વાર્તાલેખન, અવલોકન અને મંતવ્ય – સંકલિત

રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા:2009ની વાર્તાઓ માટે નિર્ણાયકોએ આપેલા સૂચનો, મંતવ્યો અને અવલોકન નીચે પ્રમાણે છે :

[1] વાર્તાલેખન – મહેશ યાજ્ઞિક

‘રીડગુજરાતી’ નવા સર્જકો માટે આ પ્રકારની જે સ્પર્ધાનું આયોજન કરે છે એ એક આવકારદાયક ઘટના છે. એમાં સહભાગી બનીને જે 45 સ્પર્ધકોએ ભાગ લીધો છે એ સહુને અભિનંદન… ટૂંકી વાર્તાનું સ્વરૂપ છેતરામણું છે એટલે સ્પર્ધામાં વિજેતા બનવાનું સદભાગ્ય મળે કે ના મળે; આપ સહુ આ દિશામાં આગળ વધવાનું… ધેટ મિન્સ, નવી નવી વાર્તાઓ લખવાનું ચાલુ રાખજો…

તમામ વાર્તાઓ વાંચ્યા પછી આપ સહુની સાથે ખુલ્લા દિલની વાત… પરંતુ એ પહેલાં એક કબૂલાત. હું કોઈ મોટો સાહિત્યકાર કે અભ્યાસુ માણસ નથી. વિવેચકો માટે કે કોઈ સ્પર્ધામાં વિજેતા બનવા માટે કશું લખ્યું નથી. ‘દિવ્ય ભાસ્કર’માં દર રવિવારે ‘કથાસરિતા’માં છેલ્લા બે વર્ષથી નવી નવી વાર્તાઓ આપું છું અને એ વાચકોને બેહદ ગમે છે. આ ઉપરાંત ‘ચિત્રલેખા’ અને ‘અભિયાન’માં પ્રસિદ્ધ થયેલી ધારાવાહિક નવલકથાઓને પણ વાચકોનો અનહદ પ્રેમ મળ્યો છે એ મારી મૂડી. અને એથી મારી અંગત સમજણ મુજબ આપ સહુને પહેલી સલાહ એ કે હમેશાં વાચકને નજર સામે રાખો. માત્ર નિજાનંદ માટે લખવું એ અલગ વાત છે પણ પ્રોફેશનલ અભિગમ સાથે આગળ વધવું હોય તો લખતી વખતે વાચકની જરૂરિયાતને ધ્યાનમાં રાખો. વાર્તા વાંચ્યા પછી વાચકને કંઈક સારું વાંચ્યાનો સંતોષ મળવો જોઈએ.

આ માટે શું કરવું જોઈએ ? સીધી-સાદી અને સરળ ભાષા વાચકને વધુ ગમે. અઘરા શબ્દો એના માથે મારવાની કોઈ જરૂર નથી. વાર્તામાં ઘટના હોવી જોઈએ. સાવ નાનકડી ઘટના પણ સરસ માવજત દ્વારા વાર્તાનું રૂપ લઈ શકે. કથાગૂંથણી એટલી સશક્ત હોવી જોઈએ કે વાર્તા વાંચતી વખતે વાચક વાર્તાપ્રવાહની સાથે જકડાઈ રહે. હવે આગળ શું થશે એ ઉત્કંઠા સાથે વાચક તમારી વાર્તા વાંચે તો તમે સફળ લેખક. આ કળા સિદ્ધ કરવા માટે તમારું વાંચન વિશાળ હોવું જોઈએ. તમે વાંચેલા વાર્તાસંગ્રહો અને નવલકથાઓના નામ યાદ કરો. એમાંથી અમુક પુસ્તકો વાંચવામાં તમને ખરેખર મજા આવી હશે, જ્યારે અમુકને તમે અધૂરાં જ છોડી દીધાં હશે. તમારા વાચકની મનોદશા પણ આવી જ હશે. માટે જેમાં તમને દિલથી રસ પડેલો એ પ્રકારનું લખવા માટે સજ્જ બનો અને આગળ વધો.

