- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ગુજરાતમાં પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન – રજની વ્યાસ

[‘અવિસ્મરણીય વ્યક્તિચિત્રો’ પુસ્તકમાંથી સાભાર.]

એક મહાપુરુષે કહ્યું છે કે, ‘જેને પોતાનું જીવનકાર્ય જડી જાય છે તે એક સુખી વ્યક્તિ છે – નસીબદાર વ્યક્તિ છે.’ એવું નસીબ પામનારા હતા શ્રી મોતીભાઈ અમીન. દેશની સ્વતંત્રતા મેળવવાના ભગીરથ કાર્યમાં જ્યારે દેશની વિભૂતિઓ વ્યસ્ત હતી ત્યારે એ મહાકાર્યના મહાયજ્ઞને સફળ બનાવવા માટે અનેક નાનાંમોટાં કાર્યો ઉપાડી લેવાં જરૂરી બન્યાં હતાં. સમયની એ માંગ હતી. અહિંસક માર્ગે આઝાદી પ્રાપ્ત કરવાની મહાત્મા ગાંધીજીની હાકલ દેશે ઉપાડી લીધી હતી. તેમાં રાષ્ટ્રીય કેળવણી, ગ્રામોદ્ધાર, પછાત વર્ગોના ઉત્થાનનું કાર્ય, અસ્પૃશ્યતા નિવારણ, ખાદી દ્વારા સ્વાવલંબન અને સ્વદેશીના આગ્રહનો સંદેશ, નિરક્ષરતા નાબૂદી વગેરે અસંખ્ય કામો રાષ્ટ્રભક્તો માટે ઠેર ઠેર પડેલાં હતાં.

ગુજરાતમાં પણ રવિશંકર મહારાજ, જુગતરામ દવે, ચુનીભાઈ, ઠક્કરબાપા, પરીક્ષિતલાલ મઝમુદાર, બબલભાઈ, ડૉ. ચંદુલાલ દેસાઈ, અંબુભાઈ અને છોટુભાઈ પુરાણી વગેરે અનેકોએ પોતપોતાને સૂઝ્યું એ રીતે પોતાનું કાયક્ષેત્ર વિચારી શોધીને તેમાં ઓતપ્રોત થઈ ગયા. એ જ ક્ષેત્રમાં સોંસરવા ઊતરીને પાંચ પાંચ દાયકા જેટલો સમય લીધેલી એક જ પ્રવૃત્તિ પાછળ વિતાવીને જીવન પૂરું કર્યું. આમાંના જ એક સદભાગી વિરલા હતા મોતીભાઈ અમીન. ઘણાખરાએ પોતાની પ્રવૃત્તિ કોઈક કેન્દ્રમાં બેસીને આદરી. જેનો લાભ પાંચ-પચીસ-પચાસ કિલોમીટરના વિસ્તારમાં સૌ કોઈને મળ્યો. અલબત્ત સૌ મહાનુભાવોએ પાયાનું કામ કર્યું. પરંતુ મોતીભાઈએ સેવાનું એક એવું વટવૃક્ષ વાવ્યું કે તેનો લાભ એ વૃક્ષની ડાળીએ ડાળીએ બેઠેલા પ્રત્યેક પાનને મળ્યો. એ વૃક્ષની અનેક વડવાઈઓ પાંગરી અને સમસ્ત ગુજરાતમાં આ સેવાયજ્ઞની સુવાસ મહોરી ઊઠી. એ વટવૃક્ષનાં મૂળિયાં પણ ગુજરાતના ગામેગામ સુધી ફેલાયાં.

