આઝાદીનો એ ઉજમાળો દિવસ – અનુ. મોહન દાંડીકર

[ સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્યદિનની શુભકામનાઓ સાથે પ્રસ્તુત લેખ ‘અખંડ આનંદ’માંથી સાભાર. મૂળ લેખક : કૃષ્ણચંદ્ર]

આઝાદી મળ્યાને આજે પચાસ વર્ષ થઈ ગયાં. એ પ્રથમ દિવસે દિલમાં કેવો ઉત્સાહ હતો, ઉમંગ હતો. જે લોકોએ આઝાદી મળ્યા પછી શ્વાસ લીધો છે, જે લોકોએ યુનિયન જેકને લાલ કિલ્લા પર ફરકતો જોયો નથી, જે લોકોએ ગોરા લોકોના લશ્કરને સડક પર કૂચ કરતાં જોયું નથી, તેમને આઝાદીની ખુશી અને ખુમારી કેવી હોય તેનો ખ્યાલ ક્યાંથી આવે ? રાતે સૂતા હતા ત્યારે ગુલામ હતા. સવારે જાગ્યા ત્યારે આઝાદ થઈ ગયા હતા. ક્યાંક અડધી રાતે આકાશમાં એક તારો ખરી પડ્યો હતો અને એ પ્રત્યેક હિંદુસ્તાનીના દિલને રોશન કરી ગયો હતો. હું આજે પણ પાછળ ફરીને નજર કરું છું ત્યારે દિલના કોઈક ખૂણામાં એ દિવસને એક હીરાની જેમ ઝગારા મારતો જોઉં છું. જ્યારે સદીઓના ગહન અંધકારમાંથી નીકળીને ભારતે પહેલી વાર આઝાદીનો ઉજાસ જોયો હતો. સ્વતંત્રતાનો શ્વાસ લીધો હતો.

તે દિવસે કેવો જુસ્સો હતો ? કેટલો આનંદ અને ઉલ્લાસ હતો ! આખું મુંબઈ શહેર જાણે સાગમટે ઘરની બહાર ઊમટી પડ્યું હતું. એક મોટો માનવમહેરામણ સડક પર ઝૂમી રહ્યો હતો. જોકે મુંબઈ તો એનું એ હતું. એની ગરીબી પણ એની એ હતી. એના એ ફૂટપાથવાસીઓ હતા. એના એ ઝૂંપડપટ્ટીવાળાઓ હતા. બેકાર, નાગા-ભૂખ્યા. પણ તે દિવસે એમના ચહેરા પરની રોનક જો તમે જોઈ હોત ! જો કે તે દિવસે આમ તો ખાસ કંઈ બદલાયું નહોતું. પણ તમામના ચહેરા પરનું નૂર બદલાઈ ગયું હતું.

તે દિવસે ચોરોએ, ખિસ્સાકાતરુઓએ અને ગુંડાઓએ પણ બંધ પાળ્યો હતો. આખા દિવસમાં મુંબઈમાં ખૂનનો એક પણ બનાવ બન્યો નથી બન્યો. જાણે મૃત્યુએ પણ મોતનો મલાજો પાળ્યો હતો. લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી નીકળી નીકળીને સડકો પર દોડતા હતા. એકમેકથી અપરિચિત હોવા છતાં હાથમાં હાથ પરોવીને ચાલતા હતા. ગાતા હતા. નાચતા હતા. પાગલોની જેમ હસતા હતા. બીજે દિવસે આ આનંદ ઓસરી જશે. ભૂખ ફરી સતાવશે. બેકારી ફરી ઘેરી વળશે. ચોર લોકો ફરી ચોરી કરશે, ખિસ્સાકાતરુઓ ફરી ખિસ્સાં કાપશે તે ખરું, પણ આજે બધું બંધ. આજનો દિવસ તો કંઈક અનોખો જ હતો ! નવો જ પ્રકાશ ! જાણે હજુ હમણાં જ ગંગામાંથી સ્નાન કરીને નીકળ્યો છે ! એના નિર્દોષ ચહેરા પર પ્રથમ દિવસના શિશુના ચહેરા પર જે સ્મિત હોય છે તેવું સ્મિત હતું.

તે દિવસે મુંબઈમાં હજારો સરઘસ નીકળ્યાં હશે. તે દિવસે પ્રત્યેક ગલી એક સરઘસ હતું. પ્રત્યેક બજાર એક સરઘસરૂપે. જ્યાં જુઓ ત્યાં સરઘસ. જ્યાં જુઓ ત્યાં માનવમહેરામણ. જ્યાં જુઓ ત્યાં શોરબકોર. તે દિવસે પ્રત્યેક હૃદય એક સરઘસ. પ્રત્યેક હૃદયમાં દબાયેલો આનંદ, ઉમંગ, હર્ષોલ્લાસ, સદીઓથી દબાયેલી, કચડાયેલી ઈચ્છાઓ, આજે એકદમ નિર્બંધ રીતે પ્રગટ થઈ રહી હતી. તે દિવસે ત્રિરંગા ઝંડાને જોઈને આંખો ભીની થઈ જતી હતી. તે દિવસે અનુભવ થયો કે સમાજ એટલે શું ? દેશ એટલે શું ? દેશાભિમાન એટલે શું ? હૃદયની ધરતીના કોઈક ખૂણામાં ક્યાંક બીજ પડ્યું હશે. તેમાંથી આજે પંદરમી ઑગસ્ટે એકાએક કોંટો ફૂટીને જોતજોતામાં વટવૃક્ષ બનીને આકાશને આંબવા માંડ્યું. પ્રત્યેક જાલિમોને-તાનાશાહોને હું કહું છું – આ નાનકડા બીજથી ચેતજો. એ કદી મરતું નથી.

