સામ્યસૂત્ર – વિનોબા ભાવે

[આચાર્ય, ઋષિ અને સંતની બહુમુખી પ્રતિભા ધરાવનાર પૂ.વિનોબાજીના ‘ગીતા પ્રવચનો’ જેટલા જ પ્રસિદ્ધ પુસ્તક ‘સામ્યસૂત્ર’માંથી આજે માણીએ આ પુસ્તકનો પરિચય અને તે પછી પ્રથમ સૂત્રનું વિશ્લેષણ, ‘સામ્યસૂત્ર’ પુસ્તકમાંથી સાભાર.]

‘સામ્યયોગ-સૂત્રો’ એ એક નવી ચીજ તો છે, પણ કાંઈ છેક જ નવી ચીજ નથી. ‘ગીતા પ્રવચનો’ના પુસ્તકમાં જે મથાળાં આવે છે, તેમને જ અહીં સંસ્કૃત સૂત્રોમાં ગૂંથી લીધાં છે. પણ આ સૂત્રોની રચના એવી નથી કે ‘ગીતા પ્રવચનો’માં જે ભાષ્ય થયું છે તેટલા પૂરતો જ એમનો અર્થ મર્યાદિત થઈ જાય. આ સૂત્રોની રચના બહુ યોગપૂર્વક કરવામાં આવી છે. એ સૂત્રો યોગસૂત્રનાં સૂત્રો જેવાં છે અને એમની સંખ્યા એકંદરે 108ની છે. કોરાપુટનાં જંગલોમાં અત્યંત એકાંત અને રમણીય સૃષ્ટિનો સ્પર્શ મને મળતો રહ્યો અને એટલે મારા જીવનઆદર્શને સૂત્રોમાં ગૂંથી લેવાની મારી વરસો-જૂની ઈચ્છા જાગી ઊઠી.

આપણે ત્યાં તત્વ-વિચારને ગણ્યાંગાઠ્યાં સૂત્રોમાં પરોવી લેવાની પ્રથા પ્રાચીનકાળથી ઊતરી આવી છે. એની પાછળ ત્રણ હેતુઓ હોય છે. એક તો એ કે અધ્યયન કરનારાઓને અખૂટ ઊંડો ખજાનો મળી રહે. વળી સતત ચિંતન કરવા જેવી કોઈ વસ્તુ પાછળ મૂકતા જવાય અને તે પણ એવી હોય કે જેને સહેલાઈથી મોઢે કરી શકાય. સૂત્ર તે છે જે સૂચક છે. જે સૂચન કરે છે તે સૂત્ર છે. જે તમને કંઈક સૂચવી જાય છે તે સૂત્ર છે. સહેજ ઈશારો કરી દીધો કે તમે આપોઆપ વધુ વિચારી શકો. વધુ પ્રકાશ પોતાની મેળે પામી શકો. આવાં સૂચક વચનોને સૂત્ર કહે છે. મેં મારા જીવનઆદર્શોને આવી જાતનાં સૂત્રોમાં ગૂંથી લેવા વિચાર્યું.

મેં છેક બચપણથી ગીતાને જીવનગ્રંથ માન્યો છે. અનેક ભાષાના અનેક ધર્મગ્રંથોનું અધ્યયન મેં કર્યું છે, પણ એ સર્વ અધ્યયનને અંતે ગીતા જ મારા હૃદય પર રાજ્ય કરતી રહી છે. આવું શાથી થાય છે તેનું હું કાંઈ કારણ આપી શકું તેમ નથી. શું ગીતા પાસે એવું કંઈક વિશેષ છે તેથી આમ થયું છે કે પછી મારો ને એનો સ્નેહ-સંબંધ જ કાંઈક એવો બંધાઈ ગયો છે, તે તો રામ જાણે ! ગીતા જેવો જાદુ બીજા ગ્રંથમાં છે જ નહીં એવું મારું કહેવું નથી. એમ તો હું કઈ રીતે કહી શકું ? નિરનિરાળા મનુષ્યોને પોતપોતાની રુચિ-મતિ મુજબ નિરનિરાળી વસ્તુ પ્રિય થઈ પડે અને એ જ પૂર્ણ પણ ભાસે. એ સાવ સંભવિત છે. ગમે તેમ, ગીતા મારે માટે તો જાણે કે એક પરિપૂર્ણ ગ્રંથ જ થઈ પડ્યો છે. એ ગ્રંથને આધારે રચાયેલાં, પરંતુ ચિંતનને માટે તદ્દન સ્વતંત્ર એવાં આ ‘સામ્યસૂત્ર’ છે. જેમ પક્ષી એની પાંખો વડે ચોમેર ઊડાઊડ કરી શકે છે, તેમ આપણે આ સૂત્રોને આધારે ચોમેર ઘૂમી વળી શકીશું, ઉડ્ડયન કરી શકીશું.

