સમજણનો સૂરજ – દુર્ગેશ ઓઝા

[‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2009માંથી સાભાર.]

સુકેતુએ લખેલા પચાસ પૈસાના નાનકડા પોસ્ટકાર્ડે બહુ મોટો ઝંઝાવાત ફેલાવી દીધો હતો. પ્રભાબહેન આમ તો બે દિવસથી અંદર ને અંદર આ વાતનો ધુંધવાટ સંઘરીને બેઠાં હતાં. એમાં પડોશી ચંપાબહેનનું આવવું… ને તણખો ભડકામાં પલટાવા લાગ્યો. પ્રભાકાકીને તો જાણે દોડવું’તું ને ઢાળ મળ્યો.

‘લે બોલ….!’ પોતે હજાર વખત વારે-તહેવારે, ઘણા પ્રસંગોમાં સપરિવાર ટપકી પડ્યા છે ને હવે પોતાના ઘેર આવડો મોટો લગ્ન-પ્રસંગ ને એમાં કાકા-કાકીની બાદબાકી !! આવું હળાહળ અપમાન ! મારો સુકેતુ, મારો સુકેતુ કહેતાં તમારી તો જીભ નહોતી થાકતી એ સુકેતુએ તમારી જીભ જ જાણે કાપી લીધી ! તમને એણે આપ્યું શું ? જશને બદલે જોડાં ! અરે આવા ભત્રીજા હોય તોય શું, ને ન હોય તોય શું ? પ્રભાબહેન, તમારાં દેરાણી તો ભારે પાકાં ! સાદાઈના નામે આવડી મોટી છેતરપિંડી ! તમે જેની સાથે સંસાર માંડ્યો છે એણે ભાઈ-ભાભીને ભત્રીજાને બે શબ્દો તો કહેવા જ જોઈએ. આ તો તમે છો કે આવું અપમાન સહન કરી લ્યો છો. હદ છે તમને. તમારી જગ્યાએ હું હોઉં ને તો…. તો…. અરે… બળ્યું, તમારી વાતમાં હું મૂળ કામ તો ભૂલી જ ગઈ. મારે બરાબર ટાણે જ બાક્સ ખલાસ થઈ ગઈ. દુકાનો હજી ખૂલી નથી. દીવાસળીની એક પેટી આપો એટલે મારો ચૂલો સળગે. બળ્યું આ ગૅસ લાઈટર પણ ટાણે જ બગડ્યું. હવે ઝટ લાવો દીવાસળી એટલે….’

ચંપાબહેન આમ દીવાસળી ‘ચાંપીને’ દીવાસળી લઈને ગયાં. કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે કે કશું લાગતુંવળગતું ન હોય તો પણ કોઈના મીઠા સંબંધમાં મીઠું મરચું ભભરાવી ફાટફૂટ પડાવી રાજી થાય. કોઈ પારકી ઘડીના જાગતલ હોય છે, તો કોઈ પારકી પંચાતમાં પાવરધા. ‘પોતે કરેલું ઉબાડિયું બરાબર સળગ્યું છે.’ એ વાતે પોરસાઈને, કોઈને દુ:ખી કરીને ખુશ થાય. ઉશ્કેરણી અને કાનભંભેરણી એ તો ચંપાબહેનનો ડાબા હાથનો ખેલ, જે ખરેખર મનનો મેલ હતો. કહે છે ને કે, ‘પહેલો સગો પાડોશી’ પણ ચંપાબહેન માટે એમ કહી શકાય કે ‘પહેલો દગો પાડોશી.’