ઘણાંબધાં સરઘસોમાંથી નાની નાની ટુકડીઓ બનીને ગોવાલિયા ટૅંક પર બધા ભેગા થતા હતા. 1942ની 8મી ઑગસ્ટે ગાંધીજીએ અહીંથી જ અંગ્રેજોને ‘ક્વિટ ઈન્ડિયા’નું એલાન આપ્યું હતું. અને 9મી ઑગસ્ટે સરકારે કૉંગ્રેસ કારોબારીના તમામ આગેવાનોને – ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, વગેરેને…. જેલમાં પૂરી દીધા હતા. એટલા માટે ગોવાલિયા ટૅંકનું ઐતિહાસિક મહત્વ છે. હજારોની સંખ્યામાં લોકો આ તરફ આવી રહ્યા હતા. જ્યાંથી આપણા લાડીલા નેતાઓએ અંગ્રેજોને ‘ક્વિટ ઈન્ડિયા’નો આદેશ આપ્યો હતો. ત્યાંથી જ અમે પણ અમારા સરઘસની શરૂઆત કરી. લેખકો, સાહિત્યકારો, ફિલ્મ જગતના સિતારાઓ અને થિયેટરોમાં કામ કરનારાઓનું એ સરઘસ હતું. કેટલાક ચહેરાઓ તો બરાબર યાદ છે. પૃથ્વીરાજ કપૂર અને રાજકપૂર ઢોલ અને ડફ વગાડતા હતા. જોહરા સહગલ અને અજરા બટ્ટ નાચતાં હતાં. ધીમે ધીમે તમામ લોકોએ નાચવાનું અને ગાવાનું શરૂ કરી દીધું. અરે, એટલે સુધી કે જેને વિશે એમ કહેવાય છે કે, ‘નાચનારીનું આંગણું વાંકું’ તેવા અબ્બાસ પણ પોતાના ઘોઘરા અવાજે ગાતા હતા, નાચતા હતા. સરદાર મજરૂહ, કૈફી, સાહિર, મહેન્દ્ર, મજાજ, પ્રેમધવન, ઈસ્મત ચુગતાઈ, વિશ્વામિત્ર, આદિલ આઝાદીનાં ગીતો લલકારી રહ્યાં હતાં. મજાજ મને પકડીને વારંવાર ટોળામાં ઘસડી જતા હતા. જ્યાં બધા નાચતા હતા, ગાતા હતા. ઝૂમ બરાબર ઝૂમ. અને મને કહેતા હતા – ‘નાચો કૃષ્ણ નાચો, જુઓ, આજે તો યમુનાતટે ગોપીઓ ઘેલી બની છે.’ અને જ્યારે મને નાચતાં ન આવડતું ત્યારે ધતતેરી કહીને મારાથી અલગ થઈ જતા. પછી બંને હાથ ઊંચા કરીને એવું કંઈ કરતા કે અમે બધા હસી હસીને બેવડ વળી જતા હતા.

અમારું સરઘસ જેમાં હજારેક લોકો હશે. ગોવાલિયા ટૅંકથી આગળ વધતું વધતું ફલોરા ફાઉન્ટન તરફ ચાલ્યું. ચાલતાં ચાલતાં કલાકો નીકળી ગયા. જ્યારે લોકો એકબીજાને ભેટે ત્યારે તો ખાસ કંઈ તકલીફ પડતી નથી. પણ જ્યારે ટોળાનાં ટોળાં એકમેકને ભેટે ત્યારે ભારે તકલીફ ઊભી થાય છે. એટલે રસ્તામાં અટકી અટકીને ચાલવું પડતું હતું. ક્યાંક ચાપાણી થતાં તો ક્યાંક કોફી. ફલોરા ફાઉન્ટન સુધી જતાં જતાં પગ થાકી ગયા પણ જુસ્સો એવો ને એવો હતો. ત્યાંથી પછી અમે અલગ અલગ ટુકડીઓમાં વહેંચાઈ ગયા. એમ થયું કે શહેરમાં બીજે પણ જઈએ, ત્યાંની રોનક પણ જોઈએ. અમે લોકો ક્રાફડ માર્કેટ ગયા. ત્યાંથી મહોમ્મદઅલી રોડ ગયા. અહીં ત્રિરંગા ઝંડાની શોભા અનોખી જ હતી. ક્યાંક ક્યાંક પાકિસ્તાની ધ્વજો પણ દેખતા હતા. અહીં લોકો બંને દેશની આઝાદી માટે દુઆઓ માગી રહ્યા હતા. અહીં હજુ પેલા વિવાદની શરૂઆત નહોતી થઈ જેને કારણે પછીથી બંને દેશો વચ્ચે ચચ્ચાર યુદ્ધો થયાં.

