સંગીતશાસ્ત્ર પ્રવેશિકા – પ્રાણલાલ વી. શાહ

[વિવિધ ભારતીય કલાની જેમ સંગીતનો પણ આછોપાતળો પરિચય જો હોય તો શ્રવણની કલા વધુ વિકસિત થાય છે. સંગીતની સંક્ષિપ્ત સમજ આપતા થોડા વર્ષો અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તક (આવૃત્તિ 1992) ‘સરળ સંગીતશાસ્ત્ર પ્રવેશિકા’ના પ્રથમ પ્રકરણમાંથી કેટલાક અંશો અહીં સાભાર લેવામાં આવે છે. આશા છે સંગીત શીખવાની ઈચ્છા ધરાવનારને પાયાની માહિતી આમાંથી મળી શકશે. – તંત્રી]

ભારતીય સંગીત ખરેખર કોણે અને ક્યારે ઉત્પન્ન કર્યું તે નક્કી કરી શકાતું નથી, પણ એવી દંતકથા છે કે તેને બ્રહ્માએ ઉત્પન્ન કર્યું. પણ એટલું તો ખરું કે આ કલા બહુ પ્રાચીન છે. સામવેદ, કે જે સંગીતનો વેદ ગણાય છે તે, લગભગ પાંચ હજાર વર્ષ પહેલાંનો છે એટલે આ કલા તેટલી પ્રાચીન તો છે જ. આ કલા એક દૈવી કલા છે. આપણા દેવદેવીઓ સંગીતકલામાં નિપુણ હતાં. દેવી સરસ્વતી અને નારદ વીણાવાદનમાં, શ્રી ગણેશ મૃદંગવાદનમાં, શ્રીકૃષ્ણ બંસીવાદનમાં, ભગવાન શંકર તાંડવનૃત્યમાં અને પાર્વતી લાસ્યનૃત્યમાં પ્રવીણ હતાં. વળી, કથાઓ પ્રમાણે ઈન્દ્રરાજાના દરબારમાં કિન્નરો અને ગાંધર્વો ગાયનવાદન કરતા અને અપ્સરાઓ નૃત્ય કરતી. એટલે સંગીત એ દેવીની કલા છે એમ કહેવાય છે તે બરાબર છે.

મનુષ્યજીવનમાં સંગીતકલા એ જન્મથી અંત સુધી અનેક રીતે ઉપયોગી થાય છે. તે સુખમાં આનંદ અને દુ:ખમાં દિલાસો આપે છે. વ્યક્તિગત તેમજ સામુદાયિક જીવનમાં તે સરખી રીતે ઉપયોગી છે. શુભ પ્રસંગોમાં તો સંગીત સિવાય ચાલતું જ નથી. આ કલાની જીવનમાં આટલી બધી જરૂરત હોવાથી તે શીખવી એ દરેકની ફરજ છે. શાસ્ત્રીય સંગીત માટે સાધનાની ખૂબ જરૂર રહે છે, પણ તે સાધ્ય થયા પછીથી અનેરો આનંદ આપે છે. કોઈ પણ કલા માટે સાધનાની જરૂર તો રહે છે જ. સંગીતથી મનુષ્યને ચાર પ્રકારના ફાયદા થાય છે : (1) શારીરિક (2) માનસિક (3) આર્થિક અને (4) આધ્યાત્મિક.

