રવીન્દ્રનાથ ઠાકુરનાં સંસ્મરણો – અનુ. અંબાલાલ પુરાણી

[યુગ પ્રશિષ્ઠ સાહિત્યકાર અને કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના બાળપણના સંસ્મરણો ઈ.સ. 1914માં ‘મોર્ડન રિવ્યૂ’માં ‘My Reminiscences’ શીર્ષક હેઠળ પ્રગટ થયાં હતાં, જે 45 જેટલા નાના નાના ગદ્યખંડોમાં વિસ્તરેલા છે. એમાં કવિનો પરિવાર, મિત્રવર્તુળ, એમના શિક્ષકો-શાળાઓ, સર્જન-પ્રક્રિયા, એમણે કરેલા પ્રવાસો વગેરેનો રસપ્રદ પરિચય મળે છે. આ લેખો પરથી ઈ.સ. 1918માં પુસ્તકની પ્રથમ આવૃત્તિ થઈ. પરંતુ તે પછી પુસ્તક અપ્રાપ્ય જ રહ્યું. ત્યારબાદ હમણાં શ્રીમતી નિવ્યાબેન પટેલ (વડોદરા) દ્વારા સંપાદિત કરીને તેની નવી આવૃત્તિ ડિસેમ્બર,2007માં બહાર પાડવામાં આવી. આજે માણીએ તેમાંનો કેટલોક અંશ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિવ્યાબેનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 064[1] બહાર યાત્રા

એક વખત જ્યારે કલકત્તામાં તાવનો ઘણો વાવર હતો ત્યારે અમારા બહોળા કુટુંબમાંના કેટલાક માણસો છાત બાબુના નદી પર આવેલા બાગવાળા બંગલામાં રહેવા ગયા. હું પણ તેમની સાથે ગયો હતો. આ વખતે હું પહેલવહેલો ઘરની બહાર નીકળ્યો. ગંગાનો કિનારો જાણે પૂર્વજન્મનો સાથી હોય તેમ પોતાના ખોળામાં બેસવાને મને આમંત્રણ કરતો હોય તેમ લાગ્યું. એ બંગલામાં ચાકરોની ઓરડીઓની સામે જમરૂખીઓનાં વૃક્ષોનું ઝુંડ હતું અને એ જમરૂખીઓની છાયાના ઓટલા પર બેસીને ઝાડનાં થડની વચ્ચેથી આઘે વહેતી ગંગાનો પ્રવાહ નિહાળતાં નિહાળતાં મારા દિવસો વહી જતા. પ્રત્યેક નવો દિવસ જાણે સોનેરી કોરવાળું અને કાંઈ નવાઈભર્યા સમાચાર લઈને આવેલું પરબીડિયું હોય નહિ એવો મને લાગતો ! કાગળ ઉઘાડતાં વારમાં જ તે સમાચાર મળશે એમ મનમાં થયા કરતું. તેમાંથી રખેને કાંઈ રહી જાય એવી બીકે હું મારું નહાવા-ધોવાનું જેમ તેમ આટોપી લઈને બહારની ખુરશી પર ઝડપથી દોડી જતો. દરરોજ એની એ, ગંગાના પ્રવાહની રમણીય ભરતી અને ઓટ. દરરોજ એની એ જુદી જુદી જાતના વહાણોની ભિન્ન ભિન્ન ગતિ !

રોજ જમરૂખીના ઝુંડના પડછાયાઓનું પશ્ચિમથી પૂર્વ તરફ અપસરણ. રોજ ગંગાના સામા કિનારા પર આવેલા વૃક્ષોની હારોની અંધકારવાળી ટોચ ઉપર સાયંકાળના આકાશની ભેદાયેલી છાતીમાંથી સુવર્ણ રંગના શોણિતની રેલમછેલ. વળી કેટલાક દિવસો તો સવારથી જ વાદળાંથી છવાયેલા રહેતા. સામે કિનારે આવી રહેલાં વૃક્ષો પણ કાળાં દેખાતાં અને નદીના પટ પર પણ કાળા પડછાયાઓ ઝૂલતા. જોતજોતામાં તો ઓચિંતી સુસવાટ સાથે વરસાદની ઝડીઓ આવવા માંડતી અને દષ્ટિમર્યાદાને છેક ઝાંખી કરી નાખતી અને સામા કિનારાની અસ્પષ્ટ કોર સજળ નયનથી દેખાતી બંધ થતી. નદીની છાતી ડૂસકાં ખાતી ઊંચીનીચી થતી અને ભીનો પવન ઊંચા ઊંચા વૃક્ષોના ઝુંડની ટોચ સાથે ભળી તેમની સાથે છૂટથી રમતો !

