ઝરમર – સંકલિત

[1] રોગીનો સવાલ – અજ્ઞાત

રક્તપિત્તનો એક રોગી રસ્તામાં બેસી હાથ લાંબો કરી ભિક્ષા માગી રહ્યો હતો. તેને બે પૈસા આપતાં એક જુવાને પૂછ્યું કે, ‘ભાઈ, તારું શરીર રોગથી લગભગ ખલાસ થવા આવ્યું છે, અને તારી ઈન્દ્રિયોનો બરાબર ઉપયોગ કરવાની શક્તિ પણ તારામાં રહી નથી, તો પછી આટલું કષ્ટ વેઠીને જીવવાની પીડા શીદને ભોગવી રહ્યો છે ?’ ત્યારે રોગીએ ઉત્તર આપ્યો : ‘આ સવાલ કદીક કદીક મારા મનને પણ સતાવે છે ને તેનો જવાબ મને જડતો નથી. પણ કદાચ હું એટલા માટે જીવી રહ્યો હોઈશ કે મને જોઈને માનવીને ખ્યાલ આવે કે તે પોતે પણ ક્યારેક મારા જેવો બની શકે છે, અને સમજે કે સુંદર દેહનું અભિમાન રાખવા જેવું નથી.’

[2] આંખ સામે જ ! – રજનીશ

ઈજિપ્તમાં એક જૂની કહેવત છે કે જે વસ્તુ માણસથી છુપાવવી હોય, તે તેની આંખની સામે મૂકી દો; પછી તે એને જોઈ નહીં શકે. તમને યાદ છે, કેટલા દિવસોથી તમારી પત્નીનો ચહેરો તમે નથી જોયો ? ખ્યાલ છે તમને કે તમારી માતાની આંખમાં આંખ પરોવીને ક્યારથી તમે નથી જોયું ? પત્ની એટલી મોજૂદ છે, માતા એટલી નજીક છે, પછી જોવાનું શું ? પત્ની મરી જાય છે, તો ખબર પડે છે કે એ હતી. પતિ જઈ ચૂક્યો હોય છે ત્યારે યાદ આવે છે કે અરે, આ માણસ આટલો વખત સાથે રહ્યો, પરંતુ પરિચય જ ન થયો ! આથી તો લોકો સ્વજનના મરણ ઉપર આટલું રુદન કરે છે. તે રડે છે એ મરણને કારણે નહીં, પણ એટલા માટે કે આટલા દિવસોથી જેની સાથે હતા તેને આંખ ભરીને જોયા પણ નહીં; તેની ધડકનો સાંભળી ન શક્યા, એની સાથે કોઈ પરિચય થઈ ન શક્યો; તે અજાણ્યા જ રહ્યા ને અજાણ્યા જ વિદાય થઈ ગયા ! અને હવે તેનો કોઈ ઉપાય નથી.

તમારું સ્વજન ચાલ્યું જાય ત્યારે તમે એટલા માટે રડો છો કે એક તક મળી હતી અને ચૂકી ગયા; તેને આપણે પ્રેમ પણ ન કરી શક્યા. ઈજિપ્તના ફકીરો એટલે એ વાત કહેતા હતા કે કોઈ ચીજને છુપાવવી હોય તો તેને લોકોની આંખો સામે મૂકી દો. ચીજ જેટલી નજીક હોય છે, એટલી જ વધુ નજર બહાર નીકળી જાય છે.

[3] ધન્ય એ વેઈટરને ! – યશવંત કડીકર

એકવાર હું મારાં પત્ની સાથે આસામ ફરવા ગયો હતો. આસમમાં ફરતાં મને જાણવા મળ્યું કે – અહીં તો પૂરું રામરાજ્ય છે. એટલે કે અહીંના લોકો ખૂબ જ ઈમાનદાર છે. એક દિવસ અમે શિલૉંગ ફરવા ગયા. ત્યાં ફરતાં-ફરતાં મારી પત્નીના હાથમાંથી કીમતી રેશમ શાલ એક મોટા અને ઊંડા નાળામાં પડી ગઈ. આ શાલ મારી બાની હતી. મારી પત્ની તો ખૂબ જ ગભરાઈ ગઈ. એની બેદરકારી માટે ગુસ્સો તો મને પણ આવ્યો હતો. મારી પત્ની તો આ શાલ નાળામાંથી કેવી રીતે બહાર કાઢી શકાય, એના વિચારોમાં હતી.

