ચણતરની ઈંટ – કોકિલા દવે

[ બાળવાર્તા – ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

એક ગામમાં બે મિત્રો હતા. એકનું નામ મૌલિક અને બીજાનું નામ મીત હતું. એક દિવસ મૌલિકે મીતને કહ્યું : ‘જો મારી પાસે ચાળીસ હજાર રૂપિયા હોત તો હું કોઈ વેપાર શરૂ કરી દેત. મારી પાસે અત્યારે વીસ હજાર રૂપિયા છે. જો તું મને વીસ હજાર રૂપિયા આપે તો આપણે ભાગીદારીમાં ધંધો શરૂ કરીએ.’ મૌલિકની વાત મીતના ગળે ઊતરી ગઈ. બન્ને મિત્રોએ ભેગા મળી કાપડનો ધંધો શરૂ કર્યો. નસીબે યારી આપી અને ભાગ્ય ખૂલી ગયું. ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો.

એક દિવસ અચાનક મીતનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. મીતનો મોટો દીકરો પ્રેમનાથ ત્યારે વીસ વર્ષનો હતો. પોતાના પિતાના મૃત્યુનો આઘાત લાગ્યો હતો. પિતાનું કારજ પતાવી-તેના પિતાએ જ્યાં કાપડનો ધંધો ચાલુ કર્યો હતો ત્યાં આવ્યો. હવે બન્યું હતું એવું કે જ્યારે મીત અને મૌલિકે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો ત્યારે જે દસ્તાવેજ કરવાની જરૂર હતી તે કોઈ કારણસર કરી શક્યા નહીં. એ સમયે મીતે મૌલિકને કહ્યું હતું કે : ‘મારે મારા વતનમાં જવું પડશે. મારી માતાની હાલત ગંભીર છે. મારા ત્યાં પહોંચ્યા પહેલાં જ મારી માતા મૃત્યુ પામશે તો મને અફસોસ થશે કે હું મારી માતાને ન મળી શક્યો. માટે તું જે કંઈ કરે છે તેના પર મને વિશ્વાસ છે. તું તારું નામ લખાવી નાખજે, જ્યારે હું આવીશ ત્યારે કાઝી પાસે જઈને મારું નામ ઉમેરી દઈશ.’ અચાનક મીતના મૃત્યુના સમાચાર સાંભળીને મૌલિકના મનમાં લોભ-લાલચનો કીડો સળવળી ઊઠ્યો. બધા જ વ્યાપાર પર પોતાનો અધિકાર જમાવી લેવાનો તેના મનમાં વિચાર ઊભરવા લાગ્યો.

મીતના દીકરા પ્રેમનાથે દુકાન પર આવીને કહ્યું : ‘કાકા, હવે આપ અમારા વડીલ છો. હવેથી હું મારા પિતાજીની જગ્યાએ બેસીશ. તમે મને બધી કળા શીખવાડજો.’
‘હું તને મારી દુકાનમાં નોકરી પર રાખી શકું તેમ છું, કારણ કે તું મારા સ્વર્ગસ્થ મિત્રનો દીકરો છે.’ મૌલિક તેના પ્રત્યે હમદર્દી બતાવવા લાગ્યો.
‘નોકરી ?’ પ્રેમનાથે મૂંઝાઈને પૂછ્યું, ‘મારી જ દુકાનમાં મારે નોકરી કરવાની ?’
‘આ દુકાન તો મારી છે. દુકાનનાં બધાં કાગળિયાં મારે નામે છે.’
‘તમે શું વાત કરી રહ્યા છો ? જેટલો આ વેપારમાં તમને હક્ક છે તેટલો જ મારા પિતાનો છે. તેમણે પણ આ વેપારમાં સરખો હિસ્સો આપ્યો છે. તે બધા જાણે છે.’
‘બધાના જાણવાથી ભાગીદાર થોડા થવાય ? એમણે જે પૈસા આપ્યા છે એ પૈસા તને વ્યાજ સહિત ચૂકવી આપીશ.’

પ્રેમનાથ સમજી ગયો કે પિતાના ચાલ્યા જવાથી એમની નિયતિ બદલાઈ ગઈ છે. એમણે સ્થાપેલા વેપાર પર બધો અધિકાર જમાવવા માગે છે. પ્રેમનાથ ઘેર આવ્યો. પોતાના મોટા ભાઈને આવીને બધી વિગત કહી. તેની આંખમાં પણ આંસુ આવી ગયાં. ભાઈએ કહ્યું : ‘ભાઈ, મેં પિતાશ્રીને પહેલાં જ કહ્યું હતું કે તમે ભાગીદારીમાં તમારું નામ લખાવી નાખો. વેપાર દસ્તાવેજમાં મિત્રતાનું કોઈ સ્થાન નથી. ગમે ત્યારે મતિ બદલાઈ જાય. હવે તું કાઝી પાસે જા. તે તને જરૂર ન્યાય આપશે.’