સંગીત ગાતી વખતે હંમેશાં શ્વાસ રોકીને ગાવાનું હોય છે. એટલે ગાયકે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર પૂરો કાબૂ મેળવવાનો હોય છે. આ એક રીતે પ્રાણાયામ છે. તેનાથી ફેફસાં મજબૂત બને છે. વાદ્ય વગાડનારને પણ શરીરનાં સ્નાયુ કેળવવા પડે છે. નૃત્યમાં આખા શરીરને કસરત મળે છે અને તેથી શરીર નીરોગી રહે છે. સારું સંગીત ગાવા-વગાડવાથી અને સાંભળવાથી મન પ્રફુલ્લિત બને છે. મનમાં કલેશ કે દુ:ખ ઉત્પન્ન થયાં હોય તો તે ભૂલાઈ જાય છે. સારા સંગીતની અસર મનુષ્ય ઉપર તો શું પણ પશુપક્ષી ઉપર પણ પડે છે. પુરાણની કથાઓમાં તે વિષેની અનેક વાતો છે. વીણાના નાદમાં લુબ્ધ થયેલાં હરણાંની વાતો આપણે સાંભળેલી છે. ગાયોને દોહતી વખતે તેમને સંગીત સંભળાવવાથી તે વધારે દૂધ આપે છે તે તો પ્રયોગો મારફતે પુરવાર થયું છે. સંગીત દ્વારા અસાધ્ય ગણાતા માનસિક રોગો સાધ્ય થયાના પણ ઘણા દાખલા છે. એ રીતે તે માનસિક રોગોમાં પણ ઉપયોગી છે. સંગીતના કલાકાર થવાથી કલાકાર સમાજમાં સન્માન પામે છે અને તે તેનો આર્થિક નિર્વાહ કરવામાં પણ મદદરૂપ થાય છે. સંગીતમય પ્રભુભજન દ્વારા માણસ દુન્યવી વાતાવરણ સહેલાઈથી ભૂલી જઈને તેનાથી પર, ઉચ્ચ વાતાવરણમાં પ્રવેશ કરી શકે છે અને સદવૃત્તિનો વિકાસ કરી શકે છે. મનુષ્યજીવનનું અંતિમ ધ્યેય મોક્ષ છે. તેને પ્રાપ્ત કરવા માટે સંગીતમય પ્રભુભજન જેવું બીજું એકે સહેલું સાધન નથી. નરસિંહ મહેતા, તુલસીદાસ, સૂરદાસ, કબીર, મીરાંબાઈ વગેરે સંત મહાત્માઓ પ્રભુભજન દ્વારા મોક્ષ પામ્યા એ જાણીતી વાત છે. એ રીતે સંગીત આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ જરૂરી છે.

સંગીતના મુખ્ય બે વિભાગ છે. (1) લોકસંગીત અને (2) શાસ્ત્રીય સંગીત.
લોકસંગીત શબ્દપ્રધાન અને પ્રાથમિક અવસ્થાનું સંગીત છે. તેમાં ગીતના અર્થને વધારે મહત્વ હોય છે. તેના ઢાળ સીધા સાદા અને તાલ પણ સાદા હોય છે. ધૂન, ભજન, રાસ, ગરબા, ખાંયણાં, હાલરડાં, લગ્નગીતો વગેરે લોકસંગીત છે. જ્યારે શાસ્ત્રીયસંગીત સ્વરપ્રધાન સંગીત છે. તેમાં કાવ્ય કે ગીતને બહુ ઓછું મહત્વ હોય છે. તેમાં રાગ અને તાલના નિયમો ખૂબ ચોકસાઈપૂર્વક પાળવાના હોય છે. ધ્રુપદ, ધમાર, ખ્યાલ, ટપ્પા હોરી, તરાણા, ઠુમરી વગેરે શાસ્ત્રીય સંગીતના પ્રકાર છે.