વાચકને આપણી વાતમાં જકડી રાખવા માટેની અમુક સરળ ટેકનીક છે. ધારો કે આપણે કોઈ ‘નગીન’ નામના પાત્રની વાર્તા લખી રહ્યા છીએ. તો એ નગીન કોણ છે ? કેટલાં વર્ષનો છે ? એનો દેખાવ કેવો છે ? એની આર્થિક સ્થિતિ કેવી છે ? આ બધી માહિતી વાચકને શરૂઆતથી જ મળી જાય તો એ નગીનને સારી રીતે ઓળખશે અને એથી એને નગીનની વાતમાં રસ પડશે. અત્યંત ટૂંકમાં છતાં નગીનનું આખું પાત્ર કઈ રીતે ઉપસાવશો ? જુઓ, ઉદાહરણ…

“બસસ્ટોપ પર ઊભેલા નગીને ચંપલની તૂટેલી પટ્ટી સંધાવવા માટે નજર ફેરવી પણ આજે મોચી દેખાયો નહીં. પાંત્રીસ વર્ષની ઉંમરે અર્ધા ધોળા થઈ ગયેલા વાળને એણે હાથની આંગળીઓથી વ્યવસ્થિત કર્યા. આજે મોડો ઉઠ્યો એટલે શાક-ભાખરી બનાવવાનો સમય નહોતો રહ્યો. ના છૂટકે ઑફિસની કેન્ટિનમાં જમવું પડશે….”

આ એક ફકરો વાંચીને વાચકને જોઈતી તમામ માહિતી મળી જશે. પાંત્રીસ વર્ષનો નગીન વાંઢો છે. કોઈ ઑફિસમાં નોકરી કરે છે અને પોતાના દેખાવ માટે એ જરાય સભાન નથી. તૂટેલા ચંપલ પહેરીને પણ ઑફિસે જવાની એનામાં નૈતિક હિંમત છે. બીજા અપટુડેટ કર્મચારીઓ એના વિશે શું કહેશે એની એને પરવા નથી… વાચકના અજ્ઞાત મગજને આટલો સંદેશો મળી જાય એ પછી વાર્તાકાર તરીકે તમારું કામ સરળ બનશે. નગીન આગળ જે કંઈ કરશે એ બધામાં એને વાચકની સહાનુભૂતિ મળશે. સીધા સાદા વર્ણનને બદલે બે પાત્રના સંવાદ દ્વારા પણ વાર્તાના નાયકનો પરિચય પરોક્ષ રીતે વાચકને આપી શકાય. ટેલિફોન કે મોબાઈલ દ્વારા વાતચીત થતી હોય એના આધારે પણ વાચકની નજર સમક્ષ કથાનાયકનું ચિત્ર ઉપસાવી શકાય. આવી અનેક ટેકનીક શક્ય છે. તમારી વાર્તાના પાત્રનો પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે પરિચય આપી દીધા પછી રહસ્ય અને રોમાંચ દ્વારા વાચકને જકડી રાખવાનું કામ વિશેષ આવડત માગી લે છે. રહસ્ય એટલે ખૂન. હત્યા કે ધાડ નહીં પણ નાની નાની વાતમાં પણ વાચકના મનમાં હવે શું થશે ? એ ઉત્તેજના-જિજ્ઞાસા જન્માવી શકો તો સફળતા તમારી મુઠ્ઠીમાં છે.

ઉદાહરણ તરીકે આપણા નગીનની જ વાત આગળ વધારીએ…. “બસસ્ટોપ પર બસ આવે. નગીન બસમાં ઘૂસે. લગભગ આખી બસ ભરેલી છે. સત્યાવીસેક વર્ષની એક રૂપાળી યુવતીની બાજુની સીટ ખાલી છે. નગીન ત્યાં પહોંચે છે… પછી ?” પછીની વાર્તા તમારે આવી જ રીતે આગળ વધારતા રહેવાની છે. જો નગીનની જગ્યાએ તમારી જાતને ગોઠવીને આગળ વિચારશો તો લખવાની વધુ મજા આવશે. પરકાયા પ્રવેશની કળા લેખકને આવડવી જોઈએ. કંટકટર ટિકિટ માટે નગીન પાસે આવે. નગીન ખિસ્સામાં હાથ નાખે અને પાકીટ ભૂલી ગયો હોય એવું પણ વિચારી શકાય. આ દશા સર્જાય એ પછી તમારે નગીન મટીને પેલી યુવતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. આ પ્રસંગે એ યુવતી શું કરે ? આ બેવકૂફ મારી જોડે ક્યાં બેઠો ? એવું વિચારીને ઉપહાસથી નગીન સામે જુએ કે પછી પર્સ કાઢીને નગીનની ટિકિટ લેવાની સહાનુભૂતિ દાખવે ? એ શું કરશે એ તમારે નક્કી કરવાનું છે. ટૂંકમાં, વાર્તાના વાચકને સાથે રાખવા માટે તમારી વાર્તામાં કંઈક એવું તત્વ હોવું જોઈએ કે જેને લીધે એને આગળ વાંચવાની ઈચ્છા થાય.