મહોમ્મદઅલી રોડથી અમે પ્રાર્થનાસમાજ તરફ ગયા. જ્યાં ગુજરાતીઓની વસ્તી છે. લોકો ત્યાં ગરબા ગાતા હતા. દાંડિયારાસ રમતા હતા. ત્યાંથી એક ટુકડી ઓપેરાહાઉસ તરફ ગઈ. જ્યાં મોટરના સ્પેરપાર્ટ્સ વેચનારા પંજાબી ભાઈઓએ ભાંગડા નૃત્યની જમાવટ કરી હતી. બીજી ટુકડી ફારસ રોડ તરફ ગઈ. ત્યાં પણ પ્રત્યેક નાચનારીએ પોતપોતાની બારી પર ત્રિરંગો ઝંડો લગાડી દીધો હતો. ઝરૂખાવાળીઓએ પોતાનો ઝરૂખો શણગારી દીધો હતો. જેઓ આખો દિવસ અને આખી રાત પ્રાણીબાગનાં પશુઓની જેમ પોતપોતાના માળામાં ભરાઈ રહે છે, તેઓ પણ આજે તો ચચ્ચાર, છ-છ કે આઠદસનાં ઝૂમખાંમાં નીકળી પડી હતી. હાથમાં ત્રિરંગો ઝંડો પકડીને ‘ઈન્કિલાબ જિન્દાબાદ’નાં સૂત્રો પોકારી રહી હતી. મને હસવું આવ્યું. મેં આદિલ રશિદને પૂછ્યું :
‘અલ્યા, આ કેવો ઈન્કિલાબ ?’
આદિલ રશિદ ભારે નટખટ. મારો હાથ દબાવીને કહે, ‘આ તો બધા ઢોંગ છે ઢોંગ. નક્કામી ડોળ કરે છે દેશભક્તિનો. ઊભો રહે. હમણાં તને બતાવું….’ કહી એ ચાલતાં ચાલતાં થોભી ગયો. એક જણ તરફ જોઈને એણે કહ્યું : ‘કેમ છે ?’
આજે એણે વાસંતી સાડી પહેરી હતી. કપાળે કંકુનો સરસ ચાંલ્લો કર્યો હતો. ધીમેથી કહે : ‘જા, જા હવે. આજે ધંધો બંધ છે.’ આદિલ રશિદ એમ હાર માને તેવો ક્યાં હતો ?
કહે, ‘ભાવ શું છે એ તો કહે ?’
‘પાંચ રૂપિયા.’
‘દસ આપું. પણ આજે જ…’
‘ના.’
‘વીસ.’
‘ના.’
‘પચાસ.’
એના ચહેરા પર લાલચની એક રેખા દેખાઈ પણ પછી અદશ્ય થઈ ગઈ. મક્કમતાથી કહેવા લાગી : ‘આજે તો પચાસ શું, પચાસ લાખ પણ નઈ એટલે નઈ…’ આદિલનો ચહેરો જોવા જેવો હતો. મારો પણ. કહેવાનો અર્થ, આજે દરેકને મન ઉત્સવનો દિવસ હતો. થોડીક ક્ષણો સુધી અમે ચૂપચાપ ચાલ્યા કર્યા. નજર સામે એ છોકરીનો ચહેરો દેખાવા લાગ્યો. શ્યામ, શીતળાના ડાઘાવાળો, ભૂખ્યો. ક્યાંય સુધી કંઈ ચેન ન પડ્યું. કદાચ છેલ્લાં પચાસ વરસની આઝાદી માટેના સંઘર્ષની દાસ્તાન અમારા હૃદયમાં ઘૂમરાવા લાગી. લાખ્ખો લોકોએ પોલીસના ડંડા ખાધા હતા, હજ્જારો લોકો જેલમાં ગયા હતા, કેટલાક ફાંસીને માંચડે પણ ચડ્યા હતા. પણ….. પણ….’

સાંજ થઈ ગઈ. રાત પણ થઈ ગઈ. પણ મુંબઈગરાઓનો ઉત્સાહ ઓછો ન થયો. જ્યાં જુઓ ત્યાં દરિયાનાં મોજાંની જેમ લોકો નાચતા હતા. કૂદતા હતા, ઊછળતા હતા. એમાં મરાઠાઓ હતા, ગુજરાતીઓ હતા, પંજાબીઓ હતા, મલયાલયીઓ હતા. તેલુગુભાષીઓ, તામિલભાષીઓ અને બંગાળીઓ પણ હતા. તે દિવસે જેણે મુંબઈ જોયું હશે તેણે આખા ભારતને આઝાદ થતું જોઈ લીધું હશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોણ પરાયું ? કોણ પોતીકું ? – મીનાક્ષી દેસાઈ
તને મળીશ નહીં – નીલેશ પટેલ Next »   

23 પ્રતિભાવો : આઝાદીનો એ ઉજમાળો દિવસ – અનુ. મોહન દાંડીકર

 1. sudhir patel says:

  મૃગેશભાઈને અને સૌ વાચક મિત્રોને આઝાદ-દિન મુબારક!
  સુધીર પટેલ.

 2. કલ્પેશ says:

  મને મારા ઘરની યાદ આવી ગઇ. આ બધી જગ્યાએ ચાલવાનુ થયુ છે.

  ગોવાલિયા ટેંક, મહમદ અલી રોડ, પ્રાર્થના સમાજ, ફાઉન્ટન – મુંબઇ ભારતમા કદાચ એક જ એવુ શહેર હશે જ્યા બધા ભારતના લોકો રહેતા હશે. મરાઠી, ગુજરાતી, પંજાબી, મારવાડી, તમિળ, તેલુગુ, મલયાલમ, બંગાળી, ભોજપુરી – આ બધી ભાષાઓ મેં પડોશીઓ અને સાથે કામ કરનારા લોકોને અને એવા ઘણા અજાણ્યા લોકો જે રસ્તામા મળ્યા હોય, એમના મોઢે સાંભળી છે.

  જ્યારે પણ એમ કહુ છુ કે હુ મુંબઇથી છુ, મને ગર્વ અનુભવાય છે. અનેકતામા એક્તા આ શહેરમા છે એને કારણે.

  એક પ્રયાસ કરીએ કે આપણે બધા ભેદભાવ કરનારા/કરાવનારા લોકોથી સાવધ રહીએ અને બને એટલો પ્રય્ત્ન દેશના હિતમા કરીએ. અને જેમ લોકો અંગ્રેજોના અન્યાયનો વિરોધ કર્યો હતો એમ આપણે બધા લોકશાહીનો પ્રયોગ કરીએ.