મેં પક્ષીની ઉપમા આપી તેનું કારણ એ કે પક્ષી કવિઓનું એક વિશેષ ઉપમેય કાયમથી રહ્યું છે. વર્ડઝવર્થે જ્ઞાની પુરુષનું વર્ણન કરતી એક કવિતા લખી છે. એની આંખ સામે એક સમાજસેવાપરાયણ મનુષ્ય છે, જે જ્ઞાની છે, ભક્ત છે – કેવળ બૌદ્ધિક જ્ઞાની જ નથી, પરંતુ બૌદ્ધિક જ્ઞાનનું જેના જીવનમાં સાક્ષાત દર્શન થાય છે તેવો ભક્ત છે. કોણ છે એ ? તો વર્ડઝવર્થ કહે છે – Sky’ark – ચંડોળ. કવિ લખે છે કે :
‘A type of the wise, that soar but never roam,
True to the kindred point of heaven and home.’

એ એક જ્ઞાની પુરુષની મૂર્તિ છે. ચંડોળ વિહાર તો ઘણોયે કરે છે, પણ યથેચ્છ વિહરતાંયે એની એક આંખ તો સતત સ્વર્ગ પર જ મંડાયેલી રહે છે અને બીજી મંડાયેલી રહે છે, સતત પોતાના માળા પર ! એ જો કેવળ સ્વર્ગ પર જ નજર માંડત અને માળાને વિસારે પાડત તો તો એ ‘ભટકે છે’ એમ કહેવાત, અથવા જો એ ફક્ત ઘરમાં જ આંખો પરોવી રાખત અને સ્વર્ગ તરફ નાંખી નજરેય ન કરત, તો તો એ ઘરમાં જ પડી રહેત. પરંતુ એ તો માળો અને આસમાન બંને બાજુ ધ્યાન રાખે છે અને તેથી એનું ઊડવું ‘વિહાર’ કહેવાય છે. કઈ છે એવી વસ્તુ, જે એને ગમે ત્યાં ભટકવા દેતી નથી ? ઘર ! ત્યાં આકર્ષણ ભર્યાં પડ્યાં છે. ત્યાં બચ્ચાં છે ! નામદેવે લખ્યું છે : ‘પક્ષિણી આસમાનમાં ઊંચે ઊડે છે, પરંતુ પોતાનું ચિત્ત બચ્ચાં પાસે મૂકીને ઊડે છે.’

વર્ડઝવર્થના ઉપમેયને નામદેવે બિલકુલ ઉલટાવી નાખ્યું છે. વર્ડઝવર્થના પક્ષીને મન સ્વર્ગમાં પરમેશ્વર છે અને માળામાં પરિવાર છે. એક તરફ જનસમાજની સેવાનું આકર્ષણ છે અને બીજી બાજુ ઈશ્વરદર્શનની તૃષ્ણા છે. સ્વર્ગ ઉપર છે, માટે ઊંચે ચડવું છે અને ઘર નીચે છે માટે નીચે ઊતરવું છે. આમ બંને તરફ એને Loyal રહેવું છે – વફાદાર રહેવું છે, બંને પ્રત્યે નિષ્ઠા સેવવી છે. આ Wise લોકોનું, બુદ્ધિમાન લોકોનું લક્ષણ છે. ગીતામાં બુદ્ધિમાન લોકોનું લક્ષણ બતાવ્યું છે : स बुद्धिमान मनुष्येषु. પરંતુ નામદેવે તો અહીં ઉપમા ઉલટાવીને કહી દીધું છે કે સ્વૈરવિહારમાં જેમ પક્ષી બચ્ચામાં ચિત્ત પરોવેલું રાખે છે, તેમ હું સંસારરૂપી આસમાનમાં આમતેમ ઊડાઊડ કરતો રહીશ, પણ મારું ચિત્ત તો હે પ્રભુ, આપણા મૂળ ધામમાં, જ્યાં તમે બાલવત સૂતા છો ત્યાં જ ચોંટેલું રહેશે. વર્ડઝવર્થનો ભગવાન આસમાનમાં છે અને સમાજ, સંસાર વગેરે બધું માળામાં સમાયેલું છે, જ્યારે નામદેવનો ભગવાન ઘરમાં પોઢ્યો છે. નામદેવની ઉપમામાં પક્ષી ચારે તરફ આસમાનમાં ઊડે છે તો ખરું, પણ એનું ચિત્ત એક જ સ્થાનમાં, ભગવાનમાં રમે છે.

