GX (જનરેશન નેકસ્ટ) – ઈલા આરબ મહેતા
[‘નવનીત સમર્પણ’ ઓગસ્ટ-2009માંથી સાભાર]
‘ટ્રેન ટાઈમસર તો છે ને ?’
‘હા. અત્યારે તો છે. પછીનું કંઈ કહી ન શકું.’ રવીન્દ્રએ હસીને કહ્યું. ગીતુની અધીરાઈ જોવાનીય થોડી ગમ્મત પડતી હતી.
‘શું તમેય ?’
‘નહિ તો શું ? દીપુ અમદાવાદથી નીકળી ત્યારની તને અને મને એસ.એમ.એસ. કરતી રહે છે. તોય…’
ગીતુએ હસવા જેવું મોં કર્યું ને જોકે અંદરખાને પોતે જરા મૂરખની જેમ વર્તી રહી છે તેવુંય થયું. વળી તરત મન મનાવ્યું. છે જ મારો સ્વભાવ એવો. આમેય માનું દિલ છે. આ બાપ થોડા સમજવાના છે ? જેવા છીએ તેવા છીએ. આમેય દીપિકા સાથે મોબાઈલ કનેકશન છે. રોજ ત્રણચાર વાર વાત થાય.
દીપિકા ક્યારે ભાગીને આવે તેનીય કેટલી અધીરાઈ ! એમાંય નિહાર અમેરિકાથી ભણીને આવી ગયો ને ફેક્ટરી સંભાળી લીધી ત્યારથી તો ગીતુ… અરે તે આવી ગયો છે તેવી ખબર પડી ત્યારે તરત તેણે દીપિકાને ફોન કરેલો.
‘અરે દીપુ ! ન્યુઝ !’
‘શું ન્યુઝ ? આ વર્ષે ગુલાબ થયાં ? અને મોગરાની સીઝન….’ દીપુય ખરી છે. મમ્મી આટલી હોંશથી ફોન કરે ને તે બગીચાના સમાચાર પૂછે !!
‘ના હવે ના ! આ તો પેલો નિહાર, નહિ તારી સાથે ભણતો હતો ? ને તેના પપ્પા અહીં ફેકટરી નાખવાના હતા ને હવે તો એમણે….’
‘મમ્મી… ટોક એસએમએસ. નો લાંબી વાત…. આમેય હું કૉલેજમાં જવા ભાગી રહી છું.’
‘હા ચાલ એમ. દીપુ, નિહાર હવે આવી ગયો છે.’ ગીતિકાએ પ્રયત્ન કર્યો તોય ‘નિહાર’ બોલતાં અવાજ છલકાઈ ગયો.
‘આઈ નો.’
‘યુ નો ? તને….’
‘મમ્મી, નિહાર ને હું ઈ-મેઈલથી એકબીજાના ટચમાં છીએ. ચાલ બાય.’
‘પણ….’
‘મમ્મી, મારે બ્રીફ તૈયાર કરવાની છે. આ રવિવારે અમારી મોક કોર્ટ છે. પછી એસએમએસ કરીશ.’ આટલું કહીને દીપુએ ફોન મૂકી દીધેલો અને ગીતા મોબાઈલની સ્ક્રીન પર રાખેલો દીપિકાનો ફોટો જોઈ રહી.
પછી રવીન્દ્રને ફરિયાદના સૂરમાં કહ્યું :
‘આ દીપુ શું હવે નોકરી કરે છે ? હજુ તો લૉ-નું ભણે છે ત્યાં કેસ ને કોર્ટ શેનાં ?’
‘આ મોક એટલે ખરી નહિ પણ ખોટીય નહિ તેવી કોર્ટ. વિદ્યાર્થીઓને કોર્ટ પ્રોસીજરની તાલીમ મળે માટે ઘણી કૉલેજ આવી વર્કશોપ કરતી હોય છે.’ રવીન્દ્રએ સમજાવ્યું.
‘હં…. બી.એ. થઈને આવી જવાનું હતું. ખોટાં ત્રણ વરસની માથાકૂટ !’
‘જો ગીતિકા, આ તો જનરેશન નેકસ્ટ એટલે કે હવે પછીની પેઢી છે. તેમના વિચારો જુદા, તેમની વાત જુદી. એમને કંઈ પૂછવાનું નહિ, કહેવાનું નહિ.’