1873ની 29મી નવેમ્બરે પોતાના મોસાળ અલિંદ્રામાં જન્મેલા મોતીભાઈને એમની જીવનદિશા ઘણી વહેલી લાધી ગઈ એમ કહીએ તો ચાલે. કારણ કે 1888માં માત્ર પંદર વર્ષની વયે તો પોતાની ઊર્ધ્વગામી ચિત્તવૃત્તિને યોગ્ય દિશા આપવા તેમણે અગિયાર વિદ્યાર્થીઓનો એક સંઘ સ્થાપ્યો હતો. એ સમયે મોતીભાઈ અંગ્રેજી બીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા. આટલી નાની ઉંમરે વસો જેવા નાના ગામમાં પણ એમને વાચનનો એવો છંદ લાગેલો કે કોઈકને કોઈક પાસેથી શહેરમાંથી નવાં નવાં પુસ્તકો અને સામાયિકો તેઓ મંગાવડાવતા અને અગિયાર જણાના એમના વિદ્યાર્થીસંઘમાં તે ફેરવીને સૌને સારા વાચનની ટેવ પાડતા અને વિકાસ સાધતા. માત્ર નવ વર્ષની વયે મોતીભાઈએ પિતાની છત્ર છાયા ગુમાવી. પછીતો માતા અને કાકાની છાયામાં તેઓ ઊછર્યા. જે બાળલગ્નની પ્રથાનો પાછળથી તેમણે વિરોધ કરેલો તે બાળલગ્નપ્રથાનો ભોગ ખુદ તેઓ પોતે માત્ર સાત વર્ષની વયે બનેલા. 1889માં હાઈસ્કૂલના અભ્યાસાર્થે વડોદરા ગયા અને કમાટીબાગના છેડે આવેલા રામજીમંદિરમાં ધામા નાખ્યા. તેમને પુસ્તકપ્રેમ જાણે ગળથૂથીમાંથી જ મળ્યો હોય તેમ અહીં વડોદરા આવીને પણ તેમણે સાથીદાર છાત્રોને પુસ્તકપ્રેમ તરફ વાળ્યા. સૌ પાસે દર મહિને એક રૂપિયાની બચત કરાવીને ‘વિદ્યાર્થી સમાજ પુસ્તકાલય’ની સ્થાપના કરાવી. આવી ઈતર પ્રવૃત્તિને કારણે તેઓ અભ્યાસમાં કાચા પડ્યા. મૅટ્રિકમાં નપાસ થયા. પણ તેનાથી એવી ચાનક લાગી કે પછીના પ્રયત્ને આખા વડોદરા રાજ્યમાં પાંચમા નંબરે તેઓએ મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.

મૅટ્રિક તો થયા પણ આગળ ભણાવવાની કાકા હરિભાઈની જરાય ઈચ્છા ન હતી. મહાપ્રયત્ને ઘણી સમજાવટ બાદ તેમની પાસે સંમતિ મેળવી. વડોદરાની કૉલેજમાં દાખલ થયા. રામજીમંદિરમાં ફરી વસવાટ શરૂ થયો. તેમને જમવાની ઘણી અગવડ પડતી તેથી રામજીમંદિરના રહીશોને ભેગા કરી એક કલબ શરૂ કરી. સુંદર વહીવટને કારણે કલબ સરસ ચાલવા લાગી. આમ દરેક જગ્યાએ કોઈ પણ અભાવમાંથી માર્ગ કાઢવાનો એમને યોગ્ય રસ્તો સૂઝતો. એટલું જ નહીં પણ તે માટે પહેલ કરી કાર્યક્રમ ઘડી તેને અમલમાં મૂકવાની પણ શક્તિ તેઓ ધરાવતા હતા. કૉલેજકાળ દરમ્યાન પણ એમણે પરમાર્થનાં સેવાકાર્યો પણ આદરેલાં. છપ્પનિયા દુકાળમાં પણ તન તોડીને મહેનત કરેલી. બાળલગ્નો બંધ કરાવવા પણ એમને આકરી કસોટીઓમાંથી પસાર થવું પડેલું.

1900ની સાલમાં તેઓ બી.એ. થયા. કારકુનીની મળેલી નોકરી એક દિવસ કરીને પહેલે દિવસે જ છોડી. એમને તો શિક્ષક થવું હતું. આખરે તેઓ શિક્ષક જ બન્યા. શિક્ષક તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક શિક્ષણકાર્ય તો કર્યું પરંતુ વિદ્યાર્થીઓને સદવાચન તરફ પણ વાળ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વ્યાયામનો શોખ લગાડ્યો. તેમને માટે રમતગમતની સ્પર્ધા યોજી. આનંદપર્યટનો યોજ્યાં. આમ અનેક દિશામાં વિદ્યાર્થીઓનો રસ જાગ્રત કરીને તેમને તન અને મનથી સમૃદ્ધ બનાવ્યા. તેમનામાં ઈચ્છાશક્તિ કેળવી, રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગ્યા. મહેનત કરી સ્વાશ્રયી થવાના પાઠ શીખવ્યા અને ઊંચું નિશાન રાખવાની મહામૂલી શીખ આપીને તેમનાં જીવન ધન્ય બનાવ્યાં.