આને માટે ઉત્તમ ઉદારહણ પતંગનું છે. પતંગની કિન્ના સાથે બાંધેલા લાંબા દોરનો બીજો છેડો હાથમાં પકડાયેલો હોય છે. એક કેન્દ્રમાં એ કેન્દ્રિત રહેશે અને છતાં ચારે બાજુ વિહાર કરવા મુક્ત પણ રહેશે. હાથમાં પકડાયેલો દોર પતંગને કેન્દ્ર સાથે બાંધી રાખશે. સ્થિતપ્રજ્ઞ પુરુષની જીવનચર્યા એવી જ હોય છે. એક કેન્દ્રમાં એનું તમામ ધ્યાન કેન્દ્રિત હોય છે અને પછી એ ચારે તરફ ઘૂમતો હોય છે. મને નામદેવની ઉપમા વધુ ગમે છે. ઋગવેદમાં પણ ઉપમા આવે છે :
पृशन्या: पतरं चिंतयन्तमक्षमि: ।
पाथो न पायुं जनसी उभे अनु ।।

મેઘમાળામાં વિહાર કરનારું પક્ષી – પતર એટલે પક્ષી. ફારસીમાં ‘પરિન્દા’ – એ બંને લોકો તરફ ધ્યાન રાખે છે. સ્વર્ગ અને પૃથ્વી બંને તરફ, કેમ કે પૃથ્વી પર પરિવાર છે અને સ્વર્ગમાં છે પરમાત્મા ! એની વૃત્તિ કેવી રહે છે ? તો કહે છે : ‘પુલ ના જેવી’. પુલ બંને કાંઠાને વળગીને પડ્યો હોય છે ને ! કેટલાક જ્ઞાની એવા હોય છે ખરા જે એક જ કાંઠે વસે છે, બિલકુલ અનાસક્ત, સંસારથી અસ્પૃષ્ય અને નિર્લેપ ! પણ પુલનો તો એક પગ એક કાંઠે ખોડાયેલો હોવો જોઈએ અને બીજો પગ બીજી બાજુ ખોડાયેલો હોવો જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે લાંબા કાળથી મારા દિલમાં એવાં સૂત્રો રચવાનું ઘોળાતું હતું કે જેના વડે વિહાર તો ચારે તરફ થઈ શકે, છતાં એક જ કેન્દ્રને વળગી રહેવાય; જેમાં અમુક ગૂંથણી હોય, વ્યવસ્થા હોય છતાં સ્વૈરવિહાર કરી શકાય; આવી અનુકૂળતાવાળાં સૂત્રો રચવાની એક ઈચ્છા હતી.