પ્રભાકાકી ફરી એક વાર ભત્રીજાનો પત્ર ઉકળાટભેર વાંચી રહ્યાં. ‘પૂ. કાકા તથા પૂ.કાકી, સર્વે, પૂ. બા બાપુજીના કહેવાથી આ કાગળ પાઠવું છું. સાદર પ્રણામ. આપ સર્વેની કૃપાથી આવતા અઠવાડિયે પંદરમી ઓગસ્ટના રોજ તમારો ભત્રીજો ઘોડે ચડવાનો છે. ચીલો ચાતરી આ વખતે સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું છે એટલે તમને ત્યાં રૂબરૂ તો ત્યારે મળવાનું નહિ બને પણ તમારા આશીર્વાદ તો હંમેશાં મારી સાથે હોય જ…. તોય આ પત્ર મળ્યે વળતી ટપાલે આપના આશીર્વાદ લેવા જરૂર આવી જશું. લગ્ન એ તો બે આત્માનું મિલન છે. એમાં ખોટા ખર્ચા કે ભપકા શાને કરવા ? બા બાપુજી સૌને યાદ પાઠવે છે. મારી ઈચ્છા મુજબ આ વખતે ભેટ સોગાદ-ચાંલ્લાની પ્રથા બંધ રાખી છે. આપના આશિષ મળે એમાં બધું મળી ગયું. સૌને મારી યાદ. કવિતા ‘કવિતા; કરતી હશે.
લિ. આપનો સુકેતુ !’

‘લ્યો બોલો ! આટઆટલો વખત બધે ઠેકાણે મોટે ઉપાડે મજાનાં બનીઠની મ્હાલી આવ્યા, ને પોતાને ઘેર પ્રસંગ આવતાં જ બેસી ગ્યા પાણીમાં ! કાકી-કાકીને બોલાવ્યાં હોત તો કાંઈ ખર્ચાના ખાડામાં થોડા ઊતરી જાત ! લગ્ન બે આત્માનું મિલન છે. છેક હવે યાદ આવ્યું !?’ પ્રભાકાકીએ મનોમન સંભળાવ્યું ને પછી તો આખું ઘર માથે લીધું. ગઈકાલે પતિ સુબોધરાયે શાંત ચિત્તે બધું સમજાવ્યું હતું એ બધું વ્યર્થ સાબિત થયું. ઉશ્કેરાટમાં પ્રભાબહેન કાગળ લખવા બેઠાં ને મથાળુ બાંધ્યું, ‘અશુભ’… ‘તમારા પચાસ પૈસાના પોસ્ટકાર્ડનો જવાબ પણ પોસ્ટકાર્ડથી જ વાળું છું. તમે સાદાઈના નામે કાકા-કાકીનો સાવ કાંકરો જ કાઢી નાખ્યો. ગામનાં સગાં તો તમારે ત્યાં આવવાનાં જ. એ તમને નહિ નડે કેમ ? આજથી અમારા-તમારા સંબંધો પૂરા થાય છે. જેને પોતાનો ગણ્યો એણે જ…..!! આશીર્વાદ લેવા મારા ઘરમાં ટાંટિયો મૂકતો નહીં. ખબરદાર જો ઘરમાં આવ્યો છે તો. અમારા બધા પ્રસંગોમાં લાટસાહેબની જેમ મજા કરી. અમે મૂરખ છીએ કે બધું લૂંટાવી દીધું. હવે વારો આવતાં દુનિયાદારી ભૂલી જાવ છો ! આજથી મેં તમારા નામનું નાહી નાખ્યું છે. કાકીને દૂભવનારનું સત્યનાશ……’

પ્રભાબહેને બીજું કેટલુંક ન લખવાનું લખી પત્ર પૂરો કર્યો, ને દીકરી કવિતાને ટપાલ નાખવા કડકાઈથી આજ્ઞા કરી. કવિતા ગઈ ને ભીની આંખે પાછી ફરી. પોસ્ટનો ડબ્બો નજીકમાં જ હતો. કવિતાનાં આંસુને અવગણી પ્રભાબહેને લાગલું જ પૂછ્યું….. ‘ટપાલ નાખી આવી કે પછી ?’
‘મમ્મી, આ તેં ઠીક નથી કર્યું ! મારા ભાઈ સુકેતુની લાગણી અને એના કહેવાનો અર્થ સમજવામાં તેં મોટી ભૂલ….’
‘કવિતા….. પહેલાં મારી વાતનો જવાબ આપ. તેં ડબ્બામાં ટપાલ નાખી કે નહિ ?’
‘હા… હા… નાખી નાખી નાખી. હવે હાશ થઈને ? કાળજે ટાઢક વળીને ?’ કવિતા આંસુ ખાળતાં સરોષ બોલી રહી ને આ બૂમરાણ સાંભળી સુબોધરાય દોડી આવ્યા. પત્નીએ પોતે જે કર્યું તે સાચું ઠરાવવાની કોશિશ કરી. કવિતાએ ટપાલની રજેરજ વિગત કહી સંભળાવી ને સુબોધરાય સ્તબ્ધ !!
‘પ્રભા, તેં આ શું કર્યું ? તને ખબર છે કે ભાઈ-ભાભીને, સુકેતુને તારા પ્રત્યે કેવું ?! ને કવિતા તને તો ખબર હતી તોય તેં એ ટપાલ મમ્મીની બીકથી…??!!’