‘શું કહેવાનું નહિ ? આવો સરસ છોકરો અહીં આવી ગયો છે. ભણેલો, ફેક્ટરીવાળો વળી એ તો દીપુના ટચમાં છે. તો હવે છોકરીને સેટલ થવાનું નહિ કહેવાનું ?’
‘ઓલ ઈન ગુડ ટાઈમ. જો તું કહે છે તે વાત મારા ધ્યાન બહાર થોડી હોય ? આ પછાત ગણાતા વિસ્તારમાં ઉદ્યોગો વિકસાવવા તો મારી અહીં બદલી થઈ છે. મેં થોડા આંખ આડા કાન પણ કર્યા છે. એ લોકો હવે સારા મિત્રો બન્યા છે. બધું મારા કેલ્ક્યુલેશનમાં છે. પણ ખોટી ઉતાવળ ન કરતી.’ રવીન્દ્રનું આટલું લાંબું બોલવું તે જાણે વાત પર પડદો પાડવા બરાબર હતું.
ટ્રેન ટાઈમસર જ હતી.
આમ તો ગીતા-રાજપુરમાં ને દીપુ અમદાવાદ હતી તોય તે ધે વેર કનેક્ટેડ. દીપુ ક્યારે ઊઠી, ક્યારે સ્ટેશને પહોંચી, ટ્રેન શરૂ થઈ, ક્યાં સ્ટેશનો પસાર થયાં – બધી માહિતી દીપુ એસએમએસથી અવારનવાર આપતી હતી. હોય જ ને ? બે વરસ પહેલાં દીપિકા જ મોબાઈલ લઈ આવેલી અને એક સાંજે ગીતાને મોબાઈલ વાપરતાં શીખવેલું. આમ તો કૉમ્પ્યુટર શીખવવા માટે પણ તે તૈયાર હતી પણ ઈન્ટરનેટ કનેક્શન બહુ લાંબા ટાઈમે મળતું પણ એસ.એમ.એસ. તો હાથવગો. ગીતાને તે ફાવી ગયો હતો.
‘નાઉ રીચડ વી-ગામ’…. ‘નાઉ વી પાસ્ડ વીવાન….’ (‘વઢવાણ’ તે ગીતુ સમજી શકી)…. ‘નો ગ્રીનરી… સેડ નો ?’…. ‘નાઉ રાજકોટ….’ દીપુ આવી પહોંચી હતી રાજકોટ. તોય તે ટ્રેન ટાઈમસર હતી કે કેમ તે પૂછી બેઠી. રાજકોટથી અહીં રાજપુર આવતાં બે કલાકનો ડ્રાઈવ. હવે મોટરમાં સૂઈ ગઈ લાગે છે. ગીતાએ એસએમએસ કરવા ઉપાડેલો હાથ થોભાવી દીધો. બહાર આવી. નાનો સરકારી બંગલો અને બહાર નાનો પોર્ચ ને ઝૂલો. આંગણામાં, હા બાગ કહેવો હોય તો કહી શકાય તેટલાં ફૂલઝાડ. ગુલાબ ને મોગરો. બોગનવેલિયા.
ગીતા ઝૂલા પર બેસી પડી. ઝૂલો ઝુલાવ્યો. બસ…. હવે આ ઝૂલતા ઝૂલાની જેમ દિવસો આનંદમાં ઝૂલવા લાગશે. દીપિકાએ જ બાગ બનાવેલો. અહીં પગથિયે બેસી મા-દીકરી ખિસકોલી જોતાં. ચકલી ને કાળી દેવચકલીને ચણ નાખ્યા વિના દીપુ જમતી જ નહિ. હવે…. પગની જોરદાર ઠેસ… શૉપિંગ ક્યાં કરશે ? અમદાવાદ ?… ના….ના… મુંબઈ જ. ઝૂલો જોરમાં ઝૂલતો રહ્યો. મારી દીપુને તો બધું શોભશે. એટલે જ નિહાર એના ટચમાં છે…. દીપિકા કેટલી બ્યુટિફૂલ છે ! હવે બધું નક્કી જ સમજો.