અહીં મને તો જાણે ભીંત, ભારવટિયા અને પીઢીઆંઓના આંતરડામાંથી જાણે મારો બીજો જન્મ જ થયો હોય તેમ લાગ્યું. જ્યારે બાહ્ય પદાર્થો સાથે નવીન સંસર્ગ થાય છે ત્યારે પૃથ્વીના બધા પદાર્થોની આસપાસ ફરી વળેલું તુચ્છતા અને સામાન્યતાનું આવરણ સરી પડે છે. મારી ખાતરી છે કે સવારના પહોરમાં નાસ્તો કરવા માટે અમને જે પૂરીઓ આપવામાં આવતી હતી તે પૂરી ઈન્દ્રના અમૃત કરતાં સ્વાદમાં જરા પણ ઊતરતી નહોતી ! અમૃતત્વ કોઈ વસ્તુના સ્વાદમાં કે રસમાં હોતું નથી, પણ અમૃત તો તેના ખાનારામાં જ છે, અને તેથી જે માણસ તેની શોધમાં નીકળે છે તેને તે પ્રાપ્ત થતું જ નથી.

ઘરની પાછળ ચારે બાજુએ ભીંતવાળું એક ચોગાન આવી રહેલું હતું. તેની વચ્ચે એક નાનું તળાવ હતું. તે તળાવની પાળ પર એક બાજુએ એક મોટું જાંબુડાનું ઝાડ હતું અને તેની ચારે બાજુએ બીજાં ફળનાં વૃક્ષો ઘાટી ઘટામાં આવી રહેલાં હતાં. તે બધાંની રંગિત છાયામાં તે તળાવ એકાંતમાં શાંતિથી થાક ખાતું આવી રહેલું હતું. આ અંદરના નાનકડા એકાંત બાગની સુંદરતા મને અજબ રીતે આકર્ષણ કરતી, કારણ કે તે મારી સામે આવી રહેલા ગંગાના કિનારાના વિશાળ વિસ્તારના કરતાં તદ્દન જુદા જ પ્રકારની હતી. તે અંદરનો ઉદ્યાન-બાગ જાણે ઘરની વહુવારુ મધ્યાહ્ને એકાંતમાં પોતે ગૂંથેલી પચરંગી સાદડી-ચાદર પર પડી પોતાના હૃદયગત રહસ્યનું ધીમે ધીમે ગુંજન કરતી આરામ લેતી હોય નહિ, તેના જેવું લાગતું ! તે જાંબુના ઝાડની નીચે કેટલોક બપોરનો વખત એકલા છાયામાં બેસીને તળાવની નીચે આવેલા યક્ષોના ભયંકર સામ્રાજ્યનાં સ્વપ્નાં જોવામાં મેં ગાળ્યો હતો. મને બંગાળાનું ગામડું જોવાનું બહુ જ કુતૂહલ હતું. આવું જ એક ગામડું અમારા દ્વાર પાછળના બાગની પેલી બાજુ બહાર જતાં જ આવેલું હતું. પણ અમને ત્યાં જવાની છૂટ ન હતી. અમે ઘરની બહાર નીકળ્યા હતા, પણ હજી સ્વતંત્ર ન હતા. અમે પાંજરામાં પુરાયેલા હતા તેમાંથી બહાર આવીને બેઠા હતા, પણ હજી અમે સાંકળથી તો જકડાયેલા હતા જ.