આને માટે જોઈતું એકાંત મને કોરાપુટમાં (આંદ્રપ્રદેશ) મળી ગયું. વિચારોનો પરિષ્કાર કરવામાં, સાફસૂફી કરવામાં, બે-એક મહિના નીકળી ગયા હશે. પણ આમ એ સૂત્રો લખાયાં તો થોડા જ દિવસોમાં. એમાં જે શબ્દો વપરાયા છે તે અનેક શાસ્ત્રોમાંથી એકઠા થયેલા છે. કેટલાક વેદમાંથી, કેટલાક ભગવદગીતામાંથી, કેટલાક બ્રહ્મસૂત્રોમાંથી, થોડા વળી વિવિધ સંતોના ગ્રંથોમાંથી, મનુસ્મૃતિમાંથી, ભાગવતમાંથી, એમ ઠેકઠેકાણેથી વીણી વીણીને શબ્દો લીધા છે. એમાં ભાગ્યે જ એવા થોડા શબ્દો હશે જે કોઈ ને કોઈ ગ્રંથમાંથી ચૂંટેલા ન હોય. હા – ‘आत्मशक्तेर्भानात । तत: शासनमुक्ति: ।’ એવાં અમૂક સૂત્રો છે ખરાં, જેમાં આપણી વિચારધારાના કેટલાક સાવ નવા શબ્દો પણ વપરાયેલા છે. અને એ તો લીધે જ છૂટકો હતો. પણ બાકીના બધા જ શબ્દો વિવિધ શાસ્ત્રોમાંથી ચૂંટેલા છે. તેથી એ સૂત્રો અંગે જેટલો ઊંડાણથી વિચાર થશે એટલો ઊંડો અર્થ પામી શકાશે.

[1] અભિધેય પરમસામ્ય

આપણું પ્રથમ સામ્યસૂત્ર છે : ‘अभिधेयं परमसाम्यम ।’
આપણું ‘અભિધેય’ શું છે ? આજની ભાષામાં કહીએ તો આપણી વિચારણાનો, આપણા ચિંતનનો વિષય શો છે ? આપણે લોક-સેવકની પ્રતિજ્ઞામાં કહ્યું છે કે આપણે આપણું ‘ચિંતન-સર્વસ્વ’ આ કામે લગાડી દેવું છે. તે શેમાં લગાડવું છે ? આપણે એને ‘ધ્યેય’ અથવા ‘લક્ષ્ય’ પણ કહી શકીએ. ‘ધ્યેય’ એટલે ધ્યાનનો વિષય. ધ્યેય કંઈક દૂર હોય છે, નજર બહાર હોય છે. પણ ‘લક્ષ્ય’ નજીક હોય છે, પ્રત્યક્ષ હોય છે, આંખોની સામે હોય છે. ‘અભિધેય’ આ બેયથી નિરાળું છે. એ સમસ્ત જીવનના ચિંતનનો વિષય હોય છે, જીવનભર જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ચિંતવવા જેવી વસ્તુ હોય છે. કેવળ ધ્યાન અને દષ્ટિનો જ નહીં બલ્કે કૃતિ અને ઉક્તિનો પણ જે વિષય હોય છે, મન-વચન-કર્મ બધું જ જેમાં પરોવાયેલું રહે છે, તે ‘અભિધેય’ કહેવાય છે. જે દિશામાં જીવનના સમસ્ત ચિંતનને લઈ જવું છે, ઈન્દ્રિયોને વાળવી છે અને શક્તિઓ તાકવી છે, તેવું આપણું अभिधेय છે परमसाम्य.