ધાર્યું હતું કે કારમાં નિરાંતે ઝોકું લઈ લઈશ પણ દીપિકાને ખાસ ઊંઘ આવી નહિ. મોબાઈલની બેટરીય ડાઉન હતી. સવારના ચાર્જ કરવાનું ભુલાઈ ગયું. એમાં આટલા એસએમએસ કર્યા ! મોબાઈલ સ્વિચ ઑફફ કરી તે બહારની સૃષ્ટિ જોઈ રહી. આ રસ્તે તો કેટલી વાર આવ્યા-ગયા હોઈશું પણ દરેક વખતે લેન્ડસ્કેપ જાણે બદલાયેલો લાગે છે. સ્પીડાસુરો જેવી રસ્તા પર બેફામ દોડતી ટ્રકો, હેલ્મેટ વગર જ ડબલ ને ટ્રિપલ સવારીવાળાં સ્કૂટરો, બેઉ બાજુ જામી પડેલાં ધાબાંઓ જેવાં ધાબાં. દર વર્ષે તેમાં ઉમેરો જ થતો રહે છે. આંખો બંધ થતી ત્યારે મમ્મી-પપ્પા યાદ આવતાં. હમણાં પહોંચી જશે ઘરે. પેલો ગુલાબનો છોડ, પેલા તોફાની શિવમે ફૂલ ખેંચી કાઢી વેરી નાખેલી પાંદડીઓ… આ સ્મૃતિ એટલી પ્રબળ હતી કે તે ચોંકીને જાગી ગઈ.
‘આ ક્યાં આવ્યા અમરભાઈ ?’
‘બસ બેન. રાજપુર પહોંચી ગયા…’
‘રાજપુર ? અરે પણ….’ તે આગળ ન બોલી શકી. ચકિત બની આજુબાજુ જોઈ રહી. અરે ! અહીંયાં તો મોટાં મોટાં ઝાડ હતાં – ગયે વર્ષે જ જોયેલાં – ગાયો, ભેંસો બેસતી હતી. જરા આગળ જતાં મંદિર આવતું, પેલી ધજા તે જ મંદિર…. પણ નદી ક્યાં ? આ નદી….. ના ? હા ?…. પણ આ કાર તો નદીના પુલ પર જ દોડે છે.
‘આપણી ઝાંઝરી નદી ક્યાં ?’
‘લે, આ નીચે તો રહી.’
‘પણ આ તો….’
‘બહુ દિવસે આવ્યાં એટલે એમ લાગે છે બેન…’
નદીનું નામ ધારણ કરેલા ઝાંઝરી નામના કાળા ગંદા પાણીના નળા પરથી કાર દોડી ગઈ. દીપિકાને થયું કે તેની પોતાની છાતી પરથી જાણે દોડી ગઈ. કંઈ ભૂલ તો નહિ થઈ હોય ? ના… ના… આ રહી પેલી ભેખડ જેના પર બેસી તે માછલીઓ જોયા કરતી હતી. અત્યારે કોઈ નથી ત્યાં. શાળામાં ભણતી ત્યારે ઘણી સાંજે તે ભેખડ પર બેસતી હતી.
એક વાર એક છોકરો ત્યાં ભેખડ પાસે આવ્યો હતો. પોતે મમ્મી-પપ્પાની મંદિરેથી પાછા આવવાની રાહ જોતી મંદિર તરફ જોયા કરતી હતી. અચાનક તેનું ધ્યાન છોકરા પર પડ્યું ને તે એકદમ ચોંકી ગઈ.
‘અરે…. અરે…. શું કરે છે ત્યાં ?’
‘ફિશિંગ કરું છું. અમારા ઈંગ્લૅન્ડમાં તો આવો સરસ દિવસ હોય તો લોકો ફિશિંગ રૉડ લઈને નીકળી પડ્યા હોય !’ કહેતાં નિહારે પાણીમાં ફિશિંગ રૉડ નાખ્યો.
‘નો….નો….’ કહેતાં પોતે ધસી ગઈ હતી ને નિહાર કંઈ સમજે તે પહેલાં તો તેનો રૉડ લઈ પાણીમાં ફેંકી દીધો.’
‘વ્હોટ…. વ્હોટ ઈઝ ધિસ ?’ નિહારે ગુસ્સાથી પૂછ્યું.
