- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સૂર્ય સાથે નાતો – પુ. લ. દેશપાંડે

[સુપ્રસિદ્ધ પુસ્તક ‘વિશ્વનાં યાદગાર પ્રવચનો’માંથી સાભાર. અનુવાદ : અરુણા જાડેજા. સંપાદન : સુરેશ દલાલ, મહેશ દવે.]

ગયા વર્ષે જાન્યુઆરીની વીસ તારીખથી માંડીને તે છેક ગયા સોમવાર સુધી એટલે કે છેલ્લાં દોઢેક વર્ષથી દર સોમવારે આકાશવાણી પરથી ‘સત્યના પ્રયોગો’નું હું વાચન કરતો આવ્યો હતો. આજ સુધી વાંચતો આવ્યો એ તો ગાંધીજીના શબ્દો હતા. શ્રી આપ્પા પટવર્ધને સંપૂર્ણ ગાંધીમય થઈને કરેલું એ મરાઠી ભાષાંતર. આજ સુધી મારી ભૂમિકા કથાકારમહારાજની રહી હતી. પણ આજે મારે મારી વાત કહેવી છે.

કેટલાંક સામાયિકોને પહેલે પાને એક સંપાદકીય ખુલાસો જોવા મળે છે. ‘આ સામાયિકમાં વ્યકત થનારા મત સાથે સંપાદક સહમત હોય જ એવું નથી.’ હકીકતે તો ગાંધીજીની આત્મકથા બાબતમાં મારી ભૂમિકા પણ એવા જ એક ત્રાહિતની હતી. છાપખાનામાં શબ્દોનાં બીબાં ગોઠવનારાઓ એકાદી શૃંગારિક ‘લાવણી’ કે વૈરાગ્યમય ‘અભંગ’ જેટલી અલિપ્તતાથી ગોઠવે છે, તેટલી જ અલિપ્તતાથી હું એ આત્મકથા વાંચતો હતો એમ કહું તો ખોટું નહીં. જેમ કોઈ નટ એકાદી ભૂમિકા સાથે તેટલા પૂરતો જ તન્મય થઈ રહે તેવી મારી તન્મયતા હતી, એમ કહીને હું મારો છુટકારો તો કરાવી શકું પણ મારે તેવો છુટકારો કરાવવો નથી. આ પુસ્તકના વાચને મને આનંદ પણ આપ્યો છે અને અસ્વસ્થ પણ તેટલો જ કર્યો છે. વાંચતી વખતે મને થયેલો આનંદ હું બીજાને કેટલો આપી શક્યો એની કોઈ કલ્પના થઈ શકે નહીં. કેટલાક શ્રોતાઓએ આ વાચન પોતાને ગમતું હોવાનું જણાવ્યું. તો કેટલાકે તીવ્ર શબ્દોમાં અણગમો દર્શાવ્યો. એમનો વિરોધ મારા વાચન માટે હતો તેનાથીય વિશેષ તો ગાંધીજીની આત્મકથા માટે હતો.