મિત્રો, આંકડાશાસ્ત્ર સાથે બી.કોમમાં ગુજરાત યુનિવર્સિટીમાં નંબર મેળવેલો અને કવિતા લખવાથી શરૂઆત કરેલી. પછી નામ અને દામ માટે વાર્તા અને નવલકથા તરફ વળી ગયો. નાનપણથી જ વાચનનો ભયાનક શોખ અને નિરીક્ષણ (ઑબ્ઝર્વેશન)ની આદતને લીધે વાર્તા-નવલકથા લખવામાં સરળતા રહે છે. કોઈ વિદ્વાન કે ભાષાશાસ્ત્રીની મારી હેસિયત નથી. તમને બધાને આ જે સલાહ-સૂચન આપ્યા એ મારી અંગત સમજણને આધારે આપેલા છે. હમેશાં વાચકને નજર સમક્ષ રાખીને લખવાની મારી આદત છે એટલે મારા અનુભવના આધારે પેટછૂટી વાત કહી.

એક સાથે 45 નવસર્જકો સાથે આ રીતે વાત કરવાની તક આપી એ બદલ રીડગુજરાતી.કોમ અને મૃગેશભાઈનો આભારી છું. આપ સહુ મિત્રો આ ક્ષેત્રમાં આગળ વધીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો એવી હાર્દિક શુભકામનાઓ. અહીં લખેલી નગીનની વાત જો કોઈને આગળ વધારવી હોય તો જરૂર વધારજો. મજા આવશે. મારા તરફથી મળેલ એક પડકાર માનીને પણ પોતપોતાની રીતે એને આગળ વધારજો. મારું સરનામું અને મોબાઈલ નંબર અહીં આપેલ છે. કોઈને પણ વધુ વાત કરવી હોય તો વિના સંકોચે સંપર્ક સાધજો. આપની સાથે વાત કરવામાં મને પણ આનંદ આવશે.

લિ.
આપનો સહૃદયી,
મહેશ યાજ્ઞિક,
એ/1, નીલકમલ એપાર્ટમેન્ટસ,
એલ.ડી. આર્ટસ કૉલેજ પાછળ,
નવરંગપુરા, અમદાવાદ-380009
ફોન : +91 9879065207
.

[2] મારું અવલોકન – અજય ઓઝા

કોઈ પણ વાર્તાને નિર્ણાયક દષ્ટિએ વાંચવાનું પહેલીવાર બન્યું એવું કહેવું છે પણ ન કહી શકાય, કેમ કે વાંચન વખતે આપણી અંદર એક મૂલ્યાંકનકાર તો સતત બેઠો જ હોય છે. આ વાર્તાલેખન સ્પર્ધામાં નવોદિતોએ ભાગ લીધો તે જાણીને આનંદ થયો. લેખિકાઓનું પણ સારું યોગદાન જોવા મળ્યું. એટલું જ નહિ પણ વિદેશમાં વસતા યુવા મિત્રોએ પણ ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે અને સારી વાર્તાઓ રચી આપી છે. આ માટે રીડગુજરાતી.કોમને અને મૃગેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આવી સ્પર્ધાઓ થતી રહે એ ખૂબ જરૂરી સમજું છું.

