ગૃહિણી – શૈલજાનંદ મુખોપાધ્યાય

[‘જનકલ્યાણ’ એપ્રિલ-1995માંથી સાભાર.]

ઊંદરો ઘરમાં ખૂબ ધમાચકડી મચાવે છે અને એ બહાને ગૃહિણી મને પણ ઓછો હેરાન નથી કરતી. સમયે-કસમયે ચંડિકાનું રૂપ ધારણ કરી સામે આવે છે, જાણે કે મેં જ ગુનો કર્યો હોય. સાંજે ઓફિસથી ઘેર આવતાં જ એણે ધમકી આપી, ‘આ ઉંદરોને મારવાનો કંઈક ઉપાય કરો છો કે પછી હું ગળે ફાંસો ખાઈ મરી જાઉં ?’
મેં ગુસ્સે થઈ કહ્યું : ‘કહે તો આ ઘર છોડી દઈએ. એનાથી વધારે બીજું હું શું કરી શકું ?’
ગૃહિણી પંચમ સ્વરે બરાડી ઊઠ્યાં : ‘હા, હા. ઘર તો તમે બદલશો જ ને ! આ મહોલ્લો મને ગમે છે. બે-ચાર બહેનપણીઓ વાત કરવા મળી છે, એ બધું તમને શેનું ગમે ?’
‘સત્યનાશ, તમે જ કહો કે મારે શું કરવું ?’
ગૃહિણી વધારે ગુસ્સે થઈ ગયાં, ‘દિવસમાં બે વખત બાલીગંજ તરફ આવજા કરો છો તો એક પિંજરું તમે નથી લાવી શકતા ?’

બીજે દિવસે બધાં કામ પડતાં મૂકી અનેક દુકાનોએ ફરી સારું જોઈ એક પાંજરું ખરીદી લાવ્યો. ખાસ જર્મનીમાં બનેલું. એનો કેવી રીતે ઉપયોગ કરવો એ સમજાવતાં દુકાનદારે મને ખાતરી આપી હતી કે, ગમે તેવો અને ગમે તેટલો મોટો ઉંદર પણ આ ‘અમોઘ શસ્ત્ર’થી બચી નહિ શકે. બહુ ઉત્સાહથી એમાં રોટલીનો એક ટુકડો મૂકી મેં એને રસોડામાં એક બાજુ રાખી દીધું. ગૃહિણીને કહ્યું : ‘હવે તો ખુશ થયાં ને ?’
‘હા’, ‘ના’ કશું કહ્યા વગર એમણે કહ્યું, ‘જુઓ, અવાજ થતાં જાગી ઊઠજો. મરેલા ઉંદરને ફેંકી દઈ પાંજરું પાછું બરાબર કરવું પડશે. હું એને નહિ અડકું. મને તો બીક લાગે.’ હું આખી રાત જાગતો રહ્યો. જરા જેટલો અવાજ થતો કે હું દોડીને પહોંચતો રસોડામાં ! પણ ઉંદર ક્યાં ? પાંજરું જેમનું તેમ જ પડેલું મળતું !

સવારે ઊઠીને જોયું તો હંમેશની જેમ બધી વસ્તુઓ વેરવિખેર હતી. પાંજરામાં મૂકેલો રોટલીનો ટુકડો અણસ્પર્શ્યો એની જગ્યાએ પડ્યો હતો.
ગૃહિણી બોલ્યાં : ‘ના, આ પાંજરું કામ નહિ આવે. આ શહેરના ઉંદર બહુ ચાલાક હોય છે ! મારા પિયરના ગામનાં ઉંદર હોત તો જરૂર આમાં ફસાઈ જાત.’
મેં પૂછ્યું : ‘હવે શું કરીશું ?’
બે મિનિટ કંઈ ગંભીર વિચાર કરતાં હોય એવી મુખમુદ્રામાં ઊભાં રહી કહ્યું : ‘તમે એક કામ કરો. એક બિલાડી લઈ આવો, હું રાખીશ એને.’ એ દિવસથી હું બિલાડીની શોધ કરવા લાગ્યો. રસ્તે ચાલતાં કોઈ બિલાડી નજરે ચડતી તો હું અટકી જતો, પણ જ્યાં હું એને પકડવા આગળ વધતો કે એ ભાગી જતી. મોટી બિલાડીઓ સહેલાઈથી હાથમાં નથી આવતી એટલે નાની બિલાડી જ પાળવી પડશે. પણ બિલાડીનું બચ્ચું મળશે ક્યાંથી ?