ત્યાં જ એકાએક એને કંઈક સૂઝ્યું. સામે જ એક નાનું ‘રેસ્ટોરન્ટ’ હતું. તે ત્યાં પહોંચી. લોકો જોતા જ રહ્યા કે આ બહેન શું કરી રહ્યાં છે ? એણે ‘રેસ્ટોરન્ટ’ના માલિકને વિનંતી કરી કે જો એમની પાસે કોઈ લાંબો દંડો હોય, તો આપે. એણે બધી વાત એમને કહી. ત્યાં ‘રેસ્ટોરન્ટ’નો એક વેઈટર ઊભો હતો. તે આ બધી વાત સાંભળી રહ્યો હતો. તે બોલ્યો : ‘બહેન, તમે જાઓ. હું દંડો લઈને આવું છું.’ તે અમારી પાછળ-પાછળ જ દંડો લઈને આવી ગયો. એણે દંડાથી શાલ કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એને સફળતા ના મળી. પછી તે નાળામાં નીચે ઊતરવા લાગ્યો. અમે એને વારંવાર નીચે ઊતરવાનું ના કહેતા રહ્યા, છતાં તે તો નીચે ઊતરી ગયો. જોતજોતામાં તો તે શાલ લઈને ઉપર આવી ગયો. એણે શાલને એક બાજુએ મૂકી અને દોડતો રેસ્ટોરન્ટમાં જઈને ગરમ પાણી લઈ આવ્યો. ગરમ પાણીથી શાલને સારી રીતે ધોઈને ‘પૉલિથીન બૅગ’માં મૂકીને અમને આપી. મેં ખુશ થઈને ઈનામ પેટે હજાર રૂપિયા આપવા માંડ્યા, તો એણે ઈનામ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી. કહેવા લાગ્યો – ‘સાહેબ, કેવી વાત કરો છો. આપ તો અમારા દેશમાં ફરવા માટે આવ્યા છો. આ તો અમારી ફરજ છે કે અમે આપને મદદ કરીએ.’ અમે એના તરફ કૃતજ્ઞતાપૂર્વક જોઈ રહ્યા. એણે આ પ્રમાણે કરીને એના પોતા માટે તો આદર્શ રજૂ કર્યો, ઉપરાંત પોતાના રાજ્યનું માન પણ વધાર્યું.

[4] સ્વાસ્થ્યની ચાવી – ગુણવંત શાહ

માંદગી કોઈ ખાનગી ગરબડનું બીજું નામ છે. ખરી ગરબડ મનમાં શરૂ થાય છે. શરીર તો એ ગરબડની ચાડી ખાય છે. ભવિષ્યમાં વિજ્ઞાન એવું જરૂર સાબિત કરશે કે માણસના ઘણાખરા રોગો દ્વેષમૂલક, ઈર્ષ્યામૂલક અને વેરમૂલક હોય છે. ક્ષમા, ઉદારતા રોગશામક છે. પ્રેમ રોગમુક્ત થવામાં મદદરૂપ થાય છે. શાંતિ આરોગ્ય માટે અત્યંત ઉપરકારક છે. એક વિચારક કહે છે કે, ‘તંદુરસ્તી જો દવાની બોટલમાં મળતી હોત તો દરેક જણ તંદુરસ્ત હોત.’ તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિઓએ પ્રાર્થના કરેલી : ‘હે ભગવાન ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર રહો.’

રોગ કંઈ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યે આવે અને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે. ટેકનોલોજી એટલે તાણોલોજી ! ટેકનોલોજી આપણને સગવડપૂર્વક બેઠાડુ બનાવે છે. અને બેઠાડુ માણસ રોગની સગવડ પૂરી પાડતો હોય છે. બેઠાડુ માણસનું તખ્ખલુસ ‘બંધકોષ બંદોપાધ્યાય’ હોવું જોઈએ. તમે એને ઘણી વાર મળી ચૂક્યા છો. હેલ્થ ઈન્સ્યુરન્સનું પ્રીમિયમ કેટલું ? નિયમિત કસરત અને માફસરનો આહાર ! કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે તાતા છો, ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે બિરલા છો. કોઈ ખોટી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો. કોઈને છેતરતી વખતે ખચકાટ થાય તો માનવું કે તમે સજ્જન છો. જો ઘણુંખરું આનંદમય રહેતા હો તો માનવું કે તમે ‘તમે’ છો.