આપણે ગળે ઊતરે નહીં તેવી વાત માટે વિરોધ નોંધાવવો એ હકીકતે તો ગાંધીજીની વિચારસરણીને અનુલક્ષીને છે. બાકી વિરોધે વિનયની ઓથ છોડવી ન જોઈએ એવો ગાંધીજીનો વિચારતંતુ આવા વિરોધીઓને જચ્યો નહીં હોય, કારણ કે મારા પર આવેલા એકાદ બે પત્રોમાં તો ખાસ્સા આકારા અને અસભ્ય શબ્દો પણ હતા. આવા પત્રોએ મને અસ્વસ્થ તો કર્યો પણ સાથે સાથે અંતર્મુખ પણ કર્યો. મતભેદ નોંધાવવા અને અસહિષ્ણુતા ધરાવવી એ બન્નેમાં મુખ્ય તફાવત કયો હોઈ શકે એનો વિચાર હું કરવા લાગ્યો. મતભેદ વ્યક્ત કરનારો માણસ એક વિચારને સ્થાને બીજો વિચાર લાવવા ઈચ્છે છે અને અસહિષ્ણુ માણસ વિચાર નષ્ટ થઈ શકે તેમ નથી એવું જાણતાં જ વિચાર માંડનારી વ્યક્તિને જ નષ્ટ કરવા ઈચ્છે છે. ગાંધીજીના આ પુસ્તકમાં માણસ અને માણસના વિચારો થકી માણસને જીવંત રાખતાં જઈને તેને બદલવાની મથામણ થઈ છે. એને જ એમણે ‘હ્રદયપરિવર્તન’ કહ્યું છે. એ કાર્યને ‘સત્યાગ્રહ’ કહ્યો છે. અને આ વિચારપરિવર્તન અથવા સત્યાગ્રહ અથવા કાનૂનભંગ કરતી વખતે એ કાર્ય સવિનય કઈ રીતે થઈ શકે એની પળેપળ કાળજી લીધી છે.

હિંસા-અહિંસા-વિચાર અહીં ઉદ્દભવ્યો. આપણો સંઘર્ષ વૈચારિક હોવો જોઈએ. ત્યાં પછી ક્રોધ-લોભ-દ્વેષ-ઈર્ષ્યા માટે અને એમાંથી ઉત્પન્ન થનારી કાયા-વાચા-મનની હિંસા માટે સ્થાન હોવું ન જોઈએ. તે માટે જીવનના આહારથી માંડીને સામ્રાજ્યશાહીના વિરોધ સુધી થતા અનેક વૈચારિક સંઘર્ષોની આ કથા છે, જેને ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ કહ્યા છે. તેથી આ પ્રયોગોની નોંધ પણ વૈજ્ઞાનિકોની જેમ જ શબ્દે શબ્દને સાચવાતાં-સંભાળતાં થઈ છે. અહીં ભાષા પૂર્ણપણે અલંકારરહિત છે – ગાંધીજીની પોતડી જેવી સાદી અને સ્વચ્છ શબ્દોનાં મૂલ્ય વિચારોના વાહનથી અધિક ન આંકનારી. સાથોસાથ ‘સત્યાગ્રહ’, ‘સવિનય કાનૂનભંગ’ એવા શબ્દોના જન્મની કુળકથા અહીં મળે છે. કમનસીબે એમાંના કેટલાક શબ્દો આજે હાસ્યાસ્પદ બની ચૂક્યા છે. જો કે શબ્દો હાસ્યાસ્પદ નથી થતા પણ એની પાછળનો આચાર પ્રાણહીન થાય, નકલી થાય, તકલાદી થાય એટલે શબ્દોનું બીજ જતું રહે છે અને રહી જાય છે ફોતરાં. દરેકેદરેક શબ્દ પાછળ આચરણની કેટલી મથામણ હતી ! ગાંધીજીએ ‘સત્યાગ્રહ’, ‘અહિંસા’, ‘ઉપવાસ’ જેવાં શબ્દો વાપર્યા, રાજકીય જીવનમાં રૂઢ કર્યા. પરંતુ એ શબ્દોનો જન્મ કાંઈ શાહીના ખડિયામાંથી કાગળ પર જ થયો નહોતો. એમને શબ્દનું આવરણ મળ્યું તે પહેલાંનું એ આચરણ હતું. એ આચરણને અક્ષરોનું આવરણ લાધ્યું અને શબ્દ સજીવ થઈ ઊઠ્યો. આચરણના આવરણ વગરના શબ્દોનું મૂલ્ય કોડીનુંય હોતું નથી.