  નાગરિકશાસ્ત્રમા લખેલી આ વાતને સાચી કરીએ – “લોકો માટે, લોકોન અને લોકો દ્વારા બનેલી વ્યવસ્થા”.

 3. Vallabh says:

  દરેક પ્રાણી અને પશુ આઝાદ રહેવા ઈચ્છે છે એટલે ભારતને આઝાદી મળી એ ચોક્કસ આનંદનો દિવસ કહેવાય

  પણ સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે આઝાદીનાં ચારસો – પાંચસો વર્ષ પહેલાં ભારતનાં લોકો એટલા મૂરખ અને બેવકૂફ નિકળ્યા કે પહેલાં મોગલો અને પછી અંગ્રેજો ભારત પર આટલાં વર્ષો રાજ કરી ગયા જે ભારતનાં ઈતિહાસનાં શરમજનક પ્રકરણો કહેવાય.

  આઝાદીનાં દિવસે આનંદની સાથે સાથે એ ભૂલોનું પુનરાવર્તન ન થવા દેવાનું ચિંતન / મનન કરવાનો પણ દિવસ છે.

  વશિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્કય, શંકરાચાર્ય જે ધરા પર પ્રચંડ સાંસ્ક્રુતિક વારસો મૂકી ગયા એમની પેઢીઓ એ વારસો ભૂલી ગઈ અને પતનનો દોર ચાલુ થયો જે છેલ્લે ગુલામી માં પરિણમી.

  આજનાં પરમ દિવસે આપણી સંસ્કૃતિ (= amalgamation of way of life, way of thinking and way of worship) ને યાદ કરી એ સંસ્કૃતિનાં પુનરૂત્થાનનો સંકલ્પ કરવાનો પણ દિવસ છે જેથી ઈતિહાસનાં શરમજનક પ્રકરણોનું પુનરાવર્તન ન થાય.

  • Jagat Dave says:

   વલ્લ્ભભાઈ,

   બહું જ ચોટદાર સત્ય તમે રજુ કર્યું…….. “ગુલામીનો ઈતિહાસ-બોધ” નામનું પ્રકરણ અભ્યાસક્રમમાં દાખલ કરવું જોઈએ અને તેમાં આ બધાં અપમાન-બોધ શામેલ કરવાં ની જરુર છે. ગુલામી શું છે કે હતી તે આઝાદી પછી જન્મેલી અને ‘ Twinkle twinkle little star’ ગાતાં ગાતાં ઉછરેલી અને ઉછરતી પેઢી ને ગુલામીનો ઈતિહાસ-બોધ થવો જોઈએ.

   વિદેશી આક્રમણકારો હંમેશા થોડાક હજારની સંખ્યાથી વધુ ન હતાં અને તેમણે આપણા જ ધનથી સેનાઓ ઉભી કરી અને આપણાં જ લોકો ના સૈન્ય દ્વારા આપણાં લાખો લોકોની હત્યા કરી-કરાવી. થોડાક સત્યોઃ

   ૧. ગઝની જેણે ભારત પર ૧૭ વાર આક્રમણ કર્યું અને સોમનાથને પણ અનેકવાર લુંટયુ તેનાં ૨ મુખ્ય સેનાપતિઓ હિન્દુ હતાં જેમાંથી એકનું નામ તિલક હતું.

   ૨. ગઝનીએ ભારત પરનાં ૧૭ આક્રમણ દરમ્યાન લાખોની સંખ્યામાં સ્ત્રીઓ-કન્યાઓ ને ગુલામ બનાવેલી (બીજા અત્યાચારોનું વર્ણન અહીં ન થઈ શકે) અને એ પણ એવી ખાન-દાન ઘરની સ્ત્રીઓ-કન્યાઓ કે જેના પગની પાની પણ કોઈએ ન જોઈ હોય તેવી સ્ત્રીઓ-કન્યાઓ ને ૪-૪ આનામાં ગુલામ તરીકે વેચેલી……..અને ત્યારે એ દૌપ્રદીઓ ના ચીર પુરવા કોઈ શ્રીકૃષ્ણ હાજર નહોતાં.

   ૩. સોમનાથનાં મંદિરને તોડ્યું ત્યારે….પ્રજા જેને પૌરાણીક ચમત્કારોમાં ઉલજાવી દીધેલી અને શિવજી ત્રીજુ નેત્ર ખોલી ને બધાને ભસ્મ કરી નાંખશે તેવી અકર્મણ્યતા યુક્ત ખ્યાલો માં રાચતી હતી.

   ૪. ફકત ૨૦૦ ઘોડેસ્વારો ના સૈન્યથી મોહમ્મ્દ બખ્ત્યારે નાલંદા વિદ્યાપીઠ માં ૧૦,૦૦૦થી વધુ અભ્યાસુઓ અને ૨૦૦૦ થી વધુ આચાર્યોને રહેંસી નાખ્યાં હતાં……અને તે સમયની વિશ્વના સૌથી વિશાળ પુસ્તકાલયને આગમાં ભસ્મ કરી નાંખ્યુ. આવું જ ચાણક્ય દ્વારા સ્થાપેલી તક્ષ-શીલા વિદ્યાપીઠનું થયું હતુ.