‘આ તો બુદ્ધ અને ગાંધીનો દેશ છે. અહીંયાં માછલીને અમે મારતા નથી.’ દીપિકાએ માથું ઊંચું કરી જવાબ આપ્યો. નિહાર ફિશિંગ રૉડ પાછળ કૂદવા જતો હતો ત્યાં ફરી દીપિકાએ જ અટકાવેલો. અંગ્રેજીમાં જ કહ્યું, ‘ડૉન્ટ ટ્રસ્ટ સ્ટ્રેન્જ વોટર્સ. આ બાજુ નદીમાં ભેખડો છે ને પાણીનો વેગ છે.’ નિહાર પોતા તરફ જોતો ઊભો રહી ગયેલો. રાતે ઘરમાં આ બનાવની ચર્ચા થઈ ત્યારે પપ્પાએ ઠપકો તો નહિ પણ જરા નારાજગી દર્શાવતાં કહેલું, ‘પંદર કરોડનું ઈન્વેસ્ટ્મેન્ટ લાવ્યા છે આ લોકો. બ્રિટન છોડી અહીં રહેવાના છે.’
ગાડી આગળ નીકળી ગઈ. હવે કોઈ જાણીતો લેન્ડસ્કેપ દેખાતો ન હતો. જાત જાતનાં મકાનો, ક્યાંક ફેક્ટરીઓ, ક્યાંક દુકાનોની હાર – દીપિકાએ આંખ ફેરવી લીધી. ભીતર પણ નદી, માછલી, નિહારની વાત ધરબી દઈ તે પરાણે સ્વસ્થ બનવા મથી. તોય અસ્વસ્થ રહી. એકાદા કાંટાળા છોડમાં પહેરેલું વસ્ત્ર ભરાઈ રહે અને તેને સૂલઝાવીને કાઢવા જતાં તે ક્યાંક બીજે અટવાઈ રહે તેમ તેનું મન અટવાતું હતું. ક્યાં શું ખટકતું હતું…. ખરે, ભૂલી જવાયું. આંગણે ઊભેલી મમ્મીના બેઉ હાથ તેને વીંટળાઈ ગયા ને મન વર્તમાનમાં રોપાઈ ગયું.
*****
‘છે ને આ છોકરી ! બધે ધ્યાન છે એનું !’ ગીતિકાએ રવીન્દ્રને હસતાં હસતાં કહ્યું. જોકે એમાં ફરિયાદ ઓછી અને જનરેશન નેકસ્ટ – પછીની પેઢીની પુત્રીના સ્વભાવનું કૌતુક અને સરાહના વિશેષ હતાં, ‘આ પગથિયાં આગળ પેલો મોગરાનો છોડ હતો તે તરત મને પૂછ્યું કે કેમ સુકાઈ જવા દીધો ? કેમ ઉખેડી નાખ્યો ?’
‘વકીલ થવાની છે. એના ધ્યાન બહાર કંઈ ન જાય. આ તો જનરેશન નેક્સ્ટ છે.’
પણ ગીતુ અધીરી તો હતી. ક્યારે મોકો મળે ને પોતે લાઈફમાં સેટલ થવાનો વિચાર પૂછે. પણ રવીન્દ્ર જાણતો હતો ગીતુનો સ્વભાવ. તરત કહ્યું, ‘જો એને પૂછ પૂછ કરી કન્ફ્યુઝ ન કરતી.’
‘હા…હા… ઓ.કે….’
ઓ.કે. કહેવાથી મન થોડું ઓ.કે. થાય છે ? કેટલી અધીરી બની હતી તે પુત્રી સાથે સખીભાવ કેળવવા ! દીકરી આસ્તે આસ્તે મા આગળ હૈયું ખોલતી જાય ને પછી પોતે કોઈ અધિકારથી નહિ પણ મૈત્રીદાવે જ, જાણે મશ્કરી કરતી હોય તેમ કહે, ‘અરે દીપુ ! આ નિહાર તને ઈ-મેઈલ કરે છે તો….’
દીપિકા શરમાઈ જશે ? ના રે, આ નવી પેઢી વળી ક્યાં હવે એવી છે ? એ તો ખુલ્લા દિલે પ્રેમનો સ્વીકાર કરે. તો…. પણ કેમ જાણે એનું હૃદય ? પણ પૂછવા જતાં પુછાય જ કેમ ? કંઈ કહેવાનું નહિ. પતિએ ચોખ્ખી ના પાડી છે. પણ તોય હૃદયનો આનંદ ચહેરા પર ચીતરાઈ તો જતો હશે. જ્યારે થોડી સાંજે નિહાર દીપિકાને મળવા આવ્યો હતો, ગીતુએ ચા તો તરત બનાવી દીધી. ત્રણચાર વાર નાસ્તાનું પૂછ્યું. હૈયું તો કૂદકા મારતું હતું. જોકે નિહાર અને દીપિકા કમ્પ્યુટર પર કંઈ કામ કરતાં હતાં.