પત્નીએ પતિ સામે નજર કરતાં જાણે બહુ મોટું કામ કર્યું હોય એમ શબ્દબાણ છોડ્યાં.
‘એને શું ખબર છે ? ખબર તો મેં બધાની લઈ નાખી છે. બધાને એમ કે આ બધા ભોળા છે તે ચલાવી લેશે…. પણ મેંય ઝાઝી દીવાળી જોઈ છે. મને બધી ખબર છે…..’
‘મમ્મી, તને કંઈ જ ખબર નથી….. મારે તને નહોતું કહેવું કારણ કે સુકેતુએ મને…..! પણ હવે લે આ સુકેતુનો કાગળ વાંચ, જે એણે મારા પર લખ્યો છે. આ અંગે એણે મારી સાથે રૂબરૂ વાત પણ કરી હતી….’ કવિતાએ આખી વાતનો સાર લાગણીભર્યા સ્વરે રજૂ કર્યો….. ને પ્રભાકાકી ભત્રીજા સુકેતુનો કાગળ પસ્તાવાના ભાવ સાથે વાંચી રહ્યાં. કવિતાને ઉદ્દેશીને આ કાગળ લખાયેલો હતો. કવિતાના ઉચ્ચ અભ્યાસ માટેની તીવ્ર ઈચ્છા ઘરની આર્થિક સ્થિતિ જોતાં પૂરી થઈ શકે તેમ નહોતી. સુકેતુને મન તો કવિતા સગીબહેન જ હતી. તેણે નક્કી કર્યું હતંુ કે લગ્નમાં ધામધૂમ કરવા પાછળ ખર્ચ કરવા કરતાં તેનો ઉપયોગ કવિતા માટે કરવો. તેણે પત્રમાં કવિતાને લખેલું :
‘કવિતા, લગ્નનો ખર્ચ ન કરવાથી જે બચત થશે તે તારી ફીમાં કામ લાગશે. જો તું ના પાડીશ કે એક શબ્દ પણ વિરોધમાં બોલીશ તો તારી ‘કિટ્ટા’ કરીશ; નાનપણની જેમ ખોટેખોટી નહિ, પણ સાચેસાચી. તને મારા સમ છે. ને આમેય મારી ઈચ્છા સાદાઈથી જ લગ્ન કરવાની હતી. ફી ઉપરાંત વધારાની રકમ બચશે તેમાંથી ઘરમાં ખૂટતી વસ્તુ વસાવી લઈશ ને સાથે સાથે થોડી રકમ જરૂરતમંદ અનાથ, ગરીબ વગેરે માટે ફાળવી મારે આ લગ્નમાં ઘણાના આશીર્વાદ મેળવવા છે. સગાંવહાલાં તો ખાઈ-પીને જલસા કરીનેય કોઈને કોઈ વાંક કાઢશે. ધોખો કરશે. મારે દીવાથી દીવો પ્રગટાવવો છે. દાનનો આ યજ્ઞ હું હંમેશા કરતો રહીશ, ને જો આ દાન મારે પ્રભાકાકીના શુભ હસ્તે કરાવવું છે. જેણે મને ભત્રીજો નહિ પણ હંમેશાં દીકરો જ ગણ્યો છે. પણ આ દાન લગ્ન પછી કરવું છે. મારે કાકીને આમ સરપ્રાઈઝ આપવું છે ને આમ નવલી રીતે લગ્ન પ્રસંગ ઊજવવો છે. એટલે હમણાં કશું જાહેર ન કરતી, નહિતર તારી કિટ્ટા, શું સમજી ?’