એક દિવસ સવારના પહોરમાં મારા બે વડીલો પાસેના એ જ ગામડામાં ફરવા માટે જવા નીકળ્યા. હું પણ મારી ઉત્કંઠા વધારે દાબી શક્યો નહિ અને છાનોમાનો બહાર નીકળી એમની પાછળ પાછળ થોડો રસ્તો ચાલ્યો. લીલાછમ ઘાસથી છવાયેલી, તે તળાવના કિનારા પાસેથી ગાઢ છાયાવાળી અને સીઓરાના કાંટાવાળી નેળીમાં થઈને જતાં જતાં ઉમંગના ઉમળકાથી મેં એક પછી એક ચિત્ર મારા હૃદયમાં ઠસાવવા માંડ્યું. તે વખતે એક માણસ તળાવના કિનારા પર સ્નાન કરવામાં ગૂંથાયેલો હતો. તે દાતણ કરતો હતો અને તેનું શરીર ઉઘાડું હતું. એટલામાં મારા વડીલોને ઓચિંતી જ મારી હાજરીની ખબર પડી ગઈ. ‘ચાલ્યો જા !’ ‘ચાલ્યો જા !’ ‘એકદમ પાછો જા !’ એમ મને કહ્યું. મારા પગ ઉઘાડા હતા તથા બદન પર શાલ કે કોટ-ડગલો કાંઈ જ હતું નહિ, એટલે એમને શરમ લાગી. બહાર જવા માટે મારો પહેરવેશ લાયક ન હતો. જાણે તેમાં મારો જ દોષ હોય નહિ. મારી પાસે મોજાં કે એવાં બીજાં વધારેપડતાં કપડાં હતાં જ નહિ. તે દિવસે તો નિરાશ થઈને મારે પાછા જતા રહેવું પડ્યું, એટલું જ નહિ પણ બીજે કોઈ પણ દિવસે મારી નાલાયકી પૂરી પાડવાને અશક્ત હોવાથી બહાર નીકળવું દુર્લભ થઈ પડ્યું. બાહ્ય જગતને મળવાની તક ઘરને પાછલે બારણેથી સાધવી અશક્ય હતી, તો પણ મારી સામે આવી રહેલી પવિત્ર ગંગા મને સઘળા બંધનોથી મુક્ત કરી દેતી. મારી મરજીમાં આવે ત્યારે મારું મન આનંદથી નદી પર તરતી હોડીઓમાં બેસી કોઈ પણ ભૂગોળમાં નહિ વર્ણવેલા અગમ્ય પ્રદેશમાં ઊપડી જતું !

આ સ્થિતિ ચાલીસ વર્ષો પહેલાં હતી. ત્યારપછી તે ચંપકની છાયાવાળા બંગલામાં મેં કદી પણ પગ મૂક્યો નથી. તેનું તે જ જૂનું ઘર અને તેનાં તે જ જૂનાં વૃક્ષો હજી પણ ત્યાં હોવાં જ જોઈએ. પણ મારી ખાતરી છે કે તે હતાં તેનાં તે તો રહી શકે જ નહિ. કારણ કે તે આશ્ચર્યથી લાગણી, જે એ બધા પદાર્થોને અપૂર્વ સુંદરતા આપતી હતી તે હવે હું ક્યાંથી લાવું ? અમે જારોસાન્કોમાં અમારે ઘેર પાછા આવી રહેવા લાગ્યા અને મારા દિવસો નૉર્મલ સ્કૂલના વિશાળ મુખમાં જાણે કોળિયાઓ જાય તેમ વહી ગયા !

[2] શ્રી કંઠબાબુ

મને કવિતાનો એક શ્રોતા મળ્યો હતો. તેના જેવો બીજો એક પણ મને કદી મળ્યો નથી અને મળવાનો પણ નથી એવી મારી ખાતરી છે. તેનામાં ખુશી થવાની શક્તિ એવી તો વૃદ્ધિ પામેલી હતી કે કોઈ પણ માસિકમાં સમાલોચક થવાને માટે તો તે તદ્દન નાલાયક જ ગણાય. તે વૃદ્ધ ડોસો પાકી આફૂસની કેરીના જેવો હતો. તેનામાં ખટાશનો તો અંશ પણ મળે નહિ. તેના મુખની અંદર તેને તસ્દી આપવાને એક પણ દાંત રહ્યો નહોતો અને તેની મુદ્રા પર એક પણ કરચલીની નિશાની સુદ્ધાં હતી નહિ. તેનો વાળ વગરનો મૃદુ ચહેરો તેના ટાલવાળા માથાને મળી જતો હતો. તેનાં વિશાળ અને આનંદથી પ્રફુલ્લિત નેત્રો સતત હાસ્યથી ચળકતાં જ રહેતાં. અસલના ઘરડાઓની પેઠે તેને ફારસી આવડતું હતું અને અંગ્રેજીનો તો છાંટો સુદ્ધાં તેને આવડતો નહિ.