મેં ગીતાનું ‘સામ્યયોગ’ એવું નામ પાડ્યું છે. ગીતાનાં અત્યાર સુધીમાં ભાતભાતનાં નામ પડતાં રહ્યાં છે. લોકમાન્ય ટિળકે એને ‘કર્મયોગ’ નામે ઓળખી, કોઈએ ‘જ્ઞાનયોગ’ તો કોઈએ ‘ભક્તિયોગ’ કહી; ગાંધીજીએ વળી ‘અનાસક્તિયોગ’ ઠરાવી. ગીતા ગ્રંથ તો એક જ છે, પણ પોતપોતાની રુચિ અને દષ્ટિ પ્રમાણે લોકોએ એને જુદાં જુદાં નામ આપ્યાં છે. એનું અધ્યયન કરતાં કરતાં જુદા જુદા માણસોને જુદાં જુદાં દર્શન ને જુદા જુદા અનુભવો થયા. તેથી એનાં નામો પણ જુદાં જુદાં અને અનેક પડ્યાં. હવે જો બધા પોતપોતાનું કંઈક ગબડાવે છે, તો મારુંયે કંઈક ગબડવું જોઈએ ને ? મને એ બધાં નામો એટલાં ગમ્યાં નહીં, તેથી મેં साम्ययोग નામ પસંદ કર્યું. એ નામ પસંદ કરવામાં બનવાજોગ છે કે ચાલુ જમાનાની કંઈક અસર મારા પર પડી હોય અથવા જે કામ મેં ઉપાડ્યું છે તેની પણ કંઈક અસર પડી હોય. પણ વધારે સંભવ તો એ છે કે જીવનનું રહસ્ય જ ‘સામ્યયોગ’માં છે. બીજી ચીજોમાં એટલું રહસ્ય નથી. જ્ઞાન, કર્મ, ભક્તિ, અનાસક્તિ વગેરે વ્યાવર્તક ચીજો છે (અર્થાત બીજા ગુણો કરતાં પોતાની જુદી ખાસિયત બતાવનારી વસ્તુઓ છે ) તેમ જ એ બચાવનારી વસ્તુઓ પણ છે. એમની પણ જરૂર છે, એની ના નહીં. એ બચાવનારી તો જરૂર છે, પણ કદાચ વિષયને એટલી બતાવનારી નથી. તેથી મને ગીતા માટે ‘સામ્યયોગ’ નામ જ ઠીક લાગ્યું. ખેર, ગીતાનું જે કાંઈ નામ ગમ્યું તે સાચું. એ નામો જુદાં જુદાં પણ હોઈ શકે અને દરેક નામની તરફેણમાં ગીતામાંથી અનેક વચનો પણ રજૂ કરી શકાય. મેં એને ‘સામ્યયોગ’ કેમ કહી તે માટે હું પણ મારાં કારણો બતાવી શકું. અને દરેક નામ જે તે કારણે ખરું પણ ઠરી શકે ને એનાથી લાભ પણ થઈ શકે. એટલે હું બીજા કોઈ પણ નામની સામે વિરોધ નથી કરતો. હું તો ફક્ત એટલું જ કહું છું કે મારી દષ્ટિ ‘સામ્યયોગ’ નામ પર ઠરી, કેમ કે એ જીવનનું સારસર્વસ્વ છે.

परमसाम्यમાં ‘પરમ’ શબ્દ મહત્વનો છે. સામ્યને જ્યાં परम સામ્યનું રૂપ આપ્યું કે પછી એ કેવળ આર્થિક કે સામાજિક વસ્તુ નથી રહેતી. આર્થિક અને સામાજિક સામ્ય પણ જોઈએ, પરંતુ એ બેયથી ચડિયાતું એવું એક સામ્ય છે ને તે છે મનનું સંતુલન, માનસિક સામ્ય. પરંતુ આ ત્રણેયથી પણ પર હોય એવી એક ચીજ છે જે ‘પરમસામ્ય’ કહેવાય છે. તો, એક છે આર્થિક સામ્ય, જે દરેક વ્યવહારમાં મદદગાર થાય છે. બીજું છે સામાજિક સામ્ય, જેને આધારે સમાજમાં વ્યવસ્થા જળવાય છે અને ત્રીજું છે, માનસિક સામ્ય, જેનાથી મનુષ્યના મનનું નિયંત્રણ થાય છે. ને એ બહુ જરૂરી છે, એના વિના મનુષ્ય આમતેમ રખડતો-રઝળતો રહેશે. એ સુખનાં ઝાંઝવાં પાછળ હડીઓ કાઢતો રહેશે. પણ પરિણામે પામશે દુ:ખ ! એટલે મનોયોગ બહુ જ જરૂરી છે. શુકદેવે ભાગવતમાં કહ્યું છે : ‘परो हि योगो मनस: समाधि: । सर्वे हि योगा मनोनिग्रहांता: ।। – સહુથી શ્રેષ્ઠ જો કોઈ યોગ હોય તો તે છે, મનનું સમાધાન. જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ વગેરે યોગના અનેક માર્ગો છે. આ બધામાં પરમયોગ કયો છે ? તો કહે છે, ચિત્તનું સમાધાન ! મનને કેમેય કરીને, મોંમાં ગોળની કાંકરી આપવાથી બને તેમ હોય તો તેમ કરીને પણ પટાવી લેવાનું છે, ચિત્તનો યુક્તિપૂર્વક તો યુક્તિપૂર્વક, પણ નિરોધ કરવાનો છે. મનોનિગ્રહ આપણા બધા જ યોગોના મૂળમાં છે, – પછી તે જ્ઞાનયોગ હોય, કર્મયોગ હોય કે ભક્તિયોગ હોય. પણ પરોયોગ કયો છે ? તો શુકદેવ કહે છે : પરોયોગ એટલે ચિત્તનું સમાધાન, ચિત્તની સમતુલા, ચિત્તનું સામ્ય. નિ:સંશય મહાન સામ્ય છે. પરંતુ આ ત્રણેય સામ્યોથી પર એવું એક સામ્ય છે, જેના પેટમાં આ બધાં સમાઈ જાય છે અને તે છે : આત્યંતિક પરમસામ્ય. એ વૈજ્ઞાનિક ક્ષેત્રથી પણ ઊંચું ચડી જાય છે. આર્થિક, સામાજિક ક્ષેત્ર તો સામાન્ય સ્થૂળક્ષેત્ર છે. માનસિક ક્ષેત્ર ઊંચું છે કેમ કે તે જીવનનું નિયંત્રણ કરે છે. પરંતુ પરમસામ્ય તો વૈજ્ઞાનિક અને નૈતિક ક્ષેત્રથી પણ ઊંચે ચડી જાય છે. અર્થાત એ આધ્યાત્મિક ભૂમિકા પર આરૂઢ થઈ જાય છે. પરમસામ્ય કહેતાં બ્રહ્મ. તે વિના એનો બીજો કોઈ પણ અર્થ થઈ ન શકે. આપણું લક્ષ્ય બ્રહ્મપ્રાપ્તિ છે. તે સિવાય આપણું બીજું કોઈ લક્ષ્ય હોઈ જ ન શકે.