નસીબ કંઈક સારાં હતાં. એ દિવસે ટ્રામમાં બેઠાં બેઠાં જોયું કે સફેદ રંગની એક નાની બિલાડી સડકની બાજુમાં કચરાના ઢગલા પર મ્યાઉં મ્યાઉં કરતી ફરતી હતી. ચાલતી ટ્રામમાંથી જલદી જલદી ઊતરી હું એની તરફ સરક્યો અને બહુ સંભાળથી એને કપડાંમાં સંતાડી ઘેર પહોંચ્યો. બિલાડીનું બચ્ચું ધીરે ધીરે મોટું થવા લાગ્યું. હું પોતે એને દૂધ પિવડાવતો અને તે મ્યાઉં મ્યાઉં કરતું આ ખંડથી પેલા ખંડમાં તે દોડાદોડી કર્યા કરતું. કોઈની સાથે વાતો કરતો હોઉં ત્યારે એ ચૂપચાપ આવીને મારા ખોળામાં બેસી જતું. ઘણી વખત રાતે અચાનક જાગી જતાં હું એને બરાબર મારી બાજુમાં સૂતેલું જોતો. મને આ બધું ગમતું હતું. ઘરમાં બાળકો તો હતાં નહિ. એક દિવસ પડોશણ હસતાં હસતાં મારી પત્નીને કહેતી હતી એ મેં સાંભળ્યું :
‘બાળ-બચ્ચાં નથી એટલે આ બચ્ચું પાળ્યું છે ?’
કહેનારાઓનું શું જાય છે ? એમને બોલતાં થોડા રોકાય છે ? આ બિચારું કોઈક દિવસ ટ્રામ કે મોટર નીચે કચરાઈને મરી જાત તો ? એને પાળી એનો જીવ બચાવવો એ કંઈ ગુનો તો નથી. મેં એનું નામ રાખ્યું ‘પુસી.’ પુસી ઉંદરોનો શિકાર કરવા જેટલી થાય એને હજુ વાર હતી. અત્યારે તો વંદો જોતાં ડરની મારી એ મારી પાસે દોડી આવતી. શરૂશરૂમાં તો ગૃહિણીને પણ એ ગમતું હતું, પણ પછી ધીરે ધીરે એ એના ઉપર ખીજાવા લાગી. પુસી મોટી થતી ગઈ એમ એમ એનો ગુસ્સો પણ વધવા લાગ્યો.

મોં ફુલાવી એક દિવસ બોલી, ‘ના ભઈ, જાઓ, જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાં જ મૂકી આવો આને. બિલ્લી તે વળી કોઈ પાળતું હશે ?’
મેં પૂછ્યું : ‘કેમ ?’
‘કેમ શું વળી ? કોને ખબર ક્યારે ઉંદર પકડશે અને એટલા માટે જ એને રાજકુંવરીની જેમ રાખવામાં આવે છે.’ એનો ગોરો, પુષ્ટ અને કોમળ હાથ મારી તરફ લાંબો કરતાં એણે કહ્યું :
‘જુઓ તો ખરા, તમારી લાડકીએ શું કર્યું છે ?’ બિલાડીના નહોરથી માંસ ખેંચાઈ જવાને કારણે લોહી નીકળી કાંડા પર જામી ગયું હતું. હાથ લાલ લાલ થઈ ગયા હતા.
મેં કહ્યું : ‘આ શું ? બિલાડીએ નહોર ભર્યા ?’
ગૃહિણી ગુસ્સે થઈ ગઈ, ‘રહેવા દો, રહેવા દો ! તમારી નજર સામે એ દરેક વસ્તુમાં મોં નાખે છે. બિલાડીના વાળ પેટમાં જવાથી શું થાય એની કંઈ ખબર છે ? પડોશીની વહુ કહેતી હતી કે એનાથી ઝીણો તાવ આવે છે.’ બહુ મુશ્કેલીથી હું હસવું ખાળી શક્યો.
‘તું એને વહાલ કરીશ તો એ નહોર નહિ ભરે. મને તો કંઈ નહોર નથી ભરતી.’
ગૃહિણી નારાજ થઈ ગઈ, ‘વહાલ કરું એને ? ચુડેલ અત્યારથી ચોરી કરતાં શીખી ગઈ છે. ના ભાઈ, એના કરતાં તો ઉંદર સારા હતા. આને તો કાઢી જ મૂકો.’ પરંતુ પુસીને કાઢી મૂકવાની કલ્પનામાત્રથી જ મને ખૂબ દુ:ખ થતું. આખરે ગૃહિણીએ પણ પોતાનું કામ શરૂ કર્યું. જ્યારે પણ પુસી એના પગ પાસે ઊભી રહેતી ત્યારે એ એને જોરથી ફૂટબોલની જેમ એક લાત મારી દેતી. બિચારી મ્યાઉં મ્યાઉં કરતી દૂર જઈ પડતી. એને ઝાડુ મારી મારી મને ધમકી આપતી : ‘આને ઘરમાંથી નહિ કાઢો તો એક દિવસ હું એને જાનથી મારી નાખીને જ જંપીશ.’

