- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ગૃહિણી – શૈલજાનંદ મુખોપાધ્યાય

[‘જનકલ્યાણ’ એપ્રિલ-1995માંથી સાભાર.]

ઊંદરો ઘરમાં ખૂબ ધમાચકડી મચાવે છે અને એ બહાને ગૃહિણી મને પણ ઓછો હેરાન નથી કરતી. સમયે-કસમયે ચંડિકાનું રૂપ ધારણ કરી સામે આવે છે, જાણે કે મેં જ ગુનો કર્યો હોય. સાંજે ઓફિસથી ઘેર આવતાં જ એણે ધમકી આપી, ‘આ ઉંદરોને મારવાનો કંઈક ઉપાય કરો છો કે પછી હું ગળે ફાંસો ખાઈ મરી જાઉં ?’
મેં ગુસ્સે થઈ કહ્યું : ‘કહે તો આ ઘર છોડી દઈએ. એનાથી વધારે બીજું હું શું કરી શકું ?’
ગૃહિણી પંચમ સ્વરે બરાડી ઊઠ્યાં : ‘હા, હા. ઘર તો તમે બદલશો જ ને ! આ મહોલ્લો મને ગમે છે. બે-ચાર બહેનપણીઓ વાત કરવા મળી છે, એ બધું તમને શેનું ગમે ?’
‘સત્યનાશ, તમે જ કહો કે મારે શું કરવું ?’
ગૃહિણી વધારે ગુસ્સે થઈ ગયાં, ‘દિવસમાં બે વખત બાલીગંજ તરફ આવજા કરો છો તો એક પિંજરું તમે નથી લાવી શકતા ?’

બીજે દિવસે બધાં કામ પડતાં મૂકી અનેક દુકાનોએ ફરી સારું જોઈ એક પાંજરું ખરીદી લાવ્યો. ખાસ જર્મનીમાં બનેલું. એનો કેવી રીતે ઉપયોગ કરવો એ સમજાવતાં દુકાનદારે મને ખાતરી આપી હતી કે, ગમે તેવો અને ગમે તેટલો મોટો ઉંદર પણ આ ‘અમોઘ શસ્ત્ર’થી બચી નહિ શકે. બહુ ઉત્સાહથી એમાં રોટલીનો એક ટુકડો મૂકી મેં એને રસોડામાં એક બાજુ રાખી દીધું. ગૃહિણીને કહ્યું : ‘હવે તો ખુશ થયાં ને ?’
‘હા’, ‘ના’ કશું કહ્યા વગર એમણે કહ્યું, ‘જુઓ, અવાજ થતાં જાગી ઊઠજો. મરેલા ઉંદરને ફેંકી દઈ પાંજરું પાછું બરાબર કરવું પડશે. હું એને નહિ અડકું. મને તો બીક લાગે.’ હું આખી રાત જાગતો રહ્યો. જરા જેટલો અવાજ થતો કે હું દોડીને પહોંચતો રસોડામાં ! પણ ઉંદર ક્યાં ? પાંજરું જેમનું તેમ જ પડેલું મળતું !

સવારે ઊઠીને જોયું તો હંમેશની જેમ બધી વસ્તુઓ વેરવિખેર હતી. પાંજરામાં મૂકેલો રોટલીનો ટુકડો અણસ્પર્શ્યો એની જગ્યાએ પડ્યો હતો.
ગૃહિણી બોલ્યાં : ‘ના, આ પાંજરું કામ નહિ આવે. આ શહેરના ઉંદર બહુ ચાલાક હોય છે ! મારા પિયરના ગામનાં ઉંદર હોત તો જરૂર આમાં ફસાઈ જાત.’
મેં પૂછ્યું : ‘હવે શું કરીશું ?’
બે મિનિટ કંઈ ગંભીર વિચાર કરતાં હોય એવી મુખમુદ્રામાં ઊભાં રહી કહ્યું : ‘તમે એક કામ કરો. એક બિલાડી લઈ આવો, હું રાખીશ એને.’ એ દિવસથી હું બિલાડીની શોધ કરવા લાગ્યો. રસ્તે ચાલતાં કોઈ બિલાડી નજરે ચડતી તો હું અટકી જતો, પણ જ્યાં હું એને પકડવા આગળ વધતો કે એ ભાગી જતી. મોટી બિલાડીઓ સહેલાઈથી હાથમાં નથી આવતી એટલે નાની બિલાડી જ પાળવી પડશે. પણ બિલાડીનું બચ્ચું મળશે ક્યાંથી ?