તેના ખોળામાં ડાબી બાજુએ સિતાર હંમેશા હોય જ. તેના કંઠમાંથી અવિરત સંગીતની ધારા વહ્યા જ કરતી. શ્રી કંઠબાબુને કોઈ પણ અજાણ્યા માણસ જોડે ઓળખાણ કરવાને લાંબી ખટપટ કરી બાહ્યોપચારથી એકબીજાને પરસ્પર મેળવવા જેટલી વિધિ કરવાની જરૂર પડતી જ નહિ. કારણ કે તેના આનંદી સ્વાભાવિક આકર્ષણ સામે કોઈ પણ ટકી શકતું નહિ. કારણ કે તેના આનંદી સ્વાભાવિક આકર્ષણ સામે કોઈ પણ ટકી શકતું નહિ. એક વખતે તે અમને એક મોટી છબી પાડવાની અંગ્રેજની દુકાને લઈ ગયો. ત્યાં એણે પોતાની અકૃત્રિમ વાતોથી તે દુકાનના અંગ્રેજી માલિકને હિંદી અને બંગાળી ભાષાનો ખીચડો કરી વાતમાં જ આકર્ષી લીધો અને પછી તેને સમજાવ્યો કે ‘હું ગરીબ છું પણ આ છબી પડાવવાનો મારો ખાસ આગ્રહ છે.’ તે અંગ્રેજે તેને હંમેશનો દર ઘટાડીને છબી પાડી આપી. શ્રી કંઠબાબુ એવો તો સાહસિક અને ખુલ્લા દિલનો હતો કે તે અંગ્રેજની ‘એક જ ભાવ’વાળી દુકાનમાં આવી રીતે સોદો કરતાં તેને બિલકુલ અણઘટતું લાગ્યું જ નહિ. તેના વર્તનથી સામા માણસને અપમાન લાગશે તેની શક્યતા સુદ્ધાં તેના મનમાં આવતી નહિ. વળી કોઈ કોઈ વખત એક યુરોપિયન પાદરીને ઘેર તે મને લઈ જતો. ત્યાં પણ રમતગમતથી અને સંગીતથી પાદરીની નાની છોકરીને લાડ લડાવીને તથા પાદરીની સ્ત્રીના બૂટવાળા નાજુક પગનાં વખાણ કરીને તે બધાંને હસાવી મૂકતો. બીજો કોઈ પણ માણસ આવી રીતે વર્ણન કરે તો તે જંગલી અને અસભ્ય ગણાય, પણ તેની અપૂર્વ સાદાઈ બધાંને આકર્ષણ કરી લેતી અને બધાં તેની મઝામાં આનંદથી ભાગ લેતાં.

શ્રી કંઠબાબુને પોતાને અપમાન કે ઉદ્ધતાઈ કદી પણ લાગતાં જ નહિ. અમારા ઘરમાં એક ગવૈયો અમે રાખ્યો હતો. જ્યારે તે ગવૈયો દારૂની લહેરમાં હોય ત્યારે શ્રી કંઠબાબુના સંગીતને તે ખરાબમાં ખરાબ શબ્દો વાપરીને ગાળો દેતો; પણ શ્રી કંઠબાબુ તો તેને સામો જવાબ જ આપ્યા વગર ઠંડે પેટે સહન કરતો. જ્યારે તે માણસને તેની અસભ્ય વર્તણૂક બિલકુલ નહિ સુધરવાને લીધે નોકરીમાંથી કમી કરવામાં આવ્યો ત્યારે શ્રી કંઠબાબુ બિચારા તેની તરફદારી કરીને બોલ્યા કે, ‘એ કાંઈ તોફાન કરતો ન હતો, એ તો દારૂ તોફાન કરાવતો હતો.’ કોઈ પણ માણસને શોકગ્રસ્ત સ્થિતિમાં જોઈને શ્રી કંઠબાબુને બહુ લાગી આવતું, એટલું જ નહિ પણ કોઈ પણ માણસ ‘દિલગીરીમાં છે.’ એ સુદ્ધાં સાંભળી શકતો નહિ. એટલે જ્યારે કોઈ છોકરાઓ શ્રી કંઠબાબુને પજવવાને ઈચ્છતા ત્યારે વિદ્યાસાગરનો ‘સીતાનો વનવાસ’ મોટેથી વાંચતા. એનાથી તે ઘણો જ ગભરાઈને તે પોતાના બન્ને હાથ લંબાવી ‘ના’, ‘ના’ કહી તેમને બંધ રહેવાને વીનવતો.