એણે પોતે પુસીને ભગાડવાનો પ્રયત્ન નહોતો કર્યો એમ પણ નહોતું. સાંભળવા પ્રમાણે એક દિવસ મારી ગેરહાજરીમાં એણે એને દરવાજા બહાર સડક પર ફેંકાવી દીધી હતી. નોકરાણી એક દિવસ એને ક્યાંક બીજે મૂકી આવી હતી. પણ કોઈથી કામ ન સર્યું. પુસી મ્યાઉં મ્યાઉં કરતી રોતી પાછી આવી. એક દિવસ એને ઊંચે આલમારીમાં મૂકી દીધી. મરવાના ભયે એ એટલે ઊંચેથી કૂદી પણ ન શકી. દિવસ આખો એને નિરાહાર રહી એકાદશી કરવી પડી ! આટલા અત્યાચાર થવા છતાં પુસી મોટી થઈ ગઈ. બિલાડીને મોટી થતાં કેટલી વાર ? છ મહિનામાં જ એ ઠીક ઠીક મોટી થઈ ગઈ. હજુ પણ એ મારી સાથે જ ખાતી, મારી પાસે જ બેઠી રહેતી, પણ રાત પડતાં એ દેખાતી નહિ. વાઘની માસી, શિકારી જાનવરની જાત; એટલે કદાચ શિકાર કરવા નીકળી જતી હશે ! ઘરના ઉંદર તો ભાગી જ ગયા, પણ ગૃહિણીને સંતોષ ન થયો. પુસી મરી જાય તો જ એને સંતોષ થાય એમ હતું. એ ઉંદર કરતાં પણ વધુ નુકશાન કરતી હતી. જે કોઈ ઘેર આવતું એને પૂછતી, ‘બિલાડીઓ કેટલા વરસ જીવે છે ?’ કોઈ કહેતું છ મહિના, તો વળી કોઈ એક વર્ષ બતાવતું અને ઘણાએ તો બિલાડીના મૃત્યુ વિશે કશું સાંભળ્યું જ નહોતું. હવે પહેલાંની જેમ એને મારવાનું પણ ગૃહિણીને ફાવતું નહિ. હાથ કે પગ ઉઠાવતાં જ એ ભાગી જતી. પકડવાની કોશિશ કરવા જતાં તો વાઘની જેમ ગર્જતી. ડરીને દૂરથી જ ગાળો ભાંડી ગૃહિણી સંતોષ પામતી. હું ઘેર આવતો એટલે મારા પર ખિજાતી, ‘આનો કંઈ બંદોબસ્ત કરો, નહિતર મારા મરવાનું પાપ તમને જ લાગવાનું.’ ઉત્તર આપવામાં જોખમ હતું, એટલે ઘણુંખરું હું ચૂપ જ રહેતો.