પહેલા કર્યું અને પછી બોલ્યા એવી પરિસ્થિતિ જો ન હોય તો એ બોલની કાંઈ ખાસ કિંમત હોતી નથી. ગાંધીજીએ જીવનના બધા જ પ્રયોગો પહેલાં પોતાની જાત પર કર્યા. આ પ્રયોગો બીજા કોઈ પણ પ્રયોગોની જેમ પહેલાં પહેલાં તો વિચિત્ર લાગ્યા. નાનીમોટી વાતો માટે પણ સમાજની રૂઢ એવી કલ્પનાઓ હોય છે. આ બાબતે પ્રગતિશીલ મનાયેલો યુરોપીય સમાજ પણ કોઈ અપવાદ હોતો નથી. માતાના પ્રેમ ખાતર ગળામાં પહેરેલી વૈષ્ણવદીક્ષાની કંઠી ગાંધીજીને ધાર્મિક દષ્ટિએ મહત્વની લાગતી નહોતી પણ એ માળા, માતાના જે પ્રેમને તાંતણે ગૂંથાઈ હતી, એ તાંતણો મહત્વનો હતો. એમને ખ્રિસ્તી ધર્મ તરફ દોરી જનારા મિશનરી મિત્રને એ કંઠીમાં અંધશ્રદ્ધા દેખાતી હતી. પણ ગળામાં પહેરાતા ક્રૉસમાં દેખાતી નહોતી. ગાંધીજીએ ખ્રિસ્તીઓનો પ્રેમમાર્ગ નકાર્યો નહોતો. તોય એ મિશનરીને તેટલા માત્રથી સંતોષ નહોતો, કારણ કે એનો પ્રેમ વિશુદ્ધ પ્રેમમાર્ગ નહોતો – ખ્રિસ્તીઓએ રચેલો પ્રેમ એ ખાસ નિરાળો છે અને સારાયે જગતને વિષ્ણુમય માનનારા વૈષ્ણવોનો પ્રેમ કાંઈ જુદો જ છે એવું એને લાગતું હતું. ‘મનનો સાલસ, જીભનો રસાળ, એના ગળે કંઠી હો કે ના હો’ એવું સમજવા માટે પોતાના જીવનનું પ્રત્યેક કાર્ય દષ્ટાની રીતે જોવું પડે છે. અને એ જોવું પણ વૈજ્ઞાનિક જેવું તટસ્થ હોવું જોઈએ. એવા તટસ્થપણે પોતાના જીવન પ્રત્યે નીરખતાં જઈને થયેલા પ્રયોગોની આ નોંધ છે. અહીં અહંકાર કોરાણે મૂકવો પડે છે. યશ અને અપયશ જેવી સંજ્ઞાઓનો કોઈ અર્થ રહેતો નથી. રહી જાય છે ફક્ત વસ્તુસ્થિતિનો અભ્યાસ. પોતાના જ ટેબલ પર સૂતાં સૂતાં પોતે જ પોતાના હાથે પોતાનું જ ઑપરેશન કરવા જેવી આ અવસ્થા હોય છે. એમાંથી નવી અનુભૂતિઓ થાય છે. રૂઢ કલ્પનાઓનાં રૂઢ ચિત્રોને આંચકો આપનારાં કાર્યો થતાં રહે છે.