હવે તેમને લોકો સારું વાંચે પરિણામે સારું વિચારે તે કામ ખૂબ અગત્યનું લાગ્યું. એટલે પુસ્તકાલય-પ્રવૃત્તિ તેમણે હાથ ધરી. 1906માં એમણે વડોદરાની મેઈલ ટ્રેનિંગ કૉલેજના તાલીમાર્થી શિક્ષકો સમક્ષ એક યોજના રજૂ કરી. તાલીમ પામેલા શિક્ષકો પોતપોતાને ગામ જઈને 10-15 રૂપિયા મોકલી આપશે તેને ત્યાં પુસ્તકાલય શરૂ કરવા મોતીભાઈ 20-30 રૂપિયાનાં (એ જમાના પ્રમાણે) વર્તમાનપત્રો, સામાયિકો અને પુસ્તકો મોકલી આપશે. પચાસ શિક્ષકોએ આ યોજના ઉપાડી લીધી. પહેલે જ ધડાકે 50 ગામોમાં નાનકડાં પુસ્તકાલયો શરૂ થઈ ગયાં. થોડા જ સમયમાં આ સંખ્યા 150ની થઈ ગઈ. અને આ પ્રવૃત્તિ પછી તો વિકસતી જ રહી. નિરપેક્ષ ભાવે અને પોતે પંડે ઘસાઈને આદરેલી આવી સુંદર પ્રવૃત્તિનાં ટૂંક સમયમાં જ સુફળ લાધ્યાં. એ સમયે વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડ અમેરિકાના પ્રવાસે હતા. ત્યાંની પુસ્તકપ્રવૃત્તિથી એ પ્રભાવિત થયા હતા. પોતાના રાજ્યમાં લોકશિક્ષણની એ પ્રવૃત્તિને સંગીન બનાવવા માટે અમેરિકાના પુસ્તકાલય-પ્રવૃત્તિના નિષ્ણાત શ્રી બોર્ડનને વડોદરા લાવ્યા. પોતાના રાજ્યમાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ કરવા યોજના કરી. બોર્ડનને મદદરૂપ થવા કોઈ યોગ્ય વ્યક્તિની શોધ ચલાવવામાં મોતીભાઈ પર સ્વાભાવિક રીતે જ આંખ ઠરી. 1911માં એક વર્ષ માટે એમની નિમણૂંક કરવામાં આવી. પરંતુ મોતીભાઈની કાર્યનિષ્ઠા અને આ ક્ષેત્રમાં તેમની આવડત જોઈને તે નિમણૂંક પછી મોતીભાઈ નિવૃત્ત થયા ત્યાં સુધીની રહી. સયાજીરાવે પછી તેમને છોડ્યા જ નહીં.