આ ડોસો મારા પિતાનો-મારા મોટાભાઈનો અને અમારાં બધાંનો મિત્ર હતો. તેની ઉંમર અમારા કુટુંબમાંના દરેકના જેવડી હતી. એક વખતે મેં એક કવિતા બનાવી હતી. તેમાં જગતનાં દુ:ખ અને શોકનું પણ વર્ણન કરવાનું બાકી રાખ્યું ન હતું. શ્રી કંઠબાબુની ખાતરી હતી કે મારા પિતા ભક્તિ કાવ્યના આવા અપ્રતિમ નમૂનાથી જરૂર ખુશી થઈ જશે. અતુલ ઉત્સાહથી તેણે જાતે તે કવિતા મારા પિતા પાસે ગાઈ બતાવવાનું માથે લીધું. સદભાગ્યે જ્યારે એણે કવિતા સંભળાવી ત્યારે હું ત્યાં હાજર ન હતો. પણ મેં પાછળથી સાંભળ્યું કે મારા પિતાને પોતાના નાનામાં નાના છોકરાને જગતનાં દુ:ખો આટલાં બધાં જલદી લાગ્યાં અને તે પણ કવિતા કરવા સુધી વાત આવી તે જાણી ઘણો જ આનંદ થયો હતો. મને પણ ખાતરી છે કે ગોવિંદબાબુને જો એ કવિતા આપી હોત તો તેમને મારા પ્રયત્ન માટે ઘણું માન ઉત્પન્ન થાત. કારણ કે કવિતાનો વિષય ઘણો ગંભીર હતો. સંગીતમાં હું શ્રી કંઠબાબુનો માનીતો શિષ્ય હતો. તેણે મને એક ભજન શીખવ્યું હતું કે ‘માય છોડે વૃજકી વાંસરી…’ – No more of વૃજ for me. ‘હવે મારે વૃજને છોડવું રે….’ ‘મેં વૃજના વાસનો ત્યાગ કર્યો.’ ‘પછી દરેક ઓરડીમાં મને ઘસડી જઈ બધાની પાસે તે ભજન ગવડાવતો. હું ગાતો ત્યારે શ્રીકંઠબાબુ પોતે તે ભજન સિતારમાં ઉતારતો અને જ્યારે ટેક-ઝોક આવી ત્યારે તે પોતે પણ બોલવા લાગ્યો અને ફરી ફરીને ઊથલાવી ‘મય છોડે’ બોલતાં બોલતાં દરેકના તરફ વારાફરતી જોઈ હસીને ડોકું હલાવતો. જાણે કે દરેકને વધારે કદર બુઝવાને પ્રેરણા કરતો ન હોય !

મારા પિતા માટે તેના હૃદયમાં ઘણું જ માન હતું. એક બ્રહ્મસમાજના સંગીતમાં ભજન હતું. તેમાં પ્રભુ માટે કહ્યું છે કે, ‘અંતરતર અંતરતમ તિનિયે ભુલો નારે તાંય’ ‘અંતર તર અંતરતમ ભુલો ના તેને…’ જ્યારે એ ભજન તે મારે પિતા આગળ ગાતો ત્યારે એટલો તો ઉશ્કેરાઈ જતો કે પોતાની બેઠક પરથી તે ઊભો થઈ જતો. તે ગાતાં ગાતાં સિતાર વગાડી બોલતો : ‘અંતરનો…’ વગેરે અને પછી મારા પિતાના મોઢાની આસપાસ આઘેથી હાથ ફેરવી બોલતો : ‘અંતરતર અંતરતમ તુમિયે.’ ‘અંતરનો અંતર તું સદા.’

જ્યારે આ વૃદ્ધ ડોસાએ મારા પિતાની છેલ્લી મુલાકાત લીધી ત્યારે પિતા પથારીવશ હોવાથી ચિન્સુરામાં નદીની પાર બંગલામાં હતાં. શ્રી કંઠબાબુ પણ પોતાની છેલ્લી માંદગીને લીધે ટેકા વગર ઊઠી શકતો નહિ અને આંખોનાં પોપચાં ઊંચા કરીને જ તે જોઈ શકતો હતો. આવી સ્થિતિમાં પોતાની છોકરીને સાથે લઈને તે બરભૂમિથી ચિન્સુરા સુધી આવ્યો. મહા મહેનતે તેણે મારા પિતાના ચરણની રજ લીધી અને ચિન્સુરામાં પોતાને ઘેર ગયો. ત્યાં થોડા જ દિવસ પછી તે મરણ પામ્યો. મેં ત્યારપછી તેની છોકરીને મોઢેથી સાંભળ્યું કે તે પોતે મુખેથી ‘કિ મધુર તવ કરુણા, પ્રભો !’ – ‘શી મધુર તુજ કરુણા પ્રભો !’ એ ભજન ઉચ્ચારતાં ઉચ્ચારતાં દેવલોક પામ્યો હતો.