સીધુંસાદું બહાદુરીનું જ ઉદાહરણ લઈએ. હાથમાં બંદૂક લઈને બીજા પર ગોળી ફોડવા નીકળેલો માણસ આપણને બહાદુર, નીડર લાગે છે. પરંતુ મારી ભારતીય સંસ્કૃતિમાં ઉઘાડા માથે ફરવું નિંદ્ય છે આથી હું માથા પરની પાઘડી નહીં ઉતારું, એ વાતને વળગી રહીને ગોરા, ઉદ્ધત મૅજિસ્ટ્રેટની નારાજી વહોરવા તૈયાર થયેલો આ નવયુવાન વકીલ પણ ભારે મોટી નીડરતાનો નમૂનો છે, એ તો આપણા ધ્યાનમાં આવતું જ નથી. મારી માતાને મેં માંસ ન ખાવાનું વચન આપ્યું, ઈંગ્લૅન્ડમાં મને કેટલીય મુશ્કેલી કેમ ન આવે; એટલું જ નહીં, મરી જાઉં તોય એ મૂકવાનો નથી. એ નિર્ધાર પાછળ આપેલા વચનને મૃત્યુના મૂલે ચૂકવવાની તૈયારી છે, જે આપણે સમજી શકતા નથી, કારણ કે નીડરતાનું આ દર્શન સ્થૂળ નથી. એમાં અભિનય નથી. માંસાહાર નકારવાનું વચન શું કે દૂધ પીવાનું વ્રત શું, વાતો તો જોવામાં નાની હોય છે, નજીવી હોય છે પણ મહાન સિદ્ધાંતોનાં એ ઉગમસ્થાનો હોય છે. ઝાડ પરથી પડેલું પેલું એક ફળ આમ તો સાવ ક્ષુલ્લક ઘટના. પણ એમાંથી ન્યૂટનનો એક મહાન શાસ્ત્રીય સિદ્ધાંત ઊભો થયો. ગાંધીજીના આહારના અને ઉપવાસના આ આવા જ નાના નાના પ્રયોગો. આપણાં ઘરોમાં બિચારી બા-બહેનો શું ઓછાં વ્રત કરે છે ? પણ એ કરવા પાછળ કોઈ દષ્ટિ નથી હોતી. ત્યાં હોય છે ફક્ત આંધળી શ્રદ્ધા. ગાંધીજીએ એ વ્રત પાછળના હેતુની, એની પાછળ રહેલા તત્વજ્ઞાનની શોધ આદરવાની શરૂઆત કરી. અને એમાંથી દેશવ્યાપી ચળવળને જન્મ દેનારી પ્રવૃત્તિનો જન્મ થયો. મેં ફર્સ્ટકલાસની ટિકિટ કઢાવી છે, અહીં બેસવાનો મારો કાયદેસરનો હક છે. આ વાત દક્ષિણ આફ્રિકાના રંગદ્વેષથી પાગલ થયેલા ગોરા અધિકારીને નમ્રપણે છતાં રોકડા શબ્દોમાં પરખાવનારા મોહનદાસ કરમચંદ ગાંધી નામના યુવાન બૅરિસ્ટરના સત્યના આગ્રહમાંથી જ ચળવળનો જન્મ થયો. ભારતના જ નહીં, પણ જગત આખાના તરછોડાયેલા માનવસમુદાયે એક નવા તત્વજ્ઞાન તરીકે શાંતિમય સત્યાગ્રહનો માર્ગ સ્વીકાર્યો.