આવેલ 45 વાર્તાઓનું 100 ગુણ માટેનું મૂલ્યાંકન મેં ચાર મુખ્ય બાબતોમાં – (1) ભાષા [20 ગુણ] (2) વાર્તાતત્વ [20 ગુણ] (3) પ્રયોગશીલતા [20 ગુણ] અને (4) એકમેવ અસર-સિંગલ ઈફેક્ટ [40 ગુણ] માં વિભાજન કરીને કરવા પ્રયત્ન કર્યો છે. આમ કરવાથી અન્યાય થવાની શક્યતાઓ ઘટી જાય છે અને સમરસ મૂલ્યાંકન કરવામાં ખૂબ સરળતા રહેતી હોય છે એવું અનુભવે મને જણાયું છે. એમ છતાં મેં મારી સૂઝ પ્રમાણે ગુણાંકન કર્યું છે, એને સંપૂર્ણ કે આખરી હોવાનો દાવો હું ન કરી શકું. મેં બધી જ વાર્તાઓ ખૂબ રસપૂર્વક વાંચી છે, એટલે એમાંની કેટલીક વાર્તાઓ વિશે સંક્ષિપ્ત વાત કરું. ઉપરોક્ત ચાર વિભાગો પૈકી પ્રથમ બે, ભાષા અને વાર્તાતત્વ તો સાધન ગણી શકાય પરંતુ જ્યાં પ્રયોગશીલતા કે એકમેવ અસરનો અભાવ રહેતો જણાય ત્યાં વાર્તા નબળી પડતી હોય છે. એટલે આ બાબતે નિશાન ચુકી ગયેલી કલમોએ માત્ર થોડી ધાર કાઢવાની જ જરૂર રહે.

‘ઉંબર’, ‘એટલાન્ટિકની સફરે’, ‘નસીબદાર’, ‘દૂધ’, ‘અંત નહીં; આરંભ’, ‘માણસવેડા’, ‘ફીનીક્સ’, ‘મારી ઓળખાણ’, ‘સત્ય શું ? લાગણી કે ઉન્માદ’ – જેવી વાર્તાઓમાં ઉપરોક્ત ચારેય પરિમાણો અસરકારક માર્ક્સ મેળવી જાય છે. તો સાથે જ વિષયવૈવિધ્ય, એકમેવ અસરની રીતે ‘પરી’ વાર્તા મેદાન મારી જાય છે. જો થોડી માવજત અને વાર્તાનો અસરકારક અંત બનાવી શકાયો હોત તો હું મારી દષ્ટિએ ‘ધી બ્લેક બોર્ડ’ વાર્તાને પહેલો નંબર આપું. આ વાર્તામાં તત્વ ખૂબ મહત્વનું છે. સમાજને જે તે તબક્કે સુધારવા માટે જે તે તબક્કાને અનુરૂપ કડવી છતા હિતકારક બાબતોને આ રીતે વાર્તામાં ઢાળીને રજૂ કરવી એ તમામ વાર્તાકારોનું કર્તવ્ય પણ છે. એ માટે વાર્તાલેખકને અભિનંદન. અને આવી જ બાબતે ગમી જાય એવી બીજી વાર્તા છે ‘પાંખોમાં બળ’, જેમાં પણ સર્જકે એમનું કર્તવ્ય નિભાવવા બરાબર મહેનત કરી છે. તો ‘ઉંબર’ વાર્તાની શૈલી અને વાર્તાનો ઉદ્દેશ ખૂબ જ પ્રશંસનીય છે. ‘એટલાન્ટિકની સફરે’માંનું વાર્તાતત્વ જ એટલું તાણાવાણાવાળું છે કે સ્વયં સર્જકે એમાં વાર્તા માંડ્યા પછી કશું ય કરવું નથી પડતું, કેમ કે અંત તો લેખકે પહેલેથી જ વિચારેલો હોય એ જણાય છે. ‘નસીબદાર’માં પણ વાતને કહેવાની રીત નિરાળી અને અસરકારક છે. ‘દૂધ’ એ માત્ર દલિતવાર્તા ન બની રહેતા ગ્રામ્યભાષાના પોતમાં રંગાયેલી લાગણીઓની વાત રજૂ કરતી સુંદર કૃતિ છે. ‘ફીનીક્સ’ વાર્તા આમ તો સરેરાશ રહે છે પરંતુ અંતિમ પેરેગ્રાફ આખીયે વાર્તાને પોતાની ચાર લાઈનોમાં ઊંચકી લે છે એ સરસ છે. ‘માણસવેડા’માં પ્રવાસી બનવાનો અનુભવ પણ ખૂબ રોમાંચક બની રહ્યો. ‘સર્જકની પ્રેરણા’નો પ્રથમ ભાગ વધુ ગમ્યો. રજૂઆત સારી હોવાથી ગુણ મળે છે. ‘સત્ય શું ? લાગણી કે ઉન્માદ ?’ વાર્તાનું તત્વ પણ સમાજને માથે પથદર્શક બાબત હોવાથી વધુ ગુણ મેળવી જાય છે, તેમ છતાં એમાં દષ્ટિકોણ, રજૂઆત અને કથન કેન્દ્રની અસરકારકતા જો વધારે માવજતથી અને સભાનતાથી થઈ શકી હોત તો ઉત્તમકૃતિ નીપજે.