પ્રેમનાથે કાઝી પાસે જઈને વિગતથી બધી વાત કહી સંભળાવી. કાઝીએ મૌલિકને પોતાની અદાલતમાં બોલાવીને પૂછ્યું : ‘મૌલિક, પ્રેમનાથે તારા વિરુદ્ધ ફરિયાદ કરેલી છે. એમાં તારે કંઈ કહેવું છે ?’
‘એમાં મારે શું કહેવાનું હોય ? વેપાર તો મારો જ છે. મેં મીત પાસેથી વીસ હજાર રૂપિયા લીધા હતા. તે તેને વ્યાજ સહિત પાછા આપવા માટે તૈયાર છું.’
‘આ અન્યાય છે.’ પ્રેમનાથે કહ્યું : ‘વીસ હજાર રૂપિયા આપીને કરોડોના માલિક થઈને બેસવું છે. સાચી વાત તો એ છે કે આ વીસ હજાર રૂપિયા તેમણે પોતાની માતા પાસેથી લીધા હતા.’
‘પિતાજીએ આ રૂપિયા આપીને ધંધામાં ભાગીદારી કરી હતી. આજે આ કરોડોના વેપારમાં જેટલો તમારો હક્ક છે એટલો જ મારા પિતાશ્રીનો છે.’
કાઝીએ થોડી વાર કંઈક વિચાર કર્યા પછી કહ્યું : ‘કાગળોમાં ફક્ત મૌલિકનું નામ છે એટલે વેપાર પણ એમનો જ ગણાય.’
‘કાઝીસાહેબ, મેં આપના ન્યાયની ઘણી વાતો સાંભળી હતી, પણ તમે દગાખોરનો જ પક્ષ લીધો.’ પ્રેમનાથે કહ્યું.
કાઝીએ કહ્યું : ‘ભાઈ, ન્યાય ભાવના નહિ, પણ નક્કર પુરાવા માગે છે. મૌલિકના પક્ષે ન્યાય થાય છે.’ મૌલિક ખુશ થતો થતો પોતાના ઘેર ગયો.

થોડા દિવસો બાદ મૌલિક એક નવી હવેલી બાંધવા લાગ્યો. જે ભાઈની ઈંટો વખણાતી હતી તેમની પાસે ઈંટો માગી ત્યારે ઈંટોવાળા ભાઈએ કહ્યું : ‘ભાઈ, મારી પાસે હાલમાં ઈંટો નથી. બનાવતાં થોડા દિવસ લાગશે.’ સંજોગવશાત કાઝી ત્યાંથી પસાર થતા હતા. મૌલિકની વાત સાંભળીને કાઝીએ કહ્યું : ‘મારી પાસે થોડી ઈંટો પડી છે. તમે ઈચ્છો તો હાલ તુરત તેનો ઉપયોગ કરી શકો છો, પણ આ જ ઈંટો મને પાછી આપી દેજો.’
‘કાઝીસાહેબ, આપનો ઘણો આભાર.’ કહીને મૌલિકે કાઝીના ઘરેથી ઈંટો મંગાવીને પોતાની હવેલીના પાયા પૂરવામાં ઉપયોગ કર્યો. આ બાજુ પેલા ઈંટવાળાએ દસ-બાર લારી ભરીને મોકલાવી દીધી. ચાર મહિનામાં મૌલિકની ભવ્ય હવેલી બંધાઈ ગઈ.

એક દિવસ કાઝીએ આવીને કહ્યું : ‘મૌલિક, મારે હવે ઈંટોની જરૂર પડી છે. મારી ઈંટો મને પાછી આપ.’
‘હું આજે જ ઈંટવાળાને કહીને આપની એક હજાર ઈંટો આપના ઘેર મોકલી આપીશ.’
‘જ્યારે મને ઈંટો મોકલે ત્યારે મેં તને જે ઈંટો આપી હતી તે જ ઈંટો મારે જોઈએ. મેં તને ઈંટો આપી ત્યારે જ કહ્યું હતું કે જે હું તને ઈંટ આપું છું તે જ ઈંટ મારે જોઈએ.’
‘કાઝીસાહેબ, આપની એ ઈંટો કેવી રીતે પરત કરી શકું ? એ ઈંટોનો ઉપયોગ પાયો પૂરવામાં કરી નાખ્યો છે.’
‘તો પાયો ઉખેળીને આપી દે.’
‘કાઝીસાહેબ, આ તમે કેવી વાત કરો છો ? પાયો ઉખેળીને ઈંટ કાઢવા જતાં મારી આખી હવેલી જમીનદોસ્ત થઈ જશે.’
મૌલિકની વાત સાંભળીને કાઝીએ હસીને કહ્યું : ‘જો મૌલિક એ વાતનો તો તું પણ સ્વીકાર કરી ચૂક્યો છે કે પાયાનું કેટલું બધું મહત્વ હોય છે. તારા વેપારનું આ વિશાળ સામ્રાજ્ય પણ મીતે વીસ હજાર રૂપિયા ન રોક્યા હોત તો આજે તારો આ લાખો રૂપિયાનો વેપાર પણ ન હોત. તે તારો સમાન ભાગીદાર હતો. હવે કાં તો તું તેના દીકરાને તારા કારોબારમાંથી અડધો હિસ્સો આપ અથવા આ હવેલીના પાયામાં વપરાયેલી મારી એક હજાર ઈંટો મને પરત કર.’

કાઝીસાહેબની વાત સાંભળીને મૌલિક વિચારમાં પડી ગયો. કાઝીએ તેના પર તેના વળતા દાવનો જ ઉપયોગ કર્યો છે. તેનું શરમથી નીચું માથું ઝૂકી ગયું. તેણે કાઝીને કહ્યું : ‘કાઝીસાહેબ, મને માફ કરી દો. મારા પર લોભ-લાલચનું ભૂત સવાર થઈ ગયું હતું. હવે હું પ્રેમને વેપારનો અડધો હિસ્સો સોંપવા તૈયાર છું.’ આ રીતે પ્રેમનાથને પોતાનો હક્ક મળી ગયો. ફરી એક વાર કાઝીના ન્યાયની સર્વત્ર પ્રશંસા થવા લાગી. (બોધ : સાચો ન્યાય પોતાની તરફેણમાં હોય છે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રોફેસરની બારમાસી – જયાનંદ દવે
મનાઈ છે – ચૈતન્ય અમૃતલાલ શાહ ‘પરેશાન’ Next »   

11 પ્રતિભાવો : ચણતરની ઈંટ – કોકિલા દવે

 1. સરસ બોધ પ્રેરક વારતા.

 2. Pankaj Vithlani says:

  Kaji’s justice is more practical than today’s Court Judgments – Good Story

 3. Veena Dave, USA says:

  સરસ વારતા.

 4. Balkrishna Shah,Vile Parle says:

  ટુંકી પણ સારી બોધ કથા. સમાજનું નૈતિક સ્તર ઉચું લાવવા માટે આવી ટુંકી બોધ કથાઓ જરુરી છે.

 5. કલ્પેશ says:

  આજે ન્યાય માત્ર ચોપડામા બંધ થઇ ગયો છે. આવા સમજુ ન્યાયી કયાથી મળે?

 6. nayan panchal says:

  જેવા સાથે તેવા.

  સરસ બોધપ્રદ વાત.

  નયન

 7. Ashish Dave says:

  A while back I remember reading similar story in Champak. Thanks for reminding my old days…

  Ashish Dave
  Sunnyvale, California

 8. Viren Shah says:

  આ વાર્તા જયારે બાળક તરીકે મેં સાંભળી હતી ત્યારે સુંદર ન્યાય બદલ ખુશી થઇ હતી.
  પરંતુ આજે આ વાર્તામાંથી બોધપાઠ એ લેવો જોઈએ કે તમારે તમારા કાગળિયાં બરોબર રાખવા જોઈએ અને ગમે ત્યાં સહી કરતા પહેલા ધ્યાનથી વાંચવા જોઈએ. ધારોકે મિત્રને બદલે બેંક જોડે કરાર કર્યો હોય અને બેંક માંગે ત્યારે કાગળ ના હોય તો ન્યાય કઈ રીતે મળે? આવું કહીને દગાખોર વ્યક્તિની ફેવર કરવાનો ઈરાદો નથી પણ તમે તમારું ઘર ખુલ્લું રાખી અને બહાર પાટિયું મારો કે “ચોર, પ્લીઝ અહી ચોરી કર” તો શું થાય?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.