આ પુસ્તક વાંચતી વખતે નિશાળમાં ચાલતું યુક્લિડનું પુસ્તક સાંભરી આવતું. આટલા અમસ્તા કાગળ પર લીટીઓ તાણવામાં આવે, આવડા આવડા ત્રિકોણ-ચોરસ દોરવામાં આવે અને એમાંથી જે સિદ્ધાંતો તૈયાર થતા હોય છે તે કેવો ભવ્ય વૈજ્ઞાનિક વિકાસ ઘડી આપતા હોય છે ! જે સમયે ગાંધીજીને ખાદીનું સૂત્ર જડ્યું, તે સમયે સૂતર કાંતવાના એ કાર્યને તો ઠેઠ તપશ્ચર્યાનું સામર્થ્ય લાધી ચૂક્યું હતું, કારણ કે એ કાર્ય પાછળ વ્રતની ભાવના હતી. વ્રત માટે માણસે અનેક નિયમો પાળવા પડે છે. ઘણી વાતોને ધીરજપૂર્વક નકારવી પડે છે. એટલું જ નહીં, સ્વીકાર કરતાં મનથી પવિત્ર એવા નકારમાંથી સામર્થ્યની ઉપાસના ઉદ્દભવતી હોય છે. આવી જીવનસાધના માટે કેટલુંક તંત્રાચરણ પણ કરવું પડે છે. એમ જોઈએ તો પવાલુંભર પાણી શું ગટગટ પી શકાતું નથી ? તો પછી ‘કેશવાય નમ:, નારાયણાય નમ:’ એમ કહેતાં કહેતાં આચમનો શા માટે લેવાં જોઈએ ? મિલમાં કાપડ ધડાધડ વણી શકાય છે. છતાંય ધીમે ધીમે વણાતી ખાદી શા માટે ? પણ આચમન લેવું એટલે તરસ છિપાવવા માટે પાણી પીવાનું નથી. પણ આપણે વ્રતબદ્ધ છીએ એ વાતનું સતત ભાન કરાવતું એ એક તંત્ર છે. પણ આ મંત્ર-તંત્ર પાછળની ધ્યેયનિષ્ઠા, સાત્વિક વ્રતની પ્રેરણા નષ્ટ થાય કે પછી ઢોંગનો જન્મ થતો હોય છે. રહી જાય છે ટીલાંટપકાં, અંતરનો ઉમળકો અદશ્ય થઈ જાય છે.

ગાંધીજીના આ સત્યના પ્રયોગો હું કાંઈ પહેલી જ વાર વાંચતો હતો એવું નહોતું. હું તો મૂળે જ એવા સમયગાળામાં જન્મ્યો અને ઊછર્યો કે ધ્યેયના હવનકુંડમાં ઝંપલાવવાની ચારે બાજુ બસ ચડસાચડસી થઈ રહી હતી. સામાજિક, રાજકીય કે પછી ધાર્મિક સુધારણાનો કોઈ પણ વિચાર ગાંધીજીના એને લગતા મતના સંદર્ભમાં થતો. જીવનમાં એવી એકેય વાત નહોતી કે જે ગાંધીજીએ પોતાના કાર્યક્ષેત્રમાં લીધી ન હોય. તેમણે રાજકારણમાં જીવનનાં બધાં જ અંગોનો સમન્વય કર્યો હતો. ચા પીવી નહીં એ પણ રાજકારણનો જ એક ભાગ હતો, અને પોલીસની લાઠીને ન ગણકારતાં સત્યાગ્રહ ચાલુ રાખવો એ પણ રાજકારણનો જ એક ભાગ હતો. ગાંધીજીએ લોકો સામે સેંકડો વ્રતો મૂક્યાં હતાં. જેને જે જોઈએ તે તેણે ઉપાડી લેવું. એ વ્રતોમાં નાનું વ્રત અને મોટું વ્રત એવું કાંઈ નહોતું. ‘सर्वदेवनमस्कार: केशवम प्रति गच्छति’ એ ન્યાયે બધાં વ્રતોનો ઉદ્દેશ તો સ્વરાજ જ હતો. માણસના એક જ દેહમાં જેમ અનેક પ્રવૃત્તિઓ હળીમળીને રહેતી હોય તેમ રાજપુરુષોના દેહમાં પણ એ એકસાથે હળીમળીને રહેતી હોય છે. આથી શિક્ષણકાર્ય જુદું, સમાજસુધારણા જુદી, રાજકારણ જુદું એવી એકેય વાત એમની વિચારસરણીમાં જ નહોતી. રાજપુરુષોનું આરોગ્ય ટુકડે ટુકડે આવા ઈલાજ કરીને સુધારાતું નથી. એ સિદ્ધાંત ગાંધીજીએ આ બધા પ્રયોગોમાંથી શોધી કાઢ્યો હતો. તેથી ચંપારણનો સત્યાગ્રહ હોય કે બ્રહ્મચર્યપાલન હોય, બાળકોનું માતૃભાષામાં શિક્ષણ હોય કે નિસર્ગોપચાર હોય, રાષ્ટ્રીય પુરુષના આરોગ્ય માટે આ બધી વાતો જરૂરી છે. એવો નિષ્કર્ષ આ પ્રયોગોમાંથી નીકળ્યો. અને આ વિચારપ્રણાલીને ‘સર્વોદય’ એવું નામ મળ્યું. એક નવો શબ્દ અવતર્યો. પરંતુ તે પણ નવું બાળક માતાના લોહીમાંથી પોષાઈને અવતરે છે તેમ ગાંધીજીના લોહીમાંથી પોષાઈને આવ્યો હતો. એ શબ્દના સર્જન પાછળ કેટલો મોટો ઈતિહાસ છે, કેટલી મથામણ છે, આશાની કેટલી ચિનગારી છે, નિરાશાના કેટલા પ્રસંગો છે, ઉપવાસ છે, અપમાન છે, લોકોએ કરેલી ગેરસમજ છે ! આખરે તો જીવંત બાળક પ્રમાણે જીવંત શબ્દને અવતારવો એટલે ગર્ભવતીની વેદના જેવી વેદના સહ્યા વગર એ શબ્દમાંથી પ્રાણ સ્પંદતો નથી.