નસીબ કંઈક સારાં હતાં. એ દિવસે ટ્રામમાં બેઠાં બેઠાં જોયું કે સફેદ રંગની એક નાની બિલાડી સડકની બાજુમાં કચરાના ઢગલા પર મ્યાઉં મ્યાઉં કરતી ફરતી હતી. ચાલતી ટ્રામમાંથી જલદી જલદી ઊતરી હું એની તરફ સરક્યો અને બહુ સંભાળથી એને કપડાંમાં સંતાડી ઘેર પહોંચ્યો. બિલાડીનું બચ્ચું ધીરે ધીરે મોટું થવા લાગ્યું. હું પોતે એને દૂધ પિવડાવતો અને તે મ્યાઉં મ્યાઉં કરતું આ ખંડથી પેલા ખંડમાં તે દોડાદોડી કર્યા કરતું. કોઈની સાથે વાતો કરતો હોઉં ત્યારે એ ચૂપચાપ આવીને મારા ખોળામાં બેસી જતું. ઘણી વખત રાતે અચાનક જાગી જતાં હું એને બરાબર મારી બાજુમાં સૂતેલું જોતો. મને આ બધું ગમતું હતું. ઘરમાં બાળકો તો હતાં નહિ. એક દિવસ પડોશણ હસતાં હસતાં મારી પત્નીને કહેતી હતી એ મેં સાંભળ્યું :
‘બાળ-બચ્ચાં નથી એટલે આ બચ્ચું પાળ્યું છે ?’
કહેનારાઓનું શું જાય છે ? એમને બોલતાં થોડા રોકાય છે ? આ બિચારું કોઈક દિવસ ટ્રામ કે મોટર નીચે કચરાઈને મરી જાત તો ? એને પાળી એનો જીવ બચાવવો એ કંઈ ગુનો તો નથી. મેં એનું નામ રાખ્યું ‘પુસી.’ પુસી ઉંદરોનો શિકાર કરવા જેટલી થાય એને હજુ વાર હતી. અત્યારે તો વંદો જોતાં ડરની મારી એ મારી પાસે દોડી આવતી. શરૂશરૂમાં તો ગૃહિણીને પણ એ ગમતું હતું, પણ પછી ધીરે ધીરે એ એના ઉપર ખીજાવા લાગી. પુસી મોટી થતી ગઈ એમ એમ એનો ગુસ્સો પણ વધવા લાગ્યો.

