ચાર પ્રશ્નો – રામચંદ્ર ચૌહાણ

એક દિવસ બિરબલ અને અન્ય વિદ્વાનો બેઠા હતા અને સમાજની વાતો સાથે ફિલોસૉફીની વાતો પણ ચાલુ હતી. એટલામાં અકબર બાદશાહ ઉપસ્થિત થયા. પોતાના આસન પર બેઠક લીધા પછી તેમણે પણ વાતચીતમાં ભાગ લેવા માંડ્યો. આખરે તેમણે સૌ વિદ્વાનોને પ્રશ્નો પૂછવા માંડ્યા :
‘મહાનુભાવો સાંભળો, અત્યારે મારી પાસે બે-ચાર પ્રશ્નો છે અને નવાઈની વાત એ છે કે તે દરેક પ્રશ્નોનો ઉત્તર એક જ છે. તો કોણ મને સાચો જવાબ આપશે એ મારે જોવું છે !’
‘ફરમાવો બાદશાહ સલામત, અમે પણ જોઈએ કે, એવા તે કેવા પ્રશ્નો છે, જેનો જવાબ એક જ આવે છે !’
‘હા, જવાબ પણ એક જ અને તે પણ એક જ શબ્દમાં જવાબ છે !’
‘આપ ફરમાવો તો સહી !’ દરેકે ઉતાવળથી પૂછ્યું.
‘તો સાંભળો દરેક પ્રશ્ન !’ અકબર બાદશાહે કહ્યું : ‘દુનિયામાં સૌથી મોટું કોણ છે ?’ બીજો પ્રશ્ન, ‘દુનિયામાં સૌથી નાનું, મતલબ અતિ સૂક્ષ્મ શું છે ?’ ત્રીજો પ્રશ્ન, ‘દુનિયામાં કોની ગતિ સૌથી ઝડપી છે ?’ અકબર બાદશાહે મલકતા મલકતા કહ્યું, ‘હવે ચોથો પ્રશ્ન પણ સાંભળી લો. દુનિયામાં કઈ વસ્તુ છે જેનો નાશ નથી થતો ?’

પ્રશ્નનોની ઝડી વરસાવીને અકબર દરેક પર સંશોધનભરી દષ્ટિ ઘુમાવી અને અંતે બિરબલ પર નજર કરી. બિરબલના ચહેરા પર હળવી મુસ્કાન તરવરી રહી હતી. પરંતુ બિરબલ ગંભીર પણ હતો. થોડીવાર ત્યાં ખામોશી રહી. તે દરમિયાન લોકો વિચારતા રહ્યા. એક વિદ્વાને જવાબ આપવાની પહેલ કરતા કહ્યું :
‘જહાંપનાંહ, આપની રજા હોય તો હું જવાબ આપું.’
‘ચારે પ્રશ્નોનો જવાબ એક જ છે ને ?’
‘હા જી !’
‘એક જ શબ્દમાં ?’
‘હા જી !’
‘અચ્છા કહો !’ અકબરે તેની સામે જોઈને કહ્યું.
‘ચારે પ્રશ્નનો એક જ જવાબ છે : અલ્લાહ !’ તેણે કહ્યું.
‘ચારે પ્રશ્નોનો આ એક જવાબ નથી મહાશય !’ અકબરે કહ્યું, ‘અલ્લાહ મહાન છે જ. પરંતુ તે અતિસૂક્ષ્મ કેવી રીતે ગણાય ? વળી તેની ગતિ કમ પડી જાય ? કદાચ ચોથા પ્રશ્નનો જવાબ ગણી શકાય !’ તેનો જવાબ ખોટો ગણાયો.