હમણાં બે દિવસથી પુસી દેખાતી નહોતી. બહુ તપાસ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહિ. ગૃહિણી પ્રસન્ન મને બોલી, ‘ચાલો, આટલા દિવસો પછી ચુડેલથી છુટકારો થયો. જરૂર સડક પર ગાડી નીચે આવી ગઈ હશે. ચાલો, સારું થયું.’ સંતોષનો એક લાંબો શ્વાસ ખેંચી એમણે મારી સામે જોયું. હું કંઈ બોલ્યો નહિ, ફાયદો પણ શું ? પુસીની ગેરહાજરી મને બહુ ખટકતી હતી, પણ ગૃહિણીને મન એ આનંદની વાત હતી. જમવા બેસતો તો સ્વાભાવિક જ મોંથી ‘પૂચ…..પૂચ…’ એવો અવાજ નીકળી જતો. ગૃહિણી તિરસ્કારથી કહેતી, ‘એ શું તમારી દીકરી હતી કે આટલા બેચેન જેવા રહો છો ?’ રાતે ઊંઘ પણ ન આવી. મેં મનોમન ભગવાનને પ્રાર્થના કરી : ‘પુસીને પાછી લાવી આપો, પ્રભુ !’
અને કોણ જાણે, મારી પ્રાર્થનાથી કે બીજા કોઈ કારણથી ત્રીજે દિવસે સવારે પુસી આવી ગઈ. ગૃહિણી ઘર સાફ કરતી હતી ત્યારે એ આરામથી ડોલતી અંદર ચાલી આવી. બહુ પાતળી થઈ ગઈ હતી. જાણે બે દિવસથી એને ખાવાનું જ નહોતું મળ્યું ! એને થોડું દૂધ લાવી આપવાના વિચારથી હું રસોડા તરફ ગયો. પાછો આવ્યો ત્યારે ગૃહિણી પુસી ઉપર ઝૂકી અને હળવે હળવે ફૂંકી રહી હતી. મારા આવતાં, એણે ગુનેગારની જેમ મારી સામે જોયું.

હું સમજી ગયો. હંમેશની આદત મુજબ આજે પણ ગૃહિણીએ એને ઝાડુથી ફટકારી હશે. દોડીને હું પાણી લાવ્યો ને મોં પર છાંટ્યું. પુસીએ પાછલા પગ બે-ત્રણ વાર પહોળા કર્યા, થોડો સમય ‘ખોં-ખોં’ કર્યું અને પછી જોતજોતામાં મારા હાથમાંથી છટકી નીચે પડી.
બધું ખલાસ થઈ ગયું.
એક વાર ગૃહિણી સામે જોઈ, કાબૂ મેળવવાનો પ્રયત્ન કરતાં મેં ચૂપચાપ પુસીને ઊંચકી લીધી. ધસી આવતાં આંસુને રોકી હું એને દૂર ફેંકવા ચાલ્યો ગયો. પાછો આવ્યો ત્યારે જ્યાં પુસી પડી હતી ત્યાં જ ગૃહિણી બેઠી હતી. એના ખોળામાં બિલાડીનાં પાંચ નાનાં નાનાં બચ્ચાં હતાં.
‘આ શું ? આ પાછાં ક્યાંથી આવી ગયાં ?’
ગૃહિણી બોલી, ‘તમારી પુસી આ આપીને ગઈ છે. ભંડારઘરના ખૂણામાં પેલી બાજુ પડ્યાં પડ્યાં એ મ્યાઉં મ્યાઉં કરતાં હતાં.’ મને ત્યારે ઝબકી કે આટલા માટે પુસી બે દિવસથી દેખાઈ નહોતી ? પરંતુ હવે ફરી નહિ. મેં હાથ પહોળા કર્યા, ‘લાવો, આને આજુબાજુમાં આપી દઉં અથવા તો ક્યાંક દૂર નાખી આવું.’
મુખ નીચે રાખી, માથું હલાવી ગૃહિણીએ દ્રઢ કંઠે જવાબ આપ્યો :
‘ના !’
ચમકીને મેં જોયું તો એની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંગીતશાસ્ત્ર પ્રવેશિકા – પ્રાણલાલ વી. શાહ
અમેરિકન મકાઈની મજા – નટવર પંડ્યા Next »   

24 પ્રતિભાવો : ગૃહિણી – શૈલજાનંદ મુખોપાધ્યાય

 1. બહુ જ સરસ વાર્તા… જો કોઇ પ્રાણી ને પ્રેમ ના આપી શકો તો તેને ઘર મા પાડો પણ નહી… Animals also have their own life and don’t kick them atleast….

 2. જય પટેલ says:

  પ્રાણીપ્રેમ પર પ્રકાશ ફેંકતી વાર્તા.

  વાર્તાની ગૃહિણી કંઈ અંશે વિમઝીકલ માઈંડની લાગી.
  વાર્તા ફાસ્ટ ટ્રેક પર ચાલી પણ અંતે પ્રાણી પ્રેમ ઉભરાઈ રહ્યો ?