[કુલ પાન : 184. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ડિવાઈન પબ્લિકેશન્સ. 30, ત્રીજો માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 32060890 ઈ-મેઈલ : divinebooks@mail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કલોઝઅપ – સં. ચંદ્રેશ શાહ
પરી – પરેશ કળસરિયા Next »   

10 પ્રતિભાવો : રવીન્દ્રનાથ ઠાકુરનાં સંસ્મરણો – અનુ. અંબાલાલ પુરાણી

 1. બાળપણની પ્રકૃતિને જાણવાની ઉત્કંઠા અને માણવાની અભીલાષા અને તેની સામે વડિલોના બંધન વગેરેને રજુ કરતી બહાર યાત્રા તથા કંઠબાબુનું સુંદર પાત્રાલેખન. અલબત્ત કંઠબાબુ ના વર્ણનમાં કરવામાં આવેલો તુંકારો ખૂંચ્યો.

 2. જય પટેલ says:

  બંગાળનું પરિભ્રમણ પુસ્તકથી થયું.

  એક જમાનાનું કહેવાતું ઑમાર સૉનાર બાંગ્લા કારમી ગરીબીના ખપ્પરમાં હોમાઈ ગયું.
  જે ભુમિ સૌથી વધારે ભદ્રજન…બુધ્ધિવાળા લોકો આપે છે ત્યાં આવી દારૂણ પરિસ્થિતી..!!

  દરેક પ્રજા પોતાનો લીડર પેદા જાતે જ કરે છે.
  ગુજરાતનું અહોભાગ્ય છે કે આપણે બધી પ્રકારના અભાવો વચ્ચે પણ એકંદરે સારી પ્રગતિ કરી છે.
  ગુજરાતમાં એક જમાનો હતો જ્યારે પંજાબથી ઘઉં ભરેલી ટ્રેન સમયસર ના આવે તો
  લોકોના જીવ તાળવે ચોંટી જતા અને હવે આપણે વસ્તી વિસ્ફોટ છતાં પણ પૂરતું પેદા કરી
  નિર્યાત કરવાની ક્ષમતામાં છીએ….થેંક ટૂ..ચેક ડેમ અને ખેત તલાવડી.

  દૂરંદેશી નેતૃત્વ જ એકમાત્ર વિકલ્પ છે.

  શ્રીમતી નિવ્યાબેન પટેલના સંપાદનથી ગુજરાતને એક વધુ પુસ્તક માણવા મળ્યું.
  આભાર.

  • Editor says:

   શ્રી જયભાઈ,

   કૃપયા વિષયાંતર ન થાય તેવી ભાષા વાપરવા વિનંતી. કૃતિને ધ્યાનમાં રાખીને જ આપનો અભિપ્રાય આપો અથવા આપના વિચારો રજૂ કરો તો વધુ સારું રહેશે. અગાઉ આ વાત ઘણી વખત કહેવાઈ ચૂકી છે, જે ફરીથી ધ્યાનમાં લેશો. પ્રત્યેક લેખને રાજકારણ કે વર્તમાન સમસ્યાઓ જોડે જોડવાની આવશ્યકતા નથી.

   લિ.
   તંત્રી, રીડગુજરાતી.

 3. nim says:

  રવીન્દ્રનાથ ઠાકુર પ્રતિ મને આદ અને માન છે
  પણ “બહાર યાત્રા” એ નિરાશ કર્યા.
  ૯૦% શોભા અને ફક્ત ૧૦% મુદા ની વાત જેવુ છે

  “શ્રી કંઠ બાબુ” પણ સામાન્ય સ્તર ની લાગી
  કંઈક લેખન માં ખુટી ગયું.

  ધન્યવાદ

  નિમ

 4. Jayesh says:

  The stories fall short on my expectations of Shri Ravindranath Thakur even as a child. Could it be due to translation? The lack of respect for different characters also does not gel with our culture. Fully agree with Nim.

 5. આપે મારા પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તક રવિન્દ્રનાથના લેખ તથા તેની વિગતો આપની વેબ ઉપર રજુ કરયા તે બદલ આપનો ખૂબ જ આભાર.
  મારો નવો ફોન ૦૭૯-૨૨૧૬૭૨૦૦ જે ફોન આપે લખ્યો તે ખોટૉ. એ ફોન આ પ્રમાણૅ હોવો જોઈએ ૦૭૯-૩૨૦૬૦૮૭૦
  આપનો,
  અમ્રત ચોધરી
  મો.૯૮૨૫૧ ૭૨૮૧૮

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.