મોં ફુલાવી એક દિવસ બોલી, ‘ના ભઈ, જાઓ, જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાં જ મૂકી આવો આને. બિલ્લી તે વળી કોઈ પાળતું હશે ?’
મેં પૂછ્યું : ‘કેમ ?’
‘કેમ શું વળી ? કોને ખબર ક્યારે ઉંદર પકડશે અને એટલા માટે જ એને રાજકુંવરીની જેમ રાખવામાં આવે છે.’ એનો ગોરો, પુષ્ટ અને કોમળ હાથ મારી તરફ લાંબો કરતાં એણે કહ્યું :
‘જુઓ તો ખરા, તમારી લાડકીએ શું કર્યું છે ?’ બિલાડીના નહોરથી માંસ ખેંચાઈ જવાને કારણે લોહી નીકળી કાંડા પર જામી ગયું હતું. હાથ લાલ લાલ થઈ ગયા હતા.
મેં કહ્યું : ‘આ શું ? બિલાડીએ નહોર ભર્યા ?’
ગૃહિણી ગુસ્સે થઈ ગઈ, ‘રહેવા દો, રહેવા દો ! તમારી નજર સામે એ દરેક વસ્તુમાં મોં નાખે છે. બિલાડીના વાળ પેટમાં જવાથી શું થાય એની કંઈ ખબર છે ? પડોશીની વહુ કહેતી હતી કે એનાથી ઝીણો તાવ આવે છે.’ બહુ મુશ્કેલીથી હું હસવું ખાળી શક્યો.
‘તું એને વહાલ કરીશ તો એ નહોર નહિ ભરે. મને તો કંઈ નહોર નથી ભરતી.’
ગૃહિણી નારાજ થઈ ગઈ, ‘વહાલ કરું એને ? ચુડેલ અત્યારથી ચોરી કરતાં શીખી ગઈ છે. ના ભાઈ, એના કરતાં તો ઉંદર સારા હતા. આને તો કાઢી જ મૂકો.’ પરંતુ પુસીને કાઢી મૂકવાની કલ્પનામાત્રથી જ મને ખૂબ દુ:ખ થતું. આખરે ગૃહિણીએ પણ પોતાનું કામ શરૂ કર્યું. જ્યારે પણ પુસી એના પગ પાસે ઊભી રહેતી ત્યારે એ એને જોરથી ફૂટબોલની જેમ એક લાત મારી દેતી. બિચારી મ્યાઉં મ્યાઉં કરતી દૂર જઈ પડતી. એને ઝાડુ મારી મારી મને ધમકી આપતી : ‘આને ઘરમાંથી નહિ કાઢો તો એક દિવસ હું એને જાનથી મારી નાખીને જ જંપીશ.’

એણે પોતે પુસીને ભગાડવાનો પ્રયત્ન નહોતો કર્યો એમ પણ નહોતું. સાંભળવા પ્રમાણે એક દિવસ મારી ગેરહાજરીમાં એણે એને દરવાજા બહાર સડક પર ફેંકાવી દીધી હતી. નોકરાણી એક દિવસ એને ક્યાંક બીજે મૂકી આવી હતી. પણ કોઈથી કામ ન સર્યું. પુસી મ્યાઉં મ્યાઉં કરતી રોતી પાછી આવી. એક દિવસ એને ઊંચે આલમારીમાં મૂકી દીધી. મરવાના ભયે એ એટલે ઊંચેથી કૂદી પણ ન શકી. દિવસ આખો એને નિરાહાર રહી એકાદશી કરવી પડી ! આટલા અત્યાચાર થવા છતાં પુસી મોટી થઈ ગઈ. બિલાડીને મોટી થતાં કેટલી વાર ? છ મહિનામાં જ એ ઠીક ઠીક મોટી થઈ ગઈ. હજુ પણ એ મારી સાથે જ ખાતી, મારી પાસે જ બેઠી રહેતી, પણ રાત પડતાં એ દેખાતી નહિ. વાઘની માસી, શિકારી જાનવરની જાત; એટલે કદાચ શિકાર કરવા નીકળી જતી હશે ! ઘરના ઉંદર તો ભાગી જ ગયા, પણ ગૃહિણીને સંતોષ ન થયો. પુસી મરી જાય તો જ એને સંતોષ થાય એમ હતું. એ ઉંદર કરતાં પણ વધુ નુકશાન કરતી હતી. જે કોઈ ઘેર આવતું એને પૂછતી, ‘બિલાડીઓ કેટલા વરસ જીવે છે ?’ કોઈ કહેતું છ મહિના, તો વળી કોઈ એક વર્ષ બતાવતું અને ઘણાએ તો બિલાડીના મૃત્યુ વિશે કશું સાંભળ્યું જ નહોતું. હવે પહેલાંની જેમ એને મારવાનું પણ ગૃહિણીને ફાવતું નહિ. હાથ કે પગ ઉઠાવતાં જ એ ભાગી જતી. પકડવાની કોશિશ કરવા જતાં તો વાઘની જેમ ગર્જતી. ડરીને દૂરથી જ ગાળો ભાંડી ગૃહિણી સંતોષ પામતી. હું ઘેર આવતો એટલે મારા પર ખિજાતી, ‘આનો કંઈ બંદોબસ્ત કરો, નહિતર મારા મરવાનું પાપ તમને જ લાગવાનું.’ ઉત્તર આપવામાં જોખમ હતું, એટલે ઘણુંખરું હું ચૂપ જ રહેતો.