પ્રભાબહેન જેમ જેમ આગળ વાંચતાં ગયાં તેમ તેમ અંદરની કડવાશ અને ખોટી માન્યતા ઓસરવા લાગી. ક્યાં આ કાગળ ને ક્યાં પોતે લખેલો ક્રૂર કાગળ ? પડોશી ચંપાબહેનની કૂથલીમાં આવી જઈ આવો અપરાધ કરવા બદલ તે પસ્તાઈ રહ્યાં.
‘બેટા, હું તો ત્યારે ગુસ્સામાં ન કરવાનું કરી રહી હતી પણ તું તો હોંશમાં હતી તો પછી તેં મારી ખોટી વાત માની શા માટે ડબ્બામાં ટપાલ નાખી ?!’
‘શું કરું મમ્મી ? તારો મિજાજ જોઈ હું ડરી ગઈ હતી. ને મમ્મી આ તો ઠીક છે પણ એણે આવો પત્ર ન લખ્યો હોત તો પણ એ હરખની વાત હતી. સાદાઈ બતાવી તેણે જે માનવતાનું ગૌરવ કર્યું છે તેનું આપણને ગૌરવ થવું જોઈએ. આપણા કુટુંબમાં આવું સરસ કામ આ પહેલી વાર થઈ રહ્યું છે. તેને વધાવવાને બદલે તેં….?’
‘બેટા, મેં બેશરમ બની પુત્રસમા સુકેતુને, પ્રેમાળ ભાઈ-ભાભીને ન લખવાનું લખ્યું. હું સૌની માફી માંગું છું. ભગવાન…. પણ કવિતા, ટપાલ તો ગઈ…. હવે શું થશે ?’
‘મમ્મી, કશું જ નહિ થાય, ચિંતા મૂકી દે. મોજ કરો મોજ.’
‘એટલે તેં મારી આજ્ઞા નહોતી માની ? મારી ટપાલ….!?’
‘ના, મમ્મી તારા હુકમનો અનાદર કેમ થાય ? પણ તોય તું ચિંતા છોડી જલસા કર….’ આટલું કહી કવિતાએ હાસ્ય ફરકાવ્યું.
‘કવિતા, તું કંઈક સમજાય એવું તો બોલ ! આમ, મરકમરક હસવાનું છોડ ને હવે સાચું કહી દે દીકરી….’

ને કવિતાએ જે કહ્યું તે સાંભળી સૌને હાશ થઈ. બધાં ખડખડાટ હસી પડ્યાં. કવિતાએ ટપાલ તો નાખી હતી, અવશ્ય નાખી જ હતી, પણ તે પોસ્ટના ડબ્બામાં નહિ, ટપાલના ટુકડેટુકડા કરી તેણે તે શેરીની બહાર રહેલા કચરાના ડબ્બામાં નાખી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સામ્યસૂત્ર – વિનોબા ભાવે
ઝરમર – સંકલિત Next »   

19 પ્રતિભાવો : સમજણનો સૂરજ – દુર્ગેશ ઓઝા

 1. Vallabh says:

  સુકેતુ જેવો સમજણનો સૂરજ જો આપણા સમાજમા ઉગે અને પ્રભાબહેન જેવા જો સમજતા થાય તો મોટાભાગની સમસ્યાઓ સહેજે ઉકેલાઈ જાય.

 2. Balkrishna Shah,Vile Parle says:

  ઍક સમજદાર વ્યકિત આખા ગામને તારે.

 3. Dilip says:

  સમજ્દરી ની ખુબ સરસ શિખામણ!

 4. Jagat Dave says:

  સરસ શીખ આપતી વાર્તા……

  લગ્ન કે કોઈપણ સામાજીક મેળાવડાંઓ કે પ્રસંગોમાં યેનકેન પ્રકારેણ વાંધાઓ કાઢીને કુટુંબ અને સમાજમાં ક્લેશ ફેલાવતાં લોકોથી સાવધાન……… એકતાં એ પછી સામાજીક હોય કે કૌટુંબિક હોય……હંમેશા પ્રગતિ અને વિકાસ તરફ લઈ જાય છે.