   ૫. વિદેશી આક્રમણકારો ફક્ત લાખો લોકો ને ફક્ત ફુંક મારી ને ધર્માંતર કરાવતાં હતાં અને આપણાં ધર્માચાર્યો પાસે તેમને પાછા આપણાં ધર્મમાં લેવા માટેનો કોઈ મંત્ર ન્હોતો… કોઈ પવિત્ર ગંગા જળ ન્હોતું તેમને પાછા આવકારવા માટે અને પછી એ જ આપણાં ભાઈઓ દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશ રચાયા. (મોહમ્મ્દ અલી ઝીણાનાં પિતાશ્રી ઝીણાભાઈ પુંજા અને માતાશ્રી મીઠીબાઈ હિન્દુ લુવાણા હતાં તે કેટલાં લોકો જાણે છે?????????????? તેમના દાદાનું નામ પુંજા ગોકુળદાસ મેઘજી હતુ. કોણ જાણે છે ???????????) મને લાગે છે કે એ ભાગલાં નહી પણ ધર્માંતર સમયનાં અપમાન-બોધ નું વેર હતું.

   • Vallabh says:

    જગતભાઈ,

    ગઝની અને સોમનાથનો ઈતિહાસ એ પુરવાર કરે છે કે જે અકર્મણ્યપ્રજા પોતાનુ સત્વ અને સાંસ્ક્રુતિક વારસો ખોઈ નાખે એ પ્રજા ગુલામ રહેવાને જ લાયક છે.

    વલ્લ્ભ

   • Ashish Dave says:

    Jagatbhia you may add few more from recent times as well… What happened last year in Mumbai is going to happen in future as well…

    Ashish Dave
    Sunnyvale, California

 4. જય પટેલ says:

  આઝાદીના અરૂણોદયનું મુંબઈ અને આજનું મુંબઈ બધી જ રીતે બદલાયું છે.

  આજની સાંપ્રત સમસ્યા ઉત્તર ભારતીય અને સ્થાનિક પ્રજાનો અસંતોષ જ્વાળામુખી પર
  બેઠો છે. આપણે વધુ પડતા આદર્શવાદી છીએ. સ્થાનિક અસંતોષ ચરમસીમાઓ પાર કરીને જે હવે
  બસોને…રાષ્ટ્રની સંપત્તિને નુકશાન પહોંચાડી રહી છે તેને નજરઅંદાજ કર્રીએ છીએ.

  સમસ્યાના મૂળમાં જવાને બદલે આદર્શવાદી વાતો કરીએ છીએ. અમારા ચરોતરમાં આણંદમાં હવે
  ગેંગ વૉર શરૂ થઈ છે. બિન-ગુજરાતીઓ ગેંગ બનાવી સ્થાનિક લોકોની ધોળે દહાડે હત્યા કરે છે.
  આ ગેંગો મારવાડી…પંજાબી…યુપી-બિહારના લોકોની છે. સ્થાનિક લોકો જલ્દી બહારનાને હેટ કરે તે ભારતીય સંસ્કાર
  નથી પણ આવા બનાવો વારંવાર બને ત્યારે પરપ્રાંતિય શબ્દ લોકપ્રિય થાય છે.

  દેશના ઝડપી વિકાસ અર્થે ભાષા પર આધારિત રાજ્યોની રચના કરી ભારતીયતાનું અવમુલ્યન કર્યુ.
  એક રાજ્ય બીજા રાજ્ય સામે ડોળા કાઢે છે. પાડોશી રાજ્યનો વિકાસ જોયો જતો નથી.

  પંડિત નહેરૂની ઘણી બધી પૉલિસીસ ઈલ-વિઝ્ન હતી અને
  આજની પેઢી માટે પડકાર રૂપ બની રહી છે.

  ફીર ભી…..મેરા ભારત મહાન…!!!

  • કલ્પેશ says:

   “બિન-ગુજરાતીઓ ગેંગ બનાવી સ્થાનિક લોકોની ધોળે દહાડે હત્યા કરે છે.”

   આ શુ વેપારી વર્ગ અને સામાન્ય જીવનના માણસો કરે છે/કરાવે છે?
   જો આ સાચુ હોય તો બધાનુ પતન નિશ્ચિત છે.

   “આજની સાંપ્રત સમસ્યા ઉત્તર ભારતીય અને સ્થાનિક પ્રજાનો અસંતોષ જ્વાળામુખી પર
   બેઠો છે. ”

   પ્રજા તરીકે બધા પ્રકારના લોકો આપણને મળશે. એમાના થોડા લોકો કોઇ રાજકારણીના કહેવા પ્રમાણે થોડી તોડફોડ કરે, બીજા લોકો જે રાજકારણીના બોલવામા પોતાનો પડઘો જુએ એ રાજકરાણીના બોલવાને પ્રતિસાદ આપે. અને બાકી બધા (મોટા ભાગના લોકો) ખોટુ હોવા છતા, એનો વિરોધ ન કરે.

   મુંબઇના પ્રકરણમા મને નથી લાગતુ કે બધા મરાઠીભાષીઓ આ બાબતે એક છે. મુંબઇમા ઘસારો વધુ છે, એનુ કારણ લોકોની મજબૂરી છે. કોને પોતાનુ ઘર/પરિવાર છોડીને આ બધુ કરવુ ગમતુ હશે?

   ઘ્યાનથી જોઇએ તો આ બધા લફરાઓ ચુંટણીના નજીકના સમયે જ થતા હોય છે.
   દા.ત. મુંબઇમા ઉત્તર ભારતીયોને ભગાડવામા આવ્યા, મૅંગ્લોરમા પબમા સ્ત્રીઓ પર હુમલો કરવામા આવ્યો.

   બધા રાજકારણી ગરમ તવી કરી પોતાની રોટલી શેકી લેવા માંગે છે. થોડા વર્ગના લોકો તરફી કઇ બોલો/કરો, એ લોકો તમને વોટ આપશે. તકલીફ એ છે કે આપણે બધા ટોળાની માફક વર્તીએ છીએ, ન્યુઝ ચેનલો એક તરફી સમાચાર આપે છે (જેમ અંગ્રેજી ચેનલો મોદીની પાછળ પડી ગઇ છે). બધા લોકો મળીને મારા/તમારા વિચાર કરવાની શક્તિને ઓછી કરી દેવા માંગે છે.