સંગીત શબ્દનો અર્થ : ‘સંગીત’ એ શબ્દના અર્થપ્રમાણે તો ‘સારી રીતે ગવાય તેનું નામ સંગીત’ એમ થાય, પણ તેમાં (1) ગાયન એટલે ગાવું, (2) વાદન એટલે વાજિંત્ર વગાડવું તથા (3) નૃત્ય – એ ત્રણે કલાનો સમાવેશ થાય છે. આ ત્રણે કલાઓમાં ગાયન એ મુખ્ય છે, કારણ કે તે સ્વતંત્ર છે. ગાયનના આધારે વાદન અને વાદનના આધારે નૃત્ય થાય છે. સંગીતનો સંબંધ ‘ધ્વનિ’ એટલે કે અવાજ સાથે છે. તે કેવી રીતે ઉત્પન્ન થાય છે તે આપણે સમજવું જોઈએ. ગુજરાતીમાં કહેવત છે કે ઘા, વા અને ઘસરકાથી અવાજ ઉત્પન્ન થાય છે. કોઈ પણ બે વસ્તુ સામસામી અથડાવીએ અથવા એક વસ્તુ ઉપર બીજી વસ્તુનો આઘાત કરીએ અથવા અમુક વસ્તુમાં હવા ભરીએ તો અવાજ પેદા થાય છે. દાખલા તરીકે, મંજીરા સામસામા અથડાવીએ તો અવાજ પેદા થાય છે. તંબૂરાના તારને આંગળી વડે છેડવાથી, સિતારના તાર ઉપર નખી વડે આઘાત કરવાથી, દિલરૂબાના તાર ઉપર ગજ ચલાવવાથી અવાજ પેદા થાય છે. વાંસળી, શરણાઈ, હાર્મોનિયમ વગેરે વાદ્યમાં હવા ભરવાથી અવાજ પેદા થાય છે. અવાજ કરતી દરેક વસ્તુ ધ્રુજે છે અને આજુબાજુની હવાને ધ્રુજાવી મૂકે છે. આ ધ્રુજારીનાં મોજાં આપણા કાનની અંદરના પડદા ઉપર અથડાય છે અને આપણે અવાજ સાંભળી શકીએ છીએ. સિતાર, તંબૂર દિલરૂબા, વાયોલિન, સારંગી વગેરે વાદ્યોના તારને જ્યારે છેડવામાં આવે છે ત્યારે આપણે ધ્રુજતો જોઈ શકીએ છીએ તેવી જ રીતે, ઢોલ અથવા તબલા, વગાડવામાં આવે છે ત્યારે તેની ઉપરનું ચામડુ ધ્રુજવા માંડે છે. હાર્મોનિયમમાં હવા ભરવાથી તેની અંદર ગોઠવેલી સ્વરની પતરીઓ ધ્રુજવા માંડે છે. આપણા ગળામાં પણ સ્વરપેટી છે. જ્યારે આપણે બોલીએ અથવા ગાઈએ છીએ ત્યારે બહાર નીકળતી હવાના આઘાતથી તે ધ્રુજવા માંડે છે અને અવાજ પેદા કરે છે. એટલે ટૂંકમાં અવાજ કરતી દરેક વસ્તુ ધ્રુજતી હોય છે.

અમુક અવાજ આપણા કાનને ગમતો હોય છે અને અમુક ગમતો હોતો નથી. જે અવાજ આપણા કાનને ગમે તે સંગીત-ઉપયોગી અવાજ કહેવાય છે. અને તેની કંપન સંખ્યા નિયમિત હોય છે. જે અવાજ આપણા કાનને ગમતો હોતો નથી તેને આપણે ઘોંઘાટ અથવા કોલાહલ કહીએ છીએ અને તેવા અવાજની કંપન-સંખ્યા અનિયમિત હોય છે. કંપન અને આંદોલન સામાન્ય રીતે તો એક જ છે, પણ તેની ગતિમાં ફેર છે. કંપનની ગતિ ઝડપી હોય છે જ્યારે આંદોલનની ગતિ ધીમી હોય છે. સિતારના તારને છેડવામાં આવે ત્યારે તે બહુ ઝડપથી ધ્રૂજતો હોય છે માટે તે તાર કંપન કરે છે એમ કહેવાય. જ્યારે ઘડિયાળના લોલકને હલાવીએ અને જે ગતિ કરે તેને આંદોલન કહેવાય. આમ તાત્વિક ફેર હોવા છતાં કંપન અને આંદોલન બન્ને શબ્દો એકબીજાની જગ્યાએ વપરાય છે. હવે નાદ અને સ્થાન સમજીએ. સંગીત-ઉપયોગી અવાજને નાદ કહેવાય છે, અને તેની કંપન-સંખ્યા નિયમિત હોય છે. એક નાદથી તેનાથી બમણા ઊંચા નાદ સુધીના વચ્ચેના ગાળાને સ્થાન કહે છે. આવા સ્થાનમાં અસંખ્ય નાદ હોય છે, પણ તેમાંથી સાંભળીને છૂટા પાડી શકાય તેવા નાદ બાવીસ છે, જેને શ્રુતિ કહે છે. આ બાવીસ નાદમાંથી મુખ્ય નાદ સાત મનાય છે, જેને આપણે સ્વર કહીએ છીએ. તેના નામ આ પ્રમાણે છે : ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ. ગાતી વખતે આ સ્વરોને સા, રે, ગ, મ, પ, ધ, ની એ રીતે ગાવામાં આવે છે.