હમણાં બે દિવસથી પુસી દેખાતી નહોતી. બહુ તપાસ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહિ. ગૃહિણી પ્રસન્ન મને બોલી, ‘ચાલો, આટલા દિવસો પછી ચુડેલથી છુટકારો થયો. જરૂર સડક પર ગાડી નીચે આવી ગઈ હશે. ચાલો, સારું થયું.’ સંતોષનો એક લાંબો શ્વાસ ખેંચી એમણે મારી સામે જોયું. હું કંઈ બોલ્યો નહિ, ફાયદો પણ શું ? પુસીની ગેરહાજરી મને બહુ ખટકતી હતી, પણ ગૃહિણીને મન એ આનંદની વાત હતી. જમવા બેસતો તો સ્વાભાવિક જ મોંથી ‘પૂચ…..પૂચ…’ એવો અવાજ નીકળી જતો. ગૃહિણી તિરસ્કારથી કહેતી, ‘એ શું તમારી દીકરી હતી કે આટલા બેચેન જેવા રહો છો ?’ રાતે ઊંઘ પણ ન આવી. મેં મનોમન ભગવાનને પ્રાર્થના કરી : ‘પુસીને પાછી લાવી આપો, પ્રભુ !’
અને કોણ જાણે, મારી પ્રાર્થનાથી કે બીજા કોઈ કારણથી ત્રીજે દિવસે સવારે પુસી આવી ગઈ. ગૃહિણી ઘર સાફ કરતી હતી ત્યારે એ આરામથી ડોલતી અંદર ચાલી આવી. બહુ પાતળી થઈ ગઈ હતી. જાણે બે દિવસથી એને ખાવાનું જ નહોતું મળ્યું ! એને થોડું દૂધ લાવી આપવાના વિચારથી હું રસોડા તરફ ગયો. પાછો આવ્યો ત્યારે ગૃહિણી પુસી ઉપર ઝૂકી અને હળવે હળવે ફૂંકી રહી હતી. મારા આવતાં, એણે ગુનેગારની જેમ મારી સામે જોયું.

હું સમજી ગયો. હંમેશની આદત મુજબ આજે પણ ગૃહિણીએ એને ઝાડુથી ફટકારી હશે. દોડીને હું પાણી લાવ્યો ને મોં પર છાંટ્યું. પુસીએ પાછલા પગ બે-ત્રણ વાર પહોળા કર્યા, થોડો સમય ‘ખોં-ખોં’ કર્યું અને પછી જોતજોતામાં મારા હાથમાંથી છટકી નીચે પડી.
બધું ખલાસ થઈ ગયું.
એક વાર ગૃહિણી સામે જોઈ, કાબૂ મેળવવાનો પ્રયત્ન કરતાં મેં ચૂપચાપ પુસીને ઊંચકી લીધી. ધસી આવતાં આંસુને રોકી હું એને દૂર ફેંકવા ચાલ્યો ગયો. પાછો આવ્યો ત્યારે જ્યાં પુસી પડી હતી ત્યાં જ ગૃહિણી બેઠી હતી. એના ખોળામાં બિલાડીનાં પાંચ નાનાં નાનાં બચ્ચાં હતાં.
‘આ શું ? આ પાછાં ક્યાંથી આવી ગયાં ?’
ગૃહિણી બોલી, ‘તમારી પુસી આ આપીને ગઈ છે. ભંડારઘરના ખૂણામાં પેલી બાજુ પડ્યાં પડ્યાં એ મ્યાઉં મ્યાઉં કરતાં હતાં.’ મને ત્યારે ઝબકી કે આટલા માટે પુસી બે દિવસથી દેખાઈ નહોતી ? પરંતુ હવે ફરી નહિ. મેં હાથ પહોળા કર્યા, ‘લાવો, આને આજુબાજુમાં આપી દઉં અથવા તો ક્યાંક દૂર નાખી આવું.’
મુખ નીચે રાખી, માથું હલાવી ગૃહિણીએ દ્રઢ કંઠે જવાબ આપ્યો :
‘ના !’
ચમકીને મેં જોયું તો એની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.