 5. Ravi says:

  very very nice story..

 6. Kavita says:

  An Eye opener towards unnecessary expenses. Its is a high time we all work towards this social issue. It has to start from oneself and that can lead to other people following it. Very good story.

  • kavitaji and others thx for compliments u may email me on durgeshart@yahoo.in ya if charity begins at home then it becomes fruitful and meaningful.simplicity is brightness of heart and person who cares loves persons without any expectation is real relatives. thx kavitaji for ur liking i thks others too . regards durgesh b oza porbandar

 7. trupti says:

  I am also of the opinion that, why spend on unnecessary things? Even if you celebrate the occasions, the people are gong to talk, as we cannot keep every body happy and different people will have different views on every thing. In my view, a couple can get into the matrimony without the lavish and grand celebration. Instead of spending the lakhs of rupees in a day only for the wedding or birthday parties, the same money can be used for the betterment of the society like sponsoring few orphan children’s education. Adopting the old people who are spending the painful life in old age homes. I have seen may old people, who do so much of laborious work to meet both their ends meet, which is beyond their capacity. There are lots to do in our society to improve the lively hood of the people.

 8. dipak says:

  Charity begans at home.Instead of critisizing other people,one must start some good & inspirational work with
  himself & also it is an example for the society.We have to be careful about our neighbour’s advice regarding
  this kind of certain thing.This is a very nice story.Congrats to Mr.Durgesh Oza.

 9. Tejal Thakkar says:

  good story…

 10. dhara shukla says:

  suketu teaches good lesson to us.we should try to avoid faaltu expenses.
  good story with good social message.

  dhara

 11. જીતેંન્દ્ર જે. તન્ના says:

  સરસ વાર્તા.

 12. ભાવના શુક્લ says:

  સાચી સમજદારીતો કવિતાની……
  સરસ વાર્તા.

 13. કલ્પેશ says:

  આ લેખ એમ શિખવે છે કે જ્યારે ગુસ્સો હોય ત્યારે કોઇ કામ ન કરવુ અને એ પણ ઉતાવળમા તો ન જ કરવુ.
  ઘણી વખત એમ બને છે કે પાછળથી જોતા એમ લાગે કે – કેવી મૂર્ખાઇ કરી આ વસ્તુ કહીને/કરીને.

 14. shanu says:

  very good story

 15. i thank u all and readgujarati.com for cograts and giving space for my touchy story. unnecessary exp.and windowdressing and ,dhokhadhadba of relatives is useless.a true relative always helps,never harm.main thing is feeling love and kindness and not only money .artificial demonstration and back-biting should be avoided then life becomes alive real happy.simplicity is gem of heart. thanks u all.u may contact me on email at durgeshart@yahoo.in or sms 9898164988 regards wish u all the best durgesh b oza author porbandar

 16. Vaishali Maheshwari says:

  Very nice. The best part in the story:

  “ફી ઉપરાંત વધારાની રકમ બચશે તેમાંથી ઘરમાં ખૂટતી વસ્તુ વસાવી લઈશ ને સાથે સાથે થોડી રકમ જરૂરતમંદ અનાથ, ગરીબ વગેરે માટે ફાળવી મારે આ લગ્નમાં ઘણાના આશીર્વાદ મેળવવા છે. સગાંવહાલાં તો ખાઈ-પીને જલસા કરીનેય કોઈને કોઈ વાંક કાઢશે. ધોખો કરશે. મારે દીવાથી દીવો પ્રગટાવવો છે. દાનનો આ યજ્ઞ હું હંમેશા કરતો રહીશ”

  All that is said about the society is very true. Thank you Mr. Durgesh Ozha for writing this wonderful story.

  • durgesh oza says:

   thx vaishaliji for compliments .real thx to shri mrugeshbhai readgujarati.com who made this possible…and yes if such thning may happen in practical person family and society becomes rich by heart.regards

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.