મોતીભાઈની સૂઝસમજ અને સહાયથી શરૂઆતનાં બે વર્ષ દરમ્યાન જ ગુજરાત રાજ્યમાં લગભગ 400 પુસ્તકાલયો શરૂ થઈ ગયાં. મોતીભાઈ આમ ગુજરાતની પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા અને પ્રણેતા બન્યા. અખિલ હિન્દ પુસ્તકાલય પરિષદે 1932માં મોતીભાઈને ‘ગ્રંથપાલ ઉત્તમ પિતામહ’નું બિરુદ આપી તેમનું અભિવાદન કર્યું. આ ઉપરાંત તેમના જીવનનું એક ખૂબ જ મહત્વનું પ્રદાન 1924માં ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડ જેવી પ્રથમ સહકારી સંસ્થાની સ્થાપનાનું છે. આ દ્વારા ગુજરાતભરનાં નાનાં મોટાં પુસ્તકાલયો તેમ જ વાચનાલયો માટે યોગ્ય બજેટ બનાવવું, તેને સારાં પુસ્તકો-સામાયિકોની પસંદગી માટે માર્ગદર્શન આપવું તથા જે તે પ્રકાશન સરળતાથી મળી રહે તે માટે અનેક પ્રકારની સહાય કરવાનો આ સંસ્થાનો ઉદ્દેશ હતો. નાનાં પુસ્તકાલયોને ઘણા પ્રશ્ન હોય છે. દરેક પુસ્તકાલય વિવિધ સમાયિકોનાં લવાજમો ભરે, પ્રકાશકો પાસે પુસ્તકો મંગાવે તો તેના મનીઑર્ડર કે ડ્રાફટ વગેરેના ઘણા ખર્ચા આવે. તેને બદલે આ પુસ્તકાલયો આ સહકારી સંસ્થા દ્વારા આ સઘળો વહીવટ કરે છે જેથી તેમને સારો એવો ફાયદો થાય છે. આ ઉપરાંત આ સંસ્થાએ તેમનાં વહીવટી પત્રકો પણ એકસરખા કરી નાંખ્યા છે. તે પણ સંસ્થા દ્વારા સૌ પુસ્તકાલયોને સસ્તા ભાવે મળે છે અને ગુજરાતભરનાં પુસ્તકાલયોના વહીવટમાં એકસૂત્રતા આવે. નાનાં કેન્દ્રોમાં તો પુસ્તકની પસંદગીનો પણ મોટો પ્રશ્ન હોય છે. પુસ્તકાલયની પ્રવૃત્તિની સારી બાજુની પાછળની બાજુ પણ છે. જો યોગ્ય વાચનને અભાવે અશિષ્ટ વાચન પ્રવેશી જાય તો એટલું જ અહિત થઈ જાય. આ પ્રશ્નોની જવાબદારી પણ આ સંસ્થાએ ઉપાડી લીધી છે. નાનાં પુસ્તકાલયો માટે તે સારી પસંદગીવાળાં પુસ્તકો પણ ચૂંટી કાઢે છે.

આ ઉપરાંત આ સંસ્થા પોતે પણ પુસ્તક પ્રકાશન કરે છે, જેથી પોતાના ધ્યેય મુજબ તે પુસ્તકાલયોને સારું સાહિત્ય પૂરું પાડી શકે. આ ઉપરાંત ગુજરાતનાં અનેક ગામોમાં પુસ્તકાલય-પ્રવૃત્તિઓ માટે મળતાં દાનમાંથી કેટલાંક ટ્રસ્ટો ઊભાં થયાં છે. તેના વહીવટના પણ પ્રશ્નો હોય છે. આવાં સવાસોથી દોઢસો જેટલાં ટ્રસ્ટોના વહીવટની જવાબદારી પણ આ સંસ્થાએ ઉપાડી લીધી છે. આમ અનેક રીતે આ સંસ્થા ગુજરાતનાં નાનાંમોટાં પુસ્તકાલયોને ઘણી રીતે મદદરૂપ બને છે. પુસ્તકાલયોને મદદરૂપ થવા માટેની આવી અનેક પ્રવૃત્તિઓમાં એક વધારો કરતું ‘પુસ્તકાલય’ માસિક છેલ્લાં બાસઠ વર્ષથી એકધારું પ્રગટ થઈ રહ્યું છે. આ માસિકમાં ગ્રંથાલયોને મદદરૂપ થાય તેવા લેખો ઉપરાંત ગુજરાતના લગભગ મોટા ભાગના પ્રકાશકોના પ્રકાશન અંગેની જાહેરાતો આવે છે. જેથી પુસ્તકાલયોને નિત નવા પ્રગટ થઈ રહેલા સાહિત્યની માહિતી મળતી રહે છે. અને સામે પક્ષે પુસ્તક પ્રકાશકો માટે પણ પુસ્તકાલયો સુધી સીધા પહોંચવાનું એક માધ્યમ બની ગયું છે. આ માસિક બાસઠ વર્ષોમાં અનેકનાં સંપાદન-સૂઝ અને વૈવિધ્ય પામ્યું છે.