[5] મૌનનો સમય – ફીલ બૉસ્મન્સ (ભાવાનુવાદ : રમેશ પુરોહિત)

તમારી પાસે કોઈક વખત પાંચેક મિનિટનો સમય છે ?
તમને ખબર છે તમારે શું કરવું જોઈએ ? સહેજ વિચારો !
તમારી આસપાસ મૌન પથરાઈ જાય એવું કંઈક કરી લો.
તમે રેડિયો અને સ્ટીરિયો બંધ કરી દો. ટી.વી. અને
પ્રકાશની ઝાકમઝોળ બધું જ બંધ કરી દો,
બંધ કરી દો પુસ્તકો, અખબારો અને સામાયિકો.
આપણાં ભૌતિક સુખોની નાગચૂડમાંથી મુક્ત થઈ જાઓ.
ભય પમાડે એવી જળોની જેમ આ સમાજ તમને વળગ્યો છે અને એ તમારી
રહીસહી સ્વતંત્રતા અને તમારા આત્માને ચૂસી લે છે હીન સાધનોથી.
તો તમે તમારી આસપાસની તમામ વસ્તુઓને ચૂપ કરી દો.
તમારી ભીતર પણ નીરવતાને ઠરવા દો. તમે તમને પણ પામો.
તમારે એ પણ જાણી લેવું જોઈએ કે તમે ખરેખર જીવો છો ખરા ?
કે પછી તમે મોજશોખની વસ્તુઓમાં, પૈસા બનાવવાની દોડધામમાં,
ખરીદીમાં, ભોગવવામાં, ફૅશનપરસ્તીમાં, નફાખોરીમાં અને કશુંક
હાંસલ કરવાની લાયમાં લપટાયા છો ?
પારાવાર પરિષદોમાં તમે બોલબોલ કર્યા કરો છો, વિરોધ નોંધાવો છો.
વિશ્વના ગરીબોને તમારા શબ્દોથી, તમારી ધારદાર દલીલોથી,
તમારા વિરોધી સૂરોથી કે અનેક ઠરાવોથી કશુંયે કરી શકતા નથી.
આ બધાથી એ લોકો થાકી ગયા છે, કારણ કે તેઓની પાસે
જે નથી એવી તમામ વૈભવી ચીજોના ભાર નીચે તમે ખુદ કચડાઈ રહ્યા છો.
તમારું ભોગવિલાસનું અકરાંતિયાપણું ઓછું થાય અને એનો ભાવ અને
તાવ ઊતરી જાય તો જ એ લોકો તમને ગંભીરતાથી સ્વીકારશે.
તમારો તમામ વસ્તુઓને ઓહીયાં કરી જતો તાવ ઉતારવાનો ઈલાજ મારી
પાસે છે : એ છે સંયમ, પોતાની બાદબાકી અને સમર્પણ !
(‘અખંડ આનંદ’માંથી સાભાર.)

[6] ગઝલ – અંકિત ત્રિવેદી (‘ગઝલપૂર્વક’માંથી સાભાર.)

જ્યારે મળું ગઝલમાં ખૂબ જ નજીક લાગે,
પંડિતનો સાથ લઉં છું, તો માથાઝીક લાગે.

માણસના વેશમાં અહીં ઈશ્વર ઘણા મળે છે,
ઈશ્વરને જઈ કહો કે માણસ કદીક લાગે.

અર્પણ કરું છું સઘળું, કાયમ પડે છે ઓછું,
થોડુંક પણ એ આપે તો પણ અધિક લાગે.

ઉપરથી તો બધાની જેમ જ ગમાડવાનું,
છો ખાનગીમાં તમને ઠીક ઠીક લાગે.

ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.

[7] ફૂલો એટલે… – અજ્ઞાત

પ્રસિદ્ધ અંગ્રેજ નાટ્યકાર જ્યૉર્જ બર્નાર્ડ શો એમના ચાતુર્ય માટે સર્વત્ર પ્રસિદ્ધ હતા. એમનું હૃદય ઉમદા માનવીય ભાવોથી ભરેલું હતું. એ જમાનામાં બ્રિટનવાસીઓને ફૂલદાનીનો આંધળો શોખ જાગ્યો હતો. ઘરની સજાવટમાં ફૂલદાનીનું ઘણું મહત્વ હતું. કોઈ પણ ઘરમાં પ્રવેશો એટલે ઠેર ઠેર જુદાં જુદાં ફૂલોની ગૂંથણી કરીને તૈયાર કરેલી ફૂલદાનીઓ જોવા મળતી. જ્યૉર્જ બર્નાર્ડ શૉનો એક મિત્ર એમને મળવા આવ્યો. શૉના ઘરમાં પ્રવેશતાં એણે જોયું તો કોઈ પુષ્પ-સજાવટ નહોતી. ફૂલદાનીની વાત તો દૂર રહી, પરંતુ ક્યાંય કોઈ ફૂલ પણ નજરે ચડતું ન હતું.