આ સિવાયની અને ખાસ કરીને 50 થી 55 ગુણ મેળવતી વાર્તાઓ પ્રમાણમાં નબળી જણાય છે પરંતુ આશાસ્પદ તો છે જ. અન્ય વાર્તાઓમાં પણ ભાષા અને વાર્તાતત્વ તો છે જ, પરંતુ સિંગલ ઈફેક્ટમાં કોઈ ને કોઈ રીતે પાછળ રહી જાય છે. એટલે આગળ કહ્યું તેમ એ સર્જકોએ પણ નિરાશ થવાને બદલે લખતા રહીને કલમને ધાર કાઢતા રહેવું ખૂબ જ જરૂરી છે. બધી જ વાર્તાઓએ મને ઘણુંબધું શીખવ્યું છે એ માટે સૌ સર્જકોનો અને આ તક આપવા માટે મૃગેશભાઈનો તેમજ રીડગુજરાતી.કોમનો હું ઋણસ્વીકાર કરું છું.

લિ.
અજય ઓઝા
3A/4640, અમરદીપ સોસાયટી,
ગાયત્રી નગર, ઘોઘા રોડ,
ભાવનગર-364001.
ફોન : +91 9825252811
.

[3] મારું મૂલ્યાંકન – મીરા ભટ્ટ

‘રીડગુજરાતી’ તરફથી યોજાયેલી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009ના નિર્ણાયકરૂપે મેં કરેલા મૂલ્યાંકનની સામાન્ય રૂપરેખા નીચે મુજબ આપું છું. હું પોતે એક લેખક છું, પરંતુ સાહિત્યમાં ‘ટૂંકીવાર્તા’ના લેખનનું ક્ષેત્ર મેં નહીંવત ખેડ્યું છે, એટલે નિર્ણાયકપદનો મને કેટલો અધિકાર છે તે પ્રશ્ન જ છે, તેમ છતાંય એક સારા વાચક અને ભાવકરૂપે તો એને મૂલવું જ છું, એટલે બે વાતો મારા મૂલ્યાંકન અંગે કહીશ.

‘મૂલ્યાંકન’ શબ્દમાં જ ‘મૂલ્ય’ સમાયેલું છે. એટલે વાર્તામાં પણ મારી નજર ‘મૂલ્ય’ને શોધતી રહી. મૂલ્ય એ બજારની ચીજ નથી. મૂલ્યનું ક્ષેત્ર હૃદય છે. મૂલ્ય હૃદયમાંથી ઊઠતું હોય છે. એ પ્રાણતત્વના મૂળ સુધી લઈ જઈ શકે છે, એટલા જ માટે એ મૂલ્ય છે. મૂલ્ય એટલે કશીક પાયાની ચીજ, કોઈક બુનિયાદી તત્વ, કશીક સચ્ચાઈ જેના આધારે જીવન ફૂટે અને ફૂલેફાલે. તો મેં પસંદ કરેલી વાર્તાઓમાં મને આ ‘મૂલ્ય’ના દર્શન થયા છે.