   જેમ ગાય-બળદનુ ટોળુ, એક ગાય-બળદ ભાગવા માંડે તો બધા ભાગવા માંડે, એમ જ કદાચ આપણે વર્તીએ છીએ,
   જરુર છે વિચારવાની એક આમ કેમ થાય છે, અને જે ખોટુ થતુ લાગે એ માટે એક થવાની અને એનો વિરોધ કરવાની.

   આપણી બધાની યાદશકિત બહુ ઓછી છે અને આપણે ઇતિહાસને ધ્યાનમા નથી રાખતા.
   હજી ૬૦ વર્ષ પહેલા જ અંગ્રેજો ગયા છે અને એમણે શુ કર્યુ હતુ? – Divide and Rule (ભાગલા પાડો અને રાજ કરો).
   આજે પણ રાજકારણીઓ કંઇ નવુ નથી કરી રહ્યા, અને આજે પણ પ્રજા તરીકે બધા સંગઠીત નથી.

   જયભાઇ – આ લેખ પછી આપ મને shahkalpesh77 at gmail dot com પર લખી શકો જેથી આ બાબતે રીડગુજરાતી પર લેખથી અલગ ચર્ચા કરી શકાય.

   આભાર.

   • Jagat Dave says:

    કલ્પેશભાઈ,

    ભારતમાં જે સ્થાનીક ગુંડા-રાજ વધતું જાય છે તે ચિંતાનો વિષય છે. આમ જ આતંકવાદનાં પાયા નંખાય છે. દાઊદ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેને ઉગતો જ ડામી દેવાયો હોત તો??????? આ ચુંટણીમાં પ્રજાએ ગુંડાઓને હાંકી કાઢીને પોતાનો પ્રકોપ
    જાહેર કરી દીધો છે.

    બીજી સમસ્યા છે….લોકોનું કાયદો હાથમાં લઈ લેવું…….રસ્તા ઉપર મારા-મારી ના દ્રશ્યો હવે સામાન્ય થતાં જાય છે. કાયદા પણ ઢીલા છે અને પોલીસ તો તેનાથી પણ વધારે ઢીલી છે. (કદાચ તેનાં કારણે જ ઢીલી છે.) કાયદાનું કડકપણે પાલન કરાવી ને એક શીસ્તબધ્ધ વાતાવરણ ઉભું કરી શકાય છે. વિદેશોમાં તેનાં ઉદાહરણ આપણે જોઈએ જ છીએ. જાહેર જીવનમાં આપણે લોકશાહીનું વરવું સ્વરૂપ જોઈએ છે તે ઢીલાં કાયદા અને ઢીલાં પાલન બંનેનુ પરીણામ છે. કાર નીચે ૫ – ૭ લોકો ચકદીને…..જામીન પણ મેળવી શકાય છે અને ૧ વર્ષ ની જ કેદ થાય છે. (આવા તો અનેક કાયદાઓ છે જેને “license to kill” કહી કહી શકાય )

    આમ છતાં દિલમાં આઝાદીનો ઉમંગ પણ છે……કારણકે પીંજરુ સોનાન ભલે હોય તો પણ એ ગુલામીનું પ્રતિક જ છે. વિદેશની ધરતી પર સ્વમાન પર થતાં પ્રહારો જેણે ખાધા છે તેમને વતનની યાદ જરુર આવતી હશે અને તેઓ આ વાત બહું સારી રીતે જાણે છે. (ઓસ્ટ્રેલીયામાં વિદ્યાર્થીઓ અને અમેરીકામાં શ્રી અબ્દુલ કલામ અને શાહરુખ ખાન વિ. અને સામાન્ય નાગરીકો તો કદાચ અસંખ્ય હશે)

    • Ashish Dave says:

     Shah Rukh Khan was a big publicity stunt for his up coming movie. We all know that. Shri Abdul Kalam’s incident happened in India by the Indian staff of an American Air lines. Stop flying American air lines but guess what Air India is million times worst…

     I am in US for 20 years and has never experienced a single such incident ever.

     Ashish Dave
     Sunnyvale, California

   • જય પટેલ says:

    શ્રી કલ્પેશભાઈ

    આજના ગુંડાઓને ઓળખવા કઠિન છે. આપણી વચ્ચે વેપાર-ધંધો કરીને આપણી વચ્ચે રહીને
    સભ્યતાના વાઘાં પહેરીને આંતક ફેલાવે છે. આપણો સૌથી મોટો પ્રશ્વ લૉ એંડ ઑડરનો છે.
    આજના ગુજરાતમાં સૌથી માથાનો દુખાવો ખાડે ગયેલી કાનૂન વ્યવસ્થાનો છે.
    આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે. અને તેનું કારણ ગુજરાતની વર્તમાન
    ઑધોગિક પૉલિસી. આપણા ગુજરાતમાં સરકારે વાયબ્રંટ ગુજરાત નામે ઢગલાબંધ કારખાનાઓ
    લાવી દીધા જે એક પ્રકારે રોજગારની દ્રષ્ટિએ સારૂ છે પણ તેની આડમાં લેભાગૂ તત્વો પણ
    ઘુસી આવ્યા છે. આપણે ત્યાં લેબરની અછત હોવાથી તેની પૂર્તિ માટે અન્ય રાજ્યોમાંથી આયાત
    કરવી પડે છે. આ આયાત લેબરમાં બધા કંઈ સાધૂ-મહાત્મા તો હોતા નથી તેમાં ઠગ પ્રકૃતિના
    માણસો પણ આવી ચડે છે. આપણે શું કરવું તેનો પ્રશ્વ છે.