આગંતુકે આશ્ચર્યથી પૂછ્યું : ‘હું તો એમ માનતો હતો કે આપ ફૂલને ખૂબ ચાહો છો, તેથી આપનું ઘર રંગબેરંગી ફૂલદાનીઓથી સુશોભિત હશે. પરંતુ મારે માટે આશ્ચર્યની વાત એ છે કે આપના ઘરમાં ફૂલદાની તો શું, પણ એક નાનું સરખું ગુલાબ પણ જોવા મળતું નથી.’
જ્યોર્જ બર્નાર્ડ શૉએ કહ્યું : ‘આપની વાત સાચી છે. હું ફૂલોને પુષ્કળ ચાહું છું, પણ મારો પ્રેમ અનોખો છે.’ આગંતુકને જિજ્ઞાસા થઈ કે આ અનોખો એટલે શું ? બધાં ફૂલોને ચાહતા હોય છે, એમાં વળી કયા પ્રકારનું જુદાપણું ?
જ્યોર્જ બર્નાડ શૉએ કહ્યું : ‘મારે મન આ ફૂલો એટલે નાનાં કુમળાં બાળકો. હું જેટલાં બાળકોને ચાહું છું, એટલાં આ ફૂલોને ચાહું છું. નાનકડા નિર્દોષ શિશુને જોઈને આપણને કેટલું બધું વહાલ થાય છે ! પણ એ વહાલને આપણે તોડી-મચડીને વ્યક્ત કરતા નથી. બસ, આ જ રીતે સુંદર રંગબેરંગી પુષ્પોને તોડીને એનાથી ફૂલદાની સજાવવાની ગુસ્તાખી હું કરી શકું નહીં.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમજણનો સૂરજ – દુર્ગેશ ઓઝા
ગુજરાતમાં પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન – રજની વ્યાસ Next »   

13 પ્રતિભાવો : ઝરમર – સંકલિત

 1. જય પટેલ says:

  રક્તપિત્તના દર્દીનો જવાબ…..કદાચ હું એટલા માટે જીવી રહ્યો હોઈશ કે….
  …….સમજે કે સુંદર દેહનું અભિમાન રાખવા જેવું નથી.

  A beautiful face is the signature of the God…….થી તદ્દન ઉલટી વાત.
  આ દર્દીની બુધ્ધિમત્તાને સલામ…!!!

 2. Akash says:

  વાન્ચિ ને સરસ લાગ્યુ..

 3. amol says:

  ખૂબ જ સરસ કૃતિઓ….
  આભાર…..

 4. Paresh says:

  સુંદર સંકલન.

 5. સુંદર સંકલન…

  એમાં યુવા કવિશ્રી અંકિત ત્રિવેદીની ગઝલ સહેજ ઢંકાઈ ગઈ હોય એમ મને લાગે છે…!!
  અંકિતના વિચારો અને એના ખયાલો સાવ અલગ જ હોય છે.
  કેટલું સહજ અને સચોટ કહી દીધું અંકિતે….

  “માણસના વેશમાં અહીં ઈશ્વર ઘણા મળે છે,
  ઈશ્વરને જઈ કહો કે માણસ કદીક લાગે.”

  શુભાન અલ્લાહ…આફરીન….આફરીન….આફરીન…

 6. Punit Patel says:

  Best :
  કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે તાતા છો, ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે બિરલા છો. કોઈ ખોટી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો. કોઈને છેતરતી વખતે ખચકાટ થાય તો માનવું કે તમે સજ્જન છો.

 7. Harsh Gandhi says:

  xellent line.. kkep it up.. so we can read new…

 8. Veena Dave, USA says:

  ખુબ સરસ.

 9. Chirag Patel says:

  Oh My God! These are so amazing and so eye opening articals…. Amaazing… Loved the 2nd Artical about Egyptions Saying… Love it!!!!! One of the best aritcals in the site….

  Thank you,
  Chirag Patel

 10. nim says:

  સુન્દર,

  જીવન મા ઉતારવાની કોશિશ કરીએ.

  ધન્યવાદ

  નિમ

 11. Naresh (Dubai) says:

  કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે તાતા છો, ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે બિરલા છો. કોઈ ખોટી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો. કોઈને છેતરતી વખતે ખચકાટ થાય તો માનવું કે તમે સજ્જન છો.

  everybody should belive this sentence,,,,,,,,,jivan ma pachi kyarey afsos nahi rahe,,,,,,,,
  exellent……….

 12. Manish says:

  આ લેખ મને ઘણોજ ગમ્યો. રિડગુજરાતી ના માધ્યમથી ગુજરાતી ભાષા, ગુજરાતી લોકોની આપ ઘણી સેવા કરી રહ્યા છો. આપને ખુબ-ખુબ અભિનન્દન
  (મનીષ જાની)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.