આ બધા પ્રયોગો કરતી વખતે ગાંધીજીને જડેલું બીજું એક સત્ય તે એ કે આખોય માનવસમાજ, આમથી કે તેમથી બધેથી સરખો જ. તેથી સંઘર્ષ વ્યક્તિ સાથે નહીં પણ પ્રવૃત્તિ સાથે કરવાનો હોય છે. આફ્રિકાના નિગ્રો લોકો માટે માણસાઈના સીધાસાદા હકો નકારનારા ગોરા લોકો અને હાડમાંસના બનેલા આપણા જેવા જ લોકોને અસ્પૃશ્ય કહીને ધુત્કારી મૂકનારા આપણે બધા, આવે વખતે એકસરખા જ અપરાધી છીએ એવું થઈ આવે છે. સ્વાતંત્ર્યનો પ્રશ્ન પહેલાં હલ કરી લઈએ, હરિજનોનું પછીથી જોયું જશે, એવા સગવડિયા અને કહેવાતા વ્યવહારુ તત્વજ્ઞાન માટે અહીં સ્થાન રહેતું નથી. માતાને માંસાહાર નકારવાનું વચન આપ્યા બાદ એમાંથી બુદ્ધિએ સૂચવેલી છટકબારીઓ સ્વીકારવી નહીં એ નિર્ધાર, આપેલો શબ્દ પાળવો જ જોઈએ એવા શાસ્ત્રવચનના આધાર પર દઢપણે ઊભો રહે છે. પ્રયોગો પરત્વે ભળતી જીદ પકડીને ચાલવું વૈજ્ઞાનિકોને પોસાય નહીં. માર્ગ ભૂલભર્યો છે, એ વાત ધ્યાનમાં આવતાં જ પંદર પંદર વર્ષોની તપશ્ચર્યા એળે જાય તોપણ એનો અફસોસ ન કરતાં વૈજ્ઞાનિક સત્ય શોધવાનો પ્રયત્ન પાછો નવેસરથી કરવો પડે છે. હિમાલય જેવડી પોતાની ભૂલ કબૂલવી પડે છે. તુકારામબાપુ ‘રાતદિન અમોને યુદ્ધનું ટાણું’ કહે છે તે આ જ. રામદાસ જેવા સમર્થ હૈયાધારી સંત પણ ‘અટકચાળું મુજ મન વાર્યું ન વળે’ કહીને કોક ભૂખ્યા બાળકની જેમ જ વ્યાકુળ થઈ ઊઠે છે તે આવી આત્મવંચનાની ક્ષણોમાંથી પાર ઊતરવા માટે જ્યારે સામર્થ્ય ઓછું પડતું હોય છે ત્યારે જ. ગાંધીજીના જીવનમાં દૂધ વિશે – બકરીના દૂધ માટે થઈને એમણે કરેલું સમાધાન એમને આમ જીવનભર ખૂંચતું રહ્યું હતું. ધર્મશાસ્ત્રોએ પણ આપદધર્મ માન્યો છે, પણ આપદધર્મ તરીકે કરેલું અશાસ્ત્રોક્ત આચરણ પણ દોષના ડાઘ મૂકતું જાય છે.