બીજાએ જવાબ આપ્યો.
‘જહાંપનાહ, મારો જવાબ છે : દિલ !’
‘કેવી રીતે ?’ અકબરે પૂછ્યું.
‘માણસનું દિલ મોટું ગણાય. તેમ ઓછા દિલવાળો પણ ગણાય !’ તે બોલ્યો તો ખરો, પરંતુ આગળ ગુંચવાઈ ગયો.
‘હા ભાઈ, દિલની ગતિનું શું ? અરે તેનો તો નાશ થઈ શકે છે !’ અકબરે સસ્મિત કહ્યું.
‘જહાંપનાહ, ચારે પ્રશ્નોનો જવાબ છે : જમીર !’ ત્રીજો બોલ્યો.
‘જનાબ, વિચારીને બોલ્યા છો કે પછી ?’
‘જી હજૂર, જમીર જ દુનિયામાં મોટું ગણાય, કારણ કે તેનું માપ અમાપ છે. તેનું સ્વરૂપ સૂક્ષ્મ પણ છે. મતલબ જમીર નાનું પણ બની શકે છે. ઓછા જમીરવાળો માનવી નમાલો ગણાય. જમીરની ગતિ તીવ્ર હોય છે, તે ઝડપથી કાર્ય કરે છે. તેનો નાશ નથી થતો !’
તેની વાત સાંભળીને અકબર બાદશાહે ગંભીરતાથી બિરબલ સામે જોયું. નજર ભેગી થતાં જ પ્રશ્ન કર્યો,
‘બિરબલ, તું ખામોશ છે ? શું આ મહાશય સહી ફરમાવે છે ?’
‘જનાબ આપ સમજી શકો છો !’
‘હું બરાબર સમજ્યો નથી, તું સમજાવ !’
‘જમીર બધા પાસે એકસરખું નથી હોતું. તેનું સ્વરૂપ લગભગ એકસરખું જ રહેવા પામે છે. જરા ઓછું-વત્તું થાય છે. વળી, તેને ઝડપ કે ગતિ સાથે કોઈ સંબંધ નથી. સ્વાભિમાની ઘણી વાર મરી પણ જાય છે !’ બિરબલે કહ્યું અને આગળ બોલ્યો : ‘બાદશાહ સલામત, આપના પ્રશ્નોનો ઉત્તર તો આપની પાસે હશે જ ને ?’
‘બિરબલ, ચારે પ્રશ્નોનો એક જ ઉત્તર હોવો જોઈએ. એ તો મેં તમારા સૌની પરીક્ષા કરવા માટે પૂછ્યું હતું. વાસ્તવમાં મને એક પણ સવાલનો જવાબ ખબર નથી, પરંતુ એટલી વાત અવશ્ય છે કે, વાતો વાતોમાં જવાબ હાંસલ થઈ આવે છે. અત્યાર સુધી તો પરિણામ શૂન્ય જ આવ્યું છે, કોઈએ હૈયાધારણ ઉત્તર નથી આપ્યો !’

જરાવાર અટકીને બાદશાહ બોલ્યા : ‘શું તું પણ ખાલીખમ છે ?’
‘ગુસ્તાખી માફ જહાંપનાહ, એટલી વાત ચોક્કસ છે કે આપના તુક્કાભર્યા સવાલ પણ કંઈક મહત્વવાળા હોય છે. બસ, આપના તુક્કા કાચા હીરા જેવા હોય છે, જેને વ્યવસ્થિત કરવાનું કામ તેના કારીગરના હાથમાં રહેલ હોય છે. હું તો કહીશ કે, આપના તુક્કા જ મહાન છે. શરૂઆતમાં તે દમ વિનાના લાગે છે એટલે કે અતિસૂક્ષ્મ સ્વરૂપમાં હોય છે તેથી ધ્યાનમાં નથી આવતા. વળી, આપના તુક્કાઓની ગતિ જ તીવ્ર છે. જેને અમારા જેવા વિદ્વાનો પણ પકડી નથી શકતા. અને એ વાત પણ ચોક્કસ છે કે, તે નાશવંત છે. એક કે બાદ એક પેદા થતા રહે છે !’ બિરબલ બોલી રહ્યો.
ત્યાં જ એક મંત્રી બોલી પડ્યો : ‘હાં જનાબ બિરબલ ખરું કહે છે. આ ચારેય પ્રશ્નોનો જવાબ એક જ હોઈ શકે, તુક્કા !’ આ સાંભળી બધા હસી પડ્યા. સ્વયં અકબર બાદશાહ પણ હસી પડ્યા. પેલો બિચારો ભોંઠો પડી ગયો.