  I am not sure…!!!

  • rutvi says:

   Jaybhai,
   Its all about feelings. Pusi was a cat,. If she was woman , Grihini won’t hit her in such condition. Grihini couldn’t understand her. Afterall she is woman , she can understand her pain. Grihini feels ashame after Pusi born 5 babies.., Its all about feelings.

   • જય પટેલ says:

    રૂત્વીબેન

    આપની ફિલીંગવાળા વ્યુ સાથે હું સંમત છું.

    મારો કહેવાનો આશય એ છે કે ગૃહિણીએ બિલાડી પાળવાનો આઈડિયા આપ્યો અને
    તેથી પુસી ઘરમાં આવી. પુસીના ગૃહ આગમન બાદ વાર્તાનો નાયક વધારે સમય
    ગૃહિણીથી ધ્યાન હટાવી પુસીને ઉછેરવામાં સમય વિતાવે છે. સ્વાભાવિક છે કે પ્રેમની
    આ ભાગબટાઈ ગૃહિણીને પસંદ ના પડી હોઈ તેનું વલણ બદલાવાનું શરૂ થાય છે
    અને છેવટે પુસી વાતવાતમાં ગૃહિણીના ક્રોધનું કેન્દ્ર બને છે અને જે ગૃહિણીના આગ્રહથી
    પુસી ઘરમાં આવેલી તે જ ગૃહિણીના આગ્રહને કારણે ગૃહત્યાગ થાય છે.

    પુસીના પાંચ બચ્ચાંના જન્મ બાદ સંભવ છે કે વાર્તાનો નાયક આ પાંચ બચ્ચાં સાથે
    પહેલાં કરતાં વધારે સમય વ્યતિત કરશે ત્યારે ગૃહિણીની માનસિક સ્થિતી શું થશે ?
    વાર્તાનો નાયક એક પુસી સાથે જેટલો સમય વ્યતિત કરતો હતો તેના કરતાં
    હવે પાંચ બચ્ચાંના જન્મ બાદ પરિસ્થિતી બદલાઈ છે.

    નિઃસંતાનપણાનાં મહેણાં-ટોણાં સહન કરતી કોઈ પણ સ્ત્રી જ્યારે આવી પરિસ્થિતીમાં
    હોય ત્યારે તેના માનસિક ભાવો કદાચ સ્થિર રહેવા મુશ્કેલ છે.

    આ નિઃસંતાન ગૃહિણીના મનૌવૈજ્ઞાનિક ભાવજગતનો પ્રશ્વ છે.

 3. chirag vyas says:

  ખુબ સરસ વાર્તા

 4. Paresh says:

  સુંદર વાર્તા

 5. Sarika Patel says:

  very nice story.

 6. ગૃહિણીના મનોભાવો ઘણાં અકળ છે. ગૃહસ્થનો બીલ્લી પ્રત્યેનો પક્ષપાત પણ કાઈક વધારે લાગ્યો. ઘણી વાર નાના બાળકો વાર્તાના પ્રસંગોને અનુલક્ષીને આપણને પુછે કે આવું કેમ થતું હશે? – ત્યારે કાઈ ન સુઝે તો મારી જેવા કહે કે ભાઈ, ઈ તો વાર્તા કહેવાય તેમાં બધું થાય. તેવી રીતે વાર્તા એટલે વાર્તા એમ મનને મનાવવું પડે.

 7. Jagat Dave says:

  એક ભારતીય ગૃહસ્થ જીવન અને ખાસ કરીને સ્ત્રી મનોભાવોનું સુંદર વર્ણન.

  વાર્તાની આખરમાં આબાદ રીતે માતૃત્વની લાગણીઓ નો ઉભાર….ગૃહિણીની બધી ‘કટકટ’ ભુલાવી દે છે.

  “મુખ નીચે રાખી, માથું હલાવી ગૃહિણીએ દ્રઢ કંઠે જવાબ આપ્યો :
  ‘ના !’
  ચમકીને મેં જોયું તો એની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.”

  બસ……આટલા જ શબ્દોમાં લેખક…..માતૃત્વની લાગણીની ઊંચાઈ વાચકો ને સમજાવવામાં સફળ થયા છે.

  ખરેખર ઉત્તમ !!!!!!!!!!!!!!