મોતીભાઈના જીવનનું એક મોટું પ્રદાન ગિજુભાઈને બાળશિક્ષણ ક્ષેત્રમાં પ્રસ્થાપિત કરવાનું છે. કેળવણીના ક્ષેત્રમાં એમણે બાલમંદિરથી માંડીને ઉચ્ચ કેળવણીક્ષેત્ર સુધી આત્મા રેડ્યો. વાત એમ બની હતી કે દરબાર ગોપાળદાસનાં પ્રથમ પત્ની એક પુત્ર મૂકીને મૃત્યુ પામ્યાં. તે પુત્રને કેળવવા મોતીભાઈએ દરબારને મોન્ટેસોરી પદ્ધતિ બતાવી. આ યોજનાનો લાભ દરબારના દીકરા ઉપરાંત ગામનાં બાળકોને પણ મળી શકે એ આશયથી દરબાર ગોપાળદાસે પોતાની જ હવેલીમાં બાલમંદિર શરૂ કરાવ્યું. આમ ગુજરાતનું સર્વપ્રથમ બાલમંદિર 1915ના જાન્યુઆરીની પહેલી તારીખે વસોમાં (વસોગામ) શરૂ થયું. એ જ વર્ષે ઑગસ્ટમાં બે બાળવર્ગ અને ચાર પ્રાથમિક વર્ગોવાળી કુલ છ વર્ગની ‘નવી ગુજરાતી શાળા’ ત્યાં શરૂ થઈ. આ હતી ગુજરાતની સર્વ પ્રથમ મોન્ટેસોરી શાળા. એ જ અરસામાં વસોમાં બાલપુસ્તકાલયનું મકાન પૂરું થયું અને એના ઉદઘાટન વિધિમાં દરબાર ગોપાળદાસ પોતાની સાથે વઢવાણના વકીલ ગિરિજાશંકર ભગવાનજી બધેકાને તેડતા આવ્યા. નવા પ્રયોગવાળી તે શાળા અને તેનાં સાધનોથી ગિરજાશંકરભાઈ પ્રભાવિત થયા. એમને બાળકેળવણીમાં રસ જાગ્યો. પ્રજાના વકીલ મટીને એ બાળકોના વકીલ બન્યા. ગિરજાશંકર વકીલ પછી તો બાળકોની ‘મૂછાળી મા’નું બિરુદ પામેલા ગિજુભાઈ બની ગયા. પછીથી બાળકેળવણીના ઝંડાઘારી ગિજુભાઈનું આમ સર્જન કરવામાં મોતીભાઈનો પરોક્ષ ફાળો નાનોસૂનો ન ગણાય ! 1916માં પૂનાની ડેક્કન એજ્યુકેશન સોસાયટી પરથી પ્રેરણા લઈ આણંદ ખાતે એમણે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મહાત્મા ગાંધીજીએ એમનું હીર પારખીને એમને ‘ચરોતરનું મોતી’નું પ્રેમભર્યું બિરુદ આપ્યું હતું.

સાચા અર્થમાં સેવાને વરેલા શ્રી મોતીભાઈએ કોઈ પણ પ્રવૃત્તિ સાથે પોતાનું નામ જોડવાની કે માનપાન પામવાની ક્યારેય ઝંખના રાખી નથી. એટલું જ નહીં પરંતુ એમની વિરલ કહી શકાય તેવી સેવાવૃત્તિને કારણે એક પ્રસંગે એમનો અભિનંદન-ગ્રંથ પ્રગટ કરવાનું વિચારાયેલું. બીજા એક પ્રસંગે કરાંચીના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પુસ્તકાલય વિભાગનું પ્રમુખસ્થાન લેવા આમંત્રણ અપાયેલું. આ બંને પ્રસંગો તેમણે નમ્રતાથી ટાળ્યા હતા. સભાસમારંભો, ભાષણો, ઉદ્દઘાટનો અને પ્રમુખસ્થાનોથી તે સદા દૂર રહ્યા હતા. 1939માં એમનું અવસાન થયું હતું.