સ્વરોના પ્રકાર : સ્વરોના મુખ્ય બે પ્રકાર છે : (1) પ્રાકૃત અથવા શુદ્ધ અને (2) વિકૃત. પહેલા પ્રકારના સ્વરો અમુક ચોક્કસ શ્રુતિઓ ઉપર નક્કી કરવામાં આવ્યા છે. તેવા સાત સ્વરો છે. સા, રે, ગ, મ, પ, ધ, ની આ સ્વરો શુદ્ધ કહેવાય છે. આ સ્વરોમાં ત્રણ ભાગ પડે છે. આમાં ‘સા’ અને ‘પ’ બે સ્વરો એવા છે કે કોઈ પણ વખત પોતાનું સ્થાન બદલતા નથી. એટલે તે બે સ્વરોને (સા અને પ ને) અચલ સ્વરો કહે છે. રે, ગ, ધ અને ની આ ચાર સ્વરો એવા છે કે તે પોતાના સ્થાનથી થોડા નીચે ઊતરી શકે છે. જ્યારે તે નીચે ઉતરે ત્યારે તેને કોમળ સ્વર કહે છે. ‘મ’ એ સ્વર પોતાના સ્થાનથી થોડો ઊંચો જઈ શકે છે. જ્યારે તે ઊંચો જાય ત્યારે તેને તીવ્ર સ્વર કહે છે.

શુદ્ધ સ્વર : ચોક્કસ શ્રુતિ ઉપર નક્કી કરેલ સ્વર
કોમળ સ્વર : શુદ્ધ સ્વર કરતાં થોડો નીચો સ્વર
તીવ્ર સ્વર : શુદ્ધ સ્વર કરતાં થોડો ઊંચો સ્વર

આપણા સંગીતમાં સમાન્ય રીતે બાર સ્વરોનો ઉપયોગ કરવામાં આવે છે, તે સ્વરો નીચે પ્રમાણે છે.

સા, પ……………… અચલ સ્વર………………. = 2
રે, ગ, ધ, ની…….. 4 શુદ્ધ અને 4 કોમળ……….. = 8
મ……………………. શુદ્ધ અને તીવ્ર……………= 2 (કુલ : 12)

Picture 065

સપ્તક : એક ‘સા’થી તેનાથી બમણાં ઊંચા ‘સા’ સુધીનો ગાળો, કે જેમાં સાત સ્વરો આવે છે તેને સપ્તક કહે છે. સામાન્ય રીતે સપ્ત એટલે સાત. આ સાત સ્વરોના સમૂહને સપ્તક કહે છે, પણ તેમાં ઉપરનો ‘સા’ ઉમેરીએ તો જ સપ્તક પૂરું થયું ગણાય. સપ્તક ઘણાં છે, પણ આપણા વપરાશમાં મુખ્ય ત્રણ સપ્તકો જ આવે છે. તેનાં નામ છે : (1) મંદ્ર (2) મધ્ય અને (3) તાર સપ્તક. મધ્ય સપ્તકથી, બમણું નીચું સપ્તક તે મંદ્ર સપ્તક. જે સપ્તકમાં આપણે તકલીફ સિવાય સહેલાઈથી ગાઈ શકીએ તે મધ્ય સપ્તક. મધ્ય સપ્તકથી બમણું ઊંચું તે તાર સપ્તક. મંદ્ર સપ્તકનો અવાજ હૃદયમાંથી, મધ્ય સપ્તકનો અવાજ ગળામાંથી અને તાર સપ્તકનો અવાજ. તાલુસ્થાન-તાળવામાંથી નીકળે છે.

Picture 066

અલંકાર : નિયમિત અને અનુક્રમવાળી સ્વરરચનાને અલંકાર અથવા તાનપલટા પણ કહે છે. દા.ત, સારેગ, રેગમ….. સારેગમ, રેગમપ…… સાગ, રેમ…. સાગરેસા….. રેમગરે… વગેરે.

આરોહ : સ્વરના ચડતા ક્રમને આરોહ કહે છે. દા,ત : સા રે ગ મ પ ધ ની સા

અવરોહ : સ્વરોના ઊતરતા ક્રમને અવરોહ કહે છે. દા, ત: સા ની ધ પ મ ગ રે સા.