પછી જતી વખતે નિહાર દીપિકાને ઘરે આવવાનું આમંત્રણ આપતો ગયો. ગીતિકા સાંભળતી હતી. નિહારના ગયા પછી તે દોડતી આવી – અટકી – પાછી ગઈ ને પછી જાણે ટહેલતી જ દીપિકાની પાસે પહોંચી. મજાકમાં જ કહેતી હોય તેમ કહ્યું, ‘કેવો જમાનો આવ્યો છે ! અમારા ટાઈમમાં અમેય કૉલેજમાં ભણતાં પણ તોય આમ છોકરાઓ મળવા ન આવી શકે હોં ! ડરે. પછી શું કરે ખબર છે ?’
‘શું કરે ?’ દીપુએ પૂછ્યું. માનો મલકતો ચહેરો, રખે પોતે ઉપહાસ કરે છે તેમ સમજી ઝાંખો ન પડી જાય તેવી પૂરતી કાળજી રાખી તેણે પૂછ્યું.
‘છોકરીના નાના ભાઈ કે પડોશીના છોકરા સાથે ચિઠ્ઠીઓ મોકલાવે. છોકરી બિચારી અહીંયાં-ત્યાં ચિઠ્ઠીઓ છુપાવતી ફરે.’ ગીતિકાએ હસીને કહ્યું.
‘ઓહ મમ્મી ! તો તેં પપ્પાની ચિઠ્ઠીઓ સાચવી છે ?’
‘ચિઠ્ઠીઓ શું ? અમે તો પ્રેમપત્રો જ લખ્યા હતા. દીપુ, એ વખતે આ ટી.વી.ય નહોતું ત્યાં કમ્પ્યુટર ને મોબાઈલ ક્યાં વળી ? ટપાલી અમારી આશાનો એન્કર. લાંબા કાગળો લખીએ ને તેમાં કલાપીની ગઝલો ને વળી ફિલ્મી ગીતોય ખરાં ! આમ તો અમે એક જ કોલેજમાં હતાં.’ ગીતિકાએ ઉત્સાહથી કહ્યું ને રવીન્દ્રની શિખામણ, ન કહેવાનું, ન પૂછવાનું ભૂલી તે બોલી પડી, ‘તમારી આ પેઢી તો બસ ટૂંકું ને ટચ. એસ.એમ.એસ. અરે સ્પેલિંગ પણ પૂરા ન લખો.’
ના હવે આગળ નહિ. નહિ કહેવાય દીપિકાને કે તું નિહારને પસંદ પડી ગઈ છો. તું એને બરાબર લાયક જ છે. ફાઈન. લાંબા ઈ-મેઈલ કર. જોક્સ ને એવું બધું…. ખરે, ન કહેવાય તો કંઈ નહીં. જોવાય ને હર્ષવિભોર તો થવાયને ? દીપિકા ને નિહાર ઘણી વાર મળતાં રહે છે. દીપિકા પપ્પા જોડે ફેક્ટરીની વાત કરે છે. હાસ્તો, માલિકણ થવાની તે ! પ્રતીતિ થઈ ગઈ છે ગીતુને કે નિહારને ત્યાંથી માગું આવશે. કદાચ દીપિકા જ જરા શરમાતી કહેશે, ‘મમ્મી, હું ને નિહાર…’ આનંદથી ઊછળી પડતી પોતે કહેશે, ‘કોન્ગ્રેચ્યુલેશન્સ માય ડોટર ! જિંદગીમાંનો આ સંવનનનો સમય તો પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્ર જેવો ગણાય. દીપુ, ને જો, તારે નિહારને સરસ પ્રેમપત્રો લખવા હશે તો હું હેલ્પ કરીશ.’ દીપુ શરમાઈ જશે ? મધુર સ્વપ્નની જેમ તે આ દશ્ય જોઈ રહી હતી ત્યાં તેના પલંગ પાસે કોઈ આવીને ઊભું. જોયું તો દીપિકા.
‘અરે દીપુ…..’
દીપિકાએ તેના હાથમાં મોબાઈલ મૂક્યો. મોબાઈલમાં નિહારનો એસ.એમ.એસ. હતો : ‘વિલ યુ મેરી મી ?’
