો એ જોવાની શક્તિ છે. એ સમજે છે કે આ કોણ લાવ્યું છે. કેવી રીતે લાવ્યું છે. શા માટે લાવ્યું છે. એ વિચારી શકે છે પણ વિકાસની અવનતિને કારણે આપણે એવા બની ગયા છીએ કે કોઈ આપણી સામે એક કે બે લાખની થેલી લઈને આવે તો આપણે એની હા માં હા કહીએ છીએ. આમ, પોતે જ પોતાનું લીલામ બોલે છે. કેવળ ગામમાં જ નહિ, બધે જ આ છે. રૂપિયાની થેલી જોઈને એની પાછળ જનારા આપણને એ કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યું એ જોવાની ફુરસદ જ નથી ! એ આપણા માટે સુરક્ષાનું પ્રતીક બની ગયું છે. ચિત્ત શાંતિ, સંતોષનું કે માનવતાનું પ્રતીક નથી રહેતું. સુખ-સુવિધા-સુરક્ષાના નામે આપણે માનવ મટી જવાનું પસંદ કરીએ છીએ. આ દેશમાં એક એવી નાનકડી જમાત ઊભી થાય જે કહે કે, ‘અમે અમારી માનવતાનું રાજીનામું આપવા માગતા નથી ! મનન-ચિંતન કરીને જે યોગ્ય લાગશે તે કરીશું, તે જ અપનાવીશું અને એ જ દીક્ષા અમારી પાસે શીખવા આવનારા બાળકોને આપીશું લે ‘મનુષ્ય બનો !’ મનુષ્યદેહમાં મનુષ્યતાનો આશય આપણે પોતે જ એમાં ભરીએ.’

મનુષ્યમાં પશુસુલભ ક્ષુધા, તૃષા, કામવિકાર અને નિદ્રા છે. એની વ્યવસ્થા તો આપણે કરીશું. મનુષ્ય પાસે ભૂતકાળના સંસ્કાર છે. સંપૂર્ણ માનવજાતિના સંસ્કારો છે. આ સંસ્કારોને ઓળખી લઈને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈશું. પરંતુ આટલામાં જ મનુષ્યતા સમાપ્ત થતી નથી. મનુષ્યમાં બીજું પણ કાંઈક છે. જેને તમે પ્રેમ કહો છો, જેને તમે કરુણા કહો છો. આ શક્તિ મનુષ્યમાં ક્યાંથી આવી ? મનુષ્યના શરીરમાં મનબુદ્ધિથી પરે કોઈ તત્વ હશે ત્યારે જ આવી. મન આસક્ત થઈ શકે છે. બુદ્ધિ આવેશમાં આવી શકે છે. પરંતુ પ્રેમ નામનું જે તત્વ છે, એ તો કેવળ આત્માની ઊર્જા છે. એ આત્મબળ છે. અપબલ, તપબલ ઔર બાહુબલ ચોથો બલ હૈ રામ. આ ત્રણ બળથી અલગ કોઈ બળ છે જેને ભક્તોએ ‘રામબલ’ કહ્યું. આ આત્મબળ છે. પ્રેમ અને કરુણા એ આત્મબળની અભિવ્યક્તિ છે. એનો અર્થ એટલો જ કે મનુષ્ય પાસે એવું કોઈ તત્વ છે, જેને આત્મા કહે છે. આજના પદાર્થવિજ્ઞાનવેત્તાઓ એને Energy of Supreme intelligence કહે છે. આપણે ત્યાં એને ‘સંવિદ ચિતિશક્તિ’, ‘આત્મા’ કહેવામાં આવ્યો. બ્રહ્માંડવ્યાપ્ત છે એને પરમાત્મા કહ્યો અને દેહમાં વ્યાપ્ત છે એને આત્મા કહ્યો છે. તમારા અને મારા દેહમાં જે છે તે હોવાપણાનો અર્ક છે, સાર છે, આપણું સત્વ એમાં છે. પશુતાને સમજીને એનાથી મુક્ત રહીએ. તે આપણા પર સવાર ન થાય એ રીતે એને વશમાં રાખીએ. ભૂતકાળના સંસ્કારોનો ઉપયોગ કરીએ પરંતુ એને આપણા પર સવાર થવા દઈએ નહિ. આ શક્તિ મનુષ્ય પોતાનામાં વિકસિત કરી શકે છે. એને અધ્યાત્મ કહો, આત્મવિદ્યા કહો કે જે કહેવું હોય તે કહો. મારા મિત્રો, આપણે શિક્ષણપ્રેમી લોકો પહેલાં મનુષ્ય બનવાનો પુરુષાર્થ કરીએ અને મનુષ્ય બની રહેવાનું પ્રણ કરીએ.