રૂ પીંજીએ તેમ પોતાના અનુભવો ગાંધીજીએ પોતાની સામે છૂટાછૂટા કરીને મૂક્યા છે. એમના નિષ્કર્ષ સાથે બધાં સહમત થશે જ એવું જરાય નથી. એમની હયાતીમાં પણ ખાસ્સો વિરોધ હતો. આજે પણ છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામનો અંગત જીવન જીવનારો બે-પાંચ જણા જેવો જ કુટુંબકબીલાવાળો એક માણસ મહાત્મા ગાંધીના નામે સાર્વજનિક મિલકત બની બેઠો. કીર્તનકારોની કથામાં મીઠાની ઢીંગલીની એક વાત આવે છે : મીઠાની એક ઢીંગલીએ પોતાની જાતને દરિયામાં ઝંપલાવી દીધી. પછી એ અને દરિયો એકરૂપ થઈ રહ્યાં. ગાંધીજીએ પોતાની જાતને જનસાગરમાં ઝંપલાવી દીધી. એમના જીવનનું ખાનગીપણું સંપૂર્ણતયા સાર્વજનિક જીવનમાં વિલીન થઈ ગયું. લૌકિક જીવનનાં અનેક અંગોમાં સુગંધની જેમ અજાણતાં જ પ્રવેશ કરનારી વ્યક્તિના આ અલૌકિક પ્રયોગો. એ વાંચતી વખતે નાનપણના એ સત્યાગ્રહનાં, લાઠીમારનાં, સંસારને લાત મારીને નીડરપણે બહાર નીકળેલા સમાજના બધા જ સ્તરના લોકોનાં સરઘસોનાં, અંગ્રેજોની પોલીસે કરેલી એમની ટાંગાટોળીનાં ચિત્રો મારી આંખ સામે આવતાં હતાં. એમના લાંબા ઉપવાસના કાળમાં, ઘરના વડીલો મેવા-મીઠાઈ ખાવા નહીં, લગ્નસમારંભો કરવા નહીં એવાં વ્રતો લેતા, ઘરમાં ચિંતાનું વાતાવરણ રહેતું – આ બધું જ આંખ સામે ખડું થતું હતું. આગળ જતાં જે કાર્યે વિરાટ સ્વરૂપ લીધું, એની ગંગોત્રી આ આત્મચરિત્રમાં છે. ગંગાનાં દર્શન જેટલું જ ગંગોત્રીનું દર્શન પણ પવિત્ર. આ ગ્રંથમાંથી લહેરાતા રહેનારા ઉગમનાં આવાં નાનાં નાનાં ઝરણાં.

ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’નું કમનસીબે આજની નિરાશામય પરિસ્થિતિમાં વાચન કરતી વખતે મને મારી ભૂમિકા પણ નાનકડા તુચ્છ દીવડા જેવી લાગતી હતી. આ વાચન થકી મેં કયું કાર્ય કર્યું, એ તો ભગવાન જાણે ! ભલે ને, થોડાક સમય માટે કેમ ન હોય, પણ મારો નાતો મનુષ્યોમાંના એક સૂર્ય સાથે જોડાયો હતો, એ જ મારો સૌથી મોટો સંતોષ.

[કુલ પાન : 464. (પાકું પૂઠું) કિંમત રૂ. 500. પ્રાપ્તિ સ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફૉન : +91 79 26560504, 26442836]