બીજું ધોરણ સ્વીકાર્યું છે – પ્રસ્તુતિકરણનું. જે મૂળ વાત કહેવી છે તે ધાર્યા નિશાન તાકે છે ? દિલ-દિમાગમાં કશુંક અંકે કરી જઈ શકે છે ? પોતે અદશ્ય થાય છતાંય અસર ફેલાતી રહે તેવો કોઈ પ્રભાવ પાડી શકે તેવી રજૂઆત જોઈએ, નહીંતર લોટ-ગોળ-ઘી બધું જ હોવા છતાં ક્યારેક શીરો ગુંદર બની જતો હોય છે. ત્રીજા ધોરણમાં સ્પર્ધાની શરતોનું પાલન. નહીં લાંબી, નહીં ટૂંકી, પરંતુ માગ્યા મુજબનો માલ ! પરંતુ આ ધોરણને મેં ગૌણ માન્યું છે. આ ધોરણના કારણે કોઈ સારી કૃતિને મેં અન્યાય નથી કર્યો.

બાકી એકંદરે સારો પ્રયાસ હોવાની લાગણી જન્મી છે. એકાદ-બે વૃદ્ધ-પ્રૌઢો સિવાય, મોટા ભાગની વાર્તાઓ યુવા-લેખકોની છે. આરંભે બધું કાચું-કાચું અને અણઘડ હોય એ તો ઠીક જ છે, પરંતુ કળાકૃતિને વય કે વિદ્વતા સાથે કોઈ સંબંધ નથી ! કોયલના કૂંજનમાં કે મોરના ટહુકામાં પણ સૃજનતા અનુભવાય, તો યુવા-હૃદય તો અનંત-અસીમને ઝીલનારું પાત્ર છે ! કશુંક સરસ-સુંદર, મધુર-મીઠું ઝીલાઈ જાય અને સર્જનની પ્રેરણા થાય ! ક્યારેક ભીતર કશુંક ભોંકાઈ જાય અને ચીસ પાડી ઊઠાય…. આ જ તો છે સાહિત્ય. સાહિત્યને સત્ય સાથે સંબંધ છે, જીવન સાથે સંબંધ છે ! એમાંથી ભલે કોઈ ‘મેસેજ’ ન મળે, કે ઈશપ-કથાઓની નીચે કહેવાયેલો ‘સારબોધ’ ન મળે, પણ ‘કશુંક-કશુંક’ તો ઉદ્દભવવું જ જોઈએ. મેં પસંદ કરેલી ત્રણ વાર્તાઓમાં મને આવું કંઈક જડ્યું. સૌપ્રથમ ‘પરિવર્તિત દિવાળી’માં થયેલા બે હૃદય-પલટાની વાત ખૂબ ગમી. બીજી વાર્તા ‘પ્રેમ એટલે’માં તારવાયલી પ્રેમ અંગેની સાચી સમજ કે પ્રેમ એ સ્વાર્થને પોષતી કે સુખસગવડ સાચવતી સ્વકેન્દ્રી લાગણીની સોદાબાજી નથી, બલ્કે માણસ જેવો છે તેવો સ્વીકારવાની મનોવૃત્તિ છે, કોઈ અન્ય સાથે એકરૂપ થવાની અંત:સાધના છે. પરસ્પર સ્વીકાર અને નિસ્બત આ વાર્તામાં પ્રગટ થાય છે. ત્રીજી વાર્તા ‘ડૂમો’ કહે છે કે સુખ વહેંચાય તો વધે, દુ:ખ વહેંચાય તો ઘટે. આ વાર્તામાં દુ:ખમાં ભાગીદારી નોંધાવવાની વાત સુંદર, પ્રભાવકારી રીતે કહેવાઈ છે. માથું ઢાળીને બે ડૂસકાં ભરી શકાય એવા કોઈ ખભાની તલાશ માટેની વ્યથા અહીં પ્રગટ થઈ છે.

સૌ સ્પર્ધકોને અભિનંદન અને શુભેચ્છાઓ.