    પ્રકૃતિમાં વહેતો મંદ મંદ પવન આપણે
    ઘરમાં માણવો હોય તો આપણે ઘરની બારી ઉઘાડીએ છીએ પણ સાથે માખી-મચ્છર ના પધારે તે માટે
    ઈચ્છનીય છે કે બારી પર ઝીણી જાળી પણ લગાવવામાં આવે તો શાંતિથી આ મંદ મંદ પવન માણી શકાય.

    મુંબઈની વાત પર આવું તો તાંજેતરમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં મનસે એ ૧૫% મતો કાઢ્યા.
    આ બતાવે છે કે કંઈક અંશે લોકો તેની વૈચારિક ધારા સાથે સંમત છે. યાદ રહે કે કાકાશ્રીનો ઉદય પણ
    આવા જ વૈચારિક પ્લેટફોર્મ પર થયો હતો.

    ટૂંકમાં કાનૂનના ડંડાનો અહેસાસ થાય તો જ સમસ્યા હળવી થાય અને આ માટે પૉલિટીકલ વીલ
    અને પ્રજા તરીકે આપણી જાગૃતી પણ તેટલી જ મહત્વની છે.

    એક ઉદાહરણ….
    અમારા આણંદમાં કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ હોવાથી પોલિસે ફતવો બહાર પાડ્યો કે
    મકાન પરપ્રાતિંઓને ભાડે આપતા પહેલાં તેની માહિતી અને નૉધણી પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી છે.
    હવે આનું પાલન સ્થાનિક લોકો જો કરે તો ફાયદો દેખીતી રીતે તેમને જ થાય.
    પરપ્રાતિંઓને આ બાબતની ખબર હોવાથી તેઓ
    ભાડું ત્રણથી ચાર ઘણું આપે છે જેથી મકાન માલિક તેઓની માહિતી પોલિસ સ્ટેશનમાં ના આપે.
    હવે પ્રજા તરીકે આપણે જ જો જાગૃત ના હોઈએ તો સરકાર પણ લાચાર છે.

    ટૂંકમાં હાલની ગુજરાતની ઑધોગિક પૉલિસી પર ચર્ચા થવી જરૂરી છે કે આપણે કેટલે અંશે
    પરપ્રાંતિઓને સમાવવા છે અને તેમનું સ્ક્રીન કરવા કોઈ વ્યવસ્થા ઉભી કરવી.
    અન્યથા એ દિવસો દૂર નથી કે ગુજરાત એ યુપી-બિહાર બની જાય…!!!
    ચિન્હો દેખાવાની શરૂઆત થઈ ચુકી છે.

    જાગો ગુજરાતી જાગો.

 5. આઝાદીના એ ઉજમાળા દિવસની ઝાંખી કરાવતો સુંદર લેખ. જેટલી મહેનત આ આઝાદી મેળવવા માટે કરી છે તેટલી જ અને કદાચ તેથીયે વધારે મહેનત સાચુ સુરાજ્ય સ્થાપિત કરવા માટે કરવાની આવશ્યકતા છે. સહુને સ્વતંત્રતા દિવસના અભિનંદન.

 6. nim says:

  આજના દિને નામી, અનામી દરેક ને જેણે ભારત માટે કુરબાની આપી હતી એમને મારા હ્ર્દય પૂર્વક પ્રણામ.
  સારે જહાં સે અછા હીંદુસ્તાન હમારા.
  ધન્યવાદ

  નિમ

 7. સંતોષ એકાંડે says:

  હજારો,લાખો લોકોની શહિદી, લોહી-પરસેવો અને પાકિસ્તાન-પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) ની લાખો કિલોમીટરની
  જમીન ગુમાવીને આપણે આ આઝાદી મેળવીછે. પણ આજની પરિસ્થિતી જોતા લાગે છે કે, આપણે આઝાદીને
  પચાવી શક્યા નથી.
  અનેક વડીલોને કહેતા સાંભળ્યા છે કે ‘ આના કરતાં તો ગુલામી સારી હતી. ‘ શું આપણે સાચેજ આઝાદ થયાં છીએ ખરાં..?
  સાચી આઝાદી એટલે તમામ પ્રકારનાં વાદ માંથી મુક્તિ. શું આપણે તેમાંથી મુક્ત થયાં છીએ ખરાં..?
  પ્રાંતવાદ, ભાષાવાદ, છૂતાછૂત- અમીરી ગરીબી, અને આતંકવાદ.
  બાપુએ માંગેલી આઝાદીમાં આનોતો તેમણે વિચારેય નહી કર્યો હોય.
  અન્યાય કરનારા કરતાં અન્યાય સહેનારો મોટો ગુનેગાર છે. અને આપણે સૌ ક્યારેક અને ક્યારેક ભોગ બન્યાજ છીએ.
  અને આ સૌ માંથી આઝાદ થઈએ ત્યારેજ આપણે સાચા સ્વતંત્ર થયેલા ગણાઈશુ.
  આજનાં સ્વાતંત્ર્ય પર્વ પર આપણે ઓછામાં ઓછા એક અન્યાય સામે માંથુ ઉઠાવશું, એવો પ્રણજ શહિદોને સાચી
  શ્રધ્ધાંજલી માટે બસ છે.
  સર્વ સ્વતંત્ર અને લાગણીશીલ ભારતીયોને સ્વાતંત્ર્યદિને ખૂબ ખૂબ શુભ કામનાઓ.
  વંદે માતરમ

 8. આઝાદી અમર રહો…!
  દેશ આંતકવાદની આગથી દુર રહે…!
  લાંચ-રૂશવતની બદીઓની નદીઓમાં વહેતા નીર ઓછા થાય અને આવતા વરસોમાં એ નદીઓ સુકાય…!
  રાજકારણિઓને સદબુધ્ધિ મળે…
  દેશની પ્રગતિ ઘણી છે… એમાં વધારો થાય એ જ પ્રાર્થના…

 9. Veena Dave, USA says:

  સરસ લેખ.