મા ચોંકી ગઈ. ‘ઓ માય ગોડ ! આ તો લગ્નનો પ્રસ્તાવ ? એસએમએસમાં ? અરે, ઘૂંટણિયે પડી તારા હાથમાં ઝળહળતી હીરાની વીંટી પહેરાવવાની હતી. કંઈ નહીં. દીપુ, એસએમએસ ન કરતી હોં ! સરસ પ્રેમપત્ર લખી તેનો સ્વીકાર કર.’
દીપુ હસીને જતી રહી.
જોકે ગીતિકાને થયું કે પોતે જરા વધારે ઉત્તેજિત થઈ ગઈ હતી. પણ શું કરે ? પ્રસંગ જ એવો હતો ત્યાં ! હરતાંફરતાં તે દીપિકા પર નજર રાખી રહી છે. દીપિકા રવીન્દ્રના ટેબલ પર બેસી કંઈ લખી રહી છે. યસ, ઈ-મેઈલ નહિ પણ પત્ર. વીણી વીણીને શબ્દો પસંદ કર્યા હશે. પોતાને વંચાવશે ? જનરેશન નેક્સ્ટનું કંઈ કહેવાય નહિ ! તોય અધીરી, ઉત્તેજિત, ઉલ્લસિત ગીતિકા ઘરમાં ક્યાંય ઠરી શકતી નથી. ઘડીમાં હીંચકે વળી રસોડામાં, વળી કપડાંની ગડી, વળી બહાર ગુલાબના છોડ આગળ…. દીપુ પ્રેમપત્ર વંચાવશે ?
હં…. પત્ર પૂરો થયો. દીપુ બહાર આવી. ન કહેવાય, ન પુછાય તોય આંખો વાટે તો તે કરાય જ. નાચતે પગલે તે દીપિકા પાસે ગઈ. ઓફ કોર્સ, દીપુએ હા જ પાડી હશે.
‘કાગળ જ લખ્યોને ? હું જાણું, આપણું સ્ત્રીનું હૃદય. એમ થોડું માને ?’
દીપિકાએ જરા હસીને હાથ લંબાવીને ગીતુના હાથમાં પત્ર આપ્યો. ગીતુએ ઊલટભેર લીધો. વાંચવાનું શરૂ કર્યું. પછી દીપિકા તરફ વિસ્ફારિત આંખે જોઈ રહી. કંઈ કહેવાનું ન રહ્યું. કંઈ પૂછવાનું ન રહ્યું. જનરેશન નેક્સ્ટની દીકરીએ નિહારને ફેક્ટરીનું પ્રદૂષિત પાણી પૂરતી ટ્રીટમેન્ટ આપ્યા વગર નદીમાં ઠાલવવા માટે લીગલ નોટિસ પાઠવી હતી.
Print This Article
·
Save this article As PDF
આવી જ હોય છે નવી પેઢી …
બિઝનેસ અને પર્સનલ ફિલિંગ્સ ની વચ્ચે ની પાળ સમજી શકે છે .
સાચી અને સરસ વાર્તા.
It is a really good, read to worth.
વાર્તા નો મર્મ કુદરત ને પ્રેમ કરવા નો હતો
જે વ્યક્તિ કુદરત ની કદર ન કરી શકે તે વ્યક્તિ સાથે પ્રેમ અશક્ય છે
દીપીકા નુ ડીશીઝન સાચુ છે
નોધ Save Trees, please consider the environment before wasting paper.
ધન્યવાદ
નિમ
સાચેજ નારાયણિ સ્વરુપિ બેટિ
લાગણીઓ સાથે વર્તમાન નો તાલ મેલ……
nice one.. enjoy.. and new topic – like gx next – fresh,…
સરસ વાર્તા.
આજની પેઢી તો છૂટાછેડા, બ્રેક- અપ (વિવેક-એશ્વર્યા) પણ એસએમએસથી કરે છે.
આભાર,
નયન
શ્રી નયનભાઈ
એસએમએસ….સુડૉકુ….ક્રોસવર્ડ ઈલાઈટ્સ દ્વારા એક સુનિયોજિત પ્લાનિગ કરીને યુવા વર્ગને બૌધ્ધિક રીતે આગળ વધતો અટકાવાનો એક ભાગ છે. તમે વિચારો કે એક યુવા અભ્યાસ દરમ્યાન કેટલો સમય આ એક્ટીવીટીમાં ગુજારે છે. આજ સમય તેના અભ્યાસમાં લગાવે તો તે ક્યાંનો ક્યાં જઈ ઉભો રહે.