લિ.
મીરા ભટ્ટ
73, રાજસ્તંભ સોસાયટી,
પોલોગ્રાઉન્ડ પાસે, વડોદરા-1.
ફોન : +91 265 2432497.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નણંદને સપનું આવ્યું…. – રતિલાલ બોરીસાગર
વાર્તા-સ્પર્ધા : 2009 પરિણામ – તંત્રી Next »   

15 પ્રતિભાવો : વાર્તાલેખન, અવલોકન અને મંતવ્ય – સંકલિત

 1. Viren Shah says:

  Dear Mrugeshbhai

  When shall we be able to read these stories?
  Please publish all of them not only the winners.

  Thanks,
  Viren

  • હા મ્રુગેશ ભાઈ… તમે બધી વાર્તાઓ Publish કરજો… વાંચવાની મજા આવશે.

   What I can suggest is, put all stories on ReadGujarati, let users poll which is the best one and see whether it matches with the judges’ choice…

 2. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ ખુબ આભાર નિર્ણાયકો અને મૃગેશભાઈ, આ વાર્તા સ્પર્ધામા એક સ્પર્ધક તરીકે ઘણુ જાણવાનુ અને શિખવાનું મળ્યું. નિર્ણાયકોનું અવલોકન અને મંતવ્ય નિશાન ચુકી ગયેલી કલમો માટે ધાર કાઢવામાં જેમ અજય ભાઈ કહે છે એમ ખુબ જ ઉપયોગી છે. તો ૪૫ નવસર્જક સાથેની પેટ છુટી વાત પણ સ્પર્ધકો માટે જીવન પર્યંત યાદ રાખવા જેવી છે. મીરાબેને નિર્ણાયક તરીકે સ્પર્ધકોની વાર્તાઓનું યોગ્ય મુલ્યાંકન કરેલ છે. દરેક સ્પર્ધકો માટે એક લેવલ આગળ વધવા જેવો અનુભવ ચોક્કસ કહી શકાય.
  આભાર.

 3. જય પટેલ says:

  ગુજરાતી સાહિત્યમાં નવી પેઢીનું સર્જન કરવામાં આપનું યોગદાન પ્રશંસનીય છે.

  અત્રે આપ ત્રણેયની પ્રસ્તુતીથી વાર્તાના નિર્ણયની Internal Process and Your Thinkings
  જાણવા મળ્યાં.
  આભાર.

 4. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ ખુબ આભાર નિર્ણાયકો અને મૃગેશભાઈ, આ વાર્તા સ્પર્ધામા એક સ્પર્ધક તરીકે ઘણુ જાણવાનુ અને શિખવાનું મળ્યું. નિર્ણાયકોનું અવલોકન અને મંતવ્ય નિશાન ચુકી ગયેલી કલમો માટે ધાર કાઢવામાં જેમ અજય ભાઈ કહે છે એમ ખુબ જ ઉપયોગી છે. તો જેમ મહેશભાઈ કહે છે કે ૪૫ નવસર્જક સાથેની પેટ છુટી વાત પણ સ્પર્ધકો માટે જીવન પર્યંત યાદ રાખવા જેવી છે. મીરાબેને નિર્ણાયક તરીકે સ્પર્ધકોની વાર્તાઓનું યોગ્ય મુલ્યાંકન કરેલ છે. દરેક સ્પર્ધકો માટે એક લેવલ આગળ વધવા જેવો અનુભવ ચોક્કસ કહી શકાય.
  આભાર.

 5. ૪૫ ઉગતા લેખકો અને ૩ અનુભવી નિર્ણાયકો. પ્રસંગ જ ઘણો આનંદદાઈ છે. આયોજકો, નિર્ણાયકો, સ્પર્ધકો અને વાચકો સર્વને ધન્યવાદ અને જન્માષ્ટમીના વધામણાં.

 6. ધુંરધર વાર્તા લેખક/લેખિકાના વાર્તા વિશે અને વાર્તાના લેખન વિશેના મંતવ્યો મનનિય છે.
  વાર્તા લખવી સહેલી કદાચ સહેજ સહેલી હશે. પણ લોક ભોગ્ય બનાવવી અઘરી છે. માનનિય મહેશભાઈ તો ખુલ્લા દિલની વાત કરી એ ગળે ઉતરી ગઈ.
  એમણે સાચે જ કહ્યું કે “માત્ર નિજાનંદ માટે લખવું એ અલગ વાત છે પણ પ્રોફેશનલ અભિગમ સાથે આગળ વધવું હોય તો લખતી વખતે વાચકની જરૂરિયાતને ધ્યાનમાં રાખો. વાર્તા વાંચ્યા પછી વાચકને કંઈક સારું વાંચ્યાનો સંતોષ મળવો જોઈએ.”