તો હવે સવાલ એ ઊઠે છે કે, આપણું લક્ષ્ય જો બ્રહ્મપ્રાપ્તિ જ હોય, તો તો આપણે એમ જ કહેવું જોઈતું હતું કે હવે અમને બ્રહ્મની જિજ્ઞાસા છે. અને તો આ સૂત્રરચના ‘બ્રહ્મસૂત્ર’ જ બની જાત અને એને ‘સામ્યસૂત્ર’ એવું નામ આપવાપણું ન રહેત. પણ મેં એને ‘બ્રહ્મસૂત્ર’ એવું નામ નથી આપ્યું. કેમકે મારો ઈરાદો એક process, એક પ્રક્રિયા, બતાવવાનો હતો. એટલે મેં તો ‘પરમસામ્ય’ની વાત કરી. નાનાં સામ્યોના પ્રયોગ કરતાં કરતાં પરમસામ્ય સુધી કેવી રીતે પહોંચીશું એ પ્રક્રિયા દર્શાવી. ગીતાએ કહ્યું છે કે ‘સામ્યને પકડી લઈને તે સામ્યનો વિકાસ કરતાં કરતાં નિર્દોષ સામ્ય સુધી જે પહોંચી જશે તેઓ ત્યારે બ્રહ્મમાં સ્થિર થઈ જશે.’