અંતે ગંભીરતાભર્યા વાતાવરણમાં અકબરે જ બિરબલને કહ્યું : ‘બિરબલ, હવે ફટાફટ મારા ચારે પ્રશ્નોનો એક જ જવાબ બતાવી દે, યા તને પણ તેની તુકબંદી જ યાદ છે ?’
‘અરે નહિ બાદશાહ સલામત, આપની દુઆથી બંદાને પોતાની કાબેલિયત પર ભરોસો છે !’ તે સસ્મિત કહેવા લાગ્યો : ‘વાસ્તવમાં દુનિયામાં સૌથી મોટું મન છે. જે દરેકના મસ્તકમાં બિરાજમાન છે. જે તુક્કાઓથી માંડીને મહાન કાર્યોને અંજામ આપી શકે છે. અલ્લાહ કે ભગવાન પણ તેની સમક્ષ સૂક્ષ્મ છે. મન ઘણીવાર એવી હરકત કરી દે છે કે, તે સૂક્ષ્મ સ્વરૂપમાં આવી ગયું ગણાય. કોઈને તે દેખાતું નથી. મન વિચારોનું ઉદ્દભવ સ્થાન છે. વિચાર તેનો ખોરાક છે અને વિચારની ગતિ દુનિયામાં સૌથી વધુ છે. મન ધારે તો આંખના પલકારામાં સારા બ્રહ્માંડની અને પાતાળલોકની પણ સૈર કરી આવે. વળી, માનવી મૃત્યુ પામે છે, તો પણ મન મરતું નથી. તે બીજા ખોળિયામાં સ્થાન મેળવી લે છે. અર્થાત આપના ચારે પ્રશ્નોનો એક જ જવાબ છે – મન !’

બિરબલની સમજદારીપૂર્વકની વાત સાંભળીને અકબર બાદશાહ ખુશ થઈ ગયા. આવી ગુઢાર્થવાળી વાતોથી વાકેફ કરનાર તેમને માટે ફક્ત બિરબલ જ હતો. એટલે તેમણે ખુશ થઈને તરત બિરબલને ઈનામથી નવાજ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનાઈ છે – ચૈતન્ય અમૃતલાલ શાહ ‘પરેશાન’
ઊર્ધ્વ મનના આવિષ્કાર – પુષ્કર ગોકાણી Next »   

11 પ્રતિભાવો : ચાર પ્રશ્નો – રામચંદ્ર ચૌહાણ

 1. Balkrishna Shah,Vile Parle says:

  બીરબલની ચતુરાઇની ઘણી વાતો આ પહેલાં પણ વાંચી છે. આવી વાતો હંમેશાં આવકાર્ય છે. કારણ તેમાંથી ઘણું
  જાણવાનું અને શીખવાનું મળે છે. બાળકો વાંચે તો તેમની બુધ્ધિનો પણ વિકાસ થાય છે.

 2. અકબર બીરબલના માધ્યમથી બાળકોને ઘણી ચતુરાઈભરી વાતો શીખવી શકાય છે.

  અલબત મન નો નાશ પણ સંભવ છે. કારણ કે મન પ્રકૃતિની એક વિકૃતિ જ છે. એટલે કે તેમાં કાર્ય કારણ ભાવ સંભવે છે. અને જે જે કાર્ય હોય એટલે કે ઉત્પતિવાળું હોય તેનો વિનાશ હોય જ છે. એટલે કે કાર્ય કાં તો પરીણામ પામે અથવા તો પોતાના કારણમાં લય પામે – પરંતુ તે અવિનાશી હોતું નથી. અલબત્ત બીજા સ્થૂળ પદાર્થોની અપેક્ષાએ મનની અવરદા ઘણી વધારે છે.

 3. Sarika Patel says:

  ખુબજ સરસ

 4. Veena Dave, USA says:

  સરસ.

 5. manvant patel says:

  આબાલવ્રુદ્ધ સૌને ગમે તેવી આ વાતો હોય છે !
  આભાર !લેખક અને શ્રી.મ્રુગેશભાઇનો !!!

 6. dharmesh says:

  i like this stories can someone tell website of guj stories

 7. tejal tithalia says:

  Good story

 8. nayan panchal says:

  ખૂબ જ સરસ વાત. મસ્તી મસ્તીમા ઉંચી વાત સમજાવી દીધી.

  આભાર, મૃગેશભાઈ.

  નયન

 9. Chirag Patel says:

  હુ અહિ બિરબલ ના જવાબ સાથે સહેમત નથી….

  Thank you,
  Chirag Patel

 10. Vipul Panchal says:

  સેરસ્

 11. Elvis says:

  ખુબજ સરસ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.