[કુલ પાન : 21. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : સંતકૃપા, 103, રત્નમ ટાવર, ચીફ જસ્ટીસ બંગલા પાસે, જજીસ બંગલા રોડ, બોડકદેવ, અમદાવાદ-380054.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous થોડાંક બહાર નીકળીએ તો…. – જયવતી કાજી
ગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્રિવેદી Next »   

9 પ્રતિભાવો : શિક્ષકનું સ્વરૂપ – વિમલા ઠકાર

 1. ઉમદા વિચારોથી સિંચીત આ પુસ્તિકા દરેક શિક્ષકે વસાવવા જેવી .

 2. Jagat Dave says:

  ઉત્તમ….દરેક શિક્ષકો એ વાંચી ને અમલમાં ઉતારવા જેવું.

  શિક્ષકનું કામ છે સત્ય અને ગ્યાન ની સ્થાપના કરવાનું. તેથી જ વૈદિક કાળમાં ગુરૂ શિષ્ય પરંપરા તેની ચરમસીમા પર હતી અને ગુરૂઓ ઓશિયાળા ન્હોતાં. આપણે આપણી સંસ્કૃતિમાં થી ક્યારે શિખીશું?

  ‘પગારદાર’ ક્લાર્ક હોય શકે….’પગારદાર’ શિક્ષક ન હોય શકે….ગુરૂને દક્ષિણા હોય શકે. અહીં……વાચકોને વિનંતી કે…….દક્ષિણા નો અર્થ પ્રવર્તમાન હલકાં સ્વરૂપમાં ન લેવો અને તેનાં મૂળ અર્થ અને તેની સાથે સંકળાયેલા આદર ને ધ્યાન માં રાખવું.

  • જગતભાઈ

   ગઈ કાલે તમે ભાષા શુધ્ધિનું અભિયાન છેડ્યું હતું અને આજે તમે તમારી કોમેંટમાં અંગ્રેજી શબ્દ…કલાર્કનો પ્રયોગ કર્યો.

   મને તેમાં બિલકુલ વાંધો નથી પરંતુ માફ કરશો તમે જ તમારા ભાષા શુધ્ધિના વિચારોને વળગી રહી ના શક્યા.
   તમે કારકુન શબ્દ વાપરી શક્યા હોત.
   આજે રોજિંદા વપરાશમાં અંગેજી શબ્દોનો ઉપયોગ સહજ થઈ ગયો છે અને તેના વપરાશથી ગુજરાતી ભાષા નબળી પડી જશે તેમ માનવું અવાસ્તવિક છે. આપણી ગુજરાતી ભાષા એટલી હદે તો નબળી નથી જ.

   હા જેમ બને તેમ સભાન પ્રયાસ કરવા જોઈએ.

   • Jagat Dave says:

    જયભાઈ,

    તમારીવાત ખરી છે….પણ મારાં ગુજરાતી પ્રેમમાં મૂઢતા નથી…..પણ તેને તમે સમજી ન શક્યા….અને તેને તમારા પરના અંગત પ્રહાર તરીકે માની લીધો…..તેનો મને રંજ જરૂર છે અને જો એવું થયું હોય તો તેમાં મારો વાંક છે અને તેના માટે તમારી માફી ચાહું છુ. મારા અભિપ્રાયો વાંચશો તો તમને ખ્યાલ આવશે કે મે ક્યાંય હઠાગ્રહ નથી રાખ્યો ફ્કત સુચન કર્યુ છે જે શબ્દ્શઃ નીચે મુજબ છે.

    “હું એ જાણું છું કે આજ ના સમયમાં ઘણાં શબ્દો એવાં છે કે જેનું ગુજરાતી રુપાંતરણ શકય નથી……પણ મારો એવો અંગત અભિપ્રાય છે કે આપણે ગુજરાતીઓએ આપણી ભાષાને લખતી અને બોલતી વખતે જાગૃત રહીને પણ વધુ ને વધુ આપણી ભાષાના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ……ભાષાને એક દર્દીની જેમ જીવાડવા માટે નહીં પણ ધબકતી રાખવા માટે……અહીં હું દંભ નહી કરું……હું પણ ધણીવાર ભુલો કરૂં જ છું પરંતુ પ્રમાણિક પ્રયત્નો પણ સાથે સાથે ચાલુ જ છે.”