 10. Jigna Bhavsar says:

  ખુબ ખુબ આભાર આ લેખ માટે. આ પહેલાં આવો વિગતવાર એ દિવસનો આનંદ દર્શાવતો ઝીણવટ ભર્યો લેખ કે વાત સાંભળવાની જે ઇચ્છા હતી તે પુરી થઈ.
  ભારત ની ગુલામી ના તથા બલીદાનો ના વિશે ખુબ જાણયા બાદ આઝાદી ના એ દિવસે કેવી ખુશી હશે એવો લેખ પહેલી વાર વાંચ્યો છે.

  ખુબ ખુબ આભાર .

 11. Pravin Shah says:

  આઝાદી મળી તે વખત નુ અસલેી વર્ણન વાચવા મળ્યુ
  સરસ

 12. trupti says:

  લેખ વાચતા વાચતા , રુવાડા ઉભા થઇ ગયા.

  Amazing article! Specially the episode, where the prostitute is not grabbing the opportunity to earn more/extra money. Born in independent India, but was trying to visualize each and every seen, how people of Independent India must have felt at that moment. Once again, amazing article and thanks to Shri Mohan Dandikar and Mrugeshbhai for giving such an informative article on the auspicious day of Independence Day.

  Wishing each and every reader of ReadGujarati as well as all Indian residing in India and elsewhere for the Independence Day.

  Jay Hind.

 13. Happy Independence Day… Jai Hind….

 14. nayan panchal says:

  લેખકે તો જાણે આંખ સામે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭નુ વાતાવરણ રજૂ કરી દીધુ. જાણે હું પણ ટોળાનો એક ભાગ હોઉં એવી અનુભૂતી થઈ.

  “….એમાં મરાઠાઓ હતા, ગુજરાતીઓ હતા, પંજાબીઓ હતા, મલયાલયીઓ હતા. તેલુગુભાષીઓ, તામિલભાષીઓ અને બંગાળીઓ પણ હતા. ” લેખકશ્રી, તેમા ઉપર વર્ણવેલામાંથી કોઈ જ ન હતા, માત્ર ભારતીયો હતા. અને આજે….

  આજે ૧૩-૧૪ ઓગસ્ટે દરેક રસ્તા પર, સિગ્નલ પર ત્રિરંગો ખૂબ વેચાય છે, ૧૫ ઓગસ્ટે એક ગાડી એવી નથી હોતી જેના પર ત્રિરંગો ન હોય. ૧૬ ઓગસ્ટે તેમાંથી અડધા ત્રિરંગાઓ રસ્તા પર, પાનની પિચકારીઓની વચ્ચે પડેલા હોય છે, બિલકુલ અત્યારના આપણા ભારત દેશની જેમ. કેટલા લોકો એવા હશે જે બારેમાસ પોતાની ગાડીમાં, ઘરમાં ત્રિરંગો રાખતો હશે. હિંદુઓ ગણપતિ કે માતાજી કે અન્ય ભગવાનને સાથે રાખતા હશે, જૈનો મહાવીર સ્વામીને અને મુસ્લિમો તેમના ધાર્મિક પ્રતીકને રાખતા હશે. ત્રિરંગો બહુ ઓછા રાખતા હશે. ભગવાનની તો આપણને કૃપા જોઇએ છે, ત્રિરંગો તો જવાબદારી છે ને ….

  આપણો દેશપ્રેમ તો દૂધના ઉભરા જેવો જ છે. અંગ્રેજો જતા રહ્યા પરંતુ ભારતીયોની માનસિકતા હજી ગુલામોની જ છે. જો ન હોત તો શિક્ષણ વ્યવસ્થા, સૈન્ય રચના (rank etc), કાયદાઓમાં સુધારા ન કરત. સુભાષબાબુએ કે અન્ય કોઈ નેતાએ એવુ સૂચન કર્યુ હતુ કે ભારતીયો સંપૂર્ણ આઝાદીને લાયક નથી. તેમના માટે દસ વર્ષ સુધી લોકશાહીને બદલે સામ્યવાદ જેવી વ્યવસ્થા વધુ જરૂરી છે. તમે કોઈને પાંચ વર્ષ સુધી રૂમમા બંધ રાખો અને પછી અચાનક છૂટો દોર મૂકી દો તો… આપણે તો ૧૫૦ વર્ષ સુધી ગુલામ હતા.

  આજે મનમોહન સિંહે(how ironical !!!) જાહેરમા નિવેદન આપ્યુ કે ભારત પર મોટા આંતકવાદી હમલાનો ભય છે. અરે ભાઈ, તો તમે અટકાવોને, ક્યાં સુધી ઉલ્લુ બનાવ્યા કરશો. બરાબર છે, ગયા નવેમ્બર પછી કંઈ થયુ નથી એટલે થવા જ જોઈએ. કસાબ જલસા કરે છે તો પછી થાય જ ને.

  હવે આગળ નથી લખવુ. થોડો ગુસ્સો સંઘરેલો સારો.
  નયન

 15. Chirag Patel says:

  વન્દે મા તરમ્…

 16. Ashish Dave says:

  Nice article with eqully nice comments…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.