ધારો કે કોઈ યોગી છે. હીરા, પથરા, માટી તમામ એને મન સમાન થઈ ગયાં છે. ગીતાના શબ્દોમાં – માટી, પથ્થર અને સુવર્ણ વિશે સમાન ભાવના સેવનાર બની ગયો છે, એટલું જ નહીં, માટીને સોના કરતાં વધારે ઉપયોગી જ માને છે. અર્થશાસ્ત્રમાં ભલે સોનું વધુ કીમતી ગણાતું, પણ આ યોગી તો સમાન માને છે. પરંતુ તેટલાથી પરમસામ્ય સિદ્ધ થતું નથી. હા, ચિત્તમાં કાંચન માટે વૈરાગ્ય આવી ગયો હોય તો પરમસામ્યની પ્રાપ્તિનું એક સાધન તો હાથ લાગ્યું એમ કહી શકાય. એ જો ટાઢ, તાપ વગેરે સમભાવે સહી લેવાની શક્તિ કેળવીને ‘શીતોષ્ણ’ વિશે ‘સમાહિત’ થઈ જાય, તો તે પણ એક સાધન એણે હાથ કરી લીધું ગણાય. પણ તે સાધન મળ્યું એટલું જ કહેવાય. પરંતુ અહીં એટલું યાદ રાખીએ કે શરીરને કાબૂમાં રાખવાનો અર્થ એ નથી કે શરીર સાથે વેર બાંધવું અથવા વિજ્ઞાનના જે નિયમોને આધારે શરીર ઊભું છે તે નિયમોનું ઉલ્લંઘન કરવું. શંકરાચાર્ય ગરમાગરમ કાચનો રસ પી ગયા હતા એવું પણ લોકો કહે છે. હવે એમાં મને તો શંકરાચાર્યની પાચનશક્તિનો એટલો મહિમા નથી જણાતો જેટલો આપણા લોકોની આવી આખ્યાયિકાઓને પચાવી લેવાની શક્તિનો મહિમા જણાય છે ! સાવ ધૂળ જેવી વાત છે ! ખરેખર તો શંકરાચાર્ય ખાવાપીવા લાયક ચીજવસ્તુ જ ખાતાપીતા હતા. અને જો તેમ નહીં કરતા હોય તો તો તેઓ લાંબું ન જીવ્યા તેનું કારણ એ જ માનવું પડશે કે તેઓ વિજ્ઞાનના નિયમોથી વિરુદ્ધ વર્તતા હતા. વિજ્ઞાન કાંઈ વ્યક્તિની પરવા ન કરે. ખરે, આવી જાતનું કોઈ કામ શંકરાચાર્યે કર્યું નથી. ઊલટું એ તો એવું લખી ગયા કે ‘ભૂખને રોગ જેવો માની તેનો ઉપચાર કરો. દરરોજ ભિક્ષામાં જે મળે તેને ભૂખનું ઓસડ સમજી તેનું સેવન કરો. મિષ્ટાન્ન માંગો નહીં, જે કાંઈ મળે તેમાં જ સંતોષ માનો.’ ક્ષુધારૂપી વ્યાધિને માટે જે ઔષધ લેવાનું છે તે જેટલી માત્રામાં લેવું ઘટે તેટલી જ માત્રામાં લેવું જોઈએ. વત્તુઓછું ઔષધમાં ન ચાલે. મીઠી દવા છે માટે વધુ પીધી અને કડવી છે માટે ઓછી પીધી, એવું દવામાં કાંઈ ન ચાલે. શંકરાચાર્યે તો આવી ઉપમા આપી છે. એટલે એમને માટે કાચના રસ જેવી નકામી વસ્તુ પીવાની વાત કરવી એ તો સાવ નવરા મગજની બલિહારી જ ગણાય !

તાત્પર્ય એ કે શીતોષ્ણાદિ સહન કરવાં એટલે કે શરીરશાસ્ત્રના નિયમો વિષે બેપરવાઈ સેવવી એવો એનો અર્થ નથી. એનો ખરો અર્થ તો એ છે કે વિજ્ઞાનના નિયમોને બરાબર સમજી લઈને શરીરને કસવું જોઈએ. કેરલના ધોધમાર વરસાદની ઝીંક ઝીલતી અમારી યાત્રા તો ચાલી, પણ ‘ફલુ’ની હવાએ મારા ગળાને પકડી લીધું. એટલે એમાં મારો યોગ પટકાઈ પડ્યો, એમ જ સમજવું પડે. પણ આવું કહેવાનો મોકો ન મળવો જોઈએ. ત્યાંનો વાર્ષિક દોઢસો ઈંચનો વરસાદ કાંઈ આપણે માટે ઘટવાનો નથી. આપણે જ એને અનુકૂળ થવું રહ્યું. એવા વરસાદમાં કઈ રીતે વર્તવું તેનો ખ્યાલ આપણે જ રાખવો જોઈએ. આપણો વ્યવહાર યોગપૂર્વક ચાલવો જોઈએ. તિતિક્ષા એટલે વિજ્ઞાનના નિયમનો વિરોધ એવો અર્થ જરીકે નથી. તો આવાં આર્થિક, શારીરિક વગેરે અનેકવિધ સામ્યોમાં શ્રેષ્ઠ સામ્ય છે – માનસિક સામ્ય. પરંતુ તેથી પણ જે પર છે તે છે બ્રહ્મ. માનસિક સમાધાન અથવા માનસિક સામ્ય પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અવશ્ય છે, પરંતુ પરમસામ્ય તો દુનિયામાં મોજૂદ જ છે. એને વળી પ્રાપ્ત કરી લાવવાનું શું હોય ? એ તો છે જ. આપણે માત્ર એનો આવિષ્કાર કરવાનો છે. ઘૂંઘટનો પટ ખોલી નાંખવાનો છે. એ કાંઈ નવેસર રચવાની વસ્તુ નથી. આર્થિક, સામાજિક કે માનસિક સામ્ય એ સ્થાપિત કરવાની વસ્તુ છે, પરંતુ પરમસામ્યમાં કશું સ્થાપિત કરવાપણું નથી. આપણે ભિન્ન ભિન્ન અપર સામ્યની સ્થાપના કરવાની છે. અપર સામ્ય પ્રાપ્તવ્ય છે, મેળવવા-જોગ છે, સ્થાપિત કરવા-જોગ છે અને એ બધાંની સ્થાપના કરવાથી આપણને તે પરમસામ્યનાં દર્શન થશે, જે પહેલેથી જ મોજૂદ છે. એ આપણા અંધત્વને કારણે દેખાતું નથી. અપર સામ્યોને સ્થાપિત કરવાથી આપણી આંખ આડેનાં પડળ ઊતરી જશે અને આપણને સર્વત્ર સર્વક્ષેત્રે પરમસામ્યનાં દર્શન થશે.