  એમની બીજી વાત એ ધ્યાનમાં આવી કે:પરકાયા પ્રવેશની કળા લેખકને આવડવી જોઈએ!
  આ ઘણી જ અગત્યની સલાહ છે.

  ત્રણે ય ધુંરધરનો આભાર કે એમણે એમનો કિમંતી સમય આપી આપણા માટે સાહિત્ય સાગરમાંથી મોતી વિણ્યા અને મૃગેશભાઈએ એ મોતીની માળા બનાવી..

 7. nayan panchal says:

  વાર્તાલેખન માટે ખૂબ જ ઉપયોગી tips n tricks પૂરી પાડી.

  મેં પણ એક વાર્તા લખી હતી, પરંતુ તે ખૂબ જ વધારે પડતી dark હતી, તેમાં કશુ જ હકારાત્મક ન હતુ. જેમને પણ ડ્રાફ્ટ વંચાવ્યો તેમને થીમ ન ગમી. મને પોતાને dark side વધુ ગમે છે પણ anakin skywalkerમાંથી darth vadar ન બની જવાય તેનુ ધ્યાન રાખવુ પડે છે.

  અજયભાઈએ કહ્યુ તેમ માત્ર નિજાનંદ માટે લખવું એ અલગ વાત છે પણ પ્રોફેશનલ અભિગમ સાથે આગળ વધવું હોય તો લખતી વખતે વાચકની જરૂરિયાતને ધ્યાનમા રાખવી પડે. વાચકનો સંતોષ વધુ મહત્વનો છે. પરકાયા પ્રવેશ વાળી વાત તો માત્ર વાર્તાલેખન માટે નહીં પરંતુ જીવનમા પણ એટલી જ ઉપયોગી.

  મૃગેશભાઈ,

  વાર્તાસ્પર્ધાની લગતા લેખો (વાચકોની કૃતિઓ/નિર્ણાયકોના મંતવ્યો) માટે એક અલગ વિભાગ બનાવવા વિનંતી. જરૂર પડયે રીફર કરી શકાય.

  સૌ નિર્ણાયકો, સ્પર્ધકોનો અને મૃગેશભાઈનો ખૂબ આભાર.

  નયન

 8. sapana says:

  અભિનંદન .
  સપના

 9. Ami Patel says:

  Cant wait to read all stories. Mrugeshbhai please publish all.

 10. Veena Dave, USA says:

  મૃગેશભાઈ,

  બધી વારતા વાચવા આતુર છીએ તો રોજ એક એક વારતા આપતા રહેજો.

  આભાર.

 11. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  નિર્ણાયકોએ દિલની વાત કરીને પોતાની ઋજુતાના દર્શન કરાવ્યાં છે.
  સ્પર્ધકોને યોગ્ય દિશાસૂચન કર્યું છે.————————-પ્રોત્સાહન આપ્યું છે.
  સારા વાર્તાકારો બક્ષીને વાચકોના આનંદમાં વધારો કર્યો છે.
  મૃગેશભાઈ, આ બધું જે કાંઈ રચાયું એના મૂળમાં આપનો શ્રમ અને ધગશ છે એ કેમ વિસરાય?
  સૌને ખૂબ ખૂબ અભિનંદન.
  આભાર.

 12. dhara shukla says:

  mrugeshbhai,

  pl…….z……..publish all stories.pl………..z…………….

  dhara

 13. kalpesh solanki says:

  pahela to gujrati saahitya mate aavo safalatapurvak praytan mate mrugeshabhai,ajayabai oza,mahesh yagnik tatha miraben no aabhar.dar varse ap aavi spardha rakho aevi vinti.

 14. bakula paramar says:

  vartaama bhag leva badal tatha aavi spardha yojva matr mrugeshbhai tatha sauno aabhar

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.