 8. nim says:

  મને પહેલા લાગ્યુ કે આ હાસ્યલેખ છે.
  પણ પછી થી રોમાંચક બની ગયી.
  વાંચવા ગમ્યુ.
  સુંદર
  ધન્યવાદ
  નિમ

 9. piyush says:

  સરસ વાર્તા.

 10. સંતોષ એકાંડે says:

  શ્રી અતુલભાઈ
  આપના બ્લોગની પ્રથમ મુલાકાતનું સૌભાગ્ય આજે આટલા વખત પછી પ્રાપ્ત થયુ.
  રીડ ગુજરાતી નાં પ્રતિભાવક તરીકે આપની બુધ્ધિમત્તાની પ્રશંસનીય છબિ પહેલેથીજ ઉપસેલી.
  આપના બ્લોગ દ્વારા એ છબિ વધુ વિશાળ આકાર પામી.
  એક ઉચ્ચશિક્ષિત યુવાન આદ્યાત્મ જેવા વિશાળ ફલક માટે કાંઇક કરવાની ભાવના ધરાવે છે,
  ભઈલા, હૈયુ હલબલી ગયુ. સાંભળીને…. વાંચીને…
  આગળ વધતાં રહો. પ્રભુ આપની સાથે છે…અને સદાય રહેશે.
  સન ૧૯૯૨માં આપ રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલાં.. અલપઝલપ વાંચ્યુ છે.
  વિગતવાર જણાવશોતો મઝા આવશે.

  • સંતોષ એકાંડે says:

   ટાઈપ થઈ ગયા પછી
   કાપ-કૂપ, ચોંટાડો કર્યા વિના પ્રતિભાવ દાખલ થઈ ગયો.
   માફી ચાહુ છું ક્ષતિભંગ બદ્દલ.
   અતુલભાઈ આપ આ પ્રતિભાવ આપનાં બ્લોગ ઉપર પણ જોઈ શક્શો.
   રીડગુજરાતીનાં વાચકો…ક્ષમસ્વ…

   • સંતોષ એકાંડે says:

    ક્ષતિભંગ નહી, પણ ‘રૂચિભંગ’ બદ્દલ
    વાચકો મારી માતૃભાષા પ્રત્યે સભાન હોઈ ખુલાસો કરવો પડ્યો.

 11. Veena Dave, USA says:

  સ્ત્રી તેને જ કહેવાય જેનામા લાગણી, મમતા, દયા, પ્રેમ હોય.

  • સંતોષ એકાંડે says:

   તો પછી સાસુઓ, નણંદો અને વહુઓને શું કહેશું ભલાં…?
   ત્રણેય કર્તાઓ આગળ ‘ ક ‘ લગાવીને વાંચવુ.

   • Jinal Patel says:

    એ જે કહેજો જે તમે માતા, બહેનો અને દિકરીઓ ને કહેતા હોવ્ , પછી આગળ ‘ક’ લગાડવાનો વારો કોઇને નહિ આવે.

 12. Vraj Dave says:

  સ ર સ.

 13. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  દયાનું ઝરણું દરેકમાં વહેતું હોય છે.
  પણ એ કેટલું ઊંડું છે એનો તાગ મેળવવો અઘરો છે.
  સમય પાક્યે જણાય છે.
  ખૂબજ સુંદર પ્રસંગ.
  અભિનંદન.

 14. ઈન્દ્રેશ વદન says:

  બે દિવસ પહેલા ‘પરી’ જેવી ઉત્તમ વાર્તા વાંચ્યા પછી, રીડગુજરાતી પર સારી વાર્તાઓ માટે અપેક્ષા હોય છે.

  ગૃહિણીની બચ્ચાઓ પ્રત્યેની લાગણીઓ રજુ કરવા, લેખિકાએ ઉંદર-બિલાડીની બહુ લાંબી કથા કરી..
  જ્યાં એક બિલાડી સચવાતી નહોતી, ત્યાં હવે પાંચ પાળવાની છે? Nonsense..!!

 15. tejal tithalia says:

  ખુબ જ સરસ લેખ્ પ્રાણીજાતી પ્રત્યે ના વાત્સલ્ય પ્રેમ ને દર્શાવતો સુન્દર લેખ્ .

 16. Vaishali Maheshwari says:

  Good story depicting Mother’s love. Thank you Author for writing such a beautiful story!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.