    મારૂ ધ્યાન દોરવા બદલ ફરી એક વાર આભાર. મારો પ્રયત્ન આપણા શબ્દોને જીવતાં રાખવા અને લોકજીભે ફરી રમતાં કરવા માટેનો છે…..ભાષાની સુંદરતામાં વધારો કરવા માટેનો છે.

    અસ્તુ.

 3. It’s realy nice story & nice thought.

  Thanks.

 4. સંતોષ એકાંડે says:

  “શિક્ષકોને તેમના આચરણ અંગે સચોટ સભાનતા સમર્પતો લેખ.
  પરંતુ આ જગ્યાએ હું તમામ પ્રતિભાવકો નુ ધ્યાન દોરવાનો નમ્ર પ્રયાસ કરવાનો પ્રયત્ન કરુછું.
  આજનો તમામ માનવ સમાજ બે જ સ્તંભો ને અનુસરે છે. ક્યાંક તો તે શિક્ષક છે, કે પછી વિદ્યાર્થી.
  ક્યાંકતો વિદ્યા પામવી, પછી તે ” જ્ઞાનની ભૂખ હોય, કે પછી નાણા ની” તે અંગે હોઈ શકે.
  અથવા તો પોતાની પાસે નુ જ્ઞાન કોઈને આપવાની…પછીતે સુકા”જે હોય, કે પછી વધુ પડતુ..
  જેને આપણે “દોઢડહાપણ” માં પણ ખપાવી શકીએ. વિધાર્થી ગણાતી વ્યક્તિ પાસે પણ આપણે ગુરુજનોએ
  પામવા જેવી ઘણી વિદ્યાઓ સંઘરાયેલી હોઈ શકે છે…
  માટે આજનો આ અદભૂત લેખ ફક્ત શિક્ષકો ની સંપતિ ન રહેતા તમામ ગુણિજનો માટેનો બની રહેશે.
  જય ભાઈ, જગતભાઈ, આપનુ “ભાષા (માટૅનુ) યુધ્ધ ” હવે અંત તરફ પ્રયાણ કરે તો તે લોકભોગ્ય રહેશે.
  આપના બન્નેના અભિપ્રાયો ખુબજ સમજપુર્વકના તથા સુઝબુઝ વાળા હોય છે.હું ખૂબજ ધ્યાનથી વાંચુ છુ.
  અને એટલેજ આપને આ વિધાન કહેવાની ધૃષ્ટતા કરવાની રજા લઉછુ.
  ગુજરાતી ભાષામાં મારી કાંઈ ભૂલચૂક થઈ હોય, તો સુધારીને વાંચશો..
  વંદે માતરમ્

 5. ભાવના શુક્લ says:

  આપણું માધ્યમ તો વાણી જ છે. એ વાણીમાં સત્યાચારનું તેજ ન હોય તો બાળક શું ઝીલશે ?
  …………………………………………………….
  ક્યારેક દિવા જેવી સ્પષ્ટ વાત આમ જ અચાનક વાચવામા આવી જાય છે.

 6. Sandhya Bhatt says:

  આજે આવા સુંદર વિચારો આપનારાઓની સંખ્યા ઘટી રહી છે, ત્યારે સમયસર આ લેખ આપવા માટે આભાર.

 7. nayan panchal says:

  ડો. અબ્દુલ કલામે નાનપણમાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં આગળ વધવાનુ નક્કી કરી લીધુ હતુ. બાળપણમાં તેમના શિક્ષક તેમને રામેશ્વરના દરિયા કિનારે લઈ જતા હતા અને ત્યાં પંખીઓ કેવી રીતે ઉડે છે તે સમજાવતા હતા. બાળકો પણ પંખીઓ ઉડતી વખતે, પોતાનુ ગતિ-નિયંત્રણ કેવી રીતે કરે તે ધ્યાનથી અવલોકતા હતા.

  સચિને જ્યારે કોચ રમાકાંત આચરેકર પાસેથી બેટિંગ શીખતા હતા, ત્યારે આચરેકર સાહેબ સ્ટમ્પ ઉપર ૧રૂ. નો સિક્કો મુકતા. જે બોલર સચીનને આઊટ કરે તેને તે સિક્કો મળતો. જો સચિને આઊટ ન થાય તો તે સિક્કો સચીનને મળતો. આ રીતે સચીને ઘણા બધા સિક્કા ભેગા કર્યા હતા.

  સરસ લેખ,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.