રાગ : મનનું રંજન કરે તે રાગ, એવી રાગની એક ટૂંકી વ્યાખ્યા છે, પણ લોકોનું મનોરંજન કરે તેવી, આરોહ-અવરોહ અને વાદી-સંવાદીવાળી સુંદર રચનાને રાગ કહે છે.

સ્વરસંવાદ : બે સ્વરોના સુમધુર મિલાપને સ્વર સંવાદ કહે છે. આવા સ્વરસંવાદ ત્રણ છે. (1) સા અને સા, (2) ‘સા’ અને ‘પ’ (3) ‘સા’ અને ‘મ’ કોઈ પણ બે ‘સા’ સાથે વગાડીશુ તો તે આપણા કાનને મધુર લાગશે તેવી જ રીતે ‘સા’ અને ‘પ’ સાથે વગાડીશું અથવા ‘સા’ અને ‘મ’ સાથે વગાડીશું તો તે પણ મધુર લાગશે અને બન્ને સ્વરો એકબીજામાં મળી જતા હોય તેમ લાગશે. આમાં પહેલા પ્રકારને ષડ્જ-ષડ્જ ભાવ, બીજા પ્રકારને ષડ્જ-પંચમ અને ત્રીજા પ્રકારને ષડ્જ-મધ્યમ ભાવ કહેવામાં આવે છે. ષડ્જ-ષડ્જ ભાવમાં સ્વરો એક જ છે, ફક્ત ઊંચા નીચા હોય એટલો ફેર છે, આ ભાવ શ્રેષ્ઠ ગણાય છે. કોઈ પણ સ્વરથી તે સ્વર ગણતા પાંચમો સ્વર તે સ્વર જોડે સંવાદ કરે તેને ષડ્જ-પંચમ ભાવ કહે છે. આ ભાવ ઉત્તમ ગણાય છે. કોઈ પણ સ્વરથી તે સ્વરને ગણતાં ચોથો તે સ્વર સાથે સ્વર સંવાદ કરે તેને ષડ્જ-મધ્યમ ભાવ કહે છે. ષડ્જ-પંચમ ભાવના કરતાં તે ઊતરતો ગણાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરી – પરેશ કળસરિયા
ગૃહિણી – શૈલજાનંદ મુખોપાધ્યાય Next »   

11 પ્રતિભાવો : સંગીતશાસ્ત્ર પ્રવેશિકા – પ્રાણલાલ વી. શાહ

 1. Dr Janak Shah says:

  Here basic things are described with simple explanation. Those who want to learn music must know these basic things. It is written by an experienced teacher whom I know since my birth.

 2. જય પટેલ says:

  સંગીતકળાની માહિતી વિષે થોડામાં ઘણું પિરસતો લેખ.

  ભારતમાં સંગીતનું સંવર્ધન કરવામાં મોગલ સલ્તનતનો ફાળો
  વિસરી શકાય તેમ નથી.

 3. સંગીતશાસ્ત્ર વીશેની પ્રાથમીક માહિતિ આપતો રસપ્રદ લેખ. ધન્યવાદ.

 4. Sarika Patel says:

  સરસ લેખ

 5. Jagat Dave says:

  આ પુસ્તક ખરીદવામાં હું રસ ધરાવું છું.

  પ્રાપ્તિસ્થાન વિષે જો કોઈ વાંચક અથવા મૃગેશભાઈ જાણતાં હોય તો તો મહેરબાની કરીને આપવા વિનંતી.

  આભાર.

 6. nim says:

  આ લેખ કોઈ સંગીત શીખતુ હોઈ, એમને માટે ઉપયોગી છે.
  બાકી …….

  ધન્યવાદ
  નિમ

 7. Vraj Dave says:

  સ ર સ.

 8. ranjan pandya says:

  આ પુસ્તક ક્યાં મળે ?ઘણો પ્રયત્ન કરવા છતાં સંગીત શીખવા માટેની કોઇ બુક કશેથી મળતી નથી.માહીતીહોય તો આપશો તો આભારી થઈશ્.

 9. મેઁ કરેલા થોડા સઁગીતના અભ્યાસ મુજબ
  આ લેખની માહિતી ઉત્કૃષ્ટ પ્રકારર્ની છે !
  લેખકશ્રેી અને મૃગેશભાઇનો આભાર ! !

 10. Neela says:

  ખુબ સરસ માહિતી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.