હું આટલી સીધી સાદી સાધનક્રિયા બતાવી દેવા માંગતો હતો. એટલે હું જો કે ત્યાં બ્રહ્મને अभिधेय કહી શકત, પણ તેમ કરત તો આ સૂત્રો શાંકરભાષ્ય સાથે તદ્દન ભળી જ જાત અને એટલે એ લખવાની કશી જરૂર જ ન રહેત. પરંતુ મેં તો કહ્યું, ‘अभिधेयं परमसाम्यम ।’ આમ જ્યારે નવાં સૂત્રો લખવા બેસીએ ત્યારે જૂનાં સૂત્રોને લઈને નવયુગને અનુકૂળ રચના કરવાની રહે છે. તો અપર સામ્યોની પ્રાપ્તિ કરીને પરમસામ્યનું દર્શન થશે તો अभिधेयं परमसाम्यम સંપન્ન થઈ જશે, લેખે લાગી જશે.

(પાંડવપુર, મૈસૂર રાજ્ય. તા. 30-9-1957)

[ કુલ પાન : 104. કિંમત રૂ. 10 (આવૃત્તિ : 1995 પ્રમાણે) પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન. ભૂમિપુત્ર, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-390001. ગુજરાત. ફોન નંબર : +91 265 2437957. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરિણામ – બકુલ દવે
સમજણનો સૂરજ – દુર્ગેશ ઓઝા Next »   

4 પ્રતિભાવો : સામ્યસૂત્ર – વિનોબા ભાવે

 1. dilip says:

  Mrugeshbhai Thank you very much for giving wonderfull articals daily.

 2. વેદવ્યાસજીના બ્રહ્મસૂત્ર, પાતંજલ મુનિના યોગસૂત્રો અને વિનોબાજીના સામ્ય-સૂત્ર .

  વળી પ્રથમ સૂત્ર માણવા પણ મળ્યું.

  ધન્યવાદ.

 3. nim says:

  વિનોબાજી ને વાચવુ એ કઈ રમત વાત નથી, અહી તો મગજ કસવુ પડે.
  ચાર વાર વાચે ત્યારે એક વાર સમજાય
  અહી થોડી ઘણી સમજણ પડી
  પણ જેટલુ સમજાયુ એટલુ અમુલ્ય છે
  મ્રુગેશ ભાઈ ને ધન્યવાદ
  અને વિનોબાજી ને સાદર પ્રણામ્

  નિમ

 4. Jagat Dave says:

  ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
  આ ચારેય પાસાંનુ જીવનમાં યોગ્ય સમયે, યોગ્ય દિશામાં અને યોગ્ય પ્રમાણમાં પરિગ્રહણ…..તે જ ‘સામ્યસૂત્ર’.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.