અબ્દુલ કલામ જો યુનિવર્સીટીમાં ૫૦ અબ્દ્લ કલામ પેદા કરવા જાય તો બહેતર છે તેમને રાષ્ટપતિ ભવનમાં મોકલી ખીચડી ખવડાવી નિંદ્રાને શરણે કરવામાં આવે…!!!
ઘણીવાર આંખો સમક્ષ જે રજુ થતું હોય છે તે સત્ય નથી હોતું.
આવી ઘણી દીપિકા અને દીપકોની આજ જરૂર છે. પ્યાર અને પર્યાયવરણ વચ્ચે કોઈ સોદો ન હોય.
સરસ વાર્તા અને સરસ અંત…
સરસ સરસ .
મૃગેશભાઇ,
મારી કોમેન્ટ ભૂલથી રદ્દ કરી દીધી છે કે પછી તમને મારો પ્રતિભાવ યોગ્ય ન લાગ્યો?
નમસ્તે કલ્પેશભાઈ,
આ બાબતે જેમના પ્રતિભાવ હતા તેમને ઈ-મેઈલ કરવામાં આવ્યો છે તેથી કૃપયા ઈ-મેઈલ જોઈ લેશો.
ધન્યવાદ.
લિ. તંત્રી.
બહુ સરસ.નવી લાગી
સુંદર વારતા.
ખૂબ જ સરસ વારતા. જે રીતે વારતા નો ઉપાડ થાય છે એ ઉપરથી લાગતું હતું કે નવી ટેક્નોલોજીની / નવી પેઢીની મજાક / કટાક્ષ કરતી વારતા હશે, પણ દીપૂનો કુદરત પ્રેમ બહુ જ સુન્દર રીતે દર્શાવીને જાણે લેખકે નવી પેઢીને આદર પણ આપ્યો છે અને માર્ગદર્શન પણ કર્યું છે.
Normal sms – અદભૂત જવાબ.
Very cool.
નવી પેઢી સમજદાર છે. કુદરતને પ્રેમ કરે છે.
નર્યું ભૌતિક સુખ એને પર્યાપ્ત નથી.
સુંદર.
અણધાર્યો અંત.
અભિનંદન.
intresting one!!! આવી જ હોય છે નવી પેઢી …..
સરસ વાત બહુ જ મજા પડી. એક્દમ સતત ને એક્ધારી રજુઆત. મા ન હ્રદય ની લાગણીઓ ને પ્રક્રુતિ નુ આબેહુબ વર્ણન
આપણે બધા આપણો ભૂતકાળ ને પાછો લાવવાની કોશિશ શરૂ કરવી જોઈયે એ પહેલા કે પ્રક્રુતિ આપણને ભૂતકાળ બનાવી દે.
to goog
really, nice one.
મને નવી પેઢી આટલા માટે જ ખૂબ ગમે છેઃ સ્પષ્ટ અન હિમ્મતવાન.ઈલાબહેને બન્ને પેઢિને બરાબર બતાવી છે. સુન્દર શૈલી.
દીપિકાનો બહુ જ બુધિમાન નિણૅય. નિહારને ખબર હતી કે ફેક્ટરીનું પ્રદૂષિત પાણી પૂરતી ટ્રીટમેન્ટ આપ્યા વગર નદીમાં છોડી મુકવામાં આવે તો પછાત ગણાતા વિસ્તારમા કોઇ વિરોધ કરે તેવુ હોય તો તે દીપિકા. તેથી તેની સાથે લગ્ન કરીને આ વિરોધને ઉગતા જ ડામી દેવાની ચાલ હતી. તે નેક્સ જનરેશન સમજી ગયુ હતુ.
જયારે વ્યક્તિ અને સમાજ બન્ને માંથી ભોગ આપવાનો પ્રસ્ન આવે ત્યારે વ્યક્તિએ આપવો જોઇએ એવુ આપણૂ શાસ્ત્ર કહે છે. દીપિકા એ એવુ જ કયુ. આજે આવા વિચારની બહુ જરુર છે.
ઇલાબેન આવી સરસ કૃતિ છે માટે અભિનંદન.
vah bharatbhai;tame panGN-X na j chho
ખરેખર ખૂબ સુંદર વાર્તા, બંને પેઢીના વિચારો અને સમાજને કંઈક સંદેશો આપતો અંત………
આભાર
સીમા