પ્રોફેસરની બારમાસી – જયાનંદ દવે
[આજથી સાઠ વર્ષ પહેલાં પ્રોફેસરો ભણાવવામાં એટલા વ્યસ્ત રહેતા હતાં કે માંડ થોડા દિવસો તેમને પરિવાર સાથે ગાળવા મળતા. એવા એક પ્રોફેસરની પત્નીએ પાત્ર દ્વારા ફરિયાદ રૂપે પોતાની વાત રજૂ કરી છે. કાવ્યનો ઢાળ ‘રઘુપતિ રામ રુદેમાં રે’જો રે’ના પ્રચલિત ગીત પ્રકારનો છે. પ્રસ્તુત છે ‘પ્રોફેસરની બારમાસી’ અખંડ આનંદ માર્ચ-2009માંથી સાભાર.]
સખી ! જૂન આવ્યો જીવ ખાતો રે,
મારા ‘ઈ’નો મિજાજ ન માતો રે;
ખૂલી કૉલેજું કેરી મ્હોલાતો :
પ્રોફેસર શ્યામ ! રુદેમાં રે’જો રે…..
સખી ! માસ જુલાઈ જુગ જેવો રે,
ઝાઝો ન મળે રજાયુંનો મેવો રે;
જેમ તેમ કરી વેઠી લેવો : પ્રોફેસર શ્યામ !….
સખી ! ઑગસ્ટ ઉર અતિ ભાવે રે,
છાશવારે રજાયું લઈ આવે રે;
‘ઈ’ને કરવી કવિતાયું ફાવે : પ્રોફેસર શ્યામ !…..
સખી ! માસ સપ્ટેમ્બર આવે રે,
ઓ રે, ઓરી ‘ટર્મિનલ’ લાવે રે;
‘ઈ’ તો લાંબી નોટ્યું લખાવે : પ્રોફેસર શ્યામ !….
સખી ! ઑક્ટોબરે ઉર નાચે રે,
માસ એક વૅકેશન સાચે રે;
(તોયે) ‘ઈ’ તો ગોખણપટ્ટીમાંહી રાચે : પ્રોફેસર શ્યામ !….
સખી ! માસ નવેમ્બર નઠારો રે,
હોંશ હૈયાં તણી હણનારો રે;
‘ઈ’ના રોફ વધારણહારો : પ્રોફેસર શ્યામ !….
સખી ! ટાઢ્ય ડિસેંબરે વાધે રે,
નવા રોજ ગરમ શૂટ કાઢે રે;
મોડી રાતે કવિતા આરાધે : પ્રોફેસર શ્યામ !…..
સખી ! જાનેવારી જાન લે છે રે,
‘ઈ’ તો ઝાઝેરું બા’ર જ રે’છે રે;
કાં કે રોજ રિહર્સલ’ ચાલે છે : પ્રોફેસર શ્યામ !…..
સખી ! ફિક્કો ફેબ્રુઆરી આવે રે,
‘ઈ’ તો ‘એકસ્ટ્રા લેક્ચરો’ લગાવે રે;
‘પ્રિલિમિનરી’ દોડતી આવે : પ્રોફેસર શ્યામ !….
સખી ! માર્ચ માસે ફૂલ ફોર્યાં રે,
(તોય) નવ મારા મનોરથ મ્હોર્યા રે;
‘ઈ’નાં ચિત્ત પરીક્ષાએ ચોર્યાં : પ્રોફેસર શ્યામ !…..
સખી ! એપ્રિલ હૈયું હસાવે રે,
ખાસ્સું લાંબું વૅકેશન લાવે રે;
(પણ) યુનિવર્સિટી-પેપરો આવે : પ્રોફેસર શ્યામ !…..
સખી ! મે મહિને બહુ મ્હાલ્યાં રે,
માથેરાન હવા ખાવા હાલ્યાં રે;
ત્યાં યે ‘તૈયારી’ એ ઘર ઘાલ્યાં : પ્રોફેસર શ્યામ !……
Print This Article
·
Save this article As PDF
ખુબ સુંદર….
શિક્ષકો અને પ્રોફેસરો માટે એવી માન્યતા છે કે ૬ મહિના નોકરી ને ૬ મહિના રજાઓ….બાકી એ વાત સાચી છે કે ખોટી એ તો ખાલી શિક્ષકો અને પ્રોફેસરો જ જાણે.
બીજાની થાળીનો લાડવો હંમેશા મોટો જ લાગવાનો.
એ.સી. માં કામ કરનારને કે કાચની કેબિનમાં બેસનારને જેલ જેવુ’ય લાગતુ હોય ને ખુલ્લા ખેતરમાં, પ્રકૃતિના સાનિધ્યામાં કામ કરનારને એ.સી. માં બેઠેલાની ઇર્ષા આવતી હોય.
પહેલા રહેતુ હશે આટલુ બધુ કામ શિક્ષકો અને પ્રોફેસરોને, બાકી અત્યારે તો –
બીજા ધંધામા ખટપટ, માસ્તરમા મજા,
૬ મહિના ભણાવવાનુ ને ૬ મહિનાની રજા…!!
શિક્ષણનું વ્યવસાયીકરણ થયાં પછીથી સમાજમાં શિક્ષકો પ્રત્યે માન ઓછું થયું છે. તેના અનેક કારણો પણ છે જેની હાલમાં ચર્ચા અપ્રસ્તુત છે.
શિક્ષકોનો ખરો વ્યવસાય ભણતર અને ઘડતર બંને નો છે……અને તેમના આ પાસાને ધ્યાનમાં રાખતાં તેમને મળતો ‘આરામ’ તેની જ્ગ્યાએ યોગ્ય છે. તેને એક સામાન્ય પગારદાર કર્મચારી માત્ર બનાવી દેવાથી દેશને ઘણું નુકશાન થયું છે….તેમનો જો ખરો ઉપયોગ રાષ્ટ્ર ધડતરમાં ઘણો ફાળો આપી તેમ છે.
આજે સમાજમાં લોકો બધાંમાં નાણાંકીય મુલ્ય શોધતાં થઈ ગયા છે ત્યારે મારી આ વાત બહું જુજ લોકો સુધી જ પહોંચી શકશે….તેવી મને શંકા છે.
મોરબી ગામમા જયાનન્દકાકા અને કાકીને ઘણી વાર મળી છુ.
ઘણી સરસ કવિતા..આ કવિતા અક્શર્સહ સાચી છે… મારા પપ્પા પણ અધ્યાપક હતા.
ઉનાળાના વેકેશનમા પણ પેપર તપાસવાના હોય એટલે ક્યારે ય તે ફરવા ગયાનુ યાદ નથી
કવિતાની શૈલીને લીધે મજા આવી ગઈ.
ખૂબ આભાર,
નયન
Brillient…
Ashish Dave
Sunnyvale, California
ખુબ સરસ સાચી વાત છે શીક્ષકો